શનિવાર, 30 મે, 2020

કોરોના એ યાદ અપાવ્યો માનવ અસ્થિઓનો ઇતિહાસ


કોરોના એ યાદ અપાવ્યો માનવ અસ્થિઓનો ઇતિહાસ



ત્રીજી સદીની પરોઢે પહોંચેલા આ જગતમાં માણસાઇ જાગી છે. અમુક સફળતાઓ તો અમુક નિષ્ફળતાઓ છે. અને છતાં ક્યાંક સતત ઉપરાછાપરી મળતી નિષ્ફળતાઓમાં પણ ક્યાંક માણસાઇ બોલી ઉઠે છે. અપૂર્ણતાથી ભરેલી આ દુનિયામાં આમ જ બનવાનું ! ભગવાન ચોક્ક્સ કોઇ રસ્તો બતાવશે ! અનેક પડકારોની સામે રાત-દિવસ દુનિયાના કોઇને કોઇ ખૂણે કોઇક માણસજાતને ટકાવી રાખવા માટે સતત મથી રહ્યું છે. અને એના પરિણામ સ્વરૂપ આ દુનિયામાંથી અનેક આપત્તિઓ જડમૂળથી દૂર થઇ છે તો અનેકની સામે માણસજાતની લડાઇ ચાલુ છે.
આજે આ દુનિયામાં પહેલી વખત એવું બની રહ્યું છે કે ભુખમરાથી મરનાર લોકોની સંખ્યા વધુ ખાવાનું ખાઇને મરનારની સંખ્યા કરતા ઓછી છે. હા, લોકો મેદસ્વિતાથી વધુ મરે છે. ઘડપણનો મૃત્યુદર, ચેપી રોગના મૃત્યુદર કરતાં વધારે છે. આમ, અનેક રોગ સામેની જીત એ મનવજાતના ઇતિહાસમાં સૌથી મોટું વિરાટ કદમ ગણી શકાય. શબ્દોનો થોડો ફેરફાર છે, બાકી આખી આ વાત, આ સદીમાં જે મહાન પુસ્તકની ગણના થઇ રહી છે એમાંના એક પુસ્તક Homo Deus માં જ લખાયેલા શબ્દો છે. લેખક Yuval Noah Harari પોતાના પુસ્તક Homo Deus માં આગળ લખે છે કે મનુષ્યજાતીનો ભુખમરા પછીનો જો કોઇ સૌથી મોટો શત્રુ હોય તો એ પ્લેગ અને ચેપી રોગ જ છે. લેખક સ્ટેટિસ્ટીકના વધુ આંકડા સાથે માહિતી આપતા કહે છે કે 1979 માં WHO એ વિશ્વને શીતળા મુક્ત જાહેર કર્યું પણ છેલ્લા મોટા ડેટા પ્રમાણે ઇ.સ. 1967માં 1.5 કરોડ લોકો શીતળાનો ભોગ બન્યા હતાં અને લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામ્યા હતાં. અને હવે આજે શીતળા મુક્ત દુનિયા છે. તો બીજી બાજુ બ્લેક ડેથમાં 7.5 થી 20 કરોડ લોકો એ જીવ ગુમાવ્યા હતા. જે યુરેશિયાની વસ્તીનો ચોથો ભાગ થાય. ઇંગ્લેન્ડમાં દર 10 લોકોએ 4 લોકો મરતા હતાં. જેમાં ફ્લોરેન્સ શહેરે 10 લાખમાંથી 50,000 લોકો ગુમાવ્યા હતાં. અને ભુતકાળમાં જ્યારે પણ આવું બનતું ત્યારે આવા આપદાના સમયમાં સત્તાધારીઓ પાસે માત્ર સામુહીક પ્રાથના જ સૌથી મોટું શસ્ત્ર રહેતું.  તેઓ પાસે આ મહામારીને રોકવાના જરા પણ ઉપાય ન હોતા અને ભગવાનનો પ્રકોપ ઓછો થશે એટલે એની જાતે જ જશે એમ વિચારીને છોડી દેતાં. અરે એટલું જ નહી, આધુનિક યુગ સુધી આવા રોગ ને લોકો ખરાબ હવા, આસુરી શક્તિ અને ભગવાનનો પ્રકોપ ગણવતાં, પણ વાઇરસ કે બેક્ટેરીયાના અસ્તિત્વને સ્વિકારવા જરા પણ તૈયાર ન જ થતાં. લોકોને પરી કથાઓમાં પુરો વિશ્વાસ હતો પણ એક નાની માખી અને પાણીનું એક ખરાબ ટીપુ સર્વનાસ નોતરવા માટે પુરતા છે એ કોઇ માનવા તૈયાર ન હતાં. Yuval Noah Harari એ લખેલી  આ વાત જાણ્યા બાદ એટલું તો ચોક્ક્સ કહી શકાય કે આજે વિશ્વમાં પ્રત્યેક ખૂણે વિચારો બદલયા છે. માનવતા મહેકી છે અને માનવજાત પર વિજ્ઞાન અને સંશોધનનો પ્રભાવ વધ્યો છે. જીનવ સરળ બન્યું છે અને જીવનમુલ્યો બદલાયા છે. કોઇપણ વાત માટે જરૂર પડ્યે બધા જ સાથે મળી કોઇ સોલ્યુસન શોધવા પ્રતિક્ષણ તૈયાર છે. અને આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના કે Covid-19 ના સંક્રમણમાંથી જે રીતે પસાર થઇ રહ્યુ છે ત્યારે આજે ગર્વ લેવા જેવી બાબત એ જ છે કે જાણે આખી દુનિયા એક સાથે કદમ મિલાવીને ચાલી રહી છે. અને એક જ વિચાર પર કેન્દ્રિત થઇ નાનામાં નાના માણસને બચાવી લેવા જે રીતે ધમપછાડા કરાય છે એ જ આજની સૌથી મોટી જીત છે. છતાં સમગ્ર દુનિયામાં મૃત્યુનો આંક વિચારતા કરી મુકી છે. પણ નાના બાળકથી માંડીને ઘરડાને બચાવી લેવા કે ક્યોર કરવા માટે જે જાનની બાજી લગાવી દેવાય છે એ નોંધનીય છે. અને આપણે સૌ આ ઘટનાના સાક્ષી છીએ એ જ સૌથી મોટા ગૌરવની વાત છે. આ બધાની વચ્ચે એક વાત તો સ્વિકારવી જ રહી કે આજે પૃથ્વી પર કોઇપણ દેશમાં એક જ શબ્દની ચર્ચા છે અને તે છે Corona કે Covid19- Pandemic. તો શું આ પૃથ્વી પહેલી વખત જ આવા Pandemic નો ભોગ બની કે પહેલા પણ આવું કશું બન્યું હતું.  તો જવાબ છે હા, ઘણી વખત આવું બન્યું છે. અને શરૂઆત કરીએ આ Pandemic શબ્દને સમજવાથી. તો...
જ્યારે કોઇ એક રોગ કોઇ શહેર, પ્રદેશ કે દેશ પુરતો સિમિત હોય અને એના સંક્રમણનો દર ધારણા કરતા વધારે હોય ત્યારે WHO ની ગાઇડ લાઇન પ્રમાણે એને Epidemic કહેવામાં આવે છે. અને જ્યારે એ રોગ સરહદ ઓળંગીને વધુ દેશમાં ફેલાય ત્યારે એને Pandemic તરીક ઓળખવામાં આવે છે. આ અર્થમાં કોરોના Pandemic છે. આ જ્યારે લખી રહ્યો છું ત્યારે John Hopkins University ના ડેટા પ્રમાણે દુનિયામાં માત્ર North Korea અને Turkmenistan જેવા બે જ મોટા દેશ અને Kiribati, Marshll island, Micronesia, Nauru, Palau, Samoa, Solomon, Tonga, Tuvalu અને  Vanuatu જેવા નાના ટાપુ જ કોરોનાના સંક્રમણથી બાકાત છે. આખી પૃથ્વીની સપાટી પર માંડ આટલા જ જમીની પ્રદેશ બચ્યા છે કે જ્યાં હજુ કોરોના વાઇરસ પહોંચ્યો નથી.  
પૃથ્વીએ જોયેલો સૌ પ્રથમ Pandemic કયો? તો જવાબ ખૂબ જ પાછળ લઇ જાય છે. હા, વાત તો Epidemicની છે પણ ત્યાર માટે તો આને Pandemic જ ગણવો પડે કારણ કે આખું નગર અને આખી સંસ્કૃતિ પુરી થઇ હતી. તો માંડીને વાત કરું તો, પ્રાગઐતિહાસિક સમયના Epidemicની સૌથી પહેલી વાત કરીએ તો ઇ.સ. પૂર્વે 3000માં Circa નો કહેર હતો એમ માનવામાં આવે છે. ઉતરપૂર્વીય ચીનમાં પુરાતત્વવિભાગને એક આખું એવું ગામ મળી (Hamin Mangha Site)આવ્યું કે જેમાં આખું નગર Epidemicની એવી ઝપટમાં આવ્યું કે કોઇ કરતાં કોઇ જ બચ્યું નહી. આ Epidemicનો એવો કહેર હતો કે જે લોકો પહેલા મર્યા એને યોગ્ય રીતે દફનાવવા પણ કોઇ પાછળ  જીવીત ન બચ્યું. હા, આવા  રૂવાં ઉભા કરી દે એવા પુરાવા મળ્યા છે. અને છેલ્લે આખો પ્રદેશ બિનવાસાહતીય-બિનમાનવીય બન્યો. આવું જ ત્યાં નજીકમાં આવેલ Miaozigou site માં પણ બન્યું હતું. આમ Epidemic ની અસર આજથી 5000 વર્ષ પહેલા પણ હતી અને આજે પણ છે. પણ ફર્ક માત્ર એ જ છે કે હવે કોઇ Epidemic આખા પ્રદેશને ભરખી જાય એ લગભગ અશક્ય છે.  
તો, આવું જ કંઇક ઇ.સ. પૂર્વે 430માં એથેન્સમાં બન્યું હતું. અને ત્યારે ત્યાં પ્લેગની અસર સતત પાંચ વર્ષ રહી હતી. આ સમય ઇતિહાસમાં Peloponnesian યુદ્ધના સમય તરીકે ઓળખાય છે. લિબિયા, ઇથોપિયા અને ઇજિપ્તને ભરડામાં લઇને આખરે આ Pandemic એથેન્સની દિવાલ તોડીને   એથેન્સમાં પ્રવેશ્યો અને જેમાં લગભગ એક લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. જે ત્યારની બે તૃતિયાંશ વસ્તી બરાબરનો આંકડો કહેવાય. કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે ઇ.સ. પૂર્વે 404માં જ્યારે એથેન્સને સ્પાર્ટા સામે હથિયાર મુકી દેવા પડ્યા ત્યાં સુધી આ પ્લેગની અસર રહી હતી.
હવે, ઐતિહાસિક યુગમાં પ્રવેશીએ તો, ઇ.સ. 165 માં Antonine પ્લેગ ફેલાયો એના શરૂઆતના લક્ષણો શીતળા(smallpox) જેવા હતાં. જેનો સૌપ્રથમ ભોગ હુણો બન્યા હતાં એમ માનવામાં આવે છે. જેનો ચેપ જર્મનો સુધી પહોંચ્યો અને ત્યાંથી એ રોમનો સુધી આવ્યો. Parthia (હાલનું Khorasan in Iran) સામેની લડાઇમાંથી પાછા ફરેલા રોમન સૈનિકો આ પ્લેગ લેતા આવ્યા એમ પણ ઘણા ઇતિહાસકારો માને છે. લગભગ આ પ્લેગની અસર 15 વર્ષ સુધી રહી હતી. જેમાં લગભગ 50 લાખ લોકો મૃત્યુ પામ્યા હતાં. આ પ્લેગનો ભોગ બનવામાં ત્યારના રોમન સમ્રાટ Marcus Aurelius નું નામ પણ સામેલ હતું.
પ્લેગનો બીજો મોટો Pandemic એટલે ઇ.સ. 250નું વર્ષ. ટ્યુનિશિયાના કાર્થેજમાં બિશપ St. Cyprian ને સૌ પ્રથમ પ્લેગ થયો એટલે એના નામ પરથી જ પ્લેગ ને નામ આપી દેવાયું Cyprian પ્લેગ. અને ત્યારે આ બિશપે આ રોગને દુનિયાના અંત તરીકે ગણાવ્યો હતો એવા પુરાવા છે. તો પ્લેગના આ ભરડામાં રોમમાં રોજના 5000 લોકો મરતાં હતાં. આ પ્લેગ ઇથિયોપિયાથી શરૂ થયો અને ઉતર અફ્રિકામાં થઇને રોમમાં પ્રવેશ્યો હતો એવું મનાય છે. પરંતુ મજાની વાત એ છે કે આ પ્લેગ ફેલાયો હતો એના જે પુરાવા મળ્યા છે એ સાઇટ Luxor માં મળી  આવી છે જેમાં એક સાથે દફનાવાયેલ અનેક મૃતકોના શરીરને lime ના પાતળા આવરણથી ઢાંકેલા છે. જે બતાવે છે કે એ સમયે પણ લોકો disinfectant પદ્ધતિને સારી રીતે જાણતાં હતાં. એની નજીકમાં જ લાઇમ બનાવવાની ત્રણ ફેકટરી પણ મળી આવી છે. આમ, ઇ.સ. 250 થી શરૂ થયેલ અને ઇ.સ. 271 સુધી ચાલેલ આ પ્લેગે આપણને disinfectant પદ્ધતિનો એક પુરાવો પુરો પાડ્યો. આવી રીત આજે કોરોનાના કહેર વચ્ચે આપણા માટે પણ એક અનિવાર્યતા બનીને સામે ઉભરી આવી છે. મૃત્યુ બાદ અનેક પ્રિકોશન વચ્ચે દફનવીધી કે અંતિમક્રિયા થાય છે. અરે એમ કહો કે જાણે આ સમયે થતી બધી જ રીતો બદલાઇ છે.
ત્યાર બાદ, ઇ.સ. 541માં ઇજિપ્તમાં Justinian પ્લેગે દેખા દીધી. જ્યાંથી એ પેલેસ્ટાઇન અને પછી Byzantine સામ્રાજ્યને ઘેરી વળ્યો. અને પછી Mediterranean પ્રદેશના દેશ એક પછી એક ઝપટમાં આવવા લાગ્યાં. અને બસ આ સમયથી જ Byzantine સામ્રાજ્યના પતનનો સમય શરૂ થયો હતો. અને એક વર્ષમાં દુનિયાની 10% વસ્તી નામશેષ થઇ.  આ પ્લેગ સતત બે સદી સુધી સમયાંતરે દેખા દેવા લાગ્યો અને જેમાં 5 કરોડ લોકો મૃત્યુ પામ્યા જે લગભગ દુનિયાની 26 % વસ્તી બરાબર કહેવાય. આ પ્લેગથી જ દુનિયામાં Bubonic પ્લેગની શરૂઆત થઇ એમ માનવામાં આવે છે. આ  Bubonic પ્લેગ એટલે શું? તો જવાબ છે કે કોઇ પ્રકારનો ચોક્ક્સ રોગ કે જેના બેકટેરિયાનો ફેલાવો માખી જેવા માધ્યમ થકી થતો હોય અને ચોક્ક્સ લક્ષણો સાથે દેખાઇ આવે.
આ બધાની વચ્ચે આ દુનિયાએ એક એવો સમયગાળો પણ જોયો કે જેમાં યુરોપ પશ્ચિમ પર વિજયકૂચ આદરે છે. હા, યુરોપિયન પ્રજા અમેરિકા તરફ આવી રહી હતી અને સાથે સાથે વહાણમાં અનેક બીમારીઓ પણ લાવી રહી હતી. હા, અત્યાર સુધી દુનિયાના સંપર્કમાં ન આવેલ અમેરિકા એકદમ જ અલગ રીતે કચડાવવા તૈયાર જ હતું. યુરોપિય પ્રજાની સૌથી મોટી ભેટ શીતળા અને પ્લેગ એ અહીંની પ્રજાને હતી. અને ઇ.સ. 1520માં તો આખું Aztec Empire શીતળાના પ્રકોપ નીચે આવી ગયું અને સામે હતી એક આખી સ્પેનીશ આર્મી, પરિણામ સ્વરૂપ એક આખી સંસ્કૃતિ નામશેષ થઇ. આવી જ રીતે સ્પેનિસ પ્રજાએ Incan પ્રજાને અને એના આખા સામ્રાજ્યને પુરું કર્યું. આમ આ Aztec અને Inca બન્ને સમ્રાજ્યોની પ્રજા એકબાજુ રોગથી સંક્રમીત અને બીજી બાજુ યુરોપિયન પ્રજા સામેની લડાઇ બન્ને મોરચે ન ફાવી શકી અને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવામાં સદંતર નિષ્ફળ ગઇ. તો જે કંઇ થોડું બચ્યું હતું એના માટે કુદરત નવા હથિયાર સાથે તૈયાર જ હતી અને ટાઇફોડની સાથે તાવ આવે એ Enteric fever તરીકે ઓળખાય એ રોગે માજા મુકી. ઇ.સ. 1545 –1548 સુધી સતત મેક્સિકો અને મધ્ય અમેરિકાના પ્રદેશને Cocoliztli મહામારીએ ભરડામાં લીધું અને પાછો આ સમય, આ પ્રદેશ માટે દુષ્કાળનો કપરો સમય હતો. આ બધાની વચ્ચે દોઢ કરોડ લોકો મૃત્યુના મુખમાં ધકેલાયા. આમ 16મી સદીમાં ઉતર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડના મૂળ વતનીઓનું  નિકંદન કાઢવામાં જેટલો ફાળો યુરોપિયન પ્રજાનો હતો એના કરતાં વધારે તો ત્યારના Pandemic નો હતો. જાણે કુદરત જ મૂળ અમેરિકન પ્રજાને પુરી કરવા પર ઉતરી આવી હોય એવું લાગ્યું.
પરિસ્થિતિ બદલાઇ અને કુદરતનું ચક્ર થોડું અવળું ફર્યું અને ખરાબ સમય આ વખતે યુરોપનો હતો. એક epidemic કે જેણે લંડનને પુરેપુરું હલાવી નાખ્યું. અમેરિકા ખંડમાં થયેલા અત્યાચારનો બદલો હવે લંડન ચુકવવાનું  હોય એમ કુદરત ઇ.સ. 1665માં લંડન પર પોતાનો પ્રકોપ વરસાવી રહી હતી. અને The great plague of London એ એપ્રિલ 1665માં ભર ઉનાળે પોતાની માયા પાથરવાની શરૂ કરી અને ધડાધડ પ્લેગ ફેલાવવા લાગ્યો. આ પ્લેગની એક વર્ષની માયાજાળમાં લંડનમાં મૃત્યુદર 1 લાખને પાર હતો જે લંડનની વસ્તીના 15% થી 20% નો આંક હતો. લોકો કુતરા અને બિલાડીઓને કતલખાનામાં કાપે એમ મારીને ફેંકવા લાગ્યા જાણે પ્લેગના સાચા વાહકો એ જ હોય એમ તેઓ માનતા હતાં અને થેમ્સના કિનારા પર જાણે એમના મૃતદેહોઓ ઢગલો રોજે રોજ મોટોને મોટો થતો જતો હતો.  પણ આ જાણે અંત ન હોય એમ 2 Sep 1666 ના રોજ લંડન આગની ઝપટમાં આવ્યું અને ચાર દિવસ ચાલેલી આ આગે શહેરના મોટાભાગને રાખ બનાવી દીધું. પણ અજાયબી જેવી વાત એ બની કે The great London fire માં ચાર શહેરોના 7 મોટા દરવાજા, 89 ચર્ચ અને 13,200 ઘર બળીને ખાક થયા હતાં પણ માત્ર 6 માણસોએ જ જીવ ગુમાવ્યો હતો. જાણે કુદરત પણ નક્કી કરીને બદલો લેતી હતી કે લોકોને તો પ્લેગથી જ મારવા, આગથી નહી. આગ તો સર્વસ્વ છીનવી લેવા આવી હતી. બોલો છે ને નવાઇ, આજનું લંડન જોઇને કોઇ કલ્પના કરી શકે કે આજથી 354 વર્ષ પહેલા લંડનની આવી હાલત હતી.
આજકાલ quarantine શબ્દ ખાસ કાને પડે છે અને બધા જ એનો મતલબ પણ સમજતાં થયા છે. તો આજથી 300 વર્ષ પહેલા કોઇ જહાજને Pandemic ના ભય હેઠળ quarantine કર્યું હોય એવું તમે વિચારી શકો ? જવાબ હા, છે અને ઇ.સ. 1720માં ફ્રાંસના Marseille બંદરે Grand-Saint-Antonie નામનું વહાણ પૂર્વીય Mediterranean પ્રદેશમાંથી વસ્તુઓ લઇને આવે અને પ્લેગના લક્ષણો ખલાસીઓમાં દેખાય અને એ જહાજને quarantine કરવામાં આવે અને છતાં પ્લેગ માખી જેવા માધ્યમ થકી શહેરોમાં પ્રવેશે અને ત્રણ વર્ષના સમયગાળામાં લગભગ 1 લાખ લોકો એનો ભોગ બને ! અને એમ કહેવાય છે કે ત્યારે  Marseille ની 30% વસ્તીને પ્લેગ ભરખી ગયો હતો. આમ 300 વર્ષ પહેલા માત્ર થોડું કાચું પડાયું અને પ્લેગને અટકાવવામાં સફળ ન થવાયું. પણ એક પ્રકારની જાગૃકતા હતી એ વાત તો સ્વિકારવી જ રહી. આ વાત પરથી જ મને બીજી એક વાત યાદ આવે છે કે Dawn of the Planet of the Apes મુવીમાં શરૂઆતના સીનમાં જ્યારે કાર જંગલમાંથી શહેર તરફ પાછી આવે છે ત્યારે જે ચેકપોસ્ટ પરથી અંદર જાય છે ત્યાં પણ મોટા અક્ષરે લખેલું હોય છે zone 9 quarantine check point. અને ખરેખર એ જ સાચી રીત છે,  આવા સંક્રમણને ટાળવા માટે ચેકપોઇન્ટની જ જરૂર હોય છે. આવા કપરા સંક્રમણના સમયમાં સજાગ ચેકપોઇન્ટ જ કોઇ શહેરને બચાવી શકે એમ હોય છે. Pandemic ના સમયમાં ચેક પોસ્ટ પર શરતચૂક બિલકુલ પોસાય નહી.  તો ક્યાંક દરેકે પોતના ઘરની કંપાઉન્ડ વોલને જ બોર્ડર બનાવી લેવાની જરૂર હોય છે. આટલું સમજનાર Pandemic માં જીતી જતાં હોય છે. આપણે વાત કરતાં હતાં quarantine કરેલા shipની તો કરોનાના આ સમયમાં આવું કંઇ બન્યું ?  તો જવાબ છે હા, The Cruise Ship Diamond Princess ને ફેબ્રુઆરી 2020માં  Yokohama પર રોકીને તમામને quarantine કરાયા હતાં, તો કેલિફોર્નિયામાં પણ The Grand Prince Cruise અને જર્મનીમાં પણ Ship Mein Schiff 3 Cruise ના સભ્યોને આ કોરોના સમયમાં quarantine કરાયા હતાં આ બધા Cruiseમાંથી 800 કરતાં વધારે કોરોના કેસ નિકળ્યા હતાં. અને 10ના મૃત્યુ થયા હતાં. એક અંદાજ મુજબ અત્યારના સમયમાં દર વર્ષે ઓછામાં ઓછા 3 કરોડ લોકો 272 Cruise Ship થકી વિશ્વમાં ભ્રમણ કરતાં હોય છે.
આજે લગભગ બધે જ મંદિરો અને ચર્ચ બંધ ભાસે છે. ભુતકાળમાં આવું બનેલું ? તો જવાબ છે હા, ઇ.સ. 1770 થી શરૂ થયેલા રશિયન પ્લેગે મોસ્કોને તહસનહસ કરી નાખ્યું હતું. આવા સમયમાં પહેલી વખત એવું બન્યું કે Quarantine કરેલા નાગરીકો હિંસા પર ઉતરી આવ્યા અને આખા શહેરમાં દંગા ભડકી ઉઠ્યા. Ambrosius નમનો આર્કબિશપ લોકોને પ્રાથના કરવા ભેગા ન થવા સમજાવતો અને આદેશ આપતો, પણ લોકો સમજવા તૈયાર ન હતાં અને એનું ખૂન કરી દેવાયું હતું. આજે જ્યારે કોરોનાના સમયમાં મંદિરો અને ચર્ચને બંધ જોવું છું, લોકોને સ્વયંમભૂ શિષ્ત પાળતા જોવું છું ત્યારે એમ થાય છે કે 250 વર્ષ પહેલા Ambrosius આપેલું બલીદાન ઓળે નથી ગયું. છેલ્લા 250 વર્ષમાં માનવજાત કેટલા સમજણના પગથિયા ચડી છે એનો આનાથી મોટો પુરાવો બીજો તો શું હોય શકે?  આ રશિયન પ્લેગમાં પણ 1 લાખ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતાં.
છેલ્લા 200 વર્ષનો પ્રથમ કોલેરા Pandemic એટલે ઇ.સ. 1817નો સમય. આ મહામારી રશિયાથી શરૂ થઇ અને ત્યાં લગભગ 10 લાખ લોકો મૃત્યુ પામ્યા. ખોરાક અને પાણીથી ફેલાતો આ રોગ બ્રિટીશ સૈનિકો સુધી પહોંચ્યો અને એમના દ્વારા સ્પેન, આફ્રિકા, ઇન્ડોનેશિયા, ચીન, જાપાન, ઇટલી, જર્મની અને અમેરિકા પણ પહોંચ્યો અને આ બધે લગભગ 1.5 લાખ લોકો મૃત્યુ પામ્યા, જ્યારે બીજી બાજુ ભારતમાં લગભગ 10 લાખ લોકો મૃત્યુ પામ્યા હતાં. યાદ કરાવી દઉં કે, ઇ.સ. 1885માં કોલેરાની રસી શોધાઇ, છતાં એ સંપૂર્ણ નાબૂદ નથી જ થયો. દર વર્ષે આજના સમયમાં પણ દુનિયામાં કોલેરાના સવા લાખ થી ચાર લાખ જેટલા કેસ આવે છે અને 20,000 થી 1,50,000 લોકો દરે વર્ષે વિશ્વમાં કોલેરાથી જ મૃત્યુ પામે છે.
ઇ.સ. 1889માં આ દુનિયામાં રશિયન ફ્લૂ આવ્યો જે સાઇબિરીયા અને કઝખસ્તાનથી શરૂ થયો અને મોસ્કોથી ફિનલેન્ડ અને પોલેન્ડ સુધી પહોંચ્યો. અને પછી સમગ્ર યુરોપમાં ફેલાયો અને થોડા જ સમયમાં અમેરિકા પણ પહોંચ્યો. એશિયાથી યુરોપ અને સમગ્ર યુરોપથી અમેરિકા સુધી ફેલાવો થવા માટે આ ફ્લૂને માત્ર 5 અઠવાડિયા જ લાગ્યા હતાં. અને ઇ.સ. 1890 ના અંત સુધીમાં વિશ્વમાં 10 લાખથી વધુ લોકો મૃત્યુ પામી ચુક્યા હતાં. આજથી માત્ર 120 વર્ષ પહેલા કોઇ મહામારી ફેલાવવા માટે માત્ર 5 અઠવાડિયા જ લાગતા હોય તો આજે તો આપણે વિશ્વને મુઠી જેવડું નાનું બનાવી ચુક્યા છીએ તો કોરોનાને ફેલાતા કેટલો ઓછો સમય લાગ્યો હોય એ જરા વિચારી જુઓ.
અત્યાર સુધી આ વિશ્વએ ન હતું જોયું એવું કંઇક સામે આવવાનું હતું. મૃત્યુનું તાંડવ સર્જાવવાનું હતું એવું એ વર્ષ હતું. હજુ પ્રથમ વિશ્વયુદ્ધની અંતિમ ઘડીને 10 મહિનાની વાર હતી અને સ્પેનના મેડરીડથી એક ફ્લૂ શરૂ થાય છે અને નામ અપાય છે સ્પેનિશ ફ્લૂ. ક્યાંક એવી પણ વાત છે કે આ ફ્લૂ સ્પેનથી શરૂ ન હોતો થયો પણ સ્પેન પ્રથમ વિશ્વયુદ્ધમાં કોઇ તરફથી લડ્યુ નહી એટલે એને બદનામ કરવા બીજા યુરોપિય રાષ્ટ્રોએ એક ચાલ ચાલી. માત્ર બે વર્ષમાં વિશ્વમાં 1 અબજ લોકો એના સંક્રમણનો ભોગ બને (કુલ વસ્તીનો ત્રીજો ભાગ) અને 10 કરોડ લોકો મૃત્યુના મુખમાં ધકેલાય. ભારતમાંથી 1.5 કરોડ લોકો એટલે કે  કુલ વસ્તીના 5% લોકો મૃત્યુ પામ્યા હતાં. ત્યારે કોંગોની તાંબાની ખાણમાં કામ કરતાં દર પાંચ મજૂરમાંથી એક મજૂર મર્યો હતો. હા, આ કંપારી છુટાવી દે એવો આંકડો માત્ર 100 વર્ષ પહેલાનો જ છે. .આજે 100 વર્ષ પછી આવેલ કોરોનાનો કહેર આવો પ્રકોપ નહી જ પાથરી શકે. કારણ કે આજે મેડિકલ ક્ષેત્રે ઘણી મોટી હરણફાળ ભરાઇ છે. દરેક ક્ષેત્રમાં અનેક નવી ટેકનોલોજી છે અને બધી જ બાજુ મોટો આશાવાદ છે. એ પણ નોંધી રાખવા જેવું જ છે કે ઇ.સ. 1918 માં જ પુરા થયેલા પ્રથમ વિશ્વ યુદ્ધમાં કુલ 4 વર્ષમાં 4 કરોડ લોકો મરે અને એ જ વર્ષમાં શરૂ થયેલ ફ્લૂથી માત્ર બે વર્ષમાં 10 કરોડ લોકો મરે !!!  એ બતાવે છે કે વાઇરસ માણસજાત માટે શસ્ત્ર કરતાં પણ વધારે ઘાતક સાબિત થયો. પણ હવે આ 100 વર્ષમાં વિશ્વ બદલાયું છે. શસ્ત્રો ઘાતક છે અને ટુંક સમયમાં વાઇરસનું નામોનિશાન નહી રહે.
ત્યાર બાદ, હોંગકોંગમાં 1957માં એશિયન ફ્લૂ આવે અને પછી એ ચાઇનામાં પ્રસરે અને ત્યાંથી અમેરિકા અને ઇંગલેન્ડ પણ પહોંચે, અને માત્ર 6 મહિનામાં 14 હજાર લોકો મૃત્યુના મુખમાં ધકેલાય અને ઇ.સ. 1958ના અંત સુધીમાં મૃત્યુ આંક 11 લાખને પર કરી જાય અને અમેરિકા એકલામાં 1,16,000 લોકો મૃત્યુ પામે.
1981 થી વિશ્વ AIDSના ભરડામાં આવે પણ આજ સુધી AIDSથી મરનારાની સંખ્યા 5 લાખે માંડ પહોંચી છે. SARS, H1N1 Swine Flu (જેમાં મૃત્યુઆંક 1,50,000 હતો), Ebola, Zika Virus જેવા Pandemic આપણે છેલ્લા 20 વર્ષમાં જોયાં અને એ બધાના સંક્રમણ પર આપણે રોક લગાવવામાં સફળ રહ્યા. પણ આ કોરોના અત્યારે થોડો બેકાબુ છે. ટેકનોલોજી અને સુવિધાઓના પ્રભાવ વચ્ચે દેખાતા મૃત્યુના આંકડા થોડા હેરાન ચોક્ક્સ કરે છે. પણ દુનિયાના ખૂણે ખૂણે અનેક રિસર્ચ સેન્ટરોમાં અનેક માનવ મસીહા એની રસી માટે દિવસ રાત એક કરી રહ્યા છે. એટલે આજે નહી તો કાલે કોઇ ચોક્ક્સ એક સૉલ્યુસન તો મળશે જ ! 1918માં ટકાવારીની દ્રષ્ટિએ જે ખુવારી વિશ્વએ જોઇ હતી એ તો આ સદીમાં વિશ્વ નહી જ જોવે એ પક્કું જ છે. આમ, આ પૃથ્વી પર ટકી રહેલા સેપિયન્સે અનેક Pandemic અને Epidemic માંથી પોતાની જાતને બહાર કાઢી છે અને હજુ પણ સતત ઉત્ક્રાંતિના જુદા જુદા તબબકામાંથી પસાર થઈને ટકી જ રહેશે. બાકી અત્યારે તો એક વાર્તાના શબ્દો જ યાદ આવે છે કે દોસ્ત, યે ભી બીત જાયેગા..... અને નવો મજાનો સૂર્યોદય આખા વિશ્વ પર પથરાશે. કોરોના શબ્દ ઇતિહાસ બની જાય એની જ રાહ જોવાની.  
-    અજીત કાલરિયા









મંગળવાર, 26 મે, 2020

કોરોનાના સંક્રમણને સંક્રમી જવાનો નવો સમય પ્રતિક્ષા કરી રહ્યો છે. તૈયાર છો ને ?




હવામાં માત્ર 4 કલાક જેટલું જ જીવી શકતો અને કોઇપણ પદાર્થની સપાટી પર કે બીજી કોઇ સરફેઇસ પર એક થી ચાર દિવસ સુધી જીવી શકતો માનવજાતનો અદ્રષ્ય શત્રુ પોતાના સંક્રમણને ફેલાવવામાં વર્ષ 2020ની શરૂઆતથી જ હાવી રહ્યો છે. હા, હું કોરોના વાઇરસની જ વાત કરું છું. વાઇરસનો કહેર ચારે બાજુ ફેલાયેલો છે. એક પગલું ભરતાં પહેલા પણ વિચાર માંગી લે એવી પરિસ્થિતી છે. આજે દુનિયાના કોઇપણ દેશની પ્રથમ પ્રાયોરિટી કેમ કરીને કોરોનાના સંક્રમણને રોકવું એ જ છે. કોઇ કરતાં કોઇ જ એમાં બાકાત નથી. કોરોનાએ કરેલ કાયાપલટ અને નવા વિશ્વની થોડી માહિતી સાથે એક ચકરાવો લગાવીએ.
ચીનના હુબેઇ પ્રોવિન્સમાં 17 નવેમ્બર 2019ના રોજ દુનિયાનો પ્રથમ કોરોના કેશ નોંધાય અને એક મહિના પછી વુહાન દુનિયાની નજરમાં આવે અને એક પછી એક એમ દુનિયાના અનેક દેશમાં કોરોનાના દર્દીઓએ દેખા દીધી. હા, આ તો એક વાઇરસ જન્ય રોગ અને એ પણ માત્ર કોઇ માણસના સંપર્કથી કે કોઇ નિર્જીવ વસ્તુના સંપર્કથી ફેલાઇ જતો રોગ. ગણતરીના કલાકમાં જ કોઇ વ્યક્તિના સંપર્કથી કે વસ્તુના સંપર્કમાં વ્યક્તિ આવવાથી ફેલાતા આ રોગના ભરડામાં એક પછી એક બધા જ દેશના નામ આવવા લાગ્યા. માર્ચના અંત સુધીમાં તો  દરેક દેશ પોતાની સિક્યુરીટીને ધ્યાનમાં લઇને આતંરરાષ્ટ્રીય ફલાઇટ બંધ કરવા લાગ્યા. બધાએ પોતાને જરૂરી લાગતા પગલા ભર્યા, અને લગભગ આખું યુરોપ પણ કોરોનાના ભરડામાં આવી ગયું. યુરોપીય દેશની પરિસ્થિતીનો અંદાજ આંકડા અને સંક્રમણની સંખ્યાને આધારે લગાવીએ તો ક્યાંક કોઇ દેશ માટે આશ્વાસન એ જ વાતનું હતું કે અમારો મૃત્યુદર ઓછો છે. તો કોઇ દેશ માટે આશ્વાસન એ હતું કે અમારો સંક્રમણ દર ઓછો છે. તો કોઇ દેશ પાસે આશ્વાસન એ વાતનું હતું કે અમારો રિકવરી રેઇટ ખૂબ જ ઊંચો છે. બાકી બધી જ રીતે સાધન-સંપન્ન અને હાઇલી એજ્યુકેટેડ લોકોથી સજ્જ એવા યુરોપની હાલત દયનીય થઇ ગઇ.  આ બધાની વચ્ચે સૌથી ખરાબ હાલત તો વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાની છે. સંક્રમણ કેમ કાબુમાં લેવું એ બાબત પર આખું અમેરિકા ચકડોળે ચડ્યું છે એમ કહેવામાં કશું જ ખોટું નથી. સાઉથ અમેરિકા ખંડ અને આફ્રીકા ખંડનો એક  પણ એકપણ દેશ આ સંક્રમણમાંથી બાકાત નથી. બ્રાઝિલની હાલત તો દયનીય  છે જ પણ સાથે સાથે પેરૂના પણ કંઇક એવા જ હાલ છે. રશિયા હોય કે ટર્કી કોઇ કરતાં કોઇ જ દેશ બાકાત નથી. ઠંડો પ્રદેશ હોય કે ગરમ પ્રદેશ, સ્કાયસ્ક્રેપર્સ ધરાવતો દેશ હોય કે જંગલથી સજ્જ દેશ, કોઇ મહાસત્તા હોય કે ગરીબી સામે જજુમતો દેશ બધા જ કોરોના વાઇરસના કહેર હેઠળ આવી ચુક્યા છે. આ જ્યારે હું લખી રહ્યો છું ત્યારે John Hopkins University ના ડેટા પ્રમાણે દુનિયામાં માત્ર North Korea અને Turkmenistan જેવા બે જ મોટા દેશ કે જેની વસ્તી અનુક્ર્મે અઢી કરોડ અને 60 લાખની આસપાસ છે એ જ બાકી છે તો બીજી બાજુ Kiribati, Marshall Islands, Micronesia, Nauru, Palau, Samoa, Solomon, Tonga, Tuvalu અને Vanuatu જેવા ટાપુઓ છે જે બધાની કુલ વસ્તીનું ટોટલ પણ 16 લાખ માંડ થાય છે. એ જ કોરાના વાઇરસના સંક્રમણથી બાકાત છે. બસ આખી પૃથ્વીની સપાટી પર માંડ આટલા જ જમીની પ્રદેશ બચ્યા છે કે જ્યાં હજુ કોરોના પહોંચ્યો નથી.
આ સમગ્ર સમય દરમ્યાન આપણે ક્યાં હતાં તો યાદ કરાવી દઉં કે, 30 જાન્યુઆરી 2019માં જ્યારે પહેલો કૅસ ભારતમાં આવ્યો ત્યારે કોઇ ચિંતા જેવું લાગતું જ ન હતું. પરંતુ માર્ચમાં પરિસ્થિતિએ એક નવો જ વણાંક લીધો અને દેશમાં અનેક પ્રકારની સાવચેતી વચ્ચે પણ કોરોના નામના વાઇરસે પગપેસારો કર્યો જ ! પરિસ્થિતિ એ હદ સુધી આવી કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને રાષ્ટ્રજોગ સંદેશ આપવા આવવું પડ્યું અને 22 મી માર્ચને જનતા કર્ફયુ દિન તરીકે અપનાવી પોતાની ફરજ સમજી ઘરમાં જ રહેવાનું આહવાન કરાયું. અને આખરે માત્ર બે જ દિવસ પછી આખા દેશને લોકડાઉન કરવાનો આકરો પણ ખુબ જ જરૂરી અને સાચો નિર્ણય લેવાયો. અનુક્રમે લોકડાઉન 2 અને લોકડાઉન 3 પણ આવ્યા અને આખરે લોકડાઉન 4માં નિયમો સાથેની છુટછાટ શરૂ થઇ. આ સમગ્ર સમયગાળા દરમ્યાન પોલીસ, નર્સ, ડોકટર, બેંક કર્મચારીઓ, મિડિયા કર્મીઓ,  સફાઇ કામદારોની અને અનેક સેવાધારી સજ્જનોની આખી એક ફોજ ગલીએ ગલીએ કે નાકે નાકે કે દેશના ખૂણે ખૂણે એવી રીતે ફરજ બજાવતી જોવા મળી કે દેશના નાનામાં નાના માણસને પણ એમના પ્રત્યે માન ઉપજ્યા વિના ન રહ્યું. અનેક વિસ્તારોમાંથી ગરીબો માટે કે રોજે રોજ કમાઇને જીવનારા મજદૂર વર્ગ માટે મસીહાઓની એક આખી ફોજ ઉતરી આવી હતી. લાગણી અને ભાવનાથી છલોછલ અનેક દ્રષ્યો ચારેબાજુ જોવા મળ્યા. વિચારો બદલાયા અને ઘરની કંપાઉન્ડ વૉલ જ જાણે બોર્ડર બની !
આરોપ-પ્રત્યારોપ વચ્ચે પણ દરેક પ્રદેશમાં પોતાની રીતે લોકો લડતાં અને કામ કરતાં જોવા મળ્યાં. બધે જ Social Distancing શબ્દ જીતતો જણાયો પછી ભલેને એ અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય.  Social Distancingની ફજેતી કરનારા સમગ્ર દુનિયાના metro cities હાર્યા અને ગામડા જીત્યા.
આ બધાની વચ્ચે 19 મેના રોજ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1 લાખને પાર થઇ ગઇ. સંક્રમણ વધે છે રોજેરોજ નવા આંકડા આવે છે. છેલ્લા ત્રણ દિવસમાં દેશમાં સૌથી વધુ કૅસ બનવાની સંખ્યામાં ઉત્તરોતર વધારો થતો જ રહ્યો છે. છતાં આ માહોલમાં પણ માણસ દોડતો થયો છે એ સૌથી મોટું આશ્વાસન છે. હા, એની રીત બદલાઇ છે, એ પહેલા કરતાં વધારે સજાગ અને વધારે વફાદાર બન્યો છે. એ સૌથી મોટા આનંદની વાત છે. ક્યાંક એવું લાગે છે કે શિસ્ત જાણે આપોઆપ ઉતરી આવી છે.
આંતરરાષ્ટ્રીય ફલાઈટ લગભગ બંધ જ છે. ટુરિઝમ ઉદ્યોગ તો માઇનસમાં ચાલે છે એમ ચોક્ક્સ કહી શકાય. દુનિયા આખીમાં રમત-ગમતના સ્ટેડિયમ ખાલી છે. મંદિર-મસ્જિદ કે ચર્ચ સુના ભાસે છે. સરકારને લોકોને (પ્રજાને)બચાવી લેવા છે અને પ્રત્યેકને પોતાને અને પરિવારને બચાવી લેવો છે. આ ડર મૃત્યુનો નથી માત્ર સંક્રમિત થવાનો છે. બોલો સંક્રમણનો પણ આટલો ડર હશે એવું કદી વિચાર્યુંતું?  આ દરેક દિવસ આવનારી નવી પેઢી માટે એક ઇતિહાસ છે. એક શીખ છે અને આપણે એ ઇતિહાસના સાક્ષી છીએ એનો ગર્વ લેવાનો છે. આ તો આપણા પ્રિય વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ ડૉ. કલામના સ્વપનને સાચું પાડી નવો વણાંક આપી દેશને આગળ લઇ જવાનું વર્ષ 2020 છે. ભારત વિશ્વસત્તા અને વિશ્વગુરૂ બનવા તરફ આગળ વધે એવા પુરા એંધાણ છે.
આજે નહી તો કાલે કોરોનાના સંક્રમણને સંક્રમી જઇશું જ એ પાક્કુ જ છે. બસ એના માટે જરૂર છે કે જીવનની પ્રત્યેક ક્ષણ પોઝિટીવીટીથી જ ભરપુર હોય એટલી જ !  પણ આપણે ક્યાંક આ મુખ્ય વાત જ ભુલી જઇએ છીએ. અને કોઇ વહેતા સૂરમાં સૂર પુરાવી ઉઠીએ છીએ. યાદ રાખજો દરેક માટે  લોકડાઉન પણ ફાયદાકારક જ હતું એના જવાબ પણ મારી પાસે છે જ !  લોકડાઉનની લાંબી રજાઓએ કશું આપ્યું કે એમ જ જતી રહી જો કોઇ એમ પુછે તો તમારો જવાબ શું હોઇ શકે? હું રૂપિયાની વાત જ નથી કરતો...  જો જવાબ હા, માં છે તો તમે જીતી ગયા ? અને જો જવાબ ના માં છે તો થોડા વધુ મેચ્યોર થવાની જરૂર છે. પોતાનો જ એક નવો દ્રષ્ટિકોણ ખોલવાની ક્ષણ ક્યાંક ગુમાવી છે એવું હું ચોક્ક્સ માનું છું. જેને તમે ક્યાંક ઓળખવામાં ફેઇલ ગયાં છો કે અપનાવવામાં ફેઇલ ગયા છો. પણ સાચું કહું તમારો પણ જવાબ હા જ છે. ચાલો આજે એને જ હું તમને તમારામાંથી જ શોધીને તમારી સામે રજુ કરી બતાવું.
“મારી પાસે સમય જ નથી ઘણું કામ છે” એવું કહેવાવાળા કમ્પલસરી ઘરમાં રહ્યા અને પોતાના બાળકને અને પરિવારને ભરપુર સમય આપ્યો. અરે આપવો જ પડ્યો... આની પાછળનું મુખ્ય કારણ શું હતું ખબર છે ? માત્ર ને માત્ર એક જ શબ્દ Competition. હા, આ Competition શબ્દ જ ભુલાયેલો હતો એટલે આખો પરિવાર ખુશ હતો. પ્રત્યેક ધંધા અને રોજગારો Competition શબ્દને ખોઇ ચુક્યા હતાં. આખો દિવસ નાના અને મોટા એકબીજાને રમાડતા અને વાતો કરતાં હતાં એવા કદી ન જોયેલા મજાના દિવસો ગાળ્યા અને તમે કહો કે કશું જ પામ્યા નથી કે કશું મળ્યું નથી એવું હું કેમ માની લઉં.
ઓછા ખર્ચે અને ઓછી ચીજ વસ્તુઓ સાથે કેમ જીવવું એ જીવતા આવડ્યું અને તમે કહો છો કશો ફાયદો થયો નથી એવું હું કેમ કરીને માની લઉં ?
સમાચાર કે મોબાઇલમાં કરેલી અઢળક વાતો કે પછી મોબાઇલ કે ફેઇસબુકમાં ફોરવર્ડ કરેલી એ બધી પોસ્ટે તમને અને ગામડા ગામના સામાન્ય માણસને પણ  Pandemic, Epidemic, outbreak, transmission,  Lockdown, Social distancing, Sanitizer, PPE kit, fogging, isolation, Quarantine  જેવા અઢળક અંગ્રેજી શબ્દો બોલતા અને સમજતાં કર્યા અને તમે કહો છો કશો ફાયદો થયો નથી એવું હું કેમ કરીને માની લઉં ?
આ દેશના બે મહાન ધર્મગ્રંથ આધારિત સિરિયલ રામાયણ અને મહાભારત જોવામાં તમે અનુક્રમે એક વર્ષ અને દોઢ વર્ષ જેટલો સમય લીધો હતો એ બન્ને સિરિયલ નવી પેઢીએ તમે જે માધ્યમ થકી જોયેલ એ દુરદર્શન ચેનલ પર જ  દોઢ મહિનામાં જોઇ નાખી અને તમે કહો છો કશો ફાયદો થયો નથી એવું હું કેમ કરીને માની લઉં ?
આ આખા સમય દરમ્યાન રૂપિયો સતત જીવનમાં ગૌણ બની રહ્યો. અને અકળાયેલા-અકળાયેલા પણ થોડા એકલા રહેતા શીખી જવાયું એ કંઇ ઓછું છે. અને તમે કહો છો કશો ફાયદો થયો નથી એવું હું કેમ કરીને માની લઉં ?
બોલો છે ને, આના સિવાય પણ ઘણા કારણ આપી શકાય માત્ર એટલું જ વિચારવાનું કે પ્રત્યેક ક્ષણ મને કંઇક શીખવી રહી છે. અને હું આવનારા અવરોધને અતિક્રમી જવા પ્રતિક્ષણ તૈયાર જ છું.  બાકી, યાદ રાખજો આજે સમગ્ર દુનિયામાં નવા રેકોર્ડ બનવાના બંધ થઇ ગયા છે. 2020નું આ વર્ષ જ્યારે અડધી મઝલ કાપવાની નજીક છે ત્યારે  લિમ્કા બુક ઓફ રેકોર્ડસ કે ગિનિસ બુક ઓફ રેકોર્ડસના પાના સાવા કોરા ગયા છે. એને 2020ના બાકી રહેલા સમયમાં બમણા વેગથી ભરવાનો જુસ્સો જાળવીને સતત આગળ વધાવાનું છે. એ કામ આપણે જ કરવાનું છે. હા, બિલકુલ નવા રેકોર્ડ બનાવવાના જ છે.
એ પણ ભુલવા જેવું નથી કે, આવી બીજા પ્રકારની મહામારી ભુતકાળમાં પણ આવી હતી અને આપણે એમાંથી પણ સાંગોપાંગ બહાર આવ્યા હતાં. પણ એમાં અને અત્યારે આપણે જોયેલા આ સમયમાં મુખ્ય ફર્ક શું ? તો એક જ જવાબ છે. ક્યાંક અવૅરનેશ વધી છે, ક્યાંક ટ્રીટમેન્ટના માધ્યમો બદલાયા છે, ક્યાંક વૈચારીક પરિસ્થિતી બદલાઇ છે. અને બધા જ સાથે છે(આખી દુનિયા) એવો ક્યાંક માહોલ છે. બસ આ જ તો મોટી જીત છે. પરિસ્થિતીને અનુકુળ થઇને કેમ વર્તવું અને કેમ જીવવું એનો આ અનોખો સમય હતો. અને એમાં ઘણું શીખ્યા અને બીજાને પણ શીખવ્યું. હજુ પણ શીખતા રહેવાનું છે. પરિસ્થિતીને અનુરૂપ થવાનું છે. નવા નિયમોને અનુસરવાનું છે.  યોગદાન આપવાનું છે અને ફરજ નિભાવવાની છે.
સાચું કહું, આખા ઘરને દિવાળીએ sanitize કરવાવાળી આ પ્રજા પોતાને, પોતાના ટેબલને, ઓફિસને કે વ્હિકલને સતત એક જાતની અવેરનેશ સાથે પ્રતિક્ષણ  sanitize કરતી જોવું છું ત્યારે અનેરૂ માન ઉપજે છે અને એ જ સાચી રીત છે. એ જ આપણી ફરજ છે અને એ જ નવા નિયમમાં નો એક નિયમ છે. ડૉ. કલામની એક વાત યાદ આવે છે કે “you cannot change your future, but you can change your habits, and surely your habits will change your future.” બસ આદત બદલવાની ઘડી છે. જીત આપણી જ છે.
બાકી આપણે તો ઉત્સવપ્રિય પ્રજા. કોરોના જતો રહેશે પણ કોરોનાનું બનેલું ગીત, કોરોનાનો ગરબો કંઇ ઓછા જતાં રહેવાના ! ગણેશોત્સવ આવશે, કંઇ કેટલાય મંડપ કોરાના થીમ સાથે ગણેશને લાવશે.  અરે હજુ તો દિવાળી પર એની રંગોળી બનાવીશું, કોઇક કંપની કોરોના જેવો ફટાકડો બનાવશે અને આપણે એનો ધડાકો પણ કરીશું. તો કોઇક કોરોનાના આકારની પતંગ પણ બનાવશે અને ચગાવશે.... બસ એ નવા દિવસોમાં થોડું બીજુ પણ નવું હશે, હા, થોડા નવા નિયમો અને થોડી સેલ્ફ અવેરનેસ એને અનુસરીને કોરોનાના સંક્રમણને સંક્રમી જવાનું છે. બોલો છો ને તૈયાર નવા જોશ અને નવા ઉમંગ સાથે. બાકી સબ તો દેખા જાયેગા... આપણે ગુજરાતી કોઇથી ન ડરનારા અને સતત લડનારા.
-         અજીત કાલરિયા

બુધવાર, 26 ફેબ્રુઆરી, 2020

On Foundation Day of School






તમે સ્કૂલના કેમ્પસમાં પગ મુકો એટલે કંઇક અલગ જ અહેસાસ થાય. હા, છથી સાત સરકારી સ્કૂલોને ભેગી કરો એવું તો સ્કૂલનું મજાનું મોટું કેમ્પસ. આ મજાના સ્કૂલના કેમ્પસ પર ક્યાંક RCC અને આસ્ફાલ્ટ પથરાયેલા તો ક્યાંક ઘાંસ તો ક્યાંક માટી, તો વળી ક્યાંક બગીચામાં પથરાયેલી મજાની લૉન તો ક્યાંક રેતી. આમ, એક જ કેમ્પસ પર બધાનો સમન્વય અને એ પણ બધે જ પોતાની કોઇ આગવી ઓળખ સાથે ! તો વળી સ્કૂલના કેમ્પસમાં 75 કરતાં વધારે વૃક્ષોનો વૈભવ હતો. ક્યાંક નિલગીરીના વૃક્ષોની તો ક્યાંક આસોપાલવના વૃક્ષોની આખી હારમાળા હતી. ચાર મોટા આંબા તો વળી લીમડો, ઉમરડો, સોનમહોર અને કરણના ઝાડ પણ હતાં. એક લીલા બહેરાનું ઝાડ કે જેના થડનો વ્યાસ 3 ફૂટ કરતાં પણ વધારે હતો. અરે ! હા, ભાગ્યે જ ક્યાંક જોવા મળતું એલીફન્ટ ઇયર ટ્રી પણ આ સ્કૂલના કેમ્પસમાં હોય. તમે માની શકો કે કેમ્પસના એક ખૂણામાં મહોગનીનું ઝાડ પણ હોય. વિદ્યાર્થીઓના નસીબની મજા એ હતી કે આ મોટી સ્કૂલના કેમ્પસમાં શિક્ષકોના પ્રયત્નો થકી જ એક મજાની નર્સરી પણ આકાર પામી અને એની અંદર એક આર્ટીફિશિયલ તળાવને પણ આકાર અપાયો અને એમાં કમળ પણ ઉગાડ્યા હતાં. હા, આવો તો વૃક્ષ વૈભવ સ્કૂલના પ્રાંગણમાં જોવા મળે. આવા સુંદર કુદરતી સાનિધ્યમાં વિદ્યાર્થીઓની સાથે સાથે ત્યાં પક્ષીઓનો કલરવ પણ મજાનો રહેતો. ક્યારેક કળા કરતો મોર મળી આવે તો ક્યારેક ચકલી કે કબુતરનું ક્લાસ રૂમમાં આવી જવું તો ક્યારેક ચોમાસાના એ દિવસોમાં વાઇપરનું દેખાઇ ઉઠવું, તો ક્યાંકથી ધામણનું મળી આવવું એ તો જાણે એકદમ સામાન્ય વાત હતી.સ્કૂલના પશ્ચિમ છેડા પર એક મજાનો બગીચો જેમાં સવારની પાળી પુરી થાય અને બપોરની પાળી ચાલુ થાય એની વચ્ચેના સમયમાં વિદ્યાર્થીઓ પોતાના ગ્રુપમાં બેસીને વાતો કરતાં કે રમત રમતાં. આ બગીચામાં એક મજાનું મોટા સ્ટોનમાંથી બનાવેલું કોઇ કળીનું શિલ્પ હતું જે સ્કૂલની શોભા વધારનારું હતું.
સ્કૂલને પૂર્વ અને પશ્ચિમ દિશામાં એમ બે ગેટ. અને ત્યાંથી ચાલીને જાવ એટલે સ્કૂલના દરવાજા સુધી આસ્ફાલ્ટથી પથરાયેલો રોડ. પૂર્વ દિશાના ગેટ પરથી આવો અને એ રોડ પર ચાલો એટલે સ્કૂલના દરવાજાની સામે જ તમને મળે મજાનો સ્ટાફરૂમ.આ સ્ટાફરૂમ એટલે બે વિભાગમાં વહેંચાયેલ સ્કૂલનો બરાબર મધ્યભાગ.આ સ્ટાફરૂમમાં જ્યારે બે પાળીમાં સ્કૂલ ચાલતી ત્યારે 250 કરતાં વધારે શિક્ષકો રિશેષના સમયે વાતો કરતાં કે નાસ્તો કરતાં તમને જોવા મળે. અને ત્યાં જઇને રેન્ડમલી કોઇપણ એક શિક્ષકને મળવાનું અને થોડી વાતો કરવાની એટલે તમને અહેસાસ થઇ જાય કે વાહ બંદે મેં દમ તો હૈ ! એ દમ કેવો ???... તો કહેવું પડે કે...
એમાં કોઇ ભરપુર સેન્સ-ઓફ-હ્યુમરથી ભરેલ શિક્ષક મળી આવે, તો કોઇ સહજ અને સરળતાથી ભરેલ શિક્ષક મળી આવે એવું બને! કોઇ ગોલ્ડ મેડાલિસ્ટ મળી આવે તો કોઇ અનોખી હટકે ક્રિએટિવિટીનો બેતાજ બાદશાહ મળી આવે એવું પણ બને !
લોકસાહિત્યને રજુ કરવાની અનોખી આવડત હોય કે જેની નોંધ આખુ રાજ્ય લેતું હોય એવું મજાનું પ્રભાવશાળી વ્યક્તિત્વ કે જે એકાઉન્ટ ભણાવતા હોય એ મળી આવે એવું બની શકે, તો વળી જેનું સ્કૂલના દરેક ફંકશનમાં અનેરું યોગદાન હોય એવા એકાઉન્ટ ભણાવતા એકાદ મેડમ મળી આવે એવુ પણ બને !
અંગ્રેજી ભણાવનાર શિક્ષક પોતે એક અનોખા પત્રકાર અને પર્વતારોહક હોય કે જેમણે K2 સર કરેલ હોય એ ક્યાંક મળી જાય એમ પણ બને.તો ક્યાંક તમને ગુજરાતી કે બાયોલોજી ભણાવનારા એવા મેડમ પણ મળી આવે કે જે એક સારા કવિયત્રી હોય અને એમના કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત થઇ ચુક્યો હોય.
ગુજરાતી ભણાવતા એક એવા સર પણ મળે કે એ વ્યાકરણ તો એવું ભણાવે કે વર્ગમાં જ તમને બધું યાદ રહી જાય અને છંદ ગાતા-ગાતા ઘરે પહોંચો અને પાછા એ જ સર સરદાર પટેલ પર સારામાં સારું વ્યાખ્યાન આપે અને આખા ગુજરાતમાં નામના પણ મેળવી હોય. તો હિંદી ભણાવતા એકદમ સીધા લાગતા પાતળા મેડમમાં તમને અધ્યાત્મનો અનેરો રંગ છલકતો જોવા મળે એવું પણ બને. એસેમ્બલીમાં અનેક શિક્ષકો મજાની વાતો અને વાર્તા કહીને સૌના આકર્ષણનું કેન્દ્ર બનતા અને ફરીથી એ સર ક્યારે આવે એની આતુરતાથી રાહ જોવાતી હોય એમાંનું કોઇ મળે એમ પણ બને! ભાષા ભણાવતા સર હોય કે મેડમ બધાની પોતાની એક આગવી ઓળખ ક્યાંકને ક્યાંક જોવા મળે જ!
બીજાને અઘરા લાગતા નકશાઓને એકદમ સરળ રીતે સમજાવી બતાવે તો વળી વધારાનો સમય કાઢીને વિશ્વના બીજા અનેક દેશની આગવી ઓળખ પણ સમજાવી બતાવે અને સાથે સાથે કરન્ટ અફેરની ચર્ચા પણ કરે એવા સમાજવિદ્યાના બન્ને મેડમમાંથી એકાદ મળી આવે એવું પણ બને ! તો વળી કાફકાને વાંચી ચુક્યા હોય અને એમના પર એમનો પ્રભાવ હોય એવા ફિઝિક્સના સર મળી આવે એવું પણ બને !
મજાની નવી નવી કવિતા બોલનારા અને તમે એ કવિતાના લયમાં વહ્યા જ કરો કે પછી ઔરંગઝેબનો એવો તો એકપાત્રિય અભિનય કરે કે સામે બેઠેલા સૌ મંત્રમુગ્ધ થઇને જોયા જ કરે એવા અભિનયના રાજા અને કોઇપણ પ્રવાસનું રમત રમતમાં આયોજન કરી આપે એવા ગણિત વિષય ભણાવતા સર મળી આવે એવું પણ બને ! તો વળી ઇન્ડિયન ફિલ્મનો આખો એનસાઈલોપીડિયા કહી શકાય એવા ગણિત ભણાવતા સર ક્યાંક હાયર સેકન્ડરીમાંથી મળી આવે, તો ગણિતના ગમે-તેવા દાખલાની રકમ જોઇને જ જવાબ બોલી દે એવા કોઇ મહારથી શિક્ષક પણ મળી જાય એમ પણ બને !
મજાનું ઉચ્ચ કક્ષાનું પેઇન્ટીંગ કરતા હોય એવા અંગ્રેજી ભણાવતા સર મળી આવે એમ બને ! તો વળી જેમને આયુર્વેદનો આખો મોટો ખજાનો કહી શકાય અને જેમની પાસે મેડિકલ સાઇન્સનું ઇન્ટરનેશનલ કક્ષાનું નોલેજ હોય જેની નોંધ TOI પણ લીધી હોય એવા અંગ્રેજી ભણાવતા સર પણ મળી આવે એવું બને !
ક્યાંકથી આવીને દેખાઇ ઉઠતી ચકલી કે ચોમાસામાં ક્યાંકથી ચડી આવતા પશુ-પક્ષી કે જંતુ કે પછી વનસ્પતિ કે કોઇ ફૂલને બતાવીને મજાની ઉંડાણ પૂર્વકની સમજ આપી જાય એવા જીવનભર યાદ રહી જનારા બાયોલોજીના મેડમ મળી જાય એવું પણ બને ! તો વળી કોમર્સમાંથી એક મેડમ એવા પણ મળે કે જે એક સારા ગાયિકા હોય અને સારા કોરિયોગ્રાફરની ભુમિકા અનેક સમયે અદા કરી ચુક્યા હોય.
લાઇબ્રેરીના સરને મળો તો ખબર પડે કે અરે આ તો ઉચ્ચ કક્ષાના વાદક અને ગાયક છે તો વળી બાળકો માટે એક મજાના સ્ટોરી ટેલર પણ છે. તો વળી સંગીત હોય કે ચિત્ર હોય કે કલાની કોઇપણ વાત હોય મજાની ક્રિયેટીવીટી ક્યાંકને ક્યાંક સતત કોઇકનામાં છલકતી જોવા મળે જ ! રાજ્યના લલિતકલા એકેડેમીના અનેક સમયે વિજેતા બની સન્માન પામ્યા હોય અને એક અનેરા શિલ્પકાર,આર્ટિસ્ટ અને સ્ટેજક્રાફ્ટ ડિઝાઇનરની આવડતના બેતાજ બાદશાહ હોય એવા મજાના આર્ટના શિક્ષક મળી આવે એવું પણ બને ! તો વળી શાસ્ત્રીય સંગીત તો દરેક સંગીત શિક્ષક જાણતા હોય પણ તલત મહેમુદ થી લઇને રફી અને મેહમુદ થી લઇને જગજીત સુધીના કોઇના પણ ગીત ગાઇ શકે અને દરેકને અપીલ કરી શકે એવા ઉચ્ચ દરજાનાં સંગીત શિક્ષક મળી આવે એવું પણ બને. આ બધામાં વળી કોઇ ગીતાના ચાહક મળી આવે તો વળી કોઇ જનરલ નોલેજથી છલોછલ સર કે મેડમ મળી આવે એમ પણ બને ! બસ આ બધાનો યેનકેન પ્રકારેણ લાભ તો છેલ્લે વિદ્યાર્થીઓને જ મળતો. દરેક સર અને મેડમ લાગણી અને વાત્સલ્યથી ભરેલા અને એના થકી બધાને સતત ભીંજવનારા મુઠી ઉંચેરા માનવ. એક પછી એક દરેક વિદ્યાર્થીને કોઇને કોઇ રીતે પ્રમોટ કરવા દરેક શિક્ષક હંમેશા તૈયાર જ રહેતા. ટુંકમાં કહું તો દરેક શિક્ષક કોઇને કોઇ વધારાની ટેલેન્ટથી ભરેલા કારણ કે આ આખો સ્ટાફ પોતાના પેશનને જીવતું રાખનારો સ્ટાફ હતો. એ પેશનને બાળક વચ્ચે હોંશે હોંશે વહેંચતા એ એમની મજા હતી અને એ એમની મહાનતા હતી. જાણે મલ્ટીટાસ્કીંગ અને મલ્ટીટેલેન્ટીંગ શિક્ષકોની આખી એક વણજાર અહીંના વિદ્યાર્થીઓ માટે હતી એમ કહી શકાય. આનાથી પણ આગળ વધીને કહું તો કહીશ કે બીજી સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે કોમ્પિટીશન હોય પણ આ સ્કૂલની કહાની કંઇક અલગ જ કારણ કે વિદ્યાર્થીઓ વચ્ચે જઇને કોણ વધારે સારું ભણાવે એ શિક્ષકની હેલ્ધી કોમ્પિટીશન વિદ્યાર્થીઓ માણતા અને એમાં વિદ્યાર્થીઓ અઢળક પામતાં.
સ્ટાફરૂમની બીલકુલ બાજુમાં આચાર્યનો રૂમ. આજે પણ આ રૂમમાં પહોંચો તો એક સમયે જીતાયેલી અનેક ટ્રોફી અને સિલ્ડ સ્કૂલના ગર્વની સાક્ષી પુરતા નજરે ચડે. આ રૂમ પછી તરત જ શરૂ થાય વિદ્યાર્થી વિશ્વના રૂમની. હા, જેને ક્લાસ કહો, શાળાનો રૂમ કહો કે વર્ગખંડ કહો જે કહો તે ??? કેટલા વર્ગખંડ ??? એક – બે – ત્રણ ના....રે.... ના... બે મંજિલા ઇમારત અને બે વિભાગની આ સ્કૂલમાં કુલ 69 વર્ગખંડો. અરે આ પણ ઓછા પડે.... અને સ્કૂલના એકથી બાર ધોરણને બે પાળીમાં ચલાવવા પડે. કોઇપણ ધોરણમાં A થી F સુધીના વર્ગ હોય એ સામાન્ય બાબત અને દરેક ક્લાસમાં સરેરાશ 50 વિદ્યાર્થી હોય એ હિસાબે 300 વિદ્યાર્થીઓ એક જ ધોરણમાં હોય ! જે સામાન્ય રીતે એક સ્કૂલની કુલ સંખ્યાનો આંકડો થાય...આ હિસાબે એક સમયે સ્કૂલમાં કુલ 5000 કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણતા. ચારેબાજુ વર્ગખંડ અને વચ્ચે મજાની ખુલ્લી જગ્યા ! આ જગ્યામાં જ ઉભા રહીને પ્રાર્થના થાય અને અનેક સ્પર્ધાઓના આયોજન થાય. ક્યારેક રૂમની આગળની પરસાળમાં ઉભા રહીને જ વેદમંત્રની પ્રાથના થતી હોય એવું દ્રશ્ય પણ બનતું. તો એ એસેબ્લીમાં કોઇ સુવિચાર કે સમાચાર કે કંઇક રજુ કરવાની હંમેશાં અનેક વિદ્યાર્થીઓની તત્પરતા રહેતી. અને એસેમ્બલીના સમાપન સમયે જ્યારે રાષ્ટ્રગીત ગવાતું ત્યારે જાણે કંઇક અલગ જ ફિલિંગ દરેક વિદ્યાર્થી મહેસુસ કરતો, જાણે દેશદાઝ એમ જ દરેકમાં જાગી ઉઠતી એવું લાગતું અને એમાં પણ જ્યારે કોઇ રાષ્ટ્રગીત વખતે હલી ઉઠે અને એ જો કોઇ સર કે મેડમની નજરે ચડી જાય ત્યારે એને પડતો માર હંમેશાં ચર્ચાનો મુદ્દો બની ઉઠતો.... વાહ, દરેકના દિવસની શરૂઆત જ આવી કંઇક મજાથી થાતી.
લાઇબ્રેરીની તો વાત જ શું કરવી ? સ્કૂલની આ લાઇબ્રેરીમાં પાંત્રીસ જેટલા તો મેગેઝિનસ અને પાંચથી છ ન્યૂઝ પેપર આવે અને લગભગ દરેક લેખકના પુસ્તક મળી જ આવે. ભગવતગૌમંડલ, ગુજરાતી વિશ્વજ્ઞાન કોષ કે પ્રવિણસાગર પણ આ સ્કૂલની લાઇબ્રેરીમાંથી મળી જ આવે. ઝવેરચંદ મેઘાણીનું કોઇ પુસ્તક હોય કે હરકિશન મહેતાની કોઇ નોવેલ બધુ જ મળે એવી સમૃદ્ધ તો સ્કૂલની લાઇબ્રેરી.
ફિઝિક્સ-કેમેસ્ટ્રી અને બાયોલોજીના લેબરૂમની તો વાત જ શું કરવી ? એની સાચી વેલ્યુ તો જ્યારે બહારની સ્કૂલના વિદ્યાર્થી પ્રેક્ટ્રીક્લની પરીક્ષા આપવા માટે આવતા ત્યારે થાતી કારણ કે તેઓ તરત જ બોલી ઉઠતા કે “વાહ, પ્રેકટીક્લના ઇન્સ્ટ્રુમેન્ટ એકદમ લેટેસ્ટ છે એટલે એક્યુરેટ રીઝલ્ટ આવશે. ટેસ્ટટ્યુબ તો નવી જ મળે છે તો વળી પીપેટ પર આંકડા ચોખ્ખા વંચાય એટલી નવી છે. ઓહ બાયોલોજીની લેબમાં તો આટલા સ્પેસીમેન અમે પહેલી વખત જોયા અને એ પણ આટલા ક્લિયર દેખાઇ ઉઠે એવા !” આમ સ્કૂલની લેબનો પોતાનો વટ હતો. અને એની પાછળ સ્કૂલના ટીચરોની પારદર્શક અને ખંતીલી મહેનત કારણભુત રહેતી.
સ્કૂલની બહાર આવો એટલે તમને પરફેક્શન સાથે બનેલા બાસ્કેટબોલના એ બે મેદાન જોવા મળે અને બીલકુલ બાજુમાં વૉલીબોલનું ગ્રાઉન્ડ... આ ગ્રાઉન્ડની બરાબર બાજુમાં કલાનું એક આખું મજાનું બિલ્ડિંગ જેને કલામંદિર ચોક્ક્સ કહી શકાય. જેમાં ચિત્ર, સંગીત, સુથારીકામ કે દરજીકામના ક્લાસ લેવાતા. હા, ત્યાં એક ક્લાસ ઇલેક્ટ્રીક ઇન્સ્ટ્રુમેન્ટનો ક્લાસ પણ રહેતો. વિશાળ રૂમ અને એક એકથી ચડે એવા ક્રિએટીવ શિક્ષકો એ જાણે આ કલામંદિરની અનેરી ઓળખ! અને બિલકુલ આવી જ રીતે પી.ટી.ના પિરિયડમાં રમવા માટે પણ ભરપુર સુવિધા મળતી. બપોરની પાળીને શનિવારે સવારે સ્કૂલ હોય અને એમાં પાછો પહેલો પિરિયડ એમ.ડી.નો હોય અને એમાં છસ્સો સાતસો થી વધારે વિદ્યાર્થીઓ ઉંચાઇ પ્રમાણે લાઇન બનાવીને ઉભા હોય અને એમાં પણ શિયાળાની સવાર હોય અને ગ્રાઉન્ડ પર ડ્રમના આધારે સર કસરત કરાવતા હોય એ દ્રશ્ય પણ મજાનું બની રહેતું. આવું જ મજાનું એક દૃશ્ય જ્યારે સ્કૂલ છુટતી ત્યારે રચાતું, જ્યારે સ્કૂલ છૂટતી ત્યારે સ્કૂલમાંથી 2500 કરતાં વધારે વિદ્યાર્થીઓ છુટતા. અને બપોરની પાળીમાં પણ આટલી જ સંખ્યા રહેતી. શહેરના દરેક ખૂણે વિદ્યાર્થીને પહોંચાડવા માટે લગભગ ત્રીસ-પાંત્રીસ બસ આવતી... કેટલીક કંપનીની પોતાની બસ તો વળી કેટલીક પ્રાઇવેટ બસ... અરે એવું લાગે જાણે બસનો એક કાફલો ક્યાંક જવા ઉપડ્યો છે.
રમત-ગમત હોય કે બીજી કોઇ ઇતર પ્રવૃતિ હોય સ્કૂલ હંમેશા આગળ જ હોય અને એમાં શિક્ષકોનું અનેરૂ યોગદાન હોય જ ! આજથી પાંત્રીસ-ચાલીસ વર્ષ પહેલા આ સ્કૂલમાં સ્વિમિંગ કે ટેબલટેનિસ જેવી રમત-ગમતને પણ અવકાશ હતો એની પણ કોમ્પિટીશન થાતી. દર વર્ષે સ્કૂલના વાર્ષિક પ્રોગ્રામ ઓપન એઇર થિએટરમાં થાતા તો વળી અમુક સાંસ્કૃતિક કાર્યક્રમો કે બીજા આયોજનો કોમ્યુનિટી હોલમાં થાતા. આ બધામાં શિક્ષકોની સાથે સાથે પેરેન્ટસનું પણ એટલું જ ઇન્વોલમેન્ટ રહેતું. સાહિત્યના અનેક સત્રો થાતા તો વળી કલા માટે એક સમયે માટીમાંથી કંઇક ક્રિએટીવ કરી ક્રિએટિવિટીને વાચા આપવા માટે એક મોટો વર્કશોપ પણ આયોજન પામ્યો અને બાળકોની એ ક્રિએટિવિટીને તપાવીને ટેરાકોટા પણ ચડાવાયો અને પ્રદર્શનમાં પણ એ નમુના રજુ કરાયા હતા. તો વળી, દર વર્ષે યુવક મહોત્સવ જેવી સ્પર્ધામાં સ્કૂલમાંથી બસ ભરાય એટલા વિદ્યાર્થીઓ ભાગ લેવા જતા અને અનેક ઇનામો જીતીને આવતાં. આવો પ્રભાવ હતો આ મજાની સ્કૂલનો !
આ સ્કુલ એટલે IPCLની ગુજરાતી માધ્યમની મજાની મારી સ્કૂલ. હા, હું અહીં જ ભણ્યો અને અહીં જ ઘડાયો. હા, હું ચોક્ક્સ કહીશ કે મારા ઘડતરમાં મારી સ્કૂલ અને મને ભણાવનારા શિક્ષકોનો અમુલ્ય ફાળો રહ્યો. આજે આ સ્કૂલ તો છે પણ નામ બદલાઇ ચુક્યું છે આજે એ Reliance School કહેવાય છે. વિદ્યાર્થીઓ ખૂબ જ ઓછા છે પણ જ્યારે એના પ્રાંગણમાં જાવું છું ત્યારે રોમેરોમ જાગી ઉઠે છે. શૈશવના એ સ્મરણોમાં સરી પડું છું. અને પરિસરમાં પહોંચું છું તો ક્યાંક પ્રાર્થનાનો એ ધ્વનિ સંભળાઇ ઉઠ્યાનો ભાસ થાય છે. તો કોઇક નાના બાળકને જોવું છું ત્યારે એમાં ક્યાંક હું મારું જ બાળપણ શોધી લઉં છું. લાઇબ્રેરીમાં પગ મુકુ છું ત્યારે યાદ આવી જાય છે કે સફારી વાંચવા માટે કે અભિયાનના પહેલા પેજ પર કાન્તિ ભટ્ટનો તંત્રી લેખ વાંચવા કેવી દોટ લગાવતો. સવારના સાતથી સાંજના પાંચ સુધી સતત સ્કૂલ ધબકતી અને રોજ હજારો વિદ્યાર્થીઓ કંઇક પામતા. કોઇકને ચીડવવાનું તો કોઇક મિત્ર માટે સામેવાળા સાથે ફાઇટ કરી લેવાની એ મજા હતી, એ મસ્તી હતી અને ક્યાંક રોમેરોમમાં જે નિર્દોષતા હતી એને હું ક્યાંક શોધું છું. અને વિચારે ચડી જાઉં છું કે... મારી સાથે કે આગળ પાછળ ભણનારા મિત્રો ક્યાં છે એવું વિચારું છું ત્યારે યાદ આવે છે..... અરે સ્કૂલના એસ્લ્યુમિનસની તો વાત જ શું કરવી કોઇ મારી જેમ બીઝનેસમેન તો કોઇ પત્રકાર, કોઇ એક્ટિવીસ્ટ તો કોઇ ડૉકટર, કોઇ શિક્ષક તો કોઇ એન્જિન્યર, કોઇ ગવર્નમેન્ટમાં તો કોઇ ગુગલમાં, કોઇ પોતાની કંપનીના માલિક તો કોઇ કલાના ઉચ્ચ દરર્જાના કલાકાર, કોઇ મેનેજર તો કોઇ મિલિટ્રીમાં, કોઇ મિલિયોનેર તો કોઇ બિલિયોનેર, કોઇ આઇટીમાં તો કોઇ આઇઆઇટીમાં, કોઇ દેશમાં તો કોઇ વિદેશમાં સ્કૂલમાં જોયેલા સપનાને બધા આજે કોઇને કોઇ રીતે પુરા કરી રહ્યા છે. અને ગગનને ચારે-કોર પાંખ ફેલાવીને ઉડી રહ્યા છે. 2016માં ડૉ. તુષાર અને એની ટીમે જે નોસ્ટાલ્જિયા ઇવેન્ટ કરી ત્યારે અનેકને મળાયું તો અનેક ગુરૂજનોને મળ્યાનો આનંદ હતો. ત્યારે 800 કરતા વધારે વિદ્યાર્થીઓ અને અનેક ગુરૂજનો એ જ કેમ્પસ પર હતાં. અનેકની મહેનતનો સરવાળો અને અકલ્પનીય એ આયોજન હતું. પણ સાચું કહું આયોજન અને નવા વિચારોને વાચા આપવાની ગળથૂથી આ જ સ્કૂલે દરેક વિદ્યાર્થીને પાઇ હોય એવું લાગે છે. અને આજે સ્કૂલનો ફાઉન્ડેશન ડે છે. ત્યારે જીવનમાં ડગલે-ને-પગલે સતત કંઇક નવું શિખવી દરેક પળે જુસ્સો વધારી આપનાર ગુરૂજનો અને એ ધન્ય ધરાને એ કેમ્પસને દિલથી વંદન ! સ્કૂલનો આ વિચાર એક ફણગો થઇ ફૂટ્યો અને આજે એના ફળ જગતના ચારે ખૂણે ફેલાયા છે એનો અનેરો ગર્વ છે. છેલ્લે મનોજ ખંડેરિયાના શબ્દમાં સ્કૂલ અને સ્કૂલના શિક્ષકો માટે એટલું જ કહીશ કે...
“ મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યાં તારે નગર જવા,
ચરણ લઇ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે.”

રવિવાર, 12 જાન્યુઆરી, 2020

Happy Birthday Ojas

Just because I am not getting
Don’t think I am a tramp
Don’t think my tries are nothing but scrap.
Don’t think I will always have empty hands.
Just because I am not winning
Don’t think I will leave the ground.
Don’t think I am the sun behind the cloud.
Don’t think I will hide under the shroud.
I have tried in all directions movements are so fast.
I know that every single moment I used is now past.
I have been learning to carve my own path.
And don’t think I will be lost in the dark.
Just because I am not moving
Don’t think I can not walk
Don’t think I am a dead stone on the path.
Don’t think my stay is without any cause.
I just have to wait for right time to come across
And my actions will have desire upshot….

હા, આ કવિતા લખનાર મિત્ર એટલે ઓજસ તેરેદેસાઇ. આજે એનો જન્મદિવસ Happy Birthday Ojas.
ઓજસ એક એવો મિત્ર કે જે ખરેખર કવિતાના લયને પામ્યો ! એણે ઘણી સરસ કવિતાઓ લખી છે અને મેં એને માણી પણ છે. ઓજસ એટલે હ્યુમરનો માણસ ! ઓજસ ન હોય તો મહેફિલ અધુરી લાગે… તો કોઇપણ ચાલુ વાતમાં ઓજસ શું બોલશે એ પ્રેડિક્ટ કરવું એ સૌથી અધરું કામ ! હંમેશા દિલ ખોલીને ઠલવાઇ જનારો માણસ એટલે ઓજસ !  અને ગમેતેવી ખરાબ પરિસ્થિતીમાં પણ સામેની વ્યક્તિને હસાવી શકે એ ઓજસ ! ટુંકમાં ખાવું-પિવું અને જલસા કરવા એ ઓજસની ફિતરત ! ગમે તેવી સિરિયસ વાત હોય એને મજાકના સ્વરૂપે લાવે મુકવી એ આવડતનો કિમિયાગર એટલે ઓજસ.
ફોર્ક કેમ પકડાય એ ઓજસે મને શિખવ્યું. 12thમાં અને કોલેજ સમયે અમે ખુબ જ બહારનું ખાવાનું ખાધું અને ફર્યા પણ એટલું જ ! જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં ફેઇલ થયા અને ટ્યુશન રાખ્યું ત્યારે બે જ અઠવાડિયામાં સર બોલી ઉઠ્યા કે અ’લા ગાંડાઓ તમે ફેઇલ કેમ થયા ! જવાબ એક જ હતો મનમાં એમ જ હતું કે કોલેજમાં તો જલસા જ કરવાના અને પાસ તો એમ જ થઇ જવાય... હા...હા... હા.. ! ચાલો છોડો એ વાત, પણ છ મહિના પછી જ્યારે ફરી પરિક્ષા આપી ત્યારે રીઝલ્ટમાં સ્ટેટીસટીક્સમાં પ્રથમ આવનાર હું હતો અને મેથ્સમાં પ્રથમ આવનાર ઓજસ હતો. અને એ પણ એવા માર્કસ સાથે કે પ્રથમ ટ્રાયલે પાસ થનાર પણ આટલા માર્ક્સ ન હોતા લાવી શક્યા. આ મજા છે. ઓજસની !!!!! જો ઓજસ કોઇ કામ લઇને વડગી પડ્યો તો તો પછી કંઇ પુછવું જ નહી ને !  કોલેજના એ દિવસોમાં ઓજસનું ઘર અમારા સૌ મિત્રો માટે એક ખાસ પડાવ સમાન રહેતું. હા, મારી ભુકંપ પરની સ્ક્રિપ્ટ પણ મેં એના ઘરે જ લખેલી. તો બસ જ્યારે નવા ફ્રેસર્સ તરીકેની લાઇફ જીવતા ત્યારે અમારો આ પ્રિય મિત્ર ફ્રેંચ સિંગર Alizee નો દિવાનો હતો અરે ત્યાં સુધી કહી શકાય કે કદાચ ભારતમાં રહેતો  સૌથી Alizee મોટો ફેન હતો. ઘણી ઘણી કહી શકાય એવી કવિતાઓ ત્યારે લખાઇ હતી. અમારી વચ્ચે આવીને અનેક ફ્રેચ શબ્દો બોલતો અને એ શબ્દોના મતલબ પણ અમને સમજાવતો. ટુંકમાં ઓજસ એટલે Alizee નો પાક્કો દિવાનો.
 
આજે પણ મારા છોકરાને કે નિલેશ કે મૃગેશના છોકરાને સહજતાથી હસાવી પાડે એ ઓજસ. ઓજસને જોઇને જ કંજ ક્યારેક હસી પડે એવો તો ઓજસનો કરીશ્મા !
એક સમયે જ્યારે ઓરેકલ જેવી કંપનીમાં ઓજસ જોબ કરતો ત્યારે હું એને અનેક સમયે કહેતો કે તને ખબર છે તું Lerry Ellisonની  Oracle કંપનીમાં જૉબ કરે છે ત્યારે એ હંમેશા એટલું જ કહેતો કે મને એવું કંઇ લાગતું જ નથી ને !  બસ હું મારું કામ કરું એમાં શું ? અને ઉપરથી મને કહેતો કે તારી જેમ જ મને મારો કઝિન પણ કહે છે કે ઓજસ તું Oracle માં જોબ કરે છે જોરદાર કહેવાય. આમ ઓજસ હંમેશા ડાઉન-ટુ-અર્થ જ રહ્યો એ એનું વધારાનું જમા પાસું.
અમે જ્યારે ભણતા ત્યારે ઓજસ એનીડબ્લેટનની બુક્સ  વાંચીને પોતાનું અંગ્રેજી સુધારતો તો વળી અનેક સમયે મારા ઉચ્ચારોની ભુલ મને સમજાવવાની માથાકુટ પણ કરી છે તો હંમેશા અંગ્રેજી બોલતી વખતે એના એક્ષન્ટ એકદમ પરફેક્ટ રહેતા અને એ આજે પણ એ જણાઇ આવે છે.
ઓજસ IT નો માણસ એટલે મારા ટાઇલ્સ ઝોન માટે એણે મને GST પહેલા  અને પછી એમ બન્ને સમયે મારી અનુકુળતા મુજબના બિલિંગ સોફ્ટવેર બનાવી આપ્યા હતાં અને એક સમયે તો મને મોબાઇલ ઍપ પણ બનાવી આપવા માટે કહ્યું હતું. એટલે ટુંકમાં મિત્ર માટે સમય પણ કાઢે અને કામ પણ કરી આપે અને જરૂર પડે ત્યારે સાથે પણ ઉભો રહે એ ઓજસ.
પોતે પોતાના જ લગ્નમાં વરરાજા બનીને નિકળે અને કાલા ઘોડા સર્કલે પહોંચ્યા પછી કહે કે અ’લા અજીત હું તો સુટ જ ઘરે ભુલી ગયો એ ઓજસ ! છતાં એની આવી અનેક વાતો પર મજા આવે અને સતત મળવાનું મન થાય એવો મિત્ર એટલે ઓજસ ! અને પાછો મળે ત્યારે તમારું મગજ ખાલી કરી આપે એવો મિત્ર એટલે ઓજસ.  સામેવાળાની નકલ કરવાની રીત કે એની બોલવાની છટા જોઇને જ તમે હસી પડે એ ઓજસ.
છતાં જીવનરૂપી ખેલના અનેક પહેલું પર એક નિર્દોશ બાળકની જેમ રમતા ઓજસને જોયો છો તો બીજા છેડા પર અનેક સમયે એક ફાઇટરની જેમ જ જોરદાર ફાઇટ કરતાં પણ એને જોયો છે. આવી અનેક વાતોનો સાક્ષી એની સાથે અનેક સમયે હું રહ્યો છું. તો હજુ પણ એ જ જલસા એની સાથે ચાલુ જ રહેવાના છે
અને છેલ્લા એટલું જ કહીશ કે  જેનામાં હજુ પણ એક બાળક જીવે છે એવા મજાના મિત્ર ઓજસને આજે ફરીથી જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ.