રવિવાર, 30 જૂન, 2019

Book Review (29/06/2018)




યુરોપમાં બરફનાં પંખી એટલે ગુણવંત શાહના યુરોપીય દેશોના પ્રવાસ વર્ણનનું એક મજાનું પુસ્તક. પ્રવાસ વર્ણન કેટલું સરળ, સહજ અને નિખાલસ હોઇ શકે એ જો અનુભવવું હોય તો આ પુસ્તક વાંચવું જ રહ્યું. સહજ શૈલીમાં વ્યાખ્યાકિય રીતે કંઇક સમજાવી દેવું એ તેમની જન્મજાત આવડત. કેવી રીતે.... ? તો જોઇ લો આ પુસ્તકમાં જ ગુણવંત ભાઇએ યુરોપને વર્ણવતા લખ્યું છે કે... “ યુરોપ એટલે પશ્ચિમી સંસ્કૃતિનું પારણું. અહીં કળાનો, નૂતન રાજકીય વિચારધારાઓનો અને વૈજ્ઞાનિક આવિષકારોનો ઉદય થયો. આ ક્ષેત્રમાં થયેલા વિકાસની અસર આખી દુનિયા પર પડી. વીસમી સદીના પૂર્વાર્ધમાં જ મુખ્યત્વે યુરોપની ધરતી પર બે મહાયુદ્ધો ખેલાણાં. છેલ્લી ત્રણ સદીઓમાં યુરોપની કર્મઠ ગોરી પ્રજાએ સહસ્રબાજુ બનીને આખા જગતમાં નૌકાઓ દ્વારા પહોંચીને વેપારવણજનાં તથા રાજકાજનાં થાણાં ઊભાં કર્યા. બધેબધ ગોરી પ્રજાઓ દુનિયાની ઘઉંવર્ણી અને અશ્વેત પ્રજા પર રાજ કરવા લાગી. જગતમાં ખૂણેખાંચરે યુરોપીય સંસ્કાર અને જીવનશૈલી પહોંચવા લાગ્યાં.”.... તો વળી બીજે ઠેકાણે સૌથી મોટી માર્મિક વાત એવી બખૂબીથી રજૂ કરી કે... “ પ્રશ્ન થાય, યુરોપ પર પ્રભાવ કોનો ? મેકિયાવેલી, નેપોલિયન, હિટલર, મુસોલીની, ચર્ચિલ કે દ-ગોલનો? કે પછી શેકસ્પિયર, વર્ડ્ઝવર્થ, શેલી,વૉલ્તેયર, રૂસો કે જ્યાં પોલ સાર્ત્ર કે બર્ટ્રાન્ડ રસેલનો ? કે પછી સર આઇઝેક ન્યૂટન, મદામ ક્યુરી, આઇનસ્ટાઇન જેવા વિજ્ઞાનીઓનો ? કે પછી મોઝાર્ટ, બિથોવન કે વાન ગોગનો ? જવાબ કંઇક આવો હોઇ શકે : અનેક દેશોમાં વહેંચાયેલી, જુદી ભાષાઓ બોલતી, જુદી રાજકીય શૈલી અનુસરતી અને જુદા ધર્મો પાળતી યુરોપીય પ્રજા ગોરી ચામડી ઉપરાંત અન્ય કેટલાક સમાન લક્ષણો ધરાવે છે. આ લક્ષણોમાં મુખ્ય ત્રણ ગણાવી શકાય : 1) કર્મનિષ્ઠા 2) શિસ્તપ્રેમ 3) સાહસપ્રિતી.” ..... ફરવા તો ઘણા ઘણા જાય પણ ફરીને ત્યાંને કલ્ચરને માણવું, માપવું અને સારી-નરસી બાબતો બેધડક કહેવી એ પણ એક મોટો અભ્યાસ માંગી લે છે. જેની અનુભૂતિ વાંચતા વાંચતા સતત થયા જ કરે... તો વળી ક્યાંક મને ગુણવંત શાહ એક ભવિષ્યવેતા જેવા લાગ્યા કારણ કે... “ ધીરે ધીરે આપણે સરખા ચલણ તરફ ખસી રહ્યા છીએ. પ્રજાઓનું વૈવિધ્ય જળવાય, એમની ભાષા, સંસ્કૃતિ અને જીવનરીતી જળવાય તે સાથે વિશ્વકક્ષાએ એક્તાનો પિંડ બંધાતો જાય એવા સંકેતોથી 21મી સદી શોભી ઉઠે તો નવાઇ નહી.” આ વર્ણન 1979ની આસપાસનું છે અને આજે 21મી સદીના 17 વર્ષો વિતી ચુક્યા છે ત્યારે એ સમયે કહેલી વાત સાચી પડતી જણાય છે. તો વળી, લાયપ્ઝિગમાં શાકાહારી જ બની રહેવા માટે વેઠેલી ભૂખ “ બધા જ પેન્ટ ઢીલા પડી ગયાં અને પાચનતંત્ર ખોરવાયું તે નફામાં. વિ.આઇ.પી. ભૂખે મરે તેય દબદબાપૂર્વક ! ફાઇવસ્ટાર હોટલનો ભૂખમરો પણ ખર્ચાળ હોય છે.” જેવા શબ્દોમાં બખૂબી રજુ થાય છે. તો વળી જ્યારે બીજા દેશમાં ગયા ત્યાં પણ આ જ વાતને અલગ શબ્દોમાં ખૂબ જ અસરકારક શબ્દોમાં રજુ કરી કે “ મારો અત્યંત સ્ટેટસ અને ખાનગી ભૂખમરો બાઅદબ, બામુલાયજા ચાલુ જ રહ્યો.” આવી જ રીતે વાત વાતમાં હાઇવે અને ફ્રી વે જેવા શબ્દો કે આખરી પરાજય સાથે વોટરલૂ શબ્દ કેવી રીતે જોડાયો એવી અનેક વાતો સમજાવી જાય એ જ ગુણવંત શાહ... પોતાની પાસે પૈસા નથી એ વાતને એવા તો શબ્દમાં રજુ કરે કે જાણે આપણને ફોરેઇન ફરવા જઇએ ત્યારે એ વાક્યને એક મસમોટા હથિયાર તરીકે સાથે રાખવાનું મન થાય... “ હું વિટામિન ‘ડી’ ની અર્થાત ડૉલરની ડેફિસિયન્સીથી પીડાતો હતો.” ગ્રીસ અને ઇજિપ્તની મુલાકાતનું પેજ તો એ દેશોનો છાજે એવા જ શબ્દોથી થયું છે તો ફ્રાંસમાં જઇને લિબર્ટી, ઇક્વોલિટી અને ફ્રેટર્નિટી જેવા શબ્દો ન ભૂલે અને ગટરના ઢાંકણા પર ગરમી મળે એ હેતુતી રાત પસાર કરનાર ગરીબગુરબાંને પણ ન ભૂલે. ટુંકમાં કહું તો ...પાને પાને શબ્દોની ઉત્ક્રાંતિ ખૂબ જ સરસ સમજ આપી જાય છે તો ડગલે ને પગલે ક્યાંક આપણી તુલના સાંસ્કૃતિક રીતે તો ક્યાંક મનોવૈજ્ઞાનિક રીતે કરી આપતું આ પુસ્તક માત્ર સેલ્ફી લેવા કે ફોટા પડાવા કે કોઇ ટ્રાવેલ એજન્ટને શરણે જઇને એની આંખે યુરોપ કે દુનિયાના કેટકેટલાય દેશો ફરનાર આજની જનરેશનને કંઇક નવું વિચારી પોતાની રીતે પોતાની આંખે એ દેશને કેમ જોવો માણવો અને સમજવો એ જાણવામાં મદદરૂપ થાય એમ છે. મને તો એમ લાગે છે કે આ પુસ્તક વંચાય અને પછી જો યુરોપની ટ્રીપ પર જો કોઇ જાય તો માત્ર ફોટા જ અપલોડ ન થાય પરંતુ # ટેગ છોડીને કંઇક લખાણ પણ જોડાય... જે હોય તે અત્યારે તો હું આ પુસ્તકના રોમાંચે યુરોપ ફરી આવ્યાનો સંતોષ પામ્યો છું પરંતુ મન તો ત્યાં ક્યારે જવાશે એના ચકડોળે ચડેલું છે. છતાં છેલ્લે ગુણવંત શાહના એક મજાના વાક્યથી જ મારી વાતને પૂર્ણવિરામ મુકુ કે “ “બધું જ થીજી જાય એવી આકરી ઠંડીમાં પણ જીવનના ધબકારા હાર નથી સ્વિકારતા. બરફના સફેદ રણમાં પણ જંગલ દબાતે સાદે જીવતું રહે છે.”

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો