શનિવાર, 30 માર્ચ, 2019

કંજ તારું પેનના પ્રેમવિશ્વમાં સ્વાગત છે




વર્ષોથી માણસજાતને અનેક વિચારો આવ્યા અને એને અમલમાં મૂક્યા, આ જગત આવી  અનેક ક્રાંતિઓમાંથી પસાર થયું છે.  એમાંની એક ક્રાંતિ એટલે પોતાના મગજમાં ઉદ્ભવેલો વિચાર કે નવો સ્પાર્ક યાદ રહી જાય એ માટે ક્યાંક લખી રાખવું તે. હા, સૌ પ્રથમ માણસે ક્યાંક  એક પથ્થર પર બીજો પથ્થર મારીને કોતરીને  લખ્યું, તો  ક્યાંક કોઇ ધારદાર લાકડું કે ધાતુના ટુકડાનો ઉપયોગ કરીને લખ્યું, તો ક્યાંક આમાનાં જ કોઇક સાધનનો ઉપયોગ કરીને  પોતાના વિચારને ગુફાચિત્રો કે ભીંતચિત્રો રચીને રજુ કર્યા. સમયાંતરે બેબીલોનિયન પરંપરામાં પેપિરસની છાલ પર લખવાનું શરૂ થયું અને એ ક્રાંતિ આજની પેન પર આવીને અટકી.  એવું નથી કે પેનનાં options  નથી શોધાયા. શોધાયા !,  પણ જોઇએ એવું સ્થાન લેવામાં એ પુરેપુરા સફળ ન થયાં. સૌ પ્રથમ Penના option તરીકે typewriter આવ્યું અને ત્યાર પછી computerનું keyboard આવ્યું છતાં  આજે પણ  pen યુગ તો ચાલું જ છે.  એક વાત કહું  મોબાઇલની દુનિયામાં મને Samsung Note-3, Note-5 કે Note-9 એના stylusને (inbuilt pen stick) કારણે જ વાપરવા ગમ્યાં છે.  છતાં એક મહત્વની  વાત ચોક્ક્સ કહીશ કે આપણી આર્ય પરંપરામાં વેદોની ઋચાઓ પહેલા કંઠસ્થ હતી જે પેઢી દર પેઢી બોલાતી આવી અને સચવાઇ જે ખરેખર આજે પણ મારા માટે એક વિસ્મય જ  છે. છતાં ઋગવેદમાં અક્ષરા: (શબ્દ) અને ગ્રંધા (બુક) જેવા શબ્દોનો ઉલ્લેખ છે, યર્જુવેદ અને અર્થવવેદમાં લીખા (લખવું) શબ્દ છે. તો શરૂઆત ક્યાંથી ગણવી ?...
नाथ नील नल कपि द्वो भाई । लरिकाईं  रिषि आसिष पाई।।
तिन्ह कें परस किएं गिरि भारे । तरिहहिं जलधि प्रताप तुम्हारे ।
ક્યાંક રામાયણમાં એવો ઉલ્લેખ છે કે નલ અને નીલ પથ્થરો પર રામ એમ લખીને સમુદ્રમાં નાખતા હતા અને એ પથ્થરો સમુદ્ર પર તરવા લાગતા હતાં... તો આવી જ રીતે   લખવાની પરંપરાનો સૌથી જુનો ઉલ્લેખ મહાભારતમાં છે જેમાં મહર્ષિ વ્યાસ આખું મહાભારત બોલે છે અને ગણપતિ એને લખે છે. પણ.... પણ.... પણ....  ત્યારે ગણપતિએ કઇ પેનથી લખ્યું  Rotomac કે Reynolds કે  Parker Pen તો ત્યારે નહોતી. તો મહાભારત લખાયું કઇ penથી ?????  તો ચાલ કંજ આજે Penનો અત: થી ઇતિ સુધીનો થોડો ઇતિહાસ જોઇએ.
REED Pen એ આ વિશ્વમાં સૌ પ્રથમ ઉપયોગમાં લેવાયેલી પેન હતી. આ પેન reed કે વાંસને આગળથી અણીદાર કરીને શાહી જેવા કોઇ વનસ્પતિના રસમાં બોળીને લખવામાં ઉપયોગ કરાતો. આજથી લગભગ 5000 વર્ષ પહેલા reed પેનનો ઉદય થયો એમ માનવામાં આવે છે તો ઇજિપ્તના લોકો એના વડે પેપિરસના છોડની છાલ પર લખતા. ત્યાર પછી છેક  લગભગ 5મી કે 6ઠ્ઠી સદીમાં Quill Pen આવી (જે લગભગ Seville, Spainમાં શોધાઇ) જેમાં લખવા માટે  હંસ જેવા પક્ષીના પીછાનો ઉપયોગ થાતો અને આ Quill Pen ના ઉદય સાથે પેપિરસના છોડની જગ્યા પ્રાણીના ચામડાએ અને કાપડે લીધી.... જે ક્યાંક હજુ પણ છઠ્ઠીની રસમ વખતે દાડમની એક દંડીનો ઉપયોગ કરીને લખવામાં આવે છે.  તો વળી ક્યાંક Qumran (Isreal) કે Judea (Greek) જેવા વિસ્તારોમાં ઇ.સ.પૂર્વે 100માં Quill Penથી હિબ્રુમાં લખેલા લખાણ મળી આવ્યા  છે, જે એની શરૂઆત ઘણી પહેલા થઇ હશે એમ બતાવે છે.  ત્યાર બાદ ફરીથી એક લાંબા સમય પછી એટલે કે છેક 19મી સદીમાં ધાતુની Nib ધરાવતી પેન શોધાઇ જે પહેલા Dip Pen (લગભગ Pompeii ના શાશનકાળમાં)ના સ્વરૂપે ઓળખાઇ અને આ Dip pen એટલે જ ખીટો (ખીટ્ટો જેમાં ચોક્ક્સ પ્રકારની શાહીમાં કલમને બોળીને લખવામાં આવે છે.)  એક સમયે અદાલતમાં જજ ફાંસીની સજા સંભળાવીને કાગળ પર એનો પોઇન્ટ તોડી નાખતા હતા, એ નિયમની શરૂઆત આ પેનથી જ થઇ હતી.  જે એવું દર્શાવવા માટે તોડી નાખવામાં આવતી કે હવે આ કેશમાં આગળ કશું જ નવું આવી શકે એમ નથી. Over !  આ Dip pen ના Nib ને એક શાહીના ખડિયામાં બોળીને કાગળ પર લખવામાં આવતું અને વારે વારે ખડિયામાં બોળીને લખવું એ સમય લેનારું હતું તો ક્યાંક કંઇક ખૂટતું હોય એની એ નિશાની હતી. તો વારે વારે શાહીના ખડિયામાં બોળીને લખવું એના બદલે  કંઇક user-friendly જેવું કંઇક innovative માંગતું હતું  અને પછીથી જાણે  Frustration is the real mother of invention આ ઉક્તિને સાચી પાડતા Fountain Pen શોધાઇ. Romanian Petrache Poenaru એ પેરિસમાં Fountain pen શોધી અને 1827માં એની પેટન્ટ કરાવી.  આ  Fountain Pen કે  Fountain Pen ના  Nib ની આખી દાસ્તાન જ અલગ છે Fountain Pen પર આખો ગ્રંથ બને એમ છે. છતાં Fountain Pen અને Dip pen નો આજકાલ ખાસ ઉપયોગ Calibri writingમાં થાય છે  તો  Artist ની એ ખાસ પસંદ છે. Dip pen નો એક ફાયદો એ છે કે એના અલગ અલગ Nib બદલીને ક્રિયેટીવ કંઇક કરી શકાય... પછી છેક 1888 માં Ball Point Pen શોધાઇ અને સતત પેન વિશ્વ innovative  અને મોટું ને મોટું બનતું જ ગયું. 1938માં Hungarian News Paperના Editor Laszlo Biro (Josef) અને એના ભાઇ Georgeની મદદથી એક એવી pen શોધી કે જેના છેડાના ભાગ પર એક નાનકડો ball ફર્યા કરે અને પેપર પર એ બોલ પર ચોંટેલી ink હાથની movement પ્રમાણે શબ્દો પાડે. અને બસ આ જ શરૂઆત હતી બોલપોઇન્ટ પેનની. અને 15 જુન 1938ના રોજ એના પેટન્ટ પણ લેવાઇ ગયા. અને  1940માં Josef and Georg Biro Ball point penને વિશ્વવ્યાપી બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. આજે પણ એ Biro pen પોતાની આગવી ઓળખ સાથે marketમાં નામ ધરાવે જ છે. તો 1970માં Roller Ball Point Pen શોધાઇ અને પાછળથી 1980માં Porous point pen આવી જેનો point ચોક્ક્સ પ્રકારના Porous કે Ceramicનો બનેલો હોય છે. 
   આજે લગભગ વાર્ષિક 18 થી 20 billion  ડોલરનું પેનવિશ્વનું ટર્ન ઓવર છે. છતાં આશ્ચર્યની વાત એ છે કે 1792માં પેનની Advertise Times of Indiaમાં અપાઇ હતી. અને એ જ Metal pen Point ની પેટન્ટ ઇ.સ. 1803 માં કરાઇ હતી.  બોલપોઇન્ટ પેનમાં oil base ink હોય છે જે એક નાના છરા (metal ball) મરફતે કાગળ પર આવે છે એ metal ball 0.5 -1.2 mm નો brass, steel  કે tungsten carbide નો બનેલો હોય છે. તો Roller Ball Point Pen માં  water base liquid  કે Gel હોય છે જે ઓછી ચિકાશ ધરાવે છે અને સરળતાથી પેપર પર પથરાય છે. આ Roller Ball Point Pen 1980 માં જાપાનની OHTO કંપની સૌ પ્રથમ લઇને આવી.
મજાની વાત તો એ છે કે 19મી સદીની શરૂઆતમાં ક્યાંક penને Automatic Pencil પણ કહેવામાં આવતી.  અને એ જ Automatic Pencil પાછળથી Solid Ink Fountain Pen બની અને એ સમયે વિશ્વની સૌથી મોટી કંપની તરીકે Penkala Monsterનું નામ હતું જે આજે TOZ Penkala (Tvornica Olovaka Zegreb જેનો અર્થ “Zegreb Pencil Factory” થાય છે. ) ના નામે ઓળખાય છે. બીજા વિશ્વયુદ્ધમાં પ્લેનના પાયલોટ ખાસ પ્રકારની  ball point pen વાપરતા કારણ કે ઉંચાઇ પર એ લીક નહોતી થાતી. અને પછી આ Pen Pilot penના નામે જ ઓળખાઇ અને ખુબ ચાલી આજે પણ આ Pilot  Pen ઘણા બધાની ચોઇસ છે. એક મજાની વાત કહું :   સામાન્ય રીતે એક પેનથી લગભગ 45000 અક્ષર લખાતા હોય છે. તો જ્યારે કોઇ નવી પેન હાથમાં લેવામાં આવે તો 95% લોકો પોતાનું નામ લખે છે અથવા તો પોતાની સાઇન કરે છે. હા... હા.... હા... સાચુ ન લાગે તો ફરી ક્યારેક ખાસ observe કરજે.
 Parker, Mont Blanc, Cross, Cello, Reynolds જેવી પેનોનું ટર્ન ઓવર ખરેખર અચંબામાં મુકી દે એવું છે. તો Bentley, Conklin, Delta, Diplomat, Fisher Space, Jack Row, Kaweco, Lamy, Pelican, Markiaro જેવી કંપનીઓ પોતાની Luxury and Designers pen માટે આગવી ઓળખ ધરાવે છે. તો વળી આ બધાની ટેગ લાઇન પણ જોરદાર છે જેમ કે Parker Pen ની Tagline : “ They make decisions. We make them official.” છે.   તો વળી Reynolds Pen ની Tagline : “ Break the Barriers” છે. તો આ લખું છું ત્યારે મને Rotomac Penની જાવેદ અખ્તરની એ Advertise યાદ આવે છે કે જેના મોટીવેશનલ  શબ્દો મને ખુબ જ ગમતા...
जिन्दगी है तो ख़्वाब है ।
ख़्वाब है तो मंजिल है  ।
मंजिल है तो फासले है ।
फासले है तो रास्ते है ।
रास्ते है तो मुश्किलें हैं ।
मुश्किलें है तो होंसला है।
होंसला है तो विश्वास है....
कि फाइटर हमेशा जीतता है ।
પેનની આ મોટી મોટી બ્રાંડની વાત કરું છું ત્યારે મારા મગજમાં જે.ડી.પટેલ સર યાદ આવે છે અમને  પ્રેરણા ક્લાસિસના ફંકશનસમાં (1994-96) ઇનામ મળતા ત્યારે Pierre Cardin ની  Look નામની બોલપેન મળતી ત્યારે આનંદનું એક મોજુ ફરી વળતું અને દોસ્તો વચ્ચે એ પેન લઇને લખીને વટ પાડતા.  તો અમે ભણતા ત્યારે મારી પણ અને બીજા ઘણા બધાની પસંદ  Reynoldsની 045 Pen પર જ અટકતી. બલ્યુ કેપ અને વ્હાઇટ કન્ટેઇનર વાળી આ પેનમાંથી જ્યારે કાગળ પર શબ્દો લખાતા ત્યારે બીજી પેન કરતાં અલગ જ ફીલ આવતી. તો મને મોરબી મારા મામાની દુકાન પણ યાદ આવે  છે, જ્યાં મામા અને ભદ્રેશભાઇ નાનકડા પંચ જેવાં ટાંચણાને  પટ્ટી વડે ઠપકારીને વાસણ પર સુંદર અક્ષરોમાં નામ લખી આપતા. મશીન તો હતાં પણ લાઇટ ન હોય ત્યારે આવી રીતે નામ લખી આપતા. જે એક અનોખી આવડત હતી. તો  બીજા છેડે રાકેશ સરે મને ગીફ્ટમાં આપેલ 3 Idiot movie માં બતાવેલ Zero Gravity pen (submarine company)  યાદ આવે છે. જેને Space pen પણ કહેવાય છે. તો એક સમયે પપ્પાને (દાદાને) કોઇકે એવી પેન ગીફ્ટ કરી હતી કે જેનો ઉપરનો ભાગ ખોલો એટલે દાદાનું નામ અને એડ્રેસ સાથેનો સ્ટેમ્પ ખુલતો અને એને તમે યુઝ કરી શકો, તો વળી  Jams Bond ની  film Octopussy (1983) યાદ આવે કે જેમાં એ સમયે કલ્પના કરી હતી કે  પેનમાં રેકોર્ડિંગ ડિવાઇસ હતું (જે હાલમાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે) તો બીજી બાજુ દુશ્મન પર હુમલો કરવા માટે એમાં એસિડ પણ રખાયું હતું. 
બેટા Penની વાતોનો તો કોઇ અંત નથી. લખો અને જાણો એટલું ઓછું છે. Penનું મહત્વ ત્યારે સમજાય કે જ્યારે જરૂર હોય અને ખિસ્સામાં Pen ન હોય. તમારો પ્રિય કિકેટર કે ફિલ્મસ્ટાર કે હિરોઇન કે લેખક તમારી સામે હોય, Autograph લેવો હોય અને પેન ન હોય…. આસપાસ ઉભેલા બધા મિત્રો કોઇ ફોર્મ ભરતા હોય અને તમે એમાંનો એકાદ મિત્ર પહેલા ફોર્મ પુરુ કરે અને તમને પેન મળે એની રાહ જોઇને ઉભા હોય ત્યારે પેનનું ખરું મુલ્ય સમજાય તો ક્યાંક ... આગળના રવિવારે જ દિવ્ય ભાસ્કરમાં ડો. શરદ ઠાકરની કોલમમાં એક સરસ શૅર હતો કે
“તુમ કાલી સ્યાહી સે લિખો યા લાલ સે,
કુછ યાદેં હમેશા હરી હી રહતી હૈં.”
સૌથી જુનામાં જુના લખાણ જોવા જઇએ તો ક્યાંક એ હડપ્પા યુગમાં મળે છે અને અશોકના શીલાલેખમાં એ ક્યાંક વર્ષોથી સચવાયા છે તો ક્યાંક વર્ષોથી શુશ્રુતની ચિકિત્સા વિદ્યા તો ચરકની આર્યુવેદ વિદ્યા તો આર્યભટ્ટની ખગોળવિદ્યા કે ભૃગુઋષિની જ્યોતિષ વિદ્યા ક્યાંક પેન વગર અધુરી હતી. તો તું પણ આવી જ કોઇ પેનથી એક અલગ જ ઇતિહાસ લખજે.  માર્ટિન લ્યુથર કિંગે કહ્યુ છે એમ કે “ If you want to change the world, pick up your pen and write.”  પેરો (Croatian language), સુલેપેયા( Estonia), સ્ટાઇલો(French, Greek), સ્ટિફ્ટ(German) કે હિંદી કે ઉર્દુમાં જેને કલમ કહે છે એ કલમ પકડો અને ક્માલ કરો. એક રીતે 5th Standard માં જ પેન કેમ ? તો એમ કહે છે કે બાળક એટલું શીખી ચુક્યો હોય છે કે હવે એની ભુલો કરવાનું પ્રમાણ ઘટી ગયું હોય છે. પેન્સિલથી કરેલી ભુલ ઇરેઝ થાય પણ પેનથી કરેલી ભુલ દેખાય... જે હોય તે કંજ પેનથી પણ ભુલ થાય ચિંતા નહી કરવાની, પણ દરેક કરેલી ભુલમાંથી કંઇક નવું શીખવાનું અને લખવાનું... જે હોય તે લખતા લખતા જીવવાનું અને જીતવાનું...ક્યાંક તારી આ લખવાની પેન જ તારી જીત માટે કોઇ લડાઇનું મોટું સાધન  છે તો ક્યાંક તારી આ પેન જ તારી કોઇ અહિંસક લડાઇ માટેનું સૌથી ધારદાર શસ્ત્ર છે. તો ક્યાંક તારી આ પેન જ તેજાબી શબ્દો દ્વરા તને નવો આયામ બક્ષવા માટે પુરતી છે. તો ક્યાંક તારી આ પેન જ તારા દિલના સ્પંદનને શબ્દોનું સ્વરૂપ આપવા માટે પુરતી છે. તો ક્યાંક તારી આ પેન જ  કુદરતના વણઉકેલ્યા રહસ્યોને પામવા માટેનો એક અનોખો સેતુ છે. તો ક્યાંક તારી આ પેન જ તારા મનોવિશ્વને આલેખી આપે એવો અનોખો  મિત્ર છે. તો ક્યાંક તારી આ પેન જ ક્યાંક કમાલ તો ક્યાંક ધમાલ કરવા માટે પુરતી છે. તો ક્યાંક તારી આ પેન તને એક અનોખી ઉંચાઇ પર લઇ જવા માટે પણ પુરતી છે. જીવનમાં પેનનો પ્રભાવ અને વૈભવ બંન્ને છે એ તને હવે સમજાશે. તું પેનના વૈભવ અને પ્રભાવ બંન્નેને પામે એવા આશિર્વાદ.  આજે જ્યારે તારા હાથમાં પેન છે ત્યારે એટલું જ કહેવાનું કે પેનથી એવી તો કમાલ કર કે અમિતાભ કે યુવરાજની જેમ તને ઓટોગ્રાફ આપવાનું મન થાય તો ક્યાંક માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ કિંમતી (31000 રૂ.)  Mont Blanc પેન વાપરીને મોટા મોટા કરારો કરવાનું મન થાય... છતાં  તને  જે ઇચ્છા થાય તે જ  કરજે..... એ જ મજા છે.  હવે તારા હાથમાં પેન છે અને તારું જીવન અને તારું શિક્ષણ તને કંઇક અલગ જ આયામ પર લઇ જાશે, પણ દિલ જે કહે એ જ કરવાનું....  પ્લેન-પેન-પૈસા જે હોય તે હંમેશા પોતાના   inner instinct  ને જ ફોલો કરવાનું.... એ જ મજા... અને એ જ જિંદગી.
 બાકી છેલ્લા મનોજ ખંડેરિયાના એ શૅર યાદ કરાવી દઉં કે
પકડો કલમ ને કોઇ પળે એમ પણ બને,
 આ હાથ આખેઆખો બળે એમ પણ બને.
   

મંગળવાર, 12 માર્ચ, 2019

Happy Birthday Gunvantbhai




Happy Birthday Gunvantbhai,
       A good writer is known by his work but a better writer is known by what people say about him. You are friend, philosopher and guide to me and I have been reading a lot from your creative and revolutionary thoughts since my adolescence. You are the greatest versatile personality I have ever met in my life. તો આજે મારે તમારી સાથે તમારા જ  વિશે  થોડી ગૂફતગુ કરવી છે. 
        ગુજરાતી ભાષાના એક શ્રેષ્ઠ શિક્ષણવિદ અને સમય સાથે સતત પોતાના વિચારોને વાચા આપી હજારો ચાહકોના દિલ જીતનાર અનોખું વ્યક્તિત્વ એટલે ગુણવંત શાહ. ગુણવંત શાહ એટલે આજની પેઢી સાથે કોઇપણ જાતનો દંભ રાખ્યા વગર નિખાલસ વાતો કરી શકે એવું અજબનું  વ્યક્તિત્વ. કોઇને પણ  રોકડું પરખાવવામાં સેકન્ડનોય વિલંબ ના કરે એ ગુણવંત શાહ. સ્ટેજ હોય કે ઘરનો હિંચકો મિજાજ અને સમય હંમેશા એમના જ ! એમાં ખોટું પણ શું ? ગુણવંત શાહ પાસેથી શીખવા જેવી સૌથી મોટી બાબત જ મને આ લાગી છે.
            ગુજરાતી  ભાષા સાહિત્યમાં સૌથી દમદાર ફૂટનોટ્સ જો કોઇ લેખકે સતત પોતાના લગભગ દરેક પુસ્તકમાં આપી હોય તો એમાં તમારું જ નામ મોખરે આવે, તો દરેક પુસ્તકની પ્રસ્તાવનાની તો  વાત જ શું કરવી ! દરેક પ્રસ્તાવના જાણે  એકબીજાથી ચડે એવું સતત લાગે. ગુણવંત શાહને વાંચ્યા પછી કોઇની પણ  ફિલોસોફીકલ દ્રષ્ટિ બદલાય તો કુદરતને નિહાળવાનો કે પામવાનો અભિગમ બદલાય. તમારા ગદ્યમાં જે લાવણ્ય છે એ તમને  એક અનોખી ઊંચાઇ બક્ષનારું મને  લાગ્યું છે. તો રામાયણ અને મહાભારત પરનું તમારું ચિંતન જાણે આવનારી પેઢીને અનુલક્ષીને જ થયું હોય એવું સતત લાગે, તો તમારી કૃષ્ણ પરની વાતો તો એવો અહેસાસ અપાવી જાય કે જાણે તમે સાક્ષાત એમને પુછીને કે એમની સાથે વાતો કરીને તો નથી લાવ્યા ને! , તો વળી ‘અસ્તિત્વનો ઉત્સવ’ વાંચતા  જાણે ઊંડા વિચારોમાં ગરકાવ કરી દે એવું અદભુત પુસ્તક લાગે અને આ પુસ્તક વાંચતા વાંચતા ગુજરાતી સાહિત્યમાં જૂજ જોવા મળે એવો મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાનનો અદભુત સમન્વય દેખાઇ આવે. આ વાત તમારા બીજા ઘણા પુસ્તક માટે પણ કહી જ શકાય.  તો ‘કૃષ્ણનું જીવનસંગીત’ જાણે કૃષ્ણ પોતે ગુણવંત શાહ બનીને કહી રહ્યા હોય એવું સતત લાગે, તો વળી પતંગિયાની યાત્રાના ત્રણ દમદાર ભાગ તો જીવનને વલોવીને કહી આપે કે ભાઇ આપણે હજી તો આવું કંઇ વિચાર્યુ જ નથી. જીવન જીવ્યા કે વેડફ્યુ એ વાતે  વિચારતા કરી મુકે, તો વળી ક્યાંક એવું સતત લાગે કે હજી જીવનના મર્મને પામવાનો જ બાકી છે. હા, આ કહી રહ્યો છું એમાં સહેજ પણ અતિશ્યોક્તિ નથી. તમારું સંસ્કૃત પ્રત્યેનું જ્ઞાન અને સંસ્કૃત શ્લોક કે કોઇ  વાતનો ભાવાનુવાદ એટલી બખૂબીથી રજુ કર્યો હોય છે કે બસ એને યાદ રાખવો જ પડે કે અનાયાસે યાદ રહી જ જાય. જે તમારું સંસ્કૃત પ્રત્યેનું ઊંડાણ રજુ કરી બતાવે છે. વાહ, ભાઇ આ ત્રણ વોલ્યુમ વિશે તો  શું કહું શબ્દો ઓછા પડે છે.  અરે ! હા,  તમારા નિબંધોની તો વાત જ શું કરવી ! તમારા નિબંધોમાં આસપાસનું સૌંદર્ય કે સત્ય હકીકત કે વિદેશી મહાનુભાવોના ક્વોટ કે એમના અનુભવની વાતો સતત  છલકતી દેખાય, અને એ પણ ક્યારે જ્યારે ઇન્ટરનેટનો જન્મ પણ નહતો થયો ત્યારે આજથી 30-40 વર્ષ પહેલા આ બધુ રજુ કરવું એ તમારી વાંચન વિશેષતાને છત્તી કરે છે, તો તમારા અપડેશનનું આ સૌથી મોટું પ્રમાણપત્ર છે. ટુંકમાં એક જ વાક્યમાં કહું તમારો નિબંધ વૈભવ પણ સો ટચના સોના જેવો જ !  તમારા પ્રવાસવર્ણનો ક્યાંક ઇતિહાસની ખૂબીથી ભરપૂર હોય છે તો ક્યાંક અનુભવના સાગર પર સવાર થઇને ત્યાંની સફર કર્યા બરાબર લાગ્યા છે. ગાંધીજી પરનું વિચારમંથન અને નિખાલસ પણે ક્યાંક એમની  સાથેનો વિચારભેદ તમારા જીવન રથને મુઠી ઊંચેરો લાવી મુકે છે. આ બધી વાતો અને વિચારો  તમારા જીવનને એક ઋષિની સમકક્ષ લાવી મુકે  છે એવી પ્રતિતી થયા વિના નથી રહેતી. તમારી આત્મકથાના બે ભાગ ગુજરાતી ભાષાના નિખાલસતાના બેનમુન ઉદાહરણો છે. તો રાજકારણ પરનું તમારું વકતવ્ય કે લેખન તમને એક અલગ જ આયામ બક્ષે છે,  જો આ પુસ્તકો દરેક રાજકારણી વાંચે અને પચાવે તો સેક્યુલરિઝમના ખરા અર્થને પામે અને રાજકારણનો ખરો અર્થ પામે એમાં કોઇ બે મત નથી. સરદાર પટેલ, બુદ્ધ અને શ્રી અરવિંદ પરનું તમારું  લખાણ વાંચન અને સમજણની ઊંડાઇ સાબિત કરવા માટે પુરતું  છે એવું કહું તો એમાં કશું જ ખોટું નથી. ‘મનનાં મેઘધનુષ’ તો એવું પુસ્તક કે જેને ગમે એ પુરે પુરા પાગલ થાય કાં તો એ પુસ્તક બંધ કરીને ખાલી પોતાના દંભી વિચારોના કુંડાળામાં રમ્યા કરે અને જિંદગી પુરી કરે. હા, જે હોય તે મને તો આ બધુ જોતા એવું ચોક્ક્સ કહેવાનું મન થાય કે ગુણવંતભાઇ તમારો  વાચક વર્ગ પણ વિચારોથી સદ્ધર અને સમૃદ્ધ છે એનો એમને ગર્વ છે તો તમે તમારા વાચકને દિલથી નવાજો છો એ તમારી મહાનતા છે. ગુણવંતભાઇ તમારો  વાચક અને શ્રોતાઓનો નોખો પડી આવતો વર્ગ એ જ તમારી સૌથી મોટી  જીત એવું મને સતત લાગ્યું છે તો આવનારી નવી જનરેશનમાં તો તમે ખૂબ વંચાશો અને પોખાશો એ વાત ચોક્ક્સ છે.
            તમારા જીવનનું બીજુ એક પાસું એટલે તમે જીવનમાં કરેલી પદયાત્રાઓ. હું મારું સદભાગ્ય ગણું છું કે તમે કરેલી દારા-શુકોહ પદયાત્રાનો હું પણ એક ભાગ હતો એનો નશો કેટલાય દિવસો સુધી ન હતો ઉતર્યો એ હજુ પણ મને યાદ છે.  ત્યારે તમે મને ખરા અર્થમાં 80 વર્ષના યુવાન લાગ્યા હતાં.  તમારા અનેક પ્રવચનોમાં હું હાજર રહ્યો છું અને ત્યાંથી દરેક સમયે કંઇક નવું લઇને ગયો છું એનો આનંદ આજે પણ છે જ. સમય, શબ્દો અને વાત રજુ કરવાની આગવી શૈલી તમને બીજા વક્તાઓ કરતા અલગ પાડી બતાવે છે. અને કદાચ આ બાબતમાં તમે મારા જેવા કેટલાય અજીતના રોલ મૉડેલ હશો એ પાકુ જ છે. વધુ તો શું કહું તમે કહ્યું છે એમ અર્જુનની ઋજુતા તરફ વળવાનો અને જીવનમાં ઉર્ધવરેતસ વધવાનો પ્રયત્ન કરું છું. મનોજ ખંડેરિયાના શબ્દોમાં છેલ્લા એટલું જ કહીશ કે...
“મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા (ગુણવંત શાહ)
 ચરણ લઇ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.”

જન્મ દિવસના વંદન સહ અભિનંદન.


આપના હજારો વાચકોમાંનો એક
અજીત કાલરિયા.

ગુરુવાર, 7 માર્ચ, 2019

Katrin Jakobsdottir an environmentalist Prime Minister of Iceland (6/12/2017)


Image may contain: 1 person, sitting and closeup
દેશના દક્ષિણભાગમાંથી ઓખી નામનું વાવઝોડું સતત આગળ વધી રહ્યું છે અને વાતાવરણમાં પલટો છે તો ગુજરાતનું વાતાવરણ ચૂંટણીના માહોલમાં રગદોડાયેલું છે. તો બીજી બાજુ દેશના ઉતરભાગમાં, હા, દિલ્હીમાં એટલું પ્રદુષણ છે કે છેલ્લા બે દિવસથી શ્રીલંકાઇ ખેલાડીઓ માસ્ક પહેરીને ગ્રાઉન્ડ પર ઉતરે છે. હા આ ત્રણ વાતો એટલે યાદ કરી કારણ કે આ ત્રણે વાતો સાથે આપણને ગુજરાતીઓને અત્યારે આ જ ક્ષણે જે સંબંધ છે એ એટલો મહત્વનો છે કે ક્યાંક ફરીથી આવનારા 5 વર્ષો એમ જ હાથમાંથી સરકી ન જાય.
ક્યાંક કંઇક વિચારવું પડશે. આપણા માટે નહી તો આવનારી ગુજરાતની નવી જનરેશન માટે વિચારવું પડશે. 1,96,024 sq Km માં ફેલાયેલા ગુજરાતની વાત આજે મારે Iceland ને નજરમાં રાખીને કરવી છે. હા , Iceland એક Nordic island country તરીકે ઓળખાતો 1,03,000 Sq Km માં ફેલાયેલો અને 3,32, 529 લોકોની વસ્તી ધરાવતો એક દેશ છે. 41 વર્ષની katrin jakobsdottir નવેમ્બરમાં વડાપ્રધાન તરીકે ચૂંટાઇ આવી આ પહેલા એ એજ્યુકેશન મીનીસ્ટર, સાઇન્સ એન્ડ કલચરલ મીનીસ્ટર રહી ચૂકી છે. પણ મહત્વની વાત એ છે કે 2003 માં એ Left green movementની deputy chairperson અને પછી 2013માં chairperson હતી. Icelandની ચહીતી આ બાઇએ 2017માં વડાપ્રધાન પદના સપથ ગ્રહણ કરવાની સાથે સાથે એ પણ નક્કી કરી નાખ્યુ કે 2040 સુધીમાં દેશ 100 % કાર્બન ન્યુટ્રાલીટી રાષ્ટ્ર હશે. ગુજરાતના 977 કેન્ડીડેટ (ધારાસભ્ય ઉમેદવારો)માંથી એક પણ આ મુદ્દા પર ઊભો નથી. એકને પણ આ વાતની નાની સરખી માહીતી પણ નથી. વાહ રે ગુજરાત તેરી કિસમત !!! અત્યારે તો ઓખીએ થોડી આંખ બતાવી છે સ્મોગ તો દિલ્હીમાં છે ગુજરાતને હજુ કંઇ વાંધો નથી બસ આ જ વિચાર 977 ઉમેદવારોનો છે અને જનતાનો મિજાજ છે. બાત નીકલી હૈ તો બહોત દુર તલક જાયેગી તો સાંભળી લો TIMES NOW નો 923 ઉમેદવારોનો એનાલિટીકલ રીપોર્ટ શું કહે છે.
Total candidates analyzed as new: 923
Candidates with declared criminal cases: 137 (15%)
Candidates with declared serious criminal cases: 78 (8%)
Crorepati candidates: 198 (21%)
Candidates who are graduate or above: 217 (24%)
Candidates who have not declared PAN: 127 (14%)
Total women candidates: 57 (6%)
Total candidates who has filed ITR: 452 (49%)
આ બધુ જ ભુલી જાવ અને એકવાર દિલ પર હાથ દઇને પોતાને સવાલ પુછી જોવો કે આપણા જ વડાપ્રધાને સ્વચ્છ ભારત મિશન ચલાવ્યુ છે એમાં પોતાનું યોગદાન કેટલું ? કદાચ શરમથી માથુ ઝુકી જશે... મને તો નાઝ છે અને વડાપ્રધાને પણ ફક્ર કરવો જોઇએ કે કંજ જેવા નાના બાળકો પર જેમને માત્ર સ્કુલમાં થોડું શીખવવામાં આવે છે અને અમલ પણ કરે છે. હા, કંજને મેં કેટલીય વખત ઘણાને રોકતા જોયા છે. ક્યાંક કોઇકને કચરો ફેંકતા જોવે તો એનો જીવ બળતો પણ મેં જોયો છે. માત્ર ને માત્ર આશાઓ આવનારી પેઢી પર જ રાખી શકાય એમ છે. અત્યારે વાત katrin jakobsdottir ની ચાલતી હતી. એવું નથી કે ત્યાં કોઇ પ્રોબલેમ નથી કાગડા ત્યાં પણ કાળા જ છે. છેલ્લા બે વર્ષમાં ત્યાંની આ ચોથી વડાપ્રધાન છે. એકબાજુ લોકોનો અવિશ્વાસ અને અનેક પ્રકારના સ્કેન્ડલથી ઘેરાયેલી પરીસ્થિતીમાં ચૂંટાયા પછી આ બાઇ નિયમિત ઓફિસે હાજર થઇ જાય છે અને બખૂબી પોતાની ફરજો બજાવે છે. અને ત્યાં એ clean energy transportation પર ચર્ચા કરે છે અને renewable energy sources પર ધ્યાન કેન્દ્રીત કરી એના ઉપાયો વિશે વિચારે છે. દેશને – પર્યાવરણને કેન્દ્રમાં રાખે છે પોતાને નહી.!!!! Gunnar Örn Sigvaldason ની પત્ની અને ત્રણ બાળકોની મા એવી katrin jakobsdottir જેવી કોક ગુજરાતણની ગુજરાતને જરૂર છે. જે સાચા મુદ્દા સાથે -દેશ અને પર્યાવરણ બંન્નેને સાથે રાખી ગુજરાતનો વિકાસ કરી બતાવે...

Nostalgia (25/12/2016)

Image may contain: 7 people, including Kuldeep Zala and Ajit Mansukhbhai Kalaria, people smiling, people sitting and indoor

અત્યારે હું IPCL School ના પ્રાંગણમાં ઉભો છું મારા માટે તો આ પ્રાંગણ એ એક આંગણથી સહેજેય ઉતરતું નથી. હા આ મારી School છે. હા હું આ જ માટીમાં જ પડ્યો છું, ઉભો થયો
 છું, દોડ્યો છું, કુદ્યો છું, હા હું આ જ સ્કુલનાં અલગ અલગ ક્લાસીસમાં અનેક શિક્ષકો પાસે ભણ્યો છું. સફળતા – નિષ્ફળતા ના પાઠ ભણ્યો છું. આ સ્કુલે મને ઘડ્યો છે. ખૂબ ધમાલ કરી છે તો લેબમાં અનેક ટેસ્ટટ્યુબ તોડી છે. તો એક વૈજ્ઞાનિકની જેમ કેમિક્લસ ભેગા કરીને કંઇક નવું કરવાનો પ્રયત્ન પણ કર્યો છે. કયારેક AV રૂમમાં જવાનું થાતું ત્યારે ઉંચા થઇ થઇને જોવાની મજા આવતી. ચાલુ પ્રથનાએ ક્યારેક આંખ ખોલીને જોઇ લેવાની મજા આવતી. નાના હતા ત્યારે રોમે રોમ દેશ-દાઝ ટપકતી અને જો કોઇ રષ્ટ્રગીત વખતે હલતું પકડાય તો એને જે માર પડતો એ જોવાની ખૂબ જ મઝા આવતી. જ્યારે બપોરની પાળી હતી ત્યારે હંમેશા ઘરેથી જવાની ઉતાવળ રહેતી કારણ કે સ્કુલ ચાલુ થાતા પહેલા ત્યાં પહોંચીને વધારાનો એક કલાક મળતો. આ એક કલાકમાં શું થાતું ખબર છે. આ એક કલાક દરમ્યાન એકદ મજાનું ગ્રુપ બની જાતું તો, ક્યારેક નવા મિત્રો બની જાતા (બીજા પણ પોતાના લાગવા માંડતા જે આજે કેમ નથી લાગતા એ સમજાતું નથી.), તો ક્યારેક મોટા ક્રિકેટ રમતા એ જોવાની મજા આવતી, તો ક્યારેક રમતા- રમતા ઝઘડી પણ પડતાં, તો ક્યારેક બે- ત્રણ મિત્રો ભેગા થઇને કોઇકને ચિડવવાનું કામ પણ કરતાં (પછી જ્યારે કંપ્લેન થાય ત્યારે સર કે મેડમ કોઇ એકને બરબરનું સંભ્ળાવે ત્યારે કાયમ એમ થતું કે હું જ કેમ? પેલા બે તો બાકી છે.), તો વળી કોઇક આંબાના ઝાડ નીચે બેસીને હોમ વર્ક પણ કરતું હોય, તો ક્યારેક ઝાડ પર ચડીને આંબલી – પિપળી રમતા , તો આંબા પરના મોર કે કેરી પાડીને ખાવી એ તો જાણે બધાનો ફેવરીટ સબ્ઝેક્ટ, તો વળી ક્યારેક કોઇક પ્રોઝેક્ટ કર્યો હોય અને હાથમાં મોડ્યુલ લઇને ચાલતા ત્યારે એવી ફિલિંગ આવતી જાણે હાથમાં નોબલ પ્રાઇઝ લઇને ચાલતા. એ પણ એક ક્ષણ હતી કે કાંબલી અને સચીનને એકદમ નજીકથી ક્લબમાં બિલિયર્ડ રમવા આવ્યાતા ત્યારે જોયાતા અને આખા ક્લાસમાં આખો દિવસ એ જ વાત કર્યે રાખી હતી. ત્યાં હતા શું કરવા એ ખબર છે આંબલી પાડવા માટે !!! બાજુના મોટા ગ્રાઉન્ડમાં GAIL ની લાઇન ખોદાઇ હોય અને ખાડા પર કુદવાની શું મજા આવતી એ વર્ણવી શકાય એમ નથી. હું ઘણા શિક્ષકોના સંપર્કમાં આજે પણ છું પરંતુ કેટલાક નથી એમને આજે re union ના બહાને મળીશ. છતાં એ આખા લિસ્ટમાંથી J.D.PATEL ને નહી જ મળાય. ખરેખર સર આજ્નો આ પ્રોગરામ તમારા જ આયોજન નો એક ભાગ હોય એવું સતત મનમાં થયા જ કરે છે. આજે બધુ જ છે. બધુ જ મળે છે પરંતુ રિષેશ નથી મળતી. એ મિત્રો ક્યાંક ગોતવા છે કે જેમની સાથે ઝડપથી નાસ્તો પતાવીને રોજે રોજ કંઇક નવી જ મસ્તી કરવાનું મન થાતું. બસ અત્યારે NOSTALGIA ના બેનર નીચે ઉભા રહીને એક બાજુ મારી આંખો કોઇકને શોધે છે તો મન સ્કુલનો એક એક ખૂણો એક એક જ્ગ્યા જોઇને જીવનરૂપી ઇતિહાસના પાના ફેરવે છે !!!!!!

When I saw a Guitar at Plywood Store (4/01/2018)

Image may contain: 1 person, indoor
હજુ ચાર દિવસના વાણા માંડ વાયા છે નવા વર્ષના દિવસે દિલીપ સરે લખેલી કવિતાની લાઇન yes, this is reality , and it does bite…..(જીવન સાથે વણાયેલી એ વાસ્તવિકતા સતત નજર સમક્ષ તરવરતી કે સતત જીવન સાથે વણાયેલી દેખાય છે.) આજે સાંજે હું ન્યુ આઇપીસીએલ રોડ પરથી પસાર થતો હતો અને રસ્તામાં પ્લાયવુડ સ્ટોર આવ્યો... હા હું ત્યાંથી પસાર થવું અને જો સમય હોય તો તો અકુંરને મળીને જ નીકળું... એવી જ મારી આજની ફરીથી એની સાથેની એક ફોરમલ મુલાકાતમાં એણે એક સરસ વાત કહી અને મન પાછું કંઇક કહેવા માટે વલખા મારવા લાગ્યું... વાત વાતમાં સહજતાથી અંકુરે મને કહી દિધુ કે સર હમણા થોડા થોડા સમયથી હું અહિંયા એક ગીટાર રાખું છું અને બસ એના આ શબ્દોએ મને વિચારોમાં ગરકાવ કરી દીધો.... ક્યાંક દરેકમાં એક આવડત પડી છે... અંકુર સારુ ગાઇ અને વગાડી શકે તો હું થોડું બોલી શકું છું તો કોઇક ક્યાંક બીજી કોઇ આવડતથી ભરપુર છે... પણ મુખ્ય વાત એ છે કે આ બધામાંથી સર્વાઇવ થવું ખૂબ જ કઠીન દેખાય છે... એટલે હું ક્યાંક ટાઇલ્સના બીઝનેસમાં પડ્યો છું અને અંકુર ક્યાંક પ્લાયવુડના બીઝનેસમાં પડ્યો છે... અને છતાં મારા ટાઇલ્સ ઝોનમાંથી થોડી બુક્સ મળી આવે કે અંકુરના પ્લાયવુડ સ્ટોરમાંથી ક્યાંક ગીટાર માળી આવે એ માત્ર અમારા માટે અમારા પૅસનને સંતોષ આપતી એક વાત છે. હક્કીક્ત તો એવી જ છે કે આખા વર્ષમાં ત્રણ કેચાર દિવસ માંડ એવા આવે કે જેમાં અમે આનો થોડો ઉપભોગ કરી શકીએ. બાકી આવા પૅસનની સંતુષ્ટી તો ક્યાંક અમારા આખા થાકને અંતે પુરા થતા દિવસના અંતે ક્યાંક મળી આવતા એકાંતમાં ફૂટી નીકળતી હોય છે. અંકુરના એ શબ્દો હજુ પણ મને યાદ છે કે સર મને અંદરથીએ થાતુ તુ કે મારે ગીટાર પર કંઇક કરવું છે અને આ વિચારોમાં હું ટેરેસ પર જતો અને કંઇકને કંઇક વગાડ્યા કરતો પણ એની મજા કંઇક ઓર જ આવતી... હા, એ જ પૅસન.... ક્યાંક મારામાં ... ક્યાંક અંકુરમાં.. ક્યાંક દરેકમાં... છુપાયેલું કંઇક જેને જાળવી રાખતા આવા દરેકને સલામ ... લગે રહો .... બાકી આમ જ .... બાકી સોભીત દેસાઇ નો એક શેર ...
સરવૈયું માંડી બેઠા ત્યારે એ તથ્ય જાણ્યુ,
એ જીંદગી જ નહોતી તોય જીવાઇ ગઇ....
આને વેદના કહો કે સંવેદના કહો જે કહો તે.... પણ જીવનનું સાચું સંવેદન કે ટોનીક પણ આ જ છે....

Community Science Center (9 Jan)



જીજ્ઞાશા અને સહજ કુતુહુલવૃત્તિનો પર્યાય એટલે બાળકો, અને એમાં પણ જ્યારે એને સંતોષ મળે એટલે જાણે એને ઇંધણ મળ્યા બરાબર. બસ માત્ર જરૂર હોય છે બાળકને એના પ્રશ્નોના સાચા જવાબની... જો જવાબ મળે તો એ તો ખૂલા આકાશમાં હરહંમેશ ઉડવા તૈયાર જ હોય છે. તમે થાકશો એના પ્રશ્નો નહી થાકે એ પાકું...જે પેરેન્ટ્સનો આ અનુભવ હોય એ એટલું લખી રાખજો તમારો બાળક જીનિયસ છે એ પાકું.... ચાલો એવું બને પણ ખરું કે બધા પેરેન્ટ્સ પાસે જવાબ દેવાની ક્ષમતા નથી અને ક્યાંક એના પ્રશ્નોનું સમાધાન થાય એવા ક્લાસ કે સંસ્થાની મદદ લેવાય તો એમાં ખોટું શું ? સોને પે સુહાગા...થવું જ જોઇએ. પણ આવી કોઇ સંસ્થા (Centre) હોઇ શકે ખરી ? બીજે કશે છે કે નહી એની મને ખબર નથી પણ વડોદરામાં સુભાનપુરામાં છે એ પાકું... હા, હું Community Science Centre ની જ વાત કરું છું કંજ છેલ્લા ત્રણેક વર્ષથી ત્યાં જાય છે અને આખા અઠવાડિયામાં શુક્રવાર અને શનિવાર ક્યારે આવે તેની રાહ જોતો હોય છે. જેમ ચુંબકિય સોય ઉત્તરધ્રુવ તરફ આપોઆપ આકર્ષાય એમ ત્યાં જનારું દરેક બાળક બસ દિવાનો બની જાય છે. 1982માં એની શરૂઆત થઇ અને 2002માં જે આજનું બિલ્ડિંગ છે એ પ્રાપ્ત થયું. જ્યોતિ લિમિટેડના નાનુભાઇ અમીન અને વામન ડબલ્યુ ચેમ્બુરકરે ભેગા મળીને મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટનો સહકાર મેળવીને Community Science Centre ની શરૂઆત કરી. એ શરૂઆતના એવા તો ફળ પાક્યા કે આજે Community Science Centre કુલ 125 સ્કુલ સાથે સંકળાયેલ છે તો દર શુક્રવાર અને શનિવારે બાળકોને સાયન્સની મજા કરાવવા કુલ 9 શિક્ષકોનો સ્ટાફ છે. આસપાસના ગામની સ્કુલમાં(for rural area) જઇને વિજ્ઞાનની વાતો વહેંચવા માટે Science on wheels ના લૉગો સાથે એક tempo traveller(જે GACL દ્વારા અપાઇ છે) અને winger( જે United Way દ્વારા અપાઇ છે.) તૈયાર જ છે. તો Community Science Centre હંમેશા પર્યાવરણ સાથે સંકળાયેલ કોઇ પણ ઇવેન્ટ હોય એમાં સામેલ જ હોય છે. આજે Community Science Centre માં 45 વર્કિંગ મોડેલ છે... એક એક મોડેલ જોઇને મોઢામાંથી wowનો ઉદગાર નીકળી જ પડે... 23.4 ડિગ્રી પૃથ્વી નમેલી છે એ આપણે સૌ ભણ્યા છીએ પણ એ જ કક્ષાએ નમેલી એને પરફેક્ટ એંગલ પર જોવી હોય તો Community Science Centre પર જાવું પડે. આ તો એક જ વાત કરી મોટાને પણ માજા કરાવી દે એવા અનેક મોડેલ ત્યાં બખૂબી સચવાયા છે અને બાળકોને વિજ્ઞાન સહજ રીતે પિરસાય છે. સાથે સાથે Science Experiment અને Visual experiment competition યોજીને વર્ષમાં બાળકોને બે વખત ઇનામો પણ આપાય છે. ડિસેમ્બર કે જાન્યુઆરીમાં V. W. Chemburkar ટૉકનું આયોજન કરીને અદભૂત નોલેઝ પણ પિરસાય છે. આ બધાનો ખર્ચ...કારણ કે બાળકો પાસેથી તો નોમીનલ ફી લેવાય છે... એના માટે તો વળી ક્યાંક કેટલાક સ્પોન્સર્સ છે તો ક્યાંક GEDA કે PCRA સાથે પ્રોજેક્ટ કરીને ફંડ મેળવી લે છે અને કંજ જેવા અનેક બાળકો દર વર્ષે વિજ્ઞાનના રહસ્યોને પામે છે કોઇક ખગોળિય ઘટના ઘટવાની હોય તો બાળકો સાથે પેરેન્ટ્સને પણ બોલાવીને ટેરેસ પર લઇ જઇને બતાવવામાં (જરૂર પડે તો ટેલિસ્કોપ સાથે) આવે છે. વિજ્ઞાન અને ગણિતને લગતી કુલ 1500 કરતા વધારે બુક્સ અને જરનલ Community Science Centre માં છે. વૅકેશનમાં પણ અનેક પ્રવૃતિઓ કરીને બાળકોને Science અને Technology થી અવેર કરવાનું ચુકતા નથી. Energy Hall, Technology Hall, General Science Hall અને Biotechnology Hall એમ ચાર જે મોટા મોટા રૂમ છે એમાં બાળકો પોતાની જીજ્ઞાશા કમિટેડ શિક્ષકો સાથે સંતોષે છે અને વિજ્ઞાનને માણે છે. ધન્ય છે આવા સમર્પણને.. ધન્ય છે આવા વિચારને જે સતત અપડેટ રહીને નેક્સટ જનરેશનને પણ અપડેટ રાખે છે विज्ञानेनै विजानाति ની ટેગ લાઇન સાથે બાળકોની જિજ્ઞાશાને સંતોષ આપતી Community Science Centre ની ટીમને એમની ધગસ અને લગન માટે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે તમે વાવેલા એ બીજ ક્યાંક ફણગો થઇને ડૉ. કલામ કે વિક્ર્મ સારાભાઇના રૂપમાં તમારી સામે આવે એ ક્ષણોની રાહ જોવું છું.

https://www.facebook.com/ajit.kalaria/posts/10217366896262704

મૃગાંકભાઇ પરિચય


મેં અનેક વખત કહ્યું છે અને મારી મૃગાંકભાઇ પરની પોસ્ટમાં અનેક વખત લખ્યું છે કે મૃગાંક શાહ એટલે મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલીટી.
મૃગાંક શાહ એટલે એક એવું વ્યક્તિત્વ છે કે જે વિચારોનો આઇડિયાનો એક ખજાનો છે નવા વિચારો સાથે ક્રિયેશનનો એક ધોધ છે. મિત્રતા નિભાવી જાણે એવા અજાતશત્રુ માણસ છે.
આજના માર્કેટમાં કેમ વિચારવું અને કેમ નવા આઇડિયા પેદા કરવા એના ક્લાસ ચાલતા નથી બાકી જો આવા કોઇ ક્લાસ ચાલતા હોય તો મૃગાંકભાઇથી સારી કોઇ ફેકલટી મળવી મુશ્કેલ છે.
મૃગાંકભાઇ એટલે એક એવું વ્યક્તિત્વ કે જે વિચારને પડદા પર બખૂબી સહેજ પણ માર્યા  મચોડ્યા વગર As it is રજુ કરી આપે. હા હું ફિલ્મના પડદાની જ વાત કરું છું. સુપરસ્ટાર અર્બન ગુજરાતી મુવીના સ્ક્રિપ્ટ રાઇટર પોતે છે તો એસોસિયેટીવ પ્રોડ્યુસર પણ છે જ. તો એ જ પિક્ચરમાં મૃગાંકભાઇ પોતે ડિરેકટરના રોલમાં એક રોલ પણ આદા કરે છે. તો વળી ગુજ્જુભાઇ ધ ગ્રેટ અર્બન ગુજરાતી મુવીના પોતે સ્ક્રિપ્ટ રાઇટર છે. એમનું એક ગુજરાતી નાટક પિકચર હજુ બાકી છે દોસ્ત 200 કરતાં વધુ શૉ કરી ચુકયુ છે.
વિચારનો આ માણસ ખરેખર મંચનો, અભિનયનો અને સાહિત્યનો એક અદભૂત સંગમ છે.
પણ   આ બધુ જ ક્યારે શક્ય બને જ્યારે માણસે વિશ્વ સાહિત્યક્ષેત્રે એક ઊંડું ખેડાણ કર્યુ હોય હા, એમના વાંચન વિશ્વમાં ઓશો કે જિદુક્રિષ્નમૂર્તિ, રોમા રોલાં, લીન યુટાંગ કે એલાન વોટ્સ  જેવા અનેક મહાન  ફિલોસોફરનો સમાવેશ છે તો હાલના ચર્ચિત લેખક યુવાલ નોવા હરારીના ત્રણે પુસ્તકો ક્યારના પચાવી ચુક્યા છે. એમની વાતોમાં અનેક વખતે એક અલગ જ ઉંચા પ્રકારની ફિલોસૉફી આવે ત્યારે સહજતથી બોલી જવાય કે વાહ મૃગાંકભાઇ.
હવે મને સારું છે અને અહીં અને અત્યારે જ... એવા ટાઇટલ સાથે  પોઝીટીવીટીથી ભરપુર બે પુસ્તક આપી ચુક્યા છે તો મનનાં ડ્રાઇફ્રુટ્સ એ નામનું એક પોકેટ પુસ્તક પણ  છે જે કદમાં તો નાનું છે પણ જાણે સેન્સ ઓફ હ્યુમરનો એક મોટો ખજાનો છે. એમના પત્ની અમીષા શાહ સાથે થેંક્યુ મમ્મી નામનું  ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરે એવું  સંકલન કરેલ સુંદર પુસ્તક પણ આપી ચુક્યા છે. તો વજૂદ નામનો એમનો કાવ્ય સંગ્રહ અને હમણા હમણા જ  વર્ટીકલ્સ અને દસ્તક એવા  બે સ્તંભ કવિતાઓના પુસ્તક પણ  છે જ.
કવિતાને સ્તંભ સ્વરૂપે રજુ કરીને કવિતા વિશ્વમાં એક નવો જ ચિલો ચાતર્યો છે. જે ખુબ જ વંચાય છે અને નવી જનરેશન દ્વારા ખૂબ પોંખાય પણ છે.
મૃગાંકભાઇ  ગુજરાતી ભાષાના એક ઉમદા કવિ છે. એમના કાવ્ય વિશ્વને એક જ વાક્યમાં પોંખવું હોય તો કહી શકાય કે એમની કવિતાઓ વિષય વૈવિધ્યને પાર કરી ચુકી છે એમના કયા વિષય પર લાગણી નથી અનુભવી. એમની દરેક કવિતાનો પોતિકો લય છે તો દરેક કવિતાએ અલગ જ લય સાથે નોખો મિજાજ પ્રગટ કરી બતાવે એવા કવિ છે છંદશ હોય કે અછંદશ હોય પોતે એવી રીતે રજુ કરે કે બસ જાણે એમની જુબાનીના આપણે પણ એક કિરદાર કે સાક્ષી કે હકદાર બની જવાય. ક્યારેક તો આખે આખી કવિતા એવા પ્રશ્ન સ્વરૂપે આપે કે એમાં જણાતો લય અને ભાવ જાણે આપણો અવાજ બની બેસે એવી અનુભુતિ થાય.
કોઇ મોટી વાતને પંચ સાથે ટુંકમાં કેમ કહી દેવી કે કોઇ સામાન્ય લાગતી વાતના ગર્ભમાં રહેલો વિશાળ મર્મને  એવી રીતે રજુ કરી બતાવે કે જાણ્યા પછી એમ થાય કે વાહ આ મને કેમ ન સમજાયું જે હોય તે મૃગાંક શાહ એટલે સાહિત્યનો અને કલાનો એક નવો જ પ્રકાશપુંજ, તો એક એવું વ્યક્તિત્વ જેને બીજા કરતાં કંઇક વધારે વિચારવૈભવ પ્રાપ્ત થયો છે અને એક એવું વ્યક્તિત્વ કે જેને ખોબે ખોબે એ વિચારોને વહેંચવા પણ એટલા જ ગમે છે. ક્યાંક મને મૃગાંકભાઇ શાણપણ અને ભોળપણનું ભાગ્યે જ જોવા મળે તેવું અદભુત વ્યક્તિત્વ લાગ્યા છે.   તો કાયમ મૈત્રી રાખવી ગમે તેવો નિખાલસ મિત્ર અને કાયમ માટે મળવા અને માણવા ગમે એવા સચોટ ગુજરાતી લાગ્યા છે.

મંગળવાર, 5 માર્ચ, 2019

જલરૂપના પ્રથમ કાવ્યસંગ્રહ I Love Me વાંચ્યા પછી.....

Image may contain: 1 person, standing
હજુ ગઇકાલે જ Gully Boy મુવી જોયું. Gully Boy એટલે એક એવી કહાની જે ક્યાંક કેટલાક અંશે દરેકના જીવનની હકિકત છે. તો ક્યાંક પોતાના સપના એમ જ અધુરા રાખી દેનાર નિયતીની જુબાની છે. એમાં કોઇક Gully Boy ક્યાંક ચમકી જાય છે, નિયતીના વણાંક પર સાચી દિશા પકડી લે છે અને એ Gully Boy હજારો અને લાખોના જીવનનો રૉલમોડેલ બની જાય છે. મોટા ભાગના આ નિયતીના વણાંકને કેમ નથી પકડી શકતા એનું એક common reason એટલે ઘરની સામાન્ય સ્થિતી કે પૈસા. બસ આ જ એક કારણ, કે-જે અનેક creative Passionate personality ને એક સામન્ય માનવી કે એક ઘરેડમાં દોડતો સામાન્ય માનવી બનાવી દે છે. ના છુટકે એ પોતાના passion ને બાજુ પર મુકીને પોતાના પર એક અત્યાચાર કરી બેસે છે. પણ Gully Boy માં એક dialog છે એમ કે “Passion follow करो पैसा आयेगा” ને કોઇક જ સમજનાર હોય છે કે ક્યાંક કોઇક જ આ વાતને સમજાવનારા હોય છે. આ વાતને અનુસરનારા આખેઆખી નિયતીને બદલી નાખે છે અને પોતાને પુરવાર કરે છે. પણ... પણ... પણ આજે મારે Gully Boy મુવીની વાત નથી કરવી. આજે મારે એક ખરા અર્થમાં નજરે જોયેલ Gully Boy ની વાત કરવી છે. હા, રૂપેશ પરમારને હું મોરબીનો Gully Boy કહું છું. આમ તો રૂપેશ વ્યવસાયે શિક્ષક છે. મોરબીમાં ટ્યુશન કલાસ ચલાવે છે અને બાળકોને ભણાવે છે. અરે હા, એ જ્યારે 12th માં ભણતો ત્યારે જ ભણાવવાનું શરૂ કરેલ. પણ પોતાના એક નોખા Passion ને પણ સતત ચાલુ રાખ્યું અને આ Passion એટલે કવિતા.... હા, રૂપેશ એક કવિ છે અને મર્મવેધી કવિતા લખે છે અને હમણા જ એનો I Love Me નામનો સરસ સંગ્રહ પ્રગટ થયો છે તો એક વાત ખાસ જણાવી દઉં કે એ કવિતાઓ જલરૂપના ઉપનામથી લખે છે. એટલે હવે આગળ હું જલરૂપ નામનો ઉલ્લેખ કરીશ. તો જલરૂપનો I Love Me કાવ્ય-સંગ્રહ એક અનોખો અછાંદશ કાવ્ય સંગ્રહ છે. જલરૂપની આ કવિ તરીકેની સફરમાં ચંદ્રેશ ઓધવિયા કે રોહન રાંકઝા જેવા અનેક મિત્રોનો અમુલ્ય ફાળો છે તો કાયમ હાજરી જેવા ગુરૂ તુલ્ય વ્યક્તિત્વનો પણ અનેરો ફાળો છે આમ તો એ છાંદશ કવિતા, ગીતો કે ગઝલ પણ લખે છે અને પોતાની મનોદશા બખૂબી વર્ણવી બતાવે છે. જલરૂપને મેં અનેક સમયે એની રચના વાંચ્યા બાદ ફોન પર વાત કરીને અભિનંદન આપ્યા છે તો એ પણ જાણવાની કોશીશ કરી કે ભાઇ આ વિચાર તને સ્ફુર્યો કેમ કરીને ? જે હોય તો મોરબીના આ Gully Boy માં દમ તો છે જ. આ Gully Boy જલરૂપ હજુ તો ઘણો વિસ્તરશે એમ એને જાણનારા અને માણનારા ચોક્ક્સ કહી જ શકે તો આજે એ વાત પર જલરૂપે I Love Me કાવ્યસંગ્રહ આપીને પોતાના હસ્તાક્ષર કરી દીધા છે એનો અનેરો આનંદ છે. ખરેખર I Love Me એવું અદભુત શિર્ષક પસંદ કરવા બદલ સૌ પ્રથમ તો તને અભિનંદન જલરૂપ. I Love Me એટલે અનેક વિચારો અને વિષયથી ભરાયેલ કાવ્યસંગ્રહ. ભૂખ હોય કે મૃત્યુ હોય, બાંકડો હોય કે રહસ્યવાદ હોય, શુષ્ક જીવન હોય કે વસંતનું આગમન હોય, સનાતન સત્ય હોય કે બંદગી હોય જલરૂપનું મન ક્યાં ક્યાં પહોંચ્યું છે એ તો જ્યારે આ કાવ્યસંગ્રહ વાંચો ત્યારે જ સમજાય. કંઇક જોયા કે જાણ્યા પછી મનનાં સ્પંદનોને કાગળ ઉપર કંડારવા અને એ પાછા સામેવાળાના હૈયાને કેમ કરીને ભીંજાવવા એ જાણે જલરૂપને જન્મજાત મળેલી સોગાત છે એવું એની કવિતાઓ માણ્યા પછી ચોક્ક્સ લાગે. તો એમ પણ કહેવું પડે કે જલરૂપ એક મિઝલસનો માણસ છે. માણવા જેવો માણસ છે તો માણ્યા પછી ન ભુલાય એવો માણસ છે. એની કલમ વ્યાથા માટે આક્રોશ સ્વરૂપે વ્યક્ત થાય છે તો ક્યાંક અનેરી લાગણીઓમાં હ્રદયની ભીનાશ સ્વરૂપે વ્યકત થાય છે. ટુંકમાં કહું તો જલરૂપની કવિતાઓ વાંચ્યા પછી એવું ચોક્ક્સ લાગે કે એ મારી અને તમારી જ વાતોને ખૂબ જ સહજતાથી કવિતા સ્વરૂપે રજુ આપે છે વધારે તો શું કહું એના શબ્દો જ જ્યારે તમારા સુધી પહોંચશે ત્યારે તમે જ એને પામજો અને એક અલગ જ બહાવમાં વહેજો. બાકી આવનારા સમયમાં મેં જેને મોરબીના Gully Boy તરીકે રજુ કર્યો છે એ જલરૂપ એક અલગ જ સિતારો બનીને ચમકશે એમાં કોઇ બે મત નથી. તો હજુ એની જીવનરૂપી કિતાબના કેટલાય પન્ના ફેરવવાના બાકી છે કારણ કે પોતે એક વાચક છે તો પર્યાવરણ સાથે સંકળાયેલ એક જીવ છે. પણ અત્યારે તો જલરૂપ તારો I Love Me કાવ્યસંગ્રહ હજારો લોકો સુધી પહોંચે અને પોંખાય એવી દિલથી શુભેચ્છાઓ.

પાકિસ્તાનને જે રીતે ભારત સામ-દામ-દંડથી જવાબ આપી રહ્યું છે ત્યારે... તા. 23/02/2019

જે હોય તે પુલવામા એટેકથી દેશની રાજનીતી ગરમાઇ છે મારે મન એ મહત્વનું નથી. પણ દેશના શહિદોને ક્યાંક આજ સુધી નથી મળ્યું એટલું માન મળ્યું છે એ મહત્વનું છે કેટલી મદદ એમના પરીવારોને મળી છે એ મહત્વનું છે. દેશમાં આજે એ 40 શહિદો માટે ખૂણે ખૂણેથી ભામાશા બેઠા થયા એ મહત્વનું છે. દેશમાં ક્યાંક દરેકે ઘરમાં એક પોતાનો માણસ ખોયો હોય એવી ભાવના જાગી છે. હવે લડી જ લેવું છે ની ઇચ્છા જાગી છે. દેશ ઊંધને ઢમઢોરીને જાગી ઉઠ્યો હોય એવું સતત લાગે છે. આજ સુધી કોઇ નેતાએ નથી લીધા એવા એક્શનસ લેવાઇ રહ્યા છે. એક હુમલો થાય અને 48 કલાકમાં  Import-Export પર 200% ડ્યુટી લાગે વાહ...  તો આવું આજ પહેલા કેમ ન થયું એ એક સવાલ ? ...અને આ કદમ લેવા બદલ પહેલી સલામ ! MFN (Most Fevered Nation)નો દરજ્જો પાછો ખેંચીને દુનિયા સામે પાકિસ્તાનને તમાચો લાગાવી દીધો તો અલગતાવાદી નેતા અને બીજા 150 નેતાઓની સિક્યુરીટી પાછી ખેંચી લેવી વાહ બીજી સલામ ! આજ સુધી આ એક્શનનો પણ કોઇએ નાનો સરખો વિચાર પણ નહોતો કર્યો.  આજે ગુજરાતના એ મુખ્યમંત્રી યાદ આવી ગ્યા કે જેમણે એક્શન લેતા એક સમયે ગાંધીનગરમાં એસી બંધ કરાવી દીધા હતા. હા, હું નરેન્દ્ર મોદીની જ વાત કરું છું. અને આજે પાછું નવું એ કે 3 નદીઓના પાણી યમુનામાં ડાયવર્ટ કરવામાં આવશે. આજ સુધી કોઇપણ સરકારે ન લીધેલ આ પગલા લેવા બદલ ત્રીજી સલામ ! કેમ આજ સુધી કોઇ સરકારને 3 નદીઓમાં વહી જતાં વધારાના 10% પાણીને પોતાના દેશ માટે જ વાપરવાનો વિચાર ન આવ્યો. તાત્કાલીક ધોરણે એ પાણી યમુનામાં ઠાલવાય એ પગલા લેવાશે અને એક નવો જ વણાંક દેશની પાણીની ક્રાંતિમાં આવશે. હવે વાતચીતનો સમય પુરો થયો છે એમ હુંકાર કરીને પોતાના પગલા ચાલુ રાખ્યા એ વાતનો અનેરો ફક્ર છે એ માટે તમને ફરી એક સલામ ! સમગ્ર ભારત દેશે આ હુંકારની  કદર કરી અને જાણે દરેકની નશોમાં એક અલગ જ લોહી ફરતું હોય એવું અનુભવ્યું કારણ કે દરેકના મનનો આ જ અવાજ હતો....ધંધો નથી બુમો છે પણ પાકિસ્તાને સીધુ કરવા માટે ઘરે ઘરે એક જ અવાજ છે અમે સાથે જ છીએ. જો આ બધામાં રાજનીતી હોય તો પણ મને એ રાજનીતી મંજુર છે આ જ પગલા આવતીકાલ માટે અને આવનારા વર્ષો માટેના ક્યાંક 1857ના વિપ્લવની જેમ ઇતિહાસના પાનાઓ પર કંડારાઇ જશે અને એમાં મારું કંઇક યોગદાન હશે તો મારી આવનારી પેઢીને હું ગર્વથી કહી શકીશ કે આ સમયે અમે કંઇક આવું કર્યુ હતું... એ ક્ષણોના સાક્ષી બનવાનો અત્યારે ગર્વ અનુભવો.  જો આમાં તમે સહમત નથી થઇ શકતા તો જરા વિચારી જોજો કે દેશભક્તિ ક્યાંક પોલી અને સ્વાર્થી તો નથી ને ! 40 દેશો ભારતના પડખે ઊભા છે અને સેનાને આઝાદી પછી પહેલી વાર ખુલ્લો દોર આપી દેવામાં આવ્યો છે, ઇઝરાયેલે જોઇએ એવી બીનશરતી મદદનું એલાન કર્યું છે ત્યારે પાકિસ્તાનનું પાપ પોકારી ઉઠશે એ પાકું છે અને આવી ઇતિહાસની ગોલ્ડન ક્ષણોનો સાક્ષી બનવા મારું મન ક્યારનુંય લાગી ગયું છે. હું તો એ ક્ષણોની રાહ જોઇને બેઠો છું કે પાકિસ્તાન પોતે કેવી રીતે પોતાના જ પગ પર કુહાડો મારે છે. જો દેશમાં ચાલતા મહાયજ્ઞમાં મદદરૂપ ન થઇ શકો તો કંઇ નહી પણ એમાં હાડકા નાખી વિઘ્નો નાખવાનું કામ તો ન કરો. ગર્વ છે દેશ પહેલી વખત એક જોરદાર વિચાર સાથે એક અનોખા પગલા સાથે આગળ વધી રહ્યો છે. બધા જ કોઇને કોઇ રીતે સપોર્ટ કરવા તૈયાર છે. દેશની ક્રિકેટ એકેડેમી(BCCI) પણ કહી ચુકી છે કે જો સરકાર ના પડશે તો અમે પાકીસ્તાન સાથે વલ્ડકપમાં નહી રમવા તૈયાર છીએ. વાહ, સામ-દામ અને દંડની ચાણ્ક્ય નિતી આજે દેશની ચારેય દિશાઓમાંથી ચાલી છે એનો મને ગર્વ છે. ફરીથી કહું છું આ ગોલ્ડન ક્ષણોના સાક્ષી બનો ગર્વ થાશે. 

માતૃભાષા દિન 21 ફેબ્રુઆરી 2018

ઘણું જીવો ગુજરાતી તું રહો સદા મદમાતી
ત્રિલોકમાં ને નવે ખંડે તુજ ફોરમ રહો છવાતી
તું ઘણું જીવો ગુજરાતી !
......
હું એક આશાવાદી માણસ છું એટલે માતૃભાષા દિને એટલું જ કહીશ કે મારી માતૃભાષા હજુ હજારો વર્ષ રહેશે જ... કારણ કે
દુનિયાના કોઇપણ ખૂણામાં બે ગુજરાતી ભેગા થઇને સહજતાથી ગુજરાતીમાં વાતો કરવા લાગે છે ત્યારે મને વિદેશમાં ગુજરાત ઉભુ થતું ભાષે છે. કેટલીય વખત ક્રિકેટમાં સ્ટંપની પાછળથી પાર્થિવ પટેલનો શુદ્ધ ગુજરાતી લહેકો સંભળાઇ જાય છે ત્યારે મને લાગે છે મારીભાષા અનેક સિમાડાઓ તોડીને સતત વિસ્તરે છે. જ્યારે પ્રધાનમંત્રી વિદેશમાં જઇને ડાયસ પરથી બધાને કેમ છો એમ કહીને ખબર અંતર પુછે છે અને પછી જે અવાજ આવે છે તે સાંભળું છું ત્યારે મને થાય છે કે મારી ભાષા હજુ ઘણી મઝલ કાપવાની છે. અરે હા.... જ્યારે હું થિયેટરમાં જાવું છું અને છેલ્લો દિવસ, ગુજ્જુભાઇ ધ ગ્રેટ, લવની ભવાઇ, સુપરસ્ટાર, ચલ મન જીતવા જઇએ જેવા અર્બન ગુજરાતી પિકચરોને જોવું છું ત્યારે હાશકારો થાય છે અને મન કહે છે હવે મને સારું છે. મને બિથોવનની સિમ્ફની ગમે છે. તો હું રિકીમાર્ટીન કે માઇકલ જેકસનને સાંભળું છું ત્યારે ઝુમી પણ ઉઠું છું પરંતુ જ્યારે જળકમળ છાંડી જા ને .... વાળુ પ્રભાતીયું સાંભળું છું ત્યારે હું એક અલગ જ ભાવવિશ્વમાં ખોવાઇ જાવું છું અને મને થાય છે કે આ પ્રભાતિયા મારી ભાષાને જીવતા રાખે છે. નવરાત્રી કે લગનમાં લાખો લોકોને જ્યારે હું ગરબાના તાલે રમત જોવું છું ત્યારે મને એમ થાય છે કે મારી ભાષા હજી ઘણી લાંબી મઝલ કાપવાની છે. આશોની અમાસ પછી ઉગતા સૂર્યોદય સાથે લોકોને જ્યારે નૂતન વર્ષાભિનંદન કે સાલમુબારક કહી મળતા જોવું છે ત્યારે મને એમ થાય છે કે જ્યાં સુધી કારતકની પ્રભાત આવા શબ્દોથી થશે ત્યાં સુધી મારીભાષા વર્ષોના વર્ષ કુદાવતી રહેશે. છેલ્લા એક જ વાત કહી દઉં મને ઇમ્પ્રેસ શબ્દ કરતા સહજતામાં વધારે ઉંડાણ અનુભવાયું છે એટલે ઇડિયટ જેવા શબ્દો કરતા ઇસ્કોતરા જેવા શબ્દો સાથે જીવવાનું ફાવી ગયુ છે. કારણ કે ત્યાં સહજ સ્ફુરણા છે. બસ આવી સહજ સ્ફુરણા જ કદાચ વિશ્વની તમામ માતૃભાષાના આયુસ્યનું કારણ છે. માતૃભાષા દિવસ મુબારક....
આજે રિલાયન્સ સ્કુલમાં માતૃભાષા વંદના દિન પર જવાનું બન્યુ એ સદભાગ્ય.... બાળકોએ પણ ખુબ સુંદર પ્રસ્તુતી કરી.... એમની પ્રસ્તુતીમાં શિક્ષકોનું યોગદાન સતત છલકાતું જોયું. જયાં સુધી આવા શિક્ષકો છે ત્યાં સુધી માતૃભાષા સતત પ્રસ્તુતી અને સ્વીકૃતી પામતી જ રહેશે....
Image may contain: 1 person, outdoor