રવિવાર, 16 ઑગસ્ટ, 2020

ભજગોવિન્દમ



પ્રો. દિનેશ પાઠક એટલે મિત્ર નિર્મલના પપ્પા. આમ તો architect department માં પ્રોફેસર, પણ જીવનમાં અધ્યાત્મ અને સાહિત્યનો અદભુત સમન્વય દરેક ડગલે દેખાઇ ઉઠે એવું સહજ વ્યક્તિત્વ. આજે પણ એ દિવસ યાદ છે કે અમે જ્યારે B.Sc. માં ભણતાં હતાં ત્યારે નિર્મલ અમને સૌને(થોડા મિત્રો) એના ઘરે અધ્યાપક કુટીર લઇને ગયો હતો ત્યારે એ પ્રથમ મુલાકાત, ત્યારે એમની સાથેની વાતચીતમાં જ અમે સૌ મિત્રો એમના દિવાના બન્યા ! એમની દરેક વાતમાં ક્યાંક નોલેજ તો ક્યાંક જે તે વિષયનો ઉંડાણ પૂર્વકનો અભ્યાસ દેખા દેતો એ 
અમારી નોંધ બહાર ન હતું. ત્યારબાદ પણ સમયાંતરે ક્યારેક કયારેક એમને ચોક્ક્સ મળવાનું બન્યું જ છે. આ 5 જૂને એમણે 75માં વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે એમની યશકલ્ગીમાં વધુ એક પીછું ઉમેરતું પુસ્તક ભજગોવિન્દમ પ્રકાશીત થયું અને થોડા દિવસમાં જ મિત્ર નિર્મલનો ફોન આવ્યો કે અજીત બાપુજી યાદ કરે છે. એમનું નવું પુસ્તક આવ્યું છે તને આપવું છે મળવા બોલાવે છે. અને આજે એ પુસ્તક વાંચી ચુક્યો છું. હા, આ એ જ લેખક દિનેશ પાઠક છે કે એમનું પુસ્તક ષોડશ સંસ્કાર અનેક મિત્રો અને સ્નેહીજનોને ભેટ આપી ચુક્યો છું. પણ આજે વાત એમના પુસ્તક ભજગોવિન્દમની ! શંકરાચાર્ય રચીત ભજગોવિન્દમ સ્તોત્રમાં કુલ 33 શ્લોક છે પણ આ પુસ્તકમાં માત્ર 18 શ્લોકનો એકદમ સરળ ભાવાનુંવાદ સાથે વિસ્તૃત વર્ણન છે. તમારા દરેક પુસ્તકમાં તમારો પોતાનો એક શબ્દ લય પ્રગટ થતો હોય છે એવું આ પુસ્તકમાં પણ દેખાઈ જ આવે છે.આ વર્ણન એટલું સરળ અને સહજ છે કે માત્ર ગુજરાતી વાંચી જાણતો સામાન્ય જન પણ ભજગોવિન્દમના એ શ્લોકના મર્મને સમજી શકે અને બીજા કોઇને કહી કે સમજાવી પણ શકે ! ક્યાંક કર્મમીમાંશા છે તો ક્યાંક ભક્તિની વાત છે. ક્યાંક બુદ્ધની વાત છે તો ક્યાંક શ્રી કૃષ્ણની વાત છે. ક્યાંક પ્રભુ દર્શન છે તો ક્યાંક એમની વાતમાં જાણે આખું દર્શન શાસ્ત્ર છલકે છે. ક્યાંક અંગ્રેજી ક્વોટ છે તો ક્યાંક મજાના સંસ્કૃત સુભાશીતો છે. આ બધામાં ક્યાંક મજાના પ્રેરણાદાયી પ્રસંગો છલકે છે તો ક્યાંક એમણે જ રચેલા ગીતો કે કવિતા આખી વાતના મર્મને ચાર ચાંદ લગાવી જાય છે. ક્યાંક ઉપનિષદની વાત છે તો ક્યાંક ગીતાના શ્લોકની વાત છે. આ બધાની વચ્ચે પુસ્તકની શરૂઆતમાં લખાયેલ શંકરાચાર્યનો ટુંકો પણ મનમોહક પરિચય પણ જાણે એક મજાની કહાની કહી જાય છે. એમાં વાત એ જ છે, શબ્દો એ જ છે પણ શૈલી નિરાળી છે. એવું લાગે જાણે એક તૈયાર સ્ક્રિપ્ટ મળી ! આ પુસ્તકમાં દરેક શ્લોકને પુષ્પ નામ અપાયું છે જેમાં પુષ્પ 13ના શ્લોક
कास्तवं काङ्हं कुत आयतः का मे जननी को मे तातः।
इति परिभावय सर्वम सर्वसारं, विश्वं त्यक्तवा स्वपनविचारम् ।।
નું વર્ણન તો મારું સૌથી પ્રિય થઇ પડ્યું, જે મને અનેક વિચારોના વમળમાં લઈ ગયું. ટુંકમાં મોહ મુગ્દર કહો કે ચર્પટ પંજરીકા કહો કે ભજગોવિન્દમ કહો લેખક પ્રો. દિનેશ પાઠકે જે 18 શ્લોકનું મજાનું વર્ણન કર્યું છે એ એટલું સરળ અને સહજ છે કે ભજગોવિન્દમ પ્રત્યે અદમ્ય આક્રર્ષણ થયા વિના નહી જ રહે. આવું મજાનું પુસ્તક આપવા બદલ આપનો દિલથી આભાર.
પ્રો. દિનેશ પાઠકના વિચારો અને અન્ય રચનાઓ વાંચવા માટે
Blog - https://ddpathak.wordpress.com
EBooks Direct Link -
https://ddpathak.wordpress.com/ebooks/



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો