શનિવાર, 18 સપ્ટેમ્બર, 2021

Ajit Kalaria @ 40




આજે અનેક Students ના ફોન આવ્યા, અનેક મિત્રોના ફોન આવ્યા અને બધા એ એક વાત કહી કે લખને આજે તો તારે લખવાનાનું જ છે. સર, તમે લખો જ ! અમને પ્રેરણા મળે છે. આજથી દસ – પંદર વર્ષ પહેલા ભણેલા વિદ્યાર્થીઓ પણ જ્યારે યાદ કરતાં હોય અને કહેતા હોય કે સર અમે તમને વાંચીએ જ છીએ ભલે comment નથી કરતાં ! પણ તમને વાંચવાની મજા આવે છે. અને, આખરે લખવા બેસી જ ગયો ! ચાલો, આજે મારા જ જન્મદિવસે એક અલગ જ અંદાજમાં મારી પોતાની જ કહાની! હા, હું મને જે રીતે જોઇ રહ્યો છું કે જે રીતે મુલવી રહ્યો છું એ જ શબ્દો......
==============
Yes, Ajit Kalaria @ 40
આજે 40માં વર્ષે શું છે મારી પાસે ? તો એક જ જવાબ છે કે મારો પોતાનો attitude છે. મારી પોતાની જે uniqueness છે એની સમજણ છે. મારી જીદ્દ છે અને મારા સપના છે. ફિનિક્સ પક્ષીની માફક રાખમાંથી બેઠા થઈ જઈ ફરીથી લડી લેવાની હિંમત પ્રતિક્ષણ રાખી છે અને છેલ્લા શ્વાસ સુધી રાખીશ. સમય સાથે Update થઈને રહેનારી અને મારા વિચારો સાથે સહમત થાય એવી પત્ની રાજશ્રી છે એનો ગર્વ છે, અને જ્યારે કંજને ખીલતો જોઉં છું ત્યારે મારા અને રાજશ્રીના nurturing પર પુરો ગર્વ લેતો હોઉં છું. આજે જ્યારે એ "I have a hero,I call him Dad !” એવું પ્રિન્ટ કરેલું ટી શર્ટ પહેરે અને મને હટકે બર્થ ડે wish કરે ત્યારે જે ગર્વ અનુભવું છું એ શબ્દાતીત હોય છે.
હા, હું મારા પોતાના એક Instinct સાથે જીવું છું. હું એને મારું killer Instinct કહીશ! હા, એ killer Instinct કદાચ મને ક્યાંક ગાંગુલીએ જે લોર્ડઝમાં ટી શર્ટ કાઢીને લહેરાવીને બતાવ્યું હતું,એના જેવું જ લાગે છે તો ક્યાંક આખેટના એ શૅમલ જેવું લાગે છે. ક્યાંક એ મને યુદ્ધ મોરચે લડતા સૈનિક જેવું લાગે છે તો ક્યાંક એ મને સતત સર્જનશીલતા સાથે ઉગતાં સમણા જેવું લાગે છે.
મારા આ Instinctની સાથે સાથે હું હર હંમેશ જીવનને એક પ્રયોગશાળા ગણી સતત કંઇકને કંઇક નવું કરતો જ રહ્યો છું. પછી ભલે ને એ કોઇપણ ક્ષેત્ર હોય! ભલે ને એ એક સામાન્ય પ્રયોગ સાબિત થાય. સફળતાનો એક નશો જોયો છે. પણ જીદ્દ માટે ખપી જવાની હંમેશા તૈયારી રાખી છે. તો બીજા છેડે હારના બોજને ખમી લેવાની પુરી ત્રેવડ પ્રતિક્ષણ રાખી છે. જ્યાં પણ ગયો છું ત્યાં અઢળક મિત્રો બન્યા છે અને ચાહકો પણ એટલા જ બન્યા છે. સાથે સાથે નફરત કરનારા દુશ્મનો પણ પેદા કર્યા જ છે. એમની સાથે દુશ્મનાવટ એક અલગ જ મિજાજથી નિભાવતો રહ્યો છું અને મરતે-દમ-તક નિભાવતો રહીશ.એ જ મારો મિજાજ છે. ધૂમાડાની જેમ હવામાં ઓગળી જવું મને ગમશે પણ રાખ થઈને વેરાઈ જવું એ મારી ફિતરત નથી.
જીવનમાં અનેક નામી અનામી વ્યક્તિઓને મળ્યો છું અને મજાના સંબંધોના સરોવર રચ્યા છે. દરેકની સાથે કોઇપણ મુદ્દા પર ખૂલીને ચર્ચાઓ કરી છે. અને સામેવાળાના માનસપટ્ટ પર એક અલગ જ ઇમ્પ્રેશન છોડી છે. જેને પ્રેમ કર્યો છે એને પુરી વફાદારી અને પૂર્ણ સમર્પણ સાથે કર્યો છે. બાકી જેણે ઈમાન પર ઘા કર્યો છે એને કદી માફ નથી જ કરતો એને હું કાયમનો શત્રુ ગણું છું અને એ bastard ની સામે જોતો જ નથી ! આવા એકાદ- બે નહીં અનેક bastards ને જીવનભર ભૂલી જવાની ખુમારી રગેરગમાં રાખી છે. અને આવા અનેક bastards ને જીવનમાંથી દૂર કર્યા જ છે અને હજુ જીવનભર એ જ મિજાજ ચાલુ જ રહેશે! આ મિજાજ નહીં જ છોડું ! સ્માર્ટનેશથી સામેવાળાને મૂર્ખ સમજનાર કપટીને પણ હું હંમેશા આ જ મિજાજથી દૂર રાખું છું.
જીવનમાં અનેક આઘાતો જોયા છે અને ખમ્યા છે. અનેક આશ્ચર્યોમાંથી પસાર પણ થયો છું. આ બધું જ જાણે સાક્ષીભાવે જોયું છે અને હજુ પણ જોતો રહીશ-ખમતો રહીશ અને ઘડાતો રહીશ. એને જ હું સાચું ઘડતર ગણું છું. એને જ હું અનુભવોનું ભાથું ગણું છું. સંઘર્ષ માટે હું પ્રતિક્ષણ તૈયાર રહું છું. તો બીજી બાજુ મારા પૅશનને જીવતું રાખવા હું કંઇપણ જતું કરવા પ્રતિક્ષણ તૈયાર જ રહું છું. ગમતી કોઇપણ ચીજને પોતિકી કરી લઉં છું બાકી તો ન ગમતા માણસોને જીવનમાંથી કાઢી નાખતા ક્ષણનોય વિલંબ કરતો નથી. સ્કૂલમાં ભણતો ત્યારે, કૉલેજમાં આવ્યો ત્યારે, શિક્ષક બન્યો ત્યારે અને બિઝનેસમેન બન્યો ત્યારે પણ જીદ્દ તો એની એ જ છે કે “કંઇક કરી જવા માટે- કંઇક સાબિત કરી જવા માટે જ જન્મ લીધો છે.” બાકી એટલું ચોક્ક્સ કહીશ કે અત્યારના દિવસો તો માત્ર પ્રયોગશાળાના પ્રયોગ સમાન છે. જેમાંથી હું પસાર થઇ રહ્યો છું કે ઘડાઇ રહ્યો છું કે આકાર પામી રહ્યો છું. હા, હું કેટલેક અંશે કેટલીક બાબતોમાં ઈગોઇસ્ટીક છું કારણ કે હું મારા ઈમાનને વહેંચીને કોઇ compromise કરતો નથી એટલે એ તો રહેવાનું જ! ખુદ્દારી અને ખમીરી સાથે ફના થઈ જનારો માણસ છું એટલે એ તો રહેશે જ !
આસ્તિકતા સાથેની શ્રદ્ધાનો માણસ છું. પણ વેદિયાપણાથી ઉપર ઉઠેલો છું એ પાક્કુ છે. Updation એ મારો મિજાજ છે અને નવી પેઢીનો સંગ એ મારું પ્રતિક્ષણ જીવાતું સમણું છું. આ બધાની વચ્ચે જીવનમૂલ્યોને સાચવ્યા છે અને જીવ્યા છે. હા, મને ખબર છે મારી નિખાલસતા-સરળતા અને સ્વભાવગત ઉદારતાનો અનેકે ફાયદો લીધો છે પણ મને મારા Ethics પરથી હટવું નથી ગમ્યું એટલે એ બન્યું છે એનો મને સહેજેય રંજ નથી ! બાકી કંઇક નવું creation અને નવો વિચાર વૈભવ એ જ મારી ફિતરત છે અને જીવનના અંત સુધી એ જ રહેશે.

=============

Happiest birthday to my life partner love partner... Love to enjoy the ups n downs of our life with your support.. on completion of your 40s.. I just pray to God to have a healthy n stable life.. just want to b with u on this day..I'm the luckiest to have u .. જોઈએ શું?.. બસ અનંત પ્રેમ.. નિરંતર પ્રેમ .. અને એ પ્રેમ નો પર્યાય એટલે અજિત.. I wish to celebrate your 80th birthday with u with same love n passion.. Have a fabulous day Aaajit❤️🥰🎂 Miss u so much.. lots of love..❤️ eagerly waiting to celebrate your post birthday..🍫😘
- Rajshree

=====================






Happy Birthday Rajshree




સમય સાથે વહેતા રહેવાનું મન થાય અને જેનો સાથ સતત છે એવો અહેસાસ થાય, લાગણી છે અને સાથે સાથે જીદ્દ પણ છે, પ્રેમ છે અને સાથે સાથે પ્રત્યુત્તર પણ છે, મજાની ડ્રેસિંગ સેન્સ છે અને સાથે સાથે સોબરનેસને પોતિકી કરી લેવાની એક અલગ જ આવડત છે, બાળ સહજ હઠ છે અને સાથે સાથે ઘમંડ પણ છે, ફ્યુચરીસ્ટીક અભીગમ છે અને સાથે સાથે વર્તમાનમાં જીવી લેવાની પુરી હોશ છે, નવી જનરેશન સાથે અપડેટ થવાનો પુરો જોશ છે અને સાથે સાથે પોતાની મર્યાદાઓની પણ પુરી જાણ છે, કોઇની પણ સાથે મિત્રતા કેળવી લેવાની આવડત છે અને સાથે સાથે પોતાની એક મેગ્નેટીક પર્સનાલીટીનો એક અલગ ચાર્મ પણ છે, સંગીતની તરઝ પર આફ્રીન છે અને સાથે સાથે જીવનરૂપી તરઝ પર હર હંમેશ નવા કદમ પર ચાલવા તત્પર છે, કુદરતના ખોળે ફરવાની શોખીન અને સાથે સાથે સ્પિરીચ્યુલી પણ અવેક , ખુલીને હસી શકે છે અને સાથે સાથે સામેવાળાને ઇચ્છા પડે તો રડાવી પણ દે છે, કોઇપણ કામ પરફેકશન સાથે કરે અને સાથે સાથે ડેડિકેશન પણ એટલું જ હોય, ડ્રામેટીક તો સો ટકા અને સાથે સાથે થોડી ઇગોઇસ્ટીક પણ ખરી, આ બધા વચ્ચે કંઇક કરી લેવાની તમન્ના છે અને હંમેશા હું જ સાચીનો જ્યાં થોડો અહમ છે એવી પ્રિય પત્નીને જન્મદિવસની અઢળક
શુભેચ્છાઓ
!🤣🤣🤣 Happy Birthday Rajshree!!!

Hum Tum a Beautiful book !




કવિતા અને વિચારોની જુગલબંધી ધરાવતું એક મજાનું પુસ્તક એટલે હમતુમ ! હા, મૃગાંક શાહ અને અમીષા શાહ લીખીત આ પુસ્તક હમ (બન્ને લેખક) અને તુમ(વાચક) વચ્ચે જાણે એક મજાનો સેતુ રચી આપે છે. હા, બધા જ લેખ નવગુજરાત સમયમાં પ્રકાશીત થઇ ચુક્યા છે. પણ 40 લેખનું જે સિલેક્શન છે. તે કાબિલેદાદ છે. પ્રત્યેક પાને જાણે લેખક અને આપણા વચ્ચે સીધો જ સંવાદ હોય એવું લાગી ઉઠે છે. આપણી આસપાસના જ વિશ્વમાંથી ઉકેલાયેલી કે શોધાયેલી કે કસોટીની એરણ પર ચકાસાયેલી અનેક વાતો જાણે એવી રીતે નેરેટ કરી છે કે પ્રત્યેક વાત પોતિકી લાગી ઉઠે છે. આ વાતોમાં ક્યાંક કોઇક મજાની વાર્તા છે તો ક્યાંક મસ મોટી દેખાઇ ઉઠતી ફિલોસોફીનો નિચોડ છે. કોઇકના ક્વોટ છે તો દેશ-વિદેશની કહાવતો છે. આ બધાની વચ્ચે અનેક પુસ્તકો અને ફિલ્મોના મજાના રેફરન્સ છે. અરે, હા ફિલ્મી ગીતો છે - ગઝલો છે અને અનેક નઝમો છે. ટુંકમાં પ્રત્યેક પાને એક નહી અનેક પોઝિટીવ વાતો છે કે પછી કોઇક મજાનો પોઝિટીવ અભિગમ છે. સત્યને નિડર બનીને આલેખ્યું છે એનો અનેરો ગર્વ છે.
સાવ સરળ શબ્દોમાં મજાની ઘરની વાત છે. સંબંધની વાત છે. અને પાછી એમાં સંબંધની હૂંફાળપની કહાની છે. તો ક્યાંક સંબંધના નિભાવ પાછળ ત્યાગની તો ક્યાંક થેંક્સ ગિવીઇંગની વાત છે. દિવાળીના દિવસોમાં કબાટ સાફ કરવાની અમીષાબેનની પોતાની વાત હોય કે બીજી કોઇ વાત હોય એમનો એ દ્રષ્ટિકોણ વાંચતી વખતે પોતિકો થઇ ઉઠતો હોય છે. પ્રત્યેક વાત પાછળ ક્યાંક હ્યુમર છે તો ક્યાંક અનુભવ છે. જે રજુઆત છે એ આપણા જ ભાવવિશ્વની પહેચાન બનીને પડઘાય છે એવું સતત લાગ્યા કરે છે. પણ જ્યારે નથીંગ બાય ચાન્સ, ફિલોસોફી ઓફ ઇનફનેસ કે પછી આઇ એમ ફાઇન, જસ્ટ નોટ હેપ્પી ! જેવી વાત આવે છે ત્યારે કે પછી ઇટ્સ નોટ અબાઉટ ધ બાઇક કે ડૉટર ઓફ ઇસ્ટ ની વાત આવે છે ત્યારે એમના વિશાળ વાંચનનો પરિચય સહજપણે થઇ જતો હોય છે. જ્યારે નેટીકેટ્સ જેવા અનેક શબ્દ આવે છે ત્યારે એમનો નવી જનરેશન સાથે ફુલ્લી અપડેટ હોવાનો પરિચય પણ આપી જાય છે. અને આ બધાની વચ્ચે જ્યારે અમિષાબેન એમ કહે છે કે
“આપણે જીવનને આદત સમજીને જીવી નાખીએ છીએ.” .... ”આપણને સત્યપ્રિય માણસ કરતાં ‘સ્માર્ટ’ માણસ વધારે પસંદ આવે છે.”
“માર્ક્સના ચક્કરમાં ‘એન્જોયમેન્ટ ઓફ લર્નિંગ’ની આહુતી ચડે છે.” ત્યારે મન વિચારે ચડે છે. અને ઊંડા વિચારોમાં ગરકાવ થઇ જવાય છે.
બસ હવે વધારે નથી કહેવું – વાંચવું જ પડે એવું મજાનું પોઝિટીવીટીથી ભરપુર પુસ્તક એટલે હમતુમ ! સો ટકા વાંચવા જેવું અને વસાવવા જેવું મજાનું પુસ્તક ! હા, આ પુસ્તક તો સ્કૂલની લાઇબ્રેરીમાં પણ હોવું જોઇએ કારણ કે પ્રત્યેક વાત વાંચીને બાળકને એક પાંખ મળે એવો અહેસાસ પ્રત્યેક પાને પાને છે. કારણ કે પુસ્તકમાં અઢળક મજાના પ્રસંગ છે. વાતો છે. અને સહજ શૈલી છે. અને છેલ્લી વાત કે - હા, કાન્તિ ભટ્ટના પુસ્તક ચેતનાની ક્ષણે, ચેતનાની પળે કે ચેતનાને દ્વારે પુસ્તકમાં જેમ પ્રત્યેક લેખ એક કવિતા કે ક્વોટથી શરૂ થાય એમ આ પુસ્તકમાં પ્રત્યેક લેખ એક કવિતાથી શરૂ થાય છે જે મૃગાંક શાહની પોતાની છે અને જ્યારે લેખ વંચાઇ રહે છે ત્યારે એને લેખ ન રહેતા નિબંધ છે એમ કહી જવાનું મન થઇ ઉઠે છે. હા, એ અર્થમાં મારા માટે તો હમતુમ એ એક નિબંધ સંગ્રહ જ છે. મૃગાંક શાહ અને અમીષા શાહ બન્નેને આવું મજાનું પુસ્તક આપવા બદલ
અભિનંદન
અને હજુ આવું ઘણું મળતું જ રહે એ જ અભ્યર્થના !
R. R. Seth દ્વારા પ્રકાશિત આ પુસ્તક નીચેની લિંક પરથી પણ મેળવી શકાશે.

શનિવાર, 4 સપ્ટેમ્બર, 2021

Nine Days of Navaratri




આ અનંત બ્રહ્માંડ જે રિધમમાં જે લયમાં વર્તુળાકારે ફરતું ફરતું આગળ ને આગળ વિસ્તરી રહ્યું છે એ જ લયમાં – એ જ વર્તુળાકાર દિશામાં ફરતાં ફરતાં માંની આરાધના કરવાનું પર્વ એટલી નવલી નવરાત્રિ. હિંદુ સંસ્કૃતિની આગવી ઓળખ એટલે આ નવરાત્રિના ગરબા ! આ ગરબામાં લય છે- તાલ છે- સંગીતની છોળો છે.  અને અનેરા જોમ અને જુસ્સા સાથે હાથમાં તાળીના ઠમકારા અને પગની ઠેસ સાથે ચોક્ક્સ સ્ટેપ છે  આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું આ મોજીલું પર્વ એટલે નવરાત્રિ !

આસુરી શક્તિનો નાશ કરવા જ્યારે માં દુર્ગામાંથી જે મુખ્ય ત્રણ સ્વરૂપોનું અવતરણ થયું એ મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી કહેવાઇ ! અને જ્યારે માં દુર્ગાના આ ત્રણ સ્વરૂપો ફરીથી બીજા ત્રણ સ્વરૂપોમાં આવિર્ભાવ પામે ત્યારે જે નવ શક્તિ ઉત્પન્ન થઇ એની આરાધનાનું પર્વ એટલે નવલી નવરાત્રિ ! આજે એ નવ શક્તિઓને થોડી સમજીએ અને થોડી આરાધીએ !

નવરાત્રિનો પહેલો દિવસ એટલે માં શૈલપુત્રીની આરાધનાનું પર્વ.

વંદે વાંચ્તિલાભાય ચંદ્રાર્ધકૃતશેખરામ |

વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રીં યશસ્વિનીમ ॥

 માં દુર્ગાનું પહેલું સ્વરૂપ તે શૈલપુત્રી ! હિમાલયને ત્યાં પુત્રીના રૂપે જન્મ લીધો એના કારણે નામ પડ્યું શૈલપુત્રી. એમનું વાહન વૃષભ  છે. એના કારણે આ દેવી વૃષારૂઢના નામથી પણ ઓળખાય છે. આ દેવીના જમણા હાથમાં ત્રીશુળ અને ડાબા હાથમાં કમળ હોય છે. આ દેવી સતીના નામથી પણ ઓળખાય છે.

એકવાર જ્યારે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો ત્યારે બધા દેવતાઓને આમંત્રણ આપ્યું પણ ભગવાન શંકરને ન બોલાવ્યા. અને જ્યારે સતી ઘરે પહોંચ્યા ત્યારે માત્ર માંએ જ એમને સ્નેહાદાર આપ્યો બીજા કોઇએ નહી. બહેનોના ભાવમાં પણ ક્યાંક વ્યંગ અને ઉપહાસ હતો. એટલું જ નહી પણ ભગવાન શંકર પ્રત્યે પણ એક તિરસ્કાર હતો. દક્ષે પણ અપમાનજનક શબ્દો કહ્યાં. અને સતી આ અપમાન સહન ન કરી શકી અને યોગાઅગ્નિ દ્વારા પોતાને સળગાવી દીધી. અને આના કારણે ભગવાન શંકરે એ યજ્ઞનો વિધ્વંશ કર્યો. અને એ જ સતી પછીના જન્મમાં શૈલરાજ હિમાલયની પુત્રીના રૂપે જન્મી અને શૈલપુત્રી કહેવાઇ. પાર્વતી અને હેમવતી પણ આ જ દેવીના નામ છે. અને શૈલપુત્રીના લગ્ન પણ ભગવાન શંકર સાથે જ થયા અને શૈલપુત્રી ભગવાન શંકરની અર્ધાંગીની બન્યા.

માં શૈલપુત્રીનું મહત્વ અને શક્તિ અનંત છે. માં શૈલપુત્રી એ ખરા અર્થમાં આ સમગ્ર સૃષ્ટિની પ્રકૃતિની અધિષ્ધાત્રી છે.

 

 

 

નવરાત્રિનો બીજો દિવસ એટલે માં બ્રહ્મચારીણીની આરાધનાનો દિવસ.

દધના કરપધ્માભ્યામક્ષમાલાકમળ્ડલૂ |

દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિળ્યનુત્તમા ॥

માં બ્રહ્મચારીણી કે જેના એક હાથમાં કમંડળ છે અને બીજા હાથમાં માળા છે. જે ભક્તિ અને પ્રેમનું પ્રતિક છે. જે જ્ઞાન અને શાણપણનો પર્યાય કહેવાય છે. અને એટલે જ માં બ્રહ્મચારીણીની પુજા અને આરાધનાથી જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તી થાય છે. બ્રહ્માચારીણીનો અર્થ તપનું આચરણ કરવાવાળી એવો થાય છે. માં બ્રહ્મચારીણીનું રૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અનંત ભવ્ય છે. બ્રહ્મનો અર્થ તપ એવો થાય છે એટલે બ્રહ્મ ચારીણીનો અર્થ તપને ધારણ કરનારી એવો થાય ! કેવું તપ ? તો આવો જોઇએ માં નો એ મહિમા !

હિમાલયના ઘરે પુત્રીના રૂપે જન્મ લીધો હતો. અને નારદજીના ઉપદેશથી પતિના રૂપમાં શંકર ભગવાનને પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એક હજાર વર્ષ સુધી માત્ર ફળ-ફૂલ ખાઇને જ વિતાવ્યા. બીજા એક હજાર વર્ષ માત્ર પાંદડાવાળા શાકભાજી પર જ વિતાવ્યા !  તો ત્રણ હજાર વર્ષો સુધી તુટેલા બિલ્લીના પત્ર ખાઇને જ ભગવાન શંકરની આરાધના કરતી રહી. ત્યાર બાદ તો એમણે બિલ્લીના પત્ર પણ ખાવાના છોડી દીધા અને નિર્જલ અને નિરાહાર રહીને જ તપસ્યા કરતી રહી એટલે જ આ દેવીનું નામ અપર્ણા એવું પણ પડી ગ્યું. આવી કઠોર તપસ્યા જોઇને દેવતા, ઋષિ, સિદ્ધગણ, મુનિ સૌએ કહ્યું આવી કઠોર તપસ્યા તો માત્ર ને માત્ર દેવી તમારાથી જ થઇ શકે ! અને માં એ જ્યાં સુધી શંકર ભગવાન પોતે ન આવ્યા ત્યાં સુધી આ તપસ્યા ચાલું જ રાખી.  અને આ તપસ્યાના કારણે જ એમને તપશ્ચારીણી એટલે કે બ્રહ્મચારીણીના નામથી જ ઓળખવામાં આવી.

માં બ્રહ્મચારીણીની આરાધના થકી આપણામાં ત્યાગ, તપસ્યા, વિરાગ, નૈતિક આચરણ અને સંયમ જેવા ગુણો આવિર્ભાવ પામે છે. માંની આરાધના થકી મનુષ્ય ગમે તેવી કપરી પરિસ્થિતીમાં પણ પોતાના પથ પરથી ચલાયમાન થતો નથી. માંની કૃપા થકી મનુષ્ય હંમેશા સફળતા પામે છે.

 

 

 

 

 

નવરાત્રીનો ત્રીજો દિવસ એટલે માં ચંદ્રઘંટાની આરાધનાનો દિવસ !

પિળ્ડજપ્રવરારૂઢા ચળ્ડકોપાસ્ત્રકેર્યુતા |

પ્રસાદં તનુતે મહ્યાં ચંદ્રઘળ્ટેતિ વિશ્રુતા ॥

માં ચંદ્રઘંટાનું સ્વરૂપ તપેલા સોના જેવું ચળકતું છે. એમનો ચહેરો શાંત અને સૌમ્ય છે. અને મુખ પર સૂર્યમંડલની આભા ચમકી રહી હોય છે. માં ના માથા પર અડધો ચંદ્ર છે જે એક ઘંટની જેમ દિશી રહ્યો છે એટલે જ દેવીનું નામ ચંદ્રઘંટા છે. માં ચંદ્રઘંટા સિંહ પર સવાર હોય છે અને પોતાના દસ હાથમાં દશ આયુધો ધારણ કરેલા હોય છે. અખૂટ જ્ઞાન અને પરમઆનંદનો પર્યાય એટલે માં ચંદ્રઘંટા ! 

દેવો અને અસુરો વચ્ચે એક સમયે લાંબી લડાઇ ચાલી ! અસુરોનો સ્વામી મહિષાસુર હતો અને દેવતાઓનો ઇન્દ્ર ! મહિષસુરે દેવતાઓ પર વિજય મેળવી સિંહાસન પ્રાપ્ત કરી લીધું અને સ્વર્ગ લોકમાં રાજ કરવા લાગ્યો. અને બધા દેવતાઓ મળીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે ગયા. વાત સાંભળીને ત્રણેયને અત્યંત ક્રોધ આવ્યો અને ત્રણેયના મુખમાંથી અગ્નિ ઉત્પન્ન થઇ. અને ઉપસ્થિત દેવગણોના શરીરમાંથી નિકળેલી ઉર્જા પણ એમાં ભળી ગઇ અને દશે દિશાઓમાં એ વ્યાપત થઇ ઉઠી. અને ત્યાં જ એક દેવીનું અવતરણ થયું. ભગવાન શંકરે દેવીને ત્રિશુળ અને વિષ્ણુએ ચક્ર પ્રદાન કર્યુ. અને આવી જ રીતે બીજા દેવી દેવતાઓ એ પણ અસ્ત્ર- શસ્ત્ર પ્રદાન કર્યા. ઇન્દ્રએ પણ પોતાનું વજ્ર અને એરાવત હાથી પરથી ઉતરીને એક ઘંટ પ્રદાન કર્યો. સૂર્યએ પોતાનું તેજ અને તલવાર આપી અને સવારી માટે સિંહ આપ્યો. મહિષાસુર વધ માટે દેવી હવે સજ્જ હતી. અને એમને જોઇને જ મહિષાસુર સમજી ગયો કે હવે પોતાનો અંત આવી ગયો છે. અને દેવીએ એક જ જાટકામાં દાનવોનો સંહાર કરી દીધો. મહિષાસુરની સાથે સાથે અનેક અસુરોનો પણ નાશ થયો અને આમ, મા ચંદ્રઘંટાએ દેવતાઓને અભયદાન આપ્યું.

 

માં ચંદ્રઘંટા-  દેવગણ, સંતો અને ભક્તોના મનને સંતોષ અને પ્રસન્નતા પ્રદાન કરે છે. માં ચંદ્રઘંટાની આરાધનાથી વિરતા અને નિર્ભયતાની સાથે સાથે સૌમ્યતા અને વિનમ્રતાનો પણ વિકાસ થાય છે. માં ચંદ્રઘંટાની પૂજા કરવાથી બધા જ પાપ નાશ પામે છે અને જન્મો-જન્મનો ડર પુરો થઇ જાય છે. અને નિર્ભય બની જવાય છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નવરાત્રિનો ચોથો દિવસ એટલે માં કુષ્માંડાની આરાધનાનો દિવસ.

સુરાસમ્પૂર્ણકલશં રૂધિરાપ્લુતમેવ ચ |

દધાના હસ્તપદ્માભ્યાં કુષ્માંડા શુભદાસ્તુ મે ॥

પોતાની મંદ હસીથી અંડ એટલે કે બ્રહ્માંડને ઉત્પન્ન કર્યુ હતું એટલે દેવીનું નામ કુષ્માંડા પડ્યું. કુ નો અર્થ થાય છે નાનું અને ઉષ્માનો અર્થ હૂંફાળું અને અંડા એટલે કોસ્મિક ઇંડુ આ અર્થમાં આ સમગ્ર બ્રહ્માંડને ઉત્પન્ન કરનારી માં એટલે કુષ્માંડા.

માં કુષ્માંડાને આઠ હાથ છે. એટલે એ અષ્ઠભુજાના નામે પણ પુજાય છે. એમના એ આઠ હાથમાં ક્રમશ: કમંડલ, ધનુષ, બાણ, કમળ-પુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર તથા ગદા છે. અને આઠમા હાથમાં બધી જ સિદ્ધીઓ અને નિધિયો આપનારી માળા છે. માં કુષ્માંડાનું વાહન સિંહ છે.

પૌરાણીક કથા અનુસાર જ્યારે સૃષ્ટિ ન હતી. ચારે બાજુ માત્ર ને માત્ર અંધકાર હતો ત્યારે દેવીએ પોતાના ઇષત હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. એટલે જ એમને સૃષ્ટિની આદિસ્વરૂપા કે આદિશક્તિ પણ કહેવાય છે. આ દેવીનો વાસ સૂર્યલોકની અંદર આવેલા લોકમાં છે. સૂર્યલોકમાં રહેવાની શક્તિ માત્રને માત્ર આ દેવીની જ છે. એટલે જ એમના શરીરની કાંતિ અને પ્રભા સૂર્યની જેમ જ તેજસ્વી છે.

માં કુષ્માંડાની આરાધનાથી જીવનમાં સુગમતા અને પરમ પદ પ્રાપ્ત થાય છે અને આધિ વ્યાધિથી મુક્તિ મળે છે. સાથે સાથે સુખ-સમૃદ્ધિ અને ઉન્નતિ પ્રદાન થાય છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નવરાત્રીનો પાંચમો દિવસ એટલે સ્કંદમાતાની આરાધનાનો  દિવસ !

 

સિંહાસનગતા નિત્યાં પદ્માશ્રિતકરદ્વયા |

શુભદાસ્તુ સદા દેવી સ્કંદમાતા યશસ્વિની ॥

સ્કંદમાતાના રૂપનું સૌંદર્ય અદ્વિતિય આભા વાળા સફેદ વર્ણનું છે. સકંદમાતા વાત્સલ્યની મૂર્તિ છે. સંતાનની પ્રાપ્તિ માટે સ્કંદમાતાની પૂજા કરાતી હોય છે. પહાડમાં રહી સાંસારિક જીવોમાં નવચેતનાનું નિર્માણ કરવા વાળી માતા એટલે સ્કંદમાતા ! એમ કહેવાય છે કે સ્કંદમાતાની કૃપા હોય તો મૂઢ પણ જ્ઞાની બની જાય છે.

સ્કંદ કુમાર કાર્તિકેયની માતા હોવાને કારણે દેવીને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. સ્કંદમાતાને ચાર હાથ છે. જમણી બાજુ નીચે તરફ આવેલા હાથમાં સ્કંદને ખોળામાં રાખેલો છે. જ્યારે ઉપર આવેલા બીજા હાથમાં કમળનું પુષ્પ ધારણ કરેલું છે. ડાબી બાજુ ઉપર તરફના હાથ આશિર્વાદ મુદ્રામાં છે જ્યારે નીચે આવેલ બીજા હાથમાં કમળનું પુષ્પ છે. સ્કંદમાતા કમળરૂપી આસન પર બીરાજેલ હોય છે. એટલે એમને પદ્માસના તરીકે પણ બોલાવાય છે. સ્કંદમાતાનું વાહન સિંહ છે.

કુમાર કાર્તિકેયની રક્ષા માટે જ્યારે માતા પાર્વતી ક્રોધિત થઇને આદિશક્તિના રૂપમાં પ્રગટ થયા ત્યારે ઇન્દ્ર પણ ભયથી ધ્રુજવા લાગ્યા હતા. ઇંન્દ્ર પોતાના પ્રાણ બચાવવા દેવી સામે ક્ષમા યાચના કરવા લાગ્યા. કુમાર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે એટલે માતાને મનાવવા ઇન્દ્ર સહિત સૌ દેવતાઓ સ્કંદમાતાના નામથી દેવીની સ્તુતિ કરવા લાગ્યા અને એ જ રૂપમાં એમનું પૂજન પણ કર્યું અને આ સમયથી જ દેવી પોતાના પાંચમા સ્વરૂપમાં સ્કંદમાતાના રૂપે જ ઓળખાવવા લાગી.

સ્કંદમાતા વિદ્વાનો અને સેવકોને ઉત્પન્ન કરવા વાળી શક્તિ છે.  ચેતનાને નિર્માણ કરનારી માં એ સ્કંદમાતા છે. એમ કહેવાય છે કે કાલિદાસ દ્વારા રચિત રઘુવંશમ અને મહાકાવ્ય મેઘદૂત સ્કંદમાતાની કૃપાથી જ શક્ય બન્યા હતાં.

 

 સ્કંદમાતાની આરાધના થકી મનુષ્ય પોતાની બધી જ ઇચ્છઓને ફળીભુત કરી ઉઠે છે. માંની ભક્તિ થકી મનુષ્ય આપોઆપ મુક્તિના અમોઘ દ્વાર ખોલી ઉઠે છે.

 

 

 

 

નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે માં કાત્યાયની ની આરાધનાનો દિવસ !

 

ચંદ્રહાસોજ્જ્વલ્કરા શાર્દૂલવર્વાહના |

કાયાયની શુભં દધાદેવી દાનવધાતિની ॥

મા કાત્યાયનીની ચાર ભુજાઓ છે. જમણી તરફનો ઉપરનો હાથ અભયમુદ્રામાં છે જ્યારે નીચે તરફનો હાથ આશિર્વાદની મુદ્રામાં છે. ડાબી  તરફ ઉપરની ભુજામાં તલવાર છે જ્યારે નીચે તરફની ભુજામાં કમળનું ફૂલ છે. કાત્યાયની દેવીનું વાહન સિંહ છે. એમનું સ્વરૂપ એકદમ ભવ્ય અને દિવ્ય છે.

 

કાત્ય ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયને ભગવતી પરામ્બાની ઉપાસના કરી હતી. માત્ર ઉપાસના જ નહી પણ કઠોર તપસ્યા કરી હતી. એમની ઇચ્છા હતી કે એમને એક પુત્રી પ્રાપ્ત થાય. માં ભગવતીએ એમના ઘરે પુત્રીના રૂપે જન્મ લીધો. એટલે આ દેવી કાત્યત્યની તરીકે ઓળખાઇ. માં કાત્યાયનીનો ગુણ શોધનો છે. એટલે આ વૈજ્ઞાનિક યુગમાં માં કાત્યાયની દેવીનું ખુબ જ મહત્વ છે. ત્યારે આજે અહીંથી દેવીને આરાધના કરીને વિનવણી કરું છું કે હે, માં – હે કાત્યાયની દેવી આ જગતને કોરોના રૂપી અદ્દ્ર્શ્ય શત્રુના ભરડામાંથી ઉગારી લેવા જગતના કોઇક ખૂણે કોઇક વૈજ્ઞાનિકને એક યુરેકા મોમેન્ટ આપ અને અમારા સૌનું કલ્યાણ કર ! આ દેવી વૈધનાથ નામની જગ્યાએ પ્રગટ થઇ અને ત્યાં જ પુજાઇ ! ભગવાન કૃષ્ણને પતિ રૂપે પામવા માટે વ્રજની ગોપીએ મા કાત્યાયનીની જ પૂજા કરી હતી. આ પૂજા કાલિંદી યમુનાના તટ પર જ કરાઇ હતી. એટલે એ બ્રજમંડલની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં એ પ્રતિષ્ઠિત છે. માં કાત્યાયની શત્રુહંતા છે એટલે એમની પુજા કરવાથી શત્રુઓ પરાજિત થાય છે. કાત્યાયની દેવીની આરાધનાથી સરળતાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેયની પ્રાપ્તિ થતી હોય છે. ભક્તના રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થઇ જતાં હોય છે. અને પરમ પદની પ્રાપ્તિ થતી હોય છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નવરાત્રિનો સાતમો દિવસ એટલે માં કાલરાત્રિની આરાધનાનો દિવસ !

એકવેણી જપકર્ણપૂરા નગ્ના ખરાસ્થિતા |

લમ્બોષ્ઠી કર્ણિકાકર્ણી તૈલાભ્યક્તશરીરિણી ॥

વામ્પાદોલ્લસલ્લોહલતાકળ્ટકભૂષણા |

વર્ધનમૂર્ધદ્વજા કૃષ્ણા કાલરાત્રિર્ભયંકરી ॥

 

જેવું એમનું નામ છે એવું જ એમનું રૂપ છે. માંનો વર્ણ કાળો છે. હા, અમાસની રાતથી પણ કાળી લાગે છે માં જેને જોઇને જ ભૂત પ્રેત ભાગી જાય છે. માં કાલરાત્રિને ત્રણ નેત્રો છે. આ ત્રણે નેત્રો બ્રહ્માંડની જેમ ગોળ છે. એમના શ્વાસમાંથી અગ્નિ નિકળ્યા જ કરે છે. માં નું વાહન ગર્દભ છે. ઉપર તરફ ઉઠેલો જમણો હાથ આશિર્વાદની મુદ્રામાં છે જ્યારે બીજા હાથ અભયમુદ્રામાં છે અને ડાબી તરફના એક હાથ માં લોખંડનો કાંટો છે.  જ્યારે બીજા હાથમાં ખડગ છે. માથાના વાળ વિખરાયેલા છે. અને ગળામાં વિદ્યુતની જેમ ચમકતી માળા છે. 

શંભુ-નિશંભુ અને રક્તબીજ આ ત્રણેય દૈત્યોએ ત્રણે લોકમાં હાહાકાર મચાવી રાખ્યો હતો. એનાથી ચિંતીત સૌ દેવતાગણ શિવજી પાસે ગયા અને શિવજીએ દેવી પાર્વતીને આ રાક્ષસોનો વધ કરીને પોતાના ભક્તોની રક્ષા કરવા કહ્યું. શિવજીની વાત સાંભળીને પાર્વતીજીએ દુર્ગાનું સ્વરૂપ ધારણ કર્યું અને શંભુ-નિશંભુનો વધ કર્યો. પરંતુ જેવું દુર્ગાજી એ રક્તબીજની માર્યો કે તરત જ એના શરીરમાંથી નિકળતા રક્તથી બીજા લાખો રક્તબીજ ઉત્પન્ન થઇ ગયા. અને આ જોઇને દુર્ગા માં એ પોતાના તેજથી કાલરાત્રીને ઉત્પન્ન કરી ! અને પછી જ્યારે માં દુર્ગાએ રક્તબીજને માર્યો ત્યારે એના શરીરમાંથી નિકળતા રક્તને માં કાલરાત્રિ પોતાના મુખમાં લેતા ગયા અને બધાને મારીને રક્તબીજનો વધ કર્યો.

માં કાલરાત્રિનું રૂપ ભલે ભયંકર લાગતું હોય પણ માં કાલરાત્રિ હંમેશા શુભ ફળ આપનારી ગણાય છે. અને એટલે જ માં કાલરાત્રિને શુભંકરી પણ કહેવાય છે. માં કાલરાત્રિની ઉપાસનાથી બ્રહ્માંડની બધી જ સિદ્ધીઓના દરવાજા ખૂલી જતાં હોય છે અને એમના નામના ઉચ્ચારણ માત્રથી આસુરી શક્તિઓ ભયભીત થઇને દૂર ભાગે છે. ટુંકમાં અંધકારમયી સ્થિતીનો વિનાશ કરવા વાળી શક્તિ એટલે માં કાલરાત્રિ ! બધા જ પ્રકારના ભયથી મુક્તિ અપાવનારી માં એટલે માં કાલરાત્રિ ! પોતાના ભક્તોને પરમ શાંતિ અને હિંમત પ્રદાન કરનારી માં એટલે માં કાલરાત્રિ ! હંમેશા આસુરી શક્તિને નાશ કરનારી માંને સત સત વંદન !

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નવરાત્રિનો આઠમો દિવસ એટલે માં મહાગૌરીની આરાધનાનો દિવસ !

 

શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતામ્બરધરા શુચિ: |

મહાગૌરી શુભં દધાન્મહાદેવપ્રમોદયા ॥

નામ જ બતાવે છે કે માંનું રૂપ ગૌર (સફેદ) છે. એમની ઉપમા શંખ, ચંદ્ર, અને કુંદના ફૂલથી અપાઇ છે. અમોઘ ફલદાયિની છે માં મહાગૌરી ! મહાગૌરીનું સ્વરૂપ શાંત છે.

અષ્ટ વર્ષા ભવેદ ગૌરી એટલે એમની આયુ આઠ વર્ષની મનાઇ છે. એમના બધા જ આભૂષણ અને વસ્ત્ર સફેદ છે. એટલે એમને શ્વેતામંબરધરા પણ કહેવાય છે. ચાર ભુજાઓ છે અને વાહન વૃષભ છે. એમનો ઉપર તરફનો જમણો હાથ અભયમુદ્રામાં છે જ્યારે નીચેના હાથમાં ત્રિશૂળ ધારણ કરેલું છે. ઉપરવાળા ડાબા હાથમાં ડમરૂ ધારણ કરેલું છે જ્યારે નીચે વાળો હાથ આશિર્વાદ મુદ્દ્રામાં છે.

પતિરૂપમાં શિવને પ્રાપ્ત કરવા મહાગૌરીએ કઠોર તપસ્યા કરી હતી જેના કારણે એમનું શરીર કાળું પડી ગયું હતું પરંતુ એમની તપસ્યાથી પ્રસ્નન થઇને ભગવાન શિવજી એ એમના શરીરને ગંગાના પવિત્ર જળથી ધોઇને કાંતિમય બનાવી દીધું. અને એમનું રૂપ ગૌર વર્ણનું થઇ ગયું. એટલે જ એ મહાગૌરી કહેવાઇ.

 

મહાગૌરીની કૃપાથી અલૌકિક સિદ્ધીઓ પ્રાપ્ત થતી હોય છે. આઠમા દિવસની પૂજા અષ્ઠમી તરીકે ઓળખાતી હોય છે. અને આ પૂજા તરત જ ફળ આપનારી ગણાય છે. અને જ્યારે મંદિરમાં કે પૂજા સ્થાનની સામે માંની ખરા દિલથી આરાધના થાય છે ત્યારે માં અંબા, કાલિકા કે બહુચરાજી જેવા રૂપમાં પણ હોય છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નવરાત્રિનો નવમો દિવસ એટલે સિદ્ધદાત્રીની આરાધનાનો દિવસ !

 

યા દેવી સર્વભૂતેષુ સિદ્ધિદાત્રી રૂપેણ સંસ્થિતા |

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ : ॥

માં સિદ્ધદાત્રી ચાર ભુજાઓ વાળી છે. એમનું વાહન સિંહ છે. અને કમળના પુષ્પ પર બિરાજમાન છે. એમના જમણા નીચેના હાથમાં ચક્ર છે જ્યારે બીજા હાથમાં ગદા છે. એમના ડાબા નીચેના હાથમાં શંખ છે જ્યારે બીજા હાથમાં કમળનું પુષ્પ છે.

માં સિદ્ધદાત્રી બધા જ પ્રકારની સિદ્ધી આપનારી છે.

અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ એ આઠેય સિદ્ધિઓ માં સિદ્ધદાત્રીની આરાધનાથી પ્રાપ્ત થતી હોય છે. દેવીપુરાણમાં કહેવાયું છે કે શિવજીએ એમની કૃપાથી જ આ સિદ્ધીઓ પ્રાપ્ત કરી હતી. અને એના જ કારણે તેઓ અર્ધનારીશ્વર તરીકે પ્રસિદ્ધ થયા.

માં સિદ્ધદાત્રી લૌકિક, પરલૌકિક અને બધા જ પ્રકારની કામનાઓની પૂર્તિ કરનારી માં છે.