સમાજને કે દેશને એક વિચારશીલ શિક્ષક પ્રાપ્ત થાય એ ક્ષણને કે એ સમયને કે એ
યુગને સમાજ માટે કે દેશ માટે સૌથી ગૌરંવતી ક્ષણ કે સમય કે યુગ ગણી શકાય. અને આવી જ
ગૌરવવંતી ક્ષણ ગુજરાતી સાહિત્ય જગતને પારસ
કુમારના રૂપમાં મળી છે. પારસ કુમાર હાલમાં જામનગર જીલ્લાના રાફુદડ ગામે આચાર્ય છે
અને શિક્ષકની સિગ્નેચર નામે એક મજાનું પુસ્તક ગુજરાતી સાહિત્ય જગતને આપીને ગુજરાતી
સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં એનેરૂ યોગદાન આપ્યું છે.
શિક્ષકની સિગ્નેચર એક એવું પુસ્તક જેમાં શિક્ષણ જગતના પ્રશ્નો છે અને એના જ
ઉત્તરો છે તો પારસના પોતાના ભાવવિશ્વમાં ઉદભવેલી અનેક બાબત કે પ્રસંગનો ઉલ્લેખ છે.
ક્યાંક વર્ષોથી ઘરબાઇને પડેલી લાગણીઓને કે પ્રશ્નોને વાચા મળી છે તો અનેક વાતોનો
ભવિષ્યોનમુખ ઉલ્લેખ છે.
કવિતા અને નિબંધના સમન્વય સમુ આ અદ્ભુત પુસ્તક અનેક લાગણીઓ અને ભાવનાઓનો જવાબ
છે. ગુજરાતી ભાષા સાહિત્યમાં લાવણ્યકારી શૈલીમાં લખાયેલ એક મજાનું અને વિચારોના
વમળમાં ધકેલી દે એવું આ પુસ્તક છે. એક શિક્ષકે જીવનભર કરેલી શિક્ષણ મિંમાંશા છે.
શાબ્દિક રજુઆતથી પર જઇને જોઇએ તો આ પુસ્તકમાં અનેક ભાવવાહી શબ્દો ગદ્યમાં પણ પદ્ય
સ્વરૂપે મળી આવે જે લેખકને એક અનોખી ઉંચાઇ બક્ષે છે.
તાલિબાની ગન સામે કલમ ક્યારેય નબળી ન પડી શકે અને શિક્ષણ જગતના રંગે રંગાયેલી
કલમ તો અનેક મલાલાને વિશ્વના ખૂણે ખૂણે હજુ પેદા કરશે જ એ આશાવાદનું આ પુસ્તક છે .ઇતિહાસ,
ભુગોળ, વિજ્ઞાન, ગણિત અને સંસ્કૃતિના ઉલ્લેખ સાથેનું વર્ણન અને એનું અનુસંધાન
સાહિત્યમાં પણ ખૂબ જ સરસ રીતે થઇ શકે એનો પુરાવો આ પુસ્તક છે. શાસ્ત્ર અને શસ્ત્ર
વચ્ચે ક્યાં શિક્ષણ ભુલાયું છે એની મજાની વાત સહજ શૈલીમાં છે. તો શિક્ષણ એક છોડ છે
અને એ છોડ પર પાંગરેલ પુષ્પ રૂપી બાળકની કેમ માવજત કરવી એની મજાની વાત આ પુસ્તકમાં
દરેક પૃષ્ઠ પર છે.
બાળક પાસે ધોધ બનીને વરસી પડવાની વાત છે. તો ક્યાંક શાંત દેખાઇ ઉઠતા
વર્ગખંડમાં ટહુકો બની ખીલી ઉઠવાની વાત છે. તો ક્યાંક કસ્તુરીમૃગની જેમ ચુપચાપ
છેલ્લી પટલીએ બેઠેલા અને એકલા પડી જતા એ મજબૂર બાળકની વાતને પામી જવાની અને એને
પાંખો આપવાની અનેક પ્રેરણાદાયી વાત છે.
આ પુસ્તક ક્યાંક અનેક વાલીના પ્રશ્નોને સમાવીને બેઠું છે તો અનેક બાળમાનસની
મજાની વાતો જાણે ફણગો થઇને ફૂટી હોય એવી પ્રતીતિ કરાવી જાય છે. દરેક શિક્ષકને જાણે
શબ્દે શબ્દે એમ અહેસાસ કરવી જાય કે અરે ! આ તો હું પણ આમ જ વિચારતો હતો કે આ
પ્રશ્ન તો મને પણ હતો જ ! ટૂંકમાં તમારી અને મારી લાગણીઓનો જ શબ્દદેહ એટલે પારસની
કલમ ! સતત પોતીકાપણાનો અહેસાસ કરાવી જાય એવું પારસની કલમે લાખાયેલ મજાનું પુસ્તક
એટલે શિક્ષકની સિગ્નેચર !
- અજીત કાલરિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો