સોમવાર, 5 ઑગસ્ટ, 2019

શિવ અને શિવલિંગ....(ભાગ -1)


આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર દેશના શિવાલયોમાં ૐ નમ: શિવાયના અને હર-હર ભોલેનાથના નારાથી મંદિરના ગર્ભગૃહો ગુંજી ઉઠ્યા છે ત્યારે એ જ ભોલેનાથના પ્રતિક સમા શિવલિંગને આજે સાવારે જ્યારે હું રાજશ્રી સાથે નમન કરીને આવ્યો છું ત્યારે એની બે વાતો કરું. હા, એ શિવાલયોમાં રહેલ શિવલિંગને જ ક્યાંક રોમનો પ્રયાપાસ તરીકે ઓળખે છે. તો એ જ શિવલિંગ કે જેના અનેક અવશેષો એની પુજા સામગ્રી સાથે આજથી ઇ.સ.પ્રૂર્વે 3500- 2300 વર્ષ પહેલા રહેલી મોહેં-જો-દડો અને હડ્ડપ્પાની સંસ્કૃતિમાંથી(સિંધુ ખીણની સંસ્કૃતિ – કાલીબંગા અને એની આસપાસના વિસ્તારો) મળી આવેલ છે. હા એ જ શિવલિંગ કે જેમાંના કોઇક ને અર્જુને સ્થાપ્યું તો કોઇકને ભીમે સ્થાપ્યું અને એને પુજ્યું અને જે મહાભારતના સમયની આજે પણ સાક્ષી પુરે છે અને એને જ આજે આપણે પુજ્યે છીએ તો આવતીકાલે બીજી નવી પેઢી પુજશે. એ જ શિવલિંગ કે જે રાવણે પુજા કરી અને ભોળાનાથને રીઝવીને એના પ્રતિક સમા શિવલિંગને ઉંચકીને લઇ જતા નીચે મુકાયું અને ત્યાં જ રહી ગયેલ જ્યોર્તિલિંગ કે ચંદ્રએ શિવજીને પ્રશન્ન કરવા માટે પ્રભાસ પાટણમાં આરાધેલ સોમનાથનું જ્યોર્તિલિંગ અને દેશમાં જુદી જુદી જગ્યાએ આવેલા બાકી રહેલ 9 જ્યોર્તિલિંગ હોય કે સામન્ય શિવાલિંગ હોય બસ બધાની કહાની અલગ છે પણ આરાધ્ય દેવ, દેવાધિદેવ ભોલેનાથ શંકર, શિવ તો એક જ છે. શિવ તો સરળતાથી પામી શકાય અને પ્રશ્ન્ન કરી શકાય એવા દેવ છે. વધારે નહી માત્ર 300 -400 વર્ષ જુનો ઇતિહાસ જોઇએ તો પણ ભગવાન ભોળાનાથ પ્રશન્ન થયા હોય અને વરદાન આપ્યા હોય એવા અનેક ઐતિહાસિક સ્થળો મળી આવે. સૌરાષ્ટ્રમાં નાગેશ્વર, ભીમનાથ, જડેશ્વર કે તરણેતર જેવા અનેક મોટા સ્થાનકો આવેલા છે. મને તો એવું ચોક્ક્સ કહેવાનું મન થાય છે કે કદાચ આ દેવ સરળતાથી એની પૂજાથી પ્રાપ્ત કરી શકાય છે એની પાછળ એમના આ લિંગ સ્વરૂપ પ્રતિકની જ પૂજા કારણભૂત છે. દ્વાપરયુગમાં મહાભારત કાળમાં શિવજીએ પોતે પોતાના ભક્તોને કહ્યું કે કળિયુગમાં કોઇ વધારાના રૂપમાં હું પ્રગટ નહી થાવું પણ નિરાકાર અને સર્વવ્યાપી સ્વરૂપે જ હું રહીશ. અને એમનું આ પ્રતિક એટલે જ શિવલિંગ. ભગવાન શંકરના સ્વરૂપને પૂજવા માટે શિવલિંગ સ્થપાયું અને અનેક મંદિરોમાં ગામે ગામ એ સ્થાન પામ્યું અને અનેક પેઢીઓ અને દેશની પરંપરાને જીવતી રાખી. તો બીજી બાજુ શૈવ સંપ્રદાયમાં પ્રતિમાવિહિન સ્વરૂપની જે ચર્ચા કરવામાં આવી છે એમાં ત્રણ વાતોનો ઉલ્લેખ જોવા મળે છે. પરાશિવ એટલે ભગવાન શિવ શાશ્વત, નિરાકાર અને અનંત સ્વરૂપ છે એની વાત છે. જે શિવલિંગનો ઉલ્લેખ કરે છે તો બીજુ છે પરાશક્તિ. જેમાં સર્વોચ્ચ ઊર્જા એટલે કે શ્રેષ્ઠ શક્તિ, સર્વવ્યાપી શુદ્ધ ચેતના અને મૌલિક પદાર્થના સ્વરૂપે પરમાત્મા હાજર છે એની ચર્ચા છે. તો ત્રીજી વાત પરમેશ્વર જે આકાર સ્વરૂપ છે જેમ કે શિવ.
આ શિવલિંગ શબ્દમાં રહેલ લિંગ શબ્દને અનેક લોકોએ ક્યાંક અલગ જ અર્થમાં લીધો છે ત્યારે ચોક્ક્સ જાણાવવાનું મન થાય કે સંસ્કૃતમાં લિંગનો અર્થ પ્રતિક થાય છે. અને શિવલિંગ એટલે શિવનું પ્રતિક. હક્કિકતમાં તો આ શિવલિંગ બ્રહ્માંડનું પ્રતિક ગણાય છે. આ અર્થમાં લિંગ શબ્દને જો સંસ્કૃતભાષામાં જોવા જઇએ તો...
त आकाशे न विधन्ते (રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ લક્ષણો આકાશમાં નથી પરંતુ શબ્દ જ આકાશનો ગુણ છે.)
निष्क्रमणम् प्रवेशनमित्याकश स्य लिंगम् (જેમાંથી પ્રવેશ થઇ શકે અને નિકળી પણ શકાય એ લિંગ જ આકાશનો ગુણ છે.)
अपरस्मिन्नपरं युगपच्चिरं क्षिप्रमिति काललिङ्गानि । ( જેમાં પર, અપર, યુગપત, વિલમ્બ, ક્ષ્રિપ્રમ જેવા પ્રયોગ હોય છે એને કાળ કહે છે અને એ કાળ એ પોતે એક લિંગ છે.)
इत इदमिति यतस्यद्दिश्यं लिंगम । (જેમાં પૂર્વ-પશ્ચિમ, ઉતર- દક્ષિણ, ઉપર-નીચે જેવા પરિમાણો હોય છે એને જે દિશા કહેવાય અને એ બધી જ દિશાઓના લિંગ છે.)
इच्छाद्वेषप्रयत ्नसुखदुःखज्ञाना न्यात्मनो लिंगमिति (જેમાં રાગ, દ્વેષ, વેર, પુરુષાર્થ, સુખ, દુખ, જ્ઞાન જેવા ગુણ છે તે જીવાત્મા છે અને દરેક જીવાત્મા લિંગ છે.)
આમ શૂન્ય, આકાશ, અનંત, બ્રહ્માંડ અને નિરાકાર પરમપુરુષનું પ્રતિક હોવાના કારણે એને લિંગ/શિવલિંગ કહેવાયું. સ્કંધપુરાણમાં કહેવાયું છે આકાશ પોતે એક લિંગ છે અને ધરતી એની પીઠ અને આધાર છે. બ્રહ્માંડની દરેક વસ્તુ આ અનંત શૂન્યમાં જ ઉત્પન થઇ છે અને છેલ્લા એમાં જ ભળી જશે. આમ ગતિમાન બ્રહ્માંડની ધરીને શિવલિંગ કહેવામાં આવ્યું છે.
શિવપુરાણમાં આ જ લિંગને અગ્નિ સ્વરૂપે દર્શાવાયું છે તો અઢાર પુરાણોમાં ભગવાન મહેશ્વરની મહિમા દર્શાવતું વેદ વ્યાસ રચીત પુરાણ એટલે લિંગપુરાણ છે જેમાં યોગ અને કલ્પની વાત રજુ થઇ છે. આ જ શિવલિંગનો અર્થવવેદ અને બીજા કેટલાક ઉપનિષદોમાં કે બીજા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે જોઇએ તો ...
यस्य त्रयसि्ंत्रशद् देवा अग्डे. सर्वे समाहिताः । स्कम्भं तं ब्रूहि कतमः सि्वदेव सः ।। अथर्ववेद कांड 10 सूक्त 7 श्लोक 13
સ્તંભ વિશે મને કોણ બતાવી શકશે. .એ જ કે જેના શરીરમાં 33 દેવતાઓ બીરાજેલ છે.
पिण्डब्रह्माण्डयोरैक्यं लिङ्गसूत्रात्मनोरपि । स्वापाव्याकृतयोरैक्यं स्वप्रकाशचिदात्मनोः ॥योगकुण्डलिनी उपनिषद् 1.81
સમગ્ર સંસાર અને સૂક્ષ્મ જગત એક છે એ જ રીતે શિવલિંગ અને સૂત્રાત્મન, તત્વ અને રૂપ, ચિદાત્મા અને આત્મ-દિપ્તિમાન પ્રકાશ પણ એક જ છે.
स्कम्भो दाधार द्यावापृथिवी उभे इमे स्कम्भो दाधारोर्वन्तरिक्षम् । स्कम्भो दाधार प्रदिशः षडुर्वीः स्कम्भ इदं विश्वं भुवनमा विवेश ।। अथर्ववेद कांड 10 सूक्त 7 श्लोक 35
સ્તંભે ધરતી અને ધરતીના વાતાવરણને જાળવી રાખ્યું છે. સ્તંભે 6 દિશાઓને જાળવી રાખી છે અને આ સ્તંભ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયેલું છે.
तत्र द्वादशादित्या एकादश रुद्रा अष्टौ वसवः सप्त मुनयो ब्रह्मा नारदश्च पञ्च विनायका वीरेश्वरो रुद्रेश्वरोऽम्बिकेश्वरो गणेश्वरो नीलकण्ठेश्वरो विश्वेश्वरो गोपालेश्वरो भद्रेश्वर इत्यष्टावन्यानि लिङ्गानि चतुर्विंशतिर्भवन्ति ॥ गोपाला तापानी उपनिषद् श्लोक
બાર સૂર્યો , અગિયાર રૂદ્ર, આઠ વસુ, સાત ઋષિ, બ્રહ્મા, નારદ, પાંચ વિનાયક, વિરેશ્વર, રૂદ્રેશ્વર, અંબિકેશ્વર, ગણેશ્વર, નિલકંઠેશ્વર, વિશ્વેવર, ગોપાલેશ્વર, ભદ્રેશ્વર અને 24 બીજા શિવલિંગોનો અહીં વાસ છે.
તમીલ શાસ્ત્ર तिरुमंत्रम् માં શિવલિંગનો ઉલ્લેખ અનેક વખત થયો છે એન એમાં લખાયું છે કે શિવલિંગ એક જીવ છે પ્રકાશ આપનારો અનંત પ્રકાશનો સ્ત્રોત છે નહી કે ઇંદ્રિયોને ભ્રમિત કરનારો.
તો આ વાત આપણો હિંદુ શાસ્ત્રોમાં લખાયેલી છે. આ જ શિવલિંગના સ્વરૂપને જો શાંતિથી જોવો તો જણાશે કે શિવલિંગને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય. નીચેનો ભાગ જે ચારે બાજુએથી જમીન સાથે જોડાયેલ છે જેને બ્રહ્મા ગણવામાં આવે છે. વચ્ચેનો ભાગ જે આઠ બાજુઓનો છે જે મુખ્ય આધાર છે. જેને વિષ્ણુ ગણવામાં આવે છે. અને સૌથી ઉપરનો ઇલિપ્ટીક્લ ભાગ જે લગભગ એક ઇલિપ્સના પરિઘનો 1/3 જેટલો બહાર હોય છે જેને શિવ ગણવામાં આવે છે. આમ શિવલિંગ એ ત્રિદેવનું એક અનોખું પ્રતિક ગણી શકાય. તો બીજી બાજુ આ શિવલિંગને જ સર્જન અને વિસર્જનનું પ્રતિક માનવામાં આવે છે. શિવલિંગનો ઇલિપ્ટિકલ ભાગ બ્રહ્માંડને રજુ કરે છે. સ્કંધ પુરાણમાં પણ ઉલ્લેખ છે કે આ સમગ્ર બ્રહ્માંડ શિવલિંગના કેન્દ્રમાંથી ઉત્પન્ન થયું છે અને એમાં જ પાછું સમય આવ્યે વિલિન થઇ જાશે. શિવલિંગ મુખ્યત્વે ગ્રેનાઇટનું બનેલું હોય છે અને બીજું જે આપણા વૈદિક ઋષિઓ જાણતા હતા એમ પારાને બાંધીને બનાવેલ શિવલિંગ. પારાને બાંધવાની આ કળા ભારતવર્ષમાં સદીઓથી જાણીતી છે.
સાચુ કહું, હિમાલયની કંદરાઓમાં બર્ફાનીબાબા અમરનાથના સ્વરૂપની વાત હોય કે છેક છેવાડે સ્વયંમ રામ દ્વારા સ્થાપિત રામેશ્વરના જ્યોર્તિલિંગના સ્વરૂપની વાત હોય દરેક શિવલિંગ એક કથા અને અનેકની આસ્થાને સમાવીને બેઠું છે ત્યારે એમ કહીશ કે લિંગાષ્ટકમ હોય કે જ્યોર્તિલિંગ સ્તોત્ર કે માર્ગ સહાય લિંગ સ્તુતિ બધે જ શિવલિંગની પ્રસંશા થઇ છે અને એમાં ભગવાન પાસે આર્શિવાદ મંગાયા છે. ક્યાંક એમ પણ કહેવાયું છે શિવલિંગની પૂજાથી પ્રાપ્ત કરેલું પુણ્ય ત્યાગ, તપસ્યા, દાન કે તિર્થયાત્રાથી મળતા પુણ્ય કરતાં પણ ચઢિયાતું છે. આમ તો મને રાવણરચિત શિવતાંડવ સ્તોત્ર ગમતું હોય છે અને હું તો શ્રાવણ મહિનામાં એનો પાઠ કરું જ છું તમતામરે તમને ગમે તે કરો .... કરો જલાભિષેક, દુધનો અભિષેક અને બોલો ૐ નમ: શિવાય. કે હર હર ભોલે જય શંભુ.....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો