રવિવાર, 28 માર્ચ, 2010

હડપ્પાની એક મુલાકાત



આજે 28 માર્ચ 2010 એક આનંદદાયક દિવસ. સવારના 6:30 ની આસપાસ જીગ્નેશભાઇ, સોનુંભાઇ અને હું જયેશભાઇની બ્રાન્ડ ન્યુ Swiftમાં ગોઠવાઇ ગયા. અમારી સફર શરૂ થઇ અને એક બાજુ વાતનો શિલશિલો શરૂ થયો. ક્યાંક વળી સોનુંભાઇ પોતાના બોમ્બેના અનુભવો કહેતા ત્યારે ખરેખર ખૂબ જ મજા આવતી હતી. મને તો મનમાં થતું હતું કે આ માણસ તો ખરેખર પિકચરમાં આવતી સ્ટોરી જેવી જ રીયાલિટી અનુભવેલ વ્યકિત છે. જે હોય તે એમની વાતો સાંભળવાની ખરેખર મને મજા આવતી હતી. વાતો વાતોમાં તો અમે તારાપુર પહોંચી ગયા. હૉટલ પેરામાઉન્ટમાં અમારી બ્રાન્ડ ન્યુ Swift ઉભી રહી અને ચા નાસ્તો કર્યો. ગરમા ગરમ નાસ્તો કરવાની ખરેખર મજા આવી ગઇ. પાછા અમે સૌ Swift માં ગોઠવાઇ ગયા અને કોટ ગણેશ પહોંચ્યા. ત્યાં અમે સૌએ ગણપતિની વિશાળ પ્રતિમાનાં દર્શન કર્યા. મંદિરમાં રિનોવેશન કામકાજ ચાલું હતું. અમે પ્રતિમાનો ફોટો પણ ક્લિક કરી લિધો. જીગ્નેશભાઇ જાણતા હતા તેઓ મને લઇને સીધા જ આગળના ભાગમાં આવી ગયા. ત્યાં આપણી સામે જ કેળાની વેફર(ચિપ્સ) ને તળીને વેંચતા હતાં. આવી એકદમ ફ્રેશ વેફરનો ટેસ્ટ જ કંઇક અલગ જ હતો. ત્યાં ઉભા ઉભા થોડી ઘણી વેફર ખાધી અને ઘણી બધી પૅક કરાવી. મંદિરમાંથી અમે સૌએ લાડુનો પ્રસાદ લીધો અને ફરીથી અમે સૌ Swift માં ગોઠવાઇ ગયા. કોટ ગણેશથી અમે બુટ ભવાની ગયા. ત્યાં પણ મંદિરમાં રિનોવેશન કામ ચાલુ હતું. ત્યાં પણ અમે સરસ માતાજીના દર્શન કર્યા. થોડી ભીડ હતી પરંતુ અમે સરસ માતાજીના દર્શન કર્યા. ત્યાંથી અમે સૌ સીધા જ લોથલ પહોંચ્યા. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામની પાસેની જગ્યા લોથલ કહેવાય છે. લોથલનો સાચો અર્થ મૃતકોની ભૂમી એવો થાય છે. ડૉ. એસ. આર. રાવ દ્વ્રરા 1955-62ના સમયગાળા દરમ્યાન આ સંશોધન હાથ ધરાયું અને આ અજાયબ વારસાની ગિફટ આપણને મળી. સૌથી અજાયબ વાત તો એ છે કે આ સમગ્ર મળી આવેલા અવસેસો ઇ.સ. પૂર્વે 2600- 1900 ના સમયના છે. દુનિયાની પુરનતમ સંસ્કૃતિઓમાંની આ એક સંસ્કૃતિ હતી. જેની વિશીષ્ટતા એ હતી કે ઇ.સ. પૂર્વેના આવા સમયગાળાની દુનિયાની કોઇ સંસ્કૃતિમાં ગટર યોજના ન હતી તે આ સંસ્કૃતિએ વિકસાવી હતી. દરેક મકાન કે દરેક રચના ના બહારના ભાગમાં ચોક્કસ ગટર યોજના હતી. જેને સરસ રીતે લેવલીંગ કરેલી હતી. ખરેખર આ યોજના જોતા તેઓ આપણા કરતા સુપિરિયર જ લાગે. ત્યાં કબ્રસ્તાન પણ હતું. સરસ કિલ્લેબંધી હતી. બાજુમાં એક 214 X 36 મી. નો ડૉકયાર્ડ પણ છે. જ્યાં ઘણું પાણી સંગ્રહી શકાય તેવું હતું. તેમાં જહાજો આવતા અને રિપેર પણ થતા તથા ત્યાંથી વિદેશ વેપાર પણ થતો. કારણ કે ત્યાંથી મળેલા કેટલાક અવશેષો એ વાતની સાબિતી પુરે છે. ડૉકયાર્ડમાં જળરાશીનું નિયંત્રણ બાજુમાં વહેતી નદીમાંથી થતું હતું. ચોક્કસ દિશામાંથી તેનું ઇનકમિંગ અને આઉટગોઇંગ હતું. તેના લેવલીંગની વાત જ્યારે જીગ્નેશભાઇએ સમજાવી ત્યારે આશ્ચર્યનો ઉદગાર જ નિકળી ગયો હતો. આ સમગ્ર સ્થળનો પરિચય મેળવ્યા પછી જ્યારે અમે મ્યુઝિયમ સૅક્સનમાં ગયા અને આ સંસ્કૃતિની રચના દર્શાવતું પિકચર જોયું ત્યારે ખરેખર મંત્રમુગ્ધ થઇ જવાય એમ હતું. અહિં એક મણકાની ફેકટરી પણ હતી. કેટલાક મણકા ત્યાં અવશેષ રૂપે જોવા મળે છે. જેમાં એકદમ નાના નાના જીણા જીણા મણકા જોઇને ખરેખર દંગ જ રહી જવાય એમ છે. લોથલ એક જમાનામાં વિકસીત પોર્ટ હતું. તેથી મ્યુઝિયમમાં જોવા મળતી મોટાભાગની વસ્તુઓ માત્રને માત્ર દરિયાઇ ચીજો અને પ્રાણીઓના હાડકાની જ હતી. તેઓ ચોક્ક્સ રીતે આકાર આપીને બંગડી પણ બનાવતા અને પોતાના બાળકોને રમવાના રમકડા પણ બનાવતા. પાણી ભરવાના અને અનાજ ભરવાના પાત્રો બનાવવાની કળા પણ તેઓ જાણતા હતાં. કયાંક ક્યાંક તાંબું અને કાંસું પણ વપરાયેલું જોવા મળે છે. જે વિદેશ વેપારની સાક્ષી પુરે છે. આ સમયના માનવ પાસે કેટલાક પ્રાણીઓ અને કેટલાક માણસની પ્રતિકૃતિ બનાવવાની પણ આવડત હ્તી તેના પુરાવા પણ જોવા મળે છે. સૌથી મહત્વની અને ન કલ્પી શકાય તેવી વાત તો એ હતી કે આ સમયના માનવો પાસે ચોક્ક્સ વજનની પધ્ધતિ પણ હતી. તેઓ વજનિયાં તરીકે અમુક પથ્થરોનો ઉપ્યોગ કરતાં હતાં. ત્યાં સાથે દફનાવેલ બે વ્યકિતઓના હાડપિંજર પણ હતાં. જે લગભગ સમગ્ર દુનિયામાં યુનિક છે. કારણ કે આવું એક પણ સિવિલાઇઝેશનમાંથી મળ્યું નથી. ખરેખર અમારા બધામાં આ સિવિલાઇઝેશનને જીગ્નેશભાઇ સૌથી વધારે માણી રહ્યા હતા. આ સમગ્ર નગર રચનામાં ચારથી પાંચ પ્રકારની ઇંટો વપરાઇ છે. ખરેખર આવી મજબૂત ઇંટોએ જ આવા અવશેષો બચાવ્યા છે એવું કહેવામાં કશી જ અતિશ્યોક્તિ નથી. બસ અમે આ બધુ જોઇને બહાર નિકળ્યા અને ત્યાં ઉભેલા બે ગાર્ડ સાથે એમ જ વાતો કરતા હતા ત્યાં વાત વાતમાં આવી સાઇટોની જાળવણી માટે ટિકિટ વધારવી જોઇએ એવી વાત આવી તો ત્યાંના માણસો બોલી ઉઠયાકે લોકોને આ પણ ભારે પડે છે. ફોરેઇનરોની 100 રુ. ની ટિકિટ પણ ડુપલીકેટ લાગે છે. આમની સાથે જ ખરેખર દિલથી જીગ્નેશભાઇ અને સોનું ભાઇએ પણ આ બાબત પર બળાપો કાઢી નાખ્યો. આ બધી વાતોની સાથે સાથે મારા મગજમાં તો લિફલટમાં લખેલું આર્કોલોજી ડિપાર્ટમેન્ટનું વાક્ય જ આવી જતુ હતુ કે “Our Nation is a cradle of ancient civilizations. Let us dedicate ourselves to preserve this great heritage.” ખરેખર ભારતમાં અમુક લોકો લોગો બનાવવામાં જ માહિર છે. પછી પાછળ કંઇ જ પડી હોતી નથી. થડીઘણી વાતો પછી અમે પાછા Swift માં બેસી ગયા. અને એક બાજુ ગરમી પોતાનો પારો ઉપર ચઢાવી રહી હતી. અત્યારે Swift ખરેખર સારી લાગતી હતી. કારણ કે ગરમી શું છે તેની કંઇ ખબર જ પડતી ન હતી. ફરીથી પેરામાઉન્ટ હોટલ આવી ગઇ. અને અમારો ભોજન સમારંભ શરૂ થઇ ગયો. બધાએ પેટ ભરીને ખાધુ અને ફરીથી અમે સૌ Swift માં ગોઠવાઇ ગયા. સમગ્ર સમય દરમ્યાન ઘણી વાતો થતી રહી અને જોત જોતામાં ગોત્રીનું તળાવ આવી ગયું. અને સોનુભાઇએ જયેશભાઇને કહ્યુ હશે કે આ તળાવ પુરીને અહીં એક મોટો બગીચો બનાવવાના છે. એ વાત જયેશભાઇને યાદ આવી અને અમને કહી અમારામાંથી કોઇએ કોમેન્ટ પસાર કરી કે આપણા છોકરા ના છોકરા ચોક્કસ રમવા આવશે. અને એક મોટું હાસ્ય સૌના મોઢા પર ફરી વળ્યું. આવી વાતો માં ને વાતોમાં અમે પાછા સ્વામીનારાયણ નગર જયેશભાઇના ઘરે પહોંચી ગયા. અમે સૌ પાછા પોત પોતાના ઘરે જવા નિકળ્યા અને રસ્તામાં ગરમી ખરેખર Swiftની ઠંડક યાદ કરાવતી હતી. પણ ખરેખર એક વિચાર મગજમાં કેડો છોડતો ન હતો કે મારા મગજમાં મેં ધારેલી ઓછામાં ઓછી ટિકિટ રૂ. 100 થી 150 હતી. તેની જગ્યા એ માત્ર રૂ.5 અને આની જાળવણી પણ એટલી જ જરૂરી છે. અહીંના ઓછા અવશેષો જોઇને મને તો ધોળાવિરા જોવાની ઇચ્છા ખરેખર વધી ગઇ છે. ફરીથી આવી જ રીતે કયારેક ઉપડી પડીશું.

ગુરુવાર, 7 જાન્યુઆરી, 2010

પેશન પર છે ગોવિંદભાઇ.......



જાન્યુઆરી મહિનો એટલે વડોદરાવાસીઓ માટે ઉતરાયણની તૈયારીના દિવસો. અને બસ એવું જ કંઇક બન્યું. હું અને જયેશભાઇ દોરો લઇ આવ્યા. ગુજરાત સિરેમિકમાં આવ્યા અને અમારા સૉ રૂમના માણસ રાજુએ તરત જ કહી દિધુ કે જયેશભાઇ દોરો તો મહેતાપોળમાં જ સૂતાવાય. અમે ગયા વર્ષે 10 જાન્યુઆરીએ ગયા હતા તો ના પાડી દિધી હતી. 5000 વાર સૂતવાના રૂ. 200 લે છે. શરૂમાં તો મને વાત સાચી લાગી નહી. કારણ કે જે ભાવમાં દોરાની રીલ મડે એ ભાવમાં કોઇ દોરો સૂતે. લગભગ અશક્ય વાત હતી.....
હું રાજુને લઇને સીધો જ મહેતાપોળમાં ઉપડી ગયો. દૂરથી જ દેખાય જાય એવડા મોટા બે સાઇન બોર્ડ મારેલા હતા. જય રણછોડ. નજીક ગયો અનેબીજુ સાઇન બોર્ડ વાંચીને જ હું દંગ રહી ગયો. તેના પર રીલ સૂતવાના રૂપિયા લખ્યા હતા. અને સૌથી ઉપર લખ્યું હતું 01/01/2010 થી અમલી. હું ગોવિંદભાઇને મળ્યો અને મારી ફોર્મલ પૂછ્તાછ શરૂ થઇ ગઇ. છેલ્લા 35 વર્ષથી સતત દોરો પિવડાવતા આ ગોવિંદભાઇને મેં પૂછ્યું આ જય રણછોડ એવું નામ રાખવા પાછ્ળનું મુખ્ય કારણ શું તેના જવાબમાં મને જાણવા મળ્યું કે દર પૂનમે તેઓ ડાકોર જાય છે. એકપણ પૂનમ છોડતા નથી.વડોદરામાં છેલ્લા 35 વર્ષથી તેઓ દોરો પિવડાવવાનું કામ કરે છે. અને લોકોની ઉતરાયણને સફળ બનાવે છે. વડોદરા ખાતે સૌથી વધુ રૂપિયા લેવાનું બિરૂદ ગોવિંદભાઇને ફાળે જાય છે. 5000 વાર દોરો સૂતવાના રૂપિયા 225 લોકો આ વર્ષે ચૂકવે છે. શરૂઆતમાં 4 આનામાં દોરો સૂતવાવાળા ગોવિંદભાઇ માટે આજે મને ગુજરાતી કહેવત બદલવાનું મન થઇ જાય છે. હા એ જ કહેવત કે "તારા કરતા વધારે દિવાળી જોઇ છે." અરે ના ..ના... "4 આના થી ચાલુ કરીને રૂપિયા 225 સૂધીની ઉતરાણો લોકોને ઉજવડાવી છે."(ગોવિંદભાઇ) 4 આના પછી 12 આના થયા પછી દોઢ રૂપિયા થયા પછી બે પછી અઢી થયા. 11 પણ થયા. અને આજે 1000 વારના રૂપિયા 50 છે. ડિસેમ્બર મહિનાથી વડોદરાવાસીઓની ઉતરાણ સુધારવાની તેમની મહેનત શરૂ થઇ જતી હોય છે. જો કોઇ વિધાર્થી સારા માર્કસ લાવે તો પછી તેને તેના શિક્ષકનું નામ પૂછાતુ હોય છે એમ સારા પેચ કાપ્યા પછી આજુબાજુ વાળા બુમ પાડીને પૂછતા હોય છે દોસ્ત દોરો ક્યાં સૂતાવ્યો. અરે વાહ આ વાતનો અંદાજ તો પછી જ આવ્યો કે જ્યારે ગોવિંદભાઇએ આંગળી કરીને મને બતાવતા કહ્યું કે મારી પાસે આવા 17 ચરખા છે અને દરેક ચરખા પર 15 રીલો ભરાય. દિવસમાં આવા 17 થી 24 ચરખા ભરાતા હોય છે. સતત આખો દિવસ ચરખા પર રિલો ભરવાની અને પછી એમના રાખેલા માણસો રીલો વિંટીં લે. કોઇ જ કંઇ વધારે કરી લેવાની જરાય ઇચ્છા નહી. કારણ કે બીજા બે ત્રણ વધારે માણસો રોકીને એમની આવકને 3-4 ગણી કરી શકાય. પરંતુ એક એક રીલ એમના હાથેથી જ ચરખા પર જાય. પ્રોફેસનાલીઝમ નહી જ. કારણ કે ડિસેમ્બરમાં દોરો સૂતાવવા માટે જાવ તો તમને બજારભાવ કરતા થોડા જ વધારે રૂપિયામાં કે લગભગ એ જ ભાવે દોરો મળી જાય. અને 13 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે તો દોરો સૂતવાનું બંધ કરી જ દે. જ્યારે દુનિયા કમાવવા પડી હોય ત્યારે ગોવિંદભાઇ ચરખા વિંટવાનું કામ શરૂ કરી દે. કારણ કે પછી દોરો પિવડાવીએ તો દોરો સૂકાય નહી અને ઉતરાયણ સારી જાય નહી. રોજ રાત્રે 9:30 કે 10:00 વાગ્યા સૂધી સતત કામ એ જ એમનું ધ્યેય. કદાચ આ માણસની ઉમર કરતા મને એમનો જુસ્સો વધારે જુનો લાગ્યો. થોડાક ગરાકો પાછા પણ જાય, ગુસ્સે પણ થાય પરંતુ આવતા વર્ષે થોડા વહેલા આવે અને જૂના ગરકો મોડા આવતા જાય. આ વાત સરળતાથી ગોવિંદભાઇએ મને કહી દિધી. બહારગામથી આવનારા લોકો માટે 200 જેટલા ચરખા તૈયાર પણ હોય. બોમ્બેના ગ્રાહકો પણ આવતા હોય છે એવું ગોવિંદભાઇનું કહેવું છે. અનેક લોકોની ઉતરાયણ સારી જાય અને પછી આભારના શબદો નીકળે એ જ જુસ્સો મેં કદાચ ગોવિંદભાઇના મોઢા પર સતત જોયા કર્યો છે.......

રવિવાર, 3 જાન્યુઆરી, 2010

શ્રીનાથજી – અંબાજીની સફરે.......


31 મી ડિસેમ્બર 2009 ની રાત્રીએ જ્યારે સમગ્ર વડોદરાવાસીઓ નવા વર્ષની ઉજવણીમાં અને વર્ષના છેલ્લા દિવસને ઉજવવામાં મગ્ન હતા એ સમયે અમે 11 શિક્ષકો એક અલગ જ તૈયારીમાં મગ્ન હતા. રાત્રીના 10:30 વાગ્યા હતા. તુફાન સનરાઇઝમાં કલ્પેશસરના ઘરે આવી પહોંચી. આજે અમારે તાવેરાની જગ્યાએ તુફાનમાં જવાનું હતું. કારણ કે નવ દસ નહી પરંતુ 11 શિક્ષકો તૈયાર હતા. નવા વર્ષની કંઇક અલગ જ ઉજવણી માટે અમે સૌ તૈયાર જ હતા. કલ્પેશસરના ઘરેથી અમે સૌએ ચા પીધા પછી તુફાનમાં સૌએ પોત પોતાની જ્ગ્યા લઇ લીધી. અમારી તુફાન રિંગરોડ પર હિંમતનગર તરફ જવાના રસ્તા પાસે ઉભી રહી. હવે અમે સૌ અમારો પોતપોતાનો સામન લઇને નીચે ઉતર્યા અને નવી ક્રુઝરમાં ગોઠવાઇ ગયા. કારણ કે તુફાન ટેક્ક્ષી પાસિંગની હતી અને જો અમે એ લઇને રાજસ્થાન બોર્ડર પર જઇએ તો અમારું પૈસાનું તોફાન મચી જાય એ પાકી વાત હતી. અમે સૌ નવી ક્રુઝરમાં પોતપોતાના સ્થાને ગોઠવાઇ ગયા. આ પહેલા અમે જ્યારે એક્સ્પ્રેસ હાઇવે પતાવીને અમદાવાદ રિંગરોડ પર ચઢતા હતા ત્યારે દુનિયા 2010 ના વર્ષને આવકારી રહી હતી. ક્યાંક દુર થતા ફાયર ક્રેકર્સ આ વાતની સાબિતી આપી રહ્યા હતા. હિંમતનગર હાઇવે પર પ્રથમ સ્ટોપ આવ્યું અમે સૌ ચા પીવા ઉભા રહ્યા. મેં મારા સાયબરસૉટમાં ફોટો લેવા બટૅન ક્લિક કર્યું પરંતુ મારી શક્યતાઓ ઉંધી પડી ફોટો સાથે કેટલાક વાતાવરણમાંથી મોઇસ્ચર પણ લેતો આવ્યો. મારે તાત્કાલીક કેમેરો બંધ કરી દેવો પડ્યો. ઉપર આકાશમાં જોયું તો ચંદ્ર થોડો કપાયેલો દેખાતો હતો. ગ્રહણ હ્તું પરંતુ અમદાવાદમાં દેખાવાનું ન હતું. કોઇક વાદળ એવી રીતે ગોઠવાઇ ગયું હતું કે ખરેખર ચંદ્રગ્રહણ નો જ નજારો લાગતો હતો. હિંમતનગર આવી ચુક્યું હતું. રસ્તાની બાજુ પર હું સિટી ટાઇલ્સ અને એસિયન ટાઇલ્સની ફેકટરીઓ જોઇ રહ્યો હતો. નેસનલ હાઇવે નંબર 8 પર ખરેખર ગાડી ચલાવવાની ખૂબ જ મજા આવે એવો રસ્તો હતો. જોત જોતામાં ક્યારે શામળાજી આવી ગયું કંઇ જ ખબર ન રહી. પર્વતોથી ઘેરાયેલા આ પ્રદેશને જોવાની લાલચને હું રાત્રે પણ રોકી શકતો ન હતો. અંધારામાં પણ હું કંઇક શોધી રહ્યો હતો. શું એ તો મને ખબર નથી. પરંતુ ખરેખર કંઇક અલગ જ વિચારોમાં હું મગ્ન હતો. ચેકપોસ્ટ પરથી અમે સરળ્તાથી પસાર થઇ ગયા. બાજુમાં ટેક્સ ભરવા માટે ઉભેલી ગાડીઓની લાંબી કતારો અમે જોઇ શકતા હતાં. રાજસ્થાન બોર્ડર ખૂબ જ સરસ બનાવવામાં આવી હતી. અંદર ક્રુઝરમાં અડધો અડધ શિક્ષકો ઉંધ લઇ રહ્યા હતા. રસ્તાની બન્ને બાજુ સરસ પર્વતો હતા.સતત વણાંકો વાળા રસ્તા પરથી અમે પસાર થતા હતા. ક્યાંક થડી ગડમથલ થઇ અને પાછળથી પાટીલે મને ઉઠાડયો. કારણ કે રસ્તો હવે સિંગલ લેન નો જ હતો અને ટ્રફિક ખૂબ જ હતો. પાટીલ અને વિપૂલનું કહેવું એમ હતું કે ડ્રાઇવરે એક જોકું ખાઇ લીધું પરંતુ એવું કંઇ હતું નહી. આગળ જઇ ને અમે ચા પીધી. પછી ફરીથી અમે સૌ આગળ વધ્યા અને દૂરથી ઉંચાઇ પરથી અમે ઉદયપૂરને રોશનીમાં ઝળહળતું જોયું. ઉંચાઇ પરથી નજારો ખરેખર ખૂબ જ સરસ લાગતો હતો. જોત જોતામાં અમે એકલિંગી મહાદેવના મંદિર પાસે પહોંચી ગયા. ત્યાં સવારના 6 વાગ્યા હતાં. ઠંડી કોને કહેવાય તે તો રાજસ્થાનમાં પગ મૂક્યા પછી જ ખબર પડે. મંદિરમાં પગ મૂકતાની સાથે જ સૌ ઠરી ગયાનો અહેસાસ કરતા હતા. મંદિરમાં પગમાં મોજા પહેરવાની પણ મનાઇ હતી. અને નીચે બરફ પર ચાલતા હોઇએ એવી ઠંડક હતી. પરંતુ મંદિરની રચના જોઇને મારી તો ઠંડી જ ગુમ થઇ ગઇ હતી. મંદિરમાં અદભૂત મહાદેવના દર્શન કર્યા. આસપાસમાં મંદિરના પરીસરમાં બીજા પણ અસંખ્ય મંદિરો હતા. પરંતુ ત્યાં જવા પર પ્રતિબંધ હતો. મારું મન થડું ખીન્ન થઇ ગયું પરંતુ મનોમન નક્કી કરી લીધું હતું કે ભવિષ્યમાં યેન કેન પ્રકારેણ આ મંદિરનો સંપૂર્ણ પરીચય મેળવીને જ જંપીશ. અને અમે સૌ પાછા ફરતા હતા ત્યાં જ આરતી નો ઘંટારવ થયો અને આગળના મંદિર ના એક ગોખમાંથી નરેનદ્રસરે તરત જોયું અને કહ્યું અહિંથી દેખાય છે આરતી થાય છે. સૌએ દર્શન કર્યા. ચા પીધી અને ગાડીમાં ગોઠવાઇ ગયા. શ્રીનાથજી આવી ગયું એક રુમ ભાડે કરી લેવામાં આવી અને લગભગ દોઢેક કલાકમાં બધા નાહી ધોહીને ફ્રેશ થઇ ગયા. ફટાફટ અમે સૌ મંદિર પર પહોંચી ગયા. વિઆઇપી ક્વોટામાંથી અમે મંદિરમાં એન્ટ્રી લીધી અને જીગરસર અને સમીરસરે સન્મુખ્ અને અમે સૌએ પાછ્ળથી આરતી નો લાભ લીધો. પાછ્ળથી કલ્પેશસરની પાછળ પાછ્ળ અમે પણ સનમુખ દર્શનનો લાભ લીધો. આજે દર્શન કરતી વખતે સમજાતુ હતું કે વાણિયા તો ભગવાનને પણ પોતાના જ બનાવીને રાખે. માત્ર એક જ શબ્દ સનમુખ પર તો રસ્તો કલિયર થઇ જાય. જીવનમાં ફરીથી જ્યારે હું શ્રીનાથજી આવીશ ત્યારે હું હંમેશા સન્મુખ શબ્દને હું મારી સાથે જ રાખીશ. ખરેખર મનોમન હું કલ્પેશસરનો ખૂબ ખૂબ આભારમાની રહ્યો હતો. અને એમણે શીખવેલ શબ્દ સન્મુખને તો હું ક્યારેય નહી ભૂલું. જીગર સર અને કલ્પેશસરની ગાઇડલાઇન નીચે અમે સૌ સમગ્ર મંદિરનો પરીચય મેળવ્યો. પાછા ફરતી વખતે અમે ધી તેલ ના કુવા જોયા. ખરેખર અદભૂત વાત હતી. શ્રીનાથજીમાં જ ઘણું મોડું થઇ ગયું હતું હજુ અમારે અંબાજી જવાનું હતું . હવે અમારી ક્રુઝરે હલ્દીઘાટી જવાનું શરું કર્યું. હલ્દીઘાટીમાં આ ઘાટી જોયા પછી ખરેખર મગજમાં એક સવાલ થાય જ કે શું મહારાણા પ્રતાપે ચેતક ઘોડાને આટલી મોટી જ્ગ્યા પરથી કુદાવ્યો હશે. ધન્ય છે એ ધોડાને અને ધન્ય છે એ સવારને.... હલ્દીઘાટી પર થોડી ફોટોગ્રાફી કરી અને ત્યાંથી આગળ નિકળ્યા. આગળ રસ્તાની બાજુ પરથી જ ચેતક ઘોડાની સમાધી અને એક મ્યુઝ્યમ પસાર થયું. મેં કહ્યું પરંતુ ગાડી ઉભી રાખવામાં ન આવી. કારણ કે મોડું થતું હતું. હજી ગબ્બર ચઢવાનો બાકી હતો. મોડું થઇ રહ્યું હતું. એક તરફ સખત ગુસ્સો આવી ગયો. પરંતુ બીજી જ ક્ષણે વિચાર આવી ગયો કે આ બધા બક્ષી કે મારી જેમ ઇતિહાસપ્રેમી થોડા છે. બસ થોડો ગુસ્સો આવી ગયો અને હું સૂઇ ગયો. કારણ કે એમ પણ થાકી ગયો હતો અને ઉંઘ આવતી હતી. થોડો આરામ થઇ ગયો અને આમ તેમ કરતા નજર પડી તો અમે મોટા હાઇવે પર આવી ચુક્યા હતા. હજુ પણ પહાડોથી ઘેરાયેલો રાજસ્થાનનો પ્રદેશ કંઇક અલગ જ ભાત ઉપસાવતો હતો. મેં મારા સાઇબરસૉટને તૈયાર કર્યો અને થોડા સારા ફોટો કલિક કરી લીધા. ખરેખર રાજસ્થાન નો આ પ્રદેશ એક અજાયબી જ છે. પાછો હું ઉંઘમાં સરી પડયો અને થોડીવારે જીગ્નેશસરે મને ઉઠાડ્યો અને જોયું તો બે મોટા પહાડોમાંથી બનાવેલા બોગદામાંથી અમારી ક્રુઝર પસાર થઇ ગઇ. ખરેખર આ કામગીરી એક અજાયબી જેવી જ લાગે છે. હજુ પણ તેમાં કામકાજ ચાલુ જ છે. બપોરના 2:30 થયા હતા. બધાને કકડીને ભૂખ લાગી હતી. અમે સૌ હોટલ પર ઉતર્યા અને પેટ ભરીને ખાધુ. પાછા અમે સૌ આગળ ઉપડયા. બપોરે 4 વાગ્યે ગબ્બર પર પહોંચ્યા. હું, નરેન્દ્ર્સર, જીગરસર, પાટીલ, જીગ્નેશ, વિપુલ, નાનકાણીસર અને સમીરસર ચાલતા ગબ્બર ચઢયા અને બાકીના રોપવેમાં બેસીને ગબ્બર ચઢયા. આ વખતે પાટીલ અને જીગ્નેશ બાજી મારી ગયા બન્ને સૌ પ્રથમ ઉપર ચઢી ગયા. ત્યાર બાદ નરેન્દ્ર્સર અને જીગરસર પહોંચ્યા. હું પાછળ હતો. પરંતુ પહોંચી ગયો ખરો. મને રસ્તામાં પીધેલું લીંબુ સરબત નડી ગયું. મારા પછી નાનકાણીસર અને સમીરસર આવ્યા. ઉતરવામાં તો નો પ્રોબલેમ. ફટાફટ ઉતરી જ ગ્યા. નીચે બધા ભેગા થયા અને અમે સૌ ફરીથી આગળ વધ્યા અને પહોંચી ગયા. અંબે માતાના મંદિરે. મંદિર બંધ હતું. બહાર લાઇનમાં થોડી પ્રતિક્ષા કરી. અને 6:30 મંદિર ખૂલ્યું અમે સૌએ મંદિરમાં આરતીનો લાહવો લીધો. ખરેખર મંદિરમાં આરતી કરવાની ખૂબ જ મજા આવી ગઇ. મંદિરમાં આરતી પતી અને અમે લાઇનમાં ઉભા હતા ત્યાં બાજુમાં શંકર ભગવાનની આરતી શરુ થઇ. એ આરતીમાં અમે સૌ સામેલ થયા. પરંતુ પૂજારી સાથે ત્યાંનો એક લોકલ ભકત હતો તે જે રીતે આરતી ગાતો હતો તે જોઇને ખરેખર અમે સૌ દંગ જ રહી ગયા. એક નિખાલસ બાળક જે અદામાં તેના બાપને રીજવે એ રીતે એ ભોળાને રીજવતો હતો. આરતી પછી પણ એણે શંભૂ શરણે પડી ગાયું. ખરેખર આ વ્યકિત ભોળાને રીજવી જ નાખશે એવા એના તેવર હતા. નિખાલસતા, ગંભીરતા અને ભકિતનો અજબ સંયોગ તેનામાં દેખાતો હતો. જો તે વ્યકિત મને મળેત તો હું ચોક્કસ કહેત કે ભાઇ આજે મને એવું લાગ્યું કે તમારા અને ભોળા વચ્ચે કોઇ હાજર ન હતું. ધન્ય છે દોસ્ત ધન્ય છે.....
દર્શન કરીને અમે સૌ પાછા ક્રુઝરમાં ગોઠવાઇ ગયા. ઇડર પાસે અમે સૌ ચા પીવા ઉભા રહ્યા. સામે એક વિશાળ પર્વત દેખાતો હતો. સમીરસરે મને તરત જ કહ્યું અજીત આ રસ્તા પરથી દેખાતો છેલ્લો પર્વત આગળ એક બીજો પર્વત આવશે બસ પછી પૂરું. પછી આપણે આવા પહાડો નહી જોઇએ. આ કથ્થઇ કલરનો પહાડ દિસવમાં ખૂબ જ સરસ લાગતો હોય છે. થોડીઘણી વાતો કરતા હતા ત્યાં ખેડબ્રહ્મા આવી ગયું. ત્યાં અમે સૌએ અંબિકા માતાના દર્શન કર્યા. અને ગાડીમાં ગોઠવાઇ ગયા. હવે લગભગ બધા જ સૂઇ ચૂકયા હતા. ટોલટેક્ક્ષ નાકુ આવ્યું ત્યાં પૈસા કાઢતા પણ વાર લાગી. બધા જ થાકી ગયા હતા. આખો દિવસ હા વર્ષનો પહેલો દિવસ અમે 24 કલાક બહાર વિતાવ્યો. કંઇક અલગ જ રીતે એન્જોય કર્યો. ખરેખર ખૂબ જ મજા આવી. મોડી રાતે અમે સનરાઇઝમાં ઉતર્યા અને સૌ પોતાના ઘર તરફ જવા નિકળી પડયા. આ વખતની મજાને યાદ કરત કરતા જ્યારે હું ઘરે જઇ રહયો હતો ત્યારે મને એક વિચાર આવ્યો કે દરેક ટ્રીપે અમને એક વાત ચોક્કસ શીખવી છે કે ફરવું એ એક મજા છે અને ગ્રુપમાં ફરવું એ એક અલગ જ લાહવો છે. એમાં ઘણું પ્રાપત થતું હોય છે. અને કદાચ આ વિચારમાં જ તો અમે સૌ તૈયાર થઇ જતા હોઇએ છીએ.

Ajit Kalaria

સોમવાર, 23 નવેમ્બર, 2009

2012


મિત્રો 2012 માં આ સૃષ્ટિનો વિનાશ થવાનો છે. એવી વાત મય સંસ્કૃતિના કેલેન્ડરના આધારે ખબર પડી અને સમગ્ર દુનિયાના દેશો તેના નામે તાગડધિન્ના કરવા લાગ્યા. વિનાશ તો થશે કે નહી તેની ખબર નથી. પરંતુ અત્યારની પરીસ્થિતિ જોતા તો એમ લાગે છે કે આ બધામાં તો 2012 નો ડાયરેકટર રોલેન્ડ અમેરીચ બાજી મારી જશે. પરંતુ આજે મારે 2012 ના વિનાશની વાતો કરવી નથી. પરંતુ આજે મારે આજ પિકચરની કંઇક અલગ જ વાત કરવી છે. દોસ્તો જો તમે આ પિકચરને અલગ એંગલથી જોશો તો ચોક્ક્સ દેખાશે કે આ પિકચર તો ઘણું ઘણું કહી જાય છે. જીયોલોજીસ્ટો અને એસ્ટ્રોનોમરોને જોવા માટે આ પિકચર ચોક્ક્સ મજબૂર કરે છે. પિકચરમાં વિનાશના દ્ર્શ્યો ખૂબ જ સરસ રીતે વર્ણવાયા છે. પરંતુ સાથે સાથે આ પિકચર એ વાત ચોક્ક્સ કહી જાય છે કે જો કદાચ વિનાશના સાચા પુરાવા રજુ થાય અને વિનાશ પાકો છે એવી ખબર પડે તો દુનિયાના જી 8 દેશો એવી જ રમત રમે કે જે પિકચકરમાં રમાતી બતાવી છે. દુનિયાનું જે થવું હોય તે થાય પરંતુ આપણે તો બચીશું જ. એ જ સ્ટ્રેટેજી કામ કરે છે આ દુનિયા આજે આવા સ્વાર્થી વિચારો પર જ જીવે છે. તમે જુઓ છો એમ જ દુનિયામાં માત્ર એ જ લોકો જીવી જશે કે જેમની પાસે પૈસા નામનું શસ્ત્ર છે. પૈસો જ સર્વસ્વ છે એમ માનવા વાળા જ આ દુનિયામાં ફાવે જશે. હા, પિકચરમાં બતાવે છે તેમ જ કોઇ જ ઇન્ડિયન નહી બચે, કોઇ આફ્રિકન નહી બચે, કોઇ દક્ષિણ અમેરિકાવાસી નહિ બચે. બચશે એ જ 4 લાખ લોકો કે જે પૈસા અને મોટી વગ ધરાવતા હતા. આ વાત ખરેખર ખૂબ જ સરસ રીતે વર્ણવાઇ છે. અરબોના ખર્ચે ચીન પાસે સુપર બોટ બનાવડાવાય છે. પછી રજુ થતુ પિકચર બીજી મુલ્યવાન વાત કહી જાય છે. કે આ અરબોપતિઓ પૈસાના જોરે પોતે તો બચી જવા માંગે છે. પરંતુ આ બૉટ બનાવવા માટે હજારો લોકોએ મહામહેનત કરી હતી તેમને લેવા માટે તૈયાર થતા નથી. આવા સમયે મસીહા બનેલા ડૉ. હેન્સ લી અને અમેરિકન રાષ્ટ્ર્પતિની છોકરી જે જહેમત ઉઠાવે છે તે કાબીલે દાદ છે. બાકી તો માનવજાત બચાવવા નિકળેલા આ અરબોપતિઓમાં અડધા ઉપરના એવા જ હશે કે જે કદાચ માનવજાતની નસલ પણ આગળ નહી વધારી શકે. જેઓ આ બોટમાં પગ મુકવાને પણ લાયક ન હતા. દોસ્તો આવી જ રીતે જો માનવજાતની નસલ બચાવવી હોય તો દુનિયાના દરેક દેશમાંથી અમુક પ્રકારના લોકો પસંદ કરવા પડે. દરેક જાતિ આવી જવી જોઇએ. તો જ કંઇક થાય. તેમાં ગુજરાતી પરીવાર પણ હોય, આફ્રિકાના જંગલમાં રહેતો હબસી પણ હોવો જોઇએ. તો કહી શકાય કે આ સાચું પગલુ ભરાયુ છે. પરંતુ જ્યાં માત્ર પૈસો જ સર્વેસર્વા હોય ત્યાં આવા વિચારો ને કોઇ જ અવકાશ હોતો નથી. પિકચરમાં લેખક સાથે જે હકીકત બને છે તે ખરેખર દિલના એક ખૂણામાં અલ્કેમિસ્ટ્ની યાદ્દ અપાવી જાય છે. જ્યાં નસીબ હોય ત્યાં ગમે ત્યાંથી જીત આવી મળતી હોય છે.વિનાશ સમયે વિજ્ઞાનની ખૂબી બતાવીને ડાયરેકટરે ખરેખર કમાલ કરી દીધો છે. મસમોટું પ્લેન લઇને જ્યારે યુરોપથી ભાગી જવામાં આવે છે ત્યારે ચીન પહોંચતા પહેલા જ વિમાનના બધા એંજિન બંધ થઇ જાય છે. અને પ્લેનને દરિયામાં લેન્ડ થવું પડતું હોય છે. પરંતુ બીજી જ ક્ષણે ખબર પડે છે કે આ તો આપણે ચીનની સરહદમાં આવી ચુક્યા છીએ. વિનાશ થયો એમાં બે ખંડો વચ્ચેનું અંતર 5000 માઇલ કરતાં પણ વધારે ઘટી ગયું. ખરેખર વિજ્ઞાનને ખૂબ જ સરસ રીતે વર્ણવાયું છે. બીજુ બધુ તો ઠીક પરંતુ દોસ્તો ખરેખર 2012 માટે હેટસ ઓફ.........

સોમવાર, 12 ઑક્ટોબર, 2009

Haapy Diwali my Dear Stundents.

Dear students,

If you have high esteem
You can work well on a team.

Look at your possibilities
Don’t doubt your abilities.

Imagine what you could achieve
Look at what you will receive.

Know what you are worth
You are unique this earth.

All you have to do is decide
That all need is pride.

Don’t doubt
Stretch out.



મિત્રો સિન જિનિંગની ઉપરની કવિતા ઘણું ઘણું કહી જાય છે. તમારા વિચારો સાચા છે. તમારા અંતરમાંથી ઉઠેલો અવાજ સાચો જ છે. જરુરત છે અટલી જ કે તમારા વિચારો હંમેશા ચોખ્ખા પાણીમાંથી બનેલા બરફ જેવા શુધ્ધ હોય, કારણ કે ચોખ્ખા પાણીનો બરફ જલ્દી ઓગળતો નથી, જ્યારે ગંદા પાણીનો બરફ જલ્દી ઓગળે છે. તમારા વિચારોને વેગવાન બનાવો. મને તો હંમેશા એવું જ લાગ્યું છે કે વિચારવંત માણસ હંમેશા સ્ફુર્તિલો હોય છે. દરેક નવો વિચાર એક નવી સ્ફુર્તિ લઇને આવતો હોય છે. નિરાશ, થાકેલા અને હતભાગી થયેલા માણસો કશુંય નવું વિચારી શકતા નથી. અને તેથી જ તેઓ જલ્દીથી પોતાનો charm ગુમાવી દેતા હોય છે. જો તમે કંઇક નવું વિચારશો તો કંઇક નવી તમ્મનાઓ પેદા થશે. અને મિત્રો એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે “પાણી અને તમ્મનાઓ હંમેશા આગળ વધવાનું જ જાણે છે.” કદાચ તમારો વિચાર તમારી જિંદગી જ બદલી દે! જીવનમાં હું તમને હંમેશા લેરી એલીસન જ બનવાનું કહીશ. હું કયારેય નહી કહું કે તમે બિલ ગૅટસ બનો કે તમે અંબાણી બનો. કારણ કે તેઓ માત્ર કમાણીનો જ મંત્ર જાણે છે. જયારે લેરી એલીસન મનીમંત્ર, સ્ટાઇલમંત્ર, એન્જોયમેન્ટમંત્ર અને બીજું ઘણું ઘણું જાણે છે. તે જીવનની દરેક ક્ષણને યાદગાર ક્ષણ તરીકે વિતાવે છે. તમારામાં પણ આવો જ લેરી એલીસન બેઠો છે માત્ર જરુરત છે એને જગાડવાની. એના જેવા સાહસ કરવાની અને એના જેવું વિચારવાની ! અને મિત્રો જો આ શકય બન્યું તો યાદ રાખજો કે કદાચ ઉલટી ગંગા વહેશે. હા તમે લેરી એલીસન વિશે નહી પરંતુ લેરી એલીસન તમારા વિશે વિચારતો થશે. તમે જ વિચારો કે “આદિમાનવે વિચારવાનું શરુ કર્યું અને તે બે પગ પર ચાલતા શીખ્યો.” દોસ્તો આવું ત્યારે જ શક્ય બન્યુ કે પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિમાં હોમોસેપિયન્સ સજીવે કંઇક નવું વિચારવાનું અને વિચારને અમલમાં મુકવાનું શરુ કર્યું. જો તમે હવે કંઇ નવું ન વિચારી શકો કે વિચારીને તેને અમલમાં ન મુકી શકો તો તમે આદિમાનવ કરતા પણ ઘણા પાછળ છો. માત્ર થોડી ક્ષણો માટે વિચારી જુઓ કે બે પગ પર ઉભા થઇને ચાલવાનો વિચાર આજથી લાખો વર્ષ પહેલા કોઇ આદિમાનવને ન આવ્યો હોત તો સમગ્ર માનવસૃષ્ટિ આજ સુધી આ વિચાર કોઇક્ને આવે અને તેને આપણે સ્વિકારીએ તેની રાહ જોતી હોત. આજ વાતને સીધી સરળ ભાષામાં કહીએ તો મોબાઇલની શોધ કોઇ એક વ્યકિત દ્ર્રા થઇ અને સમગ્ર દુનિયાએ તેના વિચારને અપનાવી લીધો. હજુ આ દુનિયાના ઘણા રહસ્યો ચત્તા થવાના બાકી છે. આપણે તેને શોધવાના છે. તેને શોધવા માટે વિચારવાનું છે. વિચારપ્રક્રિયા એક પ્રેરણા છે. વિચારપ્રક્રિયામાં એક ક્રાંતિનું બીજ પડેલું છે. આ જગત આવી અનેક ક્રાંતિઓમાંથી પસાર થયું છે અને આજની પરિસ્થિતિ પર પહોચ્યું છે. મિત્રો આપણી આસપાસ પડેલી અને આપણે ઉપયોગમાં લેતા હોઇએ એવી દરેક વસ્તુ બનતા પહેલા કે આજે જે સ્વરુપમાં છે તે સ્વરુપમાં આવતા પહેલા તેના ઘડવૈયાઓના મગજમાં અનેક વિચારો આવ્યા હશે. આ વિચારોને અમલમાં મુકવા જતા પહેલા તેમને અનેક મુશ્કેલીઓ પણ નડી હશે. અનેક વખત નિષ્ફળતાઓ પણ મળી હશે. પરંતુ દરેક નિષ્ફળતાને સફળતાનું પગથીયું ગણનારા જ આ સૃષ્ટિ પર જીવ્યા છે અને જીત્યા છે. આ બાબતમાં મને થૉમસ આલ્વા ઍડિસન ખૂબ જ ગમ્યો છે. કારણકે તેણે 999 મા પ્રયત્ને પણ હાર ન માની અને 1000 મો પ્રયત્ન કર્યો અને તે બલ્બ શોધવામાં સફળ રહ્યો. 999 પ્રયત્નોમાં નિષ્ફળ જવું અને 1000 મો પ્રયત્ન કરવો એ બતાવે છે કે આ માણસે 1000 વખત એક વસ્તુ માટે કે એક જ પ્રયોગ માટે 1000 નવા વિચારો પેદા કર્યા હ્તા. સ્વામિ વિવેકાનંદે સરસ વાત કહી છે. “Take up one idea. Make that one idea your life, think of it, dream of it, live on that idea. Let me brain, muscles, nerves, every part of your body, be full of that idea and just leave every other idea alone. This is the way to success, that is way great spiritual giants are produced.” વિચારવાન માણસ જ કંઇક નવું કરી શકે છે. મિત્રો સાચું કહું એક વખત વિચારવાનું શરુ કરજો રાત્રે ઉંધ પણ નહી આવે. તમે ઉંઘમાં પણ વિચારતા થઇ જશો. ઘરમાં એક એવો ખૂણો હોવો જોઇએ કે જ્યાં તમે તમારી જાત સાથે વાત કરી શકો. કંઇક નવું વિચારી શકો. બસ આજ વસ્તુ કદાચ તમને તમારા આત્મનિરિક્ષણમાં મદદ કરશે. કદાચ આવો ખૂણો શોધવા માટે જ ત્રેતાયુગમાં રામ વનવાસે ગયા હશે. દ્વાપરયુગમાં પાંડવોને અજ્ઞાતવાસ ભોગવવો પડ્યો હશે. કદાચ સ્વામિવિવેકાનંદને આવું એકાન્ત કન્યાકુમારીમાં The Rock પર મળ્યું હશે અને જીવન બદલાયું હશે. બુધ્ધને આ બધું બોધીવૃક્ષની છત્રછાયામાંથી પ્રાપ્ત થયું હશે. મિત્રો આ બધા ઉદાહરણો એક જ વાત પુરવાર કરે છે કે તમે વિચારવંત બનો આ કુદરત તમારી સાથે તાલ મિલાવવા તૈયાર જ છે. આ સૃષ્ટિ તમારા વિચારો નો જવાબ આપશે જ. આ સૃષ્ટિને હંમેશા વિચારવંતોની જરુર રહી છે. તો મિત્રો વિચારો...વિચારો... અને વિચારને અમલમાં મુકતા શીખો અને પછી તજુર્બા બનતા જુઓ. અશકયને શક્યમાં ફેરવાતું જુઓ. દરેક નિષ્ફળતાએ કંઇક વિચારતા શીખવાનું છે. જીવનમાં ગમે તેવી કપરી પરિસ્થિતી આવે તો પણ બસીર બદ્ર્નો એક શૅર યાદ રાખવા જેવો છે

“ઐસા લગતા હૈ હર ઇમ્તિહાન કે લિયે
જીંદગી કો હમારા પતા યાદ હૈ.”


મને હંમેશા નેપોલિયન બોનાપાર્ટનું એક વાક્ય ખૂબ જ ગમ્યું છે. “Courage isn’t having the strength to go on, it is going on when you don’t have the strength.” તો બીજી બાજુ સુસાન સાન્ટોંગે એક સરસ વાત કહી છે. “The joy of living and the joy of knowing are one and the same.” એટલે કંઇક જાણવાનો આનંદ એ જ જીવવાનો સાચો આનંદ છે. આપણે સફળ થઇએ કે ન થઇએ , દરેક ક્ષેત્રના જાણકાર તો થઇએ જ. માહીતીના ખજાના બનો. તમારા મગજને altavista કે google બનાવો. દરેક ક્ષેત્રમાંથી જ્ઞાન મેળવવા ફાંફા મારવા જોઇએ. અંગ્રેજીમાં આવી મનોવૃતીને avidity કહે છે. Avidity એટલે તૃષ્ણા, લાલસા, તિવ્ર ઈચ્છા, ઉત્ક્ટ અભિલાષા કે તિવ્ર ઉત્સુકુતા કહે છે. Avidity વાળા બનો એ જ સાચી જીંદગી છે. મિત્રો મેં હંમેશા એક અંગ્રેજી વાકયને સાથે રાખ્યું છે. “Two great days in human life are the day we were born and the day we prove why we are born.”
મિત્રો તમને ખબર નથી પરંતુ તમારામાં જ તમારો રોલ મૉડૅલ પડેલો છે. તમારામાં જ દુનિયાનું પ્રિય ઐતેહાસિક પાત્ર કે જેણે તમને હરી લીધા છે તે જીવે છે. તેને બહાર લાવવાનું છે. આપણા કાર્ય સિવાય આપણી હસ્તરેખાઓને કોઇ ઉકેલી શકે એમ નથી. મિત્રો વિશ્વની મહાસત્તા અમેરિકાના હાલના રાષ્ટ્ર્પતિ બરાક હુસેન ઑબામાની પ્રિય કવિતા પણ ખરેખર પાનો ચઢાવનારી છે.

Look in the terrible mirror
Of the sky
And not in this dead glass
Look in the terrible mirror
Of the sky
See how the absent moon
Waits in a glade
Of your dark self,
And how the wings stars
Upward from unimagined
Stars coverts fly.

હે માનવ ! જ્યારે પણ તને નિરાશા સાંપડે, તું તારી જાતને નાની મહેસુસ કરે ત્યારે અરીસામાં નહી પણ તું ઉંચે આકાશને અરીસો બનાવીને જોજે. એ આકાશમાં એક જળહળતો ચંદ્ર તારી રાહ જોઇ રહ્યો છે. તારી અંદરના અંધારાને ઉજાળવા આકાશનાં સૂર્ય –ચંદ્ર આતુર છે. તને કલ્પના ન આવે તે રીતે તને તે ઉંચે ચડાવવા માંગે છે. માટે નિરાશ ન થા... આશા રાખ અને આગળ વધ.....
વિચારો અને વિચારોને અમલમાં મુકો. તમારો વિજય નિશ્ચિત છે. શત્રુઓ કરતા આપણા વિચારો બળવાન જ છે. મિત્રો એકવાર વિજયની રેખા મળી જશે પછી એ રેખા પોતાના લક્ષ પર પહોંચશે જ કારણ કે તમે ગણિતમાં ભણો છો તેમ રેખા અનંત હોય છે. ભણાવનાર શિક્ષક વિધાર્થીઓ પાસે અનંતતાને પામે ત્યારે ચોક્કસ બે શિક્ષકો વચ્ચેનો ભેદ સમજાય. કારણ કે.....“The mediocre teacher tells: The good teacher explains, The superior teacher demonstrates & The great teacher Inspires.”
મિત્રો સ્વામિ વિવેકાનંદે એક સરસ વાત કહી છે કે “The world is the great gymnasium where we come to make ourselves strong.” આ દુનિયામાં તમારી સાથે બનતી દરેક હકિક્ત, દરેક બનાવ, દરેક તજુર્બા આ બધાના સર્જકો તમે જ છો. અને આ બધું તમને મજબૂત બનાવતું હોય છે. આ સૃષ્ટિ અને આ દુનિયા હંમેશા આપણને મદદ કરવા માટે જ છે. માત્ર તેનો ઉપયોગ કરતા આવડવો જોઇએ. હજુ પણ આપણે જ્યાં છીએ ત્યાંથી ઘણું ઘણું શીખવાનું બાકી છે. હું તો આવનારી ક્ષણોની રાહ જોઉં છું કે જ્યારે મારા પ્રિય સ્ટુડન્ટ્સ નવા તજુર્બા સર્જતા હશે અને નવા વિચારો સાથે ઉડતા હશે.
Best of luck my dear student…
Ajit Kalaria

શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2009

પપ્પા તમને........


પ્રિય પપ્પાને.......




આજે કોઇ પ્રસંગ નથી કે હું કંઇ લખવા બેઠો છું. પરંતુ આજે લખાઇ જ જાય એવો એક પ્રસંગ (બનાવ) બની ગયો ! આજે અત્યારે હું ઉપર મારા રુમમાં બેસીને કવિતા લખતો હતો. હમણા જ એકાદ કલાક પહેલા નીચે મેં પપ્પાને મોબાઇલ બીલ ભરવા રુ 265 આપવાના હતા તે આપ્યા. મારી પાસે છુટા હતા નહી એટલે મેં રુ, 500 આપ્યા હતા. પપ્પાએ મને રુ 200 પાછા આપી દીધા. 35 બાકી હતા મેં માગ્યા, તેમણે કહ્યું હું પછી આપીશ છુટા નથી. આમ તો મને તેમની પાસેથી ક્યારેય પૈસા પાછા માગવાનું મન થતું નથી. પરંતુ મારા પોકેટની પણ હાલત કંઇક એવી જ હતી. મારે પેપર ચેક કરવા હતા. હું ઉપર આવ્યો તે પહેલા પપ્પાને કહ્યું હતું કે પપ્પા કંજ ને લઇને ગરબા ગ્રાઉન્ડ પર જાવ તે સમયે મારા માટે લાલ પેન લઇ આવજો. અને હું મારા કામ માટે મારા રુમમાં વ્યસ્ત હતો. પેન લઇને કંજ સાથે તેઓ ઉપર મને પેન આપવા આવ્યા. પેન આપ્યા પછી કંઇ જ બોલ્યા વગર મને મારા બાકી રહેલા રુ 35 પાછા આપી દીધા. આ No Complain Personality ને આજે 29 વર્ષે પણ હું ઓળખી શક્યો નથી. થોડી ઘણી વાતો કરી અને વાતો વાતો માં શાંતિથી એક વાત કહી દિધી કે તારી બર્થ ડે પર મેં રુ 100 ના લાડુ ઝુપડપટીના બાળકોને વેહેંચ્યા હતા. કંજની બર્થ ડે પર મેં રુ.110 ના બિસ્કિટ નાના ગરીબ છોકરાઓ ને આપ્યા હતા. મેં એમના ચહેરા પર વાંચી લીધું હતું કે એમને મને આ બધું કહેવું જરાય ગમતું ન હતું. પરંતુ જીવનમાં વારસામાં હું કંઇક લેતો જાઉં ને એ જ ઉદેશ્ય હશે. અને તરત કહી પણ દિધુ કે આપણ ને તો આ જ કામ ગમે. એ જ સાચુ છે. હું કેટલીય વખત કંજમાં મને મોટો થતો જોઉં છું. અત્યારે મને પણ એમ જ થાય છે કે શું પપ્પાની પણ મારા માટે આ જ ફિલિંગ્સ હશે ? જીવનના 29 વર્ષોમાં મેં સતત કંઇક મેળવવાની, સતત કંઇક પ્રાપ્ત કરવાની, કંઇક બનવાની અને ઘણી ઘણી ઘણી ઝંખનાઓ જ કરી છે. જ્યારે આ માણસ સતત મારા માટે, ઘરના અન્ય સભ્યો માટે કે કુંટુંબ માટે માત્ર ઘસાતો જ રહ્યો છે. કંઇ કેટલાય ઝેરના ઘુંટડા પીધા છે. કદાચ હું આ બધુ ન જ કરી શકું . મને એમનું એક વાક્ય હંમેશા ખુબ ગમ્યુ છે. બસ આજે લખી જ નાખુ એવું થાય છે. હું જ્યારે મારા ફાંકામાં હોઉં કે પછી અભીમાનની વાત હોય ત્યારે શાંતિથી આ પીઢ માણસ એટલું જ મને કહેતા હોય છે કે બસ કર તારો ફાંકો ,ફાંકો અમારેય હતો. અમેય અભિમાન રાખતા, અમેય ગુસ્સે થતા. પણ ધીરે ધીરે બધું જ છોડવું પડયું છે. અને આ બધામાં મને છેલ્લું વાકય ગમી જતું. ધીરે ધીરે બધું જ છોડવું પડયું છે. ધીરે ધીરે તો બધુ મારાથી પણ છુટી જશે. કારણ કે આજથી 10 વર્ષ પહેલાનો અજીત, બે વર્ષ પહેલાનો અજીત, એક વર્ષ પહેલાનો અજીત, એક મહિના પહેલાનો અજીત અને કદાચ ગઇકાલ છોડીને આજે ઉભેલા અજીતમાં પણ ઘણો બદલાવ હોય છે. ધીરે ધીરે હું પણ બધું છોડી દઇશ અને કદાચ M.V. Kalaria થઇ જઇશ Don't worry Papa.


Ajit Kalaria

મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2009

નર્મદા ની સફરે



ફરીથી એ જ સિલસિલો ! સ્કૂલમાંથી 11 વાગ્યે છૂ ટ્યા અને અમારી ટીમ તૈયાર થઇ ગઇ. બપોરે 12 વાગ્યે સનરાઇઝમાંથી અમારી તાવેરા ઉપડી અને બધા પોતપોતાના સ્થાને ગોઠવાઇ ગયા. પરંતુ આજે 9 જ વ્યકિત જવાના હતા. બપોરનો સમય હતો.બધાને કકડીને ભૂખ લાગી હતી. ગાડી કપૂરાઇ ચોકડી પર ઉભી રહી, મોડુ થતુ હતું, ઉતાવળ હતી ફટાફટ જમવાનું પતાવીને પાછા તાવેરામાં ગોઠવાઇ ગયા...... ફરીથી મજાક- મસ્તી અને હાસ્યનો નવો સિલસિલો શરુ થઇ ગયો. એક બાજુ કોઇક ને કોઇ રામસિંગકાકા ડ્રાઇવરને મસ્કો મારવાનું ચૂકતું ન હતું. વાતો વાતોમાં તો ક્યાં કેવડિયા આવી ગયું કંઇ જ ખબર રહી નહી. વિપુલસરે અમારી આ મુલાકાત યાદગાર બની રહે તે માટે પ્રયત્નો કર્યા હતા. અને એક હકીકત છે યાર.... અમારા પ્રયત્નો ક્દી નિષ્ફળ જતા જ નથી ને ! અમે કેવડિયા પહોંચયા ત્યાં તો તેમના ભાઇ રમેશભાઇ પટેલ અમારી રાહ જોઇને ઉભા હતા. અંદર જઇ તેઓ પરમિશન લઇ આવ્યા. સાથે તેઓ એક ગાઇડ ગોવિંદભાઇ તડવી ને પણ અમારા માટે લઇ આવ્યા. અમે સૌ ગોવિંદભાઇ સાથે ગાડીમાં ગોઠવાઇ ગયા. ગોવિંદભાઇ ગાડીમાં બેઠા ત્યારે મને થયું કે કદાચ આમના માટે જ ભગવાને અમારામાંથી કોઇ એક ને બાકી રાખ્યો હશે. અમારી ગાડી ચૅકપૉસ્ટ પાસે આવીને ઉભી રહી અને અમે ચૅકપૉસ્ટનો પહેલો પડાવ સરળતાથી પાર કરી લીધો. અમારી ગાડી 1 નંબરના વ્યુ પોઇંટ પાસે આવીને ઉભી રહી. 1210 મી લંબાઇ અને 121.92 મી. ઉંચાઇ વાળા વિંધ્યાચળ અને સાતપુડાની પર્વતમાળાને જોડતા સેતુ સમાન નર્મદા બંધને જોઇને અમે સૌ આવાક જ થઇ ગયા. આનંદની વાત તો એ હતી કે આજે પાણી સાડા ચાર મી. ઉંચાઇ એ થી જતું હતું. પાણીનો આવો અસ્ખલિત પ્રવાહ જોઇ ને અમે સૌ સ્તબધ થઇ ગયા હતા. આ બાજુ કડકડાટ બધા આંકડા બોલનાર ગોવિંદભાઇની સ્પીચ તો ચાલુ જ હતી. 300 કરોડ સિમેન્ટની થેલી આ બંધના કામકાજમાં વપરાવવાની છે. અત્યાર સુધીમાં 230 કરોડ થેલી સિમેન્ટ વપરાઇ ચુકયો છે. આટલા સિમેન્ટ કોંક્રિટથી તો પૃથ્વીના ગોળાને ફરતે એક રોડ તૈયાર થઇ જાય.73.20 લાખ ઘન મી.કોંક્રિટ વપરાશે. જેમાં 68 લાખ ઘન મી જેટલું તો વપરાઇ ચુકયું છે. બાંધકામ પાછળ 65000 ટન સ્ટિલ વપરાશે. આંકડા ખરેખર મહાભયાનક હતા. દરરોજ કંઇ કેટલાયને ભણાવનારા શિક્ષકોને આજે કોઇ ભણાવનારું હાજર હતું. આમ તો અમે પણ કર્મયોગી શિક્ષણ શિબિરોમાં ભણતા હોઇએ છીએ. પરંતુ ત્યાંના અમારા ઉપરી અધિકારીઓ કે જેઓ અમને જ્ઞાન આપવા ઉભા હોય છે તેમના થરડાયેલા મોઢા અને થરડાયેલી સ્પિચ કરતા આજે ગોવિંદભાઇ ગામઠી અદા અને ગામઠી સ્પિચે સૌના દિલ જીતી લીધા હતા. શાળામાં અને કેટલીય જગ્યાઓ પર વાહિયાત ભાષણ કરતા અનેક અયોગ્ય વ્યકિતઓને સાંભળ્યા છે. એ બધા કરતા આજે અમને આ ગામ ઠી માણસ મીઠો લાગતો હતો. હું શરત સાથે કહી શકું કે અમારામાંથી એક પણ શિક્ષકે જેટલી ધીરજ ગોવિંદભાઇને સાંભળવામાં રાખી હતી તેટલી એકપણ કર્મયોગી શિબિરમાં રાખી નહી હોય. આ બાબત પર મેં ગોવિંદભાઇ તડવી ને મનોમન Thanks કહી ધું. ગોવિંદભાઇની વાતો સાંભળ્યા બાદ અમે સૌએ આ view point પરથી એક ફોટો ક્લિક કરી લીધો. અમે સૌ ફરીથી તાવેરામાં ગોઠવાઇ ગયા. અમારી ગાડી સીધી જ RBPH (River Bed Power House) પર જઇને ઉભી રહી. ત્યાંથી અમારે એક ટનલમાંથી પસાર થઇને ડૅમના નીચેના ભાગમાં જવાનું હતું. ત્યાં અમારી ગાડીને જવાની મંજૂરી હતી નહી. અમે ગવરન્મેંટની City Rideમાં 1.5 કિ.મી. લાંબી ટનલમાંથી પસાર થઇ ને ડૅમના નીચેના ભાગમાં પહોંચ્યા. અત્યારે અમે એ જગ્યાએ ઉભા હતા કે જ્યાંથી નીચે માત્ર ટર્બાઇન સેક્સન જ બાકી હતું. અમે 6 ટર્બાઇનની જગ્યાઓ માત્ર ઉપરના ભાગ પરથી જોઇ શકતા હતા. ત્યાં પાછી ગોવિંદભાઇની સ્પિચ ચાલુ થઇ ગઇ. આ વર્ટિકલ પ્રકારના ટર્બાઇન છે. જાપાનથી આયાત કરવામાં આવેલ છે. જ્યાં સુધી ડૅમમાં 110.64 મી. ની ઉંચાઇ સુધી પાણી હશે ત્યાં સુધી આ ટર્બાઇન ધમધમશે. આ ટર્બાઇન ફેરવવા માટે ઉપરનાં ભાગમાંથી દર સેકન્ડે 7500 ક્યુસેકનો જથ્થો છોડાય છે. આ જ પાણીના ફોર્સથી 420 ટનનું રનર ફરે છે. ભવિષ્યમાં ગરુડેશ્વર પાસે રિવર બંધ બની જાય તેની રાહ જોવાય છે, પછી ઉનાળામાં પણ નદીમાં 60 થી 70 ફૂટ પાણી ભરેલું રહેશે અને જો એકાદ વર્ષે વરસાદ ન પડે તો વર્ટિકલ ટર્બાઇન ઉલટા ફેરવવામાં આવશે અને પાણી પાછું મોકલી ફરીથી વિજળી પેદા કરવામાં આવશે. અત્યારે અમે ડૅમની ડાઉનસ્ટ્રિમ પર ઉભા હતા. અમારી સામેની દિવાલની પાછળ આખુ સરદાર સરોવર 95000 લાખ ક્યુસેક પાણી સમાવીને ઉભુ હતું. જ્યારે ડૅમ પર દરવાજા લાગી જશે ત્યારે સમગ્ર સરોવર 214 કિ.મી. ના વિસ્તારમાં પથરાયેલુ હશે. rehabilitization નું 65% કામ બાકી હોવાથી કામકાજ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકયો છે. 30 દરવાજા ડૅમ પર મુકવાના બાકી છે. જેમાં 60x60 ના ઇમરજન્સી ગૅઇટ અને 55x60 ના 23 ગૅઇટ મુકવાના છે. આ ગૅઇટની કેપેસીટીના આંકડા સાંભળીને અમારી આંખો વિસ્મયથી પહોળી થઇ ગઇ હતી. નાયગારા ધોધ પરથી દર સેકન્ડે 18 લાખ ક્યુસેક પાણી પડે છે. જ્યારે નર્મદા ડૅમનો દરેક દરવાજો દર સેકન્ડે 1લાખ કયુસેક પાણી ડિસ્ચાર્જ કરશે. એટલે કે દર સેકન્ડે નર્મદા ડૅમમાંથી ઓવરફ્લો વખતે 30 લાખ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થશે. અત્યારે પણ આટલુ જ પાણી વહન થતુ અમે જોયું છે. Thanks to my CyberShot કે જેમાં મેં આવી ક્ષણને કલિક કરી લીધી હતી. અમે જે ટર્બાઇન જોવા આવ્યા હતા તે RBPH (River Bed Power House) ના 6 ટર્બાઇન 1200 MW વિજળી ઉત્પન્ન કરે છે. જ્યારે CHPH (canal Head Power House) ના 5 ટર્બાઇન 250MW વિજળી ઉત્પન્ન કરે છે. ચોમાસામાં જ્યારે ડૅમ ફૂલ ભરાઇ જાય છે ત્યારે આ 11 ટર્બાઇન ધમધમતા હોય છે અને તેમાંથી રોજની 5 થી 6 કરોડની વિધ્યુત પેદા થતી હોય છે. ખરેખર આંકડા ચોંકાવી નાખરા છે. અમે સૌ આ ગામઠી માણસ આંકડા બોલતો હતો તે વિસ્મ્યથી સાંભળતા જ રહ્યા. બસ અહિંયા અમારી RBPH ની મુલાકાત પુરી થતી હતી. પરંતુ અમારા સૌની નજર તો RBPH ના ટર્બાઇન સેક્સનમાં જવાની હતી. સ્પેશીયલ પરમીશનવાળી વ્યકિત જ એમાં જઇ શકતી હતી. અમે બે ત્રણ શિક્ષકોએ ત્યાં ઉભેલ સિક્યુરિટિ પર્સન ને વિનંતી કરી જોઇ, પરંતુ અમને એક જ જવાબ મળ્યો કે અમારાથી ન જવા દેવાય. છતાં અમારામાંથી એક વ્યકિતને તેના માણસ સાથે અંદર ઍન્જિન્યર પાસે પરમીશન લઇ આવવા કહ્યું. આ બાબતમાં તો ખબર જ હતી કે કલ્પેશસર ને જ મોકલાય. એના જેવું ગરીબડું થઇને કોઇને પણ બોટલમાં ઉતારતા બીજા કોઇને ફાવે જ નહી ને ! કલ્પેશસર ગયા અને બહાર બધા રાહ જોતા ઉભા રહ્યા. બધાને 100% વિશ્વાસ હતો જ કે કલ્પેશસર પરમિશન લઇને જ આવશે. અને પરમિશન મળી પણ ગઇ. એક પ્રકારના આનંદ સાથે અમારા સૌના પગ ટર્બાઇન સેકસન પર પડ્યા. જ્ગ્યા પર પગ મુકતાની સાથે જ અમે સૌએ ટર્બાઇન ફરતા હતા તેનું વાઇબ્રેશન અનુભવ્યું. હવે અમે નીચે ઉતરી રહ્યા હતા. ત્યાં પહેલો માળ જનરેટર સેકશન હતો. અમે વિજ્ઞાનના શિક્ષકો જાણતા હતા કે આમાં બે મોટા ચુંબક ની રચના વાળો ભાગ હોય. આ સમગ્ર રચનાની આસપાસ સખત મજબૂત દિવાલ ચણી દેવામાં આવી હતી. અમે સૌ હજુ એક ફલોર નીચે ઉતર્યા. અને ટર્બાઇન ફરવાના કારણે આખો એક મોટો સ્તંભ ગોળ ફરતો જોઇને અમે સૌ આવાક જ થઇ ગયા. અને પાછો આ સ્તંભ 138 rpm ની ઝડપે ફરતો હતો. હવે નીચે બીજા બે જ ફ્લોર બાકી હતા જેમાં મુખ્ય ટર્બાઇન હતા. આ બધુ જોઇને જ્યારે અમે ઉપર આવ્યા ત્યારે અમારી સામે ઉભેલા અને અંદર ન જવા મળનાર વ્યકિતઓના હાવભાવ મેં એમના ચહેરા પર વાંચી લીધા હતા. અમે પાછા City Ride માં બેસીને 1.5 કિ.મી. લાંબી ટનલમાંથી બહાર આવ્યા. બધાના મોઢા પર એક રોમાંચકતાનો અહેસાસ હું જોઇ શકતો હતો. કારણ કે સામાન્ય દિવસોમાં અહીં ફરવા આવવું અને હરીફરીને બંધ મશીનરી જોઇને પાછા જતા રહેવું એ એક સામાન્ય વાત કહેવાય. અને આજે અમે જે જીવનની યાદગાર ક્ષણો માણી તેને ધન્યતા કહેવાય. ફરીથી અમે સૌ રામસિંગકાકાની GJ6 Z 3209 નંબરની તાવેરામાં ગોઠવાઇ ગયા. અમારી તવેરાએ ઉપર તરફ ચડાણ શરુ કર્યું અને અમે પહોંચી ગયા view point 3 ઉપર. હા આ એ જ view point હતો કે જ્યાં સરદાર પટેલની વિરાટ પ્રતિમાનું અનાવરણ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. હા આ એ જ ગુજરાતના મુખ્યમંત્રી છે કે જેમણે 2006ની સાલમાં ડૅમની ઉંચાઇ 110.64 મી. થી 121.92 મી. લઇ જવા માટે ભૂખ હડતાલ કરી હતી. તે સમયે સમગ્ર ગુજરાતની જનતા તેમની સાથે હતી. અને ત્યારે "નર્મદા કા બંધ નહી રુકેગા ઔર ગુજરાત નહી ઝુકેગા" ના નારા સંભળાતા હતા. હજારોની સંખ્યામાં કોલેજીયનો પણ જોડાયા હતા. એનો ફાયદો તો જુઓ 2001ની ગણતરી મુજબ 40,000 કરોડ કરતા વધારેના ખર્ચે તૈયાર થયેલ આ પ્રોજેકટ છેલ્લા 5 વર્ષમાં 2 વખત ઓવરફ્લો થયો છે અને 2200 કરોડની વિજળી પણ પેદા કરી આપી. હા આ આંદલોન સમયે બાકીના ત્રણ રાજ્યો કે જેમને આ યોજનાનો ફાયદો મળવાનો જ છે તેમનું કોઇ જ હાજર ન હ્તું. કારણ કે વોટબેંક તૂટવાની બીક હતી. અમે view point 3 પરથી ફરીથી ડૅમને ઓવરફલો થતો જોયો. આ નજારો ખૂબ જ નજીકથી જોવાની મજા આવતી હતી. કદાચ આને જ view point કહી શકાય. અમે અહીં ઘણા ફોટા પાડ્યા. ત્યાં બાજુમાં પડેલા રોપ-વે કેબલના સેમ્પલને જોઇને અમારી આંખોને વિશ્વાસ બેસતો જ ન હતો. તે કેબલનું એક ફૂટનું વજન 22કિ.ગ્રા. હોય છે. 1987-88 માં કંડલા બંદરેથી આ કેબલને લાવતા 6 મહિના થયા હતા. 1567 મી. લાંબો સળંગ કેબલ એ જમાનામાં એક રેકોર્ડ હતો. ત્યારે દુનિયામાં કોઇ પાસે આવો સળંગ અને વજનદાર કેબલ કોઇ પાસે હતો નહી. કેબલ જર્મનીથી આયાત કરવામાં આવ્યો હતો. આ કેબલ રોપ-વેમાં 28 ટન માલ લઇ જવાની ક્ષમતા છે. હા એટલે કે 3 ટ્ર્કનો માલ એક સાથે નાખવામાં આવે છે. એટલે કે 2000 સ્કે. ફિટનું ધાબુ બે જ બકેટમાં પુરુ થઇ જાય. 7 હાથી ને બાંધીને લટકાવીને લઇ જવાય એટલી ક્ષમતા આ કેબલની છે. હવે તો આ કેબલને ઉપરથી જોવાની ઈચ્છા વધવા લાગી હતી. અમે સૌ પાછા ગાડીમાં ગોઠવાઇ ગયા અને અમારી ગાડી ડૅમના સૌથી ટોચના ભાગમાં જવા લાગી. હવે પાછું અમારે ચેક પૉસ્ટ પરથી City Ride માં ઉપર જવાનું હતું. અમે ડૅમના તળિયાથી અત્યારે 163 મી. ની ઉંચાઇ પર ઉભા હતા.દરિયાઇ સપાટી(sea level) થી અત્યારે અમે 146.5 મી.ની ઉંચાઇ પર હતા. ત્યાં પહોંચતાની સાથે જ અમે જર્મની મેઇડ મુવેબલ ક્રેઇન જોઇને અમે સૌ ચકિત થઇ ગયા. આ ક્રેઇન 110મી. ઉંચી છે એટલે કે કુતુબમિનાર (71 મી) કરતા પણ ઉંચી. બન્ને છેડા પર ઉભેલી આ ક્રેઇન પેલા 1567 મી. લાંબા કેબલને જોડતી હતી. અત્યારે અમે એવી જગ્યાએ ઉભા હતા કે જ્યાંથી એક બાજુ ઓવરફ્લો થતો ડૅમ અને બીજી બાજુ આફાટ ફેલાયેલ સરદાર સરોવર જોઇ શકાતુ હતું. ખરેખર અદભૂત નજારો હતો. સરોવરમાંથી નીચે ટર્બાઇન માટે ખેંચાતું પાણી અને તેના કારણે ઉત્પન્ન થતા વમળો જોઇ શકાતા હતા. આ વમળો માત્ર 110.64 મી. ના લેવલ સુધી જ જોવા મળશે. કારણે આ લેવલથી ટર્બાઇન ધમધમતા બંધ થઇ જશે. આ સરદાર સરોવર નર્મદા નદી પર તૈયાર થયું છે. અને આ જ નદી પર કુલ 29 ડૅમ આવેલા છે. સરદાર સરોવરની જળરાશી આગળના ડૅમ મહેશ્વર ડૅમ સુધી ફેલાયેલી છે. ઉંચાઇની દ્રષ્ટિએ જોવા જઇએ તો નર્મદા ડૅમ ભારતમાં ત્રીજા નંબરે આવે છે. બીજા નંબરે ઉતર પ્રદેશનો લખવાર ડૅમ કે જેની ઉંચાઇ 192 મી. છે જ્યારે પ્રથમ નંબરે હિમાચલ પ્રદેશમાં આવેલો ભાકરા નાંગલ કે જે 226 મી. ની ઉંચાઇ ધરાવે છે. પરંતુ કોંક્રિટ્ના જથ્થાની વાત કરીએ તો નર્મદા ડૅમ દુનિયામાં બીજા નંબરે આવે છે. પહેલા નંબરે અમેરિકાનો ગ્રાંડ કુલી ડૅમ જેમાં 80 લાખ ઘન મી. કોંક્રિટ વપરાઇ છે. જ્યારે નર્મદામાં ડૅમ 70 લાખ ઘન મી.કોંક્રિટ વપરાઇ છે. આ ડૅમની સ્પિલવે ડિસ્ચાર્જ કેપેસિટી 87,000 ક્યુસેક છે. જે દુનિયામાં ચીન અને બ્રાજિલના ડૅમ પછી ત્રીજા નંબરે આવે છે. ચોમાસામાં જ્યારે પૂર આવે છે ત્યારે આ નદી 488 મી.ની પહોળાઇ પર અને ઉનાળામાં 45.70 મી. પહોળાઇ પર વહેતી હોય છે. આ રૅકોર્ડ બ્રેકર આંકડા અમે સૌ ગોવિંદભાઇ પાસેથી સાંભળી રહ્યા હતા. આટલા જથ્થામાં પાણી વહન કરતા ડૅમની મજબૂતાઇની સાબિતી આપતા સામે પાર આંગળી બતાવીને ગોવિંદભાઇએ અમને કહ્યું કે સામે સિમેન્ટ કોંક્રિટ તૈયાર થાય છે. જેમાં આ જ નદીના ગ્રેવલનો ઉપયોગ થાય છે. 5 ml થી 150 ml સુધીનો ગ્રેવલ એમાં વાપરવામાં આવે છે. એને કોસ્ટિક સોડામાં ધોવામાં આવે છે. ત્યાર બાદ પ્લાન્ટમાં લઇ જવામાં આવે છે. ત્યાં તે -13.4 સે. તાપમાને બને છે. તેથી તેને આઇસ કોંક્રિટ પણ કહે છે. આ કોંક્રિટ તૈયાર થયા પછી 20 જ મિનિટમાં તેનો ઉપયોગ કરી લેવો પડે છે. હવે સમજાતુ હતુ કે જર્મનીથી પેલી ક્રેઇન અને કેબલ કેમ મંગાવવા પડ્યા હતા. ગોવિંદભાઇ આ માહિતી આપતા હતા ત્યાં આવી અનેક ટૅક્નોલોજીના શોધકો અને આ બંધ નિર્માણમાં ફાળો આપનાર અનેક લોકોને મારાથી અનાયાસે વંદન થઇ ગયા. 1946 માં સરદાર વલ્લભભાઇ પટેલ, જમશેદજી તાતા અને ભાઇકાકા એ ભેગા મળીને આ ડૅમનું સ્વપન જોયું હતું. કારણ કે નર્મદા ભારતની પાંચમી મોટી નદી છે. નર્મદાનો કુલ બેસીન વિસ્તાર 97,410 ચો. કિ.મી. છે. જેમાં 85,858 ચો. કિ.મી. મધ્યપ્રદેશમાં, 1658 ચો. કિ.મી. મહારાષ્ટ્ર અને 9894 ચો. કિ.મી. નો બેસીન વિસ્તાર ગુજરાતમાં છે. 1946 માં Central Waterway Irrigation and Navigation commission (CWINC) જે હાલમાં Central Water and Power ના નામે ઓળખાય છે તેના નેજા હેઠળ તપાસ હાથ ધરાઇ અને આખરે નવાગામની જગ્યા પસંદ થઇ. અને પંડિત જવાહરલાલ નહેરુના હાથે શિલારોપણ થયું. નર્મદા નદીની કુલ લંબાઇ 1312 કિ.મી. છે. તેમાં તેના ઉદગમ સ્થાનથી 1163 કિ.મી. દૂર આ ડૅમ નિર્માણ પામ્યો છે. અમે ઉપર ઉંચાઇ પર ઉભા- ઉભા જ્યારે સરદાર સરોવર જોતા હતા ત્યારે ત્યાં મેં દિવાલ પર 138 મી. નું સ્થાન માર્ક કરેલું જોયું. અને મનોમન મેં ભગવાનને પ્રાથના કરી હતી કે હે ભગવાન શક્ય હોય એટલું ઝડપથી આ લેવલ સુધી બાંધકામ કરવાની ગવરન્મેંટને સદબુધ્ધી આપજે. કારણ કે જીવન સરળ બને તેવા ઉપકરણો રોજે રોજ શોધાતા જાય છે. માનવ સતત તેનો ઉપયોગ કરતો રહે છે. ડગલે ને પગલે ઇલેકટ્રીસીટીનો વપરાશ વધતો જાય છે. ગામડામાં પણ ઇલેકટ્રીસીટીનું કંઝપ્સન શહેરી વિસ્તાર જેટલુ જ થવા જાય છે. ગામડે ગામડે વિજળી પહોંચી છે. આ વિજળી એ ગામડાઓ ને હાઇટેક કર્યા છે. શહેરો હવે મહાનગરો કે મેટ્રોસિટિમાં ફેરવાતા જાય છે. અને છતાં સાંચા આંકડા જોઇએ તો શરમથી માથુ ઝુકી જાય. હા, ભારતમાં માથા દિઠ વિજળીનો વપરાશ 430 kwh છે જ્યારે અમેરિકામાં આ જ આંકડો 12300અને ચીનમાં 720 kwh નો છે. અને આવી હકીકત જ્યારે ભણેલા પણ ન સમજે ત્યારે ભારતીય નાગરીક તરીકે શરમ આવવી જોઇએ. હા, અત્યારે હું આમીર ખાન વિશે જ વિચારતો હતો. ફના ફિલ્મના રિલિઝ સમયે અને બંધની ઉંચાઇ વધવાની હતી તે સમયે તે પણ ઉંચાઇ ન વધારાવના વિરોધમાં કૂદી પડ્યો હતો. આમીરને ખબર હોવી જોઇએ કે એ જ્યારે મહારાષ્ટ્ર્, મધ્યપ્રદેશ કે ગુજરાતમાં હોય અને જો એ ક્યાંક ઇલેકટ્રિસિટિ વાપરતો હોય તો એ ક્યાંય નર્મદાની તો નથી ને ! એને ખબર હોવી જોઇએ કે એ જ્યારે પીઝા, બર્ગર કે કેક નો ઓર્ડર આપે છે ત્યારે જે તે ઓવને વીજળી વાપરી છે તેમાં નર્મદાની વિજળી તો નથી ને! દોસ્ત આમીર વાત અહિંયા જ અટકતી નથી. તુ જ્યારે ગુજરાત ના કોઇ પણ ખૂણામાં હોય કે પછી રાજસ્થાનમાં હોય અને તને તરસ લાગે અને પાણીનો ગ્લાસ મંગાવ તો જરા પુછી ને પાણી પી જે આ નર્મદાનું તો પાણી નથી ને ! કારણ કે આ કેનાલ તો બધે પ્રસરેલી છે. તને એ પાણી પીવાનો જરાય અધિકાર નથી. નર્મદાના નીર રાજસ્થાન પણ પહોંચી ચુકયા છે તો વળી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત 57:27:16 ના પ્રમાણમાં વિજળી વાપરે છે. હું આગળ વિચારું ત્યાં તો પાછી City Rideઆવી ગઇ. અમે સૌ એમાં ગોઠવાઇ ગયા. અમે સૌ પાછા નીચે ઉતરીને અમારી તાવેરામાં ગોઠવાઇ ગયા અને અમારી તાવેરાએ નીચે તરફ ઉતરવાનું શરુ કર્યું. આગળ જતાં અમે સૌ પ્રથમ ગોડબુલે દરવાજો જોયો. જ્યાંથી તળાવમાં ભરાતી જળરાશીનું નિયંત્રણ કરવા સ્વ્યંસંચાલિત જળનિયંત્રણ દરવાજાઓ છે. ત્યાંથી અમે એક પછી એક એમ 4 સરોવર જોયા. જેમના નામ વડગામ, બહારફળિયા, પંચમૂલી અને ખલવાણી હતા. જેમાં ત્રીજા નંબરનું સરોવર પંચમૂલી સરોવર 105 મી.ની ઉંડાઇ વાળુ છે. વિશાળ જળરાશી અને આજુબાજુ પર્વતોની હાર જોઇને સરસ નયનરમ્ય નજારો ઉત્પન્ન થતો હતો. ગાડીમાં બેઠા બેઠા અમે જ્યારે આ નજારો જોતા હતા ત્યારે પણ મારા મગજમાં હજુ ટનલમાં આવેલું ટર્બાઇન સેક્શન જ આવતું હતું. ખરેખર હકિકત એવી હતી કે હું એકલો જ નહી પરંતુ બધા જ કંઇક ને કંઇક વિચારતા હતા.નિરજ સરે કહ્યુ કે કુદરતને ખરેખર સલામ આપવી પડે કારણ કે મારો તો થાક જ ઉતરી ગયો. તો વળી કલ્પેશસરે પણ મારા જેવું જ વિચાર્યુ અને કહ્યું ખરેખર ટૅકનોલોજી સ્વિકારવાવાળા અને ઉત્પન્ન કરવાવાળાઓના મગજ ને દાદ દેવી પડે. તો તરત જ જીગ્નેશસરથી બોલાઇ જ ગયું કે કાલરિયા આ નજારાની મુલાકાતે ન આવે તે બધાના નસીબ કેવા કમજોર કહેવાય. વાતમાં સૂર પૂરાવતા યજ્ઞેશસરે કહ્યું કે આવે તો કેટલાય પણ આપણે જે જોયું તે જોવા મળે તેને નસીબ કહેવાય. પાટીલસર તરત જ બોલી ઉઠયા કે આના માટે તો બધો યશ વિપુલસરને જ આપવો પડે. ત્યાં તો નાનકાણી તૂટીફૂટી ગુજરાતીમાં બોલી ઉઠયો કે મને તો નિરજ સરે જે વિધુત કેવી રીતે ઉત્પન્ન થાય તે સમજાવ્યુ તેમાં મજા પડી. વિપુલ સર થી બોલાઇ ગયું કે ડૅમ જોવાની ખરી મજા તો ડૅમ ઓવરફલો થાય તે જ જોવામાં છે. વાકય પતે ન પતે ત્યાં તો તરત જ નરેન્દ્રસર બોલી ઉઠયા કે હજુ તો આમાં સુધારો જરુરી છે. આટઆટલુ પાણી વહીને સીધુ દરિયામાં જતુ રહે તે ન ચાલે. 10% જ પાણી દરિયામાં જવું જોઇએ અને 90 % પાણી સિંચાઇ માટે વપરાય એવું કંઇક થવું જોઇએ. અહીંયા તો ઉલટું થાય છે. સાચી વાત છે ભાઇ આ શબ્દો એક ખેડૂત જ બોલી શકે. આજે એમનામાં રહેલો ખેડૂત બોલતો હતો એવું અમને સૌને લાગ્યું. પરંતુ અમારી પાસે એમની સાચી વાતમાં હા કહી શકાય એટલી જ સત્તા હતી. આટલી વાત થઇ ત્યાં તો નર્મદા કેનાલનો ઝીરો પોઇન્ટ આવી ગયો. ત્યાં પણ ગોવિંદભાઇના મગજમાંથી આંકડા નિકળવાના શરુ થઇ ગયા. આ કેનાલ 458 કિ.મી. લાંબી છે. જેની આ મુખ્ય શાખામાંથી 38 બીજી શાખાઓ નિકળે છે. રાજસ્થાનમાં પણ આ કેનાલ 75 કિ.મી. વિસ્તરેલી છે. દુનિયાની આ સૌથી લાંબી કેનાલ છે. ઝીરો પોંઇન્ટ પાસેથી 40,000 ક્યુસેક પાણીનું વહન કરનારી આ કેનાલ તળિયા પર 73 મી. પહોળાઇ અને સપાટી પર 102 મી. ની પહોળાઇ ધરાવે છે. આ જ નહેર ગુજરાત - રાજસ્થાન બૉર્ડર પર 2500 કયુસેક પાણીનું વહન કરે છે. જો આ આંકડા નાના લાગતા હોય તો સાંભળી લો કે અમદાવાદ શહેરની પાણીની દૈનિક જરુરીયાત 500 થી 700 ક્યુસેક છે. આ કેનાલે ગુજરાતની 18.45 લાખ હેકટર જમીનને ફાયદો કરાવ્યો છે. જેમાં 8215 ગામડા, 135 શહેરો અને 100 નદી સરોવરોને ફાયદો થયો છે. રાજ્સ્થાનના 135 ગામડા પાણી મેળવતા થયા છે. દુનિયાની પહેલા નંબરની આ RCC કેનાલ છે.આ ઝીરો પોંઇન્ટ પર 12.20 x 13.50 મી. ના 5 દરવાજા છે. દરેક ગૅઇટની ડિસ્ચાર્જ કેપેસિટિ 8000 ક્યુસેક છે. કેનાલથી ગુજરાતની ધરતી ધન્ય થઇ ગઇ છે. કારણ કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં સરેરાશ 10 માંથી 3-4 વર્ષ દુષ્કાળના હોય છે. ત્યાં આ કેનાલ વરદાનરુપ સાબિત થઇ છે અને હજુ ઘણે બધે વરદાનરુપ સાબિત થશે. કારણ કે ગુજરાતની 185 નદીઓમાંથી 8 જ નદી એવી છે કે જે બારમાસી છે. જેમાં સૌથી મોટી નર્મદા છે. અને મને યાદ આવી ગયો શ્લોક......
શં ન આપો ધન્વન્યા
શંભુ સમત્વનુપ્યા:
શં ન: ખનિત્રિમા આપ:
શનુયા: કુમ્ભ આમૃતા:
શિવા ન: સન્તુ વાર્ષિકી:
(મરુ દેશના જળ અમારા માટે સુખકર હો, અનૂપ્ય જ્લવાળા પ્રદેશોના જલ સુખકર હો, ખોદેલી નહેરોના જલ સુખકર હો, ઘડામાં ભરેલા જલ સુખકર હો, તેમજ વર્ષાઋતુના જલ અમારુ કલ્યાણ કરો.)
ધન્ય છે આના ઘડવૈયાઓ અને સહાયકો કે જેમનો અમૂલ્ય ફાળો આજે કેટલાય ને રાજી કરે છે. આ કેનાલનો રૅકોર્ડ એવો છે કે ભારતીય રેલ્વેનું નેટવર્ક 63000 કિ.મી.નું છે જ્યારે આ કેનાલનું નેટવર્ક 85898 કિ.મી. જેટલું છે. આ રૅકોર્ડ બોલતા હતા ત્યારે ગોવિંદભાઇના મોઢા પર એક તેજ હતું. અમે સૌ પાછા ગાડીમાં ગોઠવાઇ ગયા અને સમગ્ર સ્થળનો પરીચય મેળવીને પાછા જ્યાંથી શરુઆત કરી હતી તે જ્ગ્યા પર આવી ગયા. હવે અમારો સમય કેવડિયા છોડવાનો હતો. અમે એક ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ જોઇને ગોવિંદભાઇનો આભારમાની ને તાવેરામાં ગોઠવાઇ ગયા. સમગ્ર સમય દરમ્યાન અમને ચા પણ યાદ આવી ન હતી. અત્યારે સાંજના 6:30 થયા હતા. અમારી ગાડી દેવલીયા ચોકડી પર ઉભી રહી અને અમે બધા ચા પીવા માટે નીચે ઉતર્યા. હું ચાની ચુસ્કી લઇ રહ્યો હતો, પરંતુ મગજમાં તો નર્મદા ડૅમની ભવ્યતા જ રમતી હતી. અને મગજના એક ખૂણામાં એક વિચાર કેડો છોડતો જ ન હતો કે ચાર ચાર રાજ્યોને થતો 100% નો ફાયદો અને છતાં દેશની પ્રગતીને આડે આવતી અરુંધતી રૉય કે મેઘા પાટકરને શું મળતું હશે ? નર્મદામાં જળસમાધી લઇ લેવાની ધમકી આપનારી બાઇ માટે મારી પાસે એક જ શબ્દો હતા કે બેન હવે તો તમે જલ્દી સમાધી લઇ લો કે જેથી આ દેશનું કંઇક ભલું થાય. તો મારા મગજમાં અરુંધતી રૉયના એ શબ્દો ફરવા લાગ્યા કે " મોટા બંધ રાષ્ટ્ર્ના વિકાસ માટે એવા છે કે જાણે લશ્કરના હથિયારગૃહમાં પડેલો પરમાણુબોમ્બ. આ સામુહિક વિનાશના શસ્ત્રો છે. સરકાર આ બન્નેનો ઉપયોગ લોકોને અંકુશમાં રાખવા માટે કરે છે. આ બન્ને પોતાની જાત પર અશુભ સમયના સંકેત છે. આ જોડાણ દર્શાવે છે કે આ ફક્ત જોડાણ નથી પરંતુ માનવજાત જે રહે છે તે ગ્રહ સાથેની સમજૂતી છે. આ બુધ્ધિચાતુર્યતા ઈંડા ને મરધી સાથે, દૂધને ગાય સાથે, ખોરાકને જંગલ સાથે, પાણીને નદી સાથે, વાયુ/પવન ને જીવન સાથે અને પૃથ્વીને માનવના અસ્તિત્વ માટે જરુરી હોવાનું કબુલવા માટે મજબૂર કરે છે. (Big Dams are to a Nation's Development what Nuclear bombs are to its military Arsenal. They are both weapons of mass distruction. They are both weapons government use to control their own people. Both 20th century emblems that mark a point in time when human intelligence has outstripped its own instinct for survival. They are both maligant indications of civilisation turning upon itself. They represent the serving of the link, not just the link – the understanding between human being and planet they live on. They scramble the intelligence that connects eggs to hens, milk to cows, food to forests, water to rivers air to life and tha earth to human existance.) મને સમજાતુ નથી કે આ કેવી વાત કહેવાય આ લોકો દુનિયા સાથે અપગ્રેડ થઇને જીવે છે અને નવી ટેકનોલોજી માટે કશું ગુમાવવા તૈયાર નથી. બેમાંથી એક વાત સ્વિકારવી જ પડશે. તો જ કંઇક થશે. બાકી તો ભારત માત્ર અમેરિકા બનવાના સપના જ જોતુ રહેશે. ડૅમના થોડા ઘણા લેખા જોખા જોવામાં મારા મગજ ને તાવેરામાં બેઠા બેઠા મેં નવો વણાંક આપ્યો. ફેબ્રુઆરી 1999માં ડૅમની ઉંચાઇ 80 થી 88 મી. વધારવાની મંજૂરી મળી. ઓક્ટોબર 2000 માં 90 મી. લઇ જવાની પરવાનગી મળી. તો મે 2002 માં ઉંચાઇ 95 મી. લઇ જવાની પરવાનગી મળી. સૌથી સરસ સમાચાર માર્ચ 2004 માં આવ્યા ઉંચાઇ 110.64 મી. સુધી લઇ જવાની પરવાનગી મળી. અને આખરે માર્ચ 2006 માં બંધની ઉંચાઇ 121.92 મી. સુધી લઇ જવાની પરવાનગી મળી ગઇ અને ગુજરાત ધન્ય થઇ ગયું. 2006 થી ત્રણ ત્રણ વર્ષના વાણા વાઇ ગ્યા છે પણ એક પણ સારા સમાચાર આવ્યા નથી. ગુજરાતની 5 કરોડ જનતા ક્યારની રાહ જોઇને બેઠી છે. હું આટલું વિચારું છું ત્યાં તો કરનાળીનું મંદીર આવી ગયું છે. ત્યાં પણ અમે ઘણા નસીબદાર રહ્યા. મંદિરમાં રાત્રીના 8 વાગ્યે અમે દર્શન કર્યા. હું બીજા બે ત્રણ સર સાથે નીચે મહાકાળી મંદીરમાં પણ દર્શન કરી આવ્યો. મંદિરમાં થોડો સતસંગ પણ થયો. કરનાળીમાં અમારી જમવાની વ્યવસ્થા પહેલેથી જ પાટીલે કરી રાખી હતી. ત્યાંથી જમીને નિકળ્યા અને રાત્રે 10:30 અમે સનરાઇઝમાં પાછા ફર્યા. મેં મારા CBZની કિક મારી અને ઘરે જવા નિકળ્યો. પણ રસ્તામાં પણ મને તો ગોવિંદભાઇનું એક વાક્ય જ યાદ આવી જ્તું હતું. ખલવાણી સરોવર અમે જ્યારે જોયું ત્યારે ગોવિંદભાઇ બોલ્યા હતા કે સાહેબ આ સરોવરમાં મારી 16 એકર અને 9 ગુંઠા જમીન ગઇ છે. વગર કંપ્લેને જીવતા અને આજે આવી રીતે ગાઇડ તરીકે ફરજ બજાવતા અને ગુજરાન ચલાવતા કેટલા ગોવિંદભાઇ -અરુંધતી રૉય, મેધા પાટકર કે આમિરખાન સામે રજુ કરું. આવા ગોવિંદભાઇ જ દેશને જીવતો રાખે છે.


Ajit Kalaria