સોમવાર, 21 ઑક્ટોબર, 2019

ઋણાનુંબંધ



જીવનમાં એક પાત્ર એવું તો મળી જ આવે કે એ પાત્રને જોઇને કે એ પાત્રને મળીને કે એ પાત્રને માણીને મનના એક ખૂણામાં એમ થાય કે ક્દાચ આની સાથેનું ઋણાનુંબંધ હતું એટલે જ મળાયું. ક્યાંક આપણી એ નિર્બળતા ગણો કે આપણા પર રચાયેલો માયાનો એક પડદો ગણો મોટાભાગના કિસ્સામાં આ ઋણાનુંબંધ આપણને એ સ્વજન કે મિત્રનો દેહ ચિતા પર હોય ત્યારે જ યાદ આવતો હોય છે. અને થાતું હોય છે બસ આટલું જ ! પણ એનાથી પર પણ ક્યાંક આપણા દરેકનું ઋણ અને ઋણાબંધ બીજે પણ ક્યાંક જોડાયેલું છે જ ! હા, એ પોતાની જન્મભુમિ સાથેનું, પોતાના કુટુંબ સાથેનું કે આપણા જ જીવનમાં અનાયાસે આવી જતા અને ક્ષણ કે બે ક્ષણ પણ રહી કાયમને માટે વિસરાઇ જતાં દરેક વ્યક્તિ સાથે ના કંઇક સંચિત કર્મ સાથેનું ! બસ આ જ વાત આ નવલકથામાં ક્યાંક ખુબ જ સરસ રીતે વર્ણવાઇ છે. અને એટલે જ એને નામ અપાયું છે ઋણાનુંબંધ.  
એક જ વ્યક્તિના ત્રણ જન્મો જ્યાં એક સાથે ચાલતા હોય એવી પહેલી વખત વાંચેલી આ મજાની નવલકથા છે. સપનાઓને ઓળખવા મથતા માનવીને ક્યાં કેવી રીતે જોવું શું કરવું એ બાબત પર વિચારતા કરી મુકે એવી આ નવલકથા છે. જાણે કુદરતના કોલ તમને ક્યાંક દોરી જાય છે અને તમે એમ કરો જ છો. એવું ક્યાંક માનવા મજબુર કરે એવું આલેખન છે.  તમે આ સૃષ્ટિમાં ચોક્ક્સ કામ કરવા જ આવ્યા છો તો જાણે દરેક વિચાર કે દરેક સપનું તમને કંઇક નિર્દેશ આપતું જાય છે. એવું મજાનું નિરૂપણ છે. તો આમાં વિજ્ઞાન છે આમાં ધર્મ છે આમાં વિશ્વનું રાજકારણ છે. અને આ બધાથી પર વર્ષોથી જોવાયેલું અખંડ ભારતનું સપનું કે જે દરેક ભારતીયનું છે એને સાચી પાડતી અનેક ઘટનાઓનો એક મજાનો સિરસ્તો છે. રાજકારણ અને વિજ્ઞાનથી ઉપર તમારી શ્રદ્ધા અને વિવેકબુદ્ધિ કામ કરે છે એ વાત જાણે પ્રતિક્ષણ અહેસાસ અપાવી જાય એવી મજાની નવલકથા છે. પણ સાથે સાથે એને સમજવા માટે કે પામવા માટે તમારા મનનું સાફ હોવું પણ ખુબ જ જરૂરી છે એ વાત ખુબ જ સરસ રીતે વર્ણવાઇ છે.
ટુંકમાં જીવનમાં કોઇપણ પાત્રનું મળવું એ એમ જ નથી એ વાત ક્યાંક ચોક્ક્સ ઋણાનુંબંધને કારણે જ શક્ય બને છે એવું માનવા મજબુર થઇ જવાય એવી મજાની કહાનીનું નિરૂપણ છે. સાયન્સ,સ્પિરિચ્યુઆલીટી અને સ્પિરીટથી ભરેલ આ ઋણાનુંબંધ નવલકથા ભલે ફિક્સનલ હોય પણ મનનાં એક ખૂણામાં ક્યાંક નોન ફિક્સનલ હોવાનો વહેમ આપીને વિચારોના વમળમાં ધકેલી દેનારી છે એ પાક્કુ ! વિજ્ઞાન અને ધર્મ બન્નેને નિપેશભાઇએ જીવનમાં ખુબ જ સરસ રીતે પામવાનો નિખાલસ પ્રયત્ન કર્યો છે એનો પુરાવો આ નવલકથાના શબ્દો, આલેખાયેલા પાત્રો અને ભૌતિક જગતની વિજ્ઞાન આધારીત વાતો એમના નિરૂપણમાં સતત દેખા દે છે. ગુજરાતી સાહિત્ય જગતમાં નવા અભિગમ સાથે નવો ચિલો ચાતરી મજાની  નવલકથા આપવા બદલ નિપેશભાઇ તમને ખુબ ખુબ શુભેચ્છાઓ.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો