સોમવાર, 5 ઑગસ્ટ, 2019

HAPPY FRIENDSHIP DAY. (5/08/2018)


અમે ધોરણ 8 - 9 માં ભણતા ત્યારે જે.ડી. પટેલ સર અમને કહેવા માટે કંઇકને કંઇક હંમેશા તૈયાર રાખતા... એમની બોલવાની રીત જાણે એક લય પકડતી અને અમે એક બહાવમાં વહી જતા એવું સતત લાગતું. ત્યારે તો કોઇ ફ્રેન્ડશીપ ડે જેવું કંઇ ઉજવાતું ન હોતું. પણ ત્યારે જે. ડી. પટેલ સર આદરણીય કવિ શ્રી સુરેશ દલાલે લખેલ મૈત્રીની વાત રજુ કરતા અને અંતમાં કુમુદબેન પટવાનો શૅર બોલતા ત્યારે અમને એવું લાગતું કે જાણે અમે કોઇ અલગ જ વિશ્વમાં પહોંચ્યા.... તો આજે ફ્રેન્ડશીપ ડે ના દિવસે જ્યાં જ્યાં મિત્ર શબ્દ સાથેનો સંબંધ છે તે બધાને સુરેશભાઇના આ શબ્દો સાથે Happy Friendship day !
મિત્ર અનેક પ્રકારના હોય છે. ક્ષણજીવી, ચિરંજીવી, તાત્કાલીક મૈત્રી હોય છે. સર્વકાલીન મૈત્રી હોય છે. ક્લાસમેટ હોય છે. ગ્લાસ્મેટ હોય છે. ધંધાદારી મિત્રો હોય છે. સ્વાર્થના મિત્રો હોય છે. સંતાકુકડી રમનારા મિત્રો હોય છે. હાથતાળી આપીને છુટીને છટકી જનારા મિત્રો હોય છે. મૈત્રીની ડંફાસ મારનારા મિત્રો હોય છે. આપણે સુખમાં હોઇએ ત્યારે આપણા આનંદના બગીચાના ઘાસ આળોટનારા મિત્રો હોય છે. મિત્રોનું ટોળું ન હોય, પરિચયો અનેક હોય. પરિચયોનું વર્તુળ મોતું હોય પણ આત્મીયતાનું કેન્દ્ર ક્યાંક કોઇકની સાથે જ હોય છે. મૈત્રી એટલે આત્મીયતા. આત્મીયતા હોય ત્યાં નિર્ભયતા હોય. નિર્ભયતા હોય એટલે વાત કરવાનો છોછ કે સંકોચ ન હોય. ખુલાસા આપવાના ન હોય. આ વાત ખનગી રાખજે એ કહેવાનું ન હોય. બંને વચ્ચે સમજણનો સુવર્ણસેતુ હોય. વાતમાંથી વાત નીકળતી જાય અને વાતનો અંત આવે નહી. તોળી તોળી બોલવાનું નહી. સહજ રીતે વર્તન કરવાનું. વાત કે વર્તનમાં સાવધ રહેવાનું નહી. વધ થવાની કોઇ બીક નહી. બન્ને વચ્ચે મૌન પણ હોય તો એ મૌન પણ બોલકું હોય. એમાં સંબંધના સૌંદર્યની ઉષ્મા અને સુષમા હોય. આ મૌન અકળાવનારું ન હોય. એ શાતા આપે, આનંદ આપે, હુંફ આપે, જીવનની હાંફને ઓછી કરે. તમે તમારા મિત્રને તમારી મુર્ખાઇની વાત પણ કરી શકો. મનભરીને હસી શકો અને છતાંયે હાંસીનો ભાવ ન રહે. એમ કહેવાય છે મિત્રો બે જ પ્રકારના હોય છે. એક પૃથ્વી પર સ્વર્ગનો અનુભવ આપે અને બીજો નરકનો અનુભવ આપે. મૈત્રીમાં ઉચનીચના ભાવ નથી હોતા. સાચાખોટાની મમત નથી હોતી. સારા ખરાબના હાંસીયા નથી હોતા. ગરીબ-શ્રીમંતનાં ખાનાઓ નથી હોતા. મળવા માટેનું કારણ કે બહાનાઓ નથી હોતાં. મળો કે મિલનયુગ શરૂ થાય. કેવળ વાતોના ફુવારા ઉડતા હોય. એ ફુવારાના છાંટાઓથી કોઇક નવી અપૂર્વ તાજગી પ્રાપ્ત થાય. ફુલ અને સુગંધથી જેમ વાતાવરણને પુલકિત અને સુરભિત કરી દે એવો કિમિયો મૈત્રીનો હોય છે. મિત્રના દોષ દેખાય તો કહેવાના હોય પણ ચોળવાના કે ચુંથવાના ન હોય. મિત્ર સાથે તમે પાગલની જેમ અસંખ્ય વાતો કરી શકો, મને ફાવે તે બોલી શકો.
મિત્રો શોધ્યા શોધાતા નથી. મિત્રી એક ઘટના છે રોમેરોમની રટના છે. કેટલાક છેવટના અને કાયમના મિત્રો હોય છે. મિત્રી એટલે સંબંધનું ઉપનિષદ. આપણને તરસ લાગે ત્યારે જળનું કામ કરે છે. આપણને ભૂખ લાગે ત્યારે ભાખરીનું કામ કરે છે. સુખમાં અને દુ:ખમાં આપણી પડખે રહીને આપણે જીવતા છીએ એની પ્રતિતી આપે એ મિત્ર. જે મૈત્રીના મૂળિયા ઉંડા હોય એ વૃક્ષ કોઇપણ મોસમમાં કાયમ માટે ટકી રહે.
“ આસુંઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે ? કહ્યા વિનાએ સધળુ સમજે એવા સગપણ ક્યાં છે ? “
મિત્રો કવિ શ્રી સુરેશ દલાલે કહેલી હજુ એક વાત કહેવાનું રોકી શકતો નથી જે મારા જીવનમાં મને ક્યાંક ઘણા અંશે સાચી પડતી જોવા મળી છે... “ મારી જન્મકુંડળીમાં મિત્રોનું સ્થાન ખુબ જ મજબુત છે. “ 
Once again Happy Friendship Day….. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો