ગુરુવાર, 27 ઑગસ્ટ, 2009

હેપ્પી બર્થ ડે કંજ


પ્રિય કંજ તને રમતા રમતા ઉભો થઇ જ્તા, શાંતિથી બેસી જતાં, ગાડી પાસે દોડી જતાં, બાઇક ઉપર બેસવા અધીરો થાતા, વસ્તુ પકડવા કે લેવા માટે ઉભો થતા- બેસતા- વાંકો વળતા કે હાથમાંથી છટકતા, દાદા સાથે રમતા, બા સાથે વસ્તુ લેવા માટે જીદ કરતા, ગાય ભેંસ કે કુતરા પસાર થાય ત્યારે તેને કુતુહુલતાથી જોતાં, પપ્પા આવ્યા છે એવી ખબર પડતા દરવાજા સુધી ઘુટણીયે દોડી જતાં, વસ્તુ ને હાથમાં લઇ ને ફેંકતા, ક્યારેક ખોટું ખોટું રડતા તો ક્યારેક હસી પડતા કે ક્યારેક અટહાસ્ય કરતા, કેટલીય વખત કેમેરા સામે ગોઠવાઇ જતા, નવી વસ્તુ જોઇ ને હરખાઇ ઉઠતા, ચાંદામામા ક્યાં છે તો ઉપર તરફ જોઇ આંગળી બતાવતા, પ્લેનને રાત્રે આકાશમાં જોયું હોય તો છેક છેલ્લે સુધી સતત તેને સતત જોયા કરતો, સામેવાળા જે બોલે તેની નકલ કરવા માટે મોઢું ખોલતો કે બબડાવતો, સોફા પર ખુરશી પર કે ટેબલ પર ચઢી જતો અને ચઢીને જાણે કંઇ પરાક્ર્મ કર્યુ હોય એમ બધા સામે હસીને મલકાતો તને સતત જોયો છે. તને સતત માણ્યો છે. હવે તો તું આંગળી વડે વસ્તુ બતાવતા પણ શીખી ગયો છો. હા તું બોલી નથી શકતો પણ આંગળી બતાવીને કહી દે છે આ.....આ.....!!!!!!!

બા સાથે, દાદા સાથે, પપ્પા સાથે, મમ્મી સાથે, ફઇ સાથે, ઘર સાથે અને અન્ય અનેક સાથે સતત તાલ મિલાવીને તું સરસ રમતા શીખી ગયો છો. આ રમતમાં ને રમતમાં ફરી ક્યારે 27મી ઑગસ્ટ આવી ગઇ કંઇ જ ખબર ન રહી!


HAPPY B'DAY MY DEAR SON



આ વર્ષમાં તું ચઢતા પડતા અને આખળતા શીખ્યો છો. હંમેશા પપ્પાને જોઇ ને હસી ઉઠયો છો. તારી આ જ સ્માઇલે તો થાકી ને આવેલા પપ્પાને ચાર્જ કર્યા છે. ક્યારેક તે સતત મારી જ ઝંખના કરી છે. તો ક્યારેક ગિરનાર નો કોઇ સિંહ પેટ ભરી ને એક ઘટાદાર વૃક્ષ નીચે આરામથી સૂતો હોય એમ સૂતેલો પણ તને જોયો છે. આ એક વર્ષમાં તને અનેક વખત સપનાઓમાં પણ કલ્પયો છે તો અનેક વખત કામ કરતા કરતા તારી આકૃતિ ઉપસી આવતી પણ જોઇ છે. બસ હવે તું ક્યારે ચાલતા અને બોલતા શીખે તેની રાહ જોઉં છું. કારણ કે તું બોલતા શીખે પછી તને ઘણી બધી વાતો શીખવવી છે ઘણી વાતો કરવી છે તો આંગળી પકડીને આ જગતનો પરીચય કરાવવો છે. અત્યારે તો કિશોર કુમારે ગાયેલુ અને લખલું એક જ ગીત યાદ આવે છે.

આ ચલ કે તુજે મેં લેકે ચલું
એક ઐસે ગગન કે તલે.
જહાઁ ગમ ભી ના હો , આંસુ ભી ના હો.
બસ પ્યાર હી પ્યાર પલે.....
આ ચલ કે.......


સૂરજ કી પહેલી કિરન સે આશા કા સવેરા જાગે
ચંદા કી કિરન સે ધૂલકર ઘનઘોર અંધેરા ભાગે
કભી ધૂપ મીલે, ક્ભી છાંવ મીલે , લંબી સી ડગર ન ઢલે.
જહાઁ ગમ ભી.....


જહાઁ દૂર નજર દોડાયે, આઝાદ ગગન લહેરાયે,
જહાઁ રંગ બી રંગી પંછી, આશા કા સંદેશા લાયે.
સપનો કી પલી, હસતી હો પરી, જહાઁ સામ સુહાની ઢલે.
જહાઁ ગમ ભી.....

જ્યારે એક બાળક ઉછરતુ હોય છે ત્યારે કુંટુંબ ના દરેક સભ્ય ભરપૂર લાડ લડાવતા હોય છે પરંતુ મારા મનમાં એક જ ભાવના હોય છે કે જે હું નથી કરી શકયો જ્યાં હું થોડા માટે પણ રહી ગયો છું ત્યાં તું પહોંચી જજે. તું તારી જિંદગી તારી રીતે જીવી લેજે જીતી લેજે.....


એમ કહેવાય છે કે બાળકને એક મા સર્વસ્વ આપે છે પરંતુ બાપ પોતાના સંતાન ને સતત ને સતત કંઇક આપ્યા જ કરતો હોય છે. મને અત્યારે મહાભારત યાદ આવે છે જેમાં દેવવ્રત ને ઇચ્છામૃત્યુનું વરદાન આપી તેને ભીષ્મ નામ આપનાર તેના પિતા સાંન્તનું જ હતા. આજે આ શુભ દિવસે હું તને દુષ્યંત કુમાર ની કવિતામાં આશિર્વાદ આપુ છું......

જા,
તેરે સ્વપન બડે હો
ભાવના કી ગોદ સે ઉતરકર
જલ્દ પૃથ્વી પર ચલના શીખે
ચાંદ તારો સી અપ્રાપ્ય સચ્ચાઇઓ કે લીયે
રુઠના - મચલના શીખે
હંસે
મુસ્કુરાયે
ગાયે
હર દિયે કી રોશની દેખકર લલચાયે
ઉંગલી જલાયે
અપને પાઁવો પર ખડે હો.
જા,
તેરે સ્વપન બડે હો.
Ajit Kalaria

રવિવાર, 16 ઑગસ્ટ, 2009

કવિતા

કવિતા

લખવા બેઠા અને કાગળ પર લખાય જાય તે કવિતા નથી. કવિતા એટલે સ્વયંસ્ફુરણા. એનો ક્યારે અસ્ખલિત પ્રવાહ ચાલુ થાય તે નક્કી જ નહી ને ! જાણે અચનાક જ કોઇ પર્વત પર વાદળો ઘેરાયા હોય અને મુશળધાર વરસાદ તૂટી પડયા પછી એ પર્વત પર થી ચારે બાજુ જેમ ઝરણા વહેવા માંડે તેમ ઉછળતા કૂદતા શબ્દો આવે ને ત્યારે કવિતા રચાય ! આ શબ્દો કંઇ બંધ ઓછા થાય! એ તો પેલા ઝરણાની જેમ જ આગળ જ વધે.....


દરેકનો સોદો થાય કવિતાનો સોદો ન થાય. કવિતાનું મૂલ્ય રુપિયામાં ન અંકાય. તેનું તો બાર્ટરિંગ પણ ન થાય. તે તો માત્ર કોઇકના હ્દયમાં ઉગે અને પછી અનેકના હ્દયને વલોવે. ક્યારેક તો એવું પણ બને કે કવિતા એકથી બીજાના હાથમાં અને બીજાથી ત્રીજાના હાથમાં જાય અને ક્યાંક કવિવરનું નામ ભૂલી જવાય અને છ્તાં પણ એ તો આગળ જવાની જ. હજારો હૈયાને પુલકિત કરવાની જ. ક્યારેક તો એમ થાય છે કે કવિતા હ્દયના ભાર ને હળવો કરવા જ જ્ન્મી છે. ક્યારેક કવિતાનું સ્વરુપ પ્રિયજ્ન કરતા પણ વહાલું લાગે.

આવનારા દિવસોમાં વૈજ્ઞાનિકો એવું સાબિત કરે કે કવિતા હાર્ટ એટેકની શક્યતાઓ ઘટાડનારી છે તો એમાં કોઇ જ અતિશ્યોક્તિ નહિ હોય. ક્યારેક શાંત ચિત્તે વિચારું છું ત્યારે એમ થાય છે કે વાલ્મિકી એ રામાયણ, વેદ વ્યાસે મહાભારત અને શ્રી અરવિંદે સાવિત્રી કાવ્યમય રીતે કેમ લખ્યા હશે. ત્યારે અંતરમાંથી અવાજ આવે છે કે એટલે જ તો અલગ અલગ ભાષ્યકારો મળ્યા. એટલે જ તો દરેક ને પોતાની રીતે સમજવાની કે પામવાની તક મળી.. જો સામાન્ય લખાણ હોત તો લોકો ક્યારનાયે ભૂલી ગયા હોત એમ પણ બને.

કોઇકના હ્દયનો તાર બીજા કોઇ પાત્ર સાથે, કુદરત સાથે કે ક્યાંક પણ જોડાય ત્યારે તેમાંથી શબ્દો પેદા થાય અને કવિતા બને. તાલાવેલી, અધીરાઇ અને ઉત્સુકતાને પાના પર ગોઠવતા શબ્દો એટલે કવિતા. જેમ કુંભાર માટીના પિંડને નવો જ આકાર આપે એમ શબ્દોને આકાર મળે એટલે કવિતા જન્મે. પ્રિયજનને કાગળરુપી કેનવાસ પર આલેખે તે કવિતા, જોજનો દૂર રહેલી પ્રેમિકાની આકૃતિ ઉપસાવે તે કવિતા, વિરહની વેદના ઘટાડે તે કવિતા, વિદાયના આંસુ સારે તે કવિતા, વિષાદ ઘટાડે તે કવિતા, ઝઘડીને છૂટા પડતા બે માનવહૈયાના હ્દયના ભાર ને હળવો કરે તે કવિતા, વાર તહેવાર કે પ્રસંગોને પ્રાસમાં લે તે કવિતા, આભના સૂર્ય-ચંદ્ર કે તારાને પણ ન ભૂલે તે કવિતા, ક્યાંક શ્યામની મોરલી બની તો ક્યાંક મીરાના ઘુંઘરું બની વ્યક્ત થાય તે કવિતા, હ્દયપ્રદેશને ઉજાગર કરતું માનવમનનું વિચારવલોણું એટલે કવિતા, એકાંતની પળો ને સાચવે તે કવિતા ને એકાંતમાં ઉત્પન્ન થાય તે કવિતા, એકલતાના ઝરુપાને ઘટાડે તે કવિતા ને કયારેક પોતાને જ આલેખે તે કવિતા......

પ્રિયજન માટે કલમ ઉપડેને તેમાંથી ટપકતા શબ્દો એ કદાચ અશ્રુઓની ધાર સ્વરુપે હોય કે હરખના ઉમંગની વ્યક્તાતાના શબ્દો હોય તેમાંથી કવિતા નિતરતી હોય.કોઇક ગમતી વસ્તુ કે પાત્ર માટે લાગણી જન્મે ત્યારે કવિતા તેના ગર્ભમાં પેદા થતી હોય છે. જ્યારે કોઇ વ્યકિત લાગણીમાં નહાતો હોય ત્યારે કવિતા જન્મે, વિરહમાં નિતરતો હોય ત્યારે કવિતા જન્મે, કોઇ પ્રેમમાં ભીંજાતો હોય ત્યારે કવિતા જન્મે, આંખનાં આંસું કાગળ પર ટપકે ત્યારે કવિતા જન્મે, એકમેકમાં ભળી જવાય ત્યારે કવિતા જન્મે, અનહદનો સૂર સાંપળેને ત્યારે કવિતા જન્મે, શ્યામને પામવા વાળી મીરાના હ્દયમાં પણ કવિતા જન્મે ને તાપીના કિનારે પણ કવિતા જન્મે, યુધ્ધમાં પણ કવિતા જન્મે, કોલાહલમાં પણ કવિતા જન્મે, ક્યારેક ઉજરડાંમાં પણ કવિતા જ્ન્મે, ચિતાની આગમાંથી પણ કવિતા જન્મે, મોનાલીસાને જોઇ ને પણ કવિતા જન્મે, જ્યરે મન અક્લ્પય પ્રદેશ પર પહોંચે ત્યારે કવિતા જન્મે, જ્યારે કંઇક જોઇને રોમ રોમ પુલકિત થઇ ઉઠે ને ત્યારે કવિતા જન્મે. અરે કવિતા કયારે અને કયાં નથી જન્મતી....

કાવ્યત્વ માણવું એ પણ એક કવિતા જ છે.

માત્ર બે જ કવિતા ને માણીએ....એક ગુજરાતી અને એક અંગ્રેજી.....

હું મિજલસ નો માણસ છું.
કોઇ પણ વસ્તુ
હું એકલો એકલો માણી શક્તો નથી.
એક સારું ગુલાબ જોઉ તો પણ
મને થાય કે આ હું કોઇક ને બતાવું.
ગુલાબને ચૂંટી લેવામાં મને રસ નથી;

ગુલાબને જોઉં છું ત્યારે
ક્યારેક મનોમન એની
પાંદડીઓ જોડે વાતો કરી લઉં છું.
પણ એ ગુલાબ જોતાની સાથે જ
તારી સ્મૃતિ જાગે છે,
ત્યારે મારી વાત ગીત થઇ જાય છે;
અને તું સાથે હોય તો
સંગીત થઇ જાય છે.

મારી સાથે
કોઇ નથી હોતુ ત્યારે
મારી સાથે
એક બીજો સુરેશ હોય છે.
એને હું ચિત્રો બતાવું છું.
સંગીત સંભળાવું છું.
એ ક્યારેક મારું કહેવું માને છે
અને મારા આનંદમાં
સહભાગી થાય છે
પણ એ ક્યારેક
નથી પણ માનતો.
એને મારા સિવાય કોઇકની
ઝંખના હોય છે કોઇક્ના
વિના એ અભાગી થઇ જાય છે
અને ઉદાસ થઇ જાય છે.

તમે કદાચ નહી માનો પણ
આનંદ પણ ઉદાસ હોઇ શકે છે.
પાણીને પણ પ્યાસ હોઇ શકે છે.

માણસો મને થકવી મુકે છે.
તો પણ ફરી ફરીને
હું કેમ માણસ પ્રત્યે વળું છું ?

ભગવાન તરફ વળવાના
પ્રયત્નો પણ નિષ્ફ્ળ થાય છે.
કેમ જાણે ભગવાન કહેતા ન હોય
કે મારી પાસે આવવાનો
એક જ રસ્તો છે -
- અને તે માણસ.

આવું બધું ભગવાન
કહેતા ન પણ હોય.

શક્ય છે કે મને અનુકૂળ હોય
એવું જ હું સાંભળતો હોઉં.
મને તો ઘણી વાર એમ પણ લાગે
છે કે ભગવાનને ખણ ખોતરીને
પૂછીએ કે તારે શું થવું છે?
તો એ પણ કદાચ
એક જ જવાબ આપે-
મારે માણસ થવું છે.

ભગવાનને પણ એકલા એકલા
ગમતું નહી હોય
એટલે તો એમણે આ સૃષ્ટિ સરજી.
ભગવાન જો એકલતા સહન ન
કરી શકે તો મારું તો શું ગજું ?
અથવા એવું પણ હોય કે
જે એકલતા સહન કરે
તે ભગવાન થઇ જાય.
મને ઘણી વાર મારા મરણના
વિચાર આવે છે.
કહેવાય છે કે 'સેલ્ફ લવ' માં
પડેલો માણસ મરણના વિચાર કરે.

તમને કદાચ દેખાતુ નહી
હોય પણ મને મારું શબ
પડેલું દેખાય છે.
ચહેરા પર મરણનો સુંવાળો
હાથ ફરી ગયો છે,
એનો સ્પર્શ હું ભીતરથી માણું છું.
મરણ વખતે પણ આંખ
ખુલ્લી હોય તો સારું.
ખબર છે કંઇ દેખાવાનું તો નથી.
પણ કદાચ કંઇક દેખાય જાય તો...
જ્તાં જતાં ગીતની
એકાદ કળી તો ગુંજી તો લઉં.
મારું મરણ પણ
હું એકલો નહી જોઇ શકું.
મારા બગીચાનું એ અંતિમ ગુલાબ
તને બતાવી શકું તો કેવું સારું.

કોઇ પણ આનંદ
સાથે માણવાની ટેવ પડી છે.
જીવતા જીવતા મરણની વાતો
કરવી અને ભવિષ્યના સ્મરણની
સૃષ્ટિમાં સરી જવું-
તારી આંખ સામે જ ખરી જવું
અને ખર્યા પછી તારા આંસુથી
ભીતરને ભીતર ખીલી જવું
એ મને ગમતી વાત છે.

-સુરેશ દલાલ

If I am I because I am I
and you are you
because you are you
then I am and you are.
But If I am I
because you are you
and you are you
because I am I
then I am not
and you are not.
- Ruby Mendale

Ajit Kalaria