બુધવાર, 28 જુલાઈ, 2010

આવો મળીએ એક મસીહાને........


જીંદગી એટલે ચડાવ અને ઉતારની એક રમત. ક્યારેક સુખના અભિષેકથી જીવન છલકાઇ ઉઠે છે તો ક્યારે દુ:ખ રૂપી વાયરો જીવનને થથરાવતો જાય છે. બાળક જન્મે છે અને પછી ધીરે ધીરે ચાલવાના પ્રયત્નો કરે છે ત્યારે અનેક વખતનાં નિષ્ફળ પ્રયાસ પછી એ ડગલા ભરતા શીખે છે. બાળક ધીરે ધીરે મોટું થતું જાય છે અને પછી એ આ દુનિયા સાથે દોડતા શીખી જાય છે. બાળકમાંથી યુવાન બની ચુકેલ મનુષ્ય કયારેક પાછો આ જીંદગી રૂપી દોડામાં પડી જાય છે એ જ તો દુ:ખનો ચકરાવો હોય છે. અને આ વખતે તેને ઉભા થવામાં થોડો વધુ સમય લાગે છે. કારણ કે બાળક મટી યુવાન બની ચુકેલ વ્યિકતી અનેક પ્રકારના સંબંધોથી અનેક પ્રકારના કામકાજથી ઘેરાયેલો હોય છે. પાટા પર દોડતી ફેમેલી રૂપી ટ્રેનને પાછી પાટા પર આવતા થોડો સમય પણ લાગી જાય છે. પણ આ બધાની વચ્ચે જ્યારે ટ્રેન પાટા પરથી નીચે ઉતરી જાય અને તરત જ બચાવ કાર્યમાં લાગી જાય એવા મસીહાઓને જીવન જોઇ લેતું હોય છે. અને સાથે સાથે પ્રેરણા પણ મેળવી લેતું હોય છે કે ક્યાંક આપણે પણ કોઇક માટે આવા જ મસીહા બની જઇએ.....

મારી જ જીંદગીનો એક યાદગાર પ્રસંગ..........

હજુ જીવનના 29 વર્ષ પુરા કરવાને 60 દિવસની વાર હતી. 20 જુલાઇ 2010ની બપોર હતી. ગુજરાત સીરામિકમાંથી નિકળીને હું ઉર્મી સ્કુલ હોસ્ટેલમાં 12th ને ભણાવવા માટે નિકળી પડયો. દરરોજનાં રૂટિન મુજબ અમિત નગર થી વણાંક લઇને ઉર્મિ તરફ વળ્યો. આજના દિવસમાં કંઇક અલગ જ લખાયેલું હતું. કોઇ extra speed વગર હું જઇ રહ્યો હતો. હું ડાબી બાજુ હતો અને મારી જમણી બાજુ એક એસ.ટી. બસ ચાલી રહી હતી. રસ્તો સરસ પહોળો હતો. પરંતુ આગળ વિશ્વામિત્રિ નદીના કારણે પુલ હતો અને તે સાંકળો હતો. બસના ડ્રાઇવરે મારી બાજુ બસ દબાવી અને હું કોઇ જ જાતના સ્કોપ વગરનો થઇને પડ્યો. મારા પગનાં મસલ્લસ વાળા ભાગ પર બસનું વ્હિલ આવી ગયું. પેસેન્જરોએ કહ્યુ અને ગાડી રીવર્સ આવી અને પગ નીકળ્યો પરંતુ હું ઉભો થવાની સંપૂર્ણ ક્ષમતાઓ ગુમાવી ચુકયો હતો. આ સમગ્ર ઘટના દરમ્યાન પાછળ આવતા એક યુવાને(ઉર્વીશભાઇ) મારી જીંદગીની એ સમયે થયેલી ક્ષણે ક્ષણની રમતને જોઇ લીધી અને તરત જ પોતાની કારમાંથી ઉતર્યો અને મને પોતાની હોન્ડા સીટીમાં બેસાડીને વારસીયા રીંગ રોડ પર ઑમકાર હોસ્પિટલમાં લઇ ગયા. મારો ડૉ. મિત્ર અને મારા સગા સંબંધીઓ આવે તે પહેલા હોસ્પિટલ સુધી પહોંચાડનાર યુવાન માટે મારી પાસે કોઇ શબ્દો હતા નહી. હું કયારનો યુવાન શબ્દ વાપરું છું કારણ કે મારી યુવાનીની વ્યાખ્યા કંઇક એવી છે કે “ જો આજે પણ અન્યાયને જોઇને તમારું લોહી ઉકળી ઉઠતું હોય, પર્વતને જોઇને તમારા પગલા તેને ચઢવા માંડતા હોય અને સાગરને જોઇને જો પેલે પાર જવા તમારું મન સતત ઝંખના કર્યા કરતું હોય તો સમજજો કે તમે યુવાન છો.” અને યુવાનીના આ બધા જ લક્ષણો મેં ઉર્વીશભાઇમાં જોયા છે. અને જીવનપર્યંત તેમનામાં રહે તેવી ભગવાનને પ્રાથના. પોતાની ગાડીમાં પંકચર હોવા છતાં વિશ્વામિત્રી પુલ પાસેથી મને વારસિયા રીંગ રોડ પર દવાખાને પહોંચતો કર્યો. કોઇ જ જાતની પરવા કર્યા સિવાય મને જલ્દી સારવાર મળે એ હેતુથી ગાડી દબાવ્યે જ રાખી અને દવાખાને પહોંચાડ્યો. ત્યાં પણ સતત ઘરનાં કોઇ ન આવે ત્યાં સુધી દોડા દોડી કર્યે જ રાખી. મારો મોબાઇલ પણ સિફત પૂર્વક મને પૂછીને લીધો કે હું સાચવું છું. બાપુ રામ કથામાં કહે છે. પરંતુ મેં તો અનુભવી પણ લીધું કે આ યુગમાં પણ મસીહાઓ મળી રહે છે. પપ્પાએ ટાયર પંકચરના રૂપિયા આપ્યા તો કહ્યું કે આ મારા ઘરનું એડ્રેસ છે. ઘરે આવજો. અહીં જ વાત પતી જતી હોય તો બરાબર છે પરંતુ ઉર્વીશભાઇના પછીના વાક્યે તો સસરા સહીત આજુ બાજુ ઉભેલા મારા સ્વજનોને ચોંકાવી જ દીધા કે આ જમાનામાં પણ આવા મસીહાઓ જીવે છે. જે પરમાર્થના કાર્યને પહેલી ફરજ ગણે છે. એ વાક્ય હતુ મારે જરૂર પડે ત્યારે મને કોઇ આવી રીતે મળી રહે. ઉર્વીશભાઇ તમારા જેવી વ્યકિતીને એવી જરૂર જ ન પડે.... મારા જેવા અનેક અજીતની એવી દુઆઓ હશે. ફરીથી એક વખત ઉર્વીશભાઇ તમને સો-સો સલામો. (HATS OFF). અત્યારે બૅડ રેસ્ટમાં છું પગ ઉપર પાટો બાંધેલો છે અને થોડા દિવસો પછી હું દોડતો થઇ જઇસ પરંતુ પગના મસલ્લસ ઉર્વીશ નામ ક્યારેય નહી ભૂલે. બસ એક જ ઇચ્છાઓ મનમાં ફરી રહી છે કે ઉર્વીશભાઇને કોઇ પણ રીતે મદદરૂપ થઇએ. જરૂર પડે ત્યારે યાદ કરજો.......... આનંદ થશે.
Thank you Urvishbhai Trivedi……..


અજીત કાલરિયા