મંગળવાર, 27 એપ્રિલ, 2021

દેવ હનુમાન




વર્ષ 2004 ની મારી ડાયરી ખોલું છું તો મને એમાંથી ડાયરામાં બોલવા માટે લખેલ એક મજાની સ્ક્રિપ્ટ મળે છે અને આજે હનુમાન જયંતિ છે ત્યારે 17 વર્ષ પહેલા લખાયેલ એ વિચારો.....
આ વિચારો માટે જો ક્રેડિટ આપવી હોય તો હું ચોક્ક્સ
Jorubhai B. Khaachar
સર ને જ આપીશ ! જેમની પાસે રામાયણ થી માંડીને આજના સમયની પણ અદ્ભુત વાતોનો અલભ્ય ખજાનો છે એમની શૈલી અને વાતોએ મને હંમેશા આકર્શિત કર્યો છે.
બીજી એક વાત મારી આ સ્ક્રિપ્ટમાં મેં કોઇ સુધારો કર્યો નથી એ તળપદી શબ્દોને એ જ રીતે સ્થાન પર રાખ્યા છે જે બોલવામાં વપરાતા હોય છે. અને ક્યાંક કોઇક વાત કોઇક દ્વારા બોલાયેલી હોય એમ પણ બને !
=======
પાદરે બિરાજેલ, ભાગોળે બિરાજેલ, મંદિરે બિરાજેલ , ભીડને ભંજનાર, દેવ સિંદુરિયા, દેવ બજરંગ – હે દેવ હનુમાન તને મારા કોટી કોટી વંદન.
અપૂર્ણતાથી ભરેલા આ જગતમાં કંઇ કેટલાય રહસ્યો છુપાયેલા છે... કંઇ કેટલાય કારણો ધરબાયેલા છે... આજે હું તમારી સામે છું એમાંય કંઇક ઋણાનુંબંધ સાથેનું કારણ છે. કોઇકે કહ્યુ છે ને કે....
“ એટલો ઇંન્તજામ કરતો જાઉં,
તમારી આંખોમાં મુકામ કરતો જાઉં.
આ પળોજણનું ય કારણ છે,
જન્મ લીધો છે તો નામ કરતો જાઉં. “
પણ જો ખરા અર્થમાં જોવા જઇએ તો આ નામ કરવાની ફિકર મારે ને તમારે હોય. જગતના દરેક મણસને હોય. પણ જેને નામની કોઇ ફિકર ન હોતી ... કામની યે જરાય ફિકર ન હોતી... ઇ બધા આ જગતમાં અમર થઇ ગ્યા... અને એના નામ આજેય આપણે લેતા હોઇએ છીએ. પછી ભલે ને એ નામ મીરા હોય કે નરસિંહ મેહતા હોય. એને નામ ન હોતા કરવા ! પણ ખરા અર્થમાં ભકિત કરવી તી ! અને એમની ખરી ભક્તિએ જ એમના નામ અમર કરાવી આપ્યા. અને ઇ બધાય નામને આજેય આપણે નથી ભુલ્યા ને આવનારી અનેક પેઢિયું પણ એ નામને આમ જ યાદ રાખશે !
પણ ભક્તિની હારે હારે કર્મ કરીને જે નામ અમર થઇ ગ્યા છે ઇ નામમાં તો સેવકનું નામ જ પહેલું આવે ! એક એવો સેવક, એક એવો ચાકર કે જેણે સરકારના આંખના ઇશારે જ અશક્ય લાગતા ઘણા ઘણા કામ ચપટીકમાં કરી નાઇખાતા. હા, ઇ સેવક, ઇ ચાકર આજે આ દેશના ગામડે- ગામડે બિરાજેલ છે. આ દેશનું એક્ય ગામડું એવું નઇ હોય કે જ્યાં દાદો હનુમાન બેઠો ના હોય. કંઇ નઇ તો ગામના પાદરે દાદા હનુમાનની નાનકડી ડેરી તો હોય જ !
આ દેશના ઇતિહાસમાં હનુમાન સતત ડોકાય છે અને એના કરતાં વધારે લોકહૈયામાં આજે પણ હનુમાન સતત શ્વાસે છે. કારણ કે હનુમાનને નો’તી ચિંતા નામની, નો’તી ચિંતા કામની, અરે એટલું જ નઇ એમને તો કોઇ’દિ નાનો સરખો વિચાર પણ નો’તો આઇવો કે આ કામ થાશે કે નહિ. કારણ કે જેમ દરેક સફળ વ્યક્તિની પાછળ કોઇ બીજી વ્યક્તિનો હાથ હોય છે એમ હનુમાનની પાછળ રાધવેન્દ્ર સરકારનો હાથ હતો ! સતત એમના આશિર્વાદ હતાં. અને સતત રામના મોઢામાંથી નિકળેલ શબ્દરૂપી તીર હનુમાન દ્વારા લક્ષ પર જઇને જ પડ્યું છે. અને આજ સુધી એવો એકેય પ્રસંગ નથી કે રામે કિધું હોય અને હનુમાનજી દ્વારા એ કામ અધુરું રહ્યું હોય.
અરે, આ તો રામની વાત થઇ, પણ આજે મારે કે તમારે કંઇક કામ કરવું હોય, કંઇક મદદ માંગવી હોય તો પ્રાર્થનામાં તરત જ દાદા હનુમાનને યાદ કરવા જ પડે. અરે, એના નામનું નાળિયેર વધેરીએ કે બાપ હનુમાન હું ફલાણું પરાક્ર્મ કરવા જાઉં છું તું મારી હાઇરે રહેજે અને મારી લાજ રાખજે ! તું જો મારી હાઇરે હોઇશ ને તો મારે બીજા કોઇની જરૂર નથી ને કોઇની બીક ય નથી ! તું જો મારી હાઇરે હોઇશ તો મને પુરો વિશ્વાસ છે કે કોઇ મારો વાળય વાંકો નહી કરી શકે ! અરે, બાપ તું જ્યારે રઘુવંશ શિરોમણી સાથે હતો ત્યારે તે એમને ય કંઇ વાંધો ન હોતો આવવા દીધો તો એની સામે હું તો એક પામર માણહ છું . હે બાપ મારા નવા સાહસમાં – મારા નવા વિચારમાં તું મારી હાઇરે રહેજે કે જેથી મારા સઘળા કામ પાર પડી જાય અને મારું જીવતર ઓળે ન જાય. મને ને તમને આવો ભરોશો હોય છે દાદા હનુમાન ઉપર ! ક્યાંક મારી ને તમારી આસ્થા એ દાદાના શરણમાં બે આંસુડા પાડી આવવાથી માંડીને ઉપવાસ સુધી સતત દોરી જતી હોય છે. અને એટલે જ તુલસીદાસે સાચું જ કિધું છે કે
“ ચારો જુગ પરતાપ તુમ્હારા, હૈ પરસિધ્ધિ જગત ઉજિયારા,
સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે.”
દાદા હનુમાન પર કેવી શ્રદ્ધા હોય એનું જો એક ઉદાહરણ આપું તો, ગામડું ગામ હોય, ઇ ગામડા ગામમાં આખો દિ રખડીને એક નાનકડો છોકરો પાછો આઇવો હોય, ધૂળ ધૂળ ભરાઇ રીયો હોય, અંધારુ થવા આઇવું હોય, એટલું મોળું થઇ ગ્યું હોય કે વાળું કરવાનો સમય થઇ ગ્યો હોય અને મા રોટલા ઘડવા પણ લાગી હોય અને આવા સમયે જેવો છોકરો ઘરમાં દાખલ થાય ત્યાં માં રાડ પાડે કે ક્યાં હતો અતાર લગી. અને છોકરો મનમાં વિચારીને આઇવો હોય કે આજે તો દાદાનું નામ લઉં એ જ મને બચાવશે અને છોકરો તરત જ જવાબ આપતા બોલી ઉઠે કે માં ઇ તો હું ભેરૂઓ હારે દાદાની ડેરીએ રમતો તો ! અને માં જવાબ સાંભળી કંઇ જ બોલ્યા વગર ચુપ ચાપ પાછી રોટલા ઘડવા લાગે કારણ કે ઇ માં ને વિશ્વાસ છે કે જ્યાં દાદા હનુમાનના ખોળામાં મારો દિકરો રમતો હોય ઇયાં કોણ એનો વાળ વાંકો કરી જવાનો ! આવી શ્રદ્ધા અને આવો વિશ્વાસ દેવ બજરંગ ઉપર એ જાણે આપણી પેઢીઓની પરંપરા !
ભારતીય ઇતિહાસ- સંસ્કૃતિના દેવતાઓના નામ લેવામાં આવે અને એમાં જો કોઇ એક કર્મનિષ્ઠ, સેવક, ચાકર, ત્યાગી, બળવાન, બુદ્ધિશાળી, ચતુર કોઇ દેવનું નામ લેવું હોય ને તો દેવ હનુમાનને જ યાદ કરવા પડે. આ એક જ દેવ એવા કે જેના દરબારમાં જઇને તમારે એમનું નામ નહિ લેવાનું પણ એમના આરાધ્ય એવા શ્રી રામનું નામ લો તો પણ રાજી રાજી ! ને જાણે આપણો બેડો પાર.... અને એટલે જ કહેવું પડે કે ....
“ એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે.”
અરે ઇ દેવ સિંદુરિયો તો આજે ય કંઇ કેટલાયના હૈયાને મંદિરમાં બેઠા-બેઠા રાજે કરે જ છે. અને એટલે જ એના દ્વારે ભીડ કોઇ’દી ઘટતી જ નથી.
વાલ્લ્મિકી હોય કે વેદ વ્યાસ દાદા હનુમાન વગર એમની વાત અધુરી છે. રામાયણ અને મહાભારત એ બેયમાં જો નામ બદલ્યા વગરનું જો કોઇ પાત્ર હોય તો એ દાદા હનુમાન જ છે. એ જ હનુમાન ને આજે એમના પ્રાગ્ટય દિવસે કોટી કોટી વંદન. જય દેવ બજરંગ ! જય હનુમાન ! જય શ્રી રામ ! જય શ્રી રામ !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો