શનિવાર, 30 માર્ચ, 2019

કંજ તારું પેનના પ્રેમવિશ્વમાં સ્વાગત છે




વર્ષોથી માણસજાતને અનેક વિચારો આવ્યા અને એને અમલમાં મૂક્યા, આ જગત આવી  અનેક ક્રાંતિઓમાંથી પસાર થયું છે.  એમાંની એક ક્રાંતિ એટલે પોતાના મગજમાં ઉદ્ભવેલો વિચાર કે નવો સ્પાર્ક યાદ રહી જાય એ માટે ક્યાંક લખી રાખવું તે. હા, સૌ પ્રથમ માણસે ક્યાંક  એક પથ્થર પર બીજો પથ્થર મારીને કોતરીને  લખ્યું, તો  ક્યાંક કોઇ ધારદાર લાકડું કે ધાતુના ટુકડાનો ઉપયોગ કરીને લખ્યું, તો ક્યાંક આમાનાં જ કોઇક સાધનનો ઉપયોગ કરીને  પોતાના વિચારને ગુફાચિત્રો કે ભીંતચિત્રો રચીને રજુ કર્યા. સમયાંતરે બેબીલોનિયન પરંપરામાં પેપિરસની છાલ પર લખવાનું શરૂ થયું અને એ ક્રાંતિ આજની પેન પર આવીને અટકી.  એવું નથી કે પેનનાં options  નથી શોધાયા. શોધાયા !,  પણ જોઇએ એવું સ્થાન લેવામાં એ પુરેપુરા સફળ ન થયાં. સૌ પ્રથમ Penના option તરીકે typewriter આવ્યું અને ત્યાર પછી computerનું keyboard આવ્યું છતાં  આજે પણ  pen યુગ તો ચાલું જ છે.  એક વાત કહું  મોબાઇલની દુનિયામાં મને Samsung Note-3, Note-5 કે Note-9 એના stylusને (inbuilt pen stick) કારણે જ વાપરવા ગમ્યાં છે.  છતાં એક મહત્વની  વાત ચોક્ક્સ કહીશ કે આપણી આર્ય પરંપરામાં વેદોની ઋચાઓ પહેલા કંઠસ્થ હતી જે પેઢી દર પેઢી બોલાતી આવી અને સચવાઇ જે ખરેખર આજે પણ મારા માટે એક વિસ્મય જ  છે. છતાં ઋગવેદમાં અક્ષરા: (શબ્દ) અને ગ્રંધા (બુક) જેવા શબ્દોનો ઉલ્લેખ છે, યર્જુવેદ અને અર્થવવેદમાં લીખા (લખવું) શબ્દ છે. તો શરૂઆત ક્યાંથી ગણવી ?...
नाथ नील नल कपि द्वो भाई । लरिकाईं  रिषि आसिष पाई।।
तिन्ह कें परस किएं गिरि भारे । तरिहहिं जलधि प्रताप तुम्हारे ।
ક્યાંક રામાયણમાં એવો ઉલ્લેખ છે કે નલ અને નીલ પથ્થરો પર રામ એમ લખીને સમુદ્રમાં નાખતા હતા અને એ પથ્થરો સમુદ્ર પર તરવા લાગતા હતાં... તો આવી જ રીતે   લખવાની પરંપરાનો સૌથી જુનો ઉલ્લેખ મહાભારતમાં છે જેમાં મહર્ષિ વ્યાસ આખું મહાભારત બોલે છે અને ગણપતિ એને લખે છે. પણ.... પણ.... પણ....  ત્યારે ગણપતિએ કઇ પેનથી લખ્યું  Rotomac કે Reynolds કે  Parker Pen તો ત્યારે નહોતી. તો મહાભારત લખાયું કઇ penથી ?????  તો ચાલ કંજ આજે Penનો અત: થી ઇતિ સુધીનો થોડો ઇતિહાસ જોઇએ.
REED Pen એ આ વિશ્વમાં સૌ પ્રથમ ઉપયોગમાં લેવાયેલી પેન હતી. આ પેન reed કે વાંસને આગળથી અણીદાર કરીને શાહી જેવા કોઇ વનસ્પતિના રસમાં બોળીને લખવામાં ઉપયોગ કરાતો. આજથી લગભગ 5000 વર્ષ પહેલા reed પેનનો ઉદય થયો એમ માનવામાં આવે છે તો ઇજિપ્તના લોકો એના વડે પેપિરસના છોડની છાલ પર લખતા. ત્યાર પછી છેક  લગભગ 5મી કે 6ઠ્ઠી સદીમાં Quill Pen આવી (જે લગભગ Seville, Spainમાં શોધાઇ) જેમાં લખવા માટે  હંસ જેવા પક્ષીના પીછાનો ઉપયોગ થાતો અને આ Quill Pen ના ઉદય સાથે પેપિરસના છોડની જગ્યા પ્રાણીના ચામડાએ અને કાપડે લીધી.... જે ક્યાંક હજુ પણ છઠ્ઠીની રસમ વખતે દાડમની એક દંડીનો ઉપયોગ કરીને લખવામાં આવે છે.  તો વળી ક્યાંક Qumran (Isreal) કે Judea (Greek) જેવા વિસ્તારોમાં ઇ.સ.પૂર્વે 100માં Quill Penથી હિબ્રુમાં લખેલા લખાણ મળી આવ્યા  છે, જે એની શરૂઆત ઘણી પહેલા થઇ હશે એમ બતાવે છે.  ત્યાર બાદ ફરીથી એક લાંબા સમય પછી એટલે કે છેક 19મી સદીમાં ધાતુની Nib ધરાવતી પેન શોધાઇ જે પહેલા Dip Pen (લગભગ Pompeii ના શાશનકાળમાં)ના સ્વરૂપે ઓળખાઇ અને આ Dip pen એટલે જ ખીટો (ખીટ્ટો જેમાં ચોક્ક્સ પ્રકારની શાહીમાં કલમને બોળીને લખવામાં આવે છે.)  એક સમયે અદાલતમાં જજ ફાંસીની સજા સંભળાવીને કાગળ પર એનો પોઇન્ટ તોડી નાખતા હતા, એ નિયમની શરૂઆત આ પેનથી જ થઇ હતી.  જે એવું દર્શાવવા માટે તોડી નાખવામાં આવતી કે હવે આ કેશમાં આગળ કશું જ નવું આવી શકે એમ નથી. Over !  આ Dip pen ના Nib ને એક શાહીના ખડિયામાં બોળીને કાગળ પર લખવામાં આવતું અને વારે વારે ખડિયામાં બોળીને લખવું એ સમય લેનારું હતું તો ક્યાંક કંઇક ખૂટતું હોય એની એ નિશાની હતી. તો વારે વારે શાહીના ખડિયામાં બોળીને લખવું એના બદલે  કંઇક user-friendly જેવું કંઇક innovative માંગતું હતું  અને પછીથી જાણે  Frustration is the real mother of invention આ ઉક્તિને સાચી પાડતા Fountain Pen શોધાઇ. Romanian Petrache Poenaru એ પેરિસમાં Fountain pen શોધી અને 1827માં એની પેટન્ટ કરાવી.  આ  Fountain Pen કે  Fountain Pen ના  Nib ની આખી દાસ્તાન જ અલગ છે Fountain Pen પર આખો ગ્રંથ બને એમ છે. છતાં Fountain Pen અને Dip pen નો આજકાલ ખાસ ઉપયોગ Calibri writingમાં થાય છે  તો  Artist ની એ ખાસ પસંદ છે. Dip pen નો એક ફાયદો એ છે કે એના અલગ અલગ Nib બદલીને ક્રિયેટીવ કંઇક કરી શકાય... પછી છેક 1888 માં Ball Point Pen શોધાઇ અને સતત પેન વિશ્વ innovative  અને મોટું ને મોટું બનતું જ ગયું. 1938માં Hungarian News Paperના Editor Laszlo Biro (Josef) અને એના ભાઇ Georgeની મદદથી એક એવી pen શોધી કે જેના છેડાના ભાગ પર એક નાનકડો ball ફર્યા કરે અને પેપર પર એ બોલ પર ચોંટેલી ink હાથની movement પ્રમાણે શબ્દો પાડે. અને બસ આ જ શરૂઆત હતી બોલપોઇન્ટ પેનની. અને 15 જુન 1938ના રોજ એના પેટન્ટ પણ લેવાઇ ગયા. અને  1940માં Josef and Georg Biro Ball point penને વિશ્વવ્યાપી બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. આજે પણ એ Biro pen પોતાની આગવી ઓળખ સાથે marketમાં નામ ધરાવે જ છે. તો 1970માં Roller Ball Point Pen શોધાઇ અને પાછળથી 1980માં Porous point pen આવી જેનો point ચોક્ક્સ પ્રકારના Porous કે Ceramicનો બનેલો હોય છે. 
   આજે લગભગ વાર્ષિક 18 થી 20 billion  ડોલરનું પેનવિશ્વનું ટર્ન ઓવર છે. છતાં આશ્ચર્યની વાત એ છે કે 1792માં પેનની Advertise Times of Indiaમાં અપાઇ હતી. અને એ જ Metal pen Point ની પેટન્ટ ઇ.સ. 1803 માં કરાઇ હતી.  બોલપોઇન્ટ પેનમાં oil base ink હોય છે જે એક નાના છરા (metal ball) મરફતે કાગળ પર આવે છે એ metal ball 0.5 -1.2 mm નો brass, steel  કે tungsten carbide નો બનેલો હોય છે. તો Roller Ball Point Pen માં  water base liquid  કે Gel હોય છે જે ઓછી ચિકાશ ધરાવે છે અને સરળતાથી પેપર પર પથરાય છે. આ Roller Ball Point Pen 1980 માં જાપાનની OHTO કંપની સૌ પ્રથમ લઇને આવી.
મજાની વાત તો એ છે કે 19મી સદીની શરૂઆતમાં ક્યાંક penને Automatic Pencil પણ કહેવામાં આવતી.  અને એ જ Automatic Pencil પાછળથી Solid Ink Fountain Pen બની અને એ સમયે વિશ્વની સૌથી મોટી કંપની તરીકે Penkala Monsterનું નામ હતું જે આજે TOZ Penkala (Tvornica Olovaka Zegreb જેનો અર્થ “Zegreb Pencil Factory” થાય છે. ) ના નામે ઓળખાય છે. બીજા વિશ્વયુદ્ધમાં પ્લેનના પાયલોટ ખાસ પ્રકારની  ball point pen વાપરતા કારણ કે ઉંચાઇ પર એ લીક નહોતી થાતી. અને પછી આ Pen Pilot penના નામે જ ઓળખાઇ અને ખુબ ચાલી આજે પણ આ Pilot  Pen ઘણા બધાની ચોઇસ છે. એક મજાની વાત કહું :   સામાન્ય રીતે એક પેનથી લગભગ 45000 અક્ષર લખાતા હોય છે. તો જ્યારે કોઇ નવી પેન હાથમાં લેવામાં આવે તો 95% લોકો પોતાનું નામ લખે છે અથવા તો પોતાની સાઇન કરે છે. હા... હા.... હા... સાચુ ન લાગે તો ફરી ક્યારેક ખાસ observe કરજે.
 Parker, Mont Blanc, Cross, Cello, Reynolds જેવી પેનોનું ટર્ન ઓવર ખરેખર અચંબામાં મુકી દે એવું છે. તો Bentley, Conklin, Delta, Diplomat, Fisher Space, Jack Row, Kaweco, Lamy, Pelican, Markiaro જેવી કંપનીઓ પોતાની Luxury and Designers pen માટે આગવી ઓળખ ધરાવે છે. તો વળી આ બધાની ટેગ લાઇન પણ જોરદાર છે જેમ કે Parker Pen ની Tagline : “ They make decisions. We make them official.” છે.   તો વળી Reynolds Pen ની Tagline : “ Break the Barriers” છે. તો આ લખું છું ત્યારે મને Rotomac Penની જાવેદ અખ્તરની એ Advertise યાદ આવે છે કે જેના મોટીવેશનલ  શબ્દો મને ખુબ જ ગમતા...
जिन्दगी है तो ख़्वाब है ।
ख़्वाब है तो मंजिल है  ।
मंजिल है तो फासले है ।
फासले है तो रास्ते है ।
रास्ते है तो मुश्किलें हैं ।
मुश्किलें है तो होंसला है।
होंसला है तो विश्वास है....
कि फाइटर हमेशा जीतता है ।
પેનની આ મોટી મોટી બ્રાંડની વાત કરું છું ત્યારે મારા મગજમાં જે.ડી.પટેલ સર યાદ આવે છે અમને  પ્રેરણા ક્લાસિસના ફંકશનસમાં (1994-96) ઇનામ મળતા ત્યારે Pierre Cardin ની  Look નામની બોલપેન મળતી ત્યારે આનંદનું એક મોજુ ફરી વળતું અને દોસ્તો વચ્ચે એ પેન લઇને લખીને વટ પાડતા.  તો અમે ભણતા ત્યારે મારી પણ અને બીજા ઘણા બધાની પસંદ  Reynoldsની 045 Pen પર જ અટકતી. બલ્યુ કેપ અને વ્હાઇટ કન્ટેઇનર વાળી આ પેનમાંથી જ્યારે કાગળ પર શબ્દો લખાતા ત્યારે બીજી પેન કરતાં અલગ જ ફીલ આવતી. તો મને મોરબી મારા મામાની દુકાન પણ યાદ આવે  છે, જ્યાં મામા અને ભદ્રેશભાઇ નાનકડા પંચ જેવાં ટાંચણાને  પટ્ટી વડે ઠપકારીને વાસણ પર સુંદર અક્ષરોમાં નામ લખી આપતા. મશીન તો હતાં પણ લાઇટ ન હોય ત્યારે આવી રીતે નામ લખી આપતા. જે એક અનોખી આવડત હતી. તો  બીજા છેડે રાકેશ સરે મને ગીફ્ટમાં આપેલ 3 Idiot movie માં બતાવેલ Zero Gravity pen (submarine company)  યાદ આવે છે. જેને Space pen પણ કહેવાય છે. તો એક સમયે પપ્પાને (દાદાને) કોઇકે એવી પેન ગીફ્ટ કરી હતી કે જેનો ઉપરનો ભાગ ખોલો એટલે દાદાનું નામ અને એડ્રેસ સાથેનો સ્ટેમ્પ ખુલતો અને એને તમે યુઝ કરી શકો, તો વળી  Jams Bond ની  film Octopussy (1983) યાદ આવે કે જેમાં એ સમયે કલ્પના કરી હતી કે  પેનમાં રેકોર્ડિંગ ડિવાઇસ હતું (જે હાલમાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે) તો બીજી બાજુ દુશ્મન પર હુમલો કરવા માટે એમાં એસિડ પણ રખાયું હતું. 
બેટા Penની વાતોનો તો કોઇ અંત નથી. લખો અને જાણો એટલું ઓછું છે. Penનું મહત્વ ત્યારે સમજાય કે જ્યારે જરૂર હોય અને ખિસ્સામાં Pen ન હોય. તમારો પ્રિય કિકેટર કે ફિલ્મસ્ટાર કે હિરોઇન કે લેખક તમારી સામે હોય, Autograph લેવો હોય અને પેન ન હોય…. આસપાસ ઉભેલા બધા મિત્રો કોઇ ફોર્મ ભરતા હોય અને તમે એમાંનો એકાદ મિત્ર પહેલા ફોર્મ પુરુ કરે અને તમને પેન મળે એની રાહ જોઇને ઉભા હોય ત્યારે પેનનું ખરું મુલ્ય સમજાય તો ક્યાંક ... આગળના રવિવારે જ દિવ્ય ભાસ્કરમાં ડો. શરદ ઠાકરની કોલમમાં એક સરસ શૅર હતો કે
“તુમ કાલી સ્યાહી સે લિખો યા લાલ સે,
કુછ યાદેં હમેશા હરી હી રહતી હૈં.”
સૌથી જુનામાં જુના લખાણ જોવા જઇએ તો ક્યાંક એ હડપ્પા યુગમાં મળે છે અને અશોકના શીલાલેખમાં એ ક્યાંક વર્ષોથી સચવાયા છે તો ક્યાંક વર્ષોથી શુશ્રુતની ચિકિત્સા વિદ્યા તો ચરકની આર્યુવેદ વિદ્યા તો આર્યભટ્ટની ખગોળવિદ્યા કે ભૃગુઋષિની જ્યોતિષ વિદ્યા ક્યાંક પેન વગર અધુરી હતી. તો તું પણ આવી જ કોઇ પેનથી એક અલગ જ ઇતિહાસ લખજે.  માર્ટિન લ્યુથર કિંગે કહ્યુ છે એમ કે “ If you want to change the world, pick up your pen and write.”  પેરો (Croatian language), સુલેપેયા( Estonia), સ્ટાઇલો(French, Greek), સ્ટિફ્ટ(German) કે હિંદી કે ઉર્દુમાં જેને કલમ કહે છે એ કલમ પકડો અને ક્માલ કરો. એક રીતે 5th Standard માં જ પેન કેમ ? તો એમ કહે છે કે બાળક એટલું શીખી ચુક્યો હોય છે કે હવે એની ભુલો કરવાનું પ્રમાણ ઘટી ગયું હોય છે. પેન્સિલથી કરેલી ભુલ ઇરેઝ થાય પણ પેનથી કરેલી ભુલ દેખાય... જે હોય તે કંજ પેનથી પણ ભુલ થાય ચિંતા નહી કરવાની, પણ દરેક કરેલી ભુલમાંથી કંઇક નવું શીખવાનું અને લખવાનું... જે હોય તે લખતા લખતા જીવવાનું અને જીતવાનું...ક્યાંક તારી આ લખવાની પેન જ તારી જીત માટે કોઇ લડાઇનું મોટું સાધન  છે તો ક્યાંક તારી આ પેન જ તારી કોઇ અહિંસક લડાઇ માટેનું સૌથી ધારદાર શસ્ત્ર છે. તો ક્યાંક તારી આ પેન જ તેજાબી શબ્દો દ્વરા તને નવો આયામ બક્ષવા માટે પુરતી છે. તો ક્યાંક તારી આ પેન જ તારા દિલના સ્પંદનને શબ્દોનું સ્વરૂપ આપવા માટે પુરતી છે. તો ક્યાંક તારી આ પેન જ  કુદરતના વણઉકેલ્યા રહસ્યોને પામવા માટેનો એક અનોખો સેતુ છે. તો ક્યાંક તારી આ પેન જ તારા મનોવિશ્વને આલેખી આપે એવો અનોખો  મિત્ર છે. તો ક્યાંક તારી આ પેન જ ક્યાંક કમાલ તો ક્યાંક ધમાલ કરવા માટે પુરતી છે. તો ક્યાંક તારી આ પેન તને એક અનોખી ઉંચાઇ પર લઇ જવા માટે પણ પુરતી છે. જીવનમાં પેનનો પ્રભાવ અને વૈભવ બંન્ને છે એ તને હવે સમજાશે. તું પેનના વૈભવ અને પ્રભાવ બંન્નેને પામે એવા આશિર્વાદ.  આજે જ્યારે તારા હાથમાં પેન છે ત્યારે એટલું જ કહેવાનું કે પેનથી એવી તો કમાલ કર કે અમિતાભ કે યુવરાજની જેમ તને ઓટોગ્રાફ આપવાનું મન થાય તો ક્યાંક માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ કિંમતી (31000 રૂ.)  Mont Blanc પેન વાપરીને મોટા મોટા કરારો કરવાનું મન થાય... છતાં  તને  જે ઇચ્છા થાય તે જ  કરજે..... એ જ મજા છે.  હવે તારા હાથમાં પેન છે અને તારું જીવન અને તારું શિક્ષણ તને કંઇક અલગ જ આયામ પર લઇ જાશે, પણ દિલ જે કહે એ જ કરવાનું....  પ્લેન-પેન-પૈસા જે હોય તે હંમેશા પોતાના   inner instinct  ને જ ફોલો કરવાનું.... એ જ મજા... અને એ જ જિંદગી.
 બાકી છેલ્લા મનોજ ખંડેરિયાના એ શૅર યાદ કરાવી દઉં કે
પકડો કલમ ને કોઇ પળે એમ પણ બને,
 આ હાથ આખેઆખો બળે એમ પણ બને.
   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો