મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2009
નર્મદા ની સફરે
ફરીથી એ જ સિલસિલો ! સ્કૂલમાંથી 11 વાગ્યે છૂ ટ્યા અને અમારી ટીમ તૈયાર થઇ ગઇ. બપોરે 12 વાગ્યે સનરાઇઝમાંથી અમારી તાવેરા ઉપડી અને બધા પોતપોતાના સ્થાને ગોઠવાઇ ગયા. પરંતુ આજે 9 જ વ્યકિત જવાના હતા. બપોરનો સમય હતો.બધાને કકડીને ભૂખ લાગી હતી. ગાડી કપૂરાઇ ચોકડી પર ઉભી રહી, મોડુ થતુ હતું, ઉતાવળ હતી ફટાફટ જમવાનું પતાવીને પાછા તાવેરામાં ગોઠવાઇ ગયા...... ફરીથી મજાક- મસ્તી અને હાસ્યનો નવો સિલસિલો શરુ થઇ ગયો. એક બાજુ કોઇક ને કોઇ રામસિંગકાકા ડ્રાઇવરને મસ્કો મારવાનું ચૂકતું ન હતું. વાતો વાતોમાં તો ક્યાં કેવડિયા આવી ગયું કંઇ જ ખબર રહી નહી. વિપુલસરે અમારી આ મુલાકાત યાદગાર બની રહે તે માટે પ્રયત્નો કર્યા હતા. અને એક હકીકત છે યાર.... અમારા પ્રયત્નો ક્દી નિષ્ફળ જતા જ નથી ને ! અમે કેવડિયા પહોંચયા ત્યાં તો તેમના ભાઇ રમેશભાઇ પટેલ અમારી રાહ જોઇને ઉભા હતા. અંદર જઇ તેઓ પરમિશન લઇ આવ્યા. સાથે તેઓ એક ગાઇડ ગોવિંદભાઇ તડવી ને પણ અમારા માટે લઇ આવ્યા. અમે સૌ ગોવિંદભાઇ સાથે ગાડીમાં ગોઠવાઇ ગયા. ગોવિંદભાઇ ગાડીમાં બેઠા ત્યારે મને થયું કે કદાચ આમના માટે જ ભગવાને અમારામાંથી કોઇ એક ને બાકી રાખ્યો હશે. અમારી ગાડી ચૅકપૉસ્ટ પાસે આવીને ઉભી રહી અને અમે ચૅકપૉસ્ટનો પહેલો પડાવ સરળતાથી પાર કરી લીધો. અમારી ગાડી 1 નંબરના વ્યુ પોઇંટ પાસે આવીને ઉભી રહી. 1210 મી લંબાઇ અને 121.92 મી. ઉંચાઇ વાળા વિંધ્યાચળ અને સાતપુડાની પર્વતમાળાને જોડતા સેતુ સમાન નર્મદા બંધને જોઇને અમે સૌ આવાક જ થઇ ગયા. આનંદની વાત તો એ હતી કે આજે પાણી સાડા ચાર મી. ઉંચાઇ એ થી જતું હતું. પાણીનો આવો અસ્ખલિત પ્રવાહ જોઇ ને અમે સૌ સ્તબધ થઇ ગયા હતા. આ બાજુ કડકડાટ બધા આંકડા બોલનાર ગોવિંદભાઇની સ્પીચ તો ચાલુ જ હતી. 300 કરોડ સિમેન્ટની થેલી આ બંધના કામકાજમાં વપરાવવાની છે. અત્યાર સુધીમાં 230 કરોડ થેલી સિમેન્ટ વપરાઇ ચુકયો છે. આટલા સિમેન્ટ કોંક્રિટથી તો પૃથ્વીના ગોળાને ફરતે એક રોડ તૈયાર થઇ જાય.73.20 લાખ ઘન મી.કોંક્રિટ વપરાશે. જેમાં 68 લાખ ઘન મી જેટલું તો વપરાઇ ચુકયું છે. બાંધકામ પાછળ 65000 ટન સ્ટિલ વપરાશે. આંકડા ખરેખર મહાભયાનક હતા. દરરોજ કંઇ કેટલાયને ભણાવનારા શિક્ષકોને આજે કોઇ ભણાવનારું હાજર હતું. આમ તો અમે પણ કર્મયોગી શિક્ષણ શિબિરોમાં ભણતા હોઇએ છીએ. પરંતુ ત્યાંના અમારા ઉપરી અધિકારીઓ કે જેઓ અમને જ્ઞાન આપવા ઉભા હોય છે તેમના થરડાયેલા મોઢા અને થરડાયેલી સ્પિચ કરતા આજે ગોવિંદભાઇ ગામઠી અદા અને ગામઠી સ્પિચે સૌના દિલ જીતી લીધા હતા. શાળામાં અને કેટલીય જગ્યાઓ પર વાહિયાત ભાષણ કરતા અનેક અયોગ્ય વ્યકિતઓને સાંભળ્યા છે. એ બધા કરતા આજે અમને આ ગામ ઠી માણસ મીઠો લાગતો હતો. હું શરત સાથે કહી શકું કે અમારામાંથી એક પણ શિક્ષકે જેટલી ધીરજ ગોવિંદભાઇને સાંભળવામાં રાખી હતી તેટલી એકપણ કર્મયોગી શિબિરમાં રાખી નહી હોય. આ બાબત પર મેં ગોવિંદભાઇ તડવી ને મનોમન Thanks કહી ધું. ગોવિંદભાઇની વાતો સાંભળ્યા બાદ અમે સૌએ આ view point પરથી એક ફોટો ક્લિક કરી લીધો. અમે સૌ ફરીથી તાવેરામાં ગોઠવાઇ ગયા. અમારી ગાડી સીધી જ RBPH (River Bed Power House) પર જઇને ઉભી રહી. ત્યાંથી અમારે એક ટનલમાંથી પસાર થઇને ડૅમના નીચેના ભાગમાં જવાનું હતું. ત્યાં અમારી ગાડીને જવાની મંજૂરી હતી નહી. અમે ગવરન્મેંટની City Rideમાં 1.5 કિ.મી. લાંબી ટનલમાંથી પસાર થઇ ને ડૅમના નીચેના ભાગમાં પહોંચ્યા. અત્યારે અમે એ જગ્યાએ ઉભા હતા કે જ્યાંથી નીચે માત્ર ટર્બાઇન સેક્સન જ બાકી હતું. અમે 6 ટર્બાઇનની જગ્યાઓ માત્ર ઉપરના ભાગ પરથી જોઇ શકતા હતા. ત્યાં પાછી ગોવિંદભાઇની સ્પિચ ચાલુ થઇ ગઇ. આ વર્ટિકલ પ્રકારના ટર્બાઇન છે. જાપાનથી આયાત કરવામાં આવેલ છે. જ્યાં સુધી ડૅમમાં 110.64 મી. ની ઉંચાઇ સુધી પાણી હશે ત્યાં સુધી આ ટર્બાઇન ધમધમશે. આ ટર્બાઇન ફેરવવા માટે ઉપરનાં ભાગમાંથી દર સેકન્ડે 7500 ક્યુસેકનો જથ્થો છોડાય છે. આ જ પાણીના ફોર્સથી 420 ટનનું રનર ફરે છે. ભવિષ્યમાં ગરુડેશ્વર પાસે રિવર બંધ બની જાય તેની રાહ જોવાય છે, પછી ઉનાળામાં પણ નદીમાં 60 થી 70 ફૂટ પાણી ભરેલું રહેશે અને જો એકાદ વર્ષે વરસાદ ન પડે તો વર્ટિકલ ટર્બાઇન ઉલટા ફેરવવામાં આવશે અને પાણી પાછું મોકલી ફરીથી વિજળી પેદા કરવામાં આવશે. અત્યારે અમે ડૅમની ડાઉનસ્ટ્રિમ પર ઉભા હતા. અમારી સામેની દિવાલની પાછળ આખુ સરદાર સરોવર 95000 લાખ ક્યુસેક પાણી સમાવીને ઉભુ હતું. જ્યારે ડૅમ પર દરવાજા લાગી જશે ત્યારે સમગ્ર સરોવર 214 કિ.મી. ના વિસ્તારમાં પથરાયેલુ હશે. rehabilitization નું 65% કામ બાકી હોવાથી કામકાજ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકયો છે. 30 દરવાજા ડૅમ પર મુકવાના બાકી છે. જેમાં 60x60 ના ઇમરજન્સી ગૅઇટ અને 55x60 ના 23 ગૅઇટ મુકવાના છે. આ ગૅઇટની કેપેસીટીના આંકડા સાંભળીને અમારી આંખો વિસ્મયથી પહોળી થઇ ગઇ હતી. નાયગારા ધોધ પરથી દર સેકન્ડે 18 લાખ ક્યુસેક પાણી પડે છે. જ્યારે નર્મદા ડૅમનો દરેક દરવાજો દર સેકન્ડે 1લાખ કયુસેક પાણી ડિસ્ચાર્જ કરશે. એટલે કે દર સેકન્ડે નર્મદા ડૅમમાંથી ઓવરફ્લો વખતે 30 લાખ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થશે. અત્યારે પણ આટલુ જ પાણી વહન થતુ અમે જોયું છે. Thanks to my CyberShot કે જેમાં મેં આવી ક્ષણને કલિક કરી લીધી હતી. અમે જે ટર્બાઇન જોવા આવ્યા હતા તે RBPH (River Bed Power House) ના 6 ટર્બાઇન 1200 MW વિજળી ઉત્પન્ન કરે છે. જ્યારે CHPH (canal Head Power House) ના 5 ટર્બાઇન 250MW વિજળી ઉત્પન્ન કરે છે. ચોમાસામાં જ્યારે ડૅમ ફૂલ ભરાઇ જાય છે ત્યારે આ 11 ટર્બાઇન ધમધમતા હોય છે અને તેમાંથી રોજની 5 થી 6 કરોડની વિધ્યુત પેદા થતી હોય છે. ખરેખર આંકડા ચોંકાવી નાખરા છે. અમે સૌ આ ગામઠી માણસ આંકડા બોલતો હતો તે વિસ્મ્યથી સાંભળતા જ રહ્યા. બસ અહિંયા અમારી RBPH ની મુલાકાત પુરી થતી હતી. પરંતુ અમારા સૌની નજર તો RBPH ના ટર્બાઇન સેક્સનમાં જવાની હતી. સ્પેશીયલ પરમીશનવાળી વ્યકિત જ એમાં જઇ શકતી હતી. અમે બે ત્રણ શિક્ષકોએ ત્યાં ઉભેલ સિક્યુરિટિ પર્સન ને વિનંતી કરી જોઇ, પરંતુ અમને એક જ જવાબ મળ્યો કે અમારાથી ન જવા દેવાય. છતાં અમારામાંથી એક વ્યકિતને તેના માણસ સાથે અંદર ઍન્જિન્યર પાસે પરમીશન લઇ આવવા કહ્યું. આ બાબતમાં તો ખબર જ હતી કે કલ્પેશસર ને જ મોકલાય. એના જેવું ગરીબડું થઇને કોઇને પણ બોટલમાં ઉતારતા બીજા કોઇને ફાવે જ નહી ને ! કલ્પેશસર ગયા અને બહાર બધા રાહ જોતા ઉભા રહ્યા. બધાને 100% વિશ્વાસ હતો જ કે કલ્પેશસર પરમિશન લઇને જ આવશે. અને પરમિશન મળી પણ ગઇ. એક પ્રકારના આનંદ સાથે અમારા સૌના પગ ટર્બાઇન સેકસન પર પડ્યા. જ્ગ્યા પર પગ મુકતાની સાથે જ અમે સૌએ ટર્બાઇન ફરતા હતા તેનું વાઇબ્રેશન અનુભવ્યું. હવે અમે નીચે ઉતરી રહ્યા હતા. ત્યાં પહેલો માળ જનરેટર સેકશન હતો. અમે વિજ્ઞાનના શિક્ષકો જાણતા હતા કે આમાં બે મોટા ચુંબક ની રચના વાળો ભાગ હોય. આ સમગ્ર રચનાની આસપાસ સખત મજબૂત દિવાલ ચણી દેવામાં આવી હતી. અમે સૌ હજુ એક ફલોર નીચે ઉતર્યા. અને ટર્બાઇન ફરવાના કારણે આખો એક મોટો સ્તંભ ગોળ ફરતો જોઇને અમે સૌ આવાક જ થઇ ગયા. અને પાછો આ સ્તંભ 138 rpm ની ઝડપે ફરતો હતો. હવે નીચે બીજા બે જ ફ્લોર બાકી હતા જેમાં મુખ્ય ટર્બાઇન હતા. આ બધુ જોઇને જ્યારે અમે ઉપર આવ્યા ત્યારે અમારી સામે ઉભેલા અને અંદર ન જવા મળનાર વ્યકિતઓના હાવભાવ મેં એમના ચહેરા પર વાંચી લીધા હતા. અમે પાછા City Ride માં બેસીને 1.5 કિ.મી. લાંબી ટનલમાંથી બહાર આવ્યા. બધાના મોઢા પર એક રોમાંચકતાનો અહેસાસ હું જોઇ શકતો હતો. કારણ કે સામાન્ય દિવસોમાં અહીં ફરવા આવવું અને હરીફરીને બંધ મશીનરી જોઇને પાછા જતા રહેવું એ એક સામાન્ય વાત કહેવાય. અને આજે અમે જે જીવનની યાદગાર ક્ષણો માણી તેને ધન્યતા કહેવાય. ફરીથી અમે સૌ રામસિંગકાકાની GJ6 Z 3209 નંબરની તાવેરામાં ગોઠવાઇ ગયા. અમારી તવેરાએ ઉપર તરફ ચડાણ શરુ કર્યું અને અમે પહોંચી ગયા view point 3 ઉપર. હા આ એ જ view point હતો કે જ્યાં સરદાર પટેલની વિરાટ પ્રતિમાનું અનાવરણ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. હા આ એ જ ગુજરાતના મુખ્યમંત્રી છે કે જેમણે 2006ની સાલમાં ડૅમની ઉંચાઇ 110.64 મી. થી 121.92 મી. લઇ જવા માટે ભૂખ હડતાલ કરી હતી. તે સમયે સમગ્ર ગુજરાતની જનતા તેમની સાથે હતી. અને ત્યારે "નર્મદા કા બંધ નહી રુકેગા ઔર ગુજરાત નહી ઝુકેગા" ના નારા સંભળાતા હતા. હજારોની સંખ્યામાં કોલેજીયનો પણ જોડાયા હતા. એનો ફાયદો તો જુઓ 2001ની ગણતરી મુજબ 40,000 કરોડ કરતા વધારેના ખર્ચે તૈયાર થયેલ આ પ્રોજેકટ છેલ્લા 5 વર્ષમાં 2 વખત ઓવરફ્લો થયો છે અને 2200 કરોડની વિજળી પણ પેદા કરી આપી. હા આ આંદલોન સમયે બાકીના ત્રણ રાજ્યો કે જેમને આ યોજનાનો ફાયદો મળવાનો જ છે તેમનું કોઇ જ હાજર ન હ્તું. કારણ કે વોટબેંક તૂટવાની બીક હતી. અમે view point 3 પરથી ફરીથી ડૅમને ઓવરફલો થતો જોયો. આ નજારો ખૂબ જ નજીકથી જોવાની મજા આવતી હતી. કદાચ આને જ view point કહી શકાય. અમે અહીં ઘણા ફોટા પાડ્યા. ત્યાં બાજુમાં પડેલા રોપ-વે કેબલના સેમ્પલને જોઇને અમારી આંખોને વિશ્વાસ બેસતો જ ન હતો. તે કેબલનું એક ફૂટનું વજન 22કિ.ગ્રા. હોય છે. 1987-88 માં કંડલા બંદરેથી આ કેબલને લાવતા 6 મહિના થયા હતા. 1567 મી. લાંબો સળંગ કેબલ એ જમાનામાં એક રેકોર્ડ હતો. ત્યારે દુનિયામાં કોઇ પાસે આવો સળંગ અને વજનદાર કેબલ કોઇ પાસે હતો નહી. કેબલ જર્મનીથી આયાત કરવામાં આવ્યો હતો. આ કેબલ રોપ-વેમાં 28 ટન માલ લઇ જવાની ક્ષમતા છે. હા એટલે કે 3 ટ્ર્કનો માલ એક સાથે નાખવામાં આવે છે. એટલે કે 2000 સ્કે. ફિટનું ધાબુ બે જ બકેટમાં પુરુ થઇ જાય. 7 હાથી ને બાંધીને લટકાવીને લઇ જવાય એટલી ક્ષમતા આ કેબલની છે. હવે તો આ કેબલને ઉપરથી જોવાની ઈચ્છા વધવા લાગી હતી. અમે સૌ પાછા ગાડીમાં ગોઠવાઇ ગયા અને અમારી ગાડી ડૅમના સૌથી ટોચના ભાગમાં જવા લાગી. હવે પાછું અમારે ચેક પૉસ્ટ પરથી City Ride માં ઉપર જવાનું હતું. અમે ડૅમના તળિયાથી અત્યારે 163 મી. ની ઉંચાઇ પર ઉભા હતા.દરિયાઇ સપાટી(sea level) થી અત્યારે અમે 146.5 મી.ની ઉંચાઇ પર હતા. ત્યાં પહોંચતાની સાથે જ અમે જર્મની મેઇડ મુવેબલ ક્રેઇન જોઇને અમે સૌ ચકિત થઇ ગયા. આ ક્રેઇન 110મી. ઉંચી છે એટલે કે કુતુબમિનાર (71 મી) કરતા પણ ઉંચી. બન્ને છેડા પર ઉભેલી આ ક્રેઇન પેલા 1567 મી. લાંબા કેબલને જોડતી હતી. અત્યારે અમે એવી જગ્યાએ ઉભા હતા કે જ્યાંથી એક બાજુ ઓવરફ્લો થતો ડૅમ અને બીજી બાજુ આફાટ ફેલાયેલ સરદાર સરોવર જોઇ શકાતુ હતું. ખરેખર અદભૂત નજારો હતો. સરોવરમાંથી નીચે ટર્બાઇન માટે ખેંચાતું પાણી અને તેના કારણે ઉત્પન્ન થતા વમળો જોઇ શકાતા હતા. આ વમળો માત્ર 110.64 મી. ના લેવલ સુધી જ જોવા મળશે. કારણે આ લેવલથી ટર્બાઇન ધમધમતા બંધ થઇ જશે. આ સરદાર સરોવર નર્મદા નદી પર તૈયાર થયું છે. અને આ જ નદી પર કુલ 29 ડૅમ આવેલા છે. સરદાર સરોવરની જળરાશી આગળના ડૅમ મહેશ્વર ડૅમ સુધી ફેલાયેલી છે. ઉંચાઇની દ્રષ્ટિએ જોવા જઇએ તો નર્મદા ડૅમ ભારતમાં ત્રીજા નંબરે આવે છે. બીજા નંબરે ઉતર પ્રદેશનો લખવાર ડૅમ કે જેની ઉંચાઇ 192 મી. છે જ્યારે પ્રથમ નંબરે હિમાચલ પ્રદેશમાં આવેલો ભાકરા નાંગલ કે જે 226 મી. ની ઉંચાઇ ધરાવે છે. પરંતુ કોંક્રિટ્ના જથ્થાની વાત કરીએ તો નર્મદા ડૅમ દુનિયામાં બીજા નંબરે આવે છે. પહેલા નંબરે અમેરિકાનો ગ્રાંડ કુલી ડૅમ જેમાં 80 લાખ ઘન મી. કોંક્રિટ વપરાઇ છે. જ્યારે નર્મદામાં ડૅમ 70 લાખ ઘન મી.કોંક્રિટ વપરાઇ છે. આ ડૅમની સ્પિલવે ડિસ્ચાર્જ કેપેસિટી 87,000 ક્યુસેક છે. જે દુનિયામાં ચીન અને બ્રાજિલના ડૅમ પછી ત્રીજા નંબરે આવે છે. ચોમાસામાં જ્યારે પૂર આવે છે ત્યારે આ નદી 488 મી.ની પહોળાઇ પર અને ઉનાળામાં 45.70 મી. પહોળાઇ પર વહેતી હોય છે. આ રૅકોર્ડ બ્રેકર આંકડા અમે સૌ ગોવિંદભાઇ પાસેથી સાંભળી રહ્યા હતા. આટલા જથ્થામાં પાણી વહન કરતા ડૅમની મજબૂતાઇની સાબિતી આપતા સામે પાર આંગળી બતાવીને ગોવિંદભાઇએ અમને કહ્યું કે સામે સિમેન્ટ કોંક્રિટ તૈયાર થાય છે. જેમાં આ જ નદીના ગ્રેવલનો ઉપયોગ થાય છે. 5 ml થી 150 ml સુધીનો ગ્રેવલ એમાં વાપરવામાં આવે છે. એને કોસ્ટિક સોડામાં ધોવામાં આવે છે. ત્યાર બાદ પ્લાન્ટમાં લઇ જવામાં આવે છે. ત્યાં તે -13.4 સે. તાપમાને બને છે. તેથી તેને આઇસ કોંક્રિટ પણ કહે છે. આ કોંક્રિટ તૈયાર થયા પછી 20 જ મિનિટમાં તેનો ઉપયોગ કરી લેવો પડે છે. હવે સમજાતુ હતુ કે જર્મનીથી પેલી ક્રેઇન અને કેબલ કેમ મંગાવવા પડ્યા હતા. ગોવિંદભાઇ આ માહિતી આપતા હતા ત્યાં આવી અનેક ટૅક્નોલોજીના શોધકો અને આ બંધ નિર્માણમાં ફાળો આપનાર અનેક લોકોને મારાથી અનાયાસે વંદન થઇ ગયા. 1946 માં સરદાર વલ્લભભાઇ પટેલ, જમશેદજી તાતા અને ભાઇકાકા એ ભેગા મળીને આ ડૅમનું સ્વપન જોયું હતું. કારણ કે નર્મદા ભારતની પાંચમી મોટી નદી છે. નર્મદાનો કુલ બેસીન વિસ્તાર 97,410 ચો. કિ.મી. છે. જેમાં 85,858 ચો. કિ.મી. મધ્યપ્રદેશમાં, 1658 ચો. કિ.મી. મહારાષ્ટ્ર અને 9894 ચો. કિ.મી. નો બેસીન વિસ્તાર ગુજરાતમાં છે. 1946 માં Central Waterway Irrigation and Navigation commission (CWINC) જે હાલમાં Central Water and Power ના નામે ઓળખાય છે તેના નેજા હેઠળ તપાસ હાથ ધરાઇ અને આખરે નવાગામની જગ્યા પસંદ થઇ. અને પંડિત જવાહરલાલ નહેરુના હાથે શિલારોપણ થયું. નર્મદા નદીની કુલ લંબાઇ 1312 કિ.મી. છે. તેમાં તેના ઉદગમ સ્થાનથી 1163 કિ.મી. દૂર આ ડૅમ નિર્માણ પામ્યો છે. અમે ઉપર ઉંચાઇ પર ઉભા- ઉભા જ્યારે સરદાર સરોવર જોતા હતા ત્યારે ત્યાં મેં દિવાલ પર 138 મી. નું સ્થાન માર્ક કરેલું જોયું. અને મનોમન મેં ભગવાનને પ્રાથના કરી હતી કે હે ભગવાન શક્ય હોય એટલું ઝડપથી આ લેવલ સુધી બાંધકામ કરવાની ગવરન્મેંટને સદબુધ્ધી આપજે. કારણ કે જીવન સરળ બને તેવા ઉપકરણો રોજે રોજ શોધાતા જાય છે. માનવ સતત તેનો ઉપયોગ કરતો રહે છે. ડગલે ને પગલે ઇલેકટ્રીસીટીનો વપરાશ વધતો જાય છે. ગામડામાં પણ ઇલેકટ્રીસીટીનું કંઝપ્સન શહેરી વિસ્તાર જેટલુ જ થવા જાય છે. ગામડે ગામડે વિજળી પહોંચી છે. આ વિજળી એ ગામડાઓ ને હાઇટેક કર્યા છે. શહેરો હવે મહાનગરો કે મેટ્રોસિટિમાં ફેરવાતા જાય છે. અને છતાં સાંચા આંકડા જોઇએ તો શરમથી માથુ ઝુકી જાય. હા, ભારતમાં માથા દિઠ વિજળીનો વપરાશ 430 kwh છે જ્યારે અમેરિકામાં આ જ આંકડો 12300અને ચીનમાં 720 kwh નો છે. અને આવી હકીકત જ્યારે ભણેલા પણ ન સમજે ત્યારે ભારતીય નાગરીક તરીકે શરમ આવવી જોઇએ. હા, અત્યારે હું આમીર ખાન વિશે જ વિચારતો હતો. ફના ફિલ્મના રિલિઝ સમયે અને બંધની ઉંચાઇ વધવાની હતી તે સમયે તે પણ ઉંચાઇ ન વધારાવના વિરોધમાં કૂદી પડ્યો હતો. આમીરને ખબર હોવી જોઇએ કે એ જ્યારે મહારાષ્ટ્ર્, મધ્યપ્રદેશ કે ગુજરાતમાં હોય અને જો એ ક્યાંક ઇલેકટ્રિસિટિ વાપરતો હોય તો એ ક્યાંય નર્મદાની તો નથી ને ! એને ખબર હોવી જોઇએ કે એ જ્યારે પીઝા, બર્ગર કે કેક નો ઓર્ડર આપે છે ત્યારે જે તે ઓવને વીજળી વાપરી છે તેમાં નર્મદાની વિજળી તો નથી ને! દોસ્ત આમીર વાત અહિંયા જ અટકતી નથી. તુ જ્યારે ગુજરાત ના કોઇ પણ ખૂણામાં હોય કે પછી રાજસ્થાનમાં હોય અને તને તરસ લાગે અને પાણીનો ગ્લાસ મંગાવ તો જરા પુછી ને પાણી પી જે આ નર્મદાનું તો પાણી નથી ને ! કારણ કે આ કેનાલ તો બધે પ્રસરેલી છે. તને એ પાણી પીવાનો જરાય અધિકાર નથી. નર્મદાના નીર રાજસ્થાન પણ પહોંચી ચુકયા છે તો વળી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત 57:27:16 ના પ્રમાણમાં વિજળી વાપરે છે. હું આગળ વિચારું ત્યાં તો પાછી City Rideઆવી ગઇ. અમે સૌ એમાં ગોઠવાઇ ગયા. અમે સૌ પાછા નીચે ઉતરીને અમારી તાવેરામાં ગોઠવાઇ ગયા અને અમારી તાવેરાએ નીચે તરફ ઉતરવાનું શરુ કર્યું. આગળ જતાં અમે સૌ પ્રથમ ગોડબુલે દરવાજો જોયો. જ્યાંથી તળાવમાં ભરાતી જળરાશીનું નિયંત્રણ કરવા સ્વ્યંસંચાલિત જળનિયંત્રણ દરવાજાઓ છે. ત્યાંથી અમે એક પછી એક એમ 4 સરોવર જોયા. જેમના નામ વડગામ, બહારફળિયા, પંચમૂલી અને ખલવાણી હતા. જેમાં ત્રીજા નંબરનું સરોવર પંચમૂલી સરોવર 105 મી.ની ઉંડાઇ વાળુ છે. વિશાળ જળરાશી અને આજુબાજુ પર્વતોની હાર જોઇને સરસ નયનરમ્ય નજારો ઉત્પન્ન થતો હતો. ગાડીમાં બેઠા બેઠા અમે જ્યારે આ નજારો જોતા હતા ત્યારે પણ મારા મગજમાં હજુ ટનલમાં આવેલું ટર્બાઇન સેક્શન જ આવતું હતું. ખરેખર હકિકત એવી હતી કે હું એકલો જ નહી પરંતુ બધા જ કંઇક ને કંઇક વિચારતા હતા.નિરજ સરે કહ્યુ કે કુદરતને ખરેખર સલામ આપવી પડે કારણ કે મારો તો થાક જ ઉતરી ગયો. તો વળી કલ્પેશસરે પણ મારા જેવું જ વિચાર્યુ અને કહ્યું ખરેખર ટૅકનોલોજી સ્વિકારવાવાળા અને ઉત્પન્ન કરવાવાળાઓના મગજ ને દાદ દેવી પડે. તો તરત જ જીગ્નેશસરથી બોલાઇ જ ગયું કે કાલરિયા આ નજારાની મુલાકાતે ન આવે તે બધાના નસીબ કેવા કમજોર કહેવાય. વાતમાં સૂર પૂરાવતા યજ્ઞેશસરે કહ્યું કે આવે તો કેટલાય પણ આપણે જે જોયું તે જોવા મળે તેને નસીબ કહેવાય. પાટીલસર તરત જ બોલી ઉઠયા કે આના માટે તો બધો યશ વિપુલસરને જ આપવો પડે. ત્યાં તો નાનકાણી તૂટીફૂટી ગુજરાતીમાં બોલી ઉઠયો કે મને તો નિરજ સરે જે વિધુત કેવી રીતે ઉત્પન્ન થાય તે સમજાવ્યુ તેમાં મજા પડી. વિપુલ સર થી બોલાઇ ગયું કે ડૅમ જોવાની ખરી મજા તો ડૅમ ઓવરફલો થાય તે જ જોવામાં છે. વાકય પતે ન પતે ત્યાં તો તરત જ નરેન્દ્રસર બોલી ઉઠયા કે હજુ તો આમાં સુધારો જરુરી છે. આટઆટલુ પાણી વહીને સીધુ દરિયામાં જતુ રહે તે ન ચાલે. 10% જ પાણી દરિયામાં જવું જોઇએ અને 90 % પાણી સિંચાઇ માટે વપરાય એવું કંઇક થવું જોઇએ. અહીંયા તો ઉલટું થાય છે. સાચી વાત છે ભાઇ આ શબ્દો એક ખેડૂત જ બોલી શકે. આજે એમનામાં રહેલો ખેડૂત બોલતો હતો એવું અમને સૌને લાગ્યું. પરંતુ અમારી પાસે એમની સાચી વાતમાં હા કહી શકાય એટલી જ સત્તા હતી. આટલી વાત થઇ ત્યાં તો નર્મદા કેનાલનો ઝીરો પોઇન્ટ આવી ગયો. ત્યાં પણ ગોવિંદભાઇના મગજમાંથી આંકડા નિકળવાના શરુ થઇ ગયા. આ કેનાલ 458 કિ.મી. લાંબી છે. જેની આ મુખ્ય શાખામાંથી 38 બીજી શાખાઓ નિકળે છે. રાજસ્થાનમાં પણ આ કેનાલ 75 કિ.મી. વિસ્તરેલી છે. દુનિયાની આ સૌથી લાંબી કેનાલ છે. ઝીરો પોંઇન્ટ પાસેથી 40,000 ક્યુસેક પાણીનું વહન કરનારી આ કેનાલ તળિયા પર 73 મી. પહોળાઇ અને સપાટી પર 102 મી. ની પહોળાઇ ધરાવે છે. આ જ નહેર ગુજરાત - રાજસ્થાન બૉર્ડર પર 2500 કયુસેક પાણીનું વહન કરે છે. જો આ આંકડા નાના લાગતા હોય તો સાંભળી લો કે અમદાવાદ શહેરની પાણીની દૈનિક જરુરીયાત 500 થી 700 ક્યુસેક છે. આ કેનાલે ગુજરાતની 18.45 લાખ હેકટર જમીનને ફાયદો કરાવ્યો છે. જેમાં 8215 ગામડા, 135 શહેરો અને 100 નદી સરોવરોને ફાયદો થયો છે. રાજ્સ્થાનના 135 ગામડા પાણી મેળવતા થયા છે. દુનિયાની પહેલા નંબરની આ RCC કેનાલ છે.આ ઝીરો પોંઇન્ટ પર 12.20 x 13.50 મી. ના 5 દરવાજા છે. દરેક ગૅઇટની ડિસ્ચાર્જ કેપેસિટિ 8000 ક્યુસેક છે. કેનાલથી ગુજરાતની ધરતી ધન્ય થઇ ગઇ છે. કારણ કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં સરેરાશ 10 માંથી 3-4 વર્ષ દુષ્કાળના હોય છે. ત્યાં આ કેનાલ વરદાનરુપ સાબિત થઇ છે અને હજુ ઘણે બધે વરદાનરુપ સાબિત થશે. કારણ કે ગુજરાતની 185 નદીઓમાંથી 8 જ નદી એવી છે કે જે બારમાસી છે. જેમાં સૌથી મોટી નર્મદા છે. અને મને યાદ આવી ગયો શ્લોક......
શં ન આપો ધન્વન્યા
શંભુ સમત્વનુપ્યા:
શં ન: ખનિત્રિમા આપ:
શનુયા: કુમ્ભ આમૃતા:
શિવા ન: સન્તુ વાર્ષિકી:
(મરુ દેશના જળ અમારા માટે સુખકર હો, અનૂપ્ય જ્લવાળા પ્રદેશોના જલ સુખકર હો, ખોદેલી નહેરોના જલ સુખકર હો, ઘડામાં ભરેલા જલ સુખકર હો, તેમજ વર્ષાઋતુના જલ અમારુ કલ્યાણ કરો.)
ધન્ય છે આના ઘડવૈયાઓ અને સહાયકો કે જેમનો અમૂલ્ય ફાળો આજે કેટલાય ને રાજી કરે છે. આ કેનાલનો રૅકોર્ડ એવો છે કે ભારતીય રેલ્વેનું નેટવર્ક 63000 કિ.મી.નું છે જ્યારે આ કેનાલનું નેટવર્ક 85898 કિ.મી. જેટલું છે. આ રૅકોર્ડ બોલતા હતા ત્યારે ગોવિંદભાઇના મોઢા પર એક તેજ હતું. અમે સૌ પાછા ગાડીમાં ગોઠવાઇ ગયા અને સમગ્ર સ્થળનો પરીચય મેળવીને પાછા જ્યાંથી શરુઆત કરી હતી તે જ્ગ્યા પર આવી ગયા. હવે અમારો સમય કેવડિયા છોડવાનો હતો. અમે એક ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ જોઇને ગોવિંદભાઇનો આભારમાની ને તાવેરામાં ગોઠવાઇ ગયા. સમગ્ર સમય દરમ્યાન અમને ચા પણ યાદ આવી ન હતી. અત્યારે સાંજના 6:30 થયા હતા. અમારી ગાડી દેવલીયા ચોકડી પર ઉભી રહી અને અમે બધા ચા પીવા માટે નીચે ઉતર્યા. હું ચાની ચુસ્કી લઇ રહ્યો હતો, પરંતુ મગજમાં તો નર્મદા ડૅમની ભવ્યતા જ રમતી હતી. અને મગજના એક ખૂણામાં એક વિચાર કેડો છોડતો જ ન હતો કે ચાર ચાર રાજ્યોને થતો 100% નો ફાયદો અને છતાં દેશની પ્રગતીને આડે આવતી અરુંધતી રૉય કે મેઘા પાટકરને શું મળતું હશે ? નર્મદામાં જળસમાધી લઇ લેવાની ધમકી આપનારી બાઇ માટે મારી પાસે એક જ શબ્દો હતા કે બેન હવે તો તમે જલ્દી સમાધી લઇ લો કે જેથી આ દેશનું કંઇક ભલું થાય. તો મારા મગજમાં અરુંધતી રૉયના એ શબ્દો ફરવા લાગ્યા કે " મોટા બંધ રાષ્ટ્ર્ના વિકાસ માટે એવા છે કે જાણે લશ્કરના હથિયારગૃહમાં પડેલો પરમાણુબોમ્બ. આ સામુહિક વિનાશના શસ્ત્રો છે. સરકાર આ બન્નેનો ઉપયોગ લોકોને અંકુશમાં રાખવા માટે કરે છે. આ બન્ને પોતાની જાત પર અશુભ સમયના સંકેત છે. આ જોડાણ દર્શાવે છે કે આ ફક્ત જોડાણ નથી પરંતુ માનવજાત જે રહે છે તે ગ્રહ સાથેની સમજૂતી છે. આ બુધ્ધિચાતુર્યતા ઈંડા ને મરધી સાથે, દૂધને ગાય સાથે, ખોરાકને જંગલ સાથે, પાણીને નદી સાથે, વાયુ/પવન ને જીવન સાથે અને પૃથ્વીને માનવના અસ્તિત્વ માટે જરુરી હોવાનું કબુલવા માટે મજબૂર કરે છે. (Big Dams are to a Nation's Development what Nuclear bombs are to its military Arsenal. They are both weapons of mass distruction. They are both weapons government use to control their own people. Both 20th century emblems that mark a point in time when human intelligence has outstripped its own instinct for survival. They are both maligant indications of civilisation turning upon itself. They represent the serving of the link, not just the link – the understanding between human being and planet they live on. They scramble the intelligence that connects eggs to hens, milk to cows, food to forests, water to rivers air to life and tha earth to human existance.) મને સમજાતુ નથી કે આ કેવી વાત કહેવાય આ લોકો દુનિયા સાથે અપગ્રેડ થઇને જીવે છે અને નવી ટેકનોલોજી માટે કશું ગુમાવવા તૈયાર નથી. બેમાંથી એક વાત સ્વિકારવી જ પડશે. તો જ કંઇક થશે. બાકી તો ભારત માત્ર અમેરિકા બનવાના સપના જ જોતુ રહેશે. ડૅમના થોડા ઘણા લેખા જોખા જોવામાં મારા મગજ ને તાવેરામાં બેઠા બેઠા મેં નવો વણાંક આપ્યો. ફેબ્રુઆરી 1999માં ડૅમની ઉંચાઇ 80 થી 88 મી. વધારવાની મંજૂરી મળી. ઓક્ટોબર 2000 માં 90 મી. લઇ જવાની પરવાનગી મળી. તો મે 2002 માં ઉંચાઇ 95 મી. લઇ જવાની પરવાનગી મળી. સૌથી સરસ સમાચાર માર્ચ 2004 માં આવ્યા ઉંચાઇ 110.64 મી. સુધી લઇ જવાની પરવાનગી મળી. અને આખરે માર્ચ 2006 માં બંધની ઉંચાઇ 121.92 મી. સુધી લઇ જવાની પરવાનગી મળી ગઇ અને ગુજરાત ધન્ય થઇ ગયું. 2006 થી ત્રણ ત્રણ વર્ષના વાણા વાઇ ગ્યા છે પણ એક પણ સારા સમાચાર આવ્યા નથી. ગુજરાતની 5 કરોડ જનતા ક્યારની રાહ જોઇને બેઠી છે. હું આટલું વિચારું છું ત્યાં તો કરનાળીનું મંદીર આવી ગયું છે. ત્યાં પણ અમે ઘણા નસીબદાર રહ્યા. મંદિરમાં રાત્રીના 8 વાગ્યે અમે દર્શન કર્યા. હું બીજા બે ત્રણ સર સાથે નીચે મહાકાળી મંદીરમાં પણ દર્શન કરી આવ્યો. મંદિરમાં થોડો સતસંગ પણ થયો. કરનાળીમાં અમારી જમવાની વ્યવસ્થા પહેલેથી જ પાટીલે કરી રાખી હતી. ત્યાંથી જમીને નિકળ્યા અને રાત્રે 10:30 અમે સનરાઇઝમાં પાછા ફર્યા. મેં મારા CBZની કિક મારી અને ઘરે જવા નિકળ્યો. પણ રસ્તામાં પણ મને તો ગોવિંદભાઇનું એક વાક્ય જ યાદ આવી જ્તું હતું. ખલવાણી સરોવર અમે જ્યારે જોયું ત્યારે ગોવિંદભાઇ બોલ્યા હતા કે સાહેબ આ સરોવરમાં મારી 16 એકર અને 9 ગુંઠા જમીન ગઇ છે. વગર કંપ્લેને જીવતા અને આજે આવી રીતે ગાઇડ તરીકે ફરજ બજાવતા અને ગુજરાન ચલાવતા કેટલા ગોવિંદભાઇ -અરુંધતી રૉય, મેધા પાટકર કે આમિરખાન સામે રજુ કરું. આવા ગોવિંદભાઇ જ દેશને જીવતો રાખે છે.
Ajit Kalaria
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
aum namo name narmade
જવાબ આપોકાઢી નાખોyou and all of very lucky to get good chanse to view over flow dem.and also very very luck get good guid without guid and any information no importance of such visit.
i realise all of you guys good enjoying and lot of knowledge acquire about dem.
but today i also very lucky i copy lot of information abou dem. i copy all your dem figure and data.its really amaging and you also good writing like full form easy.
at last i really miss this visit and also happy i get lot of information.
your friend
samir
bye
Good information and dam figures. But I was expecting some poet blogging here!
જવાબ આપોકાઢી નાખોExpecting something of your-kind.
Keep posting.
Hey, the water falling what you saw is more than what i saw before when it overflowed. I really missed the whole trip. Oye. I miss you all and my motherland India. Pray the god my targets get fulfilled soon and once again we rejoin and start our journeys again. Same way same method and same life. Again congratulations to all you guys for a fantastic trip where the nature and man join hands to create such a beautiful view of nature....... Jai Jai Garvi Gujarat.
જવાબ આપોકાઢી નાખોસરસ વર્ણન
જવાબ આપોકાઢી નાખો