શુક્રવાર, 12 જાન્યુઆરી, 2018

મણીમંદિર

પડીને થઇ ગયા પાળિયા એમણે કદર ના કરી !
ચપટી સિંદૂર ચડાવવાની કોઇએ દરકાર ન કરી.

બપોરનો સમય હતો અને અમે SEZ Vitrifiedની મુલાકાત લઇને પાછા આવી રહ્યા હતાં. પાડાપુલ પરથી અમીબહેન અને મૃગાંકભાઇ મોરબીને માણી રહ્યા હતા અને પુલ લગભગ પુરો થવાની તૈયારીમાં હતો અને અમીબહેનની નજર મણીમંદીર પર પડી અને કહ્યુ આ શું છે. આ મણીમંદિર છે બધા જે કારમાં સાથે  હતા અને  મોરબી શબ્દ સાથે જેમને એક તંતુ બંધાયેલો હતો એવા ધર્મિષ્ઠા આન્ટિં, રાજશ્રી અને મેં સરળ શબ્દમાં જેટલું સમજાવાય એટલું કહ્યુ અને અમીષાબહેન તરત જ બોલી ઉઠ્યા અજીત કાલે સવારે આ જગ્યા તો બખૂબી જોવી અને માણવી છે. આપણે રોહનને પણ વાત કરી જોઇએ. અને સાંજે અમીષાબહેનનું લેક્ચર પત્યું અને  લેક્ચરમાં અમીષા શાહ છવાઇ જ ગયા....  એ પહેલા મુલાકાત દરમિયાન રોહન સાથે વાત પણ થઇ કે કાલે સવારે મણીમંદિર જોવું છે અને દિવસને યાદગાર બનાવવો છે. એ નક્કી પણ થયું. બીજા દિવસનો સૂર્યોદય થયો અને અમીષાબહેન અને મૃગાંકભાઇ સાથે અમે નગરદરવાજામાં એન્ટર થયા. વાઘજી ઠાકોરે પેરિસની બાંધણી જોઇને ભારતમાં ઉભા કરેલા પેરિસને સૌ  માણી રહ્યા હતા... પટેલ રતીલાલ હંસરાજ વાસણના વેપારી એવા મારા ભાઇની દુકાને પણ લઇ ગયો અને મારા બાળપણના સ્મરણોને થોડા યાદ કર્યા.  ત્યાંથી પછી અમે આગળ જઇને  ગ્રીન ચોક પણ પસાર કર્યો થોડી તસ્વીરો કેમેરામાં કેદ કરી અને પાછા ફર્યા ઘરે.....  નિર્ધારીત સમયે રોહન અને આરતી નિલેષકાકાના ઘર પર આવી પહોંચ્યા અને થોડી ઔપચારીક મુલાકાત બાદ અમે સૌ સાથે નીકળી પડ્યા મણીમંદીરની મુલાકાતે. ખાનાબદોશ અદાથી નિકળેલા અમે સૌ એવું ક્યાં જાણતા હતા કે અમારા આવનારા બે થી ત્રણ કલાક જીવનના યાદગાર અને સુવર્ણ અક્ષરોએ લખાયેલા કલાકો બની રહેશે. અને આ માટેની બધી જ ક્રેડિટ રોહન રાંકજાને જ આપવી પડે.. ખરેખર રોહન તારા પ્રયત્નોએ અમારી મુલાકાતને ચાર ચાંદ લગાવી આપ્યા. Heartily Thanks…. અમે સૌ વાતો કરતા કરતા મણીમંદિરના પ્રાગંણમાં પગ મુકી ચુક્યા હતા. ઘુંટણ સુધી બુટ પહેરીને ફરતા સચીવોનું આગણું (courtyard of Wellington Secretariat) ગણાતું આ મણીમંદિર...  એક જમાનામાં  ભવ્ય કોતરણી અને અદભૂત શિલ્પશૈલી જોઇને અમે સૌ અભીભૂત થઇ રહ્યા હતાં. રોહન અને આરતીને બાદ કરતાં બધા જ પ્રથમ વખત આ જગ્યા પર પગ મૂકી રહ્યા હતા. થોડો પરીસરનો ભાગ વટાવીને અમે તો એક મોટા ખુલ્લા ભાગમાં આવી ચુક્યા અને પગ મુકતાની સાથે જ 12 પગથિયા ઉંચું અને જાજરમાન લાગતા મદિરનો ફોટો લેવા માટે મેં મોબાઇલ હાથમાં લીધો અને મારી જમણી બાજુથી એક ભાઇનો અવાજ આવ્યો કે પ્લીસ સર નો ફોટોગ્રાફી... ઓહ... મારો અડધો મૂડ મરી ગયો અને અમે હવે આંખોથી ફોટોગ્રાફી કરવા લાગ્યા કારણ કે હવે આ એક જ રસ્તો બચ્યો હતો કે અમારી આંખોમાં આ ભવ્યાતી ભવ્ય ક્ષણોમાં દેખાતું બધુ જ અમે અમારી આંખોમાં કેદ કરી લઇએ. તો જો તમને એમ થતું હોય કે અહીં પોસ્ટ સાથે મુકેલા ફોટો ક્યાંથી આવ્યા તો એનો જવાબ અમને ફોટો લેવાની ના પાડનારા ભાઇએ પરમીશન લઇને અલગ અલગ સમયે લીધેલા ફોટો અમને સેર કર્યા  છે. અમે તો આગળ હતા રોહન અને પેલા ફોટો લેવાની મનાઇ ફરમાવનાર ભાઇ (જે હક્કિકત માં પોતાની ડ્યુટી બજાવી રહ્યા હતા.) એમની સાથે વાત કરી રહ્યો હતો અને વાત વાતમાં ક્યાંક સાહિત્યની વાત નીકળી  અને અમીષાબહેનના ગઇકાલના લેક્ચરની વાત થઇ અને એમને જાણીને નવાઇ લાગી કે મારી સામે ઉભેલા અમીષાબહેન ગુણવંતભાઇના દિકરી છે. એ તરત જ અમારી પાસે આવ્યા અને અમીષાબહેનને પોતાની ઓળખાણ આપી કે હું હિતેષ મહેશ્વરી અત્યારે આ અલભ્ય સ્થાનક દેખાય છે તેના કંઝર્વેટીવ (સાઇટ સિવિલ એન્જિન્યર)  તરીકે કામ કરું છું. અમારી કંપની Structwel Designers and Consultant Pvt Ltd તથા Sanjay Construction જે મુંબઇ બૅઝ છે તેનું કામ અત્યારે ચાલી રહ્યુ છે આ એમનું  અત્યાર સુધીનું ફોર્મલ ઇન્ટરોડકશન  હતુ   અને આગળ એમણે કહ્યુ કે....  હું ગુણવંતભાઇનો મોટો ચાહક છું. આમ તો હું મૂળ બાડમેરનો છું.......  અને મને હિતષભાઇના આ વાક્યે વિચાર તો કરી મુક્યો કે ભાઇ છેક બાડમેરમાં પણ વંચાય છે વાહ શું વાત છે ! હિતેષભાઇએ ખેલદિલી પૂર્વક માફી માગતા કહ્યુ કે હું તમને ફોટો નહી લેવા દઇ શકું પરંતુ તમને બધે જ ફરીને મને જેટલું જાણ છે હું અહીંનો જે કંઇ ઇતિહાસ જાણું છું  એની ખૂબ જ સરસ ઓળખ કરાવીશ અને અમે કહ્યુ કે બસ અમને એમાં જ મજા આવશે તસ્વીરો તો અમારી આંખોમાં કાયમ કેદ રહેશે... બસ પછી શરૂ થયો મણીમંદિરનો ચકરાવો. 12 પગથિયા ચડીને અમે સૌએ એક વિશાળ મંદિરમાં પ્રવેશ કર્યો. સામે ચતુર્ભુજ સ્વરૂપ વિષ્ણુ હતા. અમને મંદિરના ગર્ભગૃહમાં લઇ જઇને બતાવ્યુ કે અહીં એક ભોયરૂ પણ હતું. અહીં રાધાકૃષ્ણનું મંદિર, લક્ષ્મીનારાયણ,  કાલી  અને ભગવાન શિવના મંદિર આવેલા છે. આ બધુ જોયા પછી હિતેષભાઇએ અમને એક આઇડલ પર આંગળી કરીને બતાવ્યુ કે આ અમારી કંપની દ્વારા ખંડિત ભાગની જગ્યાએ નવું સ્વરૂપ મુક્યુ છે. અરે અમે સૌ આશ્ચર્યથી જોઇ રહ્યા કારણ કે નવું સ્વરૂપ અને જુના આઇડલના સ્વરૂપમાં એક જ નજરમાં ફર્ક શોધવો ખૂબ જ અઘરો હતો. વાહ ટેકનોલોજીને અને ટેકનિકને  સલામ ! એક પક્ષી જેવા દેખાતા એ આઇડલની વધુ વાત કરતા હિતેષભાઇએ કહ્યુ કે આ આખા સ્વરૂપ (structure) નો બધો જ વજન એ ખમે છે. વાહ શું વાત છે. ત્યાંથી અમને મંદિરની જમણી દિવાલ પાસે રાખેલા રાજા વાઘજી ઠાકોરના મોટા પેટ્રોઇટ પાસે લઇ ગયા અને કહ્યુ કે હવે તમે કોઇપણ એક બાજુથી બીજુબાજુ એમના બુટના આગળના ભાગમાં રહેલા toe box  તરફ નજર રાખીને જોતા જોતા ફરો એ તમને તમારા તરફ ફરશે એવું લાગશે. Wow Amazing…. અમે બધાએ એક બાજુથી બીજી બાજુ તરફ જતા અને toe box અમારા તરફ ફરતા જોયું .... અહો આશ્ચર્યમ.... નીચેથી લગભગ રેક્ટેન્ગલ અને પછી  અષ્ટકોણમાં ફેલાયેલું અને ઉપર તરફ જતા ગુંબજમાં પરીણામતું આ અદભુત કલા કૌશલ્યને અમે બખુબી માણી રહ્યા હતા. આ રીતનું સ્ટ્રકચરીંગ બતાવે છે કે જેની મજબૂતાઇનો પણ એટલો જ ખ્યાલ રાખવામાં આવ્યો છે.  અદભુત કલા કારીગરી અમને સતત આકર્ષી રહી હતી અને અંદરના ગર્ભગૃહમાંથી અમે સૌ બહાર આવ્યા અને ફરીથી અમને આંગળીનો ઇશારો કરીને હિતેષભાઇએ મંદિરના પરીસરમાં ડાબી બાજુ અને જમણીબાજુ પર બે પીપળાના ઝાડ અને બે  તુલસીના ક્યારા બતાવીને કહ્યુ કે આ બધુ જોતા અને મંદિરની સામે જ નદીનો મોટો પટ છે આ બધુ દર્શાવે છે કે આ મંદિર ખુબ જ મોટા વિચારોને આધિન બનેલુ છે અને ક્યાંક મણી નામની એમની દાસીના માનમાં બનેલું છે કે રાજાને મણીદોષ હતો એના નિવારણ માટે બંધાવેલ હતુ એ વાતનું ખંડન કરે છે. જે હોય તે રાજા વાઘજી ઠાકોરે જયપુરી પથ્થરોનો અદભુત ઉપયોગ કરીને મોરબીને આ જે અલભ્ય આર્કિટેક્ટનો નમૂનો પૂરો પાડ્યો છે એનું ઋણ ચૂકવાય એમ નથી. કારણ કે આપણે ક્યાંક આવો અમૂલ્ય વારસો કે જે આજથી 38 વર્ષ પહેલા ભયંકર પૂર સામે તો આજથી 17 વર્ષ પહેલા ધરતીકંપ સામે પણ  અડીખમ ઉભો છે એની જાણવણીમાં ઉણા ઉતર્યા છીએ એ વાત ચોક્ક્સ છે.  કારણ કે ધરતીકંપ આવ્યો ત્યાં સુધી આ સમગ્ર મંદિરનો ઉપયોગ એક સરકારી ઓફિસ તરીકે થતો હતો. અને આ રીતના વપરાસને કારણે સતત નુકશાન પહોંચતું ગયુ જેની પ્રતીતી જ્યારે હિતેષભાઇ અમને પ્રદર્શન રૂમમાં અને એમણે જે એક રૂમમાં માત્ર ટેબલ મુકીને માત્ર કહી શકાય એવી ઓફીસ બનાવી છે ત્યાં લઇ ગયા ત્યારે ચોક્ક્સ થઇ. કારણ કે  દિવાલ પર ક્યાંક હજુ પણ કલર દેખાતો હતો એ તરફ અમારું ધ્યાન દોરીને હિતેષભાઇએ કહ્યું કે અહીં દરેક રૂમમાં સરકારી બાબુઓ એ પોતાની પસંદ પ્રમાણે પોતાના કલર ઠપકાર્યે રાખ્યા, અને દિવાલોને ન કહી શકાય એટલું નુક્શાન પહોચાડ્યું છે. અને વાત-વાતમાં એ ફરીથી એક વાક્ય બોલી ગ્યા કે આ સરકારી બાબુઓને કોણ સમજાવે કે આ પથ્થરો એવા છે કે એ જાતે શ્વાસે છે જાતે શ્વાસ લે છે અને એ બધાએ એમના પર ઓઇલ પેઇન્ટ કલરના થર મારીને એમના શ્વાસ બંધ કરી દીધા અને ખૂબ જ નુકશાન પહોંચાડ્યું. આવી જ રીતે દરેક દરવાજાને પોતાના ગમતા કલર કર્યા કે દરવાજાને જ બાજુ પર મુકીને નવા અલગ જ દરવાજા મુકી દીધા....... છત ઉપર જોયું તો ત્યાં પણ કલરના થર વાગી ચૂક્યા હતા. મૃગાંકભાઇએ પૂછ્યુ કે આ કલર દૂર ન કરાય તો અમને રૂમની  બહાર લઇ જઇને જ્યાં આવો પ્રયત્ન કરી જોયો હોતો તે જગ્યા બતાવી અને કહ્યુ કે આવું કામ કરવા જતાં પથ્થરોને નુકશાન થાય છે. હિતેષભાઇ અને અમારા સૌના મનમાં આવી બેદરકારી બદલ એમના પ્રત્યે રોષ હતો પરંતુ અમે કંઇ કરી શકીએ એમ નથી એ પણ એક કડવી વાસ્તવીકતા છે ધન્યવાદ તો આવા અમૂલ્ય વારસાને સાચવવા માટે પ્રયત્ન કરતી કંપનીઓને કે જેમની પાસે હિતેષભાઇ જેવા એન્જિન્યરો  છે અને  એમને અને આવી કંપનીઓને રૂપિયા આપી કલાની કદર કરી  વારસો જળવાઇ રહે તે માટે છૂટ્ટા  હાથે પૈસાનો ધોધ વહેડાવનારાઓને ખરેખર સલામ આપવી ઘટે.  ત્યાર બાદ પ્રદર્શન રૂમમાં અમે અનેક ફોટા  જોયા જેમાં કેવી રીતે અનેક ભાગ જે ખંડિત થયા હતા કે તૂટી ચૂક્યા હતા તેની કેવી રીતે મરામત કરવામાં આવી છે તે અને કેવી રીતે અમુક ભાગને માર્કિંગ કરીને ઉતારીને સમગ્ર યુનિટ ફરીથી ઉભો કરવામાં આવ્યો એનું આલેખન જોયું અને હિતેષભાઇના મોઢે સાંભળ્યું. ત્યારબાદ અમે સૌને સૌથી ઉપર છત પર લઇ જવામાં આવ્યા જ્યાંથી પૂર્વમાં મચ્છુનો પટ દેખાતો હતો તો બીજી બાજુ રેલ્વે લાઇન અને રેલ્વે સ્ટેશન દેખાતા હતા તો એક બાજુ નગરદરવાજો અને ગ્રીન ચોક દેખાતા હતા. ઉત્તર દિશામાં કુલ ત્રણ અલગ અલગ ભાગમાંથી ઉપર આવી શકાતુ હતું તો ઉપર આવવા માટે કુલ છ દાદર છે.  તેમાંથી ત્રણ  દાદર છેક નીચે સુધી જતો હતો તો બીજો દાદર પહેલા  માળ સુધી જતો હતો.  વાહ ક્યા બાત હૈ.... ત્યાં અમે અનેક રચનાઓમાં નાગનો કોઇ ને કોઇ ભાગ જોયો જે મણીમંદિર નામની પ્રતીતી કરાવી રહ્યો હતો. ત્યાં અમને એક છત્રી પણ બતાવવામાં આવી જે Structwel Designers and Consultant Pvt Ltd તથા Sanjay Construction દ્વારા ફરીથી નિર્માણ કરવામાં આવી હતી. પહેલી નઝરે તો એને ડિફરન્સીએટ કરવી મુશ્કેલ હતી.  Nothing is impossible ની સાક્ષી આ કામ બતાવી રહ્યુ છે. અમને બતાવવામાં આવ્યુ કે અહી ઉપર સમગ્ર ભાગમાં ડામર પાથરી દેવામાં આવ્યો હતો કે જેથી નીચે ક્યાંક ક્યાંકથી પડતું પાણી બંધ થઇ જાય પણ એનો કોઇ ફાયદો થયો નહી ઉલટું સમગ્ર સ્ટ્રકચરને  નુકશાન કર્યુ. અને પાછળથી Structwel Designers and Consultant Pvt Ltd તથા Sanjay Construction ના હાથમાં આ કામ આવ્યુ અને એનું સરસ સોલ્યુશન લાવવામાં આવ્યુ. પૂર્વ દિશામાં અમને એક મહેફિલ ભરી શકાય એવી જગ્યા બતાવી અને એની દક્ષિણ દિશાના દરવાજાને બતાવતા હિતેષભાઇએ  કહ્યુ કે આ પણ લગભગ સંપૂર્ણ નાશ પામ્યો હતો અને એને અમે અદ્લ ઉતર દિશમાં છે એવો જ બનાવવાનો પ્રયત્ન કર્યો અને એમાં અમે સફળ રહ્યા. આની પ્રતિતિ અમને ચોક્ક્સ થઇ હતી જ્યારે અમે વિઝીટિંગ રૂમમાં પ્રવેશ કરતા હતા ત્યારે બહાર બે શિલ્પ પડ્યા હતા જેને બતાવતા કહ્યુ હતું કે આ રીઝેકટેડ પીસ છે. અમે જે  સીડી ચડીને આવ્યા હતા તે જ સીડી દ્વારા નીચે ઉતરી રહ્યા હતા. આ સીડી હેલીક્ષ આકારની હતી અને એના પીલર તરીકે રાખેલા આઇડલ પથ્થરના હતા અને એની ઉપર લાકડાને બખૂબી ગોઠવવામાં આવ્યુ હતું. પાછા નીચે ઉતરીને એક રૂમમાં ગ્યા જ્યાં પુલી સીસ્ટમ પર આધારીત લાકડાની લીફ્ટને રાખવામાં આવી હતી. આ પાછુ એક વધારાનું આશ્ચર્ય હતું. હવે અમે મણીમંદિરની બહાર આવી ચુક્યા હતા. બધા જ હિતેષભાઇનો આભાર માની રહ્યા હતા અને હું સીધો જ ઘાટ તરફ ચાલ્યો અને સામેથી મંદિરના ફોટા ક્લિક કરી લીધા અને ઘાટ પર બંન્ને છેડા પર જે હાથી હતા તેના અને વચ્ચે લક્ષ્મીજી હતા તેના ફોટા ક્લિક કરી લીધા. અરે હા, એક ફોટો  ખાસ તો એવી રીતે ક્લિક કર્યો કે  ઘાટ પર દેખાતા 16 પગથિયા દેખાઇ આવે એની પણ એક કહાની હિતેષભાઇએ અમને કહી હતી કે 2013માં જ્યારે અમે આ પગથિયા સાફ કરી માટીમાંથી બહાર લાવી રહ્યા હતા ત્યારે એક મોટી ઉમરનાં ભાઇ ત્યાંથી પસાર થતા હતા તેમણે કહ્યુ કે છેલ્લા 60 વર્ષથી હું અહિંથી દરરોજ પસાર થાવું છું મેં ક્યારેય અહીં પગથિયા જોયા નથી. વાહ ક્યા બાત હૈ...

પાંચ શિખરો , ગુંબજ અને છ છત્રી સાથે દિવાલો પર સાદી કોતરણી થી માંડીને 2-ડી અને 3-ડી કોતરણીનો (Fusion of Gothic, Saracenic, Mughal and Rajput Stlye)  અદભુત સંગમ કરી પ્રજાને અમુલ્ય વારસો ભેટ આપનાર શ્રી વાઘજી બહાદુર સાહેબને ખરેખર તો 101 તોપોની સલામી પણ ઓછી પડે. (મોરબી સ્ટેટનેના રાજવીને 11 તોપનું ગાર્ડ ઓફ ઓનર મળે છે.) અને આજે જ્યારે ગવર્નમેન્ટ કંઇ કરી શકી નથી ત્યારે એમના જ વંશજો એને જાળવવા આગળ આવ્યા છે અને આ મણીમંદિરને એક મ્યુઝિયમ તરીકે પ્રજા સમક્ષ મુકવાનો વિચાર છે. વાહ ... બાકી તો દુષ્યંત કુમારનો એક શૅર છે.......
ખંડહર બચે હુએ હૈ ઇમારત નહી રહી.
 અચ્છા હુઆ કી સર પે કોઇ છત નહી રહી.