શુક્રવાર, 4 ઑક્ટોબર, 2019







જીવનમાં અમુક નામ એવા હોય કે એમને મળો અને મહેફિલ રચાય, મળો અને મિલનયુગ શરૂ થાય, મળો અને આનંદની છોળો હિલોળા લેતી હોય એવો માહોલ બને, મળો અને મન બધું જ ભૂલીને એક અનેરી તાજગી મેળવતું હોય, મળો અને ભુતકાળને ભુલીને વર્તમાનમાં જ મન રમે એ વસ્તવિકતા આકાર લેતી હોય જ્યારે એવી ક્ષણો સાથે હોય ત્યારે જીવન નામની ઘટના એક ઉત્સવમાંથી પસાર થઇ રહી છે એવું ચોક્ક્સ સમજવું. અને આ ઉત્સવ એટલે જ જાણે અસ્તિત્વનો ઉત્સવ ! પછી ભલેને એ થોડા દિવસોનો હોય કે થોડા કલાકનો હોય પણ એ શરીરમાં કે મનમાં પોઝિટીવ પ્રાણ ફૂંક્નારો હોય છે. જે જીવનને ચેતવંતો બનાવી જનારો હોય છે તો જીવન રૂપી સફરમાં મળતું એક એવું સ્ટેન્ડ હોય છે કે જ્યાં ખાલીપો, એકલતા, નિરસતા, રૂટીન અને વિચારો બધું જ ખરી પડતું હોય છે અને તાજગી સાથે શરૂ થતી હોય છે નવી ઇનિંગ ! જે ફરીથી જીવનને નવો આયામ બક્ષનારી હોય છે. અને આવી ક્ષણ માણવી એ જ જાણે જીવનનો નવો વળાંક. અને કાલે ગાંધીજીની 150મી જન્મજયંતિ પર આવો સુંદર દિવસ અમારા નસીબમાં હતો. અસ્તિત્વના ઉત્સવ સમાન આ મજાનો દિવસ પકડવાનું બહાનું હતું બાની બર્થ ડે(અવંતિકાબેન) નો ઉત્સવ. થોડા મિત્રો ભેગા થયા અને પહોંચ્યા કિરીટભાઇના ફાર્મ હાઉસ પર ! હા, સેટેલાઇટ ગ્રીન પર !
હું અને આશીષ લગભગ સાથે જ પહોંચ્યા. બસ થોડી જ વારમાં કિરીટભાઇ ટહુકા પરથી બા અને ભાઇને(ગુણવંત શાહ) લઇને આવી પહોંચ્યા અને કંજ તો કિરીટભાઇની મીનીકુપર કાર જોઇને ખુશ થઇ ઉઠ્યો અને મને કહે પપ્પા આ તો મીનીકુપર છે ! બા કારમાંથી ઉતર્યા અને કંજે જ એમને ટ્રાવેલર્સ પામ આપીને સ્વાગત કર્યું કારણ કે નો બુકે ! નો ગીફ્ટ ! નો કેક ! આ મેસેજ બા પહેલેથી જ આપી ચુક્યા હતાં. એટલે વૃક્ષપ્રેમી એવા બા માટે આ એક જ ગીફ્ટ બચી હતી જે આપીને એમની ડાંટથી બચી શકાય. અને Travellers palm plant એ કામ કરી ગ્યો. બધાએ બા ને બર્થડે વિશ કર્યું. લગભગ બધા જ આવી ચુક્યા હતાં અને અંદર રૂમમાં જઇ રહ્યા હતાં ત્યારે ભાઇની બધી જ બુક્સના નામ મોઢે છે એવી રાજશ્રીને બોલાવીને ભાઇએ કહ્યું તું મારી બાજુમાં બેસ ! રાજ્શ્રી મારી સામે જોઇને ઇશારો કરીને કહી રહી હતી હું જુઓ અહીં બેઠી છું.... બંદા શું બોલે... નસીબ તારા.... એમ પણ નસીબદાર તો પહેલેથી જ છો.... તું ખુશ એમાં હું ખુશ... બસ બધા પોતપોતાની બેઠક લઇને બેઠા અને બ્રેકફાસ્ટથી શરૂ થઇ અમારી એ મજાની સફર... કિરીટભાઇ કહી ચુક્યા હતાં કે આજે અહીંથી જે પણ મળશે એ બધું જ ઓર્ગેનીક... અહિંના ફાર્મમાંથી જ ઉત્પન કરેલું હશે. ત્યાર બાદ કિરીટભાઇ અમને એમના બાયોગેસ ઉત્પન્ન કરતાં ખેતર પર લઇ ગયાં અને કેવી રીતે બાયોગેસ બને છે તે અત: થી ઇતિ સુધીની સમગ્ર કહાની બયાં કરી !
આ બધું અમને બતાવતાં હતાં ત્યારે એમનો ઉત્સાહ અને લગન જોઇને એમના પ્રત્યે અનેરૂ માન ઉપજતું હતું. નાનામાં નાની વાત પણ એમણે પોઇન્ટ આઉટ કરીને બતાવી છે. જે એમના આ કામ પ્રત્યેના સમર્પણનો પણ ખ્યાલ આપી જતો હતો. આ બધું જાણ્યા અને માણ્યા પછી ચોક્ક્સ કહેવું પડે કે જૈવિક વિઘટન એ ઘટના કેટલી મહત્વની છે એ વાત કિરીટભાઇ બરાબર પામી ચુક્યા છે. અને અનેકને એ માટે પ્રેરણા પણ પુરી પાડી રહ્યા છે.
બપોર થઇ ચુકી હતી અને બધાને ભુખ પણ લાગી ચુકી હતી. ફરીથી કિરીટભાઇએ એમના કમીટમેન્ટ મુજબ જ ઓર્ગેનિક ખાદ્યસામગ્રીથી જ તૈયાર થયેલ રસોઇથી જ સૌને જમાડ્યા ! અને એ જ ક્રમ રાત્રે પણ એમણે જાળવ્યો. સમય એનું કામ કરી રહ્યો હતો.. હા, એ ભાગી રહ્યો હતો પણ અમે આજે અમે એના બંધનમાં ન હતાં. આજે મોજ હતી. સાંજ થવા આવી હતી અમે સૌ કિરિટભાઇ સાથે 140 એકરમાં ફેલાયેલા એમના ફાર્મમાં એમની સાથે નિકળી પડ્યા ! બે સિંન્થેટિક ટેનિસ કોર્ટ અને ઇનડોર બેડમિન્ટન પ્લે એરિયા આંખોને આંજી દે એવી મજાની રીતે તૈયાર કર્યા હતાં. Snooker અને Squash એરિયા પણ એટલી સરસ રીતે તૈયાર થયા હતાં કે જોઇને વાહ એવું મોઢામાંથી નીકળી જ પડે. ત્યાંથી તેઓ અમને સ્વિમિંગપુલ જોવા લઇ ગ્યાં જ્યાં આથમતો સૂરજ જોઇને લગભગ બધા જ આનંદીત થઇ ઉઠ્યા હતાં કારણ કે skyscrapers વચ્ચે રહેનારા આપણા સૌ માટે આ નજારો જોવો લગભગ અશક્ય બની ગયું છે. અને ત્યારે મને જાવેદ અખ્તરનો એ શેર યાદ આવેલો કે
“ ઉંચી ઇમારતો સે મકાં મેરા ઘીર ગયાં

કુછ લોગ મેરે હિસ્સે કા સૂરજ ભી લે ગયે.”
અને આવું જ પાછું બન્યું ! જ્યારે જમીને ચાલતા રૂમ પર જવા નિકળી પડ્યા ત્યારે.... ચોથના ઉગેલા ચંદ્રને જોઇને જે ફિલિંગ્સ અનુભવી એ પણ શબ્દાતીત હતી. ખેતરમાં ઉગેલા છોડ અને આસપાસના બે ત્રણ ઝાડ વચ્ચે દેખાઇ ઉઠેલો એ ચંદ્ર જાણે વાંચેલી કોઇ નવલકથાના નિરૂપણ સરીખો લાગી રહ્યો હતો. સાંજે ભાઇ પણ બોલ્યા કે આજે કેટલા બધા દિવસે આવો સરસ સૂર્યાસ્ત માણ્યો.
કિરીટભાઇ જ્યારે અમને એમના ખુબ જ સરસ રીતે તૈયાર કરેલા ઘર બતાવતા હતાં ત્યારે ઠંડક મેળવવા કેવી રીતે સ્ટ્રકચરીંગ કરવું તે સમજાવતા હતાં તે જોઇને એમના વિઝનરી અને અપડેટેડ સ્વભાવનો ખ્યાલ આવી જ જતો હતો. એમ પુછ્યું કે આવા સ્ટ્રકચરીંગને શું કહેવાય ? વાહ, કેટલો સરસ જવાબ આપ્યો કે આને Climate responsive architecting કહેવાય. તો વળી 250 માણસો બેસીને જોઇ શકે એવું થિયેટર બતાવ્યું ત્યારે એ જે રીતે કુલીંગ થાય છે એ Geo Thermal cooling process ની વાત સાંભળીને તો વિચારમાં જ ખોવાઇ જવાયું કે આવું પણ થાય !
સાચું કહું આ બધાની વચ્ચે ક્યાંક ઉભેલી એ ગરમાળાના વૃક્ષોની લાંબી હાર તો ક્યાંક લાઇનમાં ગોઠવાયેલા travellers palm કે Fan palm જાણે બતાવતા હતાં કે વૃક્ષો થકી farmમાં પણ Aesthetic sense ઉભી કરી શકાય છે. એને સુંદરતા બક્ષી શકાય અને કુદરત સાથે એના સાનિધ્યમાં એની જ રીતે વધારો પણ કરી શકાય... માત્ર વિચાર અને એને અમલમાં મુકવાનો હોંસલો જોઇએ જે અમે સવારથી કિરીટભાઇમાં જોઇ રહ્યા હતાં. આ સમગ્ર સમય દરમ્યાન સૌને લાઇવ રાખતું અને લાઇવ રહેતું વ્યક્તિત્વ એટલે મૃગાંકભાઇ. મૃગાંકભાઇ એક એવું વ્યક્તિત્વ કે જે ન હોય તો આનંદ પણ ફિક્કો લાગે ! તો વળી રાત્રે જ્યારે મજાની મહેફીલ જામી હતી ત્યારે મનીષાબેને એક મજાની સરપ્રાઇઝ આપી જે જલ્દી મળે એની આતુરતાથી રાહ જોવાય છે. બાકી જે હોય તે સૌનો સાથ અને સૌની મજા એટલે 2 ઓક્ટોબર 2019નો દિવસ ! આ રીતે ઉજવાયેલ બાની બર્થ ડે કાયમ માટે યાદ રહેશે જ ! માત્ર ખોટ હતી ઓસ્ટ્રેલિયાના પૂર્વ છેડાને ખુંદી રહેલા દિલિપ સર એન્ડ કંપનીની તો ગુજરાતના પશ્ચિમ છેડેથી ન આવી શકનાર પારસ એન્ડ કંપનીની ! રાજેશભાઈ અને મનીષભાઈ તમને પણ એટલા જ miss કર્યા. જે હોય તે Thank you બા ને કે જન્મદિવસે આવી સરસ જગ્યાએ લઇ જવાનું ગોઠવ્યું અને જીવનમાં એક યાદગાર દિવસ ઉમેર્યો. બાકી બર્થ ડે તમારી અને રીચાર્જ તો અમે થયા એ પાક્કું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો