કચ્છ જીલ્લાના મુંદ્રા તાલુકાના ઝરપરા ગામથી પોતાની શિક્ષક તરીકેની કાર્કિદી
શરૂ કરનાર પારસ પ્રમોશન પામીને જામનગર
જીલ્લના લાલપુર તાલુકાના રાફુદડ ગામે આવે પણ આ સમગ્ર સમય દરમ્યાન મળતી પળે પળને એક શિક્ષકને છાજે એ રીતે પોતાના અલગ વાંચન
વિશ્વમાં રૂપાંતરીત કરે અને સાથે સાથે સમયાંતરે પોતાનો વિચાર વૈભવને કાગળ પર
શબ્દદેહ આપે અને એના આ નિરંતર પ્રયાસ થકી ગુજરાતી સાહિત્યને શિક્ષકની સિગ્નેચર
નામે એક અદભુત પુસ્તક પ્રાપ્ત થાય. જ્યારે આવી આનોખી આનંદની ઘડી પ્રાપ્ત થઇ હોય
ત્યારે આ વર્ષે શિક્ષકદિનની પ્રથમ શુભેચ્છા પારસ કુમારને નામે ! Happy Teachers
day Paras Kumar.
તો મિત્રો , એક પ્રાથમિક શાળાના
આચાર્યનું પુસ્તક શિક્ષકની સિગ્નેચર શું છે ? આ પુસ્તક ક્યાંક બાળમાનસના પ્રશ્નો
કે લાગણીઓને વાચા આપી શિક્ષકની સાથે સાથે શિક્ષણને પણ જોડતી વાતોનો અનોખો સેતુ છે.
તો ક્યાંક આ પુસ્તક એક શિક્ષકની આંતરખોજને ઉજાગર કરતું પુસ્તક છે. શિક્ષણને તો
ક્યાંક શિક્ષકત્વને માતૃત્વની કક્ષાએ લઇ જવાનો પ્રયાસ દર્શાવતું મનને ગમી જાય એવું મજાનું પુસ્તક છે.
તાલિબાનોની ગન શિક્ષણ જગતને હરાવી નહી શકે પણ શિક્ષણ જગતની પેન્સિલ જ
એમને બદલશે એ આશાવાદ સાથે અનેક હકિકતોને બયા કરતું તો વળી શિક્ષણ જગત સાથે જોડાયેલ
પેન્સિલ, રબર કે સ્ટેપ્લર જેવી નાની પણ ક્યાંક ભાગ્યે જ ઉલ્લેખ પામેલી
વસ્તુઓની વાતો પણ પોતાની લાવણ્ય કારી
શૈલીમાં સુંદર રીતે રજુ કરી કલમને નવો આયામ બક્ષાયો છે આ પુસ્તકમાં !
દરેક નિબંધ પત્યા પછી એક અનેરુ વિચારમંથન માંગી લે છે તો વળી એમાંથી ક્યાંક
પ્રેરણાનો એવો ધોધ મળે કે જાણે એને કાયમ સાચવી રાખવાનું મન થાય કે એને જીવનમાં
ઉતારવાનું મન થાય. દરેક નિબંધમાં ક્યાંક અનેક નિખાલસ પ્રશ્નો છે તો ક્યાંક આપણે
પોતે પણ મુક સાક્ષી બની અનુભવેલી વેદનાને શબ્દદેહ અપાયો છે. ક્યાંક વિદ્યાર્થીના વિસ્મયને પામવાની તો
ક્યાંક વિદ્યાર્થીના મોઢા પર આવી જતાં નિખાલસ સ્મિતને પામી જવાની રોમાંચક વાત છે.
ક્યાંક આપણા જીવનના લેખાજોખા જોઇ એને જ પામવાની વાત છે તો ક્યાંક સામે બેઠેલ
વિદ્યાર્થીના શમણાને વાંચી જઇને એને પાંખો આપવાની મજાની વાત છે. શબ્દે-શબ્દે જાણે
કલમ શિક્ષણત્વનો ધોધ પ્રસરાવી જાય છે તો ક્યાંક એ ધ્રુજાવી પણ જાય છે. અને
વિચારોના વમળ પેદા કરી જાય છે.
મહાભારતના વિકર્ણને પણ યાદ રાખે અને ગણિતના વિકર્ણને પણ ન ભુલે એવી અદભુત શૈલીમાં
આલેખન થયું છે. તો ગણિતના વિભાજનને અને ઇતિહાસના વિભાજનને પણ એક સાથે આલેખી
બતાવે એ પારસની કલમ ! એકિકરણ જેવો ગણિતનો
શબ્દ તો ઇતિહાસમાં પણ છે એ ક્યાંક વાંચતા વાંચતા યાદ અપાવી જાય એવી એમની આ અનોખી
શૈલી ખરેખર ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક નવો માઇલસ્ટોન ઉભો કરશે એવું ચોક્ક્સ લાગે
છે.
ક્યાંક વેદના છે ક્યાંક નિખાલસતા છે તો ક્યાંક રડાવી મુકે એવી લાગણીશીલ
ભાવનાઓનો કેફ છે. ક્યાંક ઉદાહરણોનો સાથ છે તો ક્યાંક સત્ય ઘટનાઓ સાથેનો રાહ છે. બસ
પુસ્તક નથી જ મુકવું હજુ વાંચવું જ છે મન એવું બોલવા લાગે એવું મજાનું પુસ્તક છે.
સાચું કહું આપણા જ વિચારોને નવસર્જીત કરી નવીદિશા આપી નવા આયમો બક્ષતું આ એક
અદભુત પુસ્તક છે.
આ પુસ્તકમાં અનેક કવિતાઓ તો છે જ પણ ક્યાંક ગદ્ય પણ પદ્યની જેમ વહી રહ્યું છે
એવું અનેક સમયે લાગે. વિચારોને પાંખ ફુટેને ત્યારે અનેરો વિચાર વૈભવ પ્રાપ્ત થાય
અને આવો અનેરો વિચાર વૈભવ એટલે ખરેખર પારસની સિગ્નેચર અરે હા, શિક્ષકની સિગ્નેચર.
છેલ્લા એટલું જ કહીશ કે ખરેખર વાંચવા જેવું, વસાવવા જેવું અને માણતા માણતા જીંદાદિલ
બનાવી દે એવું મજાનું પુસ્તક એટલે શિક્ષકની સિગ્નેચર. Once again happy
teacher’s Day Paras Kumar.