રવિવાર, 20 જૂન, 2021

Father's Day Post by kanj






સવારમાં જ દીકરો આટલા સરસ શબ્દોમાં
અભિનંદન
પાઠવે ત્યારે એક પિતા તરીકે અનેરો ગર્વ અનુભવાય છે.હા, આજે Father's day ના દિવસે કંજે કાવ્યાત્મક શૈલીમાં જે રીતે કહ્યું એ સાંભળતા એના પર અનેરો ગર્વ થાય જ ! લો એને જ કહેલા ભાવનાત્મક શબ્દોની મજાની અભિવ્યક્તિ...
અરેબિકમાં એ અલઅબુ, તો જાપાનિઝ્માં એ ઓટોસાન.
ડચમાં એ વેડર તો મલયાલમમાં એ અચાન !
ટર્કિઝમાં એ બાબા તો તેલગુમાં એ તાન્દ્રી.
રશિયનમાં એ ઓતેત્સ તો કન્નડમાં એ તન્દે !
ઇટાલિયનમાં એ પાદ્રે તો ફ્રેન્ચમાં એ પેર.
અંગ્રેજીમાં ફાધર અને ગુજરાતીમાં એ મારા પપ્પા છે.
એમનું નામ અજીત.....
અજીત એટલે જેને કોઇ જીતી ન શકે !
અને
મને મારા પપ્પા પર ખૂબ જ ગર્વ છે
કારણ કે
હંમેશા કોઇની મદદ કરવા તૈયાર !
હંમેશા કોઇના સુ;’ખ માટે પોતાનું સુ:ખ છોડે
એ મારા પપ્પા... એ મારા પપ્પા....
હારેલી જંગને જીતે એ મારા પપ્પા
મંઝિલ ન મડે ત્યાં સુધી સતત કામ કરે
એ મારા પપ્પા... એ મારા પપ્પા...
મારા પ્રશ્નોના બધા જ જવાબ આપે એ મારા પપ્પા
મને હંમેશા મોટિવેટ કરે
એ મારા પપ્પા.... એ મારા પપ્પા....
મારા માટે મારા પપ્પા
એવરેસ્ટની ઉંચાઇ પર હતાં- છે –અને હંમેશા રહેશે જ !
I Love You Papa !
Happy Father's day Papa!
- Kanj Kalaria

ગુરુવાર, 17 જૂન, 2021

દાસ્તાન-એ-મોરબી ...... Proud to be a Morbian !!!!


એમ કહેવાય છે કે કુદરત તમને એક હાથે પાડે છે તો એ બીજા હાથે ઉપાડે પણ છે. અને સમયનું  આ ચક્ર સતત ચાલ્યા જ કરતું હોય છે. આવું ખાલી માનવ જીવનમાં જ બને છે એવું નથી ? આવું ક્યારેક કોઇક નગર સાથે પણ બની જતું હોય છે. આજે મારે આવા જ એક સમય ચક્રની વાત કરવી છે.  અને એ નગર-  એ શહેરનું નામ એટલે મોરબી.

મોરબી એટલે મચ્છુના પશ્ચિમ કાંઠે વિકસેલું એક મજાનું નગર. આ પ્રદેશમાં રહેતા માણસો એટલા તો સીધા કે મચ્છુના સામા કિનારાને પણ સાવ સાદું નામ આપી દીધું કે સામા કાંઠો !  હા, તમારે જો નદીના સામેના કિનારા બાજુ જવું છે અને કોઇ ને પુછો કે ક્યાં જવું છે તો સાવ સીધો જવાબ મળે કે સામા કાંઠે ! અરે, એટલું  જ નહી. આ નદી પર એક મજાનો પુલ અને આ નગરના રાજાએ વિદેશથી એક પાડાનું મજાનું સ્ટેચ્યુ મંગાવ્યું અને એ પુલ પર મુકાવ્યું અને પુલનું નામ પડી ગ્યું પાડા પુલ ! રાજા પેરિસમાં એક મજાનો મોટો લોખંડનો ગેઇટ જોઇને આવે અને ચોકમાં એવો જ ગેઇટ બનાવડાવે અને એને લીલો કલર થાય ને નામ પડી જાય ગ્રીન ચોક ! અરે, નગરની શરૂઆત થાય અને સ્થાપત્ય કલાનો એક અદભૂત નમુનારૂપ મોટો દરવાજો આકાર પામે અને અહીંની સાવ સરળ પ્રજા એને ઓળખે નગરદરવાજાના નામથી જ ! અરે, મચ્છુ નદીને પાર કરવા માટે અહીંના રાજાએ એક મજાનો ચાલીને પાર કરી શકાય એવો એક સસ્પેંશન બ્રીજ બનાવ્યો અને સાવ સરળ લોકબોલીમાં એનું નામ પડી ગ્યું ઝુલતો પૂલ !  પણ , આ ઝુલતા પૂલ અને પાડા પૂલની નીચેથી જે મચ્છુ વહે છે ને એણે 1979 માં મહાકાળી બની રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તું ! અને આ નદી પરનો ડેમ તુટ્યો ! નગરની એન્ટ્રી સમા નગરદરવાજે 73 ફૂટ સુધી પાણી ! જાણે સમગ્ર નગર પાણી – જ - પાણી ! દરેકે કોઇ ને કોઇ સ્વજન ખોયું-  તો કોઇ પરિવારજન-  તો કોઇ મિત્ર ! જાણે ઘર દીઠ દુ:ખના શૌલાબ મંડાણા. પણ જાણે, આ વિનાશની પાછળ કુદરત કોઇ ચોક્ક્સ વિકાસના પગથિયા ચણી રહી હતી એ ક્યાં કોઇ ને ખબર હતી. અને 80 ના આવનારા દશકમાં મોરબીએ નળિયા અને ધડિયાળના ઉધ્યોગ થકી એક નવી જ ઓળખ ઉભી કરી. જાણે મોરબીની એક આગવી આઇડેંટીટી ઉભી થઇ !

અને બે દશકમાં મોરબીએ એક સીધી રેખામાં સરળ પણ નોંધનીય વિકાસ ચોક્ક્સ પણે કર્યો. પરંતું 21 સદીના વધામણા સાથે ઉભેલા મોરબી સામે એક નવી જ આફત ફરીથી આવી અને વર્ષ 2001 માં ભૂકંપે – ધરતીકંપે ફરીથી મોરબીને ધમરોળ્યું. અનેક મકાનો ધરાશયી થયા. મોરબીની સાન સમો નગરદરવાજા પણ જાણે ખંડિત થઇ ખર્યો. મોરબીની આસપાસના અનેક ગામ જાણે ખંડેર બન્યા. અનેકના જીવ ગ્યા તો અનેક નોધારા બન્યા. અનેક પરિવારો ઘરવિહોણા બન્યા!  ગરીબ હોય કે ધનાવાન બધા જ કોઇકને કોઇક રીતે હેરાન થયા. પણ માનવતા છડી પોકારી ઉઠી અને ન ધારેલા ન કલ્પેલા સમયમાં ગામ ના ગામ બેઠા થયા. મદદ કરવા - પોતાના જ ભાઇ ભાડુંઓને ઉભા કરવા - એક બીજાનો સહારો બનાવા જાણે સૌ લાગી પડ્યા અને સામેવાળાનું દુ:ખ પોતિકુ ગણી ખભે ખભો મિલાવી કુદરતની થપાટ સામે માણસની હિંમતને જીતતી સાબિત કરી બતાવી. અને ફરીથી બે દશકને અંતે એક નવા વણાંક સાથે મોરબીને પ્રગતિના પર્યાયરૂપે આર્શિવાદનો વરસાદ સિરામિક ઉદ્યોગના રૂપમાં મળ્યો. નળિયાની જ્ગ્યા હવે ટાઇલ્સ ઇંડસ્ટ્રીસ લઇ રહી હતી. અને આ ટાઇલ્સ ઇન્ડ્સ્ટ્રીસે સમય સાથે કદમથી કદમ મિલાવીને સતત અપડેટ રહીને એક દશકના અંત સુધીમાં તો વિશ્વકક્ષાએ મોરબીને એક આગવી ઓળખ અપાવી અને મોરબી ખરા અર્થમાં સિરામિકનું હબ બન્યું. અરે, આ બાબતમાં તો મોરબીએ ચીનને પણ વિશ્વકક્ષાએ હંફાવ્યું ! ટુંકમાં યુરોપ હોય કે અમેરિકા ટાઇલ્સ માટે મોરબી ફરજીયાત બન્યુ. વિશ્વાકક્ષાએ ટાઇલ્સનું હબ બનેલ આ મોરબી ડોમેસ્ટીક કક્ષાએ તો વટથી કહેતું થયું કે આજે ભારતના કોઇપણ ઘરમાં કાં છત્તમાં નળિયા સ્વરૂપે કાં દિવાલ પર ઘડિયાળના સ્વરૂપે કાં તો જમીન પર કે દિવાલ પર ટાઇલ્સના સ્વરૂપે મોરબી સતત શ્વાસી રહ્યું છે. અને આના માટે દરેક મોરબીવાસી ગર્વથી કહી શકે કે Proud to be a Morbian !

પરંતુ 2001ના ધરતીકંપના બે દશક બાદ ફરીથી એક આફત આવી અને આ આફત એક અદ્રશ્ય શત્રુ સામે હતી.  ચાર દાયકા પહેલા પુરની થપાટ ખાઇ ને ઉભેલો કે બે દાયકા પહેલા ખંડિત થઇ મરામ્મત પામેલો નગરદરવાજો આ વખતે તો એમ જ અડિખમ ઉભો હતો પણ નગરજનો પર કાળો કેર બની કોરોના વાયરસે સન્નાટો બોલાવી દીધો. અને એને કારણે મોરબીની સાન સમો નગરદરવાજો એક સન્નાટાને ખાળી રહ્યો હતો. કોઇની ય અવરજવર વગર એ એક જાણે સમાધીસ્થ અવસ્થામાં સાધુતા ધારણ કરીને ઉભો હતો. સમગ્ર શહેર જાણે ખામોશ બની ગયું. 2020 ની પહેલી લહેરમાંથી તો સરળતાથી નિકળાયું પણ 2021 ની બીજી લહેરે અનેક લોકો માથેથી જાણે છત્ર છીનવી લીધા. સન્નાટો પામેલા માનવ વિહોણા રસ્તા અને એ રસ્તા પર દોડતી એમ્બ્યુલન્સના સાયરનના અવાજ અને લોકોથી ઉભરાતી હોસ્પિટલો જાણે હ્રદય કંપાવી જવા અને આંખોમાં આંસુ લાવી જવા માટે પુરતા હતાં. ઉપરથી R T – PCR test કે રેપિડટેસ્ટ કે સીટીસ્કેન માટે થતી દોડાદોડી અને ક્યાંક ખૂટી પડતા શ્વાસના ઠેક ઠેકાણે દ્રષ્યો જાણે જોનારને વ્યથીત કરી મુકનારા હતાં. શહેર છોડીને બીજે સારવાર લેવા માટે પણ લોકોની અરજકતા ભરી દોડ હતી. પણ જાણે એ કાળમુખો કોરોના કોઇ ને ય છોડવા તૈયાર જ ન હતો. અરે, સરળ શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે જાણે દરેક ઘરમાં ક્યાંક શ્વાસ ખૂટ્યા હતા. આંખોમાં આંસુ અને ફરિયાદ સાથે જૂજતા માણસનું એ ભયાવહ દ્રષ્ય હતું. ન કલ્પેલો અને ન ધારેલો એ ભયાવહ સમય હતો. અરે, સન્ન્નાટાના પડઘમ વચ્ચે જાણે અફરાતફરીનો માહોલ હતો. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ મુજબ અસ્તિત્વ માટેનો જીવન સંઘર્ષ જાણે મનુષ્ય પ્રતિક્ષણ લડીને જીવી રહ્યો હતો. દરદીઓ માટે બેડ ખૂટ્યા ! ઇંજેકશનો ખૂટ્યા ! અરે,  ઓકિસજન પણ  ખૂટ્યો  ! પણ આ બધા વચ્ચે માનવતા ક્યાંક આળસ મરડીને બેઠી થઇ – માણસાઇ જાગી. બંધુતા જાગી અને સમાજના આગેવાનો – કુબેરપતિઓ ને થોડા વિઝનરીઓ સાથે મળ્યા અને એક મહામારીના ભયાવહ ભરડામાંથી મોરબીને બહાર લાવવા કોઇ મદદની અપેક્ષા વિના જાતે જ પ્રયાસો શરૂ કર્યા. જાણે, હરીન્દ્ર દવેની કવિતા જાણે આજે આજે પ્રત્યેક morbian ને આહવાન આપીને ઝગાડી રહી હતી.... કે

આજે આથમેલા સૂર્યના સોગંદ 

હું કાલે સૂર્ય બનીને ઊગીશ 

પ્રચંડ જ્વાળા બનીને સળગીશ. 

એક વિરાટ શૂન્યમાં 

એકલવાયો આગળ વધીશ

પ્રખર મધ્યાહનથી રાતીચોળ સાંજ સુધી 

મારી એકલતા આ ક્ષિતિજે ડૂબશે 

ત્યારે કોઇક બીજી ક્ષિતિજ પર એ 

ઊગતી હશે.

 

નવો સૂર્યોદય અને નવી ક્ષિતિજો સર કરવા અને ફરીથી એ જ પ્રગતિની રફતાર પકડવા માટે ગણતરીની કલાકોમાં મોરબીના નરબંકાઓએ અથાક પ્રયત્નો થકી આખો ઓકિઝન પ્લાન્ટ ઉભો કરી દીધો. અથાક પ્રયત્નોએ એવા તો રંગ જમાવ્યો કે હવે તો બીજા શહેરથી લોકો મોરબી તરફ વળ્યા.  ક્યાંક આ મહેનતે જ  ઘરદીઠ નીકળતા આંસુઓના સૈલાબને રોકી દીધો. અને ફરીથી થોડા જ દિવસોમાં બમણા વેગથી લડી લેવા એ જ રૂટીનમાં સૌ મોરબીવાસીઓ લાગી પડ્યા. આ મહામારીમાં ઉભા થયેલ મોરબી માટે નવા દશકની દસ્તક પર હવે તો મને પુરો વિશ્વાસ છે કે હવે, માત્ર ભારત જ નહી વિશ્વના ખૂણે ખૂણે એક અમીટ છાપ છોડી જવા મોરબી ઉભુ થયું છે. હિંમત અને સાહસ કે રિસ્કટેઇકિંગ મિજાજથી ભરપૂર મોરબીની પ્રજા એક અલગ જ પ્રકારનો ઇતિહાસ રચી જવા તૈયાર થઇ ચુકી છે.! આવનારી પ્રગતિના પગરવનો થનગનાટ એ મચ્છુકાંઠાનું મોરબી ક્યાંક કરી રહ્યું  છે એ પાક્કી વાત છે. અને એ થનગનાટને આ તકને ક્યારે આ Morbians પકડી લે  અને પોતીકી કરી લે એની જ રાહ છે ,અને ક્યાંક એટલે જ અહિંની પ્રજા માટે સાહિત્યમાં કહેવાયું છે કે ......

“મચ્છુકાંઠો ને મોરબી, વચમાં વાંકાનેર
ચંગા માડું નીપજે, પાણીહુંદો ફેર.”

મચ્છુનું પાણી પી ને પાણીદાર બનેલા પ્રત્યેક  morabian માટે  મને તો વિશ્વાસ છે કે આવનારો સમય આપણો છે જગતના ચારે ખૂણે છવાઇ જવાનો છે દુનિયામાં ડંકો વગાડી દેવાનો છે. ક્દમથી કદમ મિલાવીને દુનિયા સર કરી જવા હું તો તૈયાર જ છું  જરૂર છે પ્રત્યેક Morbians સાથની !!!!! અને મને પાકો વિશ્વાસ છે કે તમે સાથે છો જ ! અને આવતીકાલ આપણી છે ...... સાચું કહું -  Proud to be a Morbian !!!! Jai Hind.

 

 


બુધવાર, 26 મે, 2021

કવિતાને કિનારે....કિનારે......

કવિતાને કિનારે....કિનારે......




સ્પર્શની સુંવાળપ પામતો ઓછા શબ્દો થકી રજુ થતો શબ્દ વૈભવ એ કવિતા જ હોઇ શકે. કવિતા-એ-કવિતા છે, એની સરખામણી ક્યાંય કોઇ સાથે શક્ય જ નથી. કોઇક ગદ્ય- પદ્યમય હોઇ શકે પણ કોઇ પદ્ય ક્યારેય ગદ્યમય ન જ  હોઇ શકે ! આમ, કવિતા પોતે યુનિક છે, એની સરખામણી આ જ કારણે શક્ય નથી. 
લખવા બેઠા અને કાગળ પર લખાય જાય તે કવિતા નથી. કવિતા એટલે સ્વયંસ્ફુરણા. એનો અસ્ખલિત પ્રવાહ ક્યારે ચાલુ થાય તે નક્કી જ નહી ને ! જાણે અચનાક જ કોઇ પર્વત પર વાદળો ઘેરાય અને મુશળધાર વરસાદ તૂટી પડયા પછી એ પર્વત પરથી જાણે ચારે બાજુ જેમ ઝરણા વહેવા માંડે તેમ ઉછળતા કૂદતા શબ્દો આવે ને ત્યારે કવિતા રચાય ! આ શબ્દો કંઇ બંધ ઓછા થાય! એ તો પેલા ઝરણાની જેમ ખળખળ કરતાં આગળ વધે જ ! દરેકનો સોદો થાય કવિતાનો સોદો ન થાય. કવિતાનું મૂલ્ય રુપિયામાં ન અંકાય, અરે! તેનું તો બાર્ટરિંગ પણ ન થાય. તે તો માત્ર કોઇકના હ્રદયમાં ઉગે અને પછી અનેકના હ્રદયને વલોવે !  ક્યારેક તો એવું પણ બને કે કવિતા એકથી બીજાના હાથમાં અને બીજાથી ત્રીજાના હાથમાં જાય અને ક્યાંક કવિવરનું નામ ભૂલી જવાય અને છતાં પણ એ તો આગળ વહેવાની જ ! હજારો હૈયાને પુલકિત કરવાની જ !  ક્યારેક તો એમ થાય છે કે કવિતા હ્દયના ભાર ને હળવો કરવા જ જ્ન્મી છે. ક્યારેક કવિતાનું સ્વરુપ તો પ્રિયજ્ન કરતા પણ વહાલું લાગે.
જ્યારે વેદનાને વાચા ફૂટે, જ્યારે લાગણીની ભીનાશમાં હ્રદય ભીનું બને, જ્યારે મનમંદિર ક્યાંક આનંદના હિલોળે ચડે, જ્યારે જીવનમાં પ્રેમના ગણિતના દાખલા રચાતા હોય ને ત્યારે ક્યાંક કોઇકના હ્રદયમંદિરમાં કવિતા ફૂટતી હોય છે. તો વળી ક્યાંક યુદ્ધ મોરચો મંડાયેલો હોય અને ઉત્સાહ વર્ધક શબ્દો કોઇક સૈનિકને ઝંકઝોળ કરી શકે એ શબ્દ વૈભવનો થનગનાટ એટલે જ કવિતા !  ક્યાંક નાના બાળકને સમજાવવા તો ક્યાંક કોઇકને મનાવવા જ્યારે શબ્દો હ્રદયમંદિરમાંથી નીકળે અને એ પણ પાછા કોઇક પ્રાસ સાથે ત્યારે સમજવું કે કોઇક કવિતા આવી છે. સાચું કહું - તો વળી, ક્યાંક કોઇક આશ્ચર્ય પણ કવિતા જન્માવી જાય એવું પણ બને ! ક્યાંક કોઇક રાજા પણ કવિ હોઇ શકે ! લાંબા ઇતિહાસ ને છોડો - આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇ કવિ હતા તો હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કવિ છે જ ! કોઇક ધ્યેય, કોઇક સપના કે કોઇક પરિસ્થિતી, લાગણી, સંબંધ, માંદગી, યાદો, જ્યારે એક વલોણામાંથી પસાર થતી હોય ત્યારે ક્યાંક કવિતા ઉદભવતી હોય છે ! ટુંકમાં કહું તો, જીવંતતાનો ખ્યાલ આપતી સૌથી સુંદર પરિભાષા એટલે કવિતા.
કવિતા એ ચેતનાની એક પરમ અવસ્થા છે તો ક્યાંક કવિતા જુસ્સાનો જ્વાળામુખી છે. કવિતા ક્યાંક સૌંદર્યને  ગરીમા બક્ષનારી રિધમ છે તો ક્યાંક કવિતા પથ્થર દિલને પણ પિગળાવનારી છે. કવિતા ક્યાંક મરસિયા રૂપે વહેનારી છે તો ક્યાંક છંદોના અલંકાર થકી નવૌઢા જેવી લાવણ્યકારી થઇ ઊઠનારી છે. કવિતા કયાંક અછાંદસ હોવા છતાં અનેકને સ્પર્શી જનારી હોય છે તો ક્યાંક પોતાને જ પોતાનામાં સમવી લેનારી હોય છે. કવિતા ક્યાંક મધુર પ્રાર્થનાનું સંગીત છે. તો કવિતા કયાંક ખુમારી ભરી ગઝલ છે. 
કવિતા એ કંઇ શબ્દોની જુગલબંધી જ નથી. લયની લઢણ અને શબ્દોની ગોઠવણી એ પણ કવિતા નથી. આ બધામાં ક્યાંક,  હાઇકુ તો ક્યાંક ગઝલ તો ક્યાંક વર્ટિકલ રૂપે પણ કવિતા આવે! ક્યાંક છાંદશ તો ક્યાંક અછાંદશ સ્વરૂપે વહે એ કવિતા. અને એમાં ક્યાંક પંચ હોય તો ક્યાંક પ્યાર હોય. ક્યાંક વેદના હોય તો ક્યાંક શુરાતનના પડઘમ હોય. ક્યાંક પ્રેરણાનો ધોધ હોય તો ક્યાંક નિખાલસ રજુઆત હોય. ક્યાંક શુરાતનનું વાવાઝોડું હોય તો ક્યાંક અંજલિનો અભિષેક હોય. ક્યાંક આદ્યાત્મના અણસારાનો વૈભવ હોય તો ક્યાંક પોતાનો જ પરિચય આપનારી સ્વયમશિસ્તા બની સામે આવનારી સ્વ્યમસિદ્ધા હોય. કવિતા ક્યારેક સાધનામય રૂપે હોય તો ક્યાંક ભક્તિનો ભેખ ધરનારી હોય. કિવતા ક્યાંક હાસ્ય-અટ્ટહાસ્ય રૂપે હોય તો ક્યાંક આંસુઓના અભિષેક રૂપે હોય. તલવારની ધાર પર સરકતા શબ્દોનો વૈભવ આપે એ કવિતા, તો ક્યાંક પુષ્પનો અભિષેક પામી અબોલ છતાં બોલકું મૌન રજુ કરી આપે એ કવિતા ! અને છતાં ક્યાંક સુરેશ દલાલે ખુબ સરસ વાત કરી છે કે- 

કવિતા લખવી હોય તો લખો 
-લખો તમારી ગરજે. લખશો એટલે કવિતા થશે જ 
એની કોઇ બાંયધારી નહીં  આપી શકે. 
છંદ આવડે કે ન આવડે 
કવિતા કોઇ પૂર્વશરતથી આવતી નથી. 
એવું પણ બને 
કે આવવાની સાથે 
એનું કાગળ પર જ બાળ-મરણ થાય. 
પ્રક્ટ્યા પછી એ તમારાથી છૂટશે. 
તમારું નામ ભલે હોય કે ન હોય 
પણ એ શ્વાસ 
પોતાના જોર પર જ લેશે. 
ખંખેરી નાખશે વિશેષણોની જંજાળ, 
જીવનની સરિતા કે મરણનો સમુદ્ર 
કે વિષાદનો વડલો- આવાં આવાં 
રૂપકોને તો એ ફંગોળીને ફેંકી દેશે 
તમારી નજર સમક્ષ જ. 
આ બધું જોવાની અને જીરવવાની 
તાકાત હોય, 
અને ભૂંસવાની તથા નવેસરથી ફરીથી 
લખવાની ભીતરી ગરજ હોય તો 
- લખવી હોય તો લખજો. 
કદાચ, એ કવિતા હોય તો હોય. 

જ્યારે માર્મિક તથ્યોને બાજુ પર મુકી પોતાના સ્વાર્થ ખાતર શબ્દોની ગોઠવણી થતી હોય છે ત્યારે એ મીંઢાપણાથી કવિતા સનેપાત અનુભવતી હોય છે. સર્જનશીલતા પર જાણે આતંકવાદી હુમલો ! આખી રચનામાં શબ્દરંગનો મજાનો વૈભવ હોય પણ પૂર્વગ્રહ હોય ત્યારે કવિતા એ કવિતા નથી રહેતી. પૂર્વગ્રહોથી પિડિત વ્યક્તિ જ્યારે કવિનું બિરૂદ પામે ત્યારે ખરા અર્થમાં એ કવિતા એનું કવિતાત્વ ગુમાવી બેસતી હોય છે અને એ વેદના શબ્દાતીત હોય છે. જ્યારે કોઇ કવિમાં કે એની રચાનામાં સ્વાર્થી અપેક્ષાઓ પગ પેસારો કરતી હોય છે ત્યારે એનું કવિત્વ નાશ પામતું હોય છે. ટુંકમાં કોઇક અસર તળે ઉદભવે એ બધું જ હોઇ શકે પણ કવિતા તો ન જ હોઇ શકે. શબ્દોની ધડકન જોવી હોય અને શબ્દોનો થડકાટ અનુભવવો હોય તો કવિતા ને પામવી પડે એ મુદ્દાની વાત ત્યારે ક્યાંક ત્યારે ભુલાતી હોય છે . અરે, કવિતા તો માણવા અને પામવા સર્જાઇ હોય છે. એ તો પ્રાણ ન ધરાવનારી પ્રાણધાર વાહિની છે આ વાત જેને સમજાય એ જ ખરા કવિત્વને પામી શકે. 
કવિતા લીંપણ કે ગૂંથણ નથી એ તો જાણે સંઘેળા અવતારે ચેતનાની પરમ અવસ્થાએ પ્રગટતું નાદબ્રહ્મનું આલેખન ! કવિતા તો હૂંફ આપે ને જરૂર પડ્યે પિગાળે પણ ખરી ! કવિતામાં ક્યાંક પ્રેરણાનો પગરવ હોય છે તો ક્યાંક હિમાલયની અડગતા ! કૃષ્ણએ કહ્યું છે ને કે અગ્નિમાં હું જઠરાગ્નિ છું એમ કવિતા કહી શકે કે  શબ્દોના લયમાં છાંદશ કે અછાંદશ સ્વરૂપે સૌના દિલમાં રહેનારી શબ્દોના વહાવમાં વહેનારી શબ્દ વૈભવનો અવતાર હું કવિતા છું. ગામની ગાગરથી લઇને અનંત ગગનની અખિલાઇ એના પર્યાય રૂપે બોલે એ કવિતા !  ટુંકમાં સમગ્રતાને સમાવી શકે અને અખિલાઇ પૂર્વક વ્યક્ત થઇ શકે એ કવિતા !  ઓછા શબ્દોમાં મર્મના પડઘમ પાડે એ કવિતા ! સફળતા નિષ્ફળતના સ્પંદનો ઝીલી એને લાવણ્યતા બક્ષી સૌના દિલની માલિક બની જાય એ કવિતા !  જે પોતાના પણાનો પોતીકો અહેસાસ કરાવી જાય એ કવિતા !  કૂંપળની જેમ ફૂટે ને ચારેકોર અસ્તિત્વમાં ભળે એ જ એની ખરી ઓળખ ! ટુંકમાં તેજસ્વિતા અને ઓજસ્વિતાથી ભરેલા શબ્દોનો વૈભવ એટલે કવિતા. 
અને કવિતાની આ બધી મજાની વાત જ્યારે કવિતા ખુદ બોલતી હોય તો કેવું ? હા, છેલ્લા મારે કોઇકે રચેલી અને કવિતા જ પોતે જ બોલે- એ કવિતા કહી ને પૂર્ણવિરામ મુકવો છે. 

એકાગ્ર ચિત્તે સુખ-દુ:ખ મારા સાંભળે છે કવિતા. 
ક્યારેક લાગણીઓમાં ન્હાય છે, તો ક્યારેક આંસુઓમાં ભિંજાય છે કવિતા.
મુજ સાથે બનતા હર એક બનાવની સાક્ષી થાય છે કવિતા. 
હસી રડી મારી સાથે મુજ સુખ-દુ:ખની ભાગીદાર બની જાય છે કવિતા. 
સમાવી લઇ ખુદમાં દર્દ, પીડા, વ્યથા મારી આક્રોસમાં એની છુપાવે છે કવિતા. 
રોષ, ગુસ્સા, અક્રોસને મારા ઢાળી શબ્દોમાં ખુદમાં સમાવે છે કવિતા. 
મારી હર એક ક્ષણને મહામુલી એની યાદોના જતનથી સાચવે છે કવિતા. 
ભાર માથાનો હળવો કરે ના કરે, મનને હળવાશ આપે છે કવિતા. 
ખેંચી લઇ ભાર મુજ હ્રદયનો હળવી ફૂલ મને બનાવે છે કવિતા. 
મનોરંજક બની, શોખ ભલે કહેવાય બીજા માટે, મારે માટે તો જીંદગીનો સહારો છે કવિતા. 
વાંચી મને, પોતે જ ઉતારે છે ખુદમાં, મારાથી ક્યાં લખાય છે “કવિતા”.

શુક્રવાર, 7 મે, 2021

માણસ નામે VIP

 




છાન્દોગ્ય ઉપનિષદમાં કહેલી વાત કે “સુખં ત્વેવ વિજિજ્ઞાસિતવ્યમ |”  (સુખની જીજ્ઞાશા રાખવી જોઇએ.) જેવી મજાની સુખમિમાંસાની વાતથી જે પુસ્તકની શરૂઆત થતી હોય એ પુસ્તકમાં મજા જ આવશે એ વાંચતા જ સમાજાઇ જાય. તો, બીજી બાજુ આ જ ઉપનિષદમાં થયેલ ૐ ના મૈથુન મહિમાની પણ વાત છે. તો વળી ક્યાંક ઇશોપનિષદનો મંત્ર બોલે છે, તો ઇશોપનિષદ પર ગાંધીજીએ કરેલું ક્વોટ છે જે આપણી સંસ્કૃતિની ગરીમાને ઉજાગર કરે છે અને આ ઉપનિષદ પ્રત્યે માન ઉપજાવે છે એ પણ છે. આ બધાની વચ્ચે ક્યાંક વેદમંત્રથી કોઇક લેખની થતી શરૂઆત મજાની લાગે છે. તો વળી, ક્યાંક માર્કેટીંગના પરીપ્રેક્ષ્યમાં ઋષિ વિશ્વામિત્રના ગાયત્રી મંત્રની વાત રજુ થઇ છે. એવું મજાનું પુસ્તક એટલે માણસ નામે VIP.”

દારા શુકોહને આવનારી પેઢી યાદ રાખે એ માટે એક માર્ગનું નામ દારા શુકોહ માર્ગ અપાય, એ માટે કરેલા પ્રયત્નો અને એ મજાનું કામ થયા બાદ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન પાસે જે માર્ગનું નામ દારા શુકોહ રખાયું એ જ માર્ગ પર કરેલ “દારા શુકોહ સ્મરણયાત્રા” ની ખુબ જ સરસ રજુઆત કરતો મજાનો લેખ જાણે આ પુસ્તકમાં મોરપિચ્છ સમાન ભાષે છે. કારણ કે એમાં ચારસો વર્ષ પહેલાના એક હાંસિયામાં ધકેલાઇ ગયેલ નામને – એક સેક્યુલર ફરીસ્તાને ફરી જીવંત કરી આજની પેઢી સમક્ષ રજુ કરવાનો નિ:સ્વાર્થ પ્રયત્ન છે. 

મેક્સમુલર, ડૉ. ડુલિટલ , આઇઝેક એસિમોવ, ખલીલ જિબ્રાન, આલ્બેર કામું, આર્નોલ્ડ ટોયનબી, સ્ટીફન એટેનબરો, ડૉ. રાધાકૃષ્ણન, ભર્તુહરી, રિલ્કે, લિન યુટાંગ, આલ્બર્ટ આઇનસ્ટાઇન, કન્ફ્યુશિયસ, જર્મન લેખક કેન્નેથ વોકર, ટી.એસ. એલિયટ આ બધાના કોઇક ક્વૉટ કે એમની કોઇક વાત ખૂબ જ સરસ રીતે આ પુસ્તકમાં રજુ થઇ છે, જે આ પુસ્તકની સમૃદ્ધિનો પુરાવો આપે છે.  તો વળી ક્યાંક, જાપાનીઝ કવિ નાગૂચીની વાત છે. તો બીજી બાજુ ક્યાંક રવિન્દ્રનાથ ટાગોર કે નરસિંહ મહેતા ના કોઇક પદની પણ વાત છે. પાકિસ્તાનના હસન નિસારની હિંમતની વાત છે. અને આ બધાની વચ્ચે ક્યાંક કોઇક સૂફી ફકિરની મજાની વાત એવી રીતે મહેકી ઉઠે છે જાણે વરસાદ બાદ ધરતીની મહેક !  

વિલિયમ બ્લેકની કવિતા ક્યાંક ઉપનિષદોની વાત વચ્ચે એવી રીતે રજુ થઇ છે કે જાણે કોઇ છોડ પર મજાનું પુષ્પ ખીલી ઉઠ્યું ! ઇલ્સલામી સૂફી પરંપરા જ્યાંથી શરૂ થઇ એ રૂમી ક્યાંક બોલે છે. ઇશ્વરમાં શ્રદ્ધા ન રાખનારા લોર્ડ બટ્રાંડ રસેલની કોઇક વાત છે. તો, ક્યાંક પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકરજીના વિચારો રજુ થયા છે, આટલા નામ હોય અને ગુણવંત શાહના પુસ્તકમાં એમના જીવનમાં એમને અપીલ કરી ગયેલા બે પાત્રો ગાંધીજી અને વિનોબાજી ન હોય એવું બને ! આ બન્ને મહાનુભાવોના વિચારો આ પુસ્તકમાં ખુબ જ સરસ રીતે રજુ થયા છે. તો ક્યાંક એમની સાથેની અસહમતી પણ સરળ નિખાલસતા સાથે રજુ થઇ છે. આ બધાની વચ્ચે ક્યાંક પિકચરના ડાયલોગની સુંદર પ્રસ્તુતિ મનને ઝંકૃત કરી જાય છે. આ બધી વાતોમાં ક્યાંક મહાભારતના શબ્દો  છે તો, ક્યાંક રામાયણની વાત વચ્ચે વિવેક અને સાધનાના રચયિત કેદારનાથજીની વાત ખીલી ઉઠે છે.

 

જીવનની ફિલોસોફીમાં- ને- શબ્દોની સમજુતીમાં ક્યાંક પ્રેમની વાત છે, સત્યની વાત છે અને આ વાતોની વચ્ચે ક્યાંક નિખાલસ બની રજુ થવાની વાત છે. તો, વળી કોઇક જગ્યાએ કામદેવના ભાથામાં રહેલા પાંચ તીરની વાત છે. સૂર્યોદય સાથે થતા અનંતના ઉત્સવની ખૂબ જ સરસ પ્રસ્તુતિ છે. ક્યાંક વળી, બોધીસત્વના સમયની સરભા હરણની બૌધ કહાની બોલે છે. તો, હરિયાણાના ગામમાં ચાલતી ખાપ પંચાયતોની વેદના સામે બુલ્લે શાહના શબ્દોનું માધુર્ય રજુ થાય છે ત્યારે જાણે ઉનાળામાં ક્યાંક ભીનાશ પ્રાપ્ત થયાનો અહેસાસ ! ક્યાંક સિદ્ધાર્થ ફિલ્મની વાત આવે છે અને સિદ્ધાર્થનો ડાયલોગ આવે છે કે મારી પાસે ધન નથી પરંતુ હું ત્રણ બાબતોને કારણે ધનવાન ગણાઇ શકું ! (1) I can’t wait. (2) I can fast. ( 3) I can think.  અને પછી આ વાત છેક ગાંધીજી સુધી જાય છે અને એક વિચારબીજ એમના જ જીવનના પ્રસંગો સાથે રજુ થાય ત્યારે ફરીથી વિચારવિશ્વમાં ગરકાવ થઇ જવાય છે. આ બધાની વચ્ચે જ્યારે કૈફી આઝમીની પંક્તિ આપીને પોતાનો મિઝાઝ રજુ કરે છે ત્યારે લેખક પ્રત્યેનું માન બેવડાય છે.

ભૂલ કરનાર માણસની વાત આખા એક આર્ટીકલમાં ખૂબ જ સરસ રીતે રજુ થઇ છે તો, એની પૂર્ણાહૂતી મહમદ પૈગંબરના શબ્દો સાથે સુંદર રીતે થઇ છે. જ્યારે અસ્રુપાવરની વાત આવે છે ત્યારે જાણે આપણી જ સામે અરીસો ધરાઇ જાય છે. અને થોડા સમય માટે જાણે વિચારમગ્ન થઇ જવાઇ છે. તો વળી, કોઇક લેખમાં મહારાજા રણજીતસિંહના સ્વભાવની સુંદર રીતે રજુઆત થઇ છે અને પછી એમાં જ્યારે આઇસબોર્ન કે પછી ફ્રેન્ચ વિચારક જેડીમા કે પછી નહેરૂના ડિસ્કવરી ઓફ ઇન્ડિયાના શબ્દો જે રીતે ક્વોટ થયા છે એ જાણે રણજીતસિંહની એ વાત માટેના સિગ્નેચર ! ક્યાંક અચાનક જ ઉત્ક્રાંતિના યુ ટર્ન જેવું  મજાનું ટાઇટલ આવે અને એમાં અહિંસાની વાત એટલી સરસ રીતે મુકાઇ છે કે સ્કૂલના બળકોને તો નિબંધ માટે આખી સ્ક્રિપ્ટ મળી જાય. પુસ્તકના એક પછી એક પાના ફરતાં જાય અને વળી એમાં ક્યાંક યુદ્ધની વાત આવે તો ક્યાંક ગાંધીની અહિંસા આજે પણ ધબકતી દિશે એવા ઉદાહરણો સાથેની મજાની રજુઆત અનેક સમયે દેખાઇ ઉઠે ! આ બધું જ વાંચતા ક્યાંક એવો અહેસાસ ચોક્ક્સ થાય કે આ પુસ્તકમાં અનેક વાતો એવી રીતે રજુ થઇ છે કે જીવન પ્રત્યેની નઝર સામે દેખાતી ફિલોસોફી ખૂબ જ સરળ શબ્દોમાં માર્મિક રીતે રજુ થઇ છે. તો ખાસ નોંધવા જેવી બીજી વાત એ કે ગુણવંત શાહના દરેક પુસ્તકની જેમ જ આ પુસ્તકની ફૂટનોટ્સ પણ જાણે જ્ઞાનનો સાગર !

આ પુસ્તકના છેલ્લા 36 પાનાઓમાં ગુણવંત શાહ પરના વાચકોના પત્રો સબસે ઊંચી પ્રેમ સગાઇના ટાઇટલ નીચે રજુ થયા છે જેમાં પ્રત્યેક પત્ર લેખક પ્રત્યેનો આદર વ્યક્ત કરતા ભાષે છે. સાથે સાથે દારા શુકોહ માર્ગના નામકરણ માટે કરેલ મથામણના પત્રો પણ રજુ થયા છે જે બતાવે છે કે કોઇપણ લેવલ પર તમે જો નિષ્ઠા અને સાચા પુરુષાર્થ સાથે લડો છો તો એનું ઠોસ પરિણામ મળે જ છે. જે મારા જેવા અનેક માટે પ્રેરણારૂપ છે.

કેટલાક વિચારો જે મને આ પુસ્તકમાંથી ખુબ જ ગમી ગયા અને પજવી ગયા એ જો કહુ તો ચોક્ક્સ કહીશ કે....

માનવીનો ઇતિહાસ સુખ માટેની ઝંખના અને દુ:ખ નામની વાસ્તવિકતાનો ઇતિહાસ છે.

ગરીબ મનુષ્યને કેવળ ધનનો અભાવ નથી પજવતો, એને ગરીમાનો અભાવ પજવતો હોય છે.

ગાંધીજી મહાત્મા બન્યા કારણ કે તેઓ અસત્યનો અત્યાચાર વેઠવા તૈયાર ન હતાં.

મત અને મોત વચ્ચે હસ્તધૂનન થાય ત્યારે જ કોમી હુલ્લડ થાય છે. હુલ્લડ તો ગંદા રાજકરણની અનૌરસ ઔલાદ છે.

મનુષ્ય અંધશ્રદ્ધા વિના ડૂબી શકતો નથી અને શ્રદ્ધા વિના તરી શકતો નથી.

ઑરબેનની કોમેડીમાં કહ્યું છે કે “ જીવન એવી રીતે જીવો કે તમારે તમારી ડાયરી સંતાડવી ન પડે.”

અને, છેલ્લે એક મજાની વાત કે જે આ પુસ્તકના 39માં લેખમાં રજુ થઇ છે કે – જર્મન લેખક કેન્નેથ વૉકરના એક પુસ્તકની અર્પણ નોંધ મને ખૂબ જ ગમી ગઇ છે. અર્પણ નોંધમાં અનોખો મિજાજ છે. એ મિજાજ કેવો ?  - : “ To The Disturber of my sleep.”  ઊંઘમાં ખલેલ પહોંચાડનારને પુસ્તક અર્પણ કરે એવા લેખકો કેટલા ? તો આવી જ રીતે મારે કહેવું છે કે પોતાના વાચકોને યાદ રાખીને પુસ્તક અર્પણ કરે એવા કેટલા ? હા, આ હું એટલે કહું છું કે “માણસ નામે VIP” પુસ્તક જે ત્રણ વ્યક્તિઓને (વાચકોને) અર્પણ થયું છે એમાં એક નામ મારું પણ છે. આવું મજાનું પુસ્તક અને એની અર્પણ નોંધમાં મારું નામ હોય એ ક્યાંક અનેરા આનંદની ઘટના છે. અને મારી જીવનરૂપી ડાયરીમાં સુવર્ણ અક્ષરોએ લખાયેલું  આ એક પાનું છે.

 

 

 

 

  

 

 

 





મંગળવાર, 27 એપ્રિલ, 2021

દેવ હનુમાન




વર્ષ 2004 ની મારી ડાયરી ખોલું છું તો મને એમાંથી ડાયરામાં બોલવા માટે લખેલ એક મજાની સ્ક્રિપ્ટ મળે છે અને આજે હનુમાન જયંતિ છે ત્યારે 17 વર્ષ પહેલા લખાયેલ એ વિચારો.....
આ વિચારો માટે જો ક્રેડિટ આપવી હોય તો હું ચોક્ક્સ
Jorubhai B. Khaachar
સર ને જ આપીશ ! જેમની પાસે રામાયણ થી માંડીને આજના સમયની પણ અદ્ભુત વાતોનો અલભ્ય ખજાનો છે એમની શૈલી અને વાતોએ મને હંમેશા આકર્શિત કર્યો છે.
બીજી એક વાત મારી આ સ્ક્રિપ્ટમાં મેં કોઇ સુધારો કર્યો નથી એ તળપદી શબ્દોને એ જ રીતે સ્થાન પર રાખ્યા છે જે બોલવામાં વપરાતા હોય છે. અને ક્યાંક કોઇક વાત કોઇક દ્વારા બોલાયેલી હોય એમ પણ બને !
=======
પાદરે બિરાજેલ, ભાગોળે બિરાજેલ, મંદિરે બિરાજેલ , ભીડને ભંજનાર, દેવ સિંદુરિયા, દેવ બજરંગ – હે દેવ હનુમાન તને મારા કોટી કોટી વંદન.
અપૂર્ણતાથી ભરેલા આ જગતમાં કંઇ કેટલાય રહસ્યો છુપાયેલા છે... કંઇ કેટલાય કારણો ધરબાયેલા છે... આજે હું તમારી સામે છું એમાંય કંઇક ઋણાનુંબંધ સાથેનું કારણ છે. કોઇકે કહ્યુ છે ને કે....
“ એટલો ઇંન્તજામ કરતો જાઉં,
તમારી આંખોમાં મુકામ કરતો જાઉં.
આ પળોજણનું ય કારણ છે,
જન્મ લીધો છે તો નામ કરતો જાઉં. “
પણ જો ખરા અર્થમાં જોવા જઇએ તો આ નામ કરવાની ફિકર મારે ને તમારે હોય. જગતના દરેક મણસને હોય. પણ જેને નામની કોઇ ફિકર ન હોતી ... કામની યે જરાય ફિકર ન હોતી... ઇ બધા આ જગતમાં અમર થઇ ગ્યા... અને એના નામ આજેય આપણે લેતા હોઇએ છીએ. પછી ભલે ને એ નામ મીરા હોય કે નરસિંહ મેહતા હોય. એને નામ ન હોતા કરવા ! પણ ખરા અર્થમાં ભકિત કરવી તી ! અને એમની ખરી ભક્તિએ જ એમના નામ અમર કરાવી આપ્યા. અને ઇ બધાય નામને આજેય આપણે નથી ભુલ્યા ને આવનારી અનેક પેઢિયું પણ એ નામને આમ જ યાદ રાખશે !
પણ ભક્તિની હારે હારે કર્મ કરીને જે નામ અમર થઇ ગ્યા છે ઇ નામમાં તો સેવકનું નામ જ પહેલું આવે ! એક એવો સેવક, એક એવો ચાકર કે જેણે સરકારના આંખના ઇશારે જ અશક્ય લાગતા ઘણા ઘણા કામ ચપટીકમાં કરી નાઇખાતા. હા, ઇ સેવક, ઇ ચાકર આજે આ દેશના ગામડે- ગામડે બિરાજેલ છે. આ દેશનું એક્ય ગામડું એવું નઇ હોય કે જ્યાં દાદો હનુમાન બેઠો ના હોય. કંઇ નઇ તો ગામના પાદરે દાદા હનુમાનની નાનકડી ડેરી તો હોય જ !
આ દેશના ઇતિહાસમાં હનુમાન સતત ડોકાય છે અને એના કરતાં વધારે લોકહૈયામાં આજે પણ હનુમાન સતત શ્વાસે છે. કારણ કે હનુમાનને નો’તી ચિંતા નામની, નો’તી ચિંતા કામની, અરે એટલું જ નઇ એમને તો કોઇ’દિ નાનો સરખો વિચાર પણ નો’તો આઇવો કે આ કામ થાશે કે નહિ. કારણ કે જેમ દરેક સફળ વ્યક્તિની પાછળ કોઇ બીજી વ્યક્તિનો હાથ હોય છે એમ હનુમાનની પાછળ રાધવેન્દ્ર સરકારનો હાથ હતો ! સતત એમના આશિર્વાદ હતાં. અને સતત રામના મોઢામાંથી નિકળેલ શબ્દરૂપી તીર હનુમાન દ્વારા લક્ષ પર જઇને જ પડ્યું છે. અને આજ સુધી એવો એકેય પ્રસંગ નથી કે રામે કિધું હોય અને હનુમાનજી દ્વારા એ કામ અધુરું રહ્યું હોય.
અરે, આ તો રામની વાત થઇ, પણ આજે મારે કે તમારે કંઇક કામ કરવું હોય, કંઇક મદદ માંગવી હોય તો પ્રાર્થનામાં તરત જ દાદા હનુમાનને યાદ કરવા જ પડે. અરે, એના નામનું નાળિયેર વધેરીએ કે બાપ હનુમાન હું ફલાણું પરાક્ર્મ કરવા જાઉં છું તું મારી હાઇરે રહેજે અને મારી લાજ રાખજે ! તું જો મારી હાઇરે હોઇશ ને તો મારે બીજા કોઇની જરૂર નથી ને કોઇની બીક ય નથી ! તું જો મારી હાઇરે હોઇશ તો મને પુરો વિશ્વાસ છે કે કોઇ મારો વાળય વાંકો નહી કરી શકે ! અરે, બાપ તું જ્યારે રઘુવંશ શિરોમણી સાથે હતો ત્યારે તે એમને ય કંઇ વાંધો ન હોતો આવવા દીધો તો એની સામે હું તો એક પામર માણહ છું . હે બાપ મારા નવા સાહસમાં – મારા નવા વિચારમાં તું મારી હાઇરે રહેજે કે જેથી મારા સઘળા કામ પાર પડી જાય અને મારું જીવતર ઓળે ન જાય. મને ને તમને આવો ભરોશો હોય છે દાદા હનુમાન ઉપર ! ક્યાંક મારી ને તમારી આસ્થા એ દાદાના શરણમાં બે આંસુડા પાડી આવવાથી માંડીને ઉપવાસ સુધી સતત દોરી જતી હોય છે. અને એટલે જ તુલસીદાસે સાચું જ કિધું છે કે
“ ચારો જુગ પરતાપ તુમ્હારા, હૈ પરસિધ્ધિ જગત ઉજિયારા,
સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે.”
દાદા હનુમાન પર કેવી શ્રદ્ધા હોય એનું જો એક ઉદાહરણ આપું તો, ગામડું ગામ હોય, ઇ ગામડા ગામમાં આખો દિ રખડીને એક નાનકડો છોકરો પાછો આઇવો હોય, ધૂળ ધૂળ ભરાઇ રીયો હોય, અંધારુ થવા આઇવું હોય, એટલું મોળું થઇ ગ્યું હોય કે વાળું કરવાનો સમય થઇ ગ્યો હોય અને મા રોટલા ઘડવા પણ લાગી હોય અને આવા સમયે જેવો છોકરો ઘરમાં દાખલ થાય ત્યાં માં રાડ પાડે કે ક્યાં હતો અતાર લગી. અને છોકરો મનમાં વિચારીને આઇવો હોય કે આજે તો દાદાનું નામ લઉં એ જ મને બચાવશે અને છોકરો તરત જ જવાબ આપતા બોલી ઉઠે કે માં ઇ તો હું ભેરૂઓ હારે દાદાની ડેરીએ રમતો તો ! અને માં જવાબ સાંભળી કંઇ જ બોલ્યા વગર ચુપ ચાપ પાછી રોટલા ઘડવા લાગે કારણ કે ઇ માં ને વિશ્વાસ છે કે જ્યાં દાદા હનુમાનના ખોળામાં મારો દિકરો રમતો હોય ઇયાં કોણ એનો વાળ વાંકો કરી જવાનો ! આવી શ્રદ્ધા અને આવો વિશ્વાસ દેવ બજરંગ ઉપર એ જાણે આપણી પેઢીઓની પરંપરા !
ભારતીય ઇતિહાસ- સંસ્કૃતિના દેવતાઓના નામ લેવામાં આવે અને એમાં જો કોઇ એક કર્મનિષ્ઠ, સેવક, ચાકર, ત્યાગી, બળવાન, બુદ્ધિશાળી, ચતુર કોઇ દેવનું નામ લેવું હોય ને તો દેવ હનુમાનને જ યાદ કરવા પડે. આ એક જ દેવ એવા કે જેના દરબારમાં જઇને તમારે એમનું નામ નહિ લેવાનું પણ એમના આરાધ્ય એવા શ્રી રામનું નામ લો તો પણ રાજી રાજી ! ને જાણે આપણો બેડો પાર.... અને એટલે જ કહેવું પડે કે ....
“ એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે.”
અરે ઇ દેવ સિંદુરિયો તો આજે ય કંઇ કેટલાયના હૈયાને મંદિરમાં બેઠા-બેઠા રાજે કરે જ છે. અને એટલે જ એના દ્વારે ભીડ કોઇ’દી ઘટતી જ નથી.
વાલ્લ્મિકી હોય કે વેદ વ્યાસ દાદા હનુમાન વગર એમની વાત અધુરી છે. રામાયણ અને મહાભારત એ બેયમાં જો નામ બદલ્યા વગરનું જો કોઇ પાત્ર હોય તો એ દાદા હનુમાન જ છે. એ જ હનુમાન ને આજે એમના પ્રાગ્ટય દિવસે કોટી કોટી વંદન. જય દેવ બજરંગ ! જય હનુમાન ! જય શ્રી રામ ! જય શ્રી રામ !

Ajit Kalaria




હા .... હા.... હા.....
આજકાલ ફેસબુક પર I M Legend નામની biography બુક પર પોતાનો પિકચર સેટ થાય અને પ્રોફાઇલ પિકચર બને એ થીમ જોરશોરમાં ચાલી રહી છે. અને મારી ડાયરીઓના થપ્પામાં એકદમ નીચે દબાયેલી અને ક્યારેય ન ખુલેલી એક મજાની ડાયરી ખોલવાનું મન થઇ આવ્યુ અને થયુ કે આજથી દોઢ દાયકા પહેલાના વિચારો જરા શૅર કરીએ. મિત્રો 2004 માં કોઇક બંદાએ મને ખુબ જ સરસ મરૂન કલરના વેલ્વેટ કવરથી રચાયેલી એક અદભુત ડાયરી આપી હતી અને મને થયુ કે આમા તો કંઇક અલગ જ લખાવું જોઇએ અને એક સ્પાર્ક થયો કે ચાલને આને આત્મકથા લખવા માટે રાખીએ... અને વિચારનો અમલ થઇ ગયો પછી થયુ કે આમા કશુ લખવામાં ન આવે તો કદાચ આખો વિચાર જ બદલાય જાય એમ પણ બને એટલે ફાવી અને આવડી એવી પ્રસ્તાવના લખી... હા... હા... હા.... કારણ કે બંદાને પોતાની જીંદગી કોઇ નવલકથાના પાત્રથી જરાય ઉતરતી નહોતી લાગતી.... અને બસ ત્રણ પાના લખી નાખ્યા... આજે વાંચુ છું ત્યારે સમજાય છે સમય સાથે સાથે વિચારો પણ કેવા બદલાતા હોય છે. ત્યારના મારા વિચારો જોઇને ક્યાંક મને હસવું પણ આવી જાય છે. તો એ સમયના મારા આવા વિચાર પર પણ હું ક્યાંક વિચારે ચડી જાવું છું... ડાયરી ખોલું છું તો અંદર માત્ર ત્રણ પૅઝ પર લખાણ છે અને વચ્ચે એક પેઝમાંથી ગુલાબ મળી આવે છે જે મને જે. ડી. પટેલ સરે આપ્યું હતું એ બરાબર યાદ છે. તો એ જ શબ્દો કોઇ પણ માર મચોડ વગર રજૂ કરૂ છું.....
આ ડાયરીમાં જે પાત્ર છે તેની સાથે એવી હકિકત બને છે કે જે બીજા સાથે નથી બનતી અને બને છે તો એ કંઇક અલગ જ હોય છે કારણ કે દરેકની એક અલગ પોતાની કહાની છે. હા, સફળતા-નિષ્ફળતાની કહાની... જીવનમાં તમે કેટલીય વખત હાર્યા હશો. કેટલીય વખત હારથી થાક્યા હશો અને ક્યારેક તો વધારે પડતા નાશીપાસ પણ થયા હશો. કોઇકે ક્યાંક દગો કર્યો હશે. કોઇકે ક્યાંક બે ખરાબ વાક્યો પણ કહ્યાં હશે એટલું જ નહી એ વાક્યો એ તમને હાથ ઉપાડવા માટે પણ મજબૂર કર્યા હશે. કેટલીય વખત તમારે તમારા સિધ્ધાંતો પરથી હટવું પડ્યું હશે. કેટાલાક પ્રસંગોએ અને કેટલાક પિકચરોએ તમને ગાંધીવાદી વિચાર છોડીને ભગતસિંહવાળી કરવાના વિચારો પણ આપ્યા હશે. પરંતુ તે માત્ર એક વિચાર બનીને જ રહી ગયો હશે. એ પ્રસંગ કે પિકચરની અસર થોડા સમયમાં મીણ પીગળે એમ પિગળવા લાગી હશે અને ફરીથી હતા ત્યાંને ત્યાં જ ઉભા હશો. કેટલીય જગ્યાએ સંબંધોની માયાજાળમાં ફસાયા હશો. એવા સંબંધોના ગુંચવાળા કે જેમાં દરેક ડગલે તમે કંઇક સહન કર્યું હશે. કોઇ એક કામ કરવાની શરૂઆત કરતા બીજી બે કામ તરત જ ડોકિયું કરીને ઉભા હશે અને એ પણ પાછા મને પુરુ કરોના અવાઝ સાથે. વધારાની કરૂણતા તો ત્યારે સર્જાય કે જ્યારે એક કામ તમને ભીનામાંથી સૂકામાં સૂવડાવનાર અને પા પા પગલી ભરવાનું શીખવી અત્યાર સુધી ભરપુર લાડ લડાવનાર મમ્મીનું હોય કે પછી તમારી આંગળી પકડી આ જગતનો પરીચય કરાવનાર પિતાનું હોય અને બીજુ કામ તમારા પ્રિય મિત્રનું હોય તો કોનું કામ પહેલા પુરું કરવું તે દ્વિધા હશે અને આવા સમયે તમે હારી ગયાના અહેસાસ સાથે યાદ કરી બેસો છો ભૂતકાળના ખરાબ સમયને જે સતત હારી ગયાનો અહેસાસ કરાવ્યે જાય છે. આ બધી જીવનની હકિક્ત છે કે જે ક્યાંક જીવનમાં ચોક્ક્સ રીતે બની જતી હોય છે. હાર્યાનો અહેસાસ થતા confidence માટે વલખા માર્યા હશે. વધારે પડતા ફાંફા માર્યા હશે. પરંતુ પરિણામ લગભગ ઝીરો જ. જો તમે નશીબદાર હશો તો કોઇક પુસ્તકના વક્યએ કે કોઇક દ્વારા બોલાયેલા વાક્યએ તમને confidenceનો પાનો ચડાવ્યો હશે. દરેક શહેરના કેટલાય લોકો આ કશ્મકશમાં જીવે છે. આવી જીંદગીથી અલગ જ જીંદગી અજીતની છે. તેણે જીવનની દરેક ક્ષણની જીવંત ક્ષણ તરીકે વિતાવી છે. જીવનની દરેક જીતમાં કંઇક અનેરો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તો વળી મળેલી હારને ચોક્ક્સ રીતે પચાવી પણ છે. અજીત કે જેણે એકાંતને માણ્યું છે અને એ એકાંતમાંથી કંઇક સર્જન કર્યું છે. આ જ એનો સૌથી મોટો પ્લ્સ પોઇંટ છે. બીજા હારીને જીત માટે વલખા મારે છે જ્યારે અજીત પાસે હારીને પણ જીત માટેનો અહેસાસ પ્રતિક્ષણ રહેલો છે. જ્યારે જ્યારે અજીત હાર્યો છે ત્યારે ત્યારે જીવનમાં બીજા પાસા ખોલ્યા છે અને હારને જીતમાં ફેરવી નાખી છે. આ અજીતને જાણવા માટે પાનું ફેરવો.....
હા......હા.....હા....
બંદાએ 2004 માં લખેલું.....
બાકી આજે વિશ્વ કવિતા દિવસ પણ છે જ તો એક કવિતા પણ લખી નાખીએ... જોજો... કવિતા મારી લખેલી નથી...લેખકનું નામ યાદ નથી...
Reawaken the soul
The heart
The spirit
That runs through you
That breaths life into you
That Shapes your world
Reawaken to a new you
A you that beats in
Harmony with the universe
A you that transcends
A you that is eternal
Reawaken, unleash, exude
Celebrate, love, surrender
Reawaken to yourself……
Reawaken to yourself……

શનિવાર, 13 ફેબ્રુઆરી, 2021

એ વિરાટ અવકાશી સફર સમયે મનવિશ્વ અને હ્રદયવિશ્વ વચ્ચે Yuri Gagarin !


Soviet Union એ જ્યારે માણસને અવકાશમાં મોકલવાનો નિર્ણય લીધો ત્યારે આ મિશન માટે કોઈક માનવની પસંદગીની પ્રક્રિયાનું એક સિક્રેટ મિશન શરૂ થયું જેમાં physical અને psychological ટેસ્ટ પાસ કર્યા બાદ 20 વ્યક્તિઓની પસંદગી થઈ. ચૂંટાયેલા સભ્યોમાં પહેલી જરૂરિયાત શિસ્ત અને વ્યક્તિની ફિઝિકલ ફિટનેસની હતી. સાથે સાથે એની ઉમર 30 વર્ષ કરતાં પણ ઓછી, ઊંચાઈ 1.7 m કરતાં ઓછી અને એનું વજન 70 kg કરતાં ઓછું હોય એ પસંદગીના પ્રાથમિક માપધોરણો હતાં. પસંદગી પામેલા આ 20 વ્યક્તિઓમાંથી બધા જ ટેસ્ટમાંથી પાસ થનારા બે નામ એટલે  Gherman Titov અને Yuri Gagarin. અનેક પ્રકારના ટેસ્ટમાંથી પસાર થયા બાદ પસંદગીની આ પ્રક્રિયામાં એક એવો પણ ટેસ્ટ હતો જેમાં 20 મેમ્બર્સમાંથી તમારે તમારા સિવાયના કોઈ વ્યક્તિની પસંદગી કરીને એનું નામ લખીને આપવાનું હતું, અને એ નામ કે જેના પર સૌથી વધુ મહોર લાગી હતી એ નામ Yuri Gagarin નું જ નામ હતું. પછી શું ? Yuri અને Titov બંને ‘Sochi Six’ નામના સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જોડાય છે. જે પાછળથી Vostok -1 ના સહારે ઇતિહાસ સર્જી નાખવા માટેનું પહેલું પગથિયું હતું.

Yuri Gagarin એ પોતાની સફરના પુસ્તક The Road to Space’ માં જણાવ્યુ છે કે એના વિકલ્પ તરીકે Gherman Titov ને સંપૂર્ણ રીતે બધી જ તાલીમ આપી ને તૈયાર કરાયો હતો. અને Yuri Gagarin આ જ વાત આગળ વધારીને સત્ય સ્વીકારતા કહે છે કે  હકીકતમાં કદાચ Titov મારા કરતાં વધુ સક્ષમ અને લાયકાત ધરાવતો હતો. અને ખરા અર્થમાં કદાચ એટલે જ આ મિશન બાદના બીજા મિશન માટે એની પસંદગી કરાઇ હતી જે આ મિશન કરતાં પણ વધુ અઘરું હતું....!  અને એ મિશન આ મહાન પડાવના માત્ર ચાર મહિના બાદ જ અમલમાં મૂકવાનું હતું એના ભાગ રૂપેની તૈયારી માટે જ Titov ને ખરા અર્થમાં તૈયાર કરતો હતો. અને બન્યું પણ એવું જ કે માત્ર ચાર મહિના બાદ Gherman Titov ભલે અવકાશમાં પહોચનાર બીજો અવકાશ યાત્રી હતો પણ સૌથી લાંબા સમય સુધી સફર કરનાર પહેલા નંબરનો અવકાશયત્રી બન્યો હતો. પણ આજે વાત માત્ર ને માત્ર Yuri Gagarin ની જ !

2020 સુધી માં 41 દેશના 562 અવકાશયાત્રીઓ અવકાશમા સફર કરી છે જેમાં 4 રશિયન અને 17 અમેરિકન અવકાશયાત્રીઓએ પોતાના જીવ ખોયા છે. પરંતુ દુનિયા હંમેશા યાદ રાખે છે પહેલા પહોચનાર ને જ ! અને એ નામ એટલે Alexie Ivanovich Gagarin અને  Anna Timoleyevna Gagarina ના ચાર સંતાનોમાંથી ત્રીજા નંબર નું સંતાન Yuri Gagarin.

274 ટનના explosive રોકેટ ફ્યુઅલ પર બેસીને જ્યારે કોઈ સફર કરવા રવાના થવાનું હોય ત્યારે કયાંક તો મન અને હ્રદય વચ્ચે કઇંક ગડમથલ થતી જ હોય છે. ક્યાંક કઈક શુભ અશુભમાં માનવનું કે નસીબ જેવી વાતના ચમકારા મગજમાં ઉદભવવા વગેરે વગેરે.... અને આવું જ કઈક Yuri Gagarin સાથે પણ બન્યું હતું ! તો આ બધાની વચ્ચે જ્યારે Yuri Gagarin અવકાશી સફરે ઉપાડ્યો હતો ત્યારે એના મન વિશ્વમાં થયેલી થોડી ગડમથલો.....

કોઈપણ અવકાશયાત્રી - અવકાશી સફરની આગલી રાતે શું કરવાનું ??? તો જવાબ છે મૂવી જોવાનું અને એ પણ કોઈ ચોક્કસ જ ! ‘The White Sun of the Desert’  જે અમેરિકન પાશ્ચાત્ય પર રશિયાનોના ટ્વિસ્ટ પર આધારિત છે - એ જ જોવાનું !!!! પણ Yuri Gagarin એ મૂવી જોયું નહીં. આ સફરનો પહેલો અપવાદ આ વાત બની !

બીજા દિવસની સવારે તૈયાર થઈ ને Yuri Gagarin નિયત જગ્યા પર આવે છે જ્યાં પોતાના મિત્રો અને સ્ટાફના ઉત્સાહ વર્ધક શબ્દો, તાળીઓનો અવાજ- ચિંચિયારીઓ Yuri Gagarin ને  એક નવું જોમ પૂરું પાડી રહ્યા હતા. સ્પેશિયલ આવકશ્યત્રીઓના કપડામાં સજ્જ Yuri Gagarin લોન્ચ પેડ તરફ આગળ વધી રહ્યો હતો. એ પહેલા તેને એક ચોક્કસ રૂમમાં લઈ જવામાં આવ્યો જ્યાં એક વિશિષ્ટ પ્રકારની ખુરશીમાં બેસીને તેને ઉપર નીચે કરીને આજુ બાજુ ફેરવીને પોતાની જાતને તૈયાર કરવાની હતી -  આ ટેસ્ટને Zero- G Experiment કહેવતો હોય છે એને Yuri Gagarin એ ખૂબ જ સરળતાથી આ કસોટી પસાર કરી લીધી.

હવે, Yuri Gagarin ની લોન્ચ પેડ તરફની સફર ચાલુ થાય છે ! લોન્ચ પેડ તરફ જવાના રસ્તા પર સૌથી પહેલા Baikonur નો એક માર્મિક પડાવ આવે છે, જ્યાં વૃક્ષ ઉછેરેલા હોય છે. જ્યાં દરેક અવકાશયત્રીના નામે એક વૃક્ષની યાદ રખાઇ છે અને માવજત પૂર્વક સચવાયા છે.  આજે ત્યાં પહેલું વૃક્ષ હતું. જે Yuri Gagarin ના નામનું હતું. Yuri Gagarin પોતાના નામે વિકસી રહેલા વૃક્ષને જોવે છે અને આગળ વધે છે. અને Yuri Gagarin ના માનસપટ્ટ પર તરત જ યાદ આવે છે કંપનીનો એક નિયમ કે જેમાં તમારે તમારી અને કંપનીએ બનાવેલી બધી જ વસ્તુઓ પર તમારા હસ્તાક્ષર કરી આપવાના હોય છે. એક મોટા બોર્ડ પર પણ ! જે કાયમ માટે સચવાયેલું રહેવાનું હોય છે.  તમે જે રોકેટ પર સવારી કરવાના છો એના પર પણ હસ્તાક્ષર કરવાના રહે છે. કારણ કે તમારા હસ્તાક્ષર સાબિતી આપે છે કે આ યાનને તમે તમારી મુસાફરી માટે પૂરેપુરું યોગ્ય ગણ્યું છે. તમે એની પૂર્ણતાને ચકાસી છે એનો પુરાવો એ તમારા હસ્તાક્ષર છે. એવી જ રીતે આ વૃક્ષ જે તમારા હાથે જ રોપાયું છે અને તમારા જ નામે વિકસવાનું છે એ કદાચ તમારી ગેરહાજરીમાં તમારૂ પ્રતિક અને પ્રેરણા છે.

લોન્ચ પેડ જવા Yuri Gagarin બસમાં બેસીને રવાના થઈ રહ્યો છે ત્યારે રસ્તા પર Yuri Gagarin એ બસ ડ્રાઈવરને અચાનક જ બસ ઊભી રાખવા કહ્યું અને પોતાની જાતને થોડી ફ્રી કરવા માટે બસમાંથી નીચે ઉતાર્યો (હા, એ થોડો રિલેક્સ થવા ઈચ્છતો હતો)  અને નીચે ઉતારી ને Yuri Gagarin એ બસના જમણી બાજુના ટાયર પાસે યુરીન કર્યું અને પછી તો આ પણ એક પરંપરા બની ગઈ. કે  આવનારી દરેક અવકાશ સફર સમયે હવે આવું બનવાનું જ હતું. જેને દરેક રશિયન અવકાશયત્રી અનુસરવાનો હતો. હા, બસના જમણા ટાયર પાસે યુરીન કરવું એ એક પોઝિટિવ સાઇન તરીકે જોવવા લાગ્યું !!!! Yuri Gagarin ફરીથી બસમાં બેસે છે અને લોન્ચ પેડ પર પહોચે છે. યાન માં દાખલ થાય છે, યાન નો દરવાજો બંધ કર્યો. બધુ બરાબર છે એની ખાતરી કરી અને હવે એ ઉડયન માટે તૈયાર છે એની ખાતરી આપતા અંગુઠો ઊચો કરી (thumbs up) ને બતાવ્યો. સાથે સાથે પોતાની સીટ પરથી સામે દેખાતી અનેક બટનોથી સજ્જ એવી કંટ્રોલ પેનલને રિકવેસ્ટ કરી કે “mission control play some music over the intercom” અને રશિયન પ્રેમ ગીતોની આખી એક વણજાર ચાલી ! અરે, માનશો રશિયન પ્રેમ ગીતો પ્લે કરવા એ પણ પછી તો દરેક અવકાશી સફરની એક પરંપરા બની ગઈ.

Yuri Gagarin -  Vostok -1 ની સીટ પર બેઠો છે અને અનાયાસે જ એના મોઢામાંથી શબ્દો સરી પડે છે કે ‘Poyekhali’ (Let’s go) ! યાન એક પછી એક કમાન્ડને અનુસરતું જાય છે અને આગળ ને આગળ વધતું જાય છે અને એના નિયત સમયે પૃથ્વીની ભ્રમણ કક્ષા છોડીને શૂન્યાવકાશમાં પહોચે છે અને તરત જ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલના ઉપરના ભાગમાં લટકતી ઢીગલી હવામાં તરવા લાગે છે અને Yuri Gagarin ને ખ્યાલ આવે છે કે હવે તે શૂન્યવકાશમાં છે. Yuri Gagarin પૃથ્વી પર પોતાના શબ્દો પાછા મોકલતા બોલે છે કે I feel well’. આમ અવકાશમાંથી બોલાયેલા આ શબ્દો એ પોતે એક ઇતિહાસ બની રહ્યા હતા. ઇતિહાસ આ શબ્દો થકી સર્જાઈ ચૂક્યો હતો અને એ ઘડીનો સર્જનહાર Yuri Gagarin હતો.

Yuri Gagarin ને લઈ જનારું Vostok -1 સ્પેસક્રાફ્ટ સવારે Moscow ના નિયત સમય 9:07 મિનિટે April 12, 1961 ના રોજ સફર પર ઉપડયું અને અવકાશમાં 1 ક્લાક 29 મિનિટ ના સમયમાં 187 માઈલના altitude પર પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી કરી. મિશન કામયાબ રહ્યું અને રશિયા જાહેર કરે છે કે 27 વર્ષનો Yuri Gagarin પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યો છે અમે અવકાશમાં Vostok -1 માં Yuri Gagarin નામના અવકાશયાત્રીને મોકલ્યો છે. અને અમેરિકા સહિત આખું વિશ્વ સ્તબ્ધ હતું ! માનવજાતના ઇતિહાસમાં આ નામ સુવર્ણ અક્ષરોમાં અંકાઇ ચૂક્યું હતું. અમેરિકા – રશિયાના અવકાશી કોલ્ડ વૉરની આ એક મોટી જીત હતી. જેમાં અમેરિકા પાછળ રહી ચૂક્યું હતું. 



ઇતિહાસ સર્જાઈ ચૂક્યો હતો, દુનિયાના ખૂણે ખૂણે રેડિયો અને ટેલિવિઝન માનવ ઇતિહાસ માં આજ સુધી ન બનેલી ઘટનાની જ વાતો કરી રહ્યા હતા. Yuri Gagarin કોઈપણ ખૂણે ચર્ચતું નામ બની ચૂક્યું હતું. Yuri Gagarin એ 108 મિનિટમાં સમગ્ર પૃથ્વીની અવકાશમાંથી પ્રદક્ષિણા પૂરી ઇતિહાસ તો સર્જી નાખ્યો, પરંતુ પાછા ફરતા સમયે લેન્ડિંગ માં થોડી ગરબડ જરૂર થઈ હતી. Vostok -1 ના Decent module અને service module ને જોડતા કેબલ એકબીજાને અલગ કરવામાં ફેઇલ જઇ રહ્યા હતા. જેને કારણે આખું યાન હવામાં ઘર્ષણ પામતું ખૂબ જ ખરાબ રીતે આગળ વધી રહ્યું હતું છતાં ક્યાંક નસીબ ખૂબ જ સરસ રીતે સાથ આપી રહ્યું હતું અને Yuri Gagarin ખૂબ જ સરળતા પૂર્વક Vostok -1માંથી  eject થયો અને પેરાસૂટના સહારે વોલગા નદીની નજીક Smelovka નામના ગામના એક ખેતરમાં કે જ્યાં Anna Takhtarova અને એની મોટી દીકરી રીટા બટેટાની લણણી કરી રહ્યા હતા ત્યાં આવીને પટકયો. નારંગી રંગના જુદા જ પ્રકારના કપડામાં અવકાશમાંથી આવી ચડેલ Yuri Gagarin ને જોઈને એ બંનેને કુતુહુલ થયું અને જ્યારે Yuri Gagarin એ પોતાનો હેલમેટ કાઢ્યો ત્યારે Anna બોલી ઉઠી કે તું એ જ છો જે અવકાશમાં ગયો હતો અને હકારમાં જવાબ આપતા અવકાશ યાત્રી બોલ્યો હા હું એ જ Yuri Gagarin



Vostok -1 યાનના પાછા આવ્યાના બે દિવસ બાદ Yuri Gagarin Moscow માં હતો. ત્યાંના વડા Nikita Khrushchew ની બાજુમાં ઊભો હતો. માત્ર 48 કલાક પહેલા થોડા જાણીતા ચહેરાઓની ઓળખ સામો Yuri Gagarin અત્યારે દુનિયાના ખૂણે ખૂણે ચર્ચતું નામ બની ચૂક્યો હતો ! અનેક માટે એ રોલ મોડેલ બની ચૂક્યો  હતો તો કઈ કેટલાય પ્રશ્નો પૂછવા અનેક દેશના લોકો આતુર હતા !

પરંતુ આ વિક્રમ સર્જક દિવસ ના 7 વર્ષ અને 15 દિવસ પછી એટલે કે 27 માર્ચ 1968 ના દિવસે એક વિમાની આકસ્માતમાં Yuri Gagarin આ દુનિયાને અલવિદા કહી જાય છે. પણ એક હ્રદયની વાત જે હમેશા મનની વાતથી ઉપર હોય છે એ બાકી હતી અને એ વાત Yuri Gagarin એ અવકાશમાં જતાં પહેલા લખી હતી ! પોતાની પત્નીને એક પત્ર લખ્યો હતો અને જો એ પાછો ન આવે તો એ ખોલીને વાંચી ને અનુસરવા કહ્યું હતું . આ પત્ર Yuri Gagarin એ પોતાના મિત્રને આપતા કહ્યું હતું કે જો કશું અજુગતું બની જાય તો આ પત્ર મારી પત્નીને આપજે !  Yuri પાછો તો આવ્યો પણ એ પત્ર ખોલીને વાંચવાની એની પત્નિની હીમત જ  ન થઇ અને એ પત્ર એમ જ સચવાયેલો રહ્યો. આખરે એના મૃત્યુ બાદ એ પત્ર ખૂલે છે ! અને હવે, Yuri Gagarin ના એ પત્રને જ માણીએ !!!!!


10th April 1961

Hello my sweet and much loved Valechka, Lenochka and Galochka.

અત્યારે મને થયું કે તમારી સાથે માણેલી મજાની ક્ષણોને વાગોળું ! રશિયન ગવરમેન્ટ કોમિશને મને અવકાશમાં મોકલવાનું નક્કી કર્યું તેના માટે  પ્રિય Valyusha, હું ખૂબ જ ખૂશ છું ; અને હું તારી સાથે રહીને પણ એટલો જ ખુશ રહેવા માંગુ છું. કોઈ એક સામાન્ય માણસને આવકાશમાં માનવજાતના એક વિરાટ કદમ માટે, રાષ્ટ્ર પસંદ કરે એ જ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ ગણવી રહી ! અને એમાં મારી પસંદગી થાય આનાથી મોટી બીજી મોટી ગૌરવંતી ક્ષણ કઈ હોય શકે ? નવી સદીનો આ જ નવો ઇતિહાસ હશે અને એમાં મારુ નામ હશે !

એક દિવસ બાદ મારા અવકાશ પ્રયાણ નો દિવસ છે. તું તારા રોજના રૂટિનમાં વ્યસ્ત હોઈશ. પણ મારા ખભા પર ખૂબ જ મોટી જવાબદારી છે. અને અત્યારે મને એવી ઈચ્છા થઈ કે મારા જીવનના આ મહાન પડાવ પહેલા તારી સાથે થોડી ક્ષણો વિતાવી લઉં. બે દિવસ બાદ તું મારા થી ઘણી દૂર હોઈશ પણ હું તને પ્રતિક્ષણ મારી સાથે જ મહેસુસ કરીશ.

હું ચોક્કસ કહીશ કે અવકાશયાનના મશીનના દરેક નાનામાં નાના ભાગ પર મને પૂરો વિશ્વાસ છે અને તેથી મને પૂરી ખાતરી છે કે હું સફળ થઈશ જ ! પણ ક્યારેક એવું પણ બને છે કે માણસ કોઈ ન કલ્પી સકાય એવા એક્સિડંટનો ભોગ બને છે અને જીવન ખોઈ બેસે છે.  એવા અકસ્માતો ક્યારેક અહી અવકાશમાં પણ બની શકે છે. છતાં, મને પૂરો વિશ્વાસ છે,  કે મારી સાથે એવો કોઈ અકસ્માત નહીં જ બને ! પણ જો કદાચ એવું કઇક બની જાય તો પ્રિય valyusha હું તને એટલું ચોક્કસ કહેવા માંગુ છું કે તું દુખી થઈને ખોટો સમય ન વેડફતી. જિદગી એ તો જિંદગી છે , આપણે બધે જ સલામત નથી હોતા. કોઈક કાર પણ ક્યારેક જીવ લઈ શકે છે.

આપાણી દીકરીઓની કાળજી રાખજે; હું જે રીતે એમને પ્રેમ કરું છું - એમ જ એમને પ્રેમ કરજે. એમને કોઈ આળસુ માં ની જેમ મોટી ન કરતી, પણ એમને એવી તૈયાર કરજે કે જીવન ના કોઈ પણ પડાવ પર એ હમેશા ખરી ઉતરે. નવી સમાજ વ્યવસ્થામાં કેવી રીતે  ઉપયોગી થવાય એ એમને ખાસ શીખવજે ! કદાચ એ સપના પૂરા કરવામાં રાજ્ય સરકાર પણ તને મદદ કરશે.

તારી પોતાની નિજી જિંદગીમાં તારે જેવી રીતે સેટ થવું હોય એમ થાજે, તારા અંતરાત્માના અવાજ ને અનુસરજે ! હું તારા પર કોઈ જ બંધન લાદવા નથી માંગતો અને એવા કોઈ બંધન લાદવાનો મને કોઈ અધિકાર પણ નથી એમ હું માનું જ છું.

ક્યાંક આ પત્ર તને ન ગમે એવો નિરાશાથી ભરેલો લાગશે ! પણ હું એવું કઈ જ અનુભવ નથી કરતો. હું પણ એવું જ ઈચ્છું છું કે તારે પણ આ પત્ર જોવાનો વારો ન આવે. અને હું પણ એવું જ ઇચ્છિશ કે મારે પણ આવી કોઈ શરમજનક સ્થિતિ જોવી ન પડે. પણ જો કઈક ખોટું બની જાય કે થઈ જાય તો તારે કઈક તો મારી પાસેથી જાણેલું હોવું જોઈએ ને એના ભાગ રૂપે આ પત્ર છે. હું, એક પ્રમાણિક અને સાચી જિંદગી જીવનારો માણસ છું, મે અનેક લોકો ની સેવા કરી છે એમાંની જ આ પણ એક નાની સેવા નો જ ભાગ છે જે મે સમગ્ર માનવજાતના નવા ભવિષ્ય માટે ભરેલું  એક અનોખુ પગલું છે. મે મારા બાળપણ માં Valery Chakalov ( Legendry Test Pilot )  ના શબ્દો વાંચ્યા હતા કે “ If being, then be first”. અને હું એ જ પહેલો બનવા માંગુ છુ. અને એના માટે હું છેલ્લા શ્વાસ સુધી સતત પ્રયત્નો કરીશ જ ! Velenchka, હું મારી આ સફર આપણી નવી સમજવ્યવસ્થા, માતૃભૂમિને અને વિજ્ઞાનને અર્પણ કરવા માગું છું જેના આપણે એક અભિન્ન અંગ છીએ.

મને પૂરો વિશ્વાસ છે કે થોડા જ દિવસો માં આપણે પાછા ભેગા હોઈશું અને ફરીથી એ જ મજાની જિંદગી જીવીશું. Velechka, please મારા માતા પિતાને ભૂલતી નહીં. મારી ગેરહાજરી માં એમને મદદરૂપ થવાની તને જે તક મળી છે એને સરસ રીતે નિભાવજે ! આ સિક્રેટ મિશનની જાણ એમને નથી જ, માટે આ વાત જે એમનાથી છુપાવી છે એ માટે એમની માફી માંગવાનુ કામ પણ તારે જ કરવું પડશે.

અને છેલ્લા મને એવું પ્રતીત થઈ રહ્યું છે કે હવે હું તમને સૌ ને Good Bye કહું ! તમને સૌને પ્યાર ભરી જપ્પી અને kiss.  

વહાલી દીકરીઓ તમારો પિતા અને  Yura .