શનિવાર, 4 સપ્ટેમ્બર, 2021

Nine Days of Navaratri




આ અનંત બ્રહ્માંડ જે રિધમમાં જે લયમાં વર્તુળાકારે ફરતું ફરતું આગળ ને આગળ વિસ્તરી રહ્યું છે એ જ લયમાં – એ જ વર્તુળાકાર દિશામાં ફરતાં ફરતાં માંની આરાધના કરવાનું પર્વ એટલી નવલી નવરાત્રિ. હિંદુ સંસ્કૃતિની આગવી ઓળખ એટલે આ નવરાત્રિના ગરબા ! આ ગરબામાં લય છે- તાલ છે- સંગીતની છોળો છે.  અને અનેરા જોમ અને જુસ્સા સાથે હાથમાં તાળીના ઠમકારા અને પગની ઠેસ સાથે ચોક્ક્સ સ્ટેપ છે  આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું આ મોજીલું પર્વ એટલે નવરાત્રિ !

આસુરી શક્તિનો નાશ કરવા જ્યારે માં દુર્ગામાંથી જે મુખ્ય ત્રણ સ્વરૂપોનું અવતરણ થયું એ મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી કહેવાઇ ! અને જ્યારે માં દુર્ગાના આ ત્રણ સ્વરૂપો ફરીથી બીજા ત્રણ સ્વરૂપોમાં આવિર્ભાવ પામે ત્યારે જે નવ શક્તિ ઉત્પન્ન થઇ એની આરાધનાનું પર્વ એટલે નવલી નવરાત્રિ ! આજે એ નવ શક્તિઓને થોડી સમજીએ અને થોડી આરાધીએ !

નવરાત્રિનો પહેલો દિવસ એટલે માં શૈલપુત્રીની આરાધનાનું પર્વ.

વંદે વાંચ્તિલાભાય ચંદ્રાર્ધકૃતશેખરામ |

વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રીં યશસ્વિનીમ ॥

 માં દુર્ગાનું પહેલું સ્વરૂપ તે શૈલપુત્રી ! હિમાલયને ત્યાં પુત્રીના રૂપે જન્મ લીધો એના કારણે નામ પડ્યું શૈલપુત્રી. એમનું વાહન વૃષભ  છે. એના કારણે આ દેવી વૃષારૂઢના નામથી પણ ઓળખાય છે. આ દેવીના જમણા હાથમાં ત્રીશુળ અને ડાબા હાથમાં કમળ હોય છે. આ દેવી સતીના નામથી પણ ઓળખાય છે.

એકવાર જ્યારે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો ત્યારે બધા દેવતાઓને આમંત્રણ આપ્યું પણ ભગવાન શંકરને ન બોલાવ્યા. અને જ્યારે સતી ઘરે પહોંચ્યા ત્યારે માત્ર માંએ જ એમને સ્નેહાદાર આપ્યો બીજા કોઇએ નહી. બહેનોના ભાવમાં પણ ક્યાંક વ્યંગ અને ઉપહાસ હતો. એટલું જ નહી પણ ભગવાન શંકર પ્રત્યે પણ એક તિરસ્કાર હતો. દક્ષે પણ અપમાનજનક શબ્દો કહ્યાં. અને સતી આ અપમાન સહન ન કરી શકી અને યોગાઅગ્નિ દ્વારા પોતાને સળગાવી દીધી. અને આના કારણે ભગવાન શંકરે એ યજ્ઞનો વિધ્વંશ કર્યો. અને એ જ સતી પછીના જન્મમાં શૈલરાજ હિમાલયની પુત્રીના રૂપે જન્મી અને શૈલપુત્રી કહેવાઇ. પાર્વતી અને હેમવતી પણ આ જ દેવીના નામ છે. અને શૈલપુત્રીના લગ્ન પણ ભગવાન શંકર સાથે જ થયા અને શૈલપુત્રી ભગવાન શંકરની અર્ધાંગીની બન્યા.

માં શૈલપુત્રીનું મહત્વ અને શક્તિ અનંત છે. માં શૈલપુત્રી એ ખરા અર્થમાં આ સમગ્ર સૃષ્ટિની પ્રકૃતિની અધિષ્ધાત્રી છે.

 

 

 

નવરાત્રિનો બીજો દિવસ એટલે માં બ્રહ્મચારીણીની આરાધનાનો દિવસ.

દધના કરપધ્માભ્યામક્ષમાલાકમળ્ડલૂ |

દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિળ્યનુત્તમા ॥

માં બ્રહ્મચારીણી કે જેના એક હાથમાં કમંડળ છે અને બીજા હાથમાં માળા છે. જે ભક્તિ અને પ્રેમનું પ્રતિક છે. જે જ્ઞાન અને શાણપણનો પર્યાય કહેવાય છે. અને એટલે જ માં બ્રહ્મચારીણીની પુજા અને આરાધનાથી જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તી થાય છે. બ્રહ્માચારીણીનો અર્થ તપનું આચરણ કરવાવાળી એવો થાય છે. માં બ્રહ્મચારીણીનું રૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અનંત ભવ્ય છે. બ્રહ્મનો અર્થ તપ એવો થાય છે એટલે બ્રહ્મ ચારીણીનો અર્થ તપને ધારણ કરનારી એવો થાય ! કેવું તપ ? તો આવો જોઇએ માં નો એ મહિમા !

હિમાલયના ઘરે પુત્રીના રૂપે જન્મ લીધો હતો. અને નારદજીના ઉપદેશથી પતિના રૂપમાં શંકર ભગવાનને પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એક હજાર વર્ષ સુધી માત્ર ફળ-ફૂલ ખાઇને જ વિતાવ્યા. બીજા એક હજાર વર્ષ માત્ર પાંદડાવાળા શાકભાજી પર જ વિતાવ્યા !  તો ત્રણ હજાર વર્ષો સુધી તુટેલા બિલ્લીના પત્ર ખાઇને જ ભગવાન શંકરની આરાધના કરતી રહી. ત્યાર બાદ તો એમણે બિલ્લીના પત્ર પણ ખાવાના છોડી દીધા અને નિર્જલ અને નિરાહાર રહીને જ તપસ્યા કરતી રહી એટલે જ આ દેવીનું નામ અપર્ણા એવું પણ પડી ગ્યું. આવી કઠોર તપસ્યા જોઇને દેવતા, ઋષિ, સિદ્ધગણ, મુનિ સૌએ કહ્યું આવી કઠોર તપસ્યા તો માત્ર ને માત્ર દેવી તમારાથી જ થઇ શકે ! અને માં એ જ્યાં સુધી શંકર ભગવાન પોતે ન આવ્યા ત્યાં સુધી આ તપસ્યા ચાલું જ રાખી.  અને આ તપસ્યાના કારણે જ એમને તપશ્ચારીણી એટલે કે બ્રહ્મચારીણીના નામથી જ ઓળખવામાં આવી.

માં બ્રહ્મચારીણીની આરાધના થકી આપણામાં ત્યાગ, તપસ્યા, વિરાગ, નૈતિક આચરણ અને સંયમ જેવા ગુણો આવિર્ભાવ પામે છે. માંની આરાધના થકી મનુષ્ય ગમે તેવી કપરી પરિસ્થિતીમાં પણ પોતાના પથ પરથી ચલાયમાન થતો નથી. માંની કૃપા થકી મનુષ્ય હંમેશા સફળતા પામે છે.

 

 

 

 

 

નવરાત્રીનો ત્રીજો દિવસ એટલે માં ચંદ્રઘંટાની આરાધનાનો દિવસ !

પિળ્ડજપ્રવરારૂઢા ચળ્ડકોપાસ્ત્રકેર્યુતા |

પ્રસાદં તનુતે મહ્યાં ચંદ્રઘળ્ટેતિ વિશ્રુતા ॥

માં ચંદ્રઘંટાનું સ્વરૂપ તપેલા સોના જેવું ચળકતું છે. એમનો ચહેરો શાંત અને સૌમ્ય છે. અને મુખ પર સૂર્યમંડલની આભા ચમકી રહી હોય છે. માં ના માથા પર અડધો ચંદ્ર છે જે એક ઘંટની જેમ દિશી રહ્યો છે એટલે જ દેવીનું નામ ચંદ્રઘંટા છે. માં ચંદ્રઘંટા સિંહ પર સવાર હોય છે અને પોતાના દસ હાથમાં દશ આયુધો ધારણ કરેલા હોય છે. અખૂટ જ્ઞાન અને પરમઆનંદનો પર્યાય એટલે માં ચંદ્રઘંટા ! 

દેવો અને અસુરો વચ્ચે એક સમયે લાંબી લડાઇ ચાલી ! અસુરોનો સ્વામી મહિષાસુર હતો અને દેવતાઓનો ઇન્દ્ર ! મહિષસુરે દેવતાઓ પર વિજય મેળવી સિંહાસન પ્રાપ્ત કરી લીધું અને સ્વર્ગ લોકમાં રાજ કરવા લાગ્યો. અને બધા દેવતાઓ મળીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે ગયા. વાત સાંભળીને ત્રણેયને અત્યંત ક્રોધ આવ્યો અને ત્રણેયના મુખમાંથી અગ્નિ ઉત્પન્ન થઇ. અને ઉપસ્થિત દેવગણોના શરીરમાંથી નિકળેલી ઉર્જા પણ એમાં ભળી ગઇ અને દશે દિશાઓમાં એ વ્યાપત થઇ ઉઠી. અને ત્યાં જ એક દેવીનું અવતરણ થયું. ભગવાન શંકરે દેવીને ત્રિશુળ અને વિષ્ણુએ ચક્ર પ્રદાન કર્યુ. અને આવી જ રીતે બીજા દેવી દેવતાઓ એ પણ અસ્ત્ર- શસ્ત્ર પ્રદાન કર્યા. ઇન્દ્રએ પણ પોતાનું વજ્ર અને એરાવત હાથી પરથી ઉતરીને એક ઘંટ પ્રદાન કર્યો. સૂર્યએ પોતાનું તેજ અને તલવાર આપી અને સવારી માટે સિંહ આપ્યો. મહિષાસુર વધ માટે દેવી હવે સજ્જ હતી. અને એમને જોઇને જ મહિષાસુર સમજી ગયો કે હવે પોતાનો અંત આવી ગયો છે. અને દેવીએ એક જ જાટકામાં દાનવોનો સંહાર કરી દીધો. મહિષાસુરની સાથે સાથે અનેક અસુરોનો પણ નાશ થયો અને આમ, મા ચંદ્રઘંટાએ દેવતાઓને અભયદાન આપ્યું.

 

માં ચંદ્રઘંટા-  દેવગણ, સંતો અને ભક્તોના મનને સંતોષ અને પ્રસન્નતા પ્રદાન કરે છે. માં ચંદ્રઘંટાની આરાધનાથી વિરતા અને નિર્ભયતાની સાથે સાથે સૌમ્યતા અને વિનમ્રતાનો પણ વિકાસ થાય છે. માં ચંદ્રઘંટાની પૂજા કરવાથી બધા જ પાપ નાશ પામે છે અને જન્મો-જન્મનો ડર પુરો થઇ જાય છે. અને નિર્ભય બની જવાય છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નવરાત્રિનો ચોથો દિવસ એટલે માં કુષ્માંડાની આરાધનાનો દિવસ.

સુરાસમ્પૂર્ણકલશં રૂધિરાપ્લુતમેવ ચ |

દધાના હસ્તપદ્માભ્યાં કુષ્માંડા શુભદાસ્તુ મે ॥

પોતાની મંદ હસીથી અંડ એટલે કે બ્રહ્માંડને ઉત્પન્ન કર્યુ હતું એટલે દેવીનું નામ કુષ્માંડા પડ્યું. કુ નો અર્થ થાય છે નાનું અને ઉષ્માનો અર્થ હૂંફાળું અને અંડા એટલે કોસ્મિક ઇંડુ આ અર્થમાં આ સમગ્ર બ્રહ્માંડને ઉત્પન્ન કરનારી માં એટલે કુષ્માંડા.

માં કુષ્માંડાને આઠ હાથ છે. એટલે એ અષ્ઠભુજાના નામે પણ પુજાય છે. એમના એ આઠ હાથમાં ક્રમશ: કમંડલ, ધનુષ, બાણ, કમળ-પુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર તથા ગદા છે. અને આઠમા હાથમાં બધી જ સિદ્ધીઓ અને નિધિયો આપનારી માળા છે. માં કુષ્માંડાનું વાહન સિંહ છે.

પૌરાણીક કથા અનુસાર જ્યારે સૃષ્ટિ ન હતી. ચારે બાજુ માત્ર ને માત્ર અંધકાર હતો ત્યારે દેવીએ પોતાના ઇષત હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. એટલે જ એમને સૃષ્ટિની આદિસ્વરૂપા કે આદિશક્તિ પણ કહેવાય છે. આ દેવીનો વાસ સૂર્યલોકની અંદર આવેલા લોકમાં છે. સૂર્યલોકમાં રહેવાની શક્તિ માત્રને માત્ર આ દેવીની જ છે. એટલે જ એમના શરીરની કાંતિ અને પ્રભા સૂર્યની જેમ જ તેજસ્વી છે.

માં કુષ્માંડાની આરાધનાથી જીવનમાં સુગમતા અને પરમ પદ પ્રાપ્ત થાય છે અને આધિ વ્યાધિથી મુક્તિ મળે છે. સાથે સાથે સુખ-સમૃદ્ધિ અને ઉન્નતિ પ્રદાન થાય છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નવરાત્રીનો પાંચમો દિવસ એટલે સ્કંદમાતાની આરાધનાનો  દિવસ !

 

સિંહાસનગતા નિત્યાં પદ્માશ્રિતકરદ્વયા |

શુભદાસ્તુ સદા દેવી સ્કંદમાતા યશસ્વિની ॥

સ્કંદમાતાના રૂપનું સૌંદર્ય અદ્વિતિય આભા વાળા સફેદ વર્ણનું છે. સકંદમાતા વાત્સલ્યની મૂર્તિ છે. સંતાનની પ્રાપ્તિ માટે સ્કંદમાતાની પૂજા કરાતી હોય છે. પહાડમાં રહી સાંસારિક જીવોમાં નવચેતનાનું નિર્માણ કરવા વાળી માતા એટલે સ્કંદમાતા ! એમ કહેવાય છે કે સ્કંદમાતાની કૃપા હોય તો મૂઢ પણ જ્ઞાની બની જાય છે.

સ્કંદ કુમાર કાર્તિકેયની માતા હોવાને કારણે દેવીને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. સ્કંદમાતાને ચાર હાથ છે. જમણી બાજુ નીચે તરફ આવેલા હાથમાં સ્કંદને ખોળામાં રાખેલો છે. જ્યારે ઉપર આવેલા બીજા હાથમાં કમળનું પુષ્પ ધારણ કરેલું છે. ડાબી બાજુ ઉપર તરફના હાથ આશિર્વાદ મુદ્રામાં છે જ્યારે નીચે આવેલ બીજા હાથમાં કમળનું પુષ્પ છે. સ્કંદમાતા કમળરૂપી આસન પર બીરાજેલ હોય છે. એટલે એમને પદ્માસના તરીકે પણ બોલાવાય છે. સ્કંદમાતાનું વાહન સિંહ છે.

કુમાર કાર્તિકેયની રક્ષા માટે જ્યારે માતા પાર્વતી ક્રોધિત થઇને આદિશક્તિના રૂપમાં પ્રગટ થયા ત્યારે ઇન્દ્ર પણ ભયથી ધ્રુજવા લાગ્યા હતા. ઇંન્દ્ર પોતાના પ્રાણ બચાવવા દેવી સામે ક્ષમા યાચના કરવા લાગ્યા. કુમાર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે એટલે માતાને મનાવવા ઇન્દ્ર સહિત સૌ દેવતાઓ સ્કંદમાતાના નામથી દેવીની સ્તુતિ કરવા લાગ્યા અને એ જ રૂપમાં એમનું પૂજન પણ કર્યું અને આ સમયથી જ દેવી પોતાના પાંચમા સ્વરૂપમાં સ્કંદમાતાના રૂપે જ ઓળખાવવા લાગી.

સ્કંદમાતા વિદ્વાનો અને સેવકોને ઉત્પન્ન કરવા વાળી શક્તિ છે.  ચેતનાને નિર્માણ કરનારી માં એ સ્કંદમાતા છે. એમ કહેવાય છે કે કાલિદાસ દ્વારા રચિત રઘુવંશમ અને મહાકાવ્ય મેઘદૂત સ્કંદમાતાની કૃપાથી જ શક્ય બન્યા હતાં.

 

 સ્કંદમાતાની આરાધના થકી મનુષ્ય પોતાની બધી જ ઇચ્છઓને ફળીભુત કરી ઉઠે છે. માંની ભક્તિ થકી મનુષ્ય આપોઆપ મુક્તિના અમોઘ દ્વાર ખોલી ઉઠે છે.

 

 

 

 

નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે માં કાત્યાયની ની આરાધનાનો દિવસ !

 

ચંદ્રહાસોજ્જ્વલ્કરા શાર્દૂલવર્વાહના |

કાયાયની શુભં દધાદેવી દાનવધાતિની ॥

મા કાત્યાયનીની ચાર ભુજાઓ છે. જમણી તરફનો ઉપરનો હાથ અભયમુદ્રામાં છે જ્યારે નીચે તરફનો હાથ આશિર્વાદની મુદ્રામાં છે. ડાબી  તરફ ઉપરની ભુજામાં તલવાર છે જ્યારે નીચે તરફની ભુજામાં કમળનું ફૂલ છે. કાત્યાયની દેવીનું વાહન સિંહ છે. એમનું સ્વરૂપ એકદમ ભવ્ય અને દિવ્ય છે.

 

કાત્ય ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયને ભગવતી પરામ્બાની ઉપાસના કરી હતી. માત્ર ઉપાસના જ નહી પણ કઠોર તપસ્યા કરી હતી. એમની ઇચ્છા હતી કે એમને એક પુત્રી પ્રાપ્ત થાય. માં ભગવતીએ એમના ઘરે પુત્રીના રૂપે જન્મ લીધો. એટલે આ દેવી કાત્યત્યની તરીકે ઓળખાઇ. માં કાત્યાયનીનો ગુણ શોધનો છે. એટલે આ વૈજ્ઞાનિક યુગમાં માં કાત્યાયની દેવીનું ખુબ જ મહત્વ છે. ત્યારે આજે અહીંથી દેવીને આરાધના કરીને વિનવણી કરું છું કે હે, માં – હે કાત્યાયની દેવી આ જગતને કોરોના રૂપી અદ્દ્ર્શ્ય શત્રુના ભરડામાંથી ઉગારી લેવા જગતના કોઇક ખૂણે કોઇક વૈજ્ઞાનિકને એક યુરેકા મોમેન્ટ આપ અને અમારા સૌનું કલ્યાણ કર ! આ દેવી વૈધનાથ નામની જગ્યાએ પ્રગટ થઇ અને ત્યાં જ પુજાઇ ! ભગવાન કૃષ્ણને પતિ રૂપે પામવા માટે વ્રજની ગોપીએ મા કાત્યાયનીની જ પૂજા કરી હતી. આ પૂજા કાલિંદી યમુનાના તટ પર જ કરાઇ હતી. એટલે એ બ્રજમંડલની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં એ પ્રતિષ્ઠિત છે. માં કાત્યાયની શત્રુહંતા છે એટલે એમની પુજા કરવાથી શત્રુઓ પરાજિત થાય છે. કાત્યાયની દેવીની આરાધનાથી સરળતાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેયની પ્રાપ્તિ થતી હોય છે. ભક્તના રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થઇ જતાં હોય છે. અને પરમ પદની પ્રાપ્તિ થતી હોય છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નવરાત્રિનો સાતમો દિવસ એટલે માં કાલરાત્રિની આરાધનાનો દિવસ !

એકવેણી જપકર્ણપૂરા નગ્ના ખરાસ્થિતા |

લમ્બોષ્ઠી કર્ણિકાકર્ણી તૈલાભ્યક્તશરીરિણી ॥

વામ્પાદોલ્લસલ્લોહલતાકળ્ટકભૂષણા |

વર્ધનમૂર્ધદ્વજા કૃષ્ણા કાલરાત્રિર્ભયંકરી ॥

 

જેવું એમનું નામ છે એવું જ એમનું રૂપ છે. માંનો વર્ણ કાળો છે. હા, અમાસની રાતથી પણ કાળી લાગે છે માં જેને જોઇને જ ભૂત પ્રેત ભાગી જાય છે. માં કાલરાત્રિને ત્રણ નેત્રો છે. આ ત્રણે નેત્રો બ્રહ્માંડની જેમ ગોળ છે. એમના શ્વાસમાંથી અગ્નિ નિકળ્યા જ કરે છે. માં નું વાહન ગર્દભ છે. ઉપર તરફ ઉઠેલો જમણો હાથ આશિર્વાદની મુદ્રામાં છે જ્યારે બીજા હાથ અભયમુદ્રામાં છે અને ડાબી તરફના એક હાથ માં લોખંડનો કાંટો છે.  જ્યારે બીજા હાથમાં ખડગ છે. માથાના વાળ વિખરાયેલા છે. અને ગળામાં વિદ્યુતની જેમ ચમકતી માળા છે. 

શંભુ-નિશંભુ અને રક્તબીજ આ ત્રણેય દૈત્યોએ ત્રણે લોકમાં હાહાકાર મચાવી રાખ્યો હતો. એનાથી ચિંતીત સૌ દેવતાગણ શિવજી પાસે ગયા અને શિવજીએ દેવી પાર્વતીને આ રાક્ષસોનો વધ કરીને પોતાના ભક્તોની રક્ષા કરવા કહ્યું. શિવજીની વાત સાંભળીને પાર્વતીજીએ દુર્ગાનું સ્વરૂપ ધારણ કર્યું અને શંભુ-નિશંભુનો વધ કર્યો. પરંતુ જેવું દુર્ગાજી એ રક્તબીજની માર્યો કે તરત જ એના શરીરમાંથી નિકળતા રક્તથી બીજા લાખો રક્તબીજ ઉત્પન્ન થઇ ગયા. અને આ જોઇને દુર્ગા માં એ પોતાના તેજથી કાલરાત્રીને ઉત્પન્ન કરી ! અને પછી જ્યારે માં દુર્ગાએ રક્તબીજને માર્યો ત્યારે એના શરીરમાંથી નિકળતા રક્તને માં કાલરાત્રિ પોતાના મુખમાં લેતા ગયા અને બધાને મારીને રક્તબીજનો વધ કર્યો.

માં કાલરાત્રિનું રૂપ ભલે ભયંકર લાગતું હોય પણ માં કાલરાત્રિ હંમેશા શુભ ફળ આપનારી ગણાય છે. અને એટલે જ માં કાલરાત્રિને શુભંકરી પણ કહેવાય છે. માં કાલરાત્રિની ઉપાસનાથી બ્રહ્માંડની બધી જ સિદ્ધીઓના દરવાજા ખૂલી જતાં હોય છે અને એમના નામના ઉચ્ચારણ માત્રથી આસુરી શક્તિઓ ભયભીત થઇને દૂર ભાગે છે. ટુંકમાં અંધકારમયી સ્થિતીનો વિનાશ કરવા વાળી શક્તિ એટલે માં કાલરાત્રિ ! બધા જ પ્રકારના ભયથી મુક્તિ અપાવનારી માં એટલે માં કાલરાત્રિ ! પોતાના ભક્તોને પરમ શાંતિ અને હિંમત પ્રદાન કરનારી માં એટલે માં કાલરાત્રિ ! હંમેશા આસુરી શક્તિને નાશ કરનારી માંને સત સત વંદન !

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નવરાત્રિનો આઠમો દિવસ એટલે માં મહાગૌરીની આરાધનાનો દિવસ !

 

શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતામ્બરધરા શુચિ: |

મહાગૌરી શુભં દધાન્મહાદેવપ્રમોદયા ॥

નામ જ બતાવે છે કે માંનું રૂપ ગૌર (સફેદ) છે. એમની ઉપમા શંખ, ચંદ્ર, અને કુંદના ફૂલથી અપાઇ છે. અમોઘ ફલદાયિની છે માં મહાગૌરી ! મહાગૌરીનું સ્વરૂપ શાંત છે.

અષ્ટ વર્ષા ભવેદ ગૌરી એટલે એમની આયુ આઠ વર્ષની મનાઇ છે. એમના બધા જ આભૂષણ અને વસ્ત્ર સફેદ છે. એટલે એમને શ્વેતામંબરધરા પણ કહેવાય છે. ચાર ભુજાઓ છે અને વાહન વૃષભ છે. એમનો ઉપર તરફનો જમણો હાથ અભયમુદ્રામાં છે જ્યારે નીચેના હાથમાં ત્રિશૂળ ધારણ કરેલું છે. ઉપરવાળા ડાબા હાથમાં ડમરૂ ધારણ કરેલું છે જ્યારે નીચે વાળો હાથ આશિર્વાદ મુદ્દ્રામાં છે.

પતિરૂપમાં શિવને પ્રાપ્ત કરવા મહાગૌરીએ કઠોર તપસ્યા કરી હતી જેના કારણે એમનું શરીર કાળું પડી ગયું હતું પરંતુ એમની તપસ્યાથી પ્રસ્નન થઇને ભગવાન શિવજી એ એમના શરીરને ગંગાના પવિત્ર જળથી ધોઇને કાંતિમય બનાવી દીધું. અને એમનું રૂપ ગૌર વર્ણનું થઇ ગયું. એટલે જ એ મહાગૌરી કહેવાઇ.

 

મહાગૌરીની કૃપાથી અલૌકિક સિદ્ધીઓ પ્રાપ્ત થતી હોય છે. આઠમા દિવસની પૂજા અષ્ઠમી તરીકે ઓળખાતી હોય છે. અને આ પૂજા તરત જ ફળ આપનારી ગણાય છે. અને જ્યારે મંદિરમાં કે પૂજા સ્થાનની સામે માંની ખરા દિલથી આરાધના થાય છે ત્યારે માં અંબા, કાલિકા કે બહુચરાજી જેવા રૂપમાં પણ હોય છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નવરાત્રિનો નવમો દિવસ એટલે સિદ્ધદાત્રીની આરાધનાનો દિવસ !

 

યા દેવી સર્વભૂતેષુ સિદ્ધિદાત્રી રૂપેણ સંસ્થિતા |

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ : ॥

માં સિદ્ધદાત્રી ચાર ભુજાઓ વાળી છે. એમનું વાહન સિંહ છે. અને કમળના પુષ્પ પર બિરાજમાન છે. એમના જમણા નીચેના હાથમાં ચક્ર છે જ્યારે બીજા હાથમાં ગદા છે. એમના ડાબા નીચેના હાથમાં શંખ છે જ્યારે બીજા હાથમાં કમળનું પુષ્પ છે.

માં સિદ્ધદાત્રી બધા જ પ્રકારની સિદ્ધી આપનારી છે.

અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ એ આઠેય સિદ્ધિઓ માં સિદ્ધદાત્રીની આરાધનાથી પ્રાપ્ત થતી હોય છે. દેવીપુરાણમાં કહેવાયું છે કે શિવજીએ એમની કૃપાથી જ આ સિદ્ધીઓ પ્રાપ્ત કરી હતી. અને એના જ કારણે તેઓ અર્ધનારીશ્વર તરીકે પ્રસિદ્ધ થયા.

માં સિદ્ધદાત્રી લૌકિક, પરલૌકિક અને બધા જ પ્રકારની કામનાઓની પૂર્તિ કરનારી માં છે.

 

 

 

 

 

 

શુક્રવાર, 27 ઑગસ્ટ, 2021




પ્રિય પુત્ર કંજ,
જન્મદિવસની અઢળક
શુભેચ્છાઓ
! આજે જ્યારે તું 14માં વર્ષમાં પ્રવેશી રહ્યો છો ત્યારે હું ચોક્ક્સ કહીશ કે છેલ્લા એક વર્ષમાં તારામાં ચોક્ક્સ પ્રકારના ઇન્ટરેસ્ટને વિકસતો જોયો છે. તારી ગમતી બાજુ તરફ તું ઢળતો થયો છો અને એના પર વિચારતો પણ થયો છો. તારામાં એક કિલર ઇન્સટીંગ્સને ઉગતું પણ મેં માણ્યું છે. તારી ટેલેન્ટનો પરચો તો તું ક્યારેક આપી દેતો હોય છે. પણ સેન્સ ઓફ હ્યુમરનો તો તું બાદશાહ છો. તારી જાતને સતત આવી જ રીતે ક્યાંકને ક્યાંક ઇનવોલ્વ રાખજે ! અને તારી પોતિકી કહી શકાય એવી Absolute uniqueness ને કોઇપણ ભોગે છોડતો નહી એમાંથી જ ક્યાંક કંઇક સર્જનનો રસ્તો નિકળશે. આ જ રીતે જાતને સતત નર્ચર કરતા રહેવાનું એ જ જીવન છે અને એ જ જાગૃકતા છે. મારા teenager બચ્ચા અત્યાર સુધી તું ખુબ જ સરસ રીતે ખીલ્યો છો બસ, આમ જ ખીલતા રહેવાનું અને મહેકતા રહેવાનું ! બાકી તને ખબર જ છે ને કે બ્રહ્માના હજાર નામમાં એક નામ કંજ છે. બ્રહ્મા એટલે સર્જનના દેવ, તો આપણે પણ કંઇક નવું સર્જન કરવાનું અને આ દુનિયાના અનેક રહસ્યો જે ચત્તા થવાના બાકી છે એને પામવા માટે મથ્યા કરવાનું ! ક્યાંક કોઇક યુરેકા મોમેન્ટ આવે ત્યાં સુધી મંડ્યા રહેવાનું !
The Nile, The Silk road, Deep Time History, The Story of Wales , Hot roads, The Nazi secret weapons, The story of Electricity, Faster, Magic numbers કે Out of Cradle જેવી સાયન્સ, ઐતિહાસિક કે મેથ્સ સાથે સંકળાયેલ ડૉક્યુમેન્ટરીઝ જોયા બાદ તે પુછેલા અનેક પ્રશ્નો કે કરેલી ચર્ચાએ મને જે આનંદ અપ્યો છે એ કાયમ શબ્દાતીત રહ્યો છે. તારા આ ક્યુરીયસ માઇન્ડને કાયમ આવું જ ક્યુરીયસ રાખજે. ક્યાંક કંઇક નવું જાણી લેવાનું અને પ્રશ્નો પુછી લેવાની તારામાં જે અધીરાઇ છે એને કાયમ જાળવી રાખજે ! એ જ તને હંમેશા અપડેટ રાખશે !
આજે તું 14 વર્ષના પડાવ પર છો ત્યારે આ ઉંમરે કેટલાક નવલોહિયાઓએ જે કમાલ કરી હતી એની થોડી વાતો કરું. એમાંથી પ્રેરણા લેજે અને તારા સપના તું તારી પાંખ ફેલાવીને પુરા કરજે !
કારમાં બાળક ભૂલથી રહી જાય અને પેરેન્ટસ નીકળી પડે એ વાત ફોરેઇનમાં ક્યારેક સામન્ય બની જતી હોય છે. આ ભૂલ ક્યાંક અજાણતા થઇ જતી હોય છે અને એમાં ક્યારેક એ બાળક પોતાનો જીવ પણ ખોઇ દેતું હોય છે. Alissa Chavez ને આ વાત હચમચાવી મુકતી અને એ ત્રુટીને દુર કરવા Hot Seat નામનો વિચાર કર્યો અને એને અમલમાં મુક્યો – એક નાનું ઓશિકું સેન્સર સાથે બાનવી નાખ્યું જેને પેરેન્ટસના સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી દીધું અને જો પેરેન્ટસ 20 ફૂટ કરતાં વધારે દૂર જાય તો અલાર્મ વાગે અને બેબી કારમાં છે એ વાત યાદ અપાવે ! 2014 માં 14 વર્ષની ઉંમરે Alissa Chavez એ આ કમાલ કરી. તો Sarah Buckel નામની સ્કૂલમાં ભણતી એક 14 વર્ષની છોકરીએ 2006 માં સ્કૂલના પોતાના લોકરને ડેકોરેટ કરવા ઘરમાં જ બેસીને Magnetic Locker Wallpaper બનાવી નાખ્યું. જ્યારે એણે આ વિચાર એના પપ્પાને કહ્યો ત્યારે જે બે ત્રણ વસ્તુ ખૂટતી હતી એ અરેન્જ કરી આપી અને આ દુનિયામાં એક નવી જ પ્રોડક્ટ લોન્ચ થઇ ! જે એક અદભુત આવિસ્કાર ગણી શકાય. અને માત્ર એક વર્ષમાં Sarah Buckel એ એમાંથી 1 મિલિયન ડોલરનો ધંધો પણ કરી લીધો.
ટેલિવિઝનનો જનક Philo Farnsworth ગણાય છે 14 વર્ષની ઉંમરે એ પોતાના ખેતરમાં બટેટાની ખેતી કરી રહ્યો હતો ત્યારે ચાસમાં ઉગેલા ઘાંસને જોઇને એક વિચાર આવી ગયો અને એને capturing light in a bottle નામ આપી દીધું અને પાછળથી ટેલિવિઝનની શોધ થઇ એમાં એ યુરેકા મોમેન્ટ ખૂબ જ મહત્વની સાબિત થઇ હતી.
ભારતની Remya Jose જ્યારે 14 વર્ષની હતી ત્યારે એની મમા બીમાર પડી અને કપડા ધોવાનું એને કહેવામાં આવ્યું. નદી કિનારે જઇને કપડા ધોવા અને સમય બગાડવો એ આ છોકરીને મંજૂર ન હતું. એણે ભંગારવાળી સાયકલના પાર્ટસ ભેગા કર્યા અને પેડલ લગાવીને મશીન ચાલે અને કપડા ધોવાઇ જાય અને એ પણ ઇલેક્ટ્રીસીટી વગર એવું મશીન બનાવી લીધું. 14 વર્ષની Remya Jose એ સાબિત કરી બતાવ્યું કે Necessity is the mother of Invention.
11 વર્ષની ઉંમરે બેટ પકડનાર સચીન ટેન્ડુલકરે 14 વર્ષની ઉમરે સ્કૂલ મેચમાં 329 રન ફાટકારીને રેકોર્ડ બનાવી દીધો હતો. તો આજે તારી ભણવાની લિંક જીમેઇલ પર તરત જ તારા એકાઉન્ટમાં આવી જાય છે. એ ઇમેઇલની શોધ 70ના દશકમાં Shiva Ayyadurai એ 14 વર્ષની ઉંમરે કરી હતી. ભલે આ વાતમાં ક્યાંક એક કોન્ટ્રોવર્સી આકાર પામેલી છે પણ 14 વર્ષનો એ છોકરો કંઇક કમાલ કરી ગયો એ સ્વિકારવું રહ્યું.
અને છેલ્લે હજુ એક વાત કે માઇકલ ફેરેડે 14 વર્ષની ઉંમરે ન્યુઝપેપર વેંચતા અને બુક બાઇડિંગનું કામ પણ કરતાં અને એમાં ક્યાંક એનસાઇક્લોપિડિયા બ્રિટાનિકાની ત્રીજી આવૃતિ કોઇ ફરીથી બાઇડિંગ કરાવવા આપી ગયું અને એમાં ઇલેક્ટ્રીસીટી પરનો અર્ટિકલ વાંચ્યો અને શરૂ થયો જીવનનો એક નવો વણાંક !
ક્યાંક આવો વણાંક કે કોઇક યુરેકા મોમેન્ટ આપણા જીવનમાં આવે એવું પણ બને ! પણ એના માટે તત્પર રહેતા શીખવું પડે ! ક્યુરીયસ બનવું પડે એ વાત કાયમ યાદ રાખજે ! બાકી આ બધાની વચ્ચે જીવન ક્યાંક શતરંજની ચાલ જેવું લાગે છે તો ક્યાંક ખળખળ વહેતા જળ જેવું નિર્મળ લાગે છે. જીવનમાં ક્યાંક સુ:ખના પડઘમ છે તો ક્યાંક ચોક્ક્સ કારણો સાથે દુ:ખ પણ છે. જીવનમાં ક્યાંક પ્રેમ અને વિશ્વાસનો વિજય છે તો ક્યાંક દર્દ સાથે આઘાતનો દિવસ પણ છે. પણ જીવનમાં આ ઉતાર-ચાડાવની વચ્ચે હંમેશા યાદ રાખજે કે રડવું કે ઉભા રહેવું એ આપણી ફિતરત નથી. આપણે તો આગળ વધવાનું છે અને પ્રતિક્ષણ કોઇકની આ કવિતા યાદ રાખવાની અને જુસ્સા સાથે આગળ વધવાનું !
Believe in yourself and you can achieve
Things you never thought possible.
Believe in yourself and you can discover
New talents hidden inside of you.
Believe in yourself and you can reach
New heights that you thought immeasurable.
Believe in yourself and you can elucidate
The problem that defies every solution.
Believe in yourself and you can tackle
The hardest of all situations.
Believe in yourself and you can make
The complicated things seem simple.
Believe in yourself and you can enjoy
The beauty of nature’s creation.
Believe in yourself and you can learn
Skills of gaining knowledge from experience.
Believe in yourself and you can discern
New depths in your life.
Believe in yourself and you can perform
Way beyond your expectations.
Believe in your aim and work towards it,
With elation, determination and dedication.
Believe in yourself and you’ll feel blessed,
As you are God’s special creation.
Once again Happy Birthday Kanj!
- મમ્મી-પપ્પા.

બુધવાર, 4 ઑગસ્ટ, 2021

સખી બદલો સમણાં




હજુ ગઇકાલે રાત્રે જ નવલકથા સખી બદલો સમણાં પુરી કરી ! સતત ઝકડી રાખતી એક-એક લાઇન અને પછી શું ની તમ્મનાએ હું પાના ફેરવતો રહ્યો અને આદમનગર કે સખીપુરમાં સતત દર્શન બનીને વિહરતો રહ્યો એવું મેં સતત અનુભવ્યું. ખરા અર્થમાં માણસાઇ, વેદના, માણસના મનનું મનોવિશ્વ, ચિત્ત્કાર, રૂઆબ, સપના, વ્યહાર, ભરોશો, સમાજનો ખરો ચિતાર, સચ્ચાઇ અને એ સચ્ચાઇને જીવી જવાની કે પચાવી જવાની જીદનો અદભુત સમનવ્ય સખી બદલો સમણામાં છે. જ્યારે સખલી ઋતુ રૂપે આવે છે ત્યારે જાણે ખરેખર પાનખરમાંથી વસંતનો ઉદય થાય છે અને ખરા અર્થમાં એ ઋતુપર્ણા બની ખીલી ઉઠે છે. અને વાહ, અફલાતુન આલેખન એમ બોલી ઉઠાય છે. વાંચતાં વાંચતા એક પ્રવાહમાં તણાઇ ઉઠાય છે. જ્યારે ધર્મિષ્ઠાબા અને સખલીમાંથી ઋતુપર્ણા બનેલી અને ગર્વાંવિત થયેલ ઋતુ એમ બે જીવ મળે છે અને એમની વાતોનું જે આલેખન થાય છે એ વાંચતી વખતે ખરેખર આંખોમાં આંસું હતાં. રૂપાંતરણ એ માનવજાતનું ખરું પાસું છે પણ જ્યારે સખલીમાંથી ઋતુપર્ણાનું રૂપાંતરણ થાય છે ત્યારે જાણે માનવજાતને દર્શનરૂપે એક ઇશ્વર મળી આવ્યાનું લાગી આવે છે. વેદના અને સંવેદના, સુખ અને દુખ, ભ્રમણા અને વાસ્તવિકતા, હાર અને પડકાર દરેક પાત્રો બખુબી આલેખાયા છે. જાણે પ્રત્યેક પાત્ર પોતિકું લાગી ઉઠે છે અને એની જીવંતતા સતત પ્રત્યેક પાને અહેસાસ કરાતી રહે છે. Page number 203-204 જ્યારે આવે છે ત્યારે લખાયેલા શબ્દો - એ ચૂંદડીથી મોઢા ઉપર હવા નાંખવા લાગી. દર્શન ઋતુના ચહેરાની બહાર દેખાતી રેખાઓની અંદર ઉતર્યો. કેટલા બધા શેડ એકબીજાની સાથે ભળી ગયા હતાં ? “ આ વાંચ્યું ત્યારે વિશ્વ પ્રસિદ્ધ નવલકથા Fifty Shades of Gray અને એના પર આધારિત મુવી જાણે માનસપટ્ટ પર જાગૃત થઇ ઉઠયા હતાં. વાંચતાં વાંચતાં પ્રતિક્ષણ એવો અહેસાસ થતો રહ્યો કે માણસના વર્તનશાસ્ત્ર સાથે સાથે એક દર્શંનશાસ્ત્ર પણ સતત પ્રગટ થતું રહે છે. પીળી ઓઢણી અને પીળી સાડી જાણે સખલી હોય કે ઋતુપર્ણા એક પ્રતિક સમી ભાસે છે. સ્ટ્રીસ્કિયા લ નેટિઝિયા ઇટાલીનો એક પ્રોગ્રામની વાત આવે છે ત્યારે પાછું મન વિચાર વિશ્વમાં ગરકાવ થઇ ઉઠે છે.

જ્યારે આખી નવલકથા વંચાઇ રહી ત્યારે એક જ વાત મગજમાં આવી કે જગા ડાકુના વેરના વરામણા કે જડ- ચેતન જેવી નવલકથા હરકિશન મહેતાએ લખી હતી ત્યારે એ પાત્રો સાથે એમણે હકિકતમાં વાર્તાલાપ કર્યો હતો એમની સાથે મુલાકાતો કરી હતી અને ખરા અર્થમાં ગુજરાતને મજેદાર નવલકથા મળી હતી. એમ સખી બદલો સમણા વાંચતી વખતે મને પણ એમ જ થયું કે કનુભાઇ પણ ખરેખર કોઇ ઋતુપર્ણાને મળ્યા હશે ! ઋતુપર્ણાના હ્રદયમાં પુરાયેલી સખલીને વાચા આપી હશે ! કદાચ આવું ન પણ હોય તોયે મારે કહેવું છે કે ભવિષ્યમાં કોઇક નિર્દેશકની નજરે આ નવલકથા પડે અને એક મજાનું પિકચર બની ઉઠે તો પણ નવાઇ નહી ! બાકી આ નવલકથા માટે મારી પાસે એક જ શબ્દ છે અદભુત !!!!! Really Mind Blowing !

શનિવાર, 3 જુલાઈ, 2021

કાગળની કુંજગલીમાં એક અનોખું ઋજુતા ભરેલ વનરાવનને આલેખતું પુસ્તક !!!!



ઋજુતા ભરેલા પ્રશ્નો અને અનેક મૌલિક વાતો સાથે પ્રત્યેક પાને લાવણ્યતા સાથે રજુ થયેલી વાતોનું એક અનોખું પુસ્તક એટલે કાગળની કુંજગલીમાં ! પ્રત્યેક પ્રશ્ન જાણે એક ઋજુતા સાથે વિચારોના વમળમાં ધકેલી મુકે છે.
400 કરતાં વધારે ઋજુતા ભરેલા પ્રશ્નો છે. આ પ્રશ્નો વચ્ચે અનેક ઉદ્ગારો ઉગે છે અને સાથે સાથે વિચારોનો વંટોળ ઉઠે છે. આવો અદ્ભૂત સમનવ્ય ધરાવતું એક ઓફ-બીટ પુસ્તક એટલે કાગળની કુંજગલીમાં ! આ કુંજગલીમાં ક્યાંક કવિતાનો કલરવ છે તો ક્યાંક સાચી વેદનાનો પોકાર છે, પણ જે છે એ બધું જ પોતિકું છે કશું જ ઉછીનું નથી. કોઇ મહાન હસ્તીનું ક્વોટ નથી પણ પોતિકા કહી શકાય એવા અનેક ક્વોટની ભરમાર જરૂર છે. વાંચતા – વાંચતા ક્યારેક તો ખરેખર કોઇ નિર્જીવ વસ્તુ સામે જોઇને વિચારે ચડી જવાય કે આ પદાર્થને જો વાચા ફૂટે તો કુંજગલીમાં જે શબ્દો છે એ જ કદાચ એ પ્રગટ કરી માવન સામે આવી ઉભા રહે ! એ બધામાં ક્યાંક, એકવેરિયમની વાતમાં પરપોટો પણ હોય અને એ વાત છેક કૂપમંડૂક સુધી પહોંચે અને બીજા છેડે એ જ એક્વેરિયેમ અશોક વાટિકાની એરણે ચડે અને ત્યાં માણસની મૃદુતાના આક્રંદની કસોટી સાબિત કરે એવી કુંજગલી આ પુસ્તકમાં શ્વાસે છે તો ક્યાંક મેઘધનુષ્યથી સુગંધના વિસ્તાર સુધીનો વિચાર વૈભવ કુંજગલીમાં ખીલી ઉઠે છે. ત્યારે ચોક્ક્સ જાણે પુસ્તકનું નામ કાગળની કુંજગલીમાં સાર્થક ઠરે છે. અરે, આવી જ કુંજગલીમાં ક્યાંક પારસ વિચારો થકી કિડીથી કૃષ્ણ સુધી વિસ્તરતો દેખાય છે. તો ક્યાંક કાગળની વેદનાને જ કાગળ પર આલેખતા પારસ કુમાર સતત ઋજુતા ભરેલા હોવાની પ્રતિતી કરાવી જાય છે. વૃક્ષની વેદના તો ઘણી સાંભળી પણ પાંદડાની વેદનાને પણ જાણે પર્ણમય બની પામી આવવાની જેની પહોંચ ચત્તી થાય છે એ પારસ કુમારની કલમ ક્યાંક આ કુંજગલીમાં સતત શ્વાસતી દેખાઇ ઉઠતી હોય છે. એમ સમજો ને કે શબ્દે શબ્દે જાણે વિચાર મહેકી ઉઠયા છે અને એ વિચાર આપણને પોતિકાપણાનો પણ અહેસાસ કરાવી જાય છે.
પોતિકો લય – પોતિકા વિચારો અને પોતિકી રજુઆત સાથે એક ઋજુ માણસ ખીલે તો કેવો ખીલે એનું ઉમદા ઉદાહરણ એટલે કાગળની કુંજગલીમાં ! સાચું કહું આ કુંજગલી ક્યાંક કોઇક કોલેજના કેમ્પસના પગથિયા બેઠેલ યુવાનને કે બાગમાં બેસી પોતાની ફુરસતમાં મસ્ત એવા મિજાજી મિજલસી માણસને કે પછી સૂર્યોદય સાથે જ પુસ્તકને પોતિકુ ગણી એને માણનારા મજાના માણસને કે પછી નેક દિલ બંદાને ઝંકઝોળ કરી અદ્ધરતા બક્ષી જવા સર્જાયું છે એવું કહું તો એમાં કશી જ અતિશ્યોકતિ નહી હોય ! અને ક્યાંક આવું ચોક્ક્સ બની ઉઠશે એ પણ પાક્કુ જ છે. અરે, ક્યાંક કોઇક સ્કૂલના પ્રાંગણમાં કે પછી ઓડિટોરિયમમાં માઇક પરથી એક વિદ્યાર્થી આ પુસ્તકના શબ્દોને વાચા આપી સામે ઉભેલા અનેક વિદ્યાર્થીઓને અનોખી કુંજગલીમાં ઋજુતાભેર લઇ જશે અને એમાંથી પણ ક્યાંક કોઇક પારસ કુમાર ખીલી ઉઠશે ત્યારે ખરા અર્થમાં પારસ કુમારનું પુસ્તક કાગળની કુંજગલીમાં સાર્થક થઇ ઉઠવાનું ! અને મને પુરો વિશ્વાસ છે કે મારો આ વિચાર આજે નહી તો કાલે ગુજરાતના કોઇક ખૂણે ચોક્કસપણે ખીલી ઉઠવાનો ! અને આ પોતિકી લાગી ઉઠતી પારસ કુમારની કુંજગલી અનેક જગ્યાએ ફણગો થઇ ફૂટી ઉઠવાની એ પાક્કુ જ છે. આવું મજાનું પુસ્તક ગુજરાતી સાહિત્ય જગતને આપવા માટે પારસ કુમાર તમને
અભિનંદન
સહ
શુભેચ્છાઓ
!!!!

Happy Doctor's Day !




Eat Apple – Keep Doctor’s Away. આવું કંઇક પ્રાસમાં બોલવું સહેલું હોય છે. પણ જીવન આટલું સરળ નથી જ હોતું. પ્રતિક્ષણ ક્યાંક ડૉકટરનો પડછાયો સતત આપણા શ્વાસની પાછળ શ્વાસતો હોય છે. ક્યારે ફોન કરીને કોઇક ડૉકટરની ઊંઘ પણ બગાડવી પડે. પણ જ્યારે જ્યારે આવી પોતાની ઊંઘની પરવા ન કરીને આપણને પાછા દોડતા કરી આપે છે ત્યારે ક્યાંક એ મસીહાને Thank you કહેવાનું રહી જાતું હોય છે. આજે Indian Medical Association - Doctor’s Day મનાવી રહ્યું છે ત્યારે આજે જીવનમાં મળેલા એ સૌ મસીહારૂપી Doctor’s ને Happy Doctor’s Day ની સાથે સાથે દિલથી Thank you ! કોરોનાના કહેરમાં આ ફ્રન્ટલાઇન વૉરિયરસે પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું જ છે ત્યારે આજના દિવસે આ મસિહાઓને યાદ કરીને સેલ્યુટ નહી મારીએ તો ક્યારે અને કેમ કરીને એમનો આભાર માનીશું ? મારી જ વાત કરું તો કોરોનાની એ વિકરાળ લહેરમાં આ વર્ષે 3જી એપ્રિલે હું પોતે કોરોનાનો વિક્ટીમ બન્યો અને ડૉકટર મિત્ર મૃગેશ સુથાર (ઇમરજન્સી સ્પેશિયાલીસ્ટ) સતત 22 દિવસ સુધી ટચમાં રહ્યો અને ઘરે આવીને મુલાકાત પણ લેતો રહ્યો ! બસ એમ સમજો કે આ મહામારીમાં હું મૃગેશના શરણે જ હતો અને મિત્રએ એનો ધર્મ નિભાવ્યો અને કોરોના અમારા મિત્ર પ્રેમ સામે શરણાગતિ પામ્યો ! મિત્ર પ્રેમ ભલે જીત્યો પણ ખરા અર્થમાં એ ડૉકટરની જીત હતી. અને આવી અનેક જીત દરેકે ક્યાંક ને ક્યાંક અનુભવી જ હશે ! અરે, હમણાની જ વાત કરું તો થોડા જ દિવસો પહેલા હું મોરબી હતો ત્યારે મમ્મીને સવારમાં ઉઠતાની સાથે જ ચક્કર આવવાનો અને ઉલટી થવાનો પ્રોબ્લેમ થવા લાગ્યો ! જ્યારે પપ્પા મમ્મીને લઇને હોસ્પિટલે પહોંચ્યા ત્યારે તો સામે નર્સ અને ડોકટર તરત જ ઇમરજન્સી વોર્ડમાં લઇ જવા તૈયાર જ હતાં અને ખુબ જ સરસ રીતે સારવાર શરૂ પણ કરી દીધી. અને જ્યારે બપોરે અઢી વાગ્યે હું તાત્કાલીક સીધો જ હોસ્પિટલ પર પહોંચ્યો ત્યારે મારા સામું જોઇને મૃગેશે એટલું જ કહ્યું કે મિ. અજીત શું જરૂર હતી આવી રીતે તાત્કાલીક આવી ચડવાની – કેમ હું ન હતો ? મેં કહ્યું તું તને – કે અજીત તું તાત્કાલીક નીકળી પડ???? શાંતિ રાખ ભાઇ કશું જ નથી બધા જ રિપોર્ટ નોર્મલ છે. આવા મિત્રને શું કહેવું ? બપોરે પપ્પાને ઓફિસમાં બેસાડીને મજાનું લંચ પણ કરાવ્યું ! ક્યાંક આવા મિત્ર માટે આભાર માનવા શબ્દો પણ ઓછા પડે ત્યારે એટલું જ કહેવાતું હોય છે કે - મિત્ર, અજીત ખુબ જ ઓછા લોકોનો ઋણી છે. એમાંનો તું એક છો !!!! મૃગેશ તો એક જ ક્લાસમાં સાથે ભણીને અને સાથે એક જ ડબ્બામાં નાસ્તો કરનારો લંગોટિયો મિત્ર ગણાય ! પણ Dr Nehal Patel, Dr Dhiraj Nayak, Dr. Jignesh Meva, Dr. Sanjay Vyas, Dr. Amol Bhave, Dr. Mitesh Physio, Dr. Govind Ninama ,DrAmit Bhavsar, Dr. Ashish Dalsania, Dr. Lalit Nainiwal જેવા અનેક ડૉકટર મિત્રો પણ એટલા જ ખપના લાગ્યા છે અનેક સમયે તરત જ ફોન ઉઠાવીને તરત જવાબ આપ્યા જ છે એ સૌ ડૉકટર મિત્રોને પણ આજે આભાર સહ Happy Doctor’s Day ! આ બધાની સાથે જો હું મિત્ર Dr. Tushar Patel ના યોગાદાનને ભૂલી જાઉં તો નગુણો કહેવાઉં, આવા અનેક સમયે હજુ પણ તું અનેક સમયે યાદ આવીને આંખો ભીની કરી જાય છે. જો વધુ લખીશ તો લાંબુ વાંચશે નહી માટે બસ આટલું જ ...... પણ
शरीरे जर्जरीभूते व्याधिग्रस्ते कलेबरे ।
औषधं जाह्नवीतोयं वैद्यो नारायणो हरिः ॥
“When the body is decrepit and ridden with disease, the medicine is as remedial and sacred as the waters of Ganga and the doctor is (equal to) Lord Hari -Narayana himself.”
Happy Doctors Day.

બુધવાર, 23 જૂન, 2021

બગથળા સ્મૃતિ વિશેષ !!!!





બગથળા સ્મૃતિ વિશેષ
==============
બગથળા એટલે મારી જન્મભૂમિ. ભલે હું મોટો વડોદરામાં થયો પણ મારો જન્મ બગથળામાં થયો હતો. પપ્પા – મમ્મી બન્ને બગથળાના જ ! વેકેશનમાં મામાની ઘરે જવાનું અને મજા માણવાની એ જાણે મારા અતિતના મજાના દિવસો હતાં. ત્રણ મોટા ભાઇઓ સાથે ઘણા જલસા કર્યા. રોજ સવારે મોરબી વાસણની દુકાને જઇને સાંજ પડ્યે પાછું આવવાનું એ જાણે કાયમનું રૂટીન ! એમાંય પાછી રજા હોય કે રવિવાર હોય ત્યારે કંઇક ને કંઇક મજા રહેતી. મારા બીજા નંબરના ભાઇ મનહરભાઇનું મિત્ર વર્તુળ મોટું એટલે અનેકને મળવાનું થાતું અને ઘણું જાણવા મળતું ! ત્યારે એમના મિત્રોમાંથી કોઇકનું સેન્સ ઓફ હ્યુમર ક્યાંક ને ક્યાંકથી આવી ચડતું ત્યારે ક્યારેક મન આનંદના હિલોળે ચડતું તો ક્યારેક વિચારોના વમળોમાં ગરકાવ થઇ ઉઠતું ! ( હમણા જ ભાઇના આ મિત્રોને મળવાનું થયું હતું ત્યારે ખાસ હું આજે પોસ્ટ કરેલ ફોટો લેવાનું ચુક્યો ન હતો.) ક્યારેક ભાઇ સાથે કોઇની વાડીએ જવાનું બનતું તો ક્યારેક પાનના ગલ્લે મહેફિલો જામતી. રાત્રે મોડે સુધી બધા મિત્રો ભેગા મળી વાતો કરતાં કાં પાનના ગલ્લે ટીવી પર મેચ જોતા તો ક્યારેક કોઇક સમાચાર પર ચર્ચા કરતાં તો વળી ક્યારેક સોસિયો કે બીજું કોઇક ઠંડુ પીણું પીતા ત્યારે મજા આવી જતી. જ્યારે કોઇક્ની વાડીએ જવાનું બનતું ત્યારે શહેરમાં રહેનારો હું - લહેરાતા પાકને જોઇને ભાવવિભોર થઇ ઉઠતો. ખેતરમાંથી ક્યારેક પોપટા ખાધા છે તો ઘઉં કે બાજરીના પાકને લહેરાતા જોયા છે. તો વળી ક્યારેક, ગલીમાં કે આંગણાંમાં બેસીને ઠાલિયામાંથી કપાસ પણ વીણ્યો છે. ગલીમાં લોકોને અનાજ ઉપણતા પણ જોયા છે.
દિવ્યભાસ્કરની આજની સ્ટોરીમાં લખ્યું છે એમ કે આ ગામમાંથી 1200 કરતા વધુ વ્યકિતઓ સરકારી કર્મચારી થયા છે. આ એક્દમ સાચી વાતનું પ્રુફ જોઇતું હોય, તો લો મારા પપ્પાના જ કુટુંબની વાત કરીએ તો પપ્પા પોતે IPCL માં, ભગવાનજી કાકા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં RFO અને ધનજીકાકા ગ્રામસેવક તરીકે નિમણુંક પામ્યા હતાં. આમ, અમારા એક જ ઘરમાંથી ત્રણ ભાઇઓ ગવર્નમેન્ટ સર્વન્ટ હતાં. તો એક સમયે ગામના અલગ અલગ પોસ્ટ પરના અધિકારીઓની ગણતરી કરી હતી તેમાં માત્ર કલેકટર અને જ્જ આ બે પોસ્ટ પર જ બગથળા ગામનો કોઇ યુવાન પહોંચ્યો ન હતો એવું એનાલિસીસ બહાર આવ્યું હતું. આ વાતની નોંધ લેતી કવર સ્ટોરી ચિત્રલેખાએ પણ ભુતકાળમાં આપી જ છે. તો વડોદરામાં જ જોવા જઇએ તો કાન્તિભાઇ સાણંદિયા અને ચતુરભાઈ ઠોરીયા GSFC માં તો દિનેશભાઇ કોરવાડિયા GSLDMC માં હતાં(અમે નાના હતાં ત્યારે સરકારી જીપમાં આવતા આ ક્લાસ વન ઓફિસરને જોતો ત્યારે એમની પર્સનાલિટી મને કાયમ આકર્ષતી! મારા માટે તેઓ એક પ્રેરણાના સ્ત્રોત રહેતા ). પપ્પા સાથે નરભેરામભાઇ ઠોરિયા અને ધનજીભાઇ મેવા IPCL માં હતાં તો વળી એમના કાકા ધનજીભાઇ ઠોરિયા(GFCS માં જનરલ મેનેજર હતાં પાછળથી ) વડોદરામાં જાતે જ કંપની ઉભી કરીને આગળ વધી રહ્યા હતાં. ! વેલજીભાઇ કોરવાડિયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સૌથી ઊંચી પોસ્ટ પર હતાં. કાન્તિમામા, મેવા મામા કે પપ્પા જે હોય એ બધા આજે પણ પોતાના શિક્ષકોની વાતો કરે ત્યારે ચોક્ક્સ કહી ઉઠે કે અમારા શિક્ષકોને લાગણી હતી કે અમારો છોકરો- ગામનો દિકરો આગળ આવવો જોઇએ. એ ભાવના અહિંના શિક્ષકોમાં હતી. એમાંના એક મામાના મિત્ર રામજીભાઇને તો હું અનેક સમયે મળ્યો છું અને ત્યારે અનુભવ્યું પણ ખરું કે આ બધાને એમના શિક્ષક પ્રત્યે એક અનોખું માન છે ! દિનેશભાઇ કોરવાડિયા (મામા) ના મોઢે અનેક સમયે સાંભળ્યું છે કે ગામની લાઇબ્રેરીમાં અનેક પુસ્તકો રહેતા અને એ અમે વાંચતાં. એ સમયે એટલે કે આજથી પચાસેક વર્ષ પહેલા 70 ના દશકમાં એમણે એ લાઇબ્રેરીમાંથી ટારઝનની કહાનીઓ કે અડધી રાતે અઝાદી કે સૌરાષ્ટ્રની રસધાર જેવા પુસ્તકો વાંચ્યા હતાં. આમ ગામની લાઇબ્રેરી પહેલેથી જ સમૃદ્ધ.
જ્યારે હું નાનો હતો ત્યારે બીજા ગામડા ગામમાં જોવા મળે એવા દ્રષ્યો મેં બગથળામાં પણ જોયા છે. હા, સવાર સવારમાં ગામ આખાની સ્ત્રીઓ ગામના દરવાજાની બહાર પાણીના બેડા લઇને પાણી ભરવા આવતી એ દ્રશ્ય જોયાનું સ્મૃતિપટ્ટ પર યાદ છે. ક્યારેક મમ્મીને પણ ત્યાં પાણી ભરવા જતી જોઇ છે. અહીં જ થોડે દૂર એક અવાળો પણ હતો જેમાં અનેક ઢોરને પાણી પાતા એ દ્રષ્ય જોયાનું પણ યાદ છે. બાજુમાં અહિંથી એક રસ્તો પણ પસાર થતો અને રસ્તાની સામેની બાજુ એક સહકારી મંડળી હતી અને જ્યારે જ્યારે હું બગથળા ગયો છું ત્યારે ત્યારે અહિંયા ઓટા પર અનેક વડિલોને બેઠેલા અને વાતો કરતા હોય એવું જોવાનું બન્યું જ છે. પાણીના પોઇન્ટની બાજુમાં ગામમાં દાખલ થવાનો દરવાજો અને દરવાજાની જમણી બાજુ પર નાનું બસસ્ટેન્ડ. આજે પણ યાદ છે કે એ બસ સ્ટેન્ડની બાજુમાં ખૂણામાં એક પાનની દુકાન રહેતી ત્યાંથી ઘણી વખત ચોકલેટ મામાએ કે ભાઇએ ખવડાવી છે. ગામનો મુખ્ય દરવાજો પૂર્વ દિશામાં તો પશ્ચિમ દિશામાં એક મોટી ભાગર સાથેનો મોટો દરવાજો હતો એ પણ મને યાદ છે. તો દક્ષિણમાં એક સિંપલ દરવાજો રહેતો અને ત્યાં બહાર જ ગામની શાળા અને આ રસ્તો આગળ જતાં રામદેવપીરના ભગત એવા વાલજીભગતની જગ્યાએ જતો અને ઉતરમાં ગામનો કોઇ દરવાજો ન હતો પણ એ ગામના દરવાજાની જ્ગ્યાએ એક મોટો દરવાજો હતો જે સીધો જ નકલંકના પ્રાંગણમાં લઇ આવતો. જાણે ગામની ઉત્તરોત્તર પ્રગતિનો પર્યાય આ જ દરવાજો ન હોય ! ગામના નકલંક મંદિરની તો વાત જ શું કરવી. માત્ર ગામના લોકો જ નહી મોરબીના રાજાથી માંડીને આસપાસના અનેક ગામના લોકો સતત અહિં એક આસ્થા સાથે આવતા રહેતા અને આજે પણ એ જ આસ્થા અનેકના દિલમાં જીવંત છે. મંદિરના મહંત/પુજારી એવા દામજી ભગતની સાથે મજાની વાતો પણ કરી જ છે. બીજા ગામની જેમ જ બગથળામાં પણ સવાર સવારમાં એક ભિક્ષુક ઘરે ઘરે લોટ માંગવા નિકળતો અને ઘરે ઘરે દયાપ્રભુની એમ બુમ પાડતો અને આવેલ યાચકને ગામની સ્ત્રીઓ લોટના રૂપમાં કંઇકને કંઇક આપતી, મને પણ મામી વટકો ભરીને લોટ આપતા અને કહેતા જા આપી આવ. નાના હતાં એ સમયે મનમાં થોડો ભય અને ખચકાટ જરૂર રહેતો પણ બે – ત્રણ દિવસની રોજીંદી ઘટમાળામાંથી પસાર થયા બાદ એ ડર જતો રહેતો અને દોડીને પાસે જઇને એ કામ હરખભેર કરી આવતાં.
માણેકવાળા – ઉટબેટ – કેરાળી - કુંતાસી - જિજુંડા - ફડસર – ફેરો(મોરબી- બગથળા) આવી બસ એના રૂટના આધારે સીધા નામથી જ ઓળખાતી જે લોકોને મોરબી સુધી લઇ જતી. બસના ટાઇમિંગ્સ મુજબ ઘરેથી નિકળતા અને મોરબી પહોંચતા એ પણ મને યાદ છે. આ બધાની વચ્ચે મને હંમેશા એક વાતનું આશ્ચ્રર્ય રહ્યું કે પપ્પા અને મમ્મી આખા ગામના બધા જ લોકોને કેવી રીતે યાદ રાખી લેતા હશે. જ્યારે પણ એમની સાથે ચાલવાનું બનતું ત્યારે સામેવાળાને ઓળખી જતાં અને ખબર અંતર પુછી લેતા. તો સામેવાળા, વળી એમ કહી ઉઠતા કે વડોદરા વાળો મનુ ને ! અને હું કાયમ આશ્ચર્યમાં ગરકાવ થઇ ઉઠતો અને એમને જ જોયા કરતો કે આ બધા કેટકેટલું યાદ રાખે છે.
ક્યારેક પપ્પા સાથે ગામની ગલીઓમાંથી નિકળતો ત્યારે IPCL જેવી કંપનીના કર્મચારીને જોઇને એક અલગ જ વાત થતી અને એનું તથ્ય એ જ રહેતું કે ભાઇ તમે તો શહેરના માણસો અને સુ:ખી માણસો અને સાથે સાથે પપ્પાને એક નોકરીયાત તરીકે વેલ સેટ માણસ તરીકે અલગ જ માન મળતું એ જોઇ મનમાં હરખ થાતો. એમાં તો પાછું વળી, કોઇક કહી ઉઠતું કે ભાઇ તમે તો નોકરીવાળા ને શહેરનાં સુખી માણસો ત્યારે પપ્પાને તો કંઇ ફર્ક ન પડતો પણ મનો મન આપણા તો કોલર ઉંચા થઇ જતાં. અને ત્યારે મારા એ બાળપણના સમયે મેં સતત મહેસુસ કર્યુ કે ગામના લોકો એ એક નાનો છોકરો ગણી મને હંમેશા મજાથી વ્હાલ કર્યું છે. પોતાના ઘરમાંથી કંઇક ખાવાનું કેચોકલેટ આપી છે તો વળી કોઇક દુકાન પર જે લેવું હોય તે લઇ લેવાની છૂટ આપી હતી- કારણ કે હું ગામનો ભાણેજ ગણાતો. બગથળા ગામ મોટું હતું પણ ગામના લોકોના મન તો તેથીયે મોટા હતાં એવું હું ચોક્ક્સ કહીશ. તો વળી પપ્પા જ્યાં પણ ઉભા રહેતા ત્યાં સામે વાળાના બધા સગાને યાદ કરી ખબરઅંતર પુછતાં અને એમની સાથેના ભૂતકાળના સ્મરણો વાગોળી ભાવુક પણ થઇ ઉઠતા અને એ સમયે જાણે આખા વરસની વાતો થઇ ઉઠતી. થોડા આગળ જાવ ત્યાં વળી બીજુ કોઇ મળે અને આ સિલસિલો એમ જ ચાલ્યા કરતો.
રસ્તામાં હાલતા જતા માણસ રામ-રામ કહેતા જતાં કે જય ભગવાન નો હુંકાર દેતા જતાં. શહેરની તુલનાએ મને ગામ ક્યાંક વ્હાલું લાગી ઉઠતું..... કેમ ? એનું કારણ નથી જડતું. પણ, એકાદ કારણ ક્યાંક અહિંના માણસોની નિખાલસતા પણ હોઇ શકે ! પપ્પા આજે પણ કહે છે એમ કે ગામનો માણસ નાનો છે પણ દિલનો મોટો હોય છે. લાગણીથી ભરેલો હોય છે. ક્યાંક એ કારણ પણ હોઇ શકે, કારણ કે આવી લાગણી મેં બગથળામાં અનેક પરિચિત – અપરિચિત પાસેથી અનેક સમયે મહેસુસ કરી જ છે.
મામાને મોરબીમાં વાસણની મોટી દુકાન હતી. અને એટલે ગામનું કોઇ ને કોઇ ગામમાં ઘરે પણ કોઇક વાસણ પર નામ લખાવવા આવી ચડતું ત્યારે એ મશીનનો ઘરઘરાટ આખા ઘરને ગજવી મુકતો. મને મામાના ઘરે જવું ગમતું કારણ કે ત્યાં પાકું ઘર હતું. બાપાએ 1982માં સિમેન્ટની ક્રાઇસીસના સમયે કોઇ જ જાતનો લોભ કર્યા વગર 18 ઇંચની દિવાલ પર મજબૂત ઘર ઉભું કર્યું હતું જે 30 વર્ષ બાદ આવેલા ભૂકંપમાં પણ અડિખમ ઉભું હતું. પપ્પા સાથે ભૂકંપ બાદ કરેલી ગામની એ મુલાકાત અને લોકોના પડેલા એ ઘર અને સ્વજન ખોયાની વેદના વર્ણવતા પરિવારજનોની વાતો આજે પણ યાદ કરતાં વ્યથિત થઇ ઉઠાય છે. અને પછી તો વડોદરા જઇને મારી વેદનાએ પણ વલોપાત અનુભવ્યો અને આવેલા ભૂકંપ પર એક સ્ક્રિપ્ટ લખી હતી. મામાના મોટા ઘરમાં એક મોટી ઓસરી અને આ ઓસરીમાં ગામના આસપાસના કે સગા આવીને રામાયણ જોતા ત્યારે હકળેઠાઠ એ ઓસરી લગભગ 70 -80 માણસોથી ભરાઇ જતી એ દ્રષ્ય પણ હજુ માનસપટ્ટ પર કંડારાયેલું છે. એ બધા માટે ક્યાંક રસોડામાં રસના બનતો એ કામમાં પણ ભાઇ સાથે ઉભો રહેતા અને મજા કરતાં. ઘરમાં મોટા ફળિયાની સામે એક મોટી ડેલી હતી. અને એમાં ઘણો સામાન પડ્યો રહેતો એમાં જઇને કંઇક ખાખાખોળા કરવાની એક જીજ્ઞાશાવૃતિ સતત રહેતી. બદામના ઝાડ પરથી બદામ પાડવા માટે મોટો વાંસડો લઇને બદામ પાડવાથી માંડીને બાપા સાથે કિડિયારું પુરવા જવા સુધીના સંસ્મરણો ક્યાંક વણાયેલા છે. બાપા જે રૂમમાં રહેતા એને બેઠક કહેતા ત્યાં ગામના કોઇ મહારાજ આવીને રામાયણ વાંચતા એ પણ મને યાદ છે. મોચીની દુકાને અનેક સમયે મામા સાથે બુટ કે ચંપલને પોલિસ કરવા જવાનું બનતું ત્યારે વાલજીમામા (મોચી)ને કામ કરતાં જોઇને કે પપ્પા સાથે એમના ઘરની સામે સુથારને કામ કરતાં જોઇને એક અલગ જ કુતુહુલ પેદા થતું. એમના કામને એક અલગ જ રીતે જોયા કરાતું. પહેલાં સ્કૂટર પર અને પછી બાઇક પર સતત મોરબી થી બગથળા અપડાઉન કરવાની મજા આવતી. એ આનંદ અને લાહવો અલગ જ હતો. 1996-97 ના એ દિવસો કે જયારે સ્કૂટર પર બેસીને વાવડીના રસ્તે મોરબી થી બગથળા આવતો ત્યારે હોલબોપ ધૂમકેતુ અનેક દિવસો સુધી જોયો હતો એ પણ યાદ છે. મામાએ ઘરના આંગણામાં અનેક યાદગાર પ્રસંગો ઉજવ્યા છે અને ભરપુર જલસા કર્યા છે. મોરબીના પ્રખ્યાત ત્રિવેદી ફરસાણ વાળાને જ મામા દરેક પ્રસંગમાં રસોઇ માટે બોલાવતા અને પછી તો પંગત પડતી અને એમાં પિરસવામાં ક્યારેક હું પણ રહેતો. ક્યારેક મમ્મી સાથે એની બહેનપણીના ઘરે જવાનું બનતું ત્યારે રસ્તામાં એક ઘર આવતું અને એના એ ઘરનો દરવાજો ખુલ્લો હોય એવું કાયમ ઇચ્છતો ! કારણ કે એ ઘરમાં એક મોટી ઉમરના બાપા મજાના ચિત્રો બનાવતા. પણ કમનસીબે આજ દિન સુધી એ ઘરની હું મુલાકાત હું લઇ શક્યો નહી. ટુંકમાં કહેવું હોય તો ચોક્કસ કહીશ કે મામાના ઘરે જલસા અલગ જ હતાં. મામા સાથે કે ભાઇઓ સાથે સતત બહાર જવા મળતું એટલે મજા જ આવી જતી. એક સમયે ભદ્રેશભાઇ સાથે નકલંક મંદિરના શિખર સુધી પણ જઇ આવ્યા હતો.
ઉગતો સૂરજ અને આથમતો સૂરજ અનેક સમયે મામાના ઘરેથી માણ્યો છે જ્યાં મારા વેકેશનના રજાના દિવસો વિત્યા છે એ બગથળા છે. પણ આજે, ધાબા પર ચડીને ગામની અખિલાઇને માણવાનું ક્યાંક ખોવાયું છે, કે દૂર સુધી દેખાતા ખેતરો અને બાવળો વચ્ચે પણ કંઇક જોઇ લેવાની એ અભિપ્સાઓ ક્યાંક ખોવાઇ છે. નવલખી બંદરેથી નિકળેલ ટ્રેનની વ્હિસલ વાગતા ધાબા પર ચડીને દૂર સુધી નજર નાંખીને એને જોઇ લેવાની તાલાવેલી ક્યાંક ખોવાઇ છે. નાનો ચોરો – મોટો ચોરો અને ગામની આ ગલીઓમાં ક્યાંક શ્વાસતી એ દુકાનો અને અનેક લોકોના ઘરના આંગણાના દરવાજા કે ભાગોળો એ બધુ ક્યાંક મનમંદિરમાં અકબંધ સચવાયેલું છે પણ આજે ક્યાંક એ દિવસો ખોવાયા છે. આજે ગામ તો છે પણ ત્યાં પપ્પાનું એ ઘર નથી. મામાનું ઘર તો છે પણ મામા કે મામી એકેય નથી. જો આજે ત્યાં જાઉં તો જીવંત લાગી ઉઠતું ઘર એક ખંડેર સમુ ભાષે. અરે, સાચું કહું, અજીતના જીવનમાં બગથળા પહેલા શ્વાસ સાથે વણાયેલું છે અને એ છેલ્લા શ્વાસ સુધી આમ જ અનેક યાદો સાથે સતત શ્વાસતું રહેશે. છેલ્લા એક મજાની વાત યાદ આવે તો એ પણ કહી દઉં કે અરે મારા જન્મ પછી મને ગળથૂથી પિવડનાર શાંતા બા જેઓ એક બ્રાહ્મણ પરિવારના (ત્યારે ગામમાં હોશિયારની છાપ ધરાવનાર હતાં) હતાં એ વાત મેં મમ્મી પાસેથી સાંભળ્યનું યાદ છે. એટલે ટુંકમાં કહું તો ભલે હું બગથળાથી દૂર હોઉં પણ મારા શ્વાસે શ્વાસમાં બગથળા ક્યાંક સતત શ્વાસી રહ્યું છે અને જીવનના અંત સુધી એમ જ રહેશે!
- અજીત કાલરીયા