રવિવાર, 7 ઑગસ્ટ, 2022

ઓસ્ટ્રેલિયાની ધરતી પર ફાફડાની મોજ !!!!!



રસોડાનો સીધો સંબંધ ક્યાંક આપણી જઠરાગ્નીને સ્પર્શે. એટલે જ તો શ્રી કૃષ્ણએ ગીતાના 15મા અધ્યાયના 14મા શ્લોકમાં કહ્યું છે કે


अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रित: |

प्राणापानसमायुक्त: पचाम्यन्नं चतुर्विधम् || 14||


એટલે કે આ જગતના સમસ્ત જીવ માત્રના પેટમાં જનાર ચારે પ્રકારના અન્નને પ્રાણ અને અપાનની ક્રિયા થકી પચાવનાર અગ્નિ હું જ છું. અત્યારે બીજો પણ એક પ્રસંગ યાદ આવે છે કે- મહાભારતમાં જ્યારે ઋષિ દુર્વાશા એમના શિષ્યો સાથે પાંડવોના વનવાસ સમયે એમની કુટીરે આવે છે અને દ્રૌપદીને કહે છે અમે સ્નાન કરીને આવીએ છીએ ભોજન તૈયાર રાખજો –પણ, ઘરમાં અન્ન હતું નહી !  અને દ્રૌપદી શ્રીકૃષ્ણને યાદ કરે છે અને શ્રીકૃષ્ણ આવી પહોંચે છે અને કહે છે, તું જોતો ખરી ક્યાંક કંઇક પડ્યું હશે ! અને દ્રોપદી થોડું ફંફોશે છે ત્યાં એને રાંધેલા વાસણમાં માંડ એક ભાતનો દાણો મળે છે અને શ્રીકૃષ્ણને વ્યથિત હ્રદયે કહે છે જોવો કેશવ, માત્ર આ એક દાણો અન્ન જ મળ્યું છે અને તમે કહો છો કશુંક હશે ! અને શ્રીકૃષ્ણ એ ભાતનો એક દાણો આરોગે છે અને સમસ્ત જગતના પ્રત્યેક જીવમાત્રની હોજરી ભરાઇ જાય છે. દુર્વશા, દ્રૌપદી પાસે પાછા તો આવે છે પણ આશિર્વાદ આપી પાછા ફરે છે. તો ક્યાંક બીજે છેડે આપણે આ અન્નનો મહિમા અન્નપૂર્ણાદેવી સાથે કર્યો છે. એટલે જ તો ક્યાંક મજાની રસોઇ બનાવી પિરસનારને આપણે અન્નપૂર્ણા કહી ઉઠતા હોઇએ છીએ. પણ આજે મારે, કુરુકક્ષેત્રના યુદ્ધમાં રોજ રાત્રે રસોઇ બનાવનાર ઉડુપી રાજા જેવા એક રોહિતભાઇની વાત કરવી છે.


તમે વિદેશની ધરતી પર હો, અને કોઇક ભારતીય મળે એટલે તો એમ થાય કે વાહ ! અને એમાંય જો ગુજરાતી મળી આવે તો તો સીધુ જ યાદ આવી જાય કે જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ! અને એમાંય જો ક્યાંક ભાવતું ખાવાનું મળી જાય તો તો પુછવું જ શું ? આજે આ વાત એટલે કરવી પડે છે કે અમે ઓસ્ટ્રેલીયામાં આવ્યા એનો આજે 66 મો દિવસ હતો અને હિરલ અને આષિશના મિત્ર રોહિતભાઇ અને શ્રદ્ધાભાભીને ત્યાં રવિવારની સવારે બ્રંચ નિમંત્રણ હતું.  આ પહેલા એમના ઓછામાં ઓછા ત્રણથી ચાર વખત ફોન આવી ગ્યા પણ ક્યાંક મેળ પડતો ન હતો અને આખરે આ રવિવારે એમના નિમંત્રણને માન આપીને અમે એમના ઘરે પહોંચ્યા ! ઓસ્ટ્રેલિયાની ધરતી હોય અને ફાફડા મળે એ વિચાર જ ક્યાંક સ્વપ્ન સમાન લાગી ઉઠે. પણ રોહિતભાઇની ફફડા બનાવવા પર પુરી હાથોટી !  અને જાણે, મને વડોદરાના જૈન મંદિર પાસે ઉભા રહી વહેંચનારા એ બાપ-દિકરાના ફાફડા યાદ આવી ગ્યા, તો ક્યાંક વડોદરામાં ITI ગોરવા પાસે લારી (મયુર) પર ફાફડા વહેંચનારા એ રાજકોટના કાકા યાદ આવી ગ્યા. ફફડાની ફાવટ બધાને નથી હોતી. ચણાનો લોટ-અજમો- મરી-મીઠું-સોડા અને તેલ આ બધું ચોક્ક્સ પ્રમાણમાં મિશ્રણ કરી  લોટ તૈયાર કરી હાથની હથેળીના જે ભાગમાં ચંદ્ર હોય એ છેડાથી બળ લગાવી - શક્ય એટલી પાતળી પટ્ટી પર લોટને ખેંચી જવો એ જ ક્યાંક ખરી કરામત છે, બાકી, જાડા રહી જતાં ફાફડા ક્યાંક કાચા રહી જતા હોય છે અને મજા નથી આપતાં – તો ક્યાંક બન્યા પછી ક્યાં સુધી તેલમાં તળવાએ પણ ચોક્ક્સ ગણતરી માંગી લેનારું છે. પણ, જે રીતે રોહિતભાઇ ફાફડા બનાવી રહ્યા હતાં એ દ્રશ્ય જ ક્યાંક એમના એ લગાવની-આવડતની સાબિતી પુરનારું હતું અને જ્યારે એ ફાફડાની  મરચા અને સંભાર (ગાજર અને પપૈયા બન્નેના સંભાર મજાના બનેલા હતાં અને સાથે કાકડી) સાથે લ્હેજત (લીજ્જ્ત) માણવાનું બન્યું ત્યારે તો ખરેખર બોલી જ જવાયું કે વાહ ! પછી તો એટલા ફફડા ખાધા કે જાણે બપોરનું જમવાનું જ પતી ગ્યું. ફાફડા-વણેલા ગાંઠિયા અને ખમણનો એ બ્રેકફાસ્ટ જાણે અમારા સૌ માટે લંચ બની રહ્યો ! આજે આ ફાફડા મજાના લાગ્યા એમાં બીજા બે પરિબળોનો પણ સંગમ હતો ! રોહિતભાઇ અને શ્રદ્ધાભાભીના આમંત્રણમાં ભાવની ભીનાશ હતી અને પ્રત્યેક પળે કાઠિયાવાડી આગ્રહ હતો. અને મને ક્યાંક યાદ આવી ગ્યો એ કાઠિયાવાડનો દુહો કે....


કાઠિયાવાડમાં તું કોક ‘દી, ભૂલો પડને ભગવાન,

તું થાને મારો મોંઘેરો મહેમાન, તને સ્વર્ગ ભુલાવું મારા શામળા......


ઓસ્ટ્રેલિયાની ધરતી પર સમદરની પાર ફાફડાની મિજબાની પિરસી દરિયા જેવી મોજ કરાવા માટે રહિતભાઇ અને શ્રદ્ધાભાભીનો તહે દિલથી આભાર !