મંગળવાર, 29 ડિસેમ્બર, 2020

માનવજાતને કાયમ માટે સમજણનો સેતુ રચી આપાતું અમોઘ શસ્ત્ર એટલે ભાષા !





મોટા ભાગના ભાષા શાસ્ત્રીઓ માને છે કે આશરે 50000 વર્ષ પહેલા જીભ ના માધ્યમથી માણસ જાતે બોલવાની શરૂઆત કરી હતી અને એ જ ભાષાનો ઉદ્ભવ. વર્ષો પહેલા કોઈ માનવે પોતાના મનની વાતને વ્યક્ત કરવા માટે જ્યારે અવાજનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું ત્યારે જ ભાષાનો ઉદ્ભવ થયો એવું માનવું રહ્યું. સમય વહેતો રહ્યો- પ્રદેશ બદલાતા રહ્યા અને આ અવાજ એના પ્રદેશ કે સ્થળ મુજબ અલગ અલગ ભાષામાં રૂપાંતરિત થતો રહ્યો. જયારે કોઈક જગ્યાએ  લાગણી, ભાવના, શક્યતા કે વિચાર વ્યક્ત થતા હોય છે ત્યારે ત્યાં હંમેશા ભાષાનું વિજ્ઞાન રજૂ થતું હોય છે. 

કલ્પનાને વાચા ફૂટે અને જે સર્જન થાય એ ભાષા ! ભાષા એટલે માણસજાતનું એવું સર્જન કે જ્યાં માનવ મનમાં આકાર પામેલી આકૃતિઓ કે વિચારો શબ્દના રૂપે સાર્થક થતાં હોય છે. કોઈ જાણકારી ને અર્થસભર રીતે રજુ કરવા જે માધ્યમનો ઉપયોગ થાય એ જ ભાષા ! જ્યારે કોઈની ઈચ્છાને, કોઇકના શોખને, કોઈકની લાગણીને કે કોઈકની ભાવનાને રજૂ કરવા જે માધ્યમ કામ લાગે એ જ ભાષા. 

ભાષા જ સંપર્કનો ખરો સેતુ છે, તો ઉચ્ચારણ માટેનું માધ્યમ છે. તો ભાષા જ માણસ જાતનું સૌથી ઉચ્ચકોટિનું સર્જન છે. કોઈક સાથેના સંપર્ક માટેનું જો કોઈ મહતવપૂર્ણ માધ્યમ હોય તો એ ભાષા છે. ભાષાએ સંપર્ક માટેનું માત્ર માધ્યમ જ નથી પણ વિચારોને રજૂ કરી નવી આર્થિક વ્યવસ્થા કે સાંસ્કૃતિક સંબંધો બનાવવા તરફની એક પહેલનું પણ મહત્વનું માધ્યમ છે. વિચારોની અભિવ્યક્તિ એ ભાષા છે. તો સામાની સમજણનો સેતુ અને અનુસંધાનનો દોર એ ભાષા છે. સંસ્કૃતિના અસ્તિત્વની  ખરી ઓળખ  ભાષા છે. તો વિચારોના પડઘમની ખરી સમૃદ્ધિ ભાષા છે. ભાષાનું સંપાદન ક્યાંક નવજાત બાળકના રડવાથી કે એના અસંતોષથી થતું હોય છે તો ક્યાંક વૃદ્ધના બોખા સ્મિતમાં ભાષાનો ઘંટારવ પડઘાતો હોય છે.

Oliver Wendell Holmes એ ખૂબ જ સરસ વાત કરી છે કે “Language is the blood of the soul into which thoughts run and out of which they grow.” તો વળી 1964 માં બર્નરે ખૂબ સરસ શબ્દોમાં કહ્યું કે Language is a cultural technique upon which the phylogenetic and ontogenetic development of human intelligence depends.

ભાષાનો પ્રભાવ એવો હોય છે કે એ સતત પ્રતિક્ષણ નવા શબ્દોનો ઓચ્છવ પામતી જ રહેતી હોય છે. અને તે ભાષાના સાહિત્યને બળવાન બનાવતુ જ હોય છે. આજકાલ તો કોઈક બીજી ભાષાનો નવો શબ્દ જાણી એને પોતાની ભાષામાં ઢાળીને કે સેટ કરીને બોલવાનો એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે, જે ક્યાંક મજાનો પણ લાગે છે.  

ભાષામાં બદલાવ આવે છે ક્યાથી ? તો જવાબ છે ઇન્ટરનેટ જેવા માધ્યમો થકી કે પછી જુદી ભાષાના લોકોના સપર્ક થકી ! એક સમયે તો ઓશોએ હિંદી ને રાષ્ટ્રભાષા ન બનાવવા માટે પણ કહ્યું હતું અને એના કારણ સ્વરૂપે જણાવ્યુ હતું કે ભાષાની આટલી મજાની વિવિધતા ધરાવતી ધરતીમાં એવું ન કરવામાં આવે તો આ બધી ભાષાઓના સમનવ્યમાંથી જ કોઈ એક નવી જ ભાષા ઉદભવશે જેનું આયુષ્ય ખૂબ જ લાંબુ હશે.... 

ભાષા હમેશા બદલાતી રહે છે અથવા રૂપાંતરણ પામતી રહે છે. કોઈ એક સમુહ કે એક જ સમૂહના જુદા પ્રદેશમાં પણ કોઈ એક ભાષા બદલાતી હોય છે. પેઢી દર પેઢી ઉચ્ચારોમાં ક્યાંક ને ક્યાક બદલાવ આવે જ છે. ક્યાંકથી કોઈક ભાષામાથી ઉછીના શબ્દો લેવાય છે તો ક્યાંક નવા શબ્દો શોધાય પણ છે. જૂના શબ્દોના બંધારણમાં કે એના વલણમાં ક્યાંક ફેરફાર થાય છે તો ક્યાંક નવું જ નામ કે નવો શબ્દ એનું સ્થાન લેતો હોય છે. ક્યાંક કોઈક ભાષામાં આ પ્રક્રિયા ફાસ્ટ હોય છે તો ક્યાક ધીમી ! પણ ભાષાનું રૂપાંતરણ એ ચોક્કસ અને પ્રતિક્ષણ આકાર પામતી ઘટના છે એ સ્વીકારવું રહ્યું.  અને છતાં દરેક ભાષાને પોતાનો એક અલગ ભૂતકાળ હોય છે અને એ જ રીતે દરેક ભાષાને પોતીકો વર્તમાન પણ હોય છે.  દરેક ભાષાને શબ્દોની સંગત ને સંસ્કૃતિની રંગત હોય છે સહજ અને સરળ એક્સપ્રેસન હોય છે. દરેક ભાષામાં એક લહેકો હોય છે ને ટહુકો હોય છે. ને પોતીકી સંગત હોય છે. ક્યાંક મંત્રોની ગુંજ હોય છે ને ક્યાંક ભજનની છોળો હોય છે. જ્યારે ઓછા શબ્દોમાં ઘણું વ્યક્ત થતું હોય છે ત્યારે ત્યાં શબ્દોનું ગણિત હોય છે એમાં પણ ભાષાનું જ પ્રભુત્વ !  જયારે ચિત્રો માં કંઈક રજુ થાય છે ત્યારે કોઈકનું મૌન બોલતું હોય છે એને  પણ ભાષાનો જ વૈભવ ગણવો રહ્યો. ક્યારેક કોઇકનું ડૂસકું અને હાસ્ય પણ કઈક કહી જાય તો એને પણ ભાષાનો કેકારવ જ ગણી શકાય. ક્યાંક સંગીતના લયની ભાષા એ જીવંતતાનો ખ્યાલ  છે તો પાણીના તરંગની પણ એક ભાષા છે.. ખળખળ વહેતુ જળ એ જાણે નદીની ભાષા છે. આ બધાની વચ્ચે જ્યારે કોઈ  ફૂલની સુંદરતા અને થોરના કાંટા માનવ મનને વિચારોના વમળમાં લઇ જાય ને ત્યારે એની વ્યક્તતામાં ક્યાંક ભાષાનો ઉદ્ભવ થતો હશે એમ માનવું રહ્યું. વિચારોની પણ એક ભાષા છે, ને સપનાઓની પણ કોઈક ચોક્કસ પોતીકી ભાષા  છે. આમ જોવા જઈએ તો આખું જીવન એક અલગ જ પરિભાષા છે.  જોકરની પણ એક ભાષા હોય છે અને ખરા અર્થમાં એના અભિનયનો ક્યાસ કાઢીએ તો એમાં પણ એક જીવતી ભાષા મળે. ભાષાના આ ક્યાસમાં ક્યાંક સમગ્ર જીવન એક નોન ઝીરો સમ ગેઇમ જેવુ લાગે છે. ક્યાંક નિર્વિકાર શૂન્યમાં કોઈ નાદ એ જ નાદબ્રહ્મનો નાદ હોય છે, અને એ જ ભાષાનું ખરું ગૌરીશિખર હોય છે. આ બધાની વચ્ચે જીવનમાં સુમધુર સંગીત ના લયમાં ભાષાનો કોલાહલ હોય છે તો ગીતના શબ્દોમાં એનો લાવણ્યકારી વૈભવ બોલતો હોય છે. 

નાટક એ ભાષાની એક આગવી શૈલી રજુ કરતુ સ્ટેજ છે તો કવિતા એ ભાષાનું હૃદય  છે. ગદ્ય એ ભાષાના સહારે રજુ થતું એક માર્મિક તાર્કિક કે પ્રાસંગિક વર્ણન છે.  તો શબ્દોને જ્યારે લયની સુંવાળપ સાંપડે ત્યારે ભાષાની કૂખે જે ઉદ્દવભવે એ ગઝલ ! વ્યાકરણ ભાષાનું મસ્તિસ્ક છે તો જોડણી એનું હૃદય છે. ભાષા તો એને પોતાના કોઈ મળે અને ખરો મલાજો જળવાય એ રીતે રજૂ થતી  હોય ત્યારે ખરા અર્થમાં ગર્વન્વિત થતી હોય છે અને એ જ એનો સૌથી સુંદર સમય ! તો આ બધાની વચ્ચે ભાષાનો ભૂતકાળ કાયમ એને ગર્વન્વિત કરતો હોય છે. પણ એનો વાર્તમાન કાયમ એને ખૂંચતો હોય છે. એને કાયમ એમ જ થાતું હોય છે કે એ ક્યાંક રોજે રોજ વર્ણશકંર બનતી જાય છે. કદાચ આને જ ભાષાનો સૌથી મોટો ડર ગણવો રહ્યો !  અને આ જ વાતને ક્યાંક ગુજરાતી ભાષા માટે કવિ મૃગાંક શાહે ખુબ જ સરસ રીતે રજૂ કરી છે.  

“બ્લ્યુ બ્લ્યુ સ્કાયમાં રેડ રેડ બર્ડી કરી રહ્યું છે ફ્લાઈ,
આટલુય ગુજરાતી આવડે છે અમને એ જ નથી નવાઈ ?

બીજાને ભલેને પોતાની માતૃભાષા માટે હોય ભારે પ્રાઈડ,
અમે ગુજરાતી હોવાની ઓળખ કરીએ છીએ હાઈડ.

કોઈ પણ ધોળિયાને અમે હોંશે હોંશે આપીએ રાઈડ,
બટકવાડાને બદલે અમને ભાવે છે પોટેટો ચિપ્સ ફ્રાઈડ.

ખોટું ઇંગ્લિશ બોલનારને અહી લોકો ગણે છે બ્રાઇટ,
એ માણસ તો એકદમ દેશી છે જે ગુજરાતી બોલે રાઇટ.

પૈસાની વાત આવે તો અમે ભેગા મળીને કરીએ ફાઇટ,
પણ માતૃભાષા મારવા બેઠી છે એને અમે લઈએ છીએ લાઇટ.

ચગે છે ને શું ફરક પડે છે, પતંગ હોય કે કાઇટ,
ફરક પડશે, આજે નહિ ને કાલે, એ ત્યારે હ્રદય કરશે બાઇટ.”

Arrival મૂવીમાં એક મજાનો ડાયલોગ આવે છે કે Language is the foundation of civilization. It is the glue that holds a people together. It is the first weapon drawn in a conflict. આ  પિક્ચર જોતી વખતે મનના એક ખૂણામાં વિચાર આવી જાય છે કે સદીઓથી એલિયન્સ સાથે કે બીજા દેશ સાથે વાત કરવા ક્યાંક ભાષાના અનુસંધાનની દુનિયાના દરેક ખૂણે પ્રતિક્ષણ શોધ રહી છે. અને આ શોધ પાછળ એ જ આશા કે- આ શોધ જ  વિશ્વના દરેક ખૂણે દરેક દેશમાં ક્યાંક ને ક્યાંક આજે પણ પ્રતિક્ષણ શ્વાસી રહી છે. અને આટલું વિચારું છું ત્યાં મનમાં બીજો વિચાર આવી જાય છે કે  જરૂરિયાત એ સંશોધનની જનેતા છે એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ ભાષાથી વિશેષ બીજું  શું હોઇ શકે ! 

કોઈપણ ભાષાના વ્યાકરણને તો એ ભાષાના નિયમોનું ખરું વર્ણન કે એનું બંધારણ રજૂ કરતું કાયદાકીય પુસ્તક કહેવું રહ્યું. આ બધાની વચ્ચે જ્યારે વૈશ્વિક લેવલે વિચારવા બેસીએ ત્યારે યાદ આવે છે કે  વિશ્વમાં કુલ 6809 ભાષાઓ છે. જેમાંથી 90 % ભાષા એવી છે કે જેને બોલનારા લોકો 1 લાખ કરતાં પણ ઓછા છે. તો બીજી બાજુ 200 જેટલી ભાષા એવી છે કે જેને બોલનાર લોકોની સંખ્યા 10 લાખ કરતાં પણ વધુ છે. 357 ભાષા એવી છે કે જેને બોલનારા 50 કરતાં પણ ઓછા છે. તો બીજી બાજુ 46 ભાષા એવી છે કે જેને બોલનાર કે રજૂ કરનાર આખા વિશ્વમાં માત્ર એક જ વ્યક્તિ છે. 

આવી અનેક ભાષાનો ઇતિહાસ તપાસીએ તો જણાય કે કોરિયન ભાષા ઇસ. પૂર્વે 600 વર્ષ પહેલાની છે દુનિયામાં આ ભાષા બોલનાર 8 કરોડ લોકો છે. આ ભાષા પર ચાઈનીઝ ભાષાનું ઘણું પ્રભુત્વ જોવા મળે છે. તો પશ્ચિમોતર એશિયાની મુખ્ય ગણાતી ભાષા અરેબિક 1000 વર્ષ જૂની ગણાય છે. તો વળી, વિશ્વમાં સૌથી વધુ લોકો બોલી રહ્યા છે એવી ભાષા એટલે ચાઈનીઝ ભાષા. વિશ્વમાં 120-150 કરોડ લોકો આ ભાષા બોલી રહ્યા છે. આ ભાષા ઇસ. પૂર્વે 1200 વર્ષ પહેલાની એટલે કે 3200 વર્ષ જૂની છે. તો વળી, યુરોપની સૌથી પ્રાચીન ભાષા ગ્રીક ગણાય છે જે ઇસ. પૂર્વે 1450 માં આકાર પામેલી એટલે કે લગભગ 3500 વર્ષ જૂની ગણાય છે. જેની બોલીના મુખ્ય પ્રદેશ ગ્રીસ, અલ્બેનિયા, સાઈપ્રયસ ગણાય છે લગભગ 13 કરોડ લોકો આજે પણ આ ભાષા બોલી રહ્યા છે. દુનિયાની પ્રથમ ત્રણ પુરાણી ભાષાઑમાં ગ્રીકનો સમાવેશ થાય છે તો એ પણ ન ભૂલવું જોઈએ કે લેટિન ભાષા પ્રાચીન રોમન સામ્રાજ્યની મુખ્ય ભાષા ગણાતી અને આજે પણ રોમન કેથલિક ચર્ચ ની મુખ્ય ભાષા પણ લેટિન જ ગણાય છે તો આજે પણ વેટિકન સિટી ની મુખ્ય ભાષા લેટિન જ છે. લેટિન ને યાદ કરો અને હિબ્રૂ ને ભૂલી જાવ એ કેમ ચાલે ! હિબ્રૂ લગભગ 3000 વર્ષ જૂની ભાષા ગણાય છે. અને હિબ્રૂ આજે ઈજરાયલની મુખ્ય ભાષા ગણાય છે. એના નામશેષ થયાની ઘોષણા થાય બાદ ઈજરાયલી લોકોએ એને ફરીથી જીવતી કરી છે એ જ આ વિશ્વની સૌથી મોટી ઉપલબદ્ધિ ગણાવી રહી. Mandarin Chinese એ વિશ્વની સૌથી અઘરી ગણાતી ભાષા છે. તો ત્યાર બાદ ક્રમશ: અઘરી ગણાતી ભાષાઑમાં અરેબિક, જાપાનીસ, ,હંગેરિયન, કોરિયન પૉલિશ, રશિયન અને ટર્કીશ આવે છે. આ બધાની વચ્ચે દુનિયાની 20% વસ્તી અંગ્રેજી બોલી જાણે છે. તો 36 કરોડ લોકો એવા છે કે જેની માતૃભાષા અંગ્રેજી છે. તો 130 કરોડ કરતાં વધુ લોકો સમગ્ર વિશ્વમાં અગ્રેજી ભાષા બોલી જાણે છે. પપુઆ ન્યુ ગુએના એટલે વિશ્વનો એવો દેશ કે જ્યાં વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં અલગ અલગ ભાષા બોલાય છે. અહી જુદી જુદી 840 ભાષા બોલાય છે. તો બીજા નબરે 710 જુદી જુદી ભાષા સાથે ઈન્ડોનેશિયા આવે છે તો આફ્રિકાના નાઈજીરિયામાં 515 જુદી જુદી ભાષાઑ હજુ પણ જીવંત છે. તો વળી આ બધામાં ફ્રેંચ વિશ્વની સૌથી સુંદર ભાષાનું બિરુદપામેલ ભાષા છે. તો Norwegian, Swedish, Spanish, Dutch, Portuguese, Indonesian, Italian, French, Swahili જેવી ભાષાઑ સરળતાથી શિખતી ભાષાઑમાં સ્થાન પામે છે. દ્રવીડિયન ભાષાની શ્રુંખલમાં આવતી બધી ભાષાઓમાં તમિલ ભાષાએ વિશ્વની સૌથી પ્રાચીન ભાષા ગણાય છે. તો સંસ્કૃતને દેવભાષાનો દરરજો પ્રાપ્ત થયો છે. બધી જ યુરોપિયન ભાષાઓનું ઉદ્ગમસ્થાન સંસ્કૃત ને માનવામાં આવે છે. અરે દુનિયાની દરેક ભાષાનું ઉદ્ભવ સ્થાન સંસ્કૃત છે એમ કહીએ તો પણ કશું ખોટું નથી. અને એટલે જ આ ભાષા માટે કહેવાયું છે કે  
भाषासु मुख्या मधुरा, दिव्य गीर्वाण भारती |
तस्याम ही काव्यं मधुरम, तस्मा दपि सुभाषितम ||

ભાષા શાસ્ત્રમાં અને એના અભ્યાસને લઈને આ વિશ્વમાં અનેરા ખેડાણ થયા છે, ઐતિહાસિક દ્રષ્ટિએ કોઈ એક ભાષા બીજી કોઈ ભાષા સાથે કેવો સુમેળ ધરાવે છે- એ કઈ બીજી ભાષામાથી રૂપાંતરતીત થઈ છે એ વાતોને રજૂ કરતું એનું આખું એક શાસ્ત્ર વિકાસ પામ્યું છે. આજ-કાલ ભાષા પર જે સંશોધન ચાલી રહ્યા છે એને મુખ્ય બે ભાગમાં વહેચી શકાય. Synchronic Analysis અને Diachronic Analysis. માત્ર આટલેથી જ વાત અટકતી નથી. જ્યાં એક ભાષાનો બીજી એના જેવી જ ભાષા સાથે તુલનાત્મક અભ્યાસ થાય એવા ક્ષેત્રનો પણ વિકાસ થયો છે જેને comparative linguistics તરીકે ઓળખવમાં આવે છે. તો વળી કોઈ શબ્દ લઈ એના ઊંડાણ સુધી- એના ઉદભવથી લઈ એનામાં સંયતરે થયેલા ફેરફારોનો અભ્યાસ કરવાનું અને એને જાણવાનું જે શાસ્ત્ર છે એ Etymology કહેવાય છે. શબ્દોમાં થયેલા ફેરફારોને જાણવા માટે જે રીતનો ઉપયોગ થાય એને Philology કહે છે. જેમાં સ્વર અને ઉચ્ચાર કે પછી એક જ પ્રકારની પણ જુદી પડી આવતી ભાષાનો પણ અભ્યાસ થાય છે.

જે તે પ્રદેશના લોકોની બોલી કે કોઈ એક જુથ કે સમુદાયની ભાષાનો અભ્યાસ અને સંશોધન થાય એને Dialectology તરીકે ઓળખાય છે. કોઈ ભાષાના ચોક્કસ શબ્દો બોલવા સાથે થતાં શારીરિક ફેરફારો અને વર્તણૂકનો જ્યાં અભ્યાસ થાય છે એને Morphology કહે છે. જ્યાં ભાષાના બધારણનો અભ્યાસ થાય છે અને શબ્દોને જોડીને વાક્યો ઘડાય છે એનો જે અભ્યાસ છે એ Syntax કહેવાય છે. આમ ભાષાના અભ્યાસના અનેક ક્ષેત્રો ખૂલ્યા છે. આમ, ભાષાને જાળવવાના કે એના મૂળિયાં સુધી પહોચવાના અનેક આયમો આકાર પામ્યા છે એ મોટા ગર્વની વાત છે. 

Indo-Aryan ગ્રૂપમાં Indo-Iranian સભ્યતામાંથી Indo-European ભાષામાની એક ભાષા એટલે મારી પોતાની ભાષા ગુજરાતી. બીજી  Indo-Aryan ભાષાઓની જેમ જ ગુજરાતી પણ સંસ્કૃત ભાષામાથી ઉતારી આવી છે. અરે આ ભાષા એટલી તો સરળ છે કે જો તમને ખરેખર શીખવાનું પેશન છે તો તમે 15 થી 20 દિવસમાં શીખી શકશો. અરે, ઉર્દુ, સિંધી અને હિન્દી ભાષાના સમન્વય થકી જન્મેલ ભાષા એટલે ગુજરાતી. વિશ્વમાં સાડા 6 કરોડ કરતાં પણ વધુ લોકો ગુજરાતી બોલે છે. અરે સૌથી મોટી ખાસિયત તો એ છે કે ગુજરાતી ભાષાના સ્વર ગમે ત્યાં સ્વતંત્ર રીતે એકલા પણ લખી શકાય છે અને ઉપયોગ માં પણ લઈ શકાય છે. 

મને મારી માતૃભાષા ગુજરાતી ગમે છે કારણ કે દુનિયાના કોઇપણ ખૂણામાં બે ગુજરાતી ભેગા થઇને સહજતાથી ગુજરાતીમાં વાતો કરવા લાગે છે ત્યારે મને વિદેશમાં ગુજરાત ઉભુ થતું ભાષે છે. કેટલીય વખત ક્રિકેટમાં સ્ટંપની પાછળથી પાર્થિવ પટેલનો શુદ્ધ ગુજરાતી લહેકો સંભળાઇ જાય છે ત્યારે મને લાગે છે મારીભાષા અનેક સિમાડાઓ તોડીને સતત વિસ્તરે છે. જ્યારે પ્રધાનમંત્રી વિદેશમાં જઇને ડાયસ પરથી બધાને કેમ છો એમ કહીને ખબર અંતર પુછે છે અને પછી જે અવાજ આવે છે તે સાંભળું છું ત્યારે મને થાય છે કે મારી ભાષા હજુ ઘણી મઝલ કાપવાની છે. અરે હા.... જ્યારે હું થિયેટરમાં જાવું છું અને છેલ્લો દિવસ, ગુજ્જુભાઇ ધ ગ્રેટ, લવની ભવાઇ, સુપરસ્ટાર, ચલ મન જીતવા જઇએ જેવા અર્બન ગુજરાતી પિકચરોને જોવું છું ત્યારે હાશકારો થાય છે અને મન કહે છે હવે મને સારું છે. રેવા જેવા મજાનાં ગુજરાતી પિક્ચર જ્યારે આકાર પામે છે ત્યારે ભાષા અને સંસ્કૃતિનો એક અદ્ભુત સમનવ્ય આખી પ્રજા પામતી હોય છે. 

મને બિથોવનની સિમ્ફની ગમે છે. તો હું રિકીમાર્ટીન કે માઇકલ જેકસનને સાંભળું છું ત્યારે ઝુમી પણ ઉઠું છું પરંતુ જ્યારે જળકમળ છાંડી જા ને .... વાળુ પ્રભાતીયું સાંભળું છું ત્યારે હું એક અલગ જ ભાવવિશ્વમાં ખોવાઇ જાવું છું અને મને થાય છે કે આ પ્રભાતિયા જ મારી ભાષાને જીવતી રાખે છે. તો શિવજીનું હાલરડું સાંભળું છું ત્યારે શરીરમાં એક નવા જોમનો સંચાર થતો અનુભવાય છે. તો ક્યાંક ગુજરાતી ભજનો મને આગમના દોરી સંચાર જેવા લાગ્યા છે.  

નવરાત્રી કે લગ્નમાં  લાખો લોકોને જ્યારે હું ગરબાના તાલે રમતા જોવું છું ત્યારે મને એમ થાય છે કે મારી ભાષા હજી ઘણી લાંબી મઝલ કાપવાની છે. આસોની અમાસ પછી ઉગતા સૂર્યોદય સાથે લોકોને જ્યારે નૂતન વર્ષાભિનંદન કે સાલમુબારક કહી મળતા જોવું છે ત્યારે મને એમ થાય છે કે જ્યાં સુધી કારતકની પ્રભાત આવા શબ્દોથી થશે ત્યાં સુધી મારીભાષા વર્ષોના વર્ષ કુદાવતી રહેશે. છેલ્લા એક જ વાત કહી દઉં કે મને ઇમ્પ્રેસ શબ્દ કરતા સહજતામાં વધારે ઉંડાણ અનુભવાયું છે એટલે ઇડિયટ જેવા શબ્દો કરતા ઇસ્કોતરા જેવા શબ્દો સાથે જીવવાનું ફાવી ગયુ છે. કારણ કે ત્યાં સહજ સ્ફુરણા છે. બસ આવી સહજ સ્ફુરણા જ કદાચ વિશ્વની તમામ માતૃભાષાના આયુસ્યનું કારણ છે. વિદાય વેળાએ પણ આવજો (ફરીથી આવજો નો ટહુકાર કે ફરીથી મારા મહેમાન થાજો) ની જે  મીઠાશ છે એ મારી માતૃભાષા ગુજરાતી ! અને આ મીઠી મજાની ગુજરાતી માટે ખલીલ ધનતેજવી કહે છે એમ કે .....

“ વાત મારી જેને સમજાતી નથી, 
એ ગમે તે હોય ગુજરાતી નથી. “ 

 છેલ્લે એટલું જ કહીશ કે માત્ર ગુજરાતી જ નહી પણ વિશ્વની તમામ ભાષાઓને ક્યાંક નામશેષ થતી બચાવી લેવી એ પ્રયાસ જ નવી સદીનું સમણું હશે અને રહેશે. 
- અજિત કાલરિયા

ગુરુવાર, 10 ડિસેમ્બર, 2020

Happy Birthday Shaileshkaka and Nileshkaka.....(22/10/2020)

Happy Birthday Shaileshkaka and Nileshkaka,




ભલે હું હંમેશા આ બન્ને વ્યક્તિગત પાત્રોને કાકાના સંબંધનથી સંબોધતો હોવું, પણ વાસ્તવમાં બન્ને મારા કાકા-સસરા થાય ! અને છતાં એમની સાથે સમજણ અને સંબંધની ઊંચાઈ અનેરી ! ઉંમરમાં મારા કરતાં એક દશક જેટલા મોટા, પણ જીવન પ્રત્યેના અભિગમના દ્રષ્ટિકોણથી જોવા જઇએ તો next generationના જ વિચારો સાથે ચાલતા જોવા મળે.
બન્ને સામાજીક, વ્યવહારીક કે પરિસ્થિતીજન્ય સંજોગોમાં હંમેશા નિર્ણય લેવામાં પુરેપુરા પાવરફુલ. જાણે સફળતા સાંગોપાંગ ગમે ત્યાંથી આવીને કદમ ચૂમે જ એવો હંમેશા એમનો નિર્ણય હોય અને કદાચ એ જ એમની ખરી ઓળખ !
બન્નેમાંથી કોઇ એક સંબંધ સાચવે તો બીજો એ સંબંધની સુંવાળપને વધુ મજ્બૂત બનાવે એવી બન્નેની એકબીજા પ્રત્યે કંઇપણ બોલ્યા વગર કરેલ સમજૂતી ! વડોદરા હોય કે મોરબી શૈલેષકાકા કે નિલેશકાકાનું નામ એક આદર અને સફળ વ્યક્તિ તરીકે જ લેવાય એ જ એમની ખરી ઓળખ ! તો મારા જેવા અનેક માટે તો એ પ્રેરણાના સ્ત્રોત સમાન ! બન્નેના વિચારો સરખા જ ! જ્યારે જ્યારે એમને નજીકથી જાણ્યા અને માણ્યા છે ત્યારે અનેક સમયે એવું પણ બનતા જોયુ છે કે બન્નેના વિચાર કોઇ અલગ દિશામાં જાય છે પણ છેલ્લા કોઇ એક બાબત પર બન્નેના નિર્ણય સરખા જ આવે અને આમ કરતાં બન્ને વચ્ચે મજાનું ડિશ્કશન જામે અને આખો એક સચોટ નિર્ણય જાણે સામે હોય - જેમાં ભવિષ્યની જીતના પડઘમ સંભળાતા હોય ! બન્ને સૅન્સ-ઓફ-હ્યુમરથી ભરપુર તો વળી હાસ્યના કિમિયાગર, ક્યાંક નાની વાતમાં પણ હાસ્ય શોધી લે અને સામેવાળાને મજા કરાવી દે એવો એમનો સ્વભાવ !
ક્યાંક એમનું વિઝ્ન છલકતું દેખાય તો ક્યાંક એમની લાગણીમાં સામેનાનું દુ:ખ પોતિકું લાગી ઉઠે ! ક્યાંક બન્નેને જોઇને એવું લાગે કે જીવનરૂપી ડિક્શનરીમાં થાક નામના શબ્દને સ્થાન જ નથી ને ! ક્યાંક બન્નેમાં પરિવાર માટે અભિમાન છલકતું દેખાય તો ક્યાંક ચુપચાપ સહનશીલતાની મૂર્તિ બનીને સહન પણ કરી લે એ એમનો મુઠી ઉંચેરો સ્વભાવ ! સામેવાળાની સફળતા માટે ભોગ પણ આપી જાણે એ બન્નેનો સ્વભાવ (પોતાના પરિચયમાં છે એને માટે ઘસાઈ છૂટવામાં સહેજેય નાનપ નહી ને )! ઘસાઇ છુટવું અને સામેવાળાને જરૂર પડ્યે સાનમાં સમજાવી દેવું એ જાણે એમની આવડત.
એકનું દુ:ખ જાણે બીજાને પણ એટલું જ પોતિકું લાગે બન્ને એવા પરફેક્ટ ટ્વિન્સ ! કોઇ એકની જીત બીજાને પણ પોતિકી જ લાગે એવો બન્નેનો મજાનો સ્વભાવ ! પ્રત્યેક પળ જાણે કર્મમય બનીને જ જીવન વ્યતીત કરવાનું છે એવું જ એમના પ્રત્યેક દિવસની દિનચર્યા જોતા લાગે ! નિયમિતતા અને સ્વછતાના બન્ને આગ્રહી. શિષ્ત અને રૂટિન તો જાણે એમના પ્રત્યેક પળનો એક અભિન્ન ભાગ એ એમને જોતા જ સમજાઇ જાય અને છતાં નિખાલસ સરળતા એ બન્નેનો પ્રથમ ગુણ.
આ બધા વચ્ચે મને સૌથી વધુ સ્પર્શી ગયેલ વાત એટલે નાના જોડે નાનારે બની જાય અને મોટા વચ્ચે પીઢ બની પ્રભાવ પાથરે એ બન્નેનો પ્રભાવ. આવા whole hearted, visionary, ambitious, and down to earth personality સમા બન્ને કાકાને જન્મદિવસની અઢળક
શુભેચ્છાઓ
!
- અજીત કાલરિયા