બગથળા સ્મૃતિ વિશેષ
==============
બગથળા એટલે મારી જન્મભૂમિ. ભલે હું મોટો વડોદરામાં થયો પણ મારો જન્મ બગથળામાં થયો હતો. પપ્પા – મમ્મી બન્ને બગથળાના જ ! વેકેશનમાં મામાની ઘરે જવાનું અને મજા માણવાની એ જાણે મારા અતિતના મજાના દિવસો હતાં. ત્રણ મોટા ભાઇઓ સાથે ઘણા જલસા કર્યા. રોજ સવારે મોરબી વાસણની દુકાને જઇને સાંજ પડ્યે પાછું આવવાનું એ જાણે કાયમનું રૂટીન ! એમાંય પાછી રજા હોય કે રવિવાર હોય ત્યારે કંઇક ને કંઇક મજા રહેતી. મારા બીજા નંબરના ભાઇ મનહરભાઇનું મિત્ર વર્તુળ મોટું એટલે અનેકને મળવાનું થાતું અને ઘણું જાણવા મળતું ! ત્યારે એમના મિત્રોમાંથી કોઇકનું સેન્સ ઓફ હ્યુમર ક્યાંક ને ક્યાંકથી આવી ચડતું ત્યારે ક્યારેક મન આનંદના હિલોળે ચડતું તો ક્યારેક વિચારોના વમળોમાં ગરકાવ થઇ ઉઠતું ! ( હમણા જ ભાઇના આ મિત્રોને મળવાનું થયું હતું ત્યારે ખાસ હું આજે પોસ્ટ કરેલ ફોટો લેવાનું ચુક્યો ન હતો.) ક્યારેક ભાઇ સાથે કોઇની વાડીએ જવાનું બનતું તો ક્યારેક પાનના ગલ્લે મહેફિલો જામતી. રાત્રે મોડે સુધી બધા મિત્રો ભેગા મળી વાતો કરતાં કાં પાનના ગલ્લે ટીવી પર મેચ જોતા તો ક્યારેક કોઇક સમાચાર પર ચર્ચા કરતાં તો વળી ક્યારેક સોસિયો કે બીજું કોઇક ઠંડુ પીણું પીતા ત્યારે મજા આવી જતી. જ્યારે કોઇક્ની વાડીએ જવાનું બનતું ત્યારે શહેરમાં રહેનારો હું - લહેરાતા પાકને જોઇને ભાવવિભોર થઇ ઉઠતો. ખેતરમાંથી ક્યારેક પોપટા ખાધા છે તો ઘઉં કે બાજરીના પાકને લહેરાતા જોયા છે. તો વળી ક્યારેક, ગલીમાં કે આંગણાંમાં બેસીને ઠાલિયામાંથી કપાસ પણ વીણ્યો છે. ગલીમાં લોકોને અનાજ ઉપણતા પણ જોયા છે.
દિવ્યભાસ્કરની આજની સ્ટોરીમાં લખ્યું છે એમ કે આ ગામમાંથી 1200 કરતા વધુ વ્યકિતઓ સરકારી કર્મચારી થયા છે. આ એક્દમ સાચી વાતનું પ્રુફ જોઇતું હોય, તો લો મારા પપ્પાના જ કુટુંબની વાત કરીએ તો પપ્પા પોતે IPCL માં, ભગવાનજી કાકા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં RFO અને ધનજીકાકા ગ્રામસેવક તરીકે નિમણુંક પામ્યા હતાં. આમ, અમારા એક જ ઘરમાંથી ત્રણ ભાઇઓ ગવર્નમેન્ટ સર્વન્ટ હતાં. તો એક સમયે ગામના અલગ અલગ પોસ્ટ પરના અધિકારીઓની ગણતરી કરી હતી તેમાં માત્ર કલેકટર અને જ્જ આ બે પોસ્ટ પર જ બગથળા ગામનો કોઇ યુવાન પહોંચ્યો ન હતો એવું એનાલિસીસ બહાર આવ્યું હતું. આ વાતની નોંધ લેતી કવર સ્ટોરી ચિત્રલેખાએ પણ ભુતકાળમાં આપી જ છે. તો વડોદરામાં જ જોવા જઇએ તો કાન્તિભાઇ સાણંદિયા અને ચતુરભાઈ ઠોરીયા GSFC માં તો દિનેશભાઇ કોરવાડિયા GSLDMC માં હતાં(અમે નાના હતાં ત્યારે સરકારી જીપમાં આવતા આ ક્લાસ વન ઓફિસરને જોતો ત્યારે એમની પર્સનાલિટી મને કાયમ આકર્ષતી! મારા માટે તેઓ એક પ્રેરણાના સ્ત્રોત રહેતા ). પપ્પા સાથે નરભેરામભાઇ ઠોરિયા અને ધનજીભાઇ મેવા IPCL માં હતાં તો વળી એમના કાકા ધનજીભાઇ ઠોરિયા(GFCS માં જનરલ મેનેજર હતાં પાછળથી ) વડોદરામાં જાતે જ કંપની ઉભી કરીને આગળ વધી રહ્યા હતાં. ! વેલજીભાઇ કોરવાડિયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સૌથી ઊંચી પોસ્ટ પર હતાં. કાન્તિમામા, મેવા મામા કે પપ્પા જે હોય એ બધા આજે પણ પોતાના શિક્ષકોની વાતો કરે ત્યારે ચોક્ક્સ કહી ઉઠે કે અમારા શિક્ષકોને લાગણી હતી કે અમારો છોકરો- ગામનો દિકરો આગળ આવવો જોઇએ. એ ભાવના અહિંના શિક્ષકોમાં હતી. એમાંના એક મામાના મિત્ર રામજીભાઇને તો હું અનેક સમયે મળ્યો છું અને ત્યારે અનુભવ્યું પણ ખરું કે આ બધાને એમના શિક્ષક પ્રત્યે એક અનોખું માન છે ! દિનેશભાઇ કોરવાડિયા (મામા) ના મોઢે અનેક સમયે સાંભળ્યું છે કે ગામની લાઇબ્રેરીમાં અનેક પુસ્તકો રહેતા અને એ અમે વાંચતાં. એ સમયે એટલે કે આજથી પચાસેક વર્ષ પહેલા 70 ના દશકમાં એમણે એ લાઇબ્રેરીમાંથી ટારઝનની કહાનીઓ કે અડધી રાતે અઝાદી કે સૌરાષ્ટ્રની રસધાર જેવા પુસ્તકો વાંચ્યા હતાં. આમ ગામની લાઇબ્રેરી પહેલેથી જ સમૃદ્ધ.
જ્યારે હું નાનો હતો ત્યારે બીજા ગામડા ગામમાં જોવા મળે એવા દ્રષ્યો મેં બગથળામાં પણ જોયા છે. હા, સવાર સવારમાં ગામ આખાની સ્ત્રીઓ ગામના દરવાજાની બહાર પાણીના બેડા લઇને પાણી ભરવા આવતી એ દ્રશ્ય જોયાનું સ્મૃતિપટ્ટ પર યાદ છે. ક્યારેક મમ્મીને પણ ત્યાં પાણી ભરવા જતી જોઇ છે. અહીં જ થોડે દૂર એક અવાળો પણ હતો જેમાં અનેક ઢોરને પાણી પાતા એ દ્રષ્ય જોયાનું પણ યાદ છે. બાજુમાં અહિંથી એક રસ્તો પણ પસાર થતો અને રસ્તાની સામેની બાજુ એક સહકારી મંડળી હતી અને જ્યારે જ્યારે હું બગથળા ગયો છું ત્યારે ત્યારે અહિંયા ઓટા પર અનેક વડિલોને બેઠેલા અને વાતો કરતા હોય એવું જોવાનું બન્યું જ છે. પાણીના પોઇન્ટની બાજુમાં ગામમાં દાખલ થવાનો દરવાજો અને દરવાજાની જમણી બાજુ પર નાનું બસસ્ટેન્ડ. આજે પણ યાદ છે કે એ બસ સ્ટેન્ડની બાજુમાં ખૂણામાં એક પાનની દુકાન રહેતી ત્યાંથી ઘણી વખત ચોકલેટ મામાએ કે ભાઇએ ખવડાવી છે. ગામનો મુખ્ય દરવાજો પૂર્વ દિશામાં તો પશ્ચિમ દિશામાં એક મોટી ભાગર સાથેનો મોટો દરવાજો હતો એ પણ મને યાદ છે. તો દક્ષિણમાં એક સિંપલ દરવાજો રહેતો અને ત્યાં બહાર જ ગામની શાળા અને આ રસ્તો આગળ જતાં રામદેવપીરના ભગત એવા વાલજીભગતની જગ્યાએ જતો અને ઉતરમાં ગામનો કોઇ દરવાજો ન હતો પણ એ ગામના દરવાજાની જ્ગ્યાએ એક મોટો દરવાજો હતો જે સીધો જ નકલંકના પ્રાંગણમાં લઇ આવતો. જાણે ગામની ઉત્તરોત્તર પ્રગતિનો પર્યાય આ જ દરવાજો ન હોય ! ગામના નકલંક મંદિરની તો વાત જ શું કરવી. માત્ર ગામના લોકો જ નહી મોરબીના રાજાથી માંડીને આસપાસના અનેક ગામના લોકો સતત અહિં એક આસ્થા સાથે આવતા રહેતા અને આજે પણ એ જ આસ્થા અનેકના દિલમાં જીવંત છે. મંદિરના મહંત/પુજારી એવા દામજી ભગતની સાથે મજાની વાતો પણ કરી જ છે. બીજા ગામની જેમ જ બગથળામાં પણ સવાર સવારમાં એક ભિક્ષુક ઘરે ઘરે લોટ માંગવા નિકળતો અને ઘરે ઘરે દયાપ્રભુની એમ બુમ પાડતો અને આવેલ યાચકને ગામની સ્ત્રીઓ લોટના રૂપમાં કંઇકને કંઇક આપતી, મને પણ મામી વટકો ભરીને લોટ આપતા અને કહેતા જા આપી આવ. નાના હતાં એ સમયે મનમાં થોડો ભય અને ખચકાટ જરૂર રહેતો પણ બે – ત્રણ દિવસની રોજીંદી ઘટમાળામાંથી પસાર થયા બાદ એ ડર જતો રહેતો અને દોડીને પાસે જઇને એ કામ હરખભેર કરી આવતાં.
માણેકવાળા – ઉટબેટ – કેરાળી - કુંતાસી - જિજુંડા - ફડસર – ફેરો(મોરબી- બગથળા) આવી બસ એના રૂટના આધારે સીધા નામથી જ ઓળખાતી જે લોકોને મોરબી સુધી લઇ જતી. બસના ટાઇમિંગ્સ મુજબ ઘરેથી નિકળતા અને મોરબી પહોંચતા એ પણ મને યાદ છે. આ બધાની વચ્ચે મને હંમેશા એક વાતનું આશ્ચ્રર્ય રહ્યું કે પપ્પા અને મમ્મી આખા ગામના બધા જ લોકોને કેવી રીતે યાદ રાખી લેતા હશે. જ્યારે પણ એમની સાથે ચાલવાનું બનતું ત્યારે સામેવાળાને ઓળખી જતાં અને ખબર અંતર પુછી લેતા. તો સામેવાળા, વળી એમ કહી ઉઠતા કે વડોદરા વાળો મનુ ને ! અને હું કાયમ આશ્ચર્યમાં ગરકાવ થઇ ઉઠતો અને એમને જ જોયા કરતો કે આ બધા કેટકેટલું યાદ રાખે છે.
ક્યારેક પપ્પા સાથે ગામની ગલીઓમાંથી નિકળતો ત્યારે IPCL જેવી કંપનીના કર્મચારીને જોઇને એક અલગ જ વાત થતી અને એનું તથ્ય એ જ રહેતું કે ભાઇ તમે તો શહેરના માણસો અને સુ:ખી માણસો અને સાથે સાથે પપ્પાને એક નોકરીયાત તરીકે વેલ સેટ માણસ તરીકે અલગ જ માન મળતું એ જોઇ મનમાં હરખ થાતો. એમાં તો પાછું વળી, કોઇક કહી ઉઠતું કે ભાઇ તમે તો નોકરીવાળા ને શહેરનાં સુખી માણસો ત્યારે પપ્પાને તો કંઇ ફર્ક ન પડતો પણ મનો મન આપણા તો કોલર ઉંચા થઇ જતાં. અને ત્યારે મારા એ બાળપણના સમયે મેં સતત મહેસુસ કર્યુ કે ગામના લોકો એ એક નાનો છોકરો ગણી મને હંમેશા મજાથી વ્હાલ કર્યું છે. પોતાના ઘરમાંથી કંઇક ખાવાનું કેચોકલેટ આપી છે તો વળી કોઇક દુકાન પર જે લેવું હોય તે લઇ લેવાની છૂટ આપી હતી- કારણ કે હું ગામનો ભાણેજ ગણાતો. બગથળા ગામ મોટું હતું પણ ગામના લોકોના મન તો તેથીયે મોટા હતાં એવું હું ચોક્ક્સ કહીશ. તો વળી પપ્પા જ્યાં પણ ઉભા રહેતા ત્યાં સામે વાળાના બધા સગાને યાદ કરી ખબરઅંતર પુછતાં અને એમની સાથેના ભૂતકાળના સ્મરણો વાગોળી ભાવુક પણ થઇ ઉઠતા અને એ સમયે જાણે આખા વરસની વાતો થઇ ઉઠતી. થોડા આગળ જાવ ત્યાં વળી બીજુ કોઇ મળે અને આ સિલસિલો એમ જ ચાલ્યા કરતો.
રસ્તામાં હાલતા જતા માણસ રામ-રામ કહેતા જતાં કે જય ભગવાન નો હુંકાર દેતા જતાં. શહેરની તુલનાએ મને ગામ ક્યાંક વ્હાલું લાગી ઉઠતું..... કેમ ? એનું કારણ નથી જડતું. પણ, એકાદ કારણ ક્યાંક અહિંના માણસોની નિખાલસતા પણ હોઇ શકે ! પપ્પા આજે પણ કહે છે એમ કે ગામનો માણસ નાનો છે પણ દિલનો મોટો હોય છે. લાગણીથી ભરેલો હોય છે. ક્યાંક એ કારણ પણ હોઇ શકે, કારણ કે આવી લાગણી મેં બગથળામાં અનેક પરિચિત – અપરિચિત પાસેથી અનેક સમયે મહેસુસ કરી જ છે.
મામાને મોરબીમાં વાસણની મોટી દુકાન હતી. અને એટલે ગામનું કોઇ ને કોઇ ગામમાં ઘરે પણ કોઇક વાસણ પર નામ લખાવવા આવી ચડતું ત્યારે એ મશીનનો ઘરઘરાટ આખા ઘરને ગજવી મુકતો. મને મામાના ઘરે જવું ગમતું કારણ કે ત્યાં પાકું ઘર હતું. બાપાએ 1982માં સિમેન્ટની ક્રાઇસીસના સમયે કોઇ જ જાતનો લોભ કર્યા વગર 18 ઇંચની દિવાલ પર મજબૂત ઘર ઉભું કર્યું હતું જે 30 વર્ષ બાદ આવેલા ભૂકંપમાં પણ અડિખમ ઉભું હતું. પપ્પા સાથે ભૂકંપ બાદ કરેલી ગામની એ મુલાકાત અને લોકોના પડેલા એ ઘર અને સ્વજન ખોયાની વેદના વર્ણવતા પરિવારજનોની વાતો આજે પણ યાદ કરતાં વ્યથિત થઇ ઉઠાય છે. અને પછી તો વડોદરા જઇને મારી વેદનાએ પણ વલોપાત અનુભવ્યો અને આવેલા ભૂકંપ પર એક સ્ક્રિપ્ટ લખી હતી. મામાના મોટા ઘરમાં એક મોટી ઓસરી અને આ ઓસરીમાં ગામના આસપાસના કે સગા આવીને રામાયણ જોતા ત્યારે હકળેઠાઠ એ ઓસરી લગભગ 70 -80 માણસોથી ભરાઇ જતી એ દ્રષ્ય પણ હજુ માનસપટ્ટ પર કંડારાયેલું છે. એ બધા માટે ક્યાંક રસોડામાં રસના બનતો એ કામમાં પણ ભાઇ સાથે ઉભો રહેતા અને મજા કરતાં. ઘરમાં મોટા ફળિયાની સામે એક મોટી ડેલી હતી. અને એમાં ઘણો સામાન પડ્યો રહેતો એમાં જઇને કંઇક ખાખાખોળા કરવાની એક જીજ્ઞાશાવૃતિ સતત રહેતી. બદામના ઝાડ પરથી બદામ પાડવા માટે મોટો વાંસડો લઇને બદામ પાડવાથી માંડીને બાપા સાથે કિડિયારું પુરવા જવા સુધીના સંસ્મરણો ક્યાંક વણાયેલા છે. બાપા જે રૂમમાં રહેતા એને બેઠક કહેતા ત્યાં ગામના કોઇ મહારાજ આવીને રામાયણ વાંચતા એ પણ મને યાદ છે. મોચીની દુકાને અનેક સમયે મામા સાથે બુટ કે ચંપલને પોલિસ કરવા જવાનું બનતું ત્યારે વાલજીમામા (મોચી)ને કામ કરતાં જોઇને કે પપ્પા સાથે એમના ઘરની સામે સુથારને કામ કરતાં જોઇને એક અલગ જ કુતુહુલ પેદા થતું. એમના કામને એક અલગ જ રીતે જોયા કરાતું. પહેલાં સ્કૂટર પર અને પછી બાઇક પર સતત મોરબી થી બગથળા અપડાઉન કરવાની મજા આવતી. એ આનંદ અને લાહવો અલગ જ હતો. 1996-97 ના એ દિવસો કે જયારે સ્કૂટર પર બેસીને વાવડીના રસ્તે મોરબી થી બગથળા આવતો ત્યારે હોલબોપ ધૂમકેતુ અનેક દિવસો સુધી જોયો હતો એ પણ યાદ છે. મામાએ ઘરના આંગણામાં અનેક યાદગાર પ્રસંગો ઉજવ્યા છે અને ભરપુર જલસા કર્યા છે. મોરબીના પ્રખ્યાત ત્રિવેદી ફરસાણ વાળાને જ મામા દરેક પ્રસંગમાં રસોઇ માટે બોલાવતા અને પછી તો પંગત પડતી અને એમાં પિરસવામાં ક્યારેક હું પણ રહેતો. ક્યારેક મમ્મી સાથે એની બહેનપણીના ઘરે જવાનું બનતું ત્યારે રસ્તામાં એક ઘર આવતું અને એના એ ઘરનો દરવાજો ખુલ્લો હોય એવું કાયમ ઇચ્છતો ! કારણ કે એ ઘરમાં એક મોટી ઉમરના બાપા મજાના ચિત્રો બનાવતા. પણ કમનસીબે આજ દિન સુધી એ ઘરની હું મુલાકાત હું લઇ શક્યો નહી. ટુંકમાં કહેવું હોય તો ચોક્કસ કહીશ કે મામાના ઘરે જલસા અલગ જ હતાં. મામા સાથે કે ભાઇઓ સાથે સતત બહાર જવા મળતું એટલે મજા જ આવી જતી. એક સમયે ભદ્રેશભાઇ સાથે નકલંક મંદિરના શિખર સુધી પણ જઇ આવ્યા હતો.
ઉગતો સૂરજ અને આથમતો સૂરજ અનેક સમયે મામાના ઘરેથી માણ્યો છે જ્યાં મારા વેકેશનના રજાના દિવસો વિત્યા છે એ બગથળા છે. પણ આજે, ધાબા પર ચડીને ગામની અખિલાઇને માણવાનું ક્યાંક ખોવાયું છે, કે દૂર સુધી દેખાતા ખેતરો અને બાવળો વચ્ચે પણ કંઇક જોઇ લેવાની એ અભિપ્સાઓ ક્યાંક ખોવાઇ છે. નવલખી બંદરેથી નિકળેલ ટ્રેનની વ્હિસલ વાગતા ધાબા પર ચડીને દૂર સુધી નજર નાંખીને એને જોઇ લેવાની તાલાવેલી ક્યાંક ખોવાઇ છે. નાનો ચોરો – મોટો ચોરો અને ગામની આ ગલીઓમાં ક્યાંક શ્વાસતી એ દુકાનો અને અનેક લોકોના ઘરના આંગણાના દરવાજા કે ભાગોળો એ બધુ ક્યાંક મનમંદિરમાં અકબંધ સચવાયેલું છે પણ આજે ક્યાંક એ દિવસો ખોવાયા છે. આજે ગામ તો છે પણ ત્યાં પપ્પાનું એ ઘર નથી. મામાનું ઘર તો છે પણ મામા કે મામી એકેય નથી. જો આજે ત્યાં જાઉં તો જીવંત લાગી ઉઠતું ઘર એક ખંડેર સમુ ભાષે. અરે, સાચું કહું, અજીતના જીવનમાં બગથળા પહેલા શ્વાસ સાથે વણાયેલું છે અને એ છેલ્લા શ્વાસ સુધી આમ જ અનેક યાદો સાથે સતત શ્વાસતું રહેશે. છેલ્લા એક મજાની વાત યાદ આવે તો એ પણ કહી દઉં કે અરે મારા જન્મ પછી મને ગળથૂથી પિવડનાર શાંતા બા જેઓ એક બ્રાહ્મણ પરિવારના (ત્યારે ગામમાં હોશિયારની છાપ ધરાવનાર હતાં) હતાં એ વાત મેં મમ્મી પાસેથી સાંભળ્યનું યાદ છે. એટલે ટુંકમાં કહું તો ભલે હું બગથળાથી દૂર હોઉં પણ મારા શ્વાસે શ્વાસમાં બગથળા ક્યાંક સતત શ્વાસી રહ્યું છે અને જીવનના અંત સુધી એમ જ રહેશે!
- અજીત કાલરીયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો