મંગળવાર, 29 ઑક્ટોબર, 2019

Happy Birthday Nairutimadam !

Image may contain: Shraddha Mehta, Ajit Mansukhbhai Kalaria and Rajshree Kalaria, people smiling, people standing

6 વર્ષનો પહેલા ધોરણમાં ભણતો એક છોકરો જાન્યુઆરી 1987માં બુલેટના પાછલા વ્હિલ નીચે પગ આવી જવાથી ફ્રેકચરનો ભોગ બને. આમ તો સ્કુલથી એનું ઘર માંડ 200 મીટર દૂર હશે. પણ 
1987ની એ સાલમાં એક સામાન્ય પરિવાર કરે તો શું કરે ? કારણ કે સવારમાં જોબ પર જતાં પહેલા પપ્પા સ્કૂલે તો મૂકી જાય પણ છૂટતી વખતે શું કરવું ? એટલે નક્કી થાય કે સ્કૂલે નથી જ મોકલવો. છેલ્લે વિચાર એવો પણ આવે કે બે મહિના નહી જાય તો શું ફર્ક પડશે ? ઘરે આપણે એને ભણાવી લઇશું... અઠવાડિયા બાદ સ્કૂલના ક્લાસ ટિચર રજિસ્ટરમાંથી એડ્રેશ શોધીને સ્કૂલ છુટ્યા બાદ ઘરે પુછપુરછ કરવા અવ્યા કે તમારો દિકરો સ્કૂલે કેમ નથી આવતો ? મમ્મી આખી કહાની કહે અને મેડમ જવાબ આપતા કહે ચિંતા ન કરો હું રોજ સ્કૂલ છૂટ્યા બાદ 15-20 મિનિટ આવીને કે પછી રીસેસના સમયમાં આવીને ભણાવી જઇશ. કારણ કે હું બસમાં આવું છું અને બસ એમ પણ સ્કૂલ છૂટ્યા પછી 15-20 મિનિટ મોડી જ ઉપડે છે અને અહીં સામે જ તો બસ ઉભી રહે છે. અને લગભગ બીજા જ દિવસથી એ સિલસિલો ચાલુ થાય અને રોજ મેડમ સ્કૂલ છૂટ્યા બાદ ઘરે આવે અને બસ ઉપડવાની હોય ત્યાં સુધીના સમયમાં એ ફરજ અદા કરી જતાં રહે. લગભગ દરરોજ ત્રણ મંજિલ ચડીને A-81 ના આઇ.પી.સી.એલ. કોલોનીના સ્કૂલની સામે આવેલા ઘર પર આવવું અને ભણાવી જવું એ જાણે નિત્યક્ર્મ બની રહ્યો ! ફરજ બહાર થાતા આવા કામ માટેના એવોર્ડ નથી હોતાં એ તો ઇતિહાસના પન્નામાં કાયમ માટે કંડારાઇ જઇ યાદ રહી જતાં હોય છે. બાકી આજે તો પહેલા ધોરણના પણ ટ્યુશન ચાલે છે. બસના ડ્રાઇવરને અને એકાદ મોટા છોકરાને કહી રાખ્યું હતું કે જો જે હું આવું ત્યાં સુધી બસ ઉભી રાખજે ! એક છોકરો સ્કૂલે આવી શકે એમ નથી એટલે એને ભણાવીને તરત જ આવી જઇશ. રોજની આ 15-20 મિનિટ એમ જ એ છોકરો ભણી લેતો, સ્કૂલની પરીક્ષા પણ આપી અને ત્રણ મહિના પછી એ પગ પરનું પ્લાસ્ટર પણ નીકળી ગયું ! એ છોકરો A+ ગ્રેડ સાથે પાસ પણ થયો અને એ વાતને 3 દાયકા કરતાં પણ વધારે સમય થઇ ગયો... આજે એ મેડમ રિટાયર્ડ છે પણ દિલમાં કાયમ છે આજે આ વાત એટલે યાદ આવી કે આજે મેડમનો જન્મદિવસ છે. હા, એ છોકરો અજીત કાલરિયા હું પોતે અને મેડમ એટલે નૈરૂતિ દવે ! સરળ, નેકદિલ અને પોતાના કામ પ્રત્યે સંપૂર્ણ વફાદર એવા મેડમને Happy Birthday અને Happy New Year. IPCL સ્કૂલમાં આવા અનેક શિક્ષકો.. એ બધામાં મને ભણાવી મૂઠી ઉંચેરા સાબિત થયેલા નૈરૂતિમેડમને આજે દિલથી Happy Birthday.

સોમવાર, 21 ઑક્ટોબર, 2019

ઋણાનુંબંધ



જીવનમાં એક પાત્ર એવું તો મળી જ આવે કે એ પાત્રને જોઇને કે એ પાત્રને મળીને કે એ પાત્રને માણીને મનના એક ખૂણામાં એમ થાય કે ક્દાચ આની સાથેનું ઋણાનુંબંધ હતું એટલે જ મળાયું. ક્યાંક આપણી એ નિર્બળતા ગણો કે આપણા પર રચાયેલો માયાનો એક પડદો ગણો મોટાભાગના કિસ્સામાં આ ઋણાનુંબંધ આપણને એ સ્વજન કે મિત્રનો દેહ ચિતા પર હોય ત્યારે જ યાદ આવતો હોય છે. અને થાતું હોય છે બસ આટલું જ ! પણ એનાથી પર પણ ક્યાંક આપણા દરેકનું ઋણ અને ઋણાબંધ બીજે પણ ક્યાંક જોડાયેલું છે જ ! હા, એ પોતાની જન્મભુમિ સાથેનું, પોતાના કુટુંબ સાથેનું કે આપણા જ જીવનમાં અનાયાસે આવી જતા અને ક્ષણ કે બે ક્ષણ પણ રહી કાયમને માટે વિસરાઇ જતાં દરેક વ્યક્તિ સાથે ના કંઇક સંચિત કર્મ સાથેનું ! બસ આ જ વાત આ નવલકથામાં ક્યાંક ખુબ જ સરસ રીતે વર્ણવાઇ છે. અને એટલે જ એને નામ અપાયું છે ઋણાનુંબંધ.  
એક જ વ્યક્તિના ત્રણ જન્મો જ્યાં એક સાથે ચાલતા હોય એવી પહેલી વખત વાંચેલી આ મજાની નવલકથા છે. સપનાઓને ઓળખવા મથતા માનવીને ક્યાં કેવી રીતે જોવું શું કરવું એ બાબત પર વિચારતા કરી મુકે એવી આ નવલકથા છે. જાણે કુદરતના કોલ તમને ક્યાંક દોરી જાય છે અને તમે એમ કરો જ છો. એવું ક્યાંક માનવા મજબુર કરે એવું આલેખન છે.  તમે આ સૃષ્ટિમાં ચોક્ક્સ કામ કરવા જ આવ્યા છો તો જાણે દરેક વિચાર કે દરેક સપનું તમને કંઇક નિર્દેશ આપતું જાય છે. એવું મજાનું નિરૂપણ છે. તો આમાં વિજ્ઞાન છે આમાં ધર્મ છે આમાં વિશ્વનું રાજકારણ છે. અને આ બધાથી પર વર્ષોથી જોવાયેલું અખંડ ભારતનું સપનું કે જે દરેક ભારતીયનું છે એને સાચી પાડતી અનેક ઘટનાઓનો એક મજાનો સિરસ્તો છે. રાજકારણ અને વિજ્ઞાનથી ઉપર તમારી શ્રદ્ધા અને વિવેકબુદ્ધિ કામ કરે છે એ વાત જાણે પ્રતિક્ષણ અહેસાસ અપાવી જાય એવી મજાની નવલકથા છે. પણ સાથે સાથે એને સમજવા માટે કે પામવા માટે તમારા મનનું સાફ હોવું પણ ખુબ જ જરૂરી છે એ વાત ખુબ જ સરસ રીતે વર્ણવાઇ છે.
ટુંકમાં જીવનમાં કોઇપણ પાત્રનું મળવું એ એમ જ નથી એ વાત ક્યાંક ચોક્ક્સ ઋણાનુંબંધને કારણે જ શક્ય બને છે એવું માનવા મજબુર થઇ જવાય એવી મજાની કહાનીનું નિરૂપણ છે. સાયન્સ,સ્પિરિચ્યુઆલીટી અને સ્પિરીટથી ભરેલ આ ઋણાનુંબંધ નવલકથા ભલે ફિક્સનલ હોય પણ મનનાં એક ખૂણામાં ક્યાંક નોન ફિક્સનલ હોવાનો વહેમ આપીને વિચારોના વમળમાં ધકેલી દેનારી છે એ પાક્કુ ! વિજ્ઞાન અને ધર્મ બન્નેને નિપેશભાઇએ જીવનમાં ખુબ જ સરસ રીતે પામવાનો નિખાલસ પ્રયત્ન કર્યો છે એનો પુરાવો આ નવલકથાના શબ્દો, આલેખાયેલા પાત્રો અને ભૌતિક જગતની વિજ્ઞાન આધારીત વાતો એમના નિરૂપણમાં સતત દેખા દે છે. ગુજરાતી સાહિત્ય જગતમાં નવા અભિગમ સાથે નવો ચિલો ચાતરી મજાની  નવલકથા આપવા બદલ નિપેશભાઇ તમને ખુબ ખુબ શુભેચ્છાઓ.  

મંગળવાર, 15 ઑક્ટોબર, 2019


યુરોપિયન દેશમાં હજુ રેનેશાની દસ્તક પહોંચી ન હતી. અને આમ પણ એમ મનાય છે કે એની શરૂઆત 14મી સદીમાં સૌ પ્રથમ ઇટલીથી થઇ. બસ સમજો હજુ એના પગરવ શરૂ જ થતાં હશે એ સમયની વાત છે. ઇટલીથી એક 17 વર્ષનો યુવાન એના બાપ(Niccolò)અને કાકા(Maffeo) સાથે એક લાંબી સફરે નિકળી પડે છે. આ ત્રણ કોણ તો એક જ જવાબ છે Venetian merchant ! પણ 13મી સદીના અંત ભાગમાં આ વેપારીઓ બીજા કરતાં કંઇક અલગ વેપાર કરનારા હતાં. કારણ કે એમનો વેપાર યુરોપથી એશિયા સુધી ફેલાયેલો હતો. વેપારની એક ખેપમાં 1271માં 17 વર્ષનો જુવાન નિકળી પડે છે ત્યારે એને ક્યાં ખબર હતી કે એનું નામ અનેક સદીઓ સુધી દુનિયા યાદ રાખશે. એ જે રસ્તે ચંગીઝ ખાનના પૌત્ર કુબલાઇ ખાન સુધી પહોંચ્યા એ સિલ્ક રોડ નિયતીનો નવો નળાંક હશે એ પણ ક્યાં એમાંના કોઇને ખબર હતી. હા, એ 17 વર્ષના છોકરો રસ્તાને કે ભૌગૌલિક પ્રદેશને નકશામાં કંડારી લેવાની કળાનો રચયિતા હતો. સાહસિક અને કંઇક કરી છુટવાની ભાવનાથી ભરેલો આ જુવાન ત્યાર બાદ કુબલાઇના દરબારમાં જ રહી જાય છે અને સારું માન પણ પામે છે અને 24 વર્ષ પછી જ્યારે તે ઇટલી પાછો આવે છે ત્યારે તે 15000 માઇલની સફર કરી ચુક્યો હોય છે અને એની પાસે હોય છે પોતે જોયલા પ્રદેશ અને ત્યાંની સંસ્કૃતિ સાથેનો સમગ્ર નકશો અને પ્રાદેશિક વિવિધતાથી ભરેલું નોલેજ જે આજે પણ એના નામ અને પ્રવાસ સાથે ઓળખાય છે તો એક સમયે કોલંબસની જેમ અનેક સાહસિક યુવાનો માટેની એ સફર બાઇબલ હતી. એ સફર બાઇબલનું નામ  The Travels of Marco Polo! (Marco Polo ની આ જીંદગીનામાની કહાની જોવી હોય તો 20 Episode માં નેટફ્લિક્સ પર છે જ). અને 17 વર્ષનો યુવાન એટલે Marco Poloપોતે.
અને લગભગ સાડા છ સદી વીતે પછી 1949માં બ્રાઝિલમાં બસ અને કોચ બનાવતી એક કંપની ચાલુ થાય અને Jose Ruben De La Rosa કંપનીનું નામ   Marco Polo રાખે ત્યારે જાણે એમ લાગે કે ક્યાંક એ નકશા અને રસ્તાનો રાજા ફરી જીવતો થયો.
દુનિયાભરમાં જાણે બ્રાઝિલની આ કંપનીએ Marco Poloની એક આગવી ઓળખ ઉભી કરી. કારણ કે આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, કોલંબિયા, મેક્સિકો અને સાઉથ આફ્રિકામાં MARCOPOLO ના પોતાના પ્લાન્ટ છે તો 2009માં પોર્ટુગલનો પોતાનો પ્લાન્ટ ઇકોનોમિક રિસેસનના કારણે બંધ કરવો પડ્યો. બાકી યુરોપમાં પણ પ્લાન્ટ હતો જ.
બ્રાઝિલમાં MARCOPOLO છે તો ભારતમાં TATA છે. ભારતનો એવો કયો વ્યક્તિ હશે જેને TATA નામ મોઢે નહી હોય ! TATA અનેક ક્ષેત્ર સાથે સંકળાયેલ ટ્રસ્ટવર્ધી નામ. પણ આજે મારે એના એક જ સેગમેન્ટની વાત કરવી છે. TATA ના વાહન ઉત્પાદન ક્ષેત્રની ! હા, એ જ, જે  Tata Motors Limited ના નામે ઓળખાય છે. જે પહેલા Tata Engineering and Locomotive Company(TELCO)ના નામે ઓળખાતું હતું. ભારતમાં જમશેદપુર, પંતનગર, લખનૌ, સાણંદ, ધારવાડ અને પુનામાં  Tata Motors Limited ના પ્લાન્ટ આવેલા છે. તો વિદેશમાં આર્જેન્ટીના, દક્ષિણ આફ્રિકા, બ્રિટેન અને થાઇલેન્ડમાં પણ પોતાના પ્લાન્ટ આવેલા છે. તો વિદેશની ધરતી પર સ્પેન, બ્રિટેન અને સાઉથ કોરિયામાં પોતાના Research and development centre આવેલા છે.
આ બધાથી પર મજાની વાત એ છે કે 2008માં TataJaguar Land Rover ને ખરીદી લીધી તો આ જ કહાની પહેલા બની હતી 2004માં સાઉથ કોરિયાની Daewoo કંપની સાથે અને 2005માં સ્પેનની  Hispano Carrocera સાથે ! પણ આ બધાની વચ્ચે એક મજાની કહાની બની ગઇ 2006માં. હા, TATA અને MARCOPOLO(બ્રાઝિલની કંપની)ના કોલોબ્રેસનથી. ટુંકમાં કહી શકાય કે વિશ્વની બે અગ્રેસર કંપનીઓ હવે માર્કેટમાં સાથે મળીને કંઇક નવું જ કરવા જઇ રહી છે.   
હા, એ જ TATA...   કે જે ભારતના automobile ઉત્પાદન ક્ષેત્રે અવલ્લ નંબરનું નામ ધરાવે છે. એટલું જ નહી, બસ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વ કક્ષાએ બીજા નંબરે, ટ્રક ઉત્પાદન ક્ષેત્રે ચોથા નંબરે અને કાર ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં જેનો 17મો નંબર છે.
તો બીજી બાજુ સમગ્ર યુરોપ અને બ્રાઝિલ MARCOPOLO ને ઓળખે છે. બસ અને કોચ બનાવતી આ બ્રાઝિલની કંપની આમ તો 6 ઑગસ્ટ 1949માં બ્રાઝિલના Caxias do Sulમાં સ્થપાઇ અને વિશ્વમાં 60 દેશમાં પોતાનું ઉત્પાદન મોકલ્યું. બોલો દમદાર છે ને  MARCOPOLO પણ !
આ બન્નેના જોડણથી ઉદભવ થયો એક નવા સૂર્યોદયનો ! TATA અને MARCOPOLO એ શરૂઆતમાં લખનૌ ખાતે રોજની 25 બસ બનાવીને શરૂઆત કરી જે ધારવાડમાં 70 બસ સુધી લઇ જવામાં આવ્યું અને હાલમાં લગભગ ડબલ પ્રોડકશન કરીને દુનિયામાં સૌથી વધુ પ્રોડકશન કરી પ્રથમ નંબરે છે.
આજે પણ અહીં Tata Marcopolo joint venture માં Tata ના 51% અને Marcopoloના 49 % ની હિસ્સેદારી છે. આ બન્ને ભેગા મળીને 16 થી 54 સીટની બસ તો 18 થી 45 સીટની Luxury બસ અને  Luxury કોચ તથા low floor સીટી બસ બનાવે છે. સોબર લુકમાં દેખાતી આ મજાની બસ મુંબઇ, અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર, કોઇબ્તુર, મૈસુર, કોલકત્તા, ચેન્નાઇ, લખનૌ, કાનપુર, ચંદીગઢ, પુના, હૈદ્રાબાદ, થાને, ત્રિવેન્દ્રમ, વિશાખાપટ્ટનમ, વિજયવાડા અને અમૃતસર જેવા મુખ્ય શહેરોમાં સીટીબસ તરીકે અને અનેક મોટી કંપનીઓમાં પોતાના employeeને લાવવા-લઇ જવા  માટે AC  અને  non AC બસ સતત દોડે છે. તો છેલ્લી વાત કહી દઉં કે આજકાલ Y1 ને લઇને ફરીથી TATA MARCOPOLO ચર્ચામાં છે. હા, Y1 એટલે Electric Hybrid bus. ફરીથી ક્યારેક રસ્તામાં TATA MARCOPOLO એવું લખેલી બસ દેખાય જાય તો TATA ની સાથે સાથે MARCOPOLO શબ્દને પણ યાદ કરી લેજો ક્યાંક એ 650 વર્ષ પહેલા થઇ ગયેલ  MARCOPOLOને સાચી અંજલી હશે.

Happy Birthday Jagrutimadam


ખુબ જ ઓછા એવા શિક્ષક હોય છે જે સમાજવિદ્યા જેવો વિષય ભણાવતા હોય અને છતાં વિદ્યાર્થીઓના પ્રિય હોય અને જીવનભાર યાદ રહી જતાં હોય. અમારા સ્કુલિંગ સમયમાં સમાજવિદ્યા ભણાવનારા આવા એક મેડમ અમને મળ્યાં એ અમારું સદભાગ્ય. છતાં આજે પણ કોઇ જઇને એમને પુછે કે મેડમ તમારો પ્રિય વિષય કયો ? તો તમારી અપેક્ષાઓની વિરૂદ્ધ જવાબ મળે ? હા, સમાજવિદ્યા ભણાવતા એ મેડમનો પ્રિય વિષય ગણિત ! બોલો છે ને મજાની વાત ! આટલું જ નહી અમને ભણાવનારા આ શિક્ષીકા સમય જતાં પોતાની લગન અને સમર્પણને કારણે 2010માં સેકન્ડરી માધ્યમના પ્રિંન્સીપાલ બને ! અને 2017 સુધી પોતાની સેવા આપી અનેક સ્ટુડન્ટને તૈયાર કરી સ્કુલને અલવિદા કહે... આ સમગ્ર સમયગાળા દરમ્યાન પણ એમનું ભણવાનું, ભણાવવાનું કે કંઇક પ્રાપ્ત કરવાનું કામ તો ચાલું જ રહ્યું અને આજે પણ છે જ ! એ વાતનો ગર્વ એમને હોય એના કરતાં વધારે એમના વિદ્યાર્થીઓ અને એમની સાથે કામ કરનારા સહકર્મીઓને હોય એવું તમે ચોક્ક્સ અનુભવો. આ હું એટલા માટે કહું છું કે, વિદ્યાર્થીઓને ભણવતા ભણાવતા પણ એમણે સંગીતમાં પણ વિસારદ હાંસલ કર્યું, તો વળી 50 વર્ષની ઉમરે Value Education (મુલ્ય શિક્ષણ- એ પણ ગાંધીજીના વિચારો લોકો સુધી કેવી રીતે પહોંચે) જેવા વિષયમાં Phd. પણ કર્યું... આ મેડમ જ્યારે અમને ભણાવતાં ત્યારે એ ચોક્ક્સ બીજા કરતાં અલગ તરી આવતા... જેમ કે રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે જો હલ્યા તો અમુક શિક્ષકો બાજુ પર લઇ જઇને સજા ફટકારતાં તો જુજ શિક્ષિકાઓ જ આ કામ કરતાં એમાંના આ એક મેડમ ! હા, વિદ્યાર્થીઓની નજરમાં એમનો ખોફ હંમેશા રહેતો. મોટો અવાજ અને સ્ટ્રીક્ટનેસ એ સ્વભાવ જાણે દરેક વિદ્યાર્થી માટેનો એમનો પહેલો પરિચય હતો. ડિસીપ્લીનના મોટા આગ્રહી છતાં એ વિદ્યાર્થીઓને હંમેશા ગમતા કારણ કે જ્યારે ભણાવતાં ત્યારે હાથમાં પુસ્તક તો ક્યારેય કોઇએ જોયું જ નથી અને એવી ફ્લ્યુઅન્સીથી ભણાવતા કે જાણે એક પ્રવાહમાં વહી જઇએ. અમારો ક્લાસ નસીબદાર કારણ કે 8 D, 9D અને 10D એમ ત્રણ વર્ષ અમને આ જ મેડમે ભ્ણાવ્યું. આ સમયે અમે અમારા જીવનમાં માણેલા પ્રસંગ કહું તો ચોક્ક્સ કહીશ કે ગાઇડમાંથી બેઠા લખેલા જવાબને કાયમ વખોડનારા આ મેડમ ઘણા વિદ્યાર્થી અને વાલીઓને ખુંચતાં.... એક સમયે અમારા સમગ્ર ક્લાસની ગાઇડ લઇને લોકરમાં મુકી દેવામાં આવી હતી અને ફરજ પાડવામાં આવી હતી કે જાતે લખો ! અને પાછા બધા એમાં સફળ પણ રહ્યાં હતાં. બસ મેડમને એ જ પ્રુવ કરવું હતું અને પછી એ પાછી પણ આપી દીધી હતી. હવે તમારી મરજી ! તો એક સમયે મને મારા બે ત્રણ દોસ્તો સાથે એટલાસમાં રમત રમતાં જોઇને આનંદ પામ્યા હતાં અને કહ્યું હતું કે જો તમારા બધાની હા હોય તો અઠવાડીયામાં એક દિવસ એવો ગોઠવીએ કે હું મોટો બ્લેન્ક વ્લર્ડ મેપ લઇને આવું અને તમને એક એકને અલગ અલગ દેશના નામ કહું અને તમારે એ દેશ બતાવવાનો ! લગભગ અડધો ક્લાસ તૈયાર હતો અને નિર્ણય લેવાયો ! દર શુક્રવારે લગભગ 6 x 4 ની સાઇઝનો મોટો મેપ આવતો એને બ્લેક બોર્ડ પર લટકાવવામાં આવતો અને દરેકને ઉભા કરીને કોઇ દેશનું નામ આપીને બતાવવાનું કહેવામાં આવતું આ થાતું એમાં મને તો મજા આવતી... અને કદાચ આના કરણે જ મને એ સમયે દુનિયાના દરેક દેશના નામ એના કેપિટલ સાથે મોઢે હતાં.. તો જીવનના એ યાદગાર દિવસોમાં અનેક પજવતાં પ્રશ્નો પુછીને મેડમ પાસેથી જવાબ મેળવતાં એ નફામાં રહેતું. સફારીમાં આવેલી અને વાંચેલી વાત ન સમજાઇ હોય એવી અનેક વાતો જઇને મેડમને પુછતાં... સ્કુલમાં કદાચ 200 કરતાં વધારેના સ્ટાફમાં એ પહેલા શિક્ષિકા હશે જે જાતે કાર ડ્રાઇવ કરીને આવતા. અને આજે પણ એ જ વટથી જ્યારે હોંડા સિવિક ચલાવતાં જોઉં ત્યારે અનેરું માન ઉપજતું હોય છે. હવે કદાચ ઓળખી ગ્યા હશે કે હું ક્યારનો જાગૃતિ મેડમની જ વાત કરું છું. જીવનમાં મળેલા અનેક શિક્ષકોમાં કાયમ યાદ રહી જાય એવું એક નામ એટલે જાગૃતિ દવે(જાગૃતિ મેડમ). એક સમયે 90 ના દશકમાં સફેદ કલરના LML NV પર સવાર થઇને આવતાં ત્યારે એ અમને લેડી સિંઘમ જેવા દેખાઇ ઉઠતાં પણ બહારથી કઠોર જણાતાં અને અંદરથી એકદમ કોમળ સ્વભાવના આ જાગૃતિ મેડમને આજે એમના જન્મદિવસે ખુબ ખુબ શુભેચ્છાઓ ! Madam you taught History and Geography in such a rhythm that today also it is my favourite subject. You taught Civics in such a way that reminds us number of rules on every walk of life. We teach the same things to the new generation feel proud of having learning sessions under you. You also taught about business cycle while teaching Economics. I still remember those things while dealing in my trade. Many times I miss you, madam, a lot while looking or listening about Social Science. I feel completely nostalgic for my school life. Remembering those days, I wish you many many happy returns of the day from core of my heart.

શુક્રવાર, 4 ઑક્ટોબર, 2019

આઇ.ડી. પંચાલ સર



આઇ.ડી. પંચાલ સર બસ આ જ નામ બધાને મોઢે ! ઇન્દ્રવદન પંચાલ એટલે IPCL સ્કુલમાં Physics જેવો વિષય ભણાવનાર સર. જો કોઇને જોઇને એના વિષે અભિપ્રાય બાંધી લેવાનો તમારો સ્વભાવ હોય તો એ આ સર ના કિસ્સામાં સદંતર ખોટો જ પડે ! એકદમ કડક અને મોટો જાડો અવાજ કદાચ આ ઇમ્પ્રેસનમાં મદદ કરે પરંતુ જ્યારે એમને માણવાનું બને ત્યારે એ બધું જ ખોટું પડતું જણાય અને સામે ઉભરી આવે એક શાંત, નિખાલસ, સહજ અને સેન્સ ઓફ હ્યુમરથી ભરેલા પંચાલ સર ! મજાની વાત તો એ છે કે IPCL સ્કુલમાં કોઇ શિક્ષક નબળા હોય એવું લાગ્યું જ નથ
ી ઉપરથી એવું કહેવાનું મન થાય કે બાળકો નહી શિક્ષકો વચ્ચે સારું ભણાવવાની હેલ્ધી કોમ્પિટીશન થાતી. આ સર પણ સૌના પ્રિય થઇ પડતા તો બીજી બાજુ જ્યારે સર પોતાના વર્ગમાં કોઇ વિદ્યાર્થીને બોલાવતા તો એનો રોલ નંબર લઇને બોલાવતા. યસ, આજે પણ ઘણાને સરના કારણે જ પોતાનો રોલ નંબર યાદ હોય એવા ઘણા મિત્રો મળી આવે છે જેમ કે મૃગેશને બોલવતી વખતે કહ્યું હતું C/2 (century/2 =50)... તો વળી ઓજસને C/2 + 1 (century/2+ 1 =51) કહીને બોલાવતા. વાહ આ પણ બાળકોના દિલ પર રાજ કરી જવાની મજાની રીતે છે. જે બતાવી આપે કે સરની યાદશકિત પણ જોરદાર છે. આ સર સૌના દિલમાં વસી જનારા અને આપણને મોટેથી હસાવીને પોતે એકદમ શાંતીથી હસનારા સ્વભાવના છે. આજે પણ જો આપણને ક્યાંક જોઇ જાય તો સામેથી બોલાવી ઉઠે એવા આ અદભુત શંકરભક્ત વ્યક્તિત્વને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ.






જીવનમાં અમુક નામ એવા હોય કે એમને મળો અને મહેફિલ રચાય, મળો અને મિલનયુગ શરૂ થાય, મળો અને આનંદની છોળો હિલોળા લેતી હોય એવો માહોલ બને, મળો અને મન બધું જ ભૂલીને એક અનેરી તાજગી મેળવતું હોય, મળો અને ભુતકાળને ભુલીને વર્તમાનમાં જ મન રમે એ વસ્તવિકતા આકાર લેતી હોય જ્યારે એવી ક્ષણો સાથે હોય ત્યારે જીવન નામની ઘટના એક ઉત્સવમાંથી પસાર થઇ રહી છે એવું ચોક્ક્સ સમજવું. અને આ ઉત્સવ એટલે જ જાણે અસ્તિત્વનો ઉત્સવ ! પછી ભલેને એ થોડા દિવસોનો હોય કે થોડા કલાકનો હોય પણ એ શરીરમાં કે મનમાં પોઝિટીવ પ્રાણ ફૂંક્નારો હોય છે. જે જીવનને ચેતવંતો બનાવી જનારો હોય છે તો જીવન રૂપી સફરમાં મળતું એક એવું સ્ટેન્ડ હોય છે કે જ્યાં ખાલીપો, એકલતા, નિરસતા, રૂટીન અને વિચારો બધું જ ખરી પડતું હોય છે અને તાજગી સાથે શરૂ થતી હોય છે નવી ઇનિંગ ! જે ફરીથી જીવનને નવો આયામ બક્ષનારી હોય છે. અને આવી ક્ષણ માણવી એ જ જાણે જીવનનો નવો વળાંક. અને કાલે ગાંધીજીની 150મી જન્મજયંતિ પર આવો સુંદર દિવસ અમારા નસીબમાં હતો. અસ્તિત્વના ઉત્સવ સમાન આ મજાનો દિવસ પકડવાનું બહાનું હતું બાની બર્થ ડે(અવંતિકાબેન) નો ઉત્સવ. થોડા મિત્રો ભેગા થયા અને પહોંચ્યા કિરીટભાઇના ફાર્મ હાઉસ પર ! હા, સેટેલાઇટ ગ્રીન પર !
હું અને આશીષ લગભગ સાથે જ પહોંચ્યા. બસ થોડી જ વારમાં કિરીટભાઇ ટહુકા પરથી બા અને ભાઇને(ગુણવંત શાહ) લઇને આવી પહોંચ્યા અને કંજ તો કિરીટભાઇની મીનીકુપર કાર જોઇને ખુશ થઇ ઉઠ્યો અને મને કહે પપ્પા આ તો મીનીકુપર છે ! બા કારમાંથી ઉતર્યા અને કંજે જ એમને ટ્રાવેલર્સ પામ આપીને સ્વાગત કર્યું કારણ કે નો બુકે ! નો ગીફ્ટ ! નો કેક ! આ મેસેજ બા પહેલેથી જ આપી ચુક્યા હતાં. એટલે વૃક્ષપ્રેમી એવા બા માટે આ એક જ ગીફ્ટ બચી હતી જે આપીને એમની ડાંટથી બચી શકાય. અને Travellers palm plant એ કામ કરી ગ્યો. બધાએ બા ને બર્થડે વિશ કર્યું. લગભગ બધા જ આવી ચુક્યા હતાં અને અંદર રૂમમાં જઇ રહ્યા હતાં ત્યારે ભાઇની બધી જ બુક્સના નામ મોઢે છે એવી રાજશ્રીને બોલાવીને ભાઇએ કહ્યું તું મારી બાજુમાં બેસ ! રાજ્શ્રી મારી સામે જોઇને ઇશારો કરીને કહી રહી હતી હું જુઓ અહીં બેઠી છું.... બંદા શું બોલે... નસીબ તારા.... એમ પણ નસીબદાર તો પહેલેથી જ છો.... તું ખુશ એમાં હું ખુશ... બસ બધા પોતપોતાની બેઠક લઇને બેઠા અને બ્રેકફાસ્ટથી શરૂ થઇ અમારી એ મજાની સફર... કિરીટભાઇ કહી ચુક્યા હતાં કે આજે અહીંથી જે પણ મળશે એ બધું જ ઓર્ગેનીક... અહિંના ફાર્મમાંથી જ ઉત્પન કરેલું હશે. ત્યાર બાદ કિરીટભાઇ અમને એમના બાયોગેસ ઉત્પન્ન કરતાં ખેતર પર લઇ ગયાં અને કેવી રીતે બાયોગેસ બને છે તે અત: થી ઇતિ સુધીની સમગ્ર કહાની બયાં કરી !
આ બધું અમને બતાવતાં હતાં ત્યારે એમનો ઉત્સાહ અને લગન જોઇને એમના પ્રત્યે અનેરૂ માન ઉપજતું હતું. નાનામાં નાની વાત પણ એમણે પોઇન્ટ આઉટ કરીને બતાવી છે. જે એમના આ કામ પ્રત્યેના સમર્પણનો પણ ખ્યાલ આપી જતો હતો. આ બધું જાણ્યા અને માણ્યા પછી ચોક્ક્સ કહેવું પડે કે જૈવિક વિઘટન એ ઘટના કેટલી મહત્વની છે એ વાત કિરીટભાઇ બરાબર પામી ચુક્યા છે. અને અનેકને એ માટે પ્રેરણા પણ પુરી પાડી રહ્યા છે.
બપોર થઇ ચુકી હતી અને બધાને ભુખ પણ લાગી ચુકી હતી. ફરીથી કિરીટભાઇએ એમના કમીટમેન્ટ મુજબ જ ઓર્ગેનિક ખાદ્યસામગ્રીથી જ તૈયાર થયેલ રસોઇથી જ સૌને જમાડ્યા ! અને એ જ ક્રમ રાત્રે પણ એમણે જાળવ્યો. સમય એનું કામ કરી રહ્યો હતો.. હા, એ ભાગી રહ્યો હતો પણ અમે આજે અમે એના બંધનમાં ન હતાં. આજે મોજ હતી. સાંજ થવા આવી હતી અમે સૌ કિરિટભાઇ સાથે 140 એકરમાં ફેલાયેલા એમના ફાર્મમાં એમની સાથે નિકળી પડ્યા ! બે સિંન્થેટિક ટેનિસ કોર્ટ અને ઇનડોર બેડમિન્ટન પ્લે એરિયા આંખોને આંજી દે એવી મજાની રીતે તૈયાર કર્યા હતાં. Snooker અને Squash એરિયા પણ એટલી સરસ રીતે તૈયાર થયા હતાં કે જોઇને વાહ એવું મોઢામાંથી નીકળી જ પડે. ત્યાંથી તેઓ અમને સ્વિમિંગપુલ જોવા લઇ ગ્યાં જ્યાં આથમતો સૂરજ જોઇને લગભગ બધા જ આનંદીત થઇ ઉઠ્યા હતાં કારણ કે skyscrapers વચ્ચે રહેનારા આપણા સૌ માટે આ નજારો જોવો લગભગ અશક્ય બની ગયું છે. અને ત્યારે મને જાવેદ અખ્તરનો એ શેર યાદ આવેલો કે
“ ઉંચી ઇમારતો સે મકાં મેરા ઘીર ગયાં

કુછ લોગ મેરે હિસ્સે કા સૂરજ ભી લે ગયે.”
અને આવું જ પાછું બન્યું ! જ્યારે જમીને ચાલતા રૂમ પર જવા નિકળી પડ્યા ત્યારે.... ચોથના ઉગેલા ચંદ્રને જોઇને જે ફિલિંગ્સ અનુભવી એ પણ શબ્દાતીત હતી. ખેતરમાં ઉગેલા છોડ અને આસપાસના બે ત્રણ ઝાડ વચ્ચે દેખાઇ ઉઠેલો એ ચંદ્ર જાણે વાંચેલી કોઇ નવલકથાના નિરૂપણ સરીખો લાગી રહ્યો હતો. સાંજે ભાઇ પણ બોલ્યા કે આજે કેટલા બધા દિવસે આવો સરસ સૂર્યાસ્ત માણ્યો.
કિરીટભાઇ જ્યારે અમને એમના ખુબ જ સરસ રીતે તૈયાર કરેલા ઘર બતાવતા હતાં ત્યારે ઠંડક મેળવવા કેવી રીતે સ્ટ્રકચરીંગ કરવું તે સમજાવતા હતાં તે જોઇને એમના વિઝનરી અને અપડેટેડ સ્વભાવનો ખ્યાલ આવી જ જતો હતો. એમ પુછ્યું કે આવા સ્ટ્રકચરીંગને શું કહેવાય ? વાહ, કેટલો સરસ જવાબ આપ્યો કે આને Climate responsive architecting કહેવાય. તો વળી 250 માણસો બેસીને જોઇ શકે એવું થિયેટર બતાવ્યું ત્યારે એ જે રીતે કુલીંગ થાય છે એ Geo Thermal cooling process ની વાત સાંભળીને તો વિચારમાં જ ખોવાઇ જવાયું કે આવું પણ થાય !
સાચું કહું આ બધાની વચ્ચે ક્યાંક ઉભેલી એ ગરમાળાના વૃક્ષોની લાંબી હાર તો ક્યાંક લાઇનમાં ગોઠવાયેલા travellers palm કે Fan palm જાણે બતાવતા હતાં કે વૃક્ષો થકી farmમાં પણ Aesthetic sense ઉભી કરી શકાય છે. એને સુંદરતા બક્ષી શકાય અને કુદરત સાથે એના સાનિધ્યમાં એની જ રીતે વધારો પણ કરી શકાય... માત્ર વિચાર અને એને અમલમાં મુકવાનો હોંસલો જોઇએ જે અમે સવારથી કિરીટભાઇમાં જોઇ રહ્યા હતાં. આ સમગ્ર સમય દરમ્યાન સૌને લાઇવ રાખતું અને લાઇવ રહેતું વ્યક્તિત્વ એટલે મૃગાંકભાઇ. મૃગાંકભાઇ એક એવું વ્યક્તિત્વ કે જે ન હોય તો આનંદ પણ ફિક્કો લાગે ! તો વળી રાત્રે જ્યારે મજાની મહેફીલ જામી હતી ત્યારે મનીષાબેને એક મજાની સરપ્રાઇઝ આપી જે જલ્દી મળે એની આતુરતાથી રાહ જોવાય છે. બાકી જે હોય તે સૌનો સાથ અને સૌની મજા એટલે 2 ઓક્ટોબર 2019નો દિવસ ! આ રીતે ઉજવાયેલ બાની બર્થ ડે કાયમ માટે યાદ રહેશે જ ! માત્ર ખોટ હતી ઓસ્ટ્રેલિયાના પૂર્વ છેડાને ખુંદી રહેલા દિલિપ સર એન્ડ કંપનીની તો ગુજરાતના પશ્ચિમ છેડેથી ન આવી શકનાર પારસ એન્ડ કંપનીની ! રાજેશભાઈ અને મનીષભાઈ તમને પણ એટલા જ miss કર્યા. જે હોય તે Thank you બા ને કે જન્મદિવસે આવી સરસ જગ્યાએ લઇ જવાનું ગોઠવ્યું અને જીવનમાં એક યાદગાર દિવસ ઉમેર્યો. બાકી બર્થ ડે તમારી અને રીચાર્જ તો અમે થયા એ પાક્કું.