છાન્દોગ્ય ઉપનિષદમાં કહેલી
વાત કે “સુખં ત્વેવ વિજિજ્ઞાસિતવ્યમ |” (સુખની જીજ્ઞાશા રાખવી જોઇએ.) જેવી મજાની
સુખમિમાંસાની વાતથી જે પુસ્તકની શરૂઆત થતી હોય એ પુસ્તકમાં મજા જ આવશે એ વાંચતા જ
સમાજાઇ જાય. તો, બીજી બાજુ આ જ ઉપનિષદમાં થયેલ ૐ ના મૈથુન મહિમાની પણ વાત છે. તો
વળી ક્યાંક ઇશોપનિષદનો મંત્ર બોલે છે, તો ઇશોપનિષદ પર ગાંધીજીએ કરેલું ક્વોટ છે જે
આપણી સંસ્કૃતિની ગરીમાને ઉજાગર કરે છે અને આ ઉપનિષદ પ્રત્યે માન ઉપજાવે છે એ પણ છે.
આ બધાની વચ્ચે ક્યાંક વેદમંત્રથી કોઇક લેખની થતી શરૂઆત મજાની લાગે છે. તો વળી,
ક્યાંક માર્કેટીંગના પરીપ્રેક્ષ્યમાં ઋષિ વિશ્વામિત્રના ગાયત્રી મંત્રની વાત રજુ
થઇ છે. એવું મજાનું પુસ્તક એટલે “માણસ નામે VIP.”
દારા શુકોહને આવનારી પેઢી
યાદ રાખે એ માટે એક માર્ગનું નામ દારા શુકોહ માર્ગ અપાય, એ માટે કરેલા પ્રયત્નો
અને એ મજાનું કામ થયા બાદ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન પાસે જે માર્ગનું નામ દારા શુકોહ
રખાયું એ જ માર્ગ પર કરેલ “દારા શુકોહ સ્મરણયાત્રા” ની ખુબ જ સરસ રજુઆત કરતો મજાનો
લેખ જાણે આ પુસ્તકમાં મોરપિચ્છ સમાન ભાષે છે. કારણ કે એમાં ચારસો વર્ષ પહેલાના એક
હાંસિયામાં ધકેલાઇ ગયેલ નામને – એક સેક્યુલર ફરીસ્તાને ફરી જીવંત કરી આજની પેઢી
સમક્ષ રજુ કરવાનો નિ:સ્વાર્થ પ્રયત્ન છે.
મેક્સમુલર, ડૉ. ડુલિટલ ,
આઇઝેક એસિમોવ, ખલીલ જિબ્રાન, આલ્બેર કામું, આર્નોલ્ડ ટોયનબી, સ્ટીફન એટેનબરો, ડૉ.
રાધાકૃષ્ણન, ભર્તુહરી, રિલ્કે, લિન યુટાંગ, આલ્બર્ટ આઇનસ્ટાઇન, કન્ફ્યુશિયસ, જર્મન
લેખક કેન્નેથ વોકર, ટી.એસ. એલિયટ આ બધાના કોઇક ક્વૉટ કે એમની કોઇક વાત ખૂબ જ સરસ
રીતે આ પુસ્તકમાં રજુ થઇ છે, જે આ પુસ્તકની સમૃદ્ધિનો પુરાવો આપે છે. તો વળી ક્યાંક, જાપાનીઝ કવિ નાગૂચીની વાત છે. તો
બીજી બાજુ ક્યાંક રવિન્દ્રનાથ ટાગોર કે નરસિંહ મહેતા ના કોઇક પદની પણ વાત છે. પાકિસ્તાનના
હસન નિસારની હિંમતની વાત છે. અને આ બધાની વચ્ચે ક્યાંક કોઇક સૂફી ફકિરની મજાની વાત
એવી રીતે મહેકી ઉઠે છે જાણે વરસાદ બાદ ધરતીની મહેક !
વિલિયમ બ્લેકની કવિતા
ક્યાંક ઉપનિષદોની વાત વચ્ચે એવી રીતે રજુ થઇ છે કે જાણે કોઇ છોડ પર મજાનું પુષ્પ
ખીલી ઉઠ્યું ! ઇલ્સલામી સૂફી પરંપરા જ્યાંથી શરૂ થઇ એ રૂમી ક્યાંક બોલે છે.
ઇશ્વરમાં શ્રદ્ધા ન રાખનારા લોર્ડ બટ્રાંડ રસેલની કોઇક વાત છે. તો, ક્યાંક પંડિત
શ્રીપાદ દામોદર સાતવળેકરજીના વિચારો રજુ થયા છે, આટલા નામ હોય અને ગુણવંત શાહના
પુસ્તકમાં એમના જીવનમાં એમને અપીલ કરી ગયેલા બે પાત્રો ગાંધીજી અને વિનોબાજી ન હોય
એવું બને ! આ બન્ને મહાનુભાવોના વિચારો આ પુસ્તકમાં ખુબ જ સરસ રીતે રજુ થયા છે. તો
ક્યાંક એમની સાથેની અસહમતી પણ સરળ નિખાલસતા સાથે રજુ થઇ છે. આ બધાની વચ્ચે ક્યાંક
પિકચરના ડાયલોગની સુંદર પ્રસ્તુતિ મનને ઝંકૃત કરી જાય છે. આ બધી વાતોમાં ક્યાંક
મહાભારતના શબ્દો છે તો, ક્યાંક રામાયણની
વાત વચ્ચે વિવેક અને સાધનાના રચયિત કેદારનાથજીની વાત ખીલી ઉઠે છે.
જીવનની ફિલોસોફીમાં- ને-
શબ્દોની સમજુતીમાં ક્યાંક પ્રેમની વાત છે, સત્યની વાત છે અને આ વાતોની વચ્ચે
ક્યાંક નિખાલસ બની રજુ થવાની વાત છે. તો, વળી કોઇક જગ્યાએ કામદેવના ભાથામાં રહેલા
પાંચ તીરની વાત છે. સૂર્યોદય સાથે થતા અનંતના ઉત્સવની ખૂબ જ સરસ પ્રસ્તુતિ છે. ક્યાંક
વળી, બોધીસત્વના સમયની સરભા હરણની બૌધ કહાની બોલે છે. તો, હરિયાણાના ગામમાં ચાલતી
ખાપ પંચાયતોની વેદના સામે બુલ્લે શાહના શબ્દોનું માધુર્ય રજુ થાય છે ત્યારે જાણે
ઉનાળામાં ક્યાંક ભીનાશ પ્રાપ્ત થયાનો અહેસાસ ! ક્યાંક સિદ્ધાર્થ ફિલ્મની વાત આવે
છે અને સિદ્ધાર્થનો ડાયલોગ આવે છે કે મારી પાસે ધન નથી પરંતુ હું ત્રણ બાબતોને
કારણે ધનવાન ગણાઇ શકું ! (1) I can’t
wait. (2) I can fast. ( 3) I can think. અને પછી આ વાત છેક
ગાંધીજી સુધી જાય છે અને એક વિચારબીજ એમના જ જીવનના પ્રસંગો સાથે રજુ થાય ત્યારે
ફરીથી વિચારવિશ્વમાં ગરકાવ થઇ જવાય છે. આ બધાની વચ્ચે જ્યારે કૈફી આઝમીની પંક્તિ
આપીને પોતાનો મિઝાઝ રજુ કરે છે ત્યારે લેખક પ્રત્યેનું માન બેવડાય છે.
ભૂલ કરનાર માણસની વાત આખા
એક આર્ટીકલમાં ખૂબ જ સરસ રીતે રજુ થઇ છે તો, એની પૂર્ણાહૂતી મહમદ પૈગંબરના શબ્દો
સાથે સુંદર રીતે થઇ છે. જ્યારે અસ્રુપાવરની વાત આવે છે ત્યારે જાણે આપણી જ સામે
અરીસો ધરાઇ જાય છે. અને થોડા સમય માટે જાણે વિચારમગ્ન થઇ જવાઇ છે. તો વળી, કોઇક
લેખમાં મહારાજા રણજીતસિંહના સ્વભાવની સુંદર રીતે રજુઆત થઇ છે અને પછી એમાં જ્યારે
આઇસબોર્ન કે પછી ફ્રેન્ચ વિચારક જેડીમા કે પછી નહેરૂના ડિસ્કવરી ઓફ ઇન્ડિયાના
શબ્દો જે રીતે ક્વોટ થયા છે એ જાણે રણજીતસિંહની એ વાત માટેના સિગ્નેચર ! ક્યાંક
અચાનક જ ઉત્ક્રાંતિના યુ ટર્ન જેવું
મજાનું ટાઇટલ આવે અને એમાં અહિંસાની વાત એટલી સરસ રીતે મુકાઇ છે કે સ્કૂલના
બળકોને તો નિબંધ માટે આખી સ્ક્રિપ્ટ મળી જાય. પુસ્તકના એક પછી એક પાના ફરતાં જાય
અને વળી એમાં ક્યાંક યુદ્ધની વાત આવે તો ક્યાંક ગાંધીની અહિંસા આજે પણ ધબકતી દિશે
એવા ઉદાહરણો સાથેની મજાની રજુઆત અનેક સમયે દેખાઇ ઉઠે ! આ બધું જ વાંચતા ક્યાંક એવો
અહેસાસ ચોક્ક્સ થાય કે આ પુસ્તકમાં અનેક વાતો એવી રીતે રજુ થઇ છે કે જીવન
પ્રત્યેની નઝર સામે દેખાતી ફિલોસોફી ખૂબ જ સરળ શબ્દોમાં માર્મિક રીતે રજુ થઇ છે.
તો ખાસ નોંધવા જેવી બીજી વાત એ કે ગુણવંત શાહના દરેક પુસ્તકની જેમ જ આ પુસ્તકની
ફૂટનોટ્સ પણ જાણે જ્ઞાનનો સાગર !
આ પુસ્તકના છેલ્લા 36
પાનાઓમાં ગુણવંત શાહ પરના વાચકોના પત્રો સબસે ઊંચી પ્રેમ સગાઇના ટાઇટલ નીચે રજુ
થયા છે જેમાં પ્રત્યેક પત્ર લેખક પ્રત્યેનો આદર વ્યક્ત કરતા ભાષે છે. સાથે સાથે
દારા શુકોહ માર્ગના નામકરણ માટે કરેલ મથામણના પત્રો પણ રજુ થયા છે જે બતાવે છે કે
કોઇપણ લેવલ પર તમે જો નિષ્ઠા અને સાચા પુરુષાર્થ સાથે લડો છો તો એનું ઠોસ પરિણામ
મળે જ છે. જે મારા જેવા અનેક માટે પ્રેરણારૂપ છે.
કેટલાક વિચારો જે મને આ
પુસ્તકમાંથી ખુબ જ ગમી ગયા અને પજવી ગયા એ જો કહુ તો ચોક્ક્સ કહીશ કે....
માનવીનો ઇતિહાસ સુખ માટેની
ઝંખના અને દુ:ખ નામની વાસ્તવિકતાનો ઇતિહાસ છે.
ગરીબ મનુષ્યને કેવળ ધનનો
અભાવ નથી પજવતો, એને ગરીમાનો અભાવ પજવતો હોય છે.
ગાંધીજી મહાત્મા બન્યા કારણ
કે તેઓ અસત્યનો અત્યાચાર વેઠવા તૈયાર ન હતાં.
મત અને મોત વચ્ચે હસ્તધૂનન
થાય ત્યારે જ કોમી હુલ્લડ થાય છે. હુલ્લડ તો ગંદા રાજકરણની અનૌરસ ઔલાદ છે.
મનુષ્ય અંધશ્રદ્ધા વિના
ડૂબી શકતો નથી અને શ્રદ્ધા વિના તરી શકતો નથી.
ઑરબેનની કોમેડીમાં કહ્યું
છે કે “ જીવન એવી રીતે જીવો કે તમારે તમારી ડાયરી સંતાડવી ન પડે.”
અને, છેલ્લે એક મજાની વાત
કે જે આ પુસ્તકના 39માં લેખમાં રજુ થઇ છે કે – જર્મન લેખક કેન્નેથ વૉકરના એક
પુસ્તકની અર્પણ નોંધ મને ખૂબ જ ગમી ગઇ છે. અર્પણ નોંધમાં અનોખો મિજાજ છે. એ મિજાજ
કેવો ? - : “ To The Disturber of my sleep.” ઊંઘમાં ખલેલ પહોંચાડનારને પુસ્તક અર્પણ કરે એવા
લેખકો કેટલા ? તો આવી જ રીતે મારે કહેવું છે કે પોતાના વાચકોને યાદ રાખીને પુસ્તક
અર્પણ કરે એવા કેટલા ? હા, આ હું એટલે કહું છું કે “માણસ નામે VIP” પુસ્તક જે ત્રણ
વ્યક્તિઓને (વાચકોને) અર્પણ થયું છે એમાં એક નામ મારું પણ છે. આવું મજાનું પુસ્તક
અને એની અર્પણ નોંધમાં મારું નામ હોય એ ક્યાંક અનેરા આનંદની ઘટના છે. અને મારી
જીવનરૂપી ડાયરીમાં સુવર્ણ અક્ષરોએ લખાયેલું આ એક પાનું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો