મંગળવાર, 12 માર્ચ, 2019

Happy Birthday Gunvantbhai




Happy Birthday Gunvantbhai,
       A good writer is known by his work but a better writer is known by what people say about him. You are friend, philosopher and guide to me and I have been reading a lot from your creative and revolutionary thoughts since my adolescence. You are the greatest versatile personality I have ever met in my life. તો આજે મારે તમારી સાથે તમારા જ  વિશે  થોડી ગૂફતગુ કરવી છે. 
        ગુજરાતી ભાષાના એક શ્રેષ્ઠ શિક્ષણવિદ અને સમય સાથે સતત પોતાના વિચારોને વાચા આપી હજારો ચાહકોના દિલ જીતનાર અનોખું વ્યક્તિત્વ એટલે ગુણવંત શાહ. ગુણવંત શાહ એટલે આજની પેઢી સાથે કોઇપણ જાતનો દંભ રાખ્યા વગર નિખાલસ વાતો કરી શકે એવું અજબનું  વ્યક્તિત્વ. કોઇને પણ  રોકડું પરખાવવામાં સેકન્ડનોય વિલંબ ના કરે એ ગુણવંત શાહ. સ્ટેજ હોય કે ઘરનો હિંચકો મિજાજ અને સમય હંમેશા એમના જ ! એમાં ખોટું પણ શું ? ગુણવંત શાહ પાસેથી શીખવા જેવી સૌથી મોટી બાબત જ મને આ લાગી છે.
            ગુજરાતી  ભાષા સાહિત્યમાં સૌથી દમદાર ફૂટનોટ્સ જો કોઇ લેખકે સતત પોતાના લગભગ દરેક પુસ્તકમાં આપી હોય તો એમાં તમારું જ નામ મોખરે આવે, તો દરેક પુસ્તકની પ્રસ્તાવનાની તો  વાત જ શું કરવી ! દરેક પ્રસ્તાવના જાણે  એકબીજાથી ચડે એવું સતત લાગે. ગુણવંત શાહને વાંચ્યા પછી કોઇની પણ  ફિલોસોફીકલ દ્રષ્ટિ બદલાય તો કુદરતને નિહાળવાનો કે પામવાનો અભિગમ બદલાય. તમારા ગદ્યમાં જે લાવણ્ય છે એ તમને  એક અનોખી ઊંચાઇ બક્ષનારું મને  લાગ્યું છે. તો રામાયણ અને મહાભારત પરનું તમારું ચિંતન જાણે આવનારી પેઢીને અનુલક્ષીને જ થયું હોય એવું સતત લાગે, તો તમારી કૃષ્ણ પરની વાતો તો એવો અહેસાસ અપાવી જાય કે જાણે તમે સાક્ષાત એમને પુછીને કે એમની સાથે વાતો કરીને તો નથી લાવ્યા ને! , તો વળી ‘અસ્તિત્વનો ઉત્સવ’ વાંચતા  જાણે ઊંડા વિચારોમાં ગરકાવ કરી દે એવું અદભુત પુસ્તક લાગે અને આ પુસ્તક વાંચતા વાંચતા ગુજરાતી સાહિત્યમાં જૂજ જોવા મળે એવો મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાનનો અદભુત સમન્વય દેખાઇ આવે. આ વાત તમારા બીજા ઘણા પુસ્તક માટે પણ કહી જ શકાય.  તો ‘કૃષ્ણનું જીવનસંગીત’ જાણે કૃષ્ણ પોતે ગુણવંત શાહ બનીને કહી રહ્યા હોય એવું સતત લાગે, તો વળી પતંગિયાની યાત્રાના ત્રણ દમદાર ભાગ તો જીવનને વલોવીને કહી આપે કે ભાઇ આપણે હજી તો આવું કંઇ વિચાર્યુ જ નથી. જીવન જીવ્યા કે વેડફ્યુ એ વાતે  વિચારતા કરી મુકે, તો વળી ક્યાંક એવું સતત લાગે કે હજી જીવનના મર્મને પામવાનો જ બાકી છે. હા, આ કહી રહ્યો છું એમાં સહેજ પણ અતિશ્યોક્તિ નથી. તમારું સંસ્કૃત પ્રત્યેનું જ્ઞાન અને સંસ્કૃત શ્લોક કે કોઇ  વાતનો ભાવાનુવાદ એટલી બખૂબીથી રજુ કર્યો હોય છે કે બસ એને યાદ રાખવો જ પડે કે અનાયાસે યાદ રહી જ જાય. જે તમારું સંસ્કૃત પ્રત્યેનું ઊંડાણ રજુ કરી બતાવે છે. વાહ, ભાઇ આ ત્રણ વોલ્યુમ વિશે તો  શું કહું શબ્દો ઓછા પડે છે.  અરે ! હા,  તમારા નિબંધોની તો વાત જ શું કરવી ! તમારા નિબંધોમાં આસપાસનું સૌંદર્ય કે સત્ય હકીકત કે વિદેશી મહાનુભાવોના ક્વોટ કે એમના અનુભવની વાતો સતત  છલકતી દેખાય, અને એ પણ ક્યારે જ્યારે ઇન્ટરનેટનો જન્મ પણ નહતો થયો ત્યારે આજથી 30-40 વર્ષ પહેલા આ બધુ રજુ કરવું એ તમારી વાંચન વિશેષતાને છત્તી કરે છે, તો તમારા અપડેશનનું આ સૌથી મોટું પ્રમાણપત્ર છે. ટુંકમાં એક જ વાક્યમાં કહું તમારો નિબંધ વૈભવ પણ સો ટચના સોના જેવો જ !  તમારા પ્રવાસવર્ણનો ક્યાંક ઇતિહાસની ખૂબીથી ભરપૂર હોય છે તો ક્યાંક અનુભવના સાગર પર સવાર થઇને ત્યાંની સફર કર્યા બરાબર લાગ્યા છે. ગાંધીજી પરનું વિચારમંથન અને નિખાલસ પણે ક્યાંક એમની  સાથેનો વિચારભેદ તમારા જીવન રથને મુઠી ઊંચેરો લાવી મુકે છે. આ બધી વાતો અને વિચારો  તમારા જીવનને એક ઋષિની સમકક્ષ લાવી મુકે  છે એવી પ્રતિતી થયા વિના નથી રહેતી. તમારી આત્મકથાના બે ભાગ ગુજરાતી ભાષાના નિખાલસતાના બેનમુન ઉદાહરણો છે. તો રાજકારણ પરનું તમારું વકતવ્ય કે લેખન તમને એક અલગ જ આયામ બક્ષે છે,  જો આ પુસ્તકો દરેક રાજકારણી વાંચે અને પચાવે તો સેક્યુલરિઝમના ખરા અર્થને પામે અને રાજકારણનો ખરો અર્થ પામે એમાં કોઇ બે મત નથી. સરદાર પટેલ, બુદ્ધ અને શ્રી અરવિંદ પરનું તમારું  લખાણ વાંચન અને સમજણની ઊંડાઇ સાબિત કરવા માટે પુરતું  છે એવું કહું તો એમાં કશું જ ખોટું નથી. ‘મનનાં મેઘધનુષ’ તો એવું પુસ્તક કે જેને ગમે એ પુરે પુરા પાગલ થાય કાં તો એ પુસ્તક બંધ કરીને ખાલી પોતાના દંભી વિચારોના કુંડાળામાં રમ્યા કરે અને જિંદગી પુરી કરે. હા, જે હોય તે મને તો આ બધુ જોતા એવું ચોક્ક્સ કહેવાનું મન થાય કે ગુણવંતભાઇ તમારો  વાચક વર્ગ પણ વિચારોથી સદ્ધર અને સમૃદ્ધ છે એનો એમને ગર્વ છે તો તમે તમારા વાચકને દિલથી નવાજો છો એ તમારી મહાનતા છે. ગુણવંતભાઇ તમારો  વાચક અને શ્રોતાઓનો નોખો પડી આવતો વર્ગ એ જ તમારી સૌથી મોટી  જીત એવું મને સતત લાગ્યું છે તો આવનારી નવી જનરેશનમાં તો તમે ખૂબ વંચાશો અને પોખાશો એ વાત ચોક્ક્સ છે.
            તમારા જીવનનું બીજુ એક પાસું એટલે તમે જીવનમાં કરેલી પદયાત્રાઓ. હું મારું સદભાગ્ય ગણું છું કે તમે કરેલી દારા-શુકોહ પદયાત્રાનો હું પણ એક ભાગ હતો એનો નશો કેટલાય દિવસો સુધી ન હતો ઉતર્યો એ હજુ પણ મને યાદ છે.  ત્યારે તમે મને ખરા અર્થમાં 80 વર્ષના યુવાન લાગ્યા હતાં.  તમારા અનેક પ્રવચનોમાં હું હાજર રહ્યો છું અને ત્યાંથી દરેક સમયે કંઇક નવું લઇને ગયો છું એનો આનંદ આજે પણ છે જ. સમય, શબ્દો અને વાત રજુ કરવાની આગવી શૈલી તમને બીજા વક્તાઓ કરતા અલગ પાડી બતાવે છે. અને કદાચ આ બાબતમાં તમે મારા જેવા કેટલાય અજીતના રોલ મૉડેલ હશો એ પાકુ જ છે. વધુ તો શું કહું તમે કહ્યું છે એમ અર્જુનની ઋજુતા તરફ વળવાનો અને જીવનમાં ઉર્ધવરેતસ વધવાનો પ્રયત્ન કરું છું. મનોજ ખંડેરિયાના શબ્દોમાં છેલ્લા એટલું જ કહીશ કે...
“મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા (ગુણવંત શાહ)
 ચરણ લઇ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.”

જન્મ દિવસના વંદન સહ અભિનંદન.


આપના હજારો વાચકોમાંનો એક
અજીત કાલરિયા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો