શુક્રવાર, 30 ઑગસ્ટ, 2019

Happy Birthday Mrugesh.





હા, એ નાનપણથી જ હોશિયાર હતો. એ હંમેશા 60 વિદ્યાર્થીઓના ક્લાસમાં પહેલો નંબર લાવતો. અરે એના અક્ષર જોઇને તો જાણે કાગળને પણ ગર્વ થતો હશે અને કાગળ પણ બોલી ઉઠતો હશે કે વાહ આજે કોઇએ મારી કદર કરી એવા સુદંર મરોડદાર અક્ષરનોએ સર્જક હતો... કોઇને પણ એના કાગળ પર કંડારાયેલા શબ્દો જોઇને વખાણ કરવાનું મન થાય જ ! એ હંમેશા પહેલા નંબરે જ પાસ થતો, તો અનેક વખતે એ સ્કુલમાં રહેલા 300 વિદ્યાર્થીઓમાં પહેલા નંબરે આવતો. આજે એ ડૉકટર છે. અરે હા, દરેક બાબતમાં અપવાદ હોય એમ એ ડૉકટરની દુનિયામાં પણ અપવાદ છે જેમ કે એ સારા અક્ષરો સાથે પ્રિસ્ક્રિસ્પન લખનાર ડૉકટર છે. તો એ એકદમ શાંત અને કર્મશીલ ડૉકટર છે. તો સ્ટાઇલ અને ફેશનમાં જીવવું એ એનું પૅશન છે. સ્ટ્રાઇકરથી ડાઇરેક્ટ સ્ટ્રોક મારીને કુકડીને કેમ પોતાની કરી લેવીએ એની હંમેશાથી આવડત રહી છે હા, એ કેરમ રમવાનો શોખીન નાનપણથી રહ્યો છે. એને મેં અનેક વખતે પ્રોફેસ્નાલિઝમથી પર જોયો છે. અને એના આ સ્વભાવને કારણે જ કદાચ એ થોડા સંઘર્ષમાંથી પસાર થયો અને સહન પણ કર્યું... એ બધું જ ચાલે કારણ કે એ મને અંતરાત્માના અવાજને અનુસરનારો અને આગળ વધનારો લાગ્યો છે એટલે એવું તો ક્યાંક બની જાય ચાલે... એનો અફસોસ ન હોય ! એ તો જીવનની એક શીખ ગણાય. તો સાથે સાથે એ અત્યારે Emergency medicine Training... To make Health care providers more efficient to handle Emergency Care... ના ખૂબ જ સરસ રીતે ક્લાસ લે છે અને જલસા કરે છે.... એના વિશે વધારે કહેવું હોય તો કહી શકાય કે એ કાયમ સ્ટાફમાં સૌનો પ્રિય બની રહે છે તો એ સંબંધો સાચવીને સંબંધોનું સરોવર રચવામાં એ હરક્ષણ સફળ રહ્યો છે તો મિત્રો વચ્ચે એ હંમેશા વેંત એક ઉંચો સાબિત થયો છે. તો વળી, “I will practise medicine with integrity, humility, honesty and compassion – working with my fellow doctors and other colleagues to meet the needs of my patients.” MBBS / After MBBS PG in Emergency medicine થયા પછી લેવાતી આ ઓથ એણે સાંગોપાંગ પ્રતિક્ષણ જીવી છે. અમે નાના હતાં ત્યારે અનેક દિવસે રીસેસમાં એના ઘરે જઇને નાસ્તો પણ કર્યો છે એ મજાના દિવસો તો કેમેય કરીને ભુલાય એમ નથી. એ હંમેશા બધા શિક્ષકનો પ્રિય થઇ પડતો કારણ કે સરસ અક્ષર, ભણવામાં હોશિયાર, આજ્ઞાંકિત અને ઉપરથી એકદમ શાંત... પણ એ શાંત પાણી કેટલું ઉંડુ એ તો અમે મિત્રો જ જાણીયે બીજુ વધારે કોણ જાણે? બાકી DJના તાલે ઝુમી પણ શકે અને પરિસ્થિતીને અનુરૂપ જીવી પણ શકે એવો ડૉકટર છે એ. અરે બચ્ચનનો પાક્કો દિવાનો એવો આ મિત્ર અમે જ્યારે ભણતા ત્યારથી રૂમમાં બચ્ચનનું પોસ્ટર રાખતો...અરે એ દિવસ પણ યાદ છે કે બચ્ચનને એણે વિશ કર્યું હતું અને બચ્ચને પાછું પોતે ઓટોગ્રાફ કરેલ પોસ્ટર અને લેટર મોક્લયો હતો આવું તો લગભગ બે ત્રણ વખત બન્યું હતું. અમે બન્ને પાછા ક્રિકેટના પણ એટલા જ ચાહક અને એ પાછો મારી જેમ સચિનનો પાક્કો ફેન.... હજુ પણ ન ઓળખ્યો હોય તો કહી દઉં કે આજે એનો જન્મદિવસ છે. મારો એકદમ ખાસ અને નજીકનો કહી શકાય એવો મિત્ર પણ છે. એક એવો મિત્ર કે જેના ખભે માથું મુકીને રડી શકાય બોલી શકાય અને ઠલવાઇને ખાલી પણ થઇ શકાય. હા, હું મૃગેશની જ વાત કરું છું. ડૉકટર મૃગેશ સુથાર. 2011માં હોળી પર એણે મને મુંબઇ બતાવ્યું હતું. એ મારી પહેલી મુંબઇ મુલાકાત હતી. એ સમયે એ ત્યાં હિંદુજા હોસ્પિટલમાં હતો. પુરું એક અઠવાડિયું મુંબઇની ગલીઓમાં, તો ક્યારેક ટેક્સીમાં, તો ક્યારેક મુંબઇ લોકલમાં, તો પાછા ક્યારેક ચોપાટી પર, તો વળી મરીન ડ્રાઇવ પર... ક્યાં ક્યાં નથી ફર્યા અમે ! મુંબઇમાં કેમ જીવાય અને કેમ મુંબઇગરા બનીને શ્વાસ લેવાય એ બખુબી મજાનો અહેસાસ ત્યારે મને કરાવ્યો હતો. જીવનની યાદગાર ટ્રીપમાંની એ એક ટ્રીપ છે જ ! ફિયાટમાં પાછળની સીટ પર પગ પર પગ ચડાવીને બેસીને બચ્ચનની સ્ટાઇલમાં ફર્યા એ પણ યાદ છે. જીવનના આ એક પાસાની સાથે સાથે બીજુ પાસું એ પણ હતું કે બેચરલ લાઇફમાં ક્યારેક વધુ પડતાં કામથી થાકીને તું આવતો અને મને ફોન કરીને બોલાવતો અને ક્યાંક ભેગા થઇને મોડે સુધી કરેલી અલક- મલકની વાતો અને છેલ્લા છુટ્ટા પડવું. એ દિવસો પણ મજાના લાગતા તો ક્યારેક એકબીજાના સહારા જેવા લાગતા. તો એક સમયે તું જ્યારે ડૉકટર હું એક શિક્ષક અને કુલદિપ Bundy Indiaમાં જોબ કરતો ત્યારે ત્રિદેવની જેમ સાથે આપણું ફરવું અને મજા કરવી... એમાં પણ બાપુને ઑસ્ટ્રેલિયા જવાને જ્યારે મહિનો જ બાકી હતો ત્યારે રોજ રાત્રે ભેગા મળવું અને મોસ્ટ પ્રોબેબલી મહિસાગરને કિનારે જઇને બેસવું એ યાદો તો જીવનરૂપી ઇતિહાસના પાનાઓમાં એમ જ અકબંધ સચવાયેલી છે. એમાં પણ ક્યારેક જતિનને લઇને મજા લુંટી લેતા એ નફામાં રહેતું. અને આજે પાછો મજાનો સંજોગ છે કે કુલદિપ ઑસ્ટ્રેલિયાથી આવ્યો છે અને આપણી સાથે છે. તો બીજી બાજુ જીવનનું એ પણ એક અલગ પ્રકરણ છે કે મૃગેશ એટલે એવો ડૉકટર કે જે અમને મિત્ર વર્તુળને ભરપુર કામ લાગ્યો છે. હું તો અનેક વખત એનો સાક્ષી રહ્યો છું. આમ તો એ ઇમરજન્સી સ્પેસ્શિયાલિસ્ટ છે મજાનો છે અને મેં તો અનેક વખતે એને ઇમરજન્સીમાં હેરાન કરીને ફુલ લાભ ઉઠાવ્યો છે. એ દિવસ પણ યાદ છે જયારે મારો પગ બસ નીચે આવ્યો હતો ત્યારે નસીબજોગે એ વડોદરામાં હતો અને સ્ટ્રેચરમાં સુતા સુતા મેં સીધો જ ફોન એને કર્યો હતો અને કહ્યું હતું તું જલદી વારસિયા આવી જા. અને ત્યારે પણ સીધો સામો સવાલ હતો કે 25-30 હજાર લઇને આવું ? બંદાએ જમ્યા વગર સાંજ સુધી બાજુમાં એમ જ ઉભા રહીને મિત્રતા નિભાવી હતી. આમ તો આ બધું અમારી મિત્રતામાં ગણાવાથી પર છે ! આવા તો અનેક કિસ્સાઓ અને વાતો છે, યાદો છે અને એ બધાથી પર જીંદગીના મજાથી જીવાયેલા અને સાથે ગાળેલા દિવસો છે જેની સામે બધું જ ફિક્કું લાગે. શાંત, સરળ અને ડેશિંગ પર્સનાલિટી ધરાવતા અને પહેલી નજરમાં ડૉકટર છે એવું કોઇપણ ન કળી શકે એવા દિલોજાન મિત્રને જન્મદિનની અઢળક શુભેચ્છાઓ. Once again Happy Birthday Mrugesh from Gang of 4+√4.

સોમવાર, 26 ઑગસ્ટ, 2019

Happy Birthday Kanj



આજથી બરાબર  11 વર્ષ પહેલા તું આ જગતમાં આવ્યો. તું રડતાં રડતાં હસતાં શિખ્યો, તું અનેક વખત પડ્યો અને પાછો ઉભો થયો અને એ જ પ્રયત્નો થકી તું ચાલતા શિખ્યો,  તું શબ્દોને પકડીને સમજતાં શિખ્યો અને એના સહારે બોલતાં પણ શિખ્યો. આ બધાથી પર ખરેખર તું જીવનને માણતા શિખ્યો એ મજા આવી. તે સતત તારી ક્યુરિયોસીટીને રજુ કરી છે તો સતત કંઇક નવું જાણવા માટે કંઇક ધમપછાડા કર્યા છે તો તે તારા પૅશનને પણ શોધ્યું. હા, ક્રિકેટ રમવું અને સ્ટોરી  લખવી  એ તારું ગમતું કામ છે. આ વર્ષે તું URI, Keshri અને Mission Mangal જેવા મુવી જોયા એની અસર  તારા બર્થ ડે પર પણ તે ડ્રેસમાં બતાવી. આજે તે મિલિટ્રીનું ટ્રાઉઝર પહેર્યુ છે તો Space Xplr એવું લખેલું ટી શર્ટ પહેર્યુ છે. તને તારા વિચાર માટે અનેક સમયે લડતા પણ જોયો છે જે તારા ફાઇટિંગસ્પિરીટનો પરિચય આપે છે. આ બધું એમ જ સાચજવ જે ! હવે તું મોટો થયો છે તારી સામે એક અલગ જ વિશ્વ રાહ જોઇને ઉભું છે. ત્યાં તારી સૌથી  મોટી ફાઇટ કોમ્પિટીશન શબ્દ સાથે થાશે. ત્યાં બેલેન્સ કરીને કેમ રહેવું એ શિખીશ એ તારી સૌથી મોટી જીત હશે. બીજી તારી સૌથી મોટી ફાઇટ પસંદગીના ક્ષેત્રમાં થાશે ત્યાં પણ તારે સતત અપડેટ રહીને પ્રતિક્ષણ લડવું પડશે. હું તને માત્ર માર્ગ બતાવી શકીશ પણ એના પર દોડવું તો તારે તારા જોર પર જ પડશે. કંઇક અનેરા વિચારો સાથે ઉડવાનું છે તો લાગણીભીના માનવ બનવાનું ન ચુકાયએ પ્રતિક્ષણ યાદ રાખવાનું છે. કુદરતના સુંદર સાનિધ્યમાં  જગતના ખૂણે ખૂણે ફરવાનું છે તો ક્યારેક નિષ્ફળતા નામની જણસ ચડી આવે ત્યારે મક્કમતાથી એનો સામનો કરવાનો છે. જીવનરૂપી સંગીતની ધૂન પર સતત  નાચવાનું છે તો યુદ્ધરૂપી ક્ષણ આવી જાય તો તેનો સામનો કરવા સતત સજ્જ રહેવાનું છે. પણ એક વાત કાયમ યાદ રાખજે કે સમય સંજોગ અને પરિસ્થિતિ હંમેશા બદલાવવા માટે જ સર્જાયા છે સરળ સમયમાં એના વહેણ પર સવાર થઇને વહી લેવાનું અને ખરાબ સમયમાં મક્કમતાથી એનો સામનો કરતા રહેવાનું કારણ કે આજે નહી તો કાલે નવો સૂર્ય આપણા માટે ઉગશે જ.  આ જીત એ જ મન પરની કે પોતાના પરની સૌથી મોટી જીત એ કાયમ યાદ રાખજે.

આજે આથમેલા સૂર્યના સોગંદ
હું કાલે સૂર્ય બનીને ઊગીશ
પ્રચંડ જ્વાળા બનીને સળગીશ.
એક વિરાટ શૂન્યમાં
એકલવાયો આગળ વધીશ.
પ્રખર મધ્યાહનથી રાતીચોળ સાંજ સુધી
મારી એકલતા આ ક્ષિતિજે ડૂબશે
ત્યારે કોઇક બીજી ક્ષિતિજ પર એ
ઊગતી હશે.
આ સુંદર સૃષ્ટિમાં હજુ ઘણું નવું ઉમેરાવાનું બાકી છે એ નવા ક્રિયેશનમાં તારો હાથ હોય એવી મારી અભ્યર્થના સાથે આશિર્વાદ. લડતો રહે ... જીતતો રહે... પડી જા તો ફરીથી ઉભો થા અને બમણા વેગથી આગળ વધે એ આશા અને આશિર્વાદ સાથે Happy Birthday Kanj.

ક્યાંક કોઇક ગલી ખૂંચીમાં કોઇ વર્ષોથી સતત લોકોને આકર્ષે છે.....




ભારત દેશની વિવિધતાની વાત કરવી છે અને સાથે સાથે એની એકતાને પણ... અને એ પણ પાછી એની ખાવાની બાબતમાં.... અરે દોસ્તો આ વિવિધતા તો દેશના સીમાડા છોડીને દુનિયાના ખૂણે ખૂણે મળતી થઇ ચુકી છે અને એ પણ જાણે ત્યાં તમારા પ્રદેશની ભાવતી અને મનગમતી વાનગી સાથે... આજે ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે ઓળખાતા મોટા ભાગના દેશમાં પંજાબી, સાઉથ-ઇન્ડિયન કે ગુજરાતી થાળી મળવી એ એકદમ સામાન્ય વાત બની ગઇ છે. ક્યાંક એવું પણ બને કે આ બધું જ તમને એક જ છત્ર નીચે વિદેશની ધરતી પર મળી જાય અને ત્યારે જાણે એમ થાય કે વાહ... અહીં પણ દેશની વિવિધતા એકતામાં પરીણામેલી છે. પણ ક્યાંક આ બધુ ખુબ જ જુદુ પડી આવે છે કંઇક એવી રીતે જાણે KFCમાં વેજ મળી આવવું કે જાણે Dominoes  કે MC. Dમાં વેજ પીજા કે બર્ગર ભારતિયનો ભાવે એવા ટેસ્ટ સાથે  મળી આવવો... હા, જ્યારે આ વિદેશી કંપનીઓના શરૂઆતના આઉટલેટમાં કે પગપેસારા સમયે આ વાત જાણે અશક્ય લાગતી હતી. પણ... દેશની પ્રજાનો મિજાજ જોઇને વેજ શરૂ કરવું જ પડ્યું તો સાથે સાથે ન ધારેલી સફળતા પણ મળી. છતાં ક્યાંક કહેવું પડે કે ડ્રાઇવ થ્રુમાં મેક ડી નું બર્ગર લેવા ઉભો રહેતો એ Audi કે  Mercedes કે  BMW કે Volvo   નો માલિક ટેસ્ટી વડા પાઉં ખાવા માટે લારી પર પણ ઉભો રહેશે... કારણ કે એને ત્યાંની ચટણી આકર્ષે છે તો ગરમા- ગરમ મળતા વડા અને એ જ મજાના ફ્રેસ પાઉં (હા, લારી પર આવી રીતે કોઇપણ સુપર્બ ખાદ્ય સમગ્રી વહેંચતા બંદાની ચોઇસમાં દમ તો હોય છે અને એ પણ એના સિલેક્શનમાં.... દાબેલી કે વડાપાઉં વહેંચાનારાના પાઉં થોડા પણ ઉતરતા નથી હોતા) મનમાં ચટપટી જગાવે છે. વડોદરાનો બંદો હોય અને મહાકાળીનું સેવસળ ન ખાધું હોય એવું બને ! વડોદરામાં મહેમાન બનીને આવ્યા હોય અને જગદિશનો લીલો ચેવડો ન ખાધો હોય કે ઘરે લઇ જવા માટે ન લીધો હોય એવું બને !  હા, આવું તો ઘણું ઘણું દરેક ગામ કે પ્રદેશ કે વિસ્તાર માટે કહી શકાય. ચાલો ને લઇ લો સૌરાષ્ટ્રના ફાફડા... આખા ગુજરાતમાં ગમે ત્યાં જોવો તો તમને ફાફડાની લારી પર ક્યાંક ગુજરાત ફફડા કે મહાકાળી ફાફડા એવા બોર્ડ જોવા નહી મળે... કારણ એક જ કે ફાફડા એ ઓળખ છે સૌરાષ્ટ્રની... તો એ ઓળખ છે ભાવનગરની પણ એના પર સિક્કો છે ગુજરાતનો.... અને એના જ માટે 3 idiot જેવા અનેક મુવીમાં એના લગતા ડાયલોગ પણ લેવા પડે. કોઇપણ પ્રદેશની ઓળખ જ્યારે સિમાડા વટાવે ત્યારે એ ખુબ જ વખણાતી હોય છે એના ટેસ્ટ અને એની બનાવવાની રીતના લીધે. આ દેશમાં ખાવાનું બનાવવાની રીતના પેટન્ટ નથી થાતા એ તો જાણે સહજતાથી શિખાય જાય કે મોઢામાં મુકતા વેંત ખબર પડી જાય કે આમાં આવું કંઇક વધારાનું છે અને એ બની પણ જાય પરંતુ એકલા વડોદરામાં જ 50 મહાકાળી સેવસળ  છે શું એ બધા એક જ છે ? ના રે ના... ઘણૉ ફર્ક છે...   ઓરીજલ એ ઓરીજનલ જ રહેવાનું... એ જુદા પડી આવે છે ક્યાંક એના ચોક્ક્સ પ્રમાણ એની આવડત અને ક્યાંક એની સર્વિસ બસ એ જ જાણે એની મોનોપોલી... બીજા કેટલાય એક જ બેનરના એક જ ચીજ બનાવતા સ્ટોલ ખુલે.... પણ જ્યાંથી શરૂઆત થઇ એ તો અલગ રહેવાનો જ લોકોના મનમાં ઘર કરી જ જવાના... એ ઇમ્પ્રેસન માનસપટ્ટ પર અંકિત થઇ જ જવાની. એનું સ્થાન એ જ નામની બીજી કોઇ જગ્યા નથી જ લઇ શકાવાની ! ચોટીલામાં લાલારઘુવંશી હોય કે મુરલીધર બન્નેએ હ્જારો લોકોને જમાડવામાં પોતાની આગવી ઓળખ બનાવી અને પોતાની આગવી રીત પણ ખરી જ ! એવી જ રીતે મોરબીમાં ઠાકરે એવી ઇમ્પ્રેસન બનાવી કે બસ મોરબી જતાં જમવાના સમયે એક જ નામ યાદ આવે ઠાકર ! આવું તો ઘણું ઘણું કહી શકાય...   

ગુજરાતી થાળી હવે વિશ્વવ્યાપી ઓળખ બનાવી ચુકી છે ત્યારે ફફડા, જલેબી, ઢોકળા કે ચેવડો અને કચોરી જેવી અનેક વાનગીઓ પ્રાદેશિક સિમાડાઓ તોડીને ખુબ જ વિસ્તરી છે. અરે ભાઇ આપડે પણ સિઝલર કે પિત્ઝા કે ઇટાલિયન કે થાઇ ફુડ ખાતા ક્યાં નથી શિખ્યા. તો આપણે ચાઇનીઝ ભેળ જેવા અનેક ફ્યુઝનને પણ હરખ ભેર આવકાર્યો છે. આ બધુ જ સહજતાથી ગુજરાતમાં  સ્વિકારાયું છે અને નવી પેઢી હોંસે હોસે સ્વિકારી રહી છે.   આ બધી જ આઇટમો ભલે પ્રાદેશિક કે વૈશ્વિક સિમાડાઓ તોડવામાં સફળ રહી હોય પણ ક્યાંક સૌરાસ્ટ્રમાં મળતા ફફડા કે ગોધારામાં મળતી કચોરી કે વડોદરાનો ચેવડો કે અમદાવાદના પટ્ટી સમોસા કે રાજકોટની ચટણી જેવી અનેક આઇટમો એ શહેરની ચોક્ક્સ જગ્યાએ દરેકને જતા લલચાવે જ છે. એ જ એની જીત છે એ જ એની કદાચ ઓપન મોનોપોલી છે. જેને કોઇ તોડી નથી શક્વાનું ! કારણ કે દરેકનું મન ક્યાંક તો એવું સ્વિકારે જ છે કે ભલે પટ્ટી સમોસા વડોદરામાં મળી આવે પણ એ અમદાવાદની તોલે તો કયાંક કાચા જ છે કંઇક ખુટે છે. ગુજરાતમાં ભલે ફફડા મળી આવે પણ સૌરાષ્ટ્રમાં જાવ એટલે તો મન થાય જ કે ચાલો લાહવો લઇ લઇએ. આનું જ નામ પ્રાદેશિક મોનોપોલી. આખી દુનિયા બનાવી જાણે પણ ક્યાંક બનાવવાની રીતેમાં ચપટીક ચડી જાય એ જ સૌથી મોટી જીત. આ ચપટીક ચડી જવું એ જ સાચી ઓળખ અને એ જ સૌથી મોટી જીત અને એ જ લોકોને મન એ બનાવનારને ઇનામ. ત્યાંથી પસાર થતાં બ્રેક મારીને ઉભા રહેવું કે સ્પેશિયલ ખાવા માટે ગાડીને સ્ટાર્ટર મારીને ઉપડી પડવું એ આપણા મનની લાલચ અને બનાવનારની જીત... જે હોય તે ડોકટરી તપાસમાં પ્રતિબંધ ન આવે ત્યાં સુધી ખાવાના ટેસ્ટને ન છોડે એ પાક્કો ગુજરાતી...!

સોમવાર, 19 ઑગસ્ટ, 2019

શિવ અને શિવલિંગ (ભાગ 3)



યોગ અને ધ્યાનનો અભ્યાસએ હિંદુ સભ્યતા અને સંસ્કૃતિ સાથે ઉંડાણ પૂર્વક જોડાયેલ એક ભાગ છે. માણસની પોતાની જાગૃત અવસ્થા અને અદ્વૈત શક્તિ સાથેનો તાલમેલ વર્ષોથી આ માનવજાતને જોડેલો રાખવામાં યોગ વિદ્યા એક મહત્વનું પાસુ રહ્યું છે. યોગ એ શિવપૂજાના ફળ સ્વરૂપે આ જગતને પ્રાપ્ત થયેલ એક અતિ ઉત્તમ ભેટ છે. જે લોકોને જીવનના જુદા જુદા તબ્બકે અલગ અલગ સ્વરૂપે મળતી હોય છે. આ યોગાભ્યાસના પુરાવા તો Indus Valley civilization અને Mohenjadero- Harappa સંસ્કૃતિના જે અવશેષો મળી આવ્યા એમાં પણ છે જ. મહાન ઋષિઓએ જ્યારે યોગિક મેડિટેશનના સહારે વેદોનો આવિર્ભાવ કર્યો ત્યારથી એનું અસ્તિત્વ ગણી શકાય. તો શરૂઆત geomatrix સપાટીથી જે એક ઇલિપિસોઇડ સ્વરૂપે હતી એમ માનવામાં આવે છે. યોગિક પરંપરામાં શિવલિંગના સ્વરૂપને જ સાચો ઇલિપસોઇડ માનવામાં આવે છે. હા, સર્જનનું પ્રથમ સ્વરૂપ એ જ ઇલિપસોઇડ અને આ પ્રગટ થયેલ અંત પહેલાનું આખરી સ્વરૂપ એ પણ શિવલિંગ. હાલના ખગોળ શાસ્ત્રીઓ તો માને છે કે બ્રહ્માંડની દરેક ગૅલેક્સીનો મધ્ય અંતરીયાળ ભાગ એ એક ઇલિપસોઇડ જ છે. ટુંકમાં એ એક શિવલિંગ સ્વરૂપ છે. યોગમાં કાયમ પ્રથમ અને અંતિમ રૂપ એ શિવલિંગ રૂપ જ હોય એમ મનાય છે. જો કોઇ વ્યક્તિ ચોક્ક્સ યોગિક સાધના ના ફળ સ્વરૂપે ધ્યાન ધરે તો એની શક્તિઓ શિવલિંગ સ્વરૂપે આકાર પામે છે. અને એટલે જ હિંદુ સભ્યતામાં શિવને અંતિમ સત્ય માનવામાં આવે છે. હા, શિવ એ જ અંતિમ સત્ય છે.
શિવલિંગ પર ચડાવાયેલું એટલે કે અભિષેક કરાયેલું પાણી પવિત્ર પાણી નથી કહેવાતું અને એને ઉપયોગમાં પણ નથી જ લેવાતું એનું મુખ્ય વૈજ્ઞાનિક કારણ એ છે કે શિવલિંગ એ એક અણુંનું બનેલું ખુબ જ ઉંચા પ્રકારનું સ્વરૂપ છે. શિવલિંગમાંથી એક ચોક્ક્સ પ્રકારના રેડિયેશન એટલે કે કિરણોનો ઉદભવ થાતો હોય છે. અને આમ પણ શિવલિંગ મુખ્યત્વે ગ્રેનાઇટ પથ્થરમાંથી બનેલું હોય છે. અને ગ્રેનાઇટએ રેડિયેશનનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. ગ્રેનાઇટ લાવા અને પીગળેલા પથ્થરના ઠરવાથી અનેક વર્ષોની પ્રકિયાના અંતે મળેલ પદાર્થ છે. જેમાં રેડિયોએક્ટિવ પદાર્થો જેવા કે રેડિયમ, યુરેનિયમ કે થોરિયમનું અમુક અંશે મિશ્રણ હોય જ છે. અને આ જ કારણે વર્ષો પહેલાથી આ દેશના મહાન ઋષિઓએ પોતાના શિષ્યોને શિવલિંગ પર અભિષેક કરાયેલ પાણી ઉપ્યોગમાં ન લેવાની પરંપરા શિખવી હતી. તો આ જ કારણને લીધે લગભગ મોટાભાગના શિવલિંગ કોઇ પાણીના સ્ત્રોતની આસપસ એટલે કે દરિયા કિનારે, તળાવ પાસે, નદી કિનારે કે કોઇ કુવા પાસે બનાવાયલ હતા. તમે દક્ષિણમાં પાંચ ઇશ્વરમ મંદિરને જોવો કે ઉતરમાં કૈલાશમાં આવેલ માનસરોવરને જુઓ આ જ વાત પ્રતિબિંબિત થાતી દેખાય છે. અને આવું જ રેડિયેશન મર્ક્યુરી અને સ્ફટીકમાં પણ કેટલાક અંશે દેખાય છે. જે બતાવે છે કે શિવલિંગ મુખ્યત્વે આ ત્રણના જ બનેલા હોય છે. અને જેમાં રેડિયોએક્ટિવ તત્વોની હાજરી જોવા મળે છે કે પોતે કોઇક પ્રકારે રેડિયોએક્ટિવ કિરણોનું ઉત્સર્જન કરે છે. આ ત્રણેય એક વધારાનો ગુણધર્મ ધારાવે છે જે Piexoelectricity તરીકે ઓળખાય છે. જે ગ્રેનાઇટમાં 20 % જેટલો ક્વાર્ટઝ હોવાથી એમાં એ ગુણ વધુ હોય છે. Piexoelectricity ધરાવતા પદાર્થને યાંત્રિક ઉર્જા અપીને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરીત કરી શકે છે. હા, એના પર તમે કોઇપણ બહારી ઉર્જાનો મારો કરો તો એ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. અને એનાથી ઉલટું પણ બની શકે છે. એમાં જો તમે વિદ્યુત ઉર્જા પસાર કરો તો એના આકરમાં બદ્લાવ પણ થઇ શકે છે. જ્યારે પણ ક્વાર્ટઝ ક્રિસ્ટલને તોડવામાં કે જોડવામાં આવે ત્યારે જે બળ કે ઉર્જા વપરાય છે તેનાથી એક ચોક્ક્સ પ્રકારની વિદ્યુત ઉર્જા પેદા થાય છે. અને ચોક્ક્સ પ્રકારનું વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે જ્યારે આપણે એની નજદીક હોઇએ છીએ ત્યારે આપણા શરીરમાંથી પેદા થતા કેટલાક ઇલેક્ટ્રીકલ સિગ્નલ એ વિદ્યુતક્ષેત્ર સાથે ચોક્ક્સ તાદામ્ય પામે છે. આમ જ્યારે વ્યક્તિ નિત્યક્ર્મ મુજબ શિવલિંગની પૂજા કરે છે ત્યારે ચોક્ક્સ પ્રકારના ચુંબકિય કિરણોના સંપર્કમાં આવે છે અને એને પામે છે. જે ખુબ જ ધીમી પણ ચોક્ક્સ પ્રક્રિયા છે જે એના નિત્યક્રમથી વધે છે અને એ પોઝિટીવલી વધુ ચાર્જ થાય છે. અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ પોઝિટીવ ઉર્જા જીવનમાં તંદુરસ્ત જીવન માટે ખુબ જ જરૂરી છે. તો વધુ શું વિચારવાનું જવાનું શિવાલયે દરરોજ અને પાણીનો અભિષેક કરીને ધન્ય થાવાનું.... !
सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।
उज्जयिन्यां महाकालम्ॐकारममलेश्वरम्॥१॥
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमाशंकरम्।
सेतुबंधे तु रामेशं नागेशं दारुकावने॥२॥
वाराणस्यां तु विश्वेशं त्र्यंबकं गौतमीतटे।
हिमालये तु केदारम् घुश्मेशं च शिवालये॥३॥
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः।
सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति॥४॥

Happy Birthday Suvarna Madam.



જીવવિજ્ઞાન / બાયોલોજી ને જેણે ચરીતાર્થ કરી લીધુ હોય એવા હાયરસેકન્ડરીના એકદમ સરળ દેખાતા અને સીધા બાંધાના એકદમ સચોટ ભાણાવતા અને શિખવતા શિક્ષિકા એટલે સુવર્ણા મેડમ. અમે ભણતા ત્યારે એમણે અમારા જેવા અનેક વિદ્યાર્થીઓને સાથે રાખીને અનેક કેમ્પના આયોજનો કર્યા. ક્યાંકને ક્યાંક દેખાઇ ઉઠતા કોઇ વૃક્ષ કે કોઇ નાના અમસ્તા તૃણનો પણ અમને પરિચય કરાવ્યો છે તો ક્યાંક કોઇક નાનું ઇન્સેક્ટ હોય કે ક્યાંક કોઇક સાપ દેખાયો હોય અમને પાસે લઇ જઇને સમજ આપી છે. અને ખુબ જ સરસ રીતે બ્રીફ કર્યા છે. બાયોલોજીમાં આવતી આકૃતિઓ પછી એ ભલેને હ્રદયની હોય કે સૂર્યમૂખીના કોષની હોય કે મકાઇના કોષની હોય મેડમ એટલી સરસ રીતે ભણાવતા કે બસ ખરેખર મજા આવતી. અમે જ્યારે 11th માં આવ્યા તેના એકાદ વર્ષ પહેલા જ કંઇક દેડકાના ડિસેક્સન પર પ્રતિબંધ આવી ચૂક્યો હતો એટલે એ તો અમારા નસીબમાં ન હોતું પરંતુ અમારા સિનિયર્સ પાસેથી સાંભળેલું જ કે મેડમ પાસે આ ડિસેકસન શિખવું એ પણ એક મજા છે. મેડમની ભણાવવાની જે રીત હતી એના લગભગ દરેક સ્ટુન્ડ દિવાના હતા. સાસણગીરમાં મેડમે કરેલ અનેક કેમ્પના સાક્ષી અનેક વિદ્યાર્થી રહ્યા છે. તો એક સમયે મેડમે Studies on lesser known fauna of Gir PA with special reference to invertebrates વિષય સાથે પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર તરીકે પણ કામ કાર્યું છે. તો એક સમયે મેડમે જીવજંતુઓના રહ્સ્યો, વન અને વન્યવિભાગ કે જળસંરક્ષણ જેવા વિષય સાથે રેડિયો પર પણ વાર્તાલાપ કર્યો છે. દિપડાની ગણતરીની વાત હોય કે યાયાવર પક્ષીની ગણતરીની વાત હોય કે વિશ્વામિત્રીના મગરોની ગણતરીની વાત હોય કે દરિયાઇ પક્ષીઓની ગણતરીની વાત હોય હંમેશા સુવર્ણા મેડમ આગળ રહ્યા છે. અને પોતાના વિદ્યાર્થીઓને સાથે રાખીને પ્રોત્સાહન આપ્યું છે. મારા જેવા અનેક હશે જે કહી શકતા હશે કે અમને ગર્વ છે કે અમે સુવર્ણા મેડમ પાસે ભણ્યા છીએ. એક વૃક્ષપ્રેમી, જીવપ્રેમી અને સંવેદનાને મહેસૂસ કરનારા શિક્ષિકા આજે રિટાયર્ડ થવા જઇ રહ્યા છે ત્યારે એમને જીવનની નવી ઇનિંગ માટે અનેક શુભેચ્છાઓ... Happy Birthday Suvarna Madam.

રવિવાર, 18 ઑગસ્ટ, 2019

નેહા ખાચર વૉલીબોલના પૅશન પર



નરેન્દ્ર ખાચર એટલે જીવનમાં મળેલ પારદર્શક મિત્રોમાંના એક મિત્ર. નેહા ખાચર એમની મોટી દિકરી. એ નાની હતી ત્યારથી એને મોટી થતાં જોઇ છે એ પોતાના એક અલગ જ instinct સાથે જ મોટી થઇ અને આજે જ્યારે એ ટી.વાય. બીકોમમાં છે ત્યારે પોતાના શોખ પોતાના એક અલગ જ પૅશનને પુરુ કરવા જ્યારે એ નડીયાદ જઇ રહી ત્યારે નરેન્દ્ર સર સાથે જવાનું બન્યું એ મારા માટે  અનાંદની વાત હતી. રસ્તામાં અમે નેહાના આ જ પૅશન વીશે વાતો કરતા જતાં હતાં ત્યાં ક્યારે નડિયાદ આવી ગયું એ પણ ખબર ન રહી. નેહા પોતાની વાત કરતાં કહે છે કે વૉલીબોલ શું છે અને કેવી રીતે રમાય  એ તો મને કૉલેજના પહેલા વર્ષ સુધી ખબર જ ન હતી.  પણ MSU માં બી.કોમ ના પહેલા વર્ષ દરમ્યાન પૅવેલિયન પર NCC ની પરેડ માટે ગઇ હતી ત્યારે મારી મુલાકાત ફિઝિકલ એજ્યુકેશન  ડિપાર્ટમેન્ટના સૂત્રધાર અને કો- ઓર્ડિનેટર  ડૉ. શિતલ શેઠ સાથે થઇ અને તેમણે મને વૉલીબોલ જોઇન કરવાની સલાહ આપી. ઘરે આવીને પપ્પાને વાત કરી અને મને જવાબ હા માં મળતાં જ બીજા દિવસથી જ મેં વૉલીબોલ જોઇન કરી લીધું. પણ ત્યાં પહોંચ્યા પછી જાણ્યું અને જોયું કે.... અહીં તો રમનારા બધા 6-7 નેશનલ રમી ચુકેલા પ્લેયર છે. થોડી નર્વસ થઇ અને વિચાર્યું કે આમાં તો મારો કોઇ નંબર ન લાગે. આમની સામે હું કેવી રીતે ફાઇટ કરી શકું ? અને બીજા દિવસથી નહીં જ આવું એવું મનોમન નક્કી કરી લીધું. પણ નિયતીને કંઇક ઔર જ મંજુર હતું અને મારી મુલાકાત વૉલીબોલના કૉચ બબીશ કુમાર જોડે થઇ અને જેમ એક સફળ અને ધીરગંભીર કૉચને છાજે એ રીતે જ મારા મનની વાત કળી જઇને એમણે મને મોટીવેટ કરી અને મારો વિશ્વાસ મને પાછો આપાવ્યો. આજે પણ એ શબ્દો મને યાદ છે કે કૉચ બબીશ કુમારે મને કહ્યું હતું કે જો તું મહેનત કરીશ અને એક પૅશનથી લાગેલી રહીશ તો આ બધા કરતા પણ તું સારું રમીશ અને સફળ પુરવાર થઇશ. અને શરૂ થઇ મારી વૉલીબોલ સાથેની સફર. સાત મહિનાની ટ્રેઇનિંગ અને કૉચનું માર્ગદર્શન અને હવે મારી સામે હતી એક લીગ ટુર્નામેન્ટ....  અને એ હતી વડોદરાની ટીમ તરફથી મારી પહેલી લીગ ટુર્નામેન્ટ... !  અને અમે ચેમ્પિયન બન્યા. આ મારી પહેલી સફળતા હતી અને મારી ખુશી આજે આસમાને હતી. અને કૉચ બબીશ સર મારી પાસે આવ્યા અને મને કહ્યું કે નેહા હજુ આગળ મંજિલ છે. હજુ મોટી ટુર્નામેન્ટ તારી રાહ જોવે છે. અહીં જીતીને માત્ર  ખુશ જ  થવાનું પણ મંજીલ હજુ આગળ છે એ હંમેશા યાદ રાખવાનું. મારી મહેનત અને સરનું કોચિંગ સતત ચાલું રહ્યું અને ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ આવી અને જયપુર રમવા જવાનું હતું અને મારું સિલેકશન થયું પણ ત્યાં અમારી ટીમ જોઇએ એટલી સફળ ન થઇ. ત્યાર બાદ બીજો મહત્વનો પડાવ રાહ જોતો હતો અને ખેલ મહાકુંભ આવ્યો. ત્યાં અમારી ટીમ (MSU) સ્ટેટ લેવલે પહોંચી અને સ્ટેટમાં અમે સેમીફાઇનલમાં પહોંચ્યા જ્યાં અમે માત્ર એક પોઇન્ટ માટે 3rd રેન્ક પર આવતા આવતા રહી ગયા. ફરીથી મને બાદ કરતા ટીમના દરેક મેમ્બર ખુબ જ ખુશ હતાં કારણ કે આની પહેલા વડોદરાની ટીમ આ મુકામ સુધી ભુતકાળમાં  ક્યારેય ન હોતી પહોંચી. ખરેખર અમારી અહીં સુધીનો તમામ શ્રેય કૉચ બબીશ સરને જ આપવો પડે એ અમે સૌ સ્વિકારતા હતાં. અને શીતલ મેડમના યોગદાનને  પણ ભુલી શકાય એમ નથી. આ ટુર્નામેન્ટ એટલે મહત્વની હતી કે મારી રમવાની શૈલી અને એમાં પણ ખાસ કરીને સ્મેસ મારવાની મારી રીત જોઇને અને મારી ખેલદિલી સાથેની એક સ્પિરીટ વાળી રમત જોઇને  ત્યાં આવેલા જુદા જુદા ડિસ્ટ્રીકના કોચ અચંબીત થયા હતા કારણ કે છેલ્લા બે વર્ષથી જેઓ ઇન્ડિયન ટીમના પ્લેયર હતાં એમની દરેક સ્મેસને મેં બ્લોક કરી હતી અને મેં હાઇએસ્ટ પોંઇન્ટ સ્કોર કર્યા હતાં. અને લગભગ જે પણ આ ગેઇમ સાથે સંકળાયેલા હતા એ બધાને નેહા ખાચરનું નામ મોઢે હતું. આ ટુર્નામેન્ટે મને લોકોની નજરે વડોદરાની ફાઇટર પ્લેયર તરીકેની ઓળખ આપી તો લોકોની નજરમાં હું વડોદરાની મુખ્ય પ્લેયર તરીકે ઓળખવવા લાગી. આમ, આ ટુર્નામેન્ટને હું મારા જીવનના એક અલગ પડાવ તરીકે જ જોવું છું. આવી જ રીતે જીવનની મારી આ ખેલની રમતમાં નવો વણાંક એટલે યુથ નેશનલ ટીમમાં મારું સિલેક્ટ થવું. હા, યુથ નેશનલમાં ગુજરાતની ટીમમાં મારું સિલેકશન થયું... ચિત્તોડમાં રમાયેલ આ ટુર્નામેન્ટમાં ઓલ ઓવર ઇન્ડિયામાં ગુજરાત ટોપ 8માં પહોંચ્યું. ત્યાર બાદ મારી રમતને ધ્યાનમાં રાખીને SAG (SPORTS ACADAMY OF GUJARAT) દ્વારા મારું સિલેક્શન થયું બધુ જ મને મારી નજર સમક્ષ દેખાતું હતું હા, મારી જીત મારા સપના બઘુ જ ... પણ...  પપ્પાની મંજૂરી ન હોતી મળતી.... એમનો એક જ જવાબ હતો પહેલા ભણી લેવાનું....  ઘણા મનાવ્યા એ ન જ માન્યા. મારા કૉચ સર,  એકેડેમિના હેડ કૉચ સહિત બધાએ ખુબ મનાવ્યા પણ એ ન જ માન્યા. પણ મારા  ઇરદાઓને તોડનારું આજ સુધી મેં કોઇ જોયુ નથી... હા, કોઇ જ નહી હું અડગ રહી અને પ્રયત્નો ચાલુ જ રાખ્યા...  અને મારા પ્રયત્નો બે તરફ  ચાલુ જ રહ્યા એક બાજુ મારી વૉલીબોલ ની પ્રેક્ટીશ અને બીજી બાજુ પપ્પાને મનાવી લેવાની મહેનત. અને આખરે આ વર્ષે મારી જીત થઇ.... પપ્પા માન્યા અને હું અત્યારે SAG દ્વારા સંચાલીત સ્પોર્ટસ એકેડેમિ ઓફ ગુજરાતના નડિયાદ ખાતેના સેન્ટર પર જવાના  રસ્તા પર છું...નેશનલ લેવલ પર રમી ચુકેલ નેહા કહે છે.  હવે મારું એક જ ટાર્ગેટ છે દેશની મુખ્ય ટીમમાં સ્થાન પામવું છે... અને હું એ કરીશ જ...ત્યાં પહોંચવું એ જ અત્યારે તો મારું ધ્યેય છે.  આ છે નેહા ખાચરનો પોતાના પૅશન પ્રત્યેનો લગાવ-ધગશ. નેહા પોતે ભણવામાં પણ એટલી જ કુશળ છે એણે સેકન્ડ યર ફર્સ્ટ ક્લાસ સાથે પુરુ કર્યું છે તો વળી એની એની ઓફબીટ આવડત એ પણ છે કે  એ કોઇપણ ઘોડી પર બેસીને ખુબ જ સરસ ઘોડેસવારી કરી શકે છે. એ બધા તો જીવનના બીજા પાસા છે પણ અત્યારે તો  નેહા તને તારા સપના પુરા થાય એ માટે અનેક શુભેચ્છાઓ અને આશિર્વાદ.    

શુક્રવાર, 16 ઑગસ્ટ, 2019

એટલે જ કદાચ નરેન્દ્ર મોદીએ 8 તારીખે ધારા 370 પરના સંદેશમાં કશ્મીરી પંડિતોને યાદ ન કર્યા



આમ તો આ પોસ્ટ કશ્મીર સાથે સંકળાયેલી છે. પણ એક રીતે આ એક આખા દેશ માટેનો એક સબક છે. 
कश्मीर सिर्फ कश्मीरियों का : પંડિત શંકર લાલ કૌલ 
આ લેખમાં લગભગ બધી જ માહિતી કશ્મીરી પંડિતોના માધ્યમથી જ મળેલી છે. અને એ છતાં જો કોઇ સમુદાયને આ અયોગ્ય ચિત્રણ લાગતું હોય તો એમની તાર્કિક અસહમતી સાથે એમનું સ્વાગત છે. 
અમિતાભ મટ્ટૂ કશ્મીરી પંડિત સમુદાયના લોકોનું એક પ્રખ્યાત અને માનપુર્વક લેવાતું નામ છે. આતંરરાષ્ટ્રીય નામના પ્રપ્ત કરેલ મટ્ટૂ JNU માં પ્રોફેસર છે. ભારતના પ્રધાનમંત્રી હોય કે જમ્મુ-કશ્મીરના છેલ્લા મુખ્યમંત્રી હોય બધાના એ સલાહકાર રહી ચુક્યા છે. જમ્મુ યુનિવર્સિટીના સૌથી નાની ઉમરના વાઇસ ચાન્સેલર એક સમયે  દેશની રાષ્ટ્રીય સુરક્ષા પરીસદના સભ્ય પણ રહી ચુક્યા છે.. અટલ બિહાર વાજપાઇ, મનમોહનસિંહ કે નરેન્દ્ર મોદીના પણ એ વિશ્વાસુ તરીકે ઉભરી આવ્યા છે. કશ્મીરના મુદ્દા પર એમની વાત કાયમ  ધ્યાનપૂર્વક જ સંભળાય છે. 
થોડા સમય પહેલા જ અમિતાભ મટ્ટૂનો એક લેખ ધ હિંદુમાં પ્રગટ થયો હતો જેમાં તમામ તર્ક અને દલીલોના અંતે એમણે બતાવ્યું કે ઘાટીમાં  અલગાવવાદને જ ધારા 370ને હટાવવાનો મુખ્ય પ્રયાસ ગણી શકાય. 
એક કશ્મીરી પંડિતના મોઢે બોલાયલ આ વાત ઘણાને વિચારતા કરી મુકે એવી છે કે “કશ્મીરી પંડિતોની સહમતી વગર ધારા 370  અસ્તિત્વમાં આવી જ ન શક્ત અને અસ્થાઇ હોવાના કારણે એ આટલા લાંબા સમય સુધી એમની સહમતી વિના ટકી પણ ન શકે.” આ વાત કહેવા વાળા મટ્ટૂ એકલા જ નથી, લંડનની વેસ્ટમિન્સટર યુનિવર્સિટીમાં પ્રોફેસર એવા કશ્મીરી કવિયત્રી નિતાશા કૌલનું પણ ચેનલ અલ જજીરા પર કહી રહ્યા હતાં કે કશ્મીરમાં હિંદુસ્તાની ફોજ ખુબ જ જુલ્મ કરી રહી છે. અને કશ્મીરમાં ફેલાયેલા આતંકવાદ માટે એ  પાણીના ઘુંટડે ઘુંટડે ભારતીય સેનાને જવાબદાર ગણીને આરોપ લગાવી રહી હતી. એ બોલી રહી હતી કે કશ્મીરી મુસલમાનો અને કશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારો અલગ નથી જ ! એને કહેવાનું કે તમે જરા ભુલી ગ્યા છો કે પંડિતો સાથે જે થયું એ એમના બહુમતીના લોકોએ જ કર્યુ છે. અને જતાં જતાં નતાષા કશ્મીરી પંડિતોને હિંદુત્વના નામ પર ઉપયોગમાં લેવાયેલા મોહરા પણ બતાવતી ગઇ. 
એ પણ યાદ રાખવા જેવું છે કે સંવિધાન સભામાં નહેરૂ દ્વારા આયોજીત ધારા 370 નો જોરશોરથી વિરોધ થયો હતો જેમાં ડૉ. આંબેડકરે પણ એને દેશ સાથેનો વિશ્વાસઘાત છે એમ કહીને વિરોધ દર્શાવેલો. 
પરંતુ એ જ સભામાં હાજર કશ્મીરી પંડિત કૈલાશનાથ કાટઝુ અને મોતીરામ બૈગરા જેવા દિગ્જ્જ પણ હતાં જેઓ માત્ર ચુપ જ રહ્યા એટલું જ નહી પણ એ કશ્મીરી પંડિતોએ ધારા 370નું સમર્થન પણ કર્યુ. એટલું જ નહી પણ જ્યારે આ પ્રસ્તાવને કશ્મીર વિધાનસભામાં રજુ કરાયો ત્યારે ત્યાં પણ કશ્મીરી પંડિતોની મોટી હાજરી રહેતી હતી. અરે કશ્મીરી પંડિતોની વસ્તી કરતા જે પ્રમાણ નીકળે એના કરતાં પણ વધારે સંખ્યા ત્યાં વિધાનસભામાં ત્યારે હતી. પરંતુ વિધાનસભામાં એમાંના કોઇ કશ્મીરી પંડિતે એનો વિરોધ ન કર્યો અને ઠરાવ પાસ થઇ ગયો. સમય પસાર થતો ગયો અને ધારા 370 અસ્થાઇ હોવા છતાં એ સ્થાઇ સ્વરૂપ પકડતી ગઇ.  કશ્મીરી પંડિતો એક અત્યંત શિક્ષિત અને સુસંગત જાતી હોવાના કારણે કશ્મીરથી નિકળીને દેશના ખૂણે ખૂણે ફેલાઇ ગયા પણ કશ્મીરમાં અન્ય દેશવાસીઓની દખલ એમને ક્યારેય મંજુર ન હતી. આ એ સમય હતો જ્યારે કશ્મીરી પંડિતો સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ નોકરીઓ કરી રહ્યા હતાં, નોકરશાહીથી લઇને યુનિવર્સિટીના શિક્ષણ કાર્ય સુધી અને કશ્મીરમાં એમની બરાબરીના અને સગા સરકારી નોકરી અને ખેતરો અને બગીચાઓમાં પોતાના અધિકાર જમાવીને બેઠા હતાં. કશ્મીરી પંડિતો જુના જમીનદારો હતાં અને 370 થી વિપરીત કશ્મીરમાં કોઇ જમીન સુધારો આંદોલન કે કોઇ પ્રક્રિયાની વાત જ ન આવી. ખરેખર તો આઝાદી પછીના ચાર દશકમાં  ધારા 370નો મુખ્ય લાભ તો આ સમુદાયે જ લીધો. આ જ મુખ્ય  કારણ છે કે  ઘાટીમાં મુખ્યત્વે એમનો જ પ્રભાવ રહ્યો. 
70  વર્ષના આ પુરા ઘટનાક્રમમાં કશ્મીરી પંડિતોની કહાની દેશના જનમાનસને સતત ઝંકઝોળ કરતી રહી છે. એમણે જે ત્રાસ સહન કર્યો એના માટે કોઇ ના પાડી શકે એમ નથી પરંતુ 90 ના દશકમાં દુર્ભાગ્યપણે જે રીતે પલાયન થયા એમાં કેટલાક અંશે સ્વંયમ કશ્મીરી પંડિત પણ જબાવદાર(દોષિત) છે. એમના પોતાનાથી અનેક ભુલો થઇ અને એ પણ  એકાદવાર નહી અનેક વાર.
5000 વર્ષથી કશ્મીરના મુળ નિવાસી એવા કશ્મીરી પંડિતોએ 14 મી સદીથી જ ઘાટીમાં ઇસ્લામીકરણ જોયું છે. આઝાદી સમયે જ્યારે મહારાજા હરિસિંહે કશ્મીરને અલગ જ રાખવાનું નક્કી કર્યુ અને ભારત અને પાકિસ્તાન એકેયમાં ન ભળવાનો નિર્ણય કર્યો ત્યારે પણ એમના દરબારમાં વિશ્વાસુ દરબારી તરીકે અનેક કશ્મીરી પંડિતો જ હતાં પરંતુ એમાંથી એકય કશ્મીરી પંડિતે રાજાના નિર્ણયનો  વિરોધ ન કર્યો પરંતુ એમાં ચુપ રહીને સતત સહમતી જ બતાવ્યે રાખી. એ આ સમુદાયની પહેલી અને ભયંકર ભુલ હતી. દુનિયાથી અલગ થઇને જન્નતમાં રહેવાવાળા આ લોકોને એમ થયું કે અમારા સ્વર્ગમાં ભારતની બીજી પ્રજાનો પ્રવેશ ન થાય એ જ સારું છે. અને એમનો એ ભ્રમ ટુટવામાં બે મહિનાનો પણ સમય ન લાગ્યો અને પાકિસ્તાને આક્રમણ કરીને કશ્મીરનો 1/3 ભાગ પડાવી લીધો. 
અને મજુબૂરીમાં રાજાને ભારતની મદદ લેવી પડી અને દસ્તાવેજ પર બન્ને તરફથી સહી થઇ અને કરાર થયા. આ દસ્તાવેજ ભારતમાં ભળેલા બીજા રજવાડાઓ કરતાંય સહેજ પણ જુદા ન હતાં અને 1950 માં ભારતીય સંવિધાન લાગુ પડ્યા પછી બાકી બધા રજવાડઓએ ભારતમાં પોતાનો સંપૂર્ણ વિલય સ્વિકારી લીધો પરંતુ શેખ અબદુલ્લાએ નહેરૂની મદદથી  કશ્મીર માટે એક અલગ જ સ્થિતી  માંગી લીધી જે ધારા 370ના નામે આજે ઓળખાય છે. એ વખતે પણ કશ્મીરી પંડિતોએ માત્ર અબ્દુલ્લાને સાથ આપ્યો એટલું જ નહી પણ નહેરૂ (જે પોતે પણ કશ્મીરી પંડિત હતા) એમના પર દબાવ બનવ્યો કે કશ્મીરને સંપૂર્ણ રીતે દેશમાં ભેળવવામાં ન આવે. આ સમુદાયની આ બીજી સૌથી ગંભીર ભૂલ હતી. 
જસ્ટીસ પંડિત  જીયા લાલ કિલમ પોતાના ચર્ચિત પુસ્તક “હિસ્ટ્રી ઓફ કશ્મીરી પંડિત” માં લખે છે કે 20 મી સદીની શરૂઆતમાં પંડિત દયા કિશન કૌલે એની બેસેંટની મદદથી કશ્મીરમાં પહેલી કૉલેજ ખોલી જેમાં મોટી સંખ્યામાં માત્ર કશ્મીરી પંડિતોના છોકરાઓ જ દાખલ થયા અને મુસ્લીમો માત્ર પશ્ચિમી શિક્ષણ પધ્ધતિનો વિરોધ જ કરતાં રહ્યા. 1911માં આ કૉલેજમાંથી ગ્રેજ્યુએટ થઇને પહેલી બેચ બહાર આવી અને શરૂ થયો સ્થાનિક અને બહારના લોકોનો વિવાદ. જેમાં કશ્મીરી પંડિતોએ અંગ્રેજોની મદદથી કશ્મીર પ્રસાશનમાં જે પંજાબીઓ હતાં એમનો સફળતા પૂર્વક વિરોધ કર્યો. મોટાભાગના પંજાબીઓ આર્યસમાજી હતા અને લાલા લજપતરાયથી પ્રભાવિત હતા. અને એમના ક્રાંતિકારી વિચારો અંગ્રેજોને એમ પણ હેરાન કરતાં હતાં. જસ્ટીસ પંડિત જિયા લાલ કિલમે ખુદ શંકારલાલ કૌલ, પંડિત જયલાલ જલાલી અને પંડિત જય લાલ કૌલની સાથે એક આંદોલન શરૂ કર્યું અને 1912માં જ માત્ર સ્થાનિક લોકોની ભર્તિ સંબંધીત આદેશ પાસ થઇ ગયો. 
અત્યાર સુધીમાં કશ્મીરી પંડિતોના નેતૃત્વમાં કશ્મીરી રાષ્ટ્રવાદ આંદોલન સંપૂર્ણ રીતે આકાર લઇ ચુક્યું હતું. 1923 માં કશ્મીરી પંડિત શંકર લાલ કૌલે કાનપુરમાં અને પછી 1925માં લાહોરમાં "कश्मीर सिर्फ कश्मीरियों का" નારો વહેતો કર્યો. પાછળથી જસ્ટીસ પંડિત જીયા લાલ કિલમ કશ્મીરી રાષ્ટ્રવાદના પ્રણેતા બન્યા અને એમણે શેખ અબ્દુલ્લા સાથે નેશનલ કોન્ફરન્સનો પાયો નાખ્યો. આ બાધી જ વાતો પંડિત જીયા લાલ કિલમે પોતાના પુસ્તકમાં વર્ણવી છે. સદીઓના વર્ચસ્વના કારણે પંડિતો એવા આંધળા બની ચુક્યા હતાં કે પોતાના નાક નીચે જ ઉછરતી ઇસ્લામિક કટ્ટરતા એમને નજરે જ ન આવી. વિડંબના એ હતી કે જ્યારે મજહબી આતંકવાદી મસ્ઝિદોના લાઉડસ્પિકર પરથી પંડિતોને પોતાના કુટુંબ સાથે કશ્મીરની વાદીઓને છોડીને જવાનું ફરમાન કરી રહ્યા હતાં ત્યારે આ પંડિતોને પોતાના મુસ્લિમ પડોસીના સમર્થનનો વિશ્વાસ હતો. પણ આ પડોસીએ જ જ્યારે આતંકવાદીઓને પંડિતોના ઘર બતાવવાનું શરૂ કર્યું ત્યારે શરૂ થયો એક નરસંહાર અને પલાયનવાદ.   
જ્યારે પચાસના દશકમાં શ્યામા પ્રસાદ મુખર્જી અને જમ્મુના ડોગરા સમુદાયના નેતૃત્વમાં કશ્મીરના ભારતમાં પૂર્ણ વિલય માટે જે અભિયાન ચલાવાયું એમાં પણ કશ્મીરી પંડિતોએ એક ચુપદીદી જ બતાવ્યે રાખી,  અરે ત્યાં સુધી કે શ્યામા પ્રસાદની હત્યા થઇ ગઇ પણ એમની ચુપકીદી અવાજમાં ન જ પરીણામી. ઉપરથી એમણે કશ્મીરીયતનો એક નવો જ રાગ છેડ્યો જેને ઇસ્લામી તાકતોએ ત્યાં સુધી આલાપ્યો કે જ્યાં સુધી ઘાટીમાં એમની પકડ પુરે પુરી રીતે મજબૂત ન થઇ ગઇ. ત્યારબાદ સૈયદ અલી શાહ જેવા લોકો સામે આવ્યા અને એમણે ખુલીને દાવો કર્યો કે કશ્મીરીયત અને બધુ જ માત્ર બકવાસ છે અને સાચી વાત તો માત્ર મુસ્લમાનોના કાફિરાના હકૂમતમાં ન રહેવાં માટેની જુંબેશ હતી. 
પરંતુ આ કશ્મીરીયતના નારાનો દેશની અંદર મુસ્લિમો- લિબરલો- વામપંથીઓ અને મિડિયાએ ભરપુર લાભ લીધો અને માનવઅધિકારના રૂપે દુનિયાભરમાં કશ્મીરી લોકો પર જાલિમ હિંદુસ્તાની સરકારના રૂપે ચિત્રણ કર્યું. વચ્ચે એક વિડિયો ખુબ જ વાઇરલ થયો હતો જેમાં બરખા દત્ત પૈલેટ ગનથી ઘાયલ થયેલ યુવાનના મોઢા પાસે માઇક રાખીને વારંવાર પુછી રહી છે...  નહી, બતાવી રહી છે કે આ યુવાન કશ્મીર માટે લડી રહ્યો છે, અને સ્ટ્રેચર પર પડેલો યુવાન ગર્વથી કહે છે કે નહી હું ઇસ્લામ માટે જેહાદ કરી રહ્યો છું. બર્ખા કહે છે કે તુ કશ્મીરીયત માટે લડી રહ્યો છે. જવાબમાં કિશોર કલમા બોલવા લાગે છે. 
જેહાદીઓની નજર અને  મિડિયાનો અંદરથી સપોર્ટ અને બહારથી વિરોધ સાથેની બેવડી નીતી ચોક્ખ્ખી હતી. એવામાં પણ કશ્મીરી પંડિતોને કંઇ જ નજર આવતું ન હતું એમ માનવું મુર્ખામી ભર્યુ જ છે. છતાં તેઓ ચુપ જ રહ્યાં, અમિતાભ મટ્ટૂ જેવા ધારા 370ની વકિલાત કરી રહ્યા હતાં. કશ્મીરી પંડિતોની આટલી લાંબી ચુપકીદીનું પણ એક કારણ હતું – “ પંડિત સમુદાય શિક્ષિત હોવાના કારણે આખા કશ્મીરમાં શિક્ષણથી લઇને તમામ સરકારી કાર્યાલયોમાં ફેલાયેલો હતો અને એમને અંદરથી ડર હતો કે જો ધારા 370 હટી તો આખા દેશમાંથી અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાંથી લોકો આવીને તેમની નોકરીઓ લઇ લેશે. અભણ મુસ્લિમ સમુદાય અને અડધુ ભણેલા ડોગરા એમના માટે કોઇ રીતે અડચણરૂપ ન હતાં અને સરકારી નોકરીઓમાં પંડિતોનો દબદબો હતો જ. 1947 માં પાકિસ્તાની હમલા દરમ્યાન કબાલિયોની ક્રુર હત્યા અને રાજ્યના એક હિસ્સાનું નુકશાન પણ કશ્મીરી પંડિતોની આંખો ન ખોલી શક્યું. 
કશ્મીરી પંડિતોએ આ દેશને પોતાનો ન જ ગણ્યો પરંતુ બીજી બાજુ આખા દેશે એમને પોતાના ગણ્યા અને ખુલ્લા દિલથી એમનું સ્વાગત કર્યું. મહારાષ્ટ્રમાં એન્જિંન્યરીંગ કોલેજમાં એમના માટે આરક્ષણની જોગવાઇ કરીને બાલ ઠાકરે એ શરૂઆત કરી અને આજે એ આરક્ષણ આખા દેશમાં લાગુ છે. પરંતુ દુર્ભાગ્ય તો જુઓ 90ના દશકમાં પલાયન થયેલ પંડિત  હજુ પણ બદલાઇ ગયેલ પરિસ્થિતીને સ્વિકરવા તૈયાર ન હતાં અને આશાવાદી હતાં કે થોડા સમયમાં પાછું એમને ત્યાં જવા મળી જશે. અને આ જ દુવિધામાં એમણે ધારા 370 હ્ટાવવાની માંગ ન કરી. આવડી મોટી વાત આખા સમુદાયના વિચાર બહાર હતી અને  ઘાટીની કુલ વસ્તીના 2 % જ હોવાથી પાછા ફરવાની વાત અને એમ જ બધુ ફરીથી મળી જવાનો આશાવાદ હવે અશક્ય લાગ્યો. યુનિવર્સિટી –કૉલેજ થી લઇને બધી જ સરકારી નોકરી હવે બહુસંખ્યક મુસ્લિમોના હાથમાં હતી. ખેતર હોય કે બગીચા હોય કે મકાન કે કંઇપણ સંપતિ હોય બધુ જ બીજાની માલકિયત થઇ ચુક્યુ હતું એકરીતે કહી શકાય કે બધાનું ઇસ્લામીકરણ થઇ ગયું હતું. 
21 સદી આવતા આવતા હવે કશ્મીરી પંડિત સમજી ચુક્યા હતાં કે જુના દિવસો હવે પાછા નહી જ આવે. અને હવે છેક એમણે ધારા 370 હટાવવા માટે દેશની જનતાના સૂરમાં સૂર પૂરવાનું શરૂ કર્યું. સોશિયલ મિડિયા અને ટીવી પર ચર્ચાથી લઇને રસ્તા પર બધી જ જગ્યાએ કશ્મીરી પંડિત દેખાવા લાગ્યા. આ મુદ્દાને લઇને એમની આટલી લાંબી  નિરસતાના જવાબમાં તેઓ માત્ર કહે છે એમણે 370નું ખુલ્લું સમર્થન ક્યારેય નથી જ કર્યું. પરંતુ એમને  એટલું જ કહેવાનું કે વિરોધ પણ નથી જ કર્યો એનું શું ? એમની વિચારીને વાપરેલી નિષ્પક્ષતાએ જ એમને મૂળમાંથી ઉખાડી ફેંકી દિધા. 
મનોવૈજ્ઞાનિક લેખક વિલિયમ રાયને 1971 માં પોતાના આ જ નામના પુસ્તક્માં એક વાક્યને લખ્યું છે કે Blaming The Victim એટલે કે કોઇ સ્થિતી કે દુર્ઘટના માટે એના શિકાર વ્યક્તિને જ દોષિત જાહેર કરવો. આ એકદમ જટીલ પરિસ્થિતી હોય છે. સામાન્ય રીતે લોકોની સહાનુભૂતિ વિપદા પામેલા લોકો સાથે હોય છે અને એવા સમયે એનો વાંક કાઢવા કોઇ તૈયાર નથી હોતું. પણ અહિંયા પરિસ્થિતી ઉલટી છે. સ્વાર્થમાં આંધળો બનેલો એક આખો સમુદાય  પોતાની દૂરંદેશીના અભાવે આખા દેશને  છેલ્લા 70 વર્ષોથી માથાનો દુખાવો બની જાય એવી પરિસ્થિતીમાં મુકે છે. અત્યાર સુધીના અનેક યુદ્ધો અને હજારો નિર્દોષના મૃત્યુનું કારણ બની ગયું. આગળ પણ આનું નિરાકરણ સરળ તો નહી જ હોય ! 
આજે જ્યારે નરેન્દ્ર મોદી અને અમીત શાહની સરકારે એક અભુતપૂર્વ નિર્ણય લઇને ધારા 370 હટાવી છે ત્યારે એ બધી જ અસરોને નાબુદ કરી નાખી છે કે જેના થકી કશ્મીર એક મુઠ્ઠીભર લોકોનું ગુલામ બનીને રહી ગયું હતું. આખી દુનિયા એ ક્ષણની રાહ જોઇને બેઠું છે કે જ્યારે 144 હટાવી લેવામાં આવે ત્યારે કશ્મીરીઓનું શું રીએક્શન છે. નજરબંધ ઉમર, મહેબૂબા અને હુરિયત નેતા હિંસા ભડકાવવાની પુરેપુરી કોશિશ કરશે અને એ સમયે કશ્મીરના લોકો એમના કહેવામાં કેટલા આવે છે એ જોવું રહ્યું  તો સાથે સાથે સીમા પારથી આવતા આતંકીઓને રોકવામાં સેના કેટલી સફળ થાય છે એ જોવાનું.  કશ્મીરી યુવાન ફરીથી પથ્થર ઉપાડશે કે નહી?  આ બધા જ પ્રશ્નોના જવાબ આવવાના બાકી છે. 
ઇતિહાસમાંથી ન શિખનારા અને ફરીથી એ જ ભુલ કરનારા શાપિત હોય છે. દેશના અનેક ભાગમાંથી આજે પણ આવી જ માંગ ઉઠી રહી છે અને રાજ્ય અને સવર્ણો આજે પણ આંદોલનો ચલાવી રહ્યા છે કેટલીય જ્ગ્યાઓ પર એનું હિંસક સ્વરૂપ પણ દેખાઇ ચુક્યું છે. મહારાષ્ટ્રમાં મરાઠી માનુષનું વિકારળ સ્વરૂપ દેખાઇ ચુક્યું છે. લુંગી હટાવોથી લઇને ભૈયા ભગાવો જેવા નારા આજે પણ લાગી રહ્યા છે. અસામ અને પશ્ચિમ બંગાળમાં નાગરિકતાને લઇને બબાલ છે. સમય આવી ચુક્યો છે કે બંધારણને ક્યાંક ફરીથી જીણવટ પૂર્વક જોઇને એમાં ફેરફાર કરવાનો. 
 - અનુપમ મિશ્ર 
- સંપાદન અને શબ્દાંકન : અજીત કાલરિયા

મિશન મંગલ ઘણું ઘણું બોલે છે.

મિશન મંગલ ઘણું ઘણું બોલે છે. 
=================== 




સૌથી વધુ સપના ક્યાં જોવાતા હોય છે ખબર છે મિત્રો ? વિકાશશીલ દેશમાં.... જ્યારે સંઘર્ષ પારાકાષ્ઠાએ હોય અને મન કંઇક કરી બતાવવા માટે સતત વલખા મારતું હોય ત્યારે કંઇક ઇનોવેટીવ, કંઇક ક્રિએટીવ બનતું હોય છે. અને આવું બને કેવી રીતે ? માત્ર એક સ્પાર્ક આપી જતો હોય છે એક વિરાટ પગલું ભરવાનો રસ્તો કે કોઇક ખૂટતી કળીનો જવાબ. હા, બીલકુલ એવી જ રીતે જેવી રીતે આર્કિમિડીઝને જવાબ મળ્યો અને યુરેકા- યુરેકાની બુમો પાડતો એથેન્સની સડકો પર કપડા વગર દોડયો હતો એમ જ. રાત્રે મિશન મંગલ (પહેલા જ દિવસે)જોવાનું આયોજન કરીને વડોદરા સિરામિક એશોસિયેશને(VSA) આઝાદીના 73માં પર્વને ઔર રંગીન બનાવી દીધુ. હા, આ ભારતની જીતની કહાની છે તો વૈજ્ઞાનિક બન્યા પછી પણ કરાતાં સંઘર્ષની ગાથા છે. કારણ કે એક સમયે એપ્રુવ થયેલ અને આપાયેલ બઝેટ ક્યાંક સરાકાર બદલાતા કેન્સલ પણ થઇ શકે છે તો નજીવી રકમના અભાવે આખો પ્રોજેક્ટ પડતો મુકવો પડે એવું પણ બની શકે છે. મંગળ પર કે ચંદ્ર પર યાન મોકલતી વખતે કોઇક ખૂણામાંથી અવાજ ઉઠાવીને કહી દેવાનું કે આ પૈસા ગરીબો પાછળ વાપર્યા હોત તો સારું થાત અને પાછા એની પાછળ હજારો એમ જ કોઇ પણ ઉદેશ્ય કે સમજ વગર ઘેટાની જેમ જ જોડાઇ જનારા લોકો વચ્ચે રસ્તો કરીને કામ કરવું પડે ત્યાં વૈજ્ઞાનિકો લાચાર એવી પરિસ્થિતિ પણ સર્જાઇ શકે! ભલે આ વાત પિકચરમાં નથી પણ લાગુ તો 100% પડે જ છે. આ કહાની છે અમેરિકન ડોલર સાથે રમતા NASA Vs ISRO ની, યુરોપના યુરો કે પાઉન્ડ સાથે રમતા European Space Agency Vs ISRO કે રશિયાના રૂબલ સાથે રમતા અને વર્ષોથી અમેરિકા સાથે રૅસ કરીને અમેરિકાના હંફાવતા ROSCOSMOS Vs ISRO ની.... જે હોય તે, જીવનમાં ups & down તો આવે પણ કેવી રીતે પોઝિટિવ રહેવું એ બાળકોને બતાવતી મસ્ત કહાની છે આ ફિલ્મ. જીવનમાં એક જ વિચાર એક જ ધ્યેયને વળગી રહો તો તમારા સપનાને પુરા કરવા સ્પાર્ક કયાંથી મળી શકે છે એની જુબાની આપતી મસ્ત કહાની છે. અનાયાસે આ મિશનને MOM (Mars Orbiter Mission ) એવું નામ આપાયું હતું બાકી આપણા ઋષિઓએ મંગળને કાયમ ભૂમિપુત્ર તરીકે જ ઓળખ્યો છે. અને કહ્યું પણ છે કે એ લાલ માટીનો ગ્રહ છે. જે હોય તે મિશન મંગલ એ એક જ જાટકે પહેલા જ પ્રયત્ને નાસા કરતાં 10 ગણા ઓછા બજેટમાં મંગળ ગ્રહ સુધી કુદકો મારનાર ભારતવર્ષની યશગાથા રજુ કરતું મુવી છે. ક્યાંય કશું જ હાઇપર નથી, ક્યાંય કશો જ દેખાડો નથી. વિચારો અને સ્પાર્કને બતાવીને એક જીતને રજુ કરતું ક્લાસ મુવી. આપણે વિજ્ઞાન નથી ભણ્યા અને એમાં આપણને કંઇ ખબર ન પડે એવા વિચારે બેસી ન રહેતા બધી જ ખબર પડે એવું સરળ સ્ક્રિપ્ટીંગ છે. અને સ્કૂલના બાળકો કે જેના સપના છે કે મારે વૈજ્ઞાનિક બનવું છે મારે ISRO કે NASAમાં જાવું છે એના સપનાને ઇંધણ આપતું સ્ક્રિનપ્લે છે સાચુ કહું હજુ પણ આવા મુવી બનવા જોઇએ એ જ ખીલવે છે બાળકમાં સપના અને વીસ વર્ષ પછી કોઇક વૈજ્ઞાનિક બનીને તમારી સામે કોઇ સિદ્ધી લઇને ઉભો હશે અને કહેશે કે મારા જીવનનો ટર્નિંગ પોઇન્ટ મુવી મિશન મંગલ કે બીજુ કોઇ હતું.... હા, આવા પિકચર બનાવવા માટે અઢળક મટેરિયલ છે. પણ કમી ક્યાંક સ્પોન્સર્સની છે તો ક્યાંક ત્યાં સુધી ન પહોંચ્યાની છે. મિત્ર આનંદ ઠાકરની માર્સ મિસ્ટ્રી પર સરસ મજાની નાના બળકોને મજા પડે એવી કાર્ટુન ફિલ્મ બની શકે તો મનીષાબેન પાનવાલા કે અભિમાન્યુ મોદીની સાઇન્સ ફિકસન પર પણ ફિલ્મ બની શકે એમ છે જ. ચાલો જે હોય તે અત્યારે તો ISRO ના એ કાબિલેદાદ વૈજ્ઞાનિકોને મિશન મંગલના માધ્યમથી જે સાલામ અપાઇ છે એનો આનંદ..

સોમવાર, 12 ઑગસ્ટ, 2019

શિવ અને શિવલિંગ (ભાગ-2)



પશ્ચિમના કોઇ વ્યક્તિએ શિવલિંગ શબ્દમાં રહેલા લિંગ શબ્દને પુરૂષના શિશ્ન સાથે સરખાવ્યું અને પોતાના અજ્ઞાનનો પરિચય આપ્યો ત્યારે એ ખરેખર પોતાનું અજ્ઞાન જ પ્રગટ કરે છે એમાં કોઇ બે મત નથી કારણ કે ભારતિય પરંપરાની અધ્યાત્મને લગતી તમામ વાતો અને જ્ઞાન સતત રજુ થયા છે આ દેશની મહાનતમ ભષા સંસ્કૃતમાં ! અને એ જ સંસ્કૃત ભાષામાં લિંગનો અર્થ થાય છે પ્રતિક. આ અર્થમાં ભોલેનાથ શંભુનું પ્રતિક એટલે શિવલિંગ.
આ પ્રતિક માટે ભગવાન શિવે ખુદ વરદાન આપતા એમ કહ્યું છે કે કોઇના મૃત્યુ પછી જો એની રાખને શિવલિંગ નીચે રાખવામાં(દફનાવી દેવામાં) આવશે તો એ કાયમ માટે કૈલાસધામમાં સ્થાન પામશે.
ભારતિય પરંપરામાં જીવની અને જીવનની શરૂઆત હિરણ્યગર્ભને ગણવામાં આવે છે. જેને જીવનનું એક એવું સૂત્ર ગણવામાં આવે છે જ્યાં જીવન કોઇના પણ સહારા વગર(કોઇપણ અંગના ઉપયોગ વગર) ઉત્પન થાય છે. અને એ પોતાને એકમાંથી બે અને બેમાંથી ચાર અને ચારમાંથી આઠ એમ આગળ વધે છે. અને આને જ તો કોઇપણ જીવની પાયાની મુખ્ય સંસ્કૃતિ ગણી શકાય કે રીત ગણી શકાય. આ શું છે ? તો વિજ્ઞાન કહે છે આ જ તો DNA છે. જે જીનેટિક કોડ સંગ્રહીને બેઠા છે. અને જે વારંવાર અનેક વખત પોતાને ફરીફરીને ઉત્પન કરીને ચોક્ક્સ પેઢીઓને ઉત્પન કરી શકે છે. DNA ને 1953માં વૈજ્ઞાનિક દ્વારા રજુ કરાયા. આજે તો કોમ્પ્યુટરની મદદથી DNA ના 3D મોડેલને સમજવું સહેલું છે છતાં સામાન્ય માણસ માટે તો DNAના સ્ટ્રકચરને આજે પણ સમજવું અઘરું છે.... પરંતુ આજ થી વર્ષો પહેલા શું ? આજથી 2000 – 3000 કે 5000 વર્ષ પહેલા કેવી રીતે સમજાયું ? અને આપણા પૂર્વજોએ આ DNA ને કેવી રીતે વર્ણવ્યા ? હજારો વર્ષ પહેલા આપણા ઋષિઓ એ સ્ટ્રકચરને રજુ કરતાં કહ્યું કે હેલિક્ષ આકારમાં એકબીજા સાથે એક ચોક્ક્સ પ્રકારના બંધથી બંધાઇને સર્પાકારે આગળ વધતી એ DNAની રચનાને પોતાની યોગ શક્તિ દ્વારા જોઇ હતી અને વર્ણવી હતી અને કહ્યું હતું કે આની શરૂઆત સૌ પ્રથમ ભગવાન શિવથી થઇ હતી.
આનું દર્શન ઋષિ આવી રીતે કરે છે કે... સૌ પ્રથમ પ્રજાપતિએ એક મોટો પર્વાતાકાર (ઇલિપ્ટીકલ) ઢગલો બનાવ્યો... કારણ કે જેમ કુંભાર કોઇ વાસણ ઘડતા પહેલા માટીના લોંદાને એક ચોક્ક્સ આકાર આપતા પહેલા ચાક્ડા પર એક મોટો અને ઉંચો આકાર વગરનો એક પર્વત આકારનો ઢગલો(પિંડ) બનાવે છે અને એમાંથી પછી એક આકાર પ્રમાણેનો ઘાટ આપીને ઘડે છે એમ જ સૌ પ્રથમ એક ચોક્ક્સ મોટો ઢગલો પહેલા રજુ થયો જે હકિકતમાં એક ઇલિપ્ટીકલ આકારમાં હતો અને ઋષીઓએ જોયું કે આ આકારની આસપાસ સર્પ વિંટળાયેલા હતા. જે આકાર અને પ્રકાર DNA ને રજુ કરે છે. જે હકિકતમાં પ્રતિકૃતિ હતી શિવલિંગની ! હા, આમ શિવલિંગ એ DNA ને રજુકરતી પ્રતિકૃતિ છે. પણ ખરેખર તો એમ કહેવું જોઇએ કે DNAની પ્રતિકૃતિ શિવલિંગ પરથી જ ડિરાઇવ થઇ છે. હા, ફરીથી વિચારી જુઓ કે એક ઇલિપ્ટીકલ આકારની આસપાસ બે સર્પ વિરૂદ્ધ દિશામાં વિંટળાઇને આગળ તરફ જઇ રહ્યા છે બસ આ જ વિઝન એમણે ત્યારે ધ્યાનમાં જોયું અને વર્ણવ્યું. અને કહ્યું કે આ જ મુખ્ય પાયાનું બંધારણ છે અને એમાંથી જ આ અખિલ બ્રહ્માંડનો ઉદભવ થયો છે. હા, શિવલિંગમાંથી જ ! અને આજે DNA ને વર્ણવતા વિજ્ઞાન એમ જ કહે છે કે DNA એ એટલું સૂક્ષ્મ છે કે એને નરી આંખે જોઇ શકાતું જ નથી અને જે પોતે જ પોતાનામાંથી ઉત્પન થાય છે. ટુંકમાં વિજ્ઞાનની શોધ સતત ઋષિના દર્શન શાસ્ત્ર તરફની જ.... હજુ પણ વધુ જાણો... લો....
વિજ્ઞાન કહે છે એમ સીધી સરળ ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે અણુ- પરમાણુઓના બંધારણને કારણે આ વિશ્વના ઉદભવની ઘટના ઘટી. બે પરમાણુઓ ભેગા થઇને એક અણુ બનાવે છે અને કંઇક નવું પ્રાપ્ત થાય છે. નેલ્સ બોહરે આ આખું વિજ્ઞાન સમજાવ્યું જેમાં એ કહે છે કે દરેક પરમાણુ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનો બનેલો છે. દરેક પરમાણુના કેન્દ્રમાં ધન ભાર ધરાવતો પ્રોટોન છે અને સાથે ભાર રહિત ન્યુટ્રોન છે. ઋણ ભાર ધરાવતા ઇલેકટ્રોન આ ન્યુક્લિઅસની આસપાસ ભ્રમણ કરે છે. અને આ જ દૃષ્ટિએ જો શિવલિંગને જોવામાં આવે તો વિષ્ણુએ ધનભારીત પ્રોટોન છે તો બ્રહ્માએ ઋણ ભારીત ઇલેકટ્રોન છે અને શિવ જે ઇલિપ્ટીકલ સ્વરૂપે શિવલિંગ પર સ્થાપિત છે એ કોઇપણ ભાર રહિત તટસ્થ સ્વરૂપે રહેલ ન્યુટ્રોન છે.
વિષ્ણુના સ્વરૂપને જોઇએ તો જોઇ શકાય છે કે વિષ્ણુની નાભીમાંથી એક કમળ નીકળે છે અને એ કમળ પર બ્રહ્મા વિરાજમાન છે એ કમળ શક્તિને દર્શાવે છે જે એક આકર્ષણથી સતત જોડાયેલું છે. કમળની દંડી નમેલી છે જે એની ફ્લેક્સીબીલીટી બતાવે છે જેના થકી એ વિષ્ણુની આસપાસ ભ્રમણ કરી શકે છે. જે બન્નેના અલગ અલગ ભાર હોવાથી સતત આકર્ષિત રહે છે એમ બતાવે છે. તો બીજી બાજુ ભાર રહિત પ્રોટોન જેટલો જ ન્યુટ્રોન ન્યુક્લિઅસમાં એને જકડીને રાખે છે. જ્યારે ન્યુક્લિઅસમાં પ્રોટોન જેટલા જ ન્યુટ્રોન હોય છે ત્યારે એ અણુ સ્થિર બને છે. બસ આ જ રીતે ઋષિએ કહ્યું કે જ્યાં સુધી શિવને એટલે કે ન્યુટ્રોનને હેરાન નથી કરાતા કે જુદા નથી કરાતા ત્યાં સુધી એ શાંત છે. શિવ શાંત છે કારણ કે ત્યાં શક્તિ રેણુકાના સ્વરૂપે સ્થાઇ થયેલ છે. રેણુકા પોતાનામાંથી ઉત્પન કરે છે એક રેણુને કે એક અણુને. જે એક શક્તિ કે એક ઉર્જા છે. આમ ઋષિએ શક્તિને શિવની પત્ની સ્વરૂપે દર્શાવી જે શિવના જ ભાગ સ્વરૂપે શિવની આસપાસ નૃત્ય કરે છે જ્યારે ન્યુટ્રોન અસ્થિર થાય છે ત્યારે કુદરતી આપત્તિ સર્જાય છે. જે શક્તિ રૂદ્રાણીના કાલી સ્વરૂપમાં પરિવર્તિત થાય છે. જે વિસર્જાનાત્કમ નૃત્યનો નિર્દેશ ગણાય છે. ન્યુટ્રોનના પ્રતાડનથી અનેક ગણી ઉર્જા પ્રાપ્ત કરી શકય છે એ વિજ્ઞાન સાબિત કરી ચુક્યુ જ છે.
આ છે ખરી શિવલિંગની પ્રતિકૃતિની સમજ અને એમાં જ છે સૃષ્ટિના સર્જન અને વિસર્જનનો ક્રમ. અણુ- પરમાણુની આ સંરચના જે શિવલિંગ માટે વર્ણવી એમાં શિવ ન્યુટ્રોન સ્વરૂપે છે અને જો ન્યુટ્રોન પર પ્રતાડન કરવામાં આવે તો કલ્પી ન શકાય એટલી ઉર્જાનો ધોધ વહે અને એટલે જ આ પ્રતાડનને રોકવા માટે શિવલિંગ પર સતત જલાભિષેક થતો હોય છે. લાગે છે ક્યાંક વિજ્ઞાન અને ધર્મ સાથે સાથે જાય છે. એવું જ છે ક્યાંક જોવાની દૃષ્ટિ જોઇએ તો ક્યાંક એને પામવાની મથામણ જોઇએ.
આમ શિવલિંગ એ માત્ર કોઇ પ્રતિક જ નથી. પણ એ તો એક સંદેશો આપે છે કે જે કુદરતના નાનામાં નાના અને અજાયબ કહી શકાય એવા અણુના સ્વરૂપને રજુ કરે છે.તો કોઇક રહસ્યમય વર્ણવી ન શકાય એવી શક્તિથી ભરપુર છે. આમ શિવલિંગ એ સૂક્ષ્મ અને વિશાળતાનું દર્શન આપતું ભગવાન શિવનું એક મહાનતમ પ્રતિક છે.

સોમવાર, 5 ઑગસ્ટ, 2019

શિવ અને શિવલિંગ....(ભાગ -1)


આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર દેશના શિવાલયોમાં ૐ નમ: શિવાયના અને હર-હર ભોલેનાથના નારાથી મંદિરના ગર્ભગૃહો ગુંજી ઉઠ્યા છે ત્યારે એ જ ભોલેનાથના પ્રતિક સમા શિવલિંગને આજે સાવારે જ્યારે હું રાજશ્રી સાથે નમન કરીને આવ્યો છું ત્યારે એની બે વાતો કરું. હા, એ શિવાલયોમાં રહેલ શિવલિંગને જ ક્યાંક રોમનો પ્રયાપાસ તરીકે ઓળખે છે. તો એ જ શિવલિંગ કે જેના અનેક અવશેષો એની પુજા સામગ્રી સાથે આજથી ઇ.સ.પ્રૂર્વે 3500- 2300 વર્ષ પહેલા રહેલી મોહેં-જો-દડો અને હડ્ડપ્પાની સંસ્કૃતિમાંથી(સિંધુ ખીણની સંસ્કૃતિ – કાલીબંગા અને એની આસપાસના વિસ્તારો) મળી આવેલ છે. હા એ જ શિવલિંગ કે જેમાંના કોઇક ને અર્જુને સ્થાપ્યું તો કોઇકને ભીમે સ્થાપ્યું અને એને પુજ્યું અને જે મહાભારતના સમયની આજે પણ સાક્ષી પુરે છે અને એને જ આજે આપણે પુજ્યે છીએ તો આવતીકાલે બીજી નવી પેઢી પુજશે. એ જ શિવલિંગ કે જે રાવણે પુજા કરી અને ભોળાનાથને રીઝવીને એના પ્રતિક સમા શિવલિંગને ઉંચકીને લઇ જતા નીચે મુકાયું અને ત્યાં જ રહી ગયેલ જ્યોર્તિલિંગ કે ચંદ્રએ શિવજીને પ્રશન્ન કરવા માટે પ્રભાસ પાટણમાં આરાધેલ સોમનાથનું જ્યોર્તિલિંગ અને દેશમાં જુદી જુદી જગ્યાએ આવેલા બાકી રહેલ 9 જ્યોર્તિલિંગ હોય કે સામન્ય શિવાલિંગ હોય બસ બધાની કહાની અલગ છે પણ આરાધ્ય દેવ, દેવાધિદેવ ભોલેનાથ શંકર, શિવ તો એક જ છે. શિવ તો સરળતાથી પામી શકાય અને પ્રશ્ન્ન કરી શકાય એવા દેવ છે. વધારે નહી માત્ર 300 -400 વર્ષ જુનો ઇતિહાસ જોઇએ તો પણ ભગવાન ભોળાનાથ પ્રશન્ન થયા હોય અને વરદાન આપ્યા હોય એવા અનેક ઐતિહાસિક સ્થળો મળી આવે. સૌરાષ્ટ્રમાં નાગેશ્વર, ભીમનાથ, જડેશ્વર કે તરણેતર જેવા અનેક મોટા સ્થાનકો આવેલા છે. મને તો એવું ચોક્ક્સ કહેવાનું મન થાય છે કે કદાચ આ દેવ સરળતાથી એની પૂજાથી પ્રાપ્ત કરી શકાય છે એની પાછળ એમના આ લિંગ સ્વરૂપ પ્રતિકની જ પૂજા કારણભૂત છે. દ્વાપરયુગમાં મહાભારત કાળમાં શિવજીએ પોતે પોતાના ભક્તોને કહ્યું કે કળિયુગમાં કોઇ વધારાના રૂપમાં હું પ્રગટ નહી થાવું પણ નિરાકાર અને સર્વવ્યાપી સ્વરૂપે જ હું રહીશ. અને એમનું આ પ્રતિક એટલે જ શિવલિંગ. ભગવાન શંકરના સ્વરૂપને પૂજવા માટે શિવલિંગ સ્થપાયું અને અનેક મંદિરોમાં ગામે ગામ એ સ્થાન પામ્યું અને અનેક પેઢીઓ અને દેશની પરંપરાને જીવતી રાખી. તો બીજી બાજુ શૈવ સંપ્રદાયમાં પ્રતિમાવિહિન સ્વરૂપની જે ચર્ચા કરવામાં આવી છે એમાં ત્રણ વાતોનો ઉલ્લેખ જોવા મળે છે. પરાશિવ એટલે ભગવાન શિવ શાશ્વત, નિરાકાર અને અનંત સ્વરૂપ છે એની વાત છે. જે શિવલિંગનો ઉલ્લેખ કરે છે તો બીજુ છે પરાશક્તિ. જેમાં સર્વોચ્ચ ઊર્જા એટલે કે શ્રેષ્ઠ શક્તિ, સર્વવ્યાપી શુદ્ધ ચેતના અને મૌલિક પદાર્થના સ્વરૂપે પરમાત્મા હાજર છે એની ચર્ચા છે. તો ત્રીજી વાત પરમેશ્વર જે આકાર સ્વરૂપ છે જેમ કે શિવ.
આ શિવલિંગ શબ્દમાં રહેલ લિંગ શબ્દને અનેક લોકોએ ક્યાંક અલગ જ અર્થમાં લીધો છે ત્યારે ચોક્ક્સ જાણાવવાનું મન થાય કે સંસ્કૃતમાં લિંગનો અર્થ પ્રતિક થાય છે. અને શિવલિંગ એટલે શિવનું પ્રતિક. હક્કિકતમાં તો આ શિવલિંગ બ્રહ્માંડનું પ્રતિક ગણાય છે. આ અર્થમાં લિંગ શબ્દને જો સંસ્કૃતભાષામાં જોવા જઇએ તો...
त आकाशे न विधन्ते (રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ લક્ષણો આકાશમાં નથી પરંતુ શબ્દ જ આકાશનો ગુણ છે.)
निष्क्रमणम् प्रवेशनमित्याकश स्य लिंगम् (જેમાંથી પ્રવેશ થઇ શકે અને નિકળી પણ શકાય એ લિંગ જ આકાશનો ગુણ છે.)
अपरस्मिन्नपरं युगपच्चिरं क्षिप्रमिति काललिङ्गानि । ( જેમાં પર, અપર, યુગપત, વિલમ્બ, ક્ષ્રિપ્રમ જેવા પ્રયોગ હોય છે એને કાળ કહે છે અને એ કાળ એ પોતે એક લિંગ છે.)
इत इदमिति यतस्यद्दिश्यं लिंगम । (જેમાં પૂર્વ-પશ્ચિમ, ઉતર- દક્ષિણ, ઉપર-નીચે જેવા પરિમાણો હોય છે એને જે દિશા કહેવાય અને એ બધી જ દિશાઓના લિંગ છે.)
इच्छाद्वेषप्रयत ्नसुखदुःखज्ञाना न्यात्मनो लिंगमिति (જેમાં રાગ, દ્વેષ, વેર, પુરુષાર્થ, સુખ, દુખ, જ્ઞાન જેવા ગુણ છે તે જીવાત્મા છે અને દરેક જીવાત્મા લિંગ છે.)
આમ શૂન્ય, આકાશ, અનંત, બ્રહ્માંડ અને નિરાકાર પરમપુરુષનું પ્રતિક હોવાના કારણે એને લિંગ/શિવલિંગ કહેવાયું. સ્કંધપુરાણમાં કહેવાયું છે આકાશ પોતે એક લિંગ છે અને ધરતી એની પીઠ અને આધાર છે. બ્રહ્માંડની દરેક વસ્તુ આ અનંત શૂન્યમાં જ ઉત્પન થઇ છે અને છેલ્લા એમાં જ ભળી જશે. આમ ગતિમાન બ્રહ્માંડની ધરીને શિવલિંગ કહેવામાં આવ્યું છે.
શિવપુરાણમાં આ જ લિંગને અગ્નિ સ્વરૂપે દર્શાવાયું છે તો અઢાર પુરાણોમાં ભગવાન મહેશ્વરની મહિમા દર્શાવતું વેદ વ્યાસ રચીત પુરાણ એટલે લિંગપુરાણ છે જેમાં યોગ અને કલ્પની વાત રજુ થઇ છે. આ જ શિવલિંગનો અર્થવવેદ અને બીજા કેટલાક ઉપનિષદોમાં કે બીજા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે જોઇએ તો ...
यस्य त्रयसि्ंत्रशद् देवा अग्डे. सर्वे समाहिताः । स्कम्भं तं ब्रूहि कतमः सि्वदेव सः ।। अथर्ववेद कांड 10 सूक्त 7 श्लोक 13
સ્તંભ વિશે મને કોણ બતાવી શકશે. .એ જ કે જેના શરીરમાં 33 દેવતાઓ બીરાજેલ છે.
पिण्डब्रह्माण्डयोरैक्यं लिङ्गसूत्रात्मनोरपि । स्वापाव्याकृतयोरैक्यं स्वप्रकाशचिदात्मनोः ॥योगकुण्डलिनी उपनिषद् 1.81
સમગ્ર સંસાર અને સૂક્ષ્મ જગત એક છે એ જ રીતે શિવલિંગ અને સૂત્રાત્મન, તત્વ અને રૂપ, ચિદાત્મા અને આત્મ-દિપ્તિમાન પ્રકાશ પણ એક જ છે.
स्कम्भो दाधार द्यावापृथिवी उभे इमे स्कम्भो दाधारोर्वन्तरिक्षम् । स्कम्भो दाधार प्रदिशः षडुर्वीः स्कम्भ इदं विश्वं भुवनमा विवेश ।। अथर्ववेद कांड 10 सूक्त 7 श्लोक 35
સ્તંભે ધરતી અને ધરતીના વાતાવરણને જાળવી રાખ્યું છે. સ્તંભે 6 દિશાઓને જાળવી રાખી છે અને આ સ્તંભ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયેલું છે.
तत्र द्वादशादित्या एकादश रुद्रा अष्टौ वसवः सप्त मुनयो ब्रह्मा नारदश्च पञ्च विनायका वीरेश्वरो रुद्रेश्वरोऽम्बिकेश्वरो गणेश्वरो नीलकण्ठेश्वरो विश्वेश्वरो गोपालेश्वरो भद्रेश्वर इत्यष्टावन्यानि लिङ्गानि चतुर्विंशतिर्भवन्ति ॥ गोपाला तापानी उपनिषद् श्लोक
બાર સૂર્યો , અગિયાર રૂદ્ર, આઠ વસુ, સાત ઋષિ, બ્રહ્મા, નારદ, પાંચ વિનાયક, વિરેશ્વર, રૂદ્રેશ્વર, અંબિકેશ્વર, ગણેશ્વર, નિલકંઠેશ્વર, વિશ્વેવર, ગોપાલેશ્વર, ભદ્રેશ્વર અને 24 બીજા શિવલિંગોનો અહીં વાસ છે.
તમીલ શાસ્ત્ર तिरुमंत्रम् માં શિવલિંગનો ઉલ્લેખ અનેક વખત થયો છે એન એમાં લખાયું છે કે શિવલિંગ એક જીવ છે પ્રકાશ આપનારો અનંત પ્રકાશનો સ્ત્રોત છે નહી કે ઇંદ્રિયોને ભ્રમિત કરનારો.
તો આ વાત આપણો હિંદુ શાસ્ત્રોમાં લખાયેલી છે. આ જ શિવલિંગના સ્વરૂપને જો શાંતિથી જોવો તો જણાશે કે શિવલિંગને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય. નીચેનો ભાગ જે ચારે બાજુએથી જમીન સાથે જોડાયેલ છે જેને બ્રહ્મા ગણવામાં આવે છે. વચ્ચેનો ભાગ જે આઠ બાજુઓનો છે જે મુખ્ય આધાર છે. જેને વિષ્ણુ ગણવામાં આવે છે. અને સૌથી ઉપરનો ઇલિપ્ટીક્લ ભાગ જે લગભગ એક ઇલિપ્સના પરિઘનો 1/3 જેટલો બહાર હોય છે જેને શિવ ગણવામાં આવે છે. આમ શિવલિંગ એ ત્રિદેવનું એક અનોખું પ્રતિક ગણી શકાય. તો બીજી બાજુ આ શિવલિંગને જ સર્જન અને વિસર્જનનું પ્રતિક માનવામાં આવે છે. શિવલિંગનો ઇલિપ્ટિકલ ભાગ બ્રહ્માંડને રજુ કરે છે. સ્કંધ પુરાણમાં પણ ઉલ્લેખ છે કે આ સમગ્ર બ્રહ્માંડ શિવલિંગના કેન્દ્રમાંથી ઉત્પન્ન થયું છે અને એમાં જ પાછું સમય આવ્યે વિલિન થઇ જાશે. શિવલિંગ મુખ્યત્વે ગ્રેનાઇટનું બનેલું હોય છે અને બીજું જે આપણા વૈદિક ઋષિઓ જાણતા હતા એમ પારાને બાંધીને બનાવેલ શિવલિંગ. પારાને બાંધવાની આ કળા ભારતવર્ષમાં સદીઓથી જાણીતી છે.
સાચુ કહું, હિમાલયની કંદરાઓમાં બર્ફાનીબાબા અમરનાથના સ્વરૂપની વાત હોય કે છેક છેવાડે સ્વયંમ રામ દ્વારા સ્થાપિત રામેશ્વરના જ્યોર્તિલિંગના સ્વરૂપની વાત હોય દરેક શિવલિંગ એક કથા અને અનેકની આસ્થાને સમાવીને બેઠું છે ત્યારે એમ કહીશ કે લિંગાષ્ટકમ હોય કે જ્યોર્તિલિંગ સ્તોત્ર કે માર્ગ સહાય લિંગ સ્તુતિ બધે જ શિવલિંગની પ્રસંશા થઇ છે અને એમાં ભગવાન પાસે આર્શિવાદ મંગાયા છે. ક્યાંક એમ પણ કહેવાયું છે શિવલિંગની પૂજાથી પ્રાપ્ત કરેલું પુણ્ય ત્યાગ, તપસ્યા, દાન કે તિર્થયાત્રાથી મળતા પુણ્ય કરતાં પણ ચઢિયાતું છે. આમ તો મને રાવણરચિત શિવતાંડવ સ્તોત્ર ગમતું હોય છે અને હું તો શ્રાવણ મહિનામાં એનો પાઠ કરું જ છું તમતામરે તમને ગમે તે કરો .... કરો જલાભિષેક, દુધનો અભિષેક અને બોલો ૐ નમ: શિવાય. કે હર હર ભોલે જય શંભુ.....

HAPPY FRIENDSHIP DAY. (5/08/2018)


અમે ધોરણ 8 - 9 માં ભણતા ત્યારે જે.ડી. પટેલ સર અમને કહેવા માટે કંઇકને કંઇક હંમેશા તૈયાર રાખતા... એમની બોલવાની રીત જાણે એક લય પકડતી અને અમે એક બહાવમાં વહી જતા એવું સતત લાગતું. ત્યારે તો કોઇ ફ્રેન્ડશીપ ડે જેવું કંઇ ઉજવાતું ન હોતું. પણ ત્યારે જે. ડી. પટેલ સર આદરણીય કવિ શ્રી સુરેશ દલાલે લખેલ મૈત્રીની વાત રજુ કરતા અને અંતમાં કુમુદબેન પટવાનો શૅર બોલતા ત્યારે અમને એવું લાગતું કે જાણે અમે કોઇ અલગ જ વિશ્વમાં પહોંચ્યા.... તો આજે ફ્રેન્ડશીપ ડે ના દિવસે જ્યાં જ્યાં મિત્ર શબ્દ સાથેનો સંબંધ છે તે બધાને સુરેશભાઇના આ શબ્દો સાથે Happy Friendship day !
મિત્ર અનેક પ્રકારના હોય છે. ક્ષણજીવી, ચિરંજીવી, તાત્કાલીક મૈત્રી હોય છે. સર્વકાલીન મૈત્રી હોય છે. ક્લાસમેટ હોય છે. ગ્લાસ્મેટ હોય છે. ધંધાદારી મિત્રો હોય છે. સ્વાર્થના મિત્રો હોય છે. સંતાકુકડી રમનારા મિત્રો હોય છે. હાથતાળી આપીને છુટીને છટકી જનારા મિત્રો હોય છે. મૈત્રીની ડંફાસ મારનારા મિત્રો હોય છે. આપણે સુખમાં હોઇએ ત્યારે આપણા આનંદના બગીચાના ઘાસ આળોટનારા મિત્રો હોય છે. મિત્રોનું ટોળું ન હોય, પરિચયો અનેક હોય. પરિચયોનું વર્તુળ મોતું હોય પણ આત્મીયતાનું કેન્દ્ર ક્યાંક કોઇકની સાથે જ હોય છે. મૈત્રી એટલે આત્મીયતા. આત્મીયતા હોય ત્યાં નિર્ભયતા હોય. નિર્ભયતા હોય એટલે વાત કરવાનો છોછ કે સંકોચ ન હોય. ખુલાસા આપવાના ન હોય. આ વાત ખનગી રાખજે એ કહેવાનું ન હોય. બંને વચ્ચે સમજણનો સુવર્ણસેતુ હોય. વાતમાંથી વાત નીકળતી જાય અને વાતનો અંત આવે નહી. તોળી તોળી બોલવાનું નહી. સહજ રીતે વર્તન કરવાનું. વાત કે વર્તનમાં સાવધ રહેવાનું નહી. વધ થવાની કોઇ બીક નહી. બન્ને વચ્ચે મૌન પણ હોય તો એ મૌન પણ બોલકું હોય. એમાં સંબંધના સૌંદર્યની ઉષ્મા અને સુષમા હોય. આ મૌન અકળાવનારું ન હોય. એ શાતા આપે, આનંદ આપે, હુંફ આપે, જીવનની હાંફને ઓછી કરે. તમે તમારા મિત્રને તમારી મુર્ખાઇની વાત પણ કરી શકો. મનભરીને હસી શકો અને છતાંયે હાંસીનો ભાવ ન રહે. એમ કહેવાય છે મિત્રો બે જ પ્રકારના હોય છે. એક પૃથ્વી પર સ્વર્ગનો અનુભવ આપે અને બીજો નરકનો અનુભવ આપે. મૈત્રીમાં ઉચનીચના ભાવ નથી હોતા. સાચાખોટાની મમત નથી હોતી. સારા ખરાબના હાંસીયા નથી હોતા. ગરીબ-શ્રીમંતનાં ખાનાઓ નથી હોતા. મળવા માટેનું કારણ કે બહાનાઓ નથી હોતાં. મળો કે મિલનયુગ શરૂ થાય. કેવળ વાતોના ફુવારા ઉડતા હોય. એ ફુવારાના છાંટાઓથી કોઇક નવી અપૂર્વ તાજગી પ્રાપ્ત થાય. ફુલ અને સુગંધથી જેમ વાતાવરણને પુલકિત અને સુરભિત કરી દે એવો કિમિયો મૈત્રીનો હોય છે. મિત્રના દોષ દેખાય તો કહેવાના હોય પણ ચોળવાના કે ચુંથવાના ન હોય. મિત્ર સાથે તમે પાગલની જેમ અસંખ્ય વાતો કરી શકો, મને ફાવે તે બોલી શકો.
મિત્રો શોધ્યા શોધાતા નથી. મિત્રી એક ઘટના છે રોમેરોમની રટના છે. કેટલાક છેવટના અને કાયમના મિત્રો હોય છે. મિત્રી એટલે સંબંધનું ઉપનિષદ. આપણને તરસ લાગે ત્યારે જળનું કામ કરે છે. આપણને ભૂખ લાગે ત્યારે ભાખરીનું કામ કરે છે. સુખમાં અને દુ:ખમાં આપણી પડખે રહીને આપણે જીવતા છીએ એની પ્રતિતી આપે એ મિત્ર. જે મૈત્રીના મૂળિયા ઉંડા હોય એ વૃક્ષ કોઇપણ મોસમમાં કાયમ માટે ટકી રહે.
“ આસુંઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે ? કહ્યા વિનાએ સધળુ સમજે એવા સગપણ ક્યાં છે ? “
મિત્રો કવિ શ્રી સુરેશ દલાલે કહેલી હજુ એક વાત કહેવાનું રોકી શકતો નથી જે મારા જીવનમાં મને ક્યાંક ઘણા અંશે સાચી પડતી જોવા મળી છે... “ મારી જન્મકુંડળીમાં મિત્રોનું સ્થાન ખુબ જ મજબુત છે. “ 
Once again Happy Friendship Day…..