સોમવાર, 31 ડિસેમ્બર, 2018

2019 ની પ્રભાતે....


માણસજાતે આજથી exactly 2019 વર્ષ પહેલા ચોક્ક્સ ગણતરી રાખવાનો વિચાર કર્યો અને શરૂ થયો સમગ્ર માનવજાત માટે એક નવો કૅલેન્ડર યુગ. પોતાની ભ્રમણક્ક્ષા પર ફરતા ફરતા પૃથ્વી છેલ્લા 2018 વર્ષથી આ જ ચોક્ક્સ બિંદુ પર આવે છે ત્યારે સમગ્ર વિશ્વ એને નવા વર્ષ તરીકે ઉજ્વે છે અને એક જશ્નમાં ડૂબે છે પૃથ્વીની ભ્રમણકક્ષાને સાપેક્ષે ગણાતું આ નવું વર્ષ આમ તો નવું જ છે પણ છતાં.... છતાં.... છતાં.... મનમાં પ્રશ્ન થયો કે સમગ્ર solar systemની સાપેક્ષે નવું વર્ષ ઉજવવું હોય તો કેટલા વર્ષ થાય ? હા, આજે અત્યારે જ પૃથ્વીની સાપેક્ષે સમગ્ર સૌરમંડળના બધા જ ગ્રહ જે પોઝિસનમાં છે ત્યાં ફરીથી એ જ પોઝિસનમાં આવે તો કેટલો સમય લાગે ? આને પણ નવું વર્ષ(સૌરમંડળની સાપેક્ષે) કહેવાય તો ખરું જ ને ? ખાલી સાપેક્ષતા બદલાઇ છે બીજુ કંઇ નહી...એનો જવાબ પણ કંઇક એવો જ છે... ખાસ કંઇ વધારે નહી 360,546,882,006,507 years (~0.36 quadrillion). એક અંદાજ મુજબ સૂર્ય પણ 5 બિલિયન વર્ષ સુધી જ રહેવાનો છે અને આ સૌરમંડળ બન્યું એને પણ કંઇક આટલા જ વર્ષ થયા છે બંન્નેનું કુલ ટોટલ પણ 360,546,882,006,507 years (~0.36 quadrillion). કરતા ઓછુ જ છે તો વિચારવા જેવી બાબત તો એ છે કે સૌરમંડળ બન્યું અને એનો અંત થાય ત્યાં સુધી હા, હા... ત્યાં સુધી બધા જ ગ્રહો એની એ જ સ્થિતી પર પાછા આવશે એવું અશક્ય છે... વાહ રે કુદરત... જ્યોતિષીઓ માટે તો આ એક જોરદાર વાત કહેવાય કારણ કે આખુ જ્યોતિષ વિજ્ઞાન ગ્રહોની પોઝિસન પર આધાર રાખે છે.... એક વર્ષ પુરુ થવાને 360,546,882,006,507 years (~0.36 quadrillion) લાગવાના હોય તો સારું છે કે 365 દિવસનું વર્ષ ગણીને નવું વર્ષ ઉજવાઇ જાય. સારું થયું કે પૃથ્વીની પરીભ્રમણકક્ષાને એક વર્ષ ગણવાનો વિચાર આવ્યો... બાકી celebration માટે કંઇક નવા ગતકડા કરવા પડત... છોડો આ બધી ભેજામારી આટલા વર્ષોમાં તો 84 લાખ જન્મ પણ આરામથી ભટકતા ભટકતા પુરા થઇ જાય... આવી જ એક સરસ વાત (વિજ્ઞાનનો ઉપયોગ કરીને) ત્રણ-ચાર વર્ષ પહેલા સાન્તા સમગ્ર દુનિયામાં ગિફટ કેવી રીતે પહોંચાડી શકે એ વાત Can Reindeer Fly ? બુકનો ઉલ્લેખ કરીને Jay Vasavdaએ ખુબ જ સરસ રીતે રજુ કરી હતી...જે હોય તે અત્યારે તો કોમ્પ્યુટર કે મોબાઇલ કે ગમે ત્યાં નજર કરો 2019 પર નજર પડે છે 2018 એક ઇતિહાસ બની ચુક્યો છે આવા તો અનેક વર્ષો ઇતિહાસ બની ચુક્યા છે આ પણ એક વિચાર માંગી લે એવી સરસ વાત છે કે કોઇપણ નવા દિવસની શરૂઆત ઘડિયાળ કે ઇલેક્ટ્રોનિક્સ ગૅઝેટમાં રાત્રે થાય અને માનવજીવનમાં સવારના સૂર્યોદય સાથે થાય. થાકીને ઉઠેલો માણસ જ્યારે નવી તાજગી સાથે દિવસ શરૂ કરે ત્યારે એ દરેક દિવસ એને માટે નવું વર્ષ જ હોય છે.
વર્ષોથી સૂર્ય આ જગતનો પાલનકર્તા સાબિત થયો છે ઋગવેદમાં એના પર અસંખ્ય ઋચાઓ પણ છે જ... જેમકે
"તરણીર્વિશ્વદર્શતો જ્યોતિષ્કૃદસિ સૂર્ય |
વિશ્વમા ભાસિ રોચનમ ॥ "
(હે સૂર્યદેવ ! આપ સાધકોનો ઉદ્ધાર કરનારા છો, સમગ્ર સંસારમાં એક માત્ર દર્શનીય પ્રકાશક છો. તથા આપ જ વિસ્તૃત અંતરિક્ષને, બધી બાજુએથી પ્રકાશિત કરો છો.)
તો અમારા સૌરાષ્ટ્રના સાહિત્યમાં સાદા માથાના માનવીના મુખે કહેવાયુ છે અને અનેક વખત જોરૂભા ખાચર સર અને નરેન્દ્ર સરના મુખેથી સાંભળ્યું છે કે
“ભલે ઉગા ભાણ, ભાણ તુહારા ભામણા
જીયણ મરણ લગ માણ, રાખો કાશ્પરાઉત. સામ-સામા ભડ આફડે, ભાંગે કે તારા ભ્રમ
તળ વેળા કશ્પ તણા સૂરજ રાખો શરણ.”
(હે સૂરજ દેવ તમે ભલે ઉગ્યા તમારા ઓવારણા લઉં, મારા સમગ્ર જીવન દરમ્યાન માન આબરૂ જળવાઇ રહે તે સાચવ જે હે કશ્યપના પુત્ર. સામ સામા શૂરવીરો જ્યારે આફળે ત્યારે કંઇકના ભ્રમ ભાંગી જાય ત્યારે હે કશ્યપનંદન તમે લાજ રાખજો.)
મને ભારત દેશ ઉગતા સૂરજને પૂજતો અને આથમતા સૂર્યની સાક્ષીએ ટેક લેતો દેશ લાગ્યો છે. કારણ કે દિવસના અંતે જ્યારે માણસ લેખાજોખા જોવે ત્યારે કેમ કરીને આવતીકાલની સવારથી જીતવું એવું વિચારતો હોય ત્યારે એ વિચાર કેવો મજબૂત હોય તો લો....
"આજે આથમેલા સૂર્યના સોગંદ
હું કાલે સૂર્ય બનીને ઉગીશ
પ્રચંડ જ્વાળા બનીને સળગીશ
એક વિરાટ શૂન્યમાં એકલવાયો આગળ વધીશ
મારી એક્લતા આ ક્ષિતિજે ડૂબતી હશે
તો એ બીજી કોઇ ક્ષિતિજે ઉગતી હશે."
નવા વર્ષનો સૂર્યોદય એ નવી ઇનિંગનું આહવાન છે આમ પ્રત્યેક સૂર્યોદય એટલે મારું નવું વર્ષ છે. મારા દરેક નવા વિચાર સાથેનું પ્રથમ પગલું એ મારું નવું વર્ષ છે. મારી જીવાઇ ગયેલ જીવનની અમુલ્ય ક્ષણો એ ઇતિહાસ નથી એ જીવાયેલ અને જીતાયેલ ક્ષણો પર મારા પોતાના હસ્તાક્ષર છે એટલે એ પોતીકી ક્ષણોનો મને ગર્વ છે. તો આવી અનેક આવનારી ક્ષણો પર હું હસ્તાક્ષર કરવા તૈયાર જ છું અને રોજ સવારે સૂર્યનું આહવાન કરી નવું વર્ષ મનાવવા તૈયાર જ છું. આવા દરેક નવા વર્ષે નવી મહેકથી આ વિશ્વને ભરી જવા તૈયાર જ છું તો આવા દરેક નવા વર્ષે નવા સ્મિતથી આ જગતને ડોલાવી જવા તૈયાર જ છું. આવા દરેક નવા વર્ષે એક નવું ગીત ગાવા તૈયાર જ છું અને એ ગીત સાથે સંગીત પેદા કરી નવા મિત્રોથી જીવનને ભરી જવા હું તૈયાર જ છું. આવા દરેક નવા વર્ષે ગાઢ ધુમ્મ્સને પાર કરીને અપ્રતિમ સૌંદર્યમાં પહોંચી જવા હું પ્રતિક્ષણ તૈયાર જ છું. ખાના-બ-દોશ બનીને મારે આ જગતનો ખૂણે ખૂણો ફરવો છે અને અનેક વખત રોમાંચિત થાવું છે આ દરેક રોમાંચ એ મારું અનેરું નવું વર્ષ હશે. મારી દરેક નવી પ્રેરણા એ મારું નવું વર્ષ હશે. તો મારી દરેક અવસ્થા જીવનરૂપી જે ઘોડા પર આરૂઢ હશે એ મારું નવું વર્ષ હશે. દરેક અંધારી રાત પછી અનેક તેજોદ્વેષથી પર હોય એવી હુંફાળી સવાર આવે જ છે. આવી પ્રત્યેક સવાર મારું નવું વર્ષ હશે. આવી જ એક હુંફાળી સવાર આવી ચુકી છે અને ઉષાદેવી દસ્તક દઇ ચુકી છે ત્યારે ફરીથી આ જગત સાથે હું પણ એક નવા વર્ષમાં પગમાં મુકી રહ્યો છું એ માત્ર કેલેન્ડરિયું નવું વર્ષ છે. બાકી મારા માટે દરેક દિવસ નવું વર્ષ જ છે. તો આવા જ એક નવા દિવસે અને નવા વર્ષે ફરીથી Happy New Year.