ઘણું જીવો ગુજરાતી તું રહો સદા મદમાતી
ત્રિલોકમાં ને નવે ખંડે તુજ ફોરમ રહો છવાતી
તું ઘણું જીવો ગુજરાતી !
ત્રિલોકમાં ને નવે ખંડે તુજ ફોરમ રહો છવાતી
તું ઘણું જીવો ગુજરાતી !
......
હું એક આશાવાદી માણસ છું એટલે માતૃભાષા દિને એટલું જ કહીશ કે મારી માતૃભાષા હજુ હજારો વર્ષ રહેશે જ... કારણ કે
દુનિયાના કોઇપણ ખૂણામાં બે ગુજરાતી ભેગા થઇને સહજતાથી ગુજરાતીમાં વાતો કરવા લાગે છે ત્યારે મને વિદેશમાં ગુજરાત ઉભુ થતું ભાષે છે. કેટલીય વખત ક્રિકેટમાં સ્ટંપની પાછળથી પાર્થિવ પટેલનો શુદ્ધ ગુજરાતી લહેકો સંભળાઇ જાય છે ત્યારે મને લાગે છે મારીભાષા અનેક સિમાડાઓ તોડીને સતત વિસ્તરે છે. જ્યારે પ્રધાનમંત્રી વિદેશમાં જઇને ડાયસ પરથી બધાને કેમ છો એમ કહીને ખબર અંતર પુછે છે અને પછી જે અવાજ આવે છે તે સાંભળું છું ત્યારે મને થાય છે કે મારી ભાષા હજુ ઘણી મઝલ કાપવાની છે. અરે હા.... જ્યારે હું થિયેટરમાં જાવું છું અને છેલ્લો દિવસ, ગુજ્જુભાઇ ધ ગ્રેટ, લવની ભવાઇ, સુપરસ્ટાર, ચલ મન જીતવા જઇએ જેવા અર્બન ગુજરાતી પિકચરોને જોવું છું ત્યારે હાશકારો થાય છે અને મન કહે છે હવે મને સારું છે. મને બિથોવનની સિમ્ફની ગમે છે. તો હું રિકીમાર્ટીન કે માઇકલ જેકસનને સાંભળું છું ત્યારે ઝુમી પણ ઉઠું છું પરંતુ જ્યારે જળકમળ છાંડી જા ને .... વાળુ પ્રભાતીયું સાંભળું છું ત્યારે હું એક અલગ જ ભાવવિશ્વમાં ખોવાઇ જાવું છું અને મને થાય છે કે આ પ્રભાતિયા મારી ભાષાને જીવતા રાખે છે. નવરાત્રી કે લગનમાં લાખો લોકોને જ્યારે હું ગરબાના તાલે રમત જોવું છું ત્યારે મને એમ થાય છે કે મારી ભાષા હજી ઘણી લાંબી મઝલ કાપવાની છે. આશોની અમાસ પછી ઉગતા સૂર્યોદય સાથે લોકોને જ્યારે નૂતન વર્ષાભિનંદન કે સાલમુબારક કહી મળતા જોવું છે ત્યારે મને એમ થાય છે કે જ્યાં સુધી કારતકની પ્રભાત આવા શબ્દોથી થશે ત્યાં સુધી મારીભાષા વર્ષોના વર્ષ કુદાવતી રહેશે. છેલ્લા એક જ વાત કહી દઉં મને ઇમ્પ્રેસ શબ્દ કરતા સહજતામાં વધારે ઉંડાણ અનુભવાયું છે એટલે ઇડિયટ જેવા શબ્દો કરતા ઇસ્કોતરા જેવા શબ્દો સાથે જીવવાનું ફાવી ગયુ છે. કારણ કે ત્યાં સહજ સ્ફુરણા છે. બસ આવી સહજ સ્ફુરણા જ કદાચ વિશ્વની તમામ માતૃભાષાના આયુસ્યનું કારણ છે. માતૃભાષા દિવસ મુબારક....
આજે રિલાયન્સ સ્કુલમાં માતૃભાષા વંદના દિન પર જવાનું બન્યુ એ સદભાગ્ય.... બાળકોએ પણ ખુબ સુંદર પ્રસ્તુતી કરી.... એમની પ્રસ્તુતીમાં શિક્ષકોનું યોગદાન સતત છલકાતું જોયું. જયાં સુધી આવા શિક્ષકો છે ત્યાં સુધી માતૃભાષા સતત પ્રસ્તુતી અને સ્વીકૃતી પામતી જ રહેશે....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો