બુધવાર, 26 મે, 2021

કવિતાને કિનારે....કિનારે......

કવિતાને કિનારે....કિનારે......




સ્પર્શની સુંવાળપ પામતો ઓછા શબ્દો થકી રજુ થતો શબ્દ વૈભવ એ કવિતા જ હોઇ શકે. કવિતા-એ-કવિતા છે, એની સરખામણી ક્યાંય કોઇ સાથે શક્ય જ નથી. કોઇક ગદ્ય- પદ્યમય હોઇ શકે પણ કોઇ પદ્ય ક્યારેય ગદ્યમય ન જ  હોઇ શકે ! આમ, કવિતા પોતે યુનિક છે, એની સરખામણી આ જ કારણે શક્ય નથી. 
લખવા બેઠા અને કાગળ પર લખાય જાય તે કવિતા નથી. કવિતા એટલે સ્વયંસ્ફુરણા. એનો અસ્ખલિત પ્રવાહ ક્યારે ચાલુ થાય તે નક્કી જ નહી ને ! જાણે અચનાક જ કોઇ પર્વત પર વાદળો ઘેરાય અને મુશળધાર વરસાદ તૂટી પડયા પછી એ પર્વત પરથી જાણે ચારે બાજુ જેમ ઝરણા વહેવા માંડે તેમ ઉછળતા કૂદતા શબ્દો આવે ને ત્યારે કવિતા રચાય ! આ શબ્દો કંઇ બંધ ઓછા થાય! એ તો પેલા ઝરણાની જેમ ખળખળ કરતાં આગળ વધે જ ! દરેકનો સોદો થાય કવિતાનો સોદો ન થાય. કવિતાનું મૂલ્ય રુપિયામાં ન અંકાય, અરે! તેનું તો બાર્ટરિંગ પણ ન થાય. તે તો માત્ર કોઇકના હ્રદયમાં ઉગે અને પછી અનેકના હ્રદયને વલોવે !  ક્યારેક તો એવું પણ બને કે કવિતા એકથી બીજાના હાથમાં અને બીજાથી ત્રીજાના હાથમાં જાય અને ક્યાંક કવિવરનું નામ ભૂલી જવાય અને છતાં પણ એ તો આગળ વહેવાની જ ! હજારો હૈયાને પુલકિત કરવાની જ !  ક્યારેક તો એમ થાય છે કે કવિતા હ્દયના ભાર ને હળવો કરવા જ જ્ન્મી છે. ક્યારેક કવિતાનું સ્વરુપ તો પ્રિયજ્ન કરતા પણ વહાલું લાગે.
જ્યારે વેદનાને વાચા ફૂટે, જ્યારે લાગણીની ભીનાશમાં હ્રદય ભીનું બને, જ્યારે મનમંદિર ક્યાંક આનંદના હિલોળે ચડે, જ્યારે જીવનમાં પ્રેમના ગણિતના દાખલા રચાતા હોય ને ત્યારે ક્યાંક કોઇકના હ્રદયમંદિરમાં કવિતા ફૂટતી હોય છે. તો વળી ક્યાંક યુદ્ધ મોરચો મંડાયેલો હોય અને ઉત્સાહ વર્ધક શબ્દો કોઇક સૈનિકને ઝંકઝોળ કરી શકે એ શબ્દ વૈભવનો થનગનાટ એટલે જ કવિતા !  ક્યાંક નાના બાળકને સમજાવવા તો ક્યાંક કોઇકને મનાવવા જ્યારે શબ્દો હ્રદયમંદિરમાંથી નીકળે અને એ પણ પાછા કોઇક પ્રાસ સાથે ત્યારે સમજવું કે કોઇક કવિતા આવી છે. સાચું કહું - તો વળી, ક્યાંક કોઇક આશ્ચર્ય પણ કવિતા જન્માવી જાય એવું પણ બને ! ક્યાંક કોઇક રાજા પણ કવિ હોઇ શકે ! લાંબા ઇતિહાસ ને છોડો - આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇ કવિ હતા તો હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કવિ છે જ ! કોઇક ધ્યેય, કોઇક સપના કે કોઇક પરિસ્થિતી, લાગણી, સંબંધ, માંદગી, યાદો, જ્યારે એક વલોણામાંથી પસાર થતી હોય ત્યારે ક્યાંક કવિતા ઉદભવતી હોય છે ! ટુંકમાં કહું તો, જીવંતતાનો ખ્યાલ આપતી સૌથી સુંદર પરિભાષા એટલે કવિતા.
કવિતા એ ચેતનાની એક પરમ અવસ્થા છે તો ક્યાંક કવિતા જુસ્સાનો જ્વાળામુખી છે. કવિતા ક્યાંક સૌંદર્યને  ગરીમા બક્ષનારી રિધમ છે તો ક્યાંક કવિતા પથ્થર દિલને પણ પિગળાવનારી છે. કવિતા ક્યાંક મરસિયા રૂપે વહેનારી છે તો ક્યાંક છંદોના અલંકાર થકી નવૌઢા જેવી લાવણ્યકારી થઇ ઊઠનારી છે. કવિતા કયાંક અછાંદસ હોવા છતાં અનેકને સ્પર્શી જનારી હોય છે તો ક્યાંક પોતાને જ પોતાનામાં સમવી લેનારી હોય છે. કવિતા ક્યાંક મધુર પ્રાર્થનાનું સંગીત છે. તો કવિતા કયાંક ખુમારી ભરી ગઝલ છે. 
કવિતા એ કંઇ શબ્દોની જુગલબંધી જ નથી. લયની લઢણ અને શબ્દોની ગોઠવણી એ પણ કવિતા નથી. આ બધામાં ક્યાંક,  હાઇકુ તો ક્યાંક ગઝલ તો ક્યાંક વર્ટિકલ રૂપે પણ કવિતા આવે! ક્યાંક છાંદશ તો ક્યાંક અછાંદશ સ્વરૂપે વહે એ કવિતા. અને એમાં ક્યાંક પંચ હોય તો ક્યાંક પ્યાર હોય. ક્યાંક વેદના હોય તો ક્યાંક શુરાતનના પડઘમ હોય. ક્યાંક પ્રેરણાનો ધોધ હોય તો ક્યાંક નિખાલસ રજુઆત હોય. ક્યાંક શુરાતનનું વાવાઝોડું હોય તો ક્યાંક અંજલિનો અભિષેક હોય. ક્યાંક આદ્યાત્મના અણસારાનો વૈભવ હોય તો ક્યાંક પોતાનો જ પરિચય આપનારી સ્વયમશિસ્તા બની સામે આવનારી સ્વ્યમસિદ્ધા હોય. કવિતા ક્યારેક સાધનામય રૂપે હોય તો ક્યાંક ભક્તિનો ભેખ ધરનારી હોય. કિવતા ક્યાંક હાસ્ય-અટ્ટહાસ્ય રૂપે હોય તો ક્યાંક આંસુઓના અભિષેક રૂપે હોય. તલવારની ધાર પર સરકતા શબ્દોનો વૈભવ આપે એ કવિતા, તો ક્યાંક પુષ્પનો અભિષેક પામી અબોલ છતાં બોલકું મૌન રજુ કરી આપે એ કવિતા ! અને છતાં ક્યાંક સુરેશ દલાલે ખુબ સરસ વાત કરી છે કે- 

કવિતા લખવી હોય તો લખો 
-લખો તમારી ગરજે. લખશો એટલે કવિતા થશે જ 
એની કોઇ બાંયધારી નહીં  આપી શકે. 
છંદ આવડે કે ન આવડે 
કવિતા કોઇ પૂર્વશરતથી આવતી નથી. 
એવું પણ બને 
કે આવવાની સાથે 
એનું કાગળ પર જ બાળ-મરણ થાય. 
પ્રક્ટ્યા પછી એ તમારાથી છૂટશે. 
તમારું નામ ભલે હોય કે ન હોય 
પણ એ શ્વાસ 
પોતાના જોર પર જ લેશે. 
ખંખેરી નાખશે વિશેષણોની જંજાળ, 
જીવનની સરિતા કે મરણનો સમુદ્ર 
કે વિષાદનો વડલો- આવાં આવાં 
રૂપકોને તો એ ફંગોળીને ફેંકી દેશે 
તમારી નજર સમક્ષ જ. 
આ બધું જોવાની અને જીરવવાની 
તાકાત હોય, 
અને ભૂંસવાની તથા નવેસરથી ફરીથી 
લખવાની ભીતરી ગરજ હોય તો 
- લખવી હોય તો લખજો. 
કદાચ, એ કવિતા હોય તો હોય. 

જ્યારે માર્મિક તથ્યોને બાજુ પર મુકી પોતાના સ્વાર્થ ખાતર શબ્દોની ગોઠવણી થતી હોય છે ત્યારે એ મીંઢાપણાથી કવિતા સનેપાત અનુભવતી હોય છે. સર્જનશીલતા પર જાણે આતંકવાદી હુમલો ! આખી રચનામાં શબ્દરંગનો મજાનો વૈભવ હોય પણ પૂર્વગ્રહ હોય ત્યારે કવિતા એ કવિતા નથી રહેતી. પૂર્વગ્રહોથી પિડિત વ્યક્તિ જ્યારે કવિનું બિરૂદ પામે ત્યારે ખરા અર્થમાં એ કવિતા એનું કવિતાત્વ ગુમાવી બેસતી હોય છે અને એ વેદના શબ્દાતીત હોય છે. જ્યારે કોઇ કવિમાં કે એની રચાનામાં સ્વાર્થી અપેક્ષાઓ પગ પેસારો કરતી હોય છે ત્યારે એનું કવિત્વ નાશ પામતું હોય છે. ટુંકમાં કોઇક અસર તળે ઉદભવે એ બધું જ હોઇ શકે પણ કવિતા તો ન જ હોઇ શકે. શબ્દોની ધડકન જોવી હોય અને શબ્દોનો થડકાટ અનુભવવો હોય તો કવિતા ને પામવી પડે એ મુદ્દાની વાત ત્યારે ક્યાંક ત્યારે ભુલાતી હોય છે . અરે, કવિતા તો માણવા અને પામવા સર્જાઇ હોય છે. એ તો પ્રાણ ન ધરાવનારી પ્રાણધાર વાહિની છે આ વાત જેને સમજાય એ જ ખરા કવિત્વને પામી શકે. 
કવિતા લીંપણ કે ગૂંથણ નથી એ તો જાણે સંઘેળા અવતારે ચેતનાની પરમ અવસ્થાએ પ્રગટતું નાદબ્રહ્મનું આલેખન ! કવિતા તો હૂંફ આપે ને જરૂર પડ્યે પિગાળે પણ ખરી ! કવિતામાં ક્યાંક પ્રેરણાનો પગરવ હોય છે તો ક્યાંક હિમાલયની અડગતા ! કૃષ્ણએ કહ્યું છે ને કે અગ્નિમાં હું જઠરાગ્નિ છું એમ કવિતા કહી શકે કે  શબ્દોના લયમાં છાંદશ કે અછાંદશ સ્વરૂપે સૌના દિલમાં રહેનારી શબ્દોના વહાવમાં વહેનારી શબ્દ વૈભવનો અવતાર હું કવિતા છું. ગામની ગાગરથી લઇને અનંત ગગનની અખિલાઇ એના પર્યાય રૂપે બોલે એ કવિતા !  ટુંકમાં સમગ્રતાને સમાવી શકે અને અખિલાઇ પૂર્વક વ્યક્ત થઇ શકે એ કવિતા !  ઓછા શબ્દોમાં મર્મના પડઘમ પાડે એ કવિતા ! સફળતા નિષ્ફળતના સ્પંદનો ઝીલી એને લાવણ્યતા બક્ષી સૌના દિલની માલિક બની જાય એ કવિતા !  જે પોતાના પણાનો પોતીકો અહેસાસ કરાવી જાય એ કવિતા !  કૂંપળની જેમ ફૂટે ને ચારેકોર અસ્તિત્વમાં ભળે એ જ એની ખરી ઓળખ ! ટુંકમાં તેજસ્વિતા અને ઓજસ્વિતાથી ભરેલા શબ્દોનો વૈભવ એટલે કવિતા. 
અને કવિતાની આ બધી મજાની વાત જ્યારે કવિતા ખુદ બોલતી હોય તો કેવું ? હા, છેલ્લા મારે કોઇકે રચેલી અને કવિતા જ પોતે જ બોલે- એ કવિતા કહી ને પૂર્ણવિરામ મુકવો છે. 

એકાગ્ર ચિત્તે સુખ-દુ:ખ મારા સાંભળે છે કવિતા. 
ક્યારેક લાગણીઓમાં ન્હાય છે, તો ક્યારેક આંસુઓમાં ભિંજાય છે કવિતા.
મુજ સાથે બનતા હર એક બનાવની સાક્ષી થાય છે કવિતા. 
હસી રડી મારી સાથે મુજ સુખ-દુ:ખની ભાગીદાર બની જાય છે કવિતા. 
સમાવી લઇ ખુદમાં દર્દ, પીડા, વ્યથા મારી આક્રોસમાં એની છુપાવે છે કવિતા. 
રોષ, ગુસ્સા, અક્રોસને મારા ઢાળી શબ્દોમાં ખુદમાં સમાવે છે કવિતા. 
મારી હર એક ક્ષણને મહામુલી એની યાદોના જતનથી સાચવે છે કવિતા. 
ભાર માથાનો હળવો કરે ના કરે, મનને હળવાશ આપે છે કવિતા. 
ખેંચી લઇ ભાર મુજ હ્રદયનો હળવી ફૂલ મને બનાવે છે કવિતા. 
મનોરંજક બની, શોખ ભલે કહેવાય બીજા માટે, મારે માટે તો જીંદગીનો સહારો છે કવિતા. 
વાંચી મને, પોતે જ ઉતારે છે ખુદમાં, મારાથી ક્યાં લખાય છે “કવિતા”.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો