હવામાં માત્ર 4 કલાક જેટલું જ જીવી શકતો અને કોઇપણ પદાર્થની
સપાટી પર કે બીજી કોઇ સરફેઇસ પર એક થી ચાર દિવસ સુધી જીવી શકતો માનવજાતનો અદ્રષ્ય
શત્રુ પોતાના સંક્રમણને ફેલાવવામાં વર્ષ 2020ની શરૂઆતથી જ હાવી રહ્યો છે. હા, હું કોરોના
વાઇરસની જ વાત કરું છું. વાઇરસનો કહેર ચારે બાજુ ફેલાયેલો છે. એક પગલું ભરતાં
પહેલા પણ વિચાર માંગી લે એવી પરિસ્થિતી છે. આજે દુનિયાના કોઇપણ દેશની પ્રથમ
પ્રાયોરિટી કેમ કરીને કોરોનાના સંક્રમણને રોકવું એ જ છે. કોઇ કરતાં કોઇ જ એમાં
બાકાત નથી. કોરોનાએ કરેલ કાયાપલટ અને નવા વિશ્વની થોડી માહિતી સાથે એક ચકરાવો
લગાવીએ.
ચીનના હુબેઇ પ્રોવિન્સમાં 17 નવેમ્બર 2019ના રોજ દુનિયાનો
પ્રથમ કોરોના કેશ નોંધાય અને એક મહિના પછી વુહાન દુનિયાની નજરમાં આવે અને એક પછી
એક એમ દુનિયાના અનેક દેશમાં કોરોનાના દર્દીઓએ દેખા દીધી. હા, આ તો એક વાઇરસ
જન્ય રોગ અને એ પણ માત્ર કોઇ માણસના સંપર્કથી કે કોઇ નિર્જીવ વસ્તુના સંપર્કથી
ફેલાઇ જતો રોગ. ગણતરીના કલાકમાં જ કોઇ વ્યક્તિના સંપર્કથી કે વસ્તુના સંપર્કમાં
વ્યક્તિ આવવાથી ફેલાતા આ રોગના ભરડામાં એક પછી એક બધા જ દેશના નામ આવવા લાગ્યા.
માર્ચના અંત સુધીમાં તો દરેક દેશ પોતાની
સિક્યુરીટીને ધ્યાનમાં લઇને આતંરરાષ્ટ્રીય ફલાઇટ બંધ કરવા લાગ્યા. બધાએ પોતાને
જરૂરી લાગતા પગલા ભર્યા, અને લગભગ આખું
યુરોપ પણ કોરોનાના ભરડામાં આવી ગયું. યુરોપીય દેશની પરિસ્થિતીનો અંદાજ આંકડા અને
સંક્રમણની સંખ્યાને આધારે લગાવીએ તો ક્યાંક કોઇ દેશ માટે આશ્વાસન એ જ વાતનું હતું
કે અમારો મૃત્યુદર ઓછો છે. તો કોઇ દેશ માટે આશ્વાસન એ હતું કે અમારો સંક્રમણ દર
ઓછો છે. તો કોઇ દેશ પાસે આશ્વાસન એ વાતનું હતું કે અમારો રિકવરી રેઇટ ખૂબ જ ઊંચો
છે. બાકી બધી જ રીતે સાધન-સંપન્ન અને હાઇલી એજ્યુકેટેડ લોકોથી સજ્જ એવા યુરોપની
હાલત દયનીય થઇ ગઇ. આ બધાની વચ્ચે સૌથી
ખરાબ હાલત તો વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાની છે. સંક્રમણ કેમ કાબુમાં લેવું એ
બાબત પર આખું અમેરિકા ચકડોળે ચડ્યું છે એમ કહેવામાં કશું જ ખોટું નથી. સાઉથ
અમેરિકા ખંડ અને આફ્રીકા ખંડનો એક પણ એકપણ
દેશ આ સંક્રમણમાંથી બાકાત નથી. બ્રાઝિલની હાલત તો દયનીય છે જ પણ સાથે સાથે પેરૂના પણ કંઇક એવા જ હાલ
છે. રશિયા હોય કે ટર્કી કોઇ કરતાં કોઇ જ દેશ બાકાત નથી. ઠંડો પ્રદેશ હોય કે ગરમ
પ્રદેશ, સ્કાયસ્ક્રેપર્સ
ધરાવતો દેશ હોય કે જંગલથી સજ્જ દેશ, કોઇ મહાસત્તા હોય કે ગરીબી સામે જજુમતો દેશ બધા
જ કોરોના વાઇરસના કહેર હેઠળ આવી ચુક્યા છે. આ જ્યારે હું લખી રહ્યો છું ત્યારે John Hopkins University ના ડેટા પ્રમાણે
દુનિયામાં માત્ર North
Korea અને Turkmenistan જેવા બે જ મોટા
દેશ કે જેની વસ્તી અનુક્ર્મે અઢી કરોડ અને 60 લાખની આસપાસ છે એ જ બાકી છે તો બીજી
બાજુ Kiribati, Marshall
Islands, Micronesia, Nauru, Palau, Samoa, Solomon, Tonga, Tuvalu અને Vanuatu જેવા ટાપુઓ છે જે
બધાની કુલ વસ્તીનું ટોટલ પણ 16 લાખ માંડ થાય છે. એ જ કોરાના વાઇરસના સંક્રમણથી
બાકાત છે. બસ આખી પૃથ્વીની સપાટી પર માંડ આટલા જ જમીની પ્રદેશ બચ્યા છે કે જ્યાં
હજુ કોરોના પહોંચ્યો નથી.
આ સમગ્ર સમય દરમ્યાન આપણે ક્યાં હતાં તો યાદ કરાવી દઉં કે, 30 જાન્યુઆરી
2019માં જ્યારે પહેલો કૅસ ભારતમાં આવ્યો ત્યારે કોઇ ચિંતા જેવું લાગતું જ ન હતું.
પરંતુ માર્ચમાં પરિસ્થિતિએ એક નવો જ વણાંક લીધો અને દેશમાં અનેક પ્રકારની સાવચેતી
વચ્ચે પણ કોરોના નામના વાઇરસે પગપેસારો કર્યો જ ! પરિસ્થિતિ એ હદ સુધી આવી કે
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને રાષ્ટ્રજોગ સંદેશ આપવા આવવું પડ્યું અને 22
મી માર્ચને જનતા કર્ફયુ દિન તરીકે અપનાવી પોતાની ફરજ સમજી ઘરમાં જ રહેવાનું આહવાન
કરાયું. અને આખરે માત્ર બે જ દિવસ પછી આખા દેશને લોકડાઉન કરવાનો આકરો પણ ખુબ જ
જરૂરી અને સાચો નિર્ણય લેવાયો. અનુક્રમે લોકડાઉન 2 અને લોકડાઉન 3 પણ આવ્યા અને
આખરે લોકડાઉન 4માં નિયમો સાથેની છુટછાટ શરૂ થઇ. આ સમગ્ર સમયગાળા દરમ્યાન પોલીસ, નર્સ, ડોકટર, બેંક કર્મચારીઓ, મિડિયા કર્મીઓ,
સફાઇ કામદારોની અને અનેક સેવાધારી સજ્જનોની આખી એક ફોજ ગલીએ
ગલીએ કે નાકે નાકે કે દેશના ખૂણે ખૂણે એવી રીતે ફરજ બજાવતી જોવા મળી કે દેશના
નાનામાં નાના માણસને પણ એમના પ્રત્યે માન ઉપજ્યા વિના ન રહ્યું. અનેક
વિસ્તારોમાંથી ગરીબો માટે કે રોજે રોજ કમાઇને જીવનારા મજદૂર વર્ગ માટે મસીહાઓની એક
આખી ફોજ ઉતરી આવી હતી. લાગણી અને ભાવનાથી છલોછલ અનેક દ્રષ્યો ચારેબાજુ જોવા મળ્યા.
વિચારો બદલાયા અને ઘરની કંપાઉન્ડ વૉલ જ જાણે બોર્ડર બની !
આરોપ-પ્રત્યારોપ વચ્ચે પણ દરેક પ્રદેશમાં પોતાની રીતે લોકો
લડતાં અને કામ કરતાં જોવા મળ્યાં. બધે જ Social Distancing શબ્દ જીતતો જણાયો પછી ભલેને એ અમેરિકા હોય કે
ઓસ્ટ્રેલિયા હોય. Social Distancingની ફજેતી કરનારા
સમગ્ર દુનિયાના metro cities હાર્યા અને
ગામડા જીત્યા.
આ બધાની વચ્ચે 19 મેના રોજ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા
1 લાખને પાર થઇ ગઇ. સંક્રમણ વધે છે રોજેરોજ નવા આંકડા આવે છે. છેલ્લા ત્રણ દિવસમાં
દેશમાં સૌથી વધુ કૅસ બનવાની સંખ્યામાં ઉત્તરોતર વધારો થતો જ રહ્યો છે. છતાં આ
માહોલમાં પણ માણસ દોડતો થયો છે એ સૌથી મોટું આશ્વાસન છે. હા, એની રીત બદલાઇ છે,
એ પહેલા કરતાં વધારે સજાગ અને વધારે વફાદાર બન્યો છે. એ સૌથી મોટા આનંદની વાત છે.
ક્યાંક એવું લાગે છે કે શિસ્ત જાણે આપોઆપ ઉતરી આવી છે.
આંતરરાષ્ટ્રીય ફલાઈટ લગભગ બંધ જ છે. ટુરિઝમ ઉદ્યોગ તો
માઇનસમાં ચાલે છે એમ ચોક્ક્સ કહી શકાય. દુનિયા આખીમાં રમત-ગમતના સ્ટેડિયમ ખાલી છે.
મંદિર-મસ્જિદ કે ચર્ચ સુના ભાસે છે. સરકારને લોકોને (પ્રજાને)બચાવી લેવા છે અને
પ્રત્યેકને પોતાને અને પરિવારને બચાવી લેવો છે. આ ડર મૃત્યુનો નથી માત્ર સંક્રમિત
થવાનો છે. બોલો સંક્રમણનો પણ આટલો ડર હશે એવું કદી વિચાર્યુંતું?
આ દરેક દિવસ આવનારી નવી પેઢી માટે એક ઇતિહાસ છે. એક શીખ છે
અને આપણે એ ઇતિહાસના સાક્ષી છીએ એનો ગર્વ લેવાનો છે. આ તો આપણા પ્રિય વૈજ્ઞાનિક
અને રાષ્ટ્રપતિ ડૉ. કલામના સ્વપનને સાચું પાડી નવો વણાંક આપી દેશને આગળ લઇ જવાનું
વર્ષ 2020 છે. ભારત વિશ્વસત્તા અને વિશ્વગુરૂ બનવા તરફ આગળ વધે એવા પુરા એંધાણ છે.
આજે નહી તો કાલે કોરોનાના સંક્રમણને સંક્રમી જઇશું જ એ
પાક્કુ જ છે. બસ એના માટે જરૂર છે કે જીવનની પ્રત્યેક ક્ષણ પોઝિટીવીટીથી જ ભરપુર
હોય એટલી જ ! પણ આપણે ક્યાંક આ મુખ્ય વાત
જ ભુલી જઇએ છીએ. અને કોઇ વહેતા સૂરમાં સૂર પુરાવી ઉઠીએ છીએ. યાદ રાખજો દરેક માટે લોકડાઉન પણ ફાયદાકારક જ હતું એના જવાબ પણ મારી
પાસે છે જ ! લોકડાઉનની લાંબી રજાઓએ કશું
આપ્યું કે એમ જ જતી રહી જો કોઇ એમ પુછે તો તમારો જવાબ શું હોઇ શકે? હું રૂપિયાની વાત
જ નથી કરતો... જો જવાબ હા, માં છે તો તમે
જીતી ગયા ? અને જો જવાબ ના
માં છે તો થોડા વધુ મેચ્યોર થવાની જરૂર છે. પોતાનો જ એક નવો દ્રષ્ટિકોણ ખોલવાની
ક્ષણ ક્યાંક ગુમાવી છે એવું હું ચોક્ક્સ માનું છું. જેને તમે ક્યાંક ઓળખવામાં ફેઇલ
ગયાં છો કે અપનાવવામાં ફેઇલ ગયા છો. પણ સાચું કહું તમારો પણ જવાબ હા જ છે. ચાલો
આજે એને જ હું તમને તમારામાંથી જ શોધીને તમારી સામે રજુ કરી બતાવું.
“મારી પાસે સમય જ નથી ઘણું કામ છે” એવું કહેવાવાળા કમ્પલસરી
ઘરમાં રહ્યા અને પોતાના બાળકને અને પરિવારને ભરપુર સમય આપ્યો. અરે આપવો જ પડ્યો...
આની પાછળનું મુખ્ય કારણ શું હતું ખબર છે ? માત્ર ને માત્ર એક જ શબ્દ Competition. હા, આ Competition શબ્દ જ ભુલાયેલો
હતો એટલે આખો પરિવાર ખુશ હતો. પ્રત્યેક ધંધા અને રોજગારો Competition શબ્દને ખોઇ
ચુક્યા હતાં. આખો દિવસ નાના અને મોટા એકબીજાને રમાડતા અને વાતો કરતાં હતાં એવા કદી
ન જોયેલા મજાના દિવસો ગાળ્યા અને તમે કહો કે કશું જ પામ્યા નથી કે કશું મળ્યું નથી
એવું હું કેમ માની લઉં.
ઓછા ખર્ચે અને ઓછી ચીજ વસ્તુઓ સાથે કેમ જીવવું એ જીવતા
આવડ્યું અને તમે કહો છો કશો ફાયદો થયો નથી એવું હું કેમ કરીને માની લઉં ?
સમાચાર કે મોબાઇલમાં કરેલી અઢળક વાતો કે પછી મોબાઇલ કે
ફેઇસબુકમાં ફોરવર્ડ કરેલી એ બધી પોસ્ટે તમને અને ગામડા ગામના સામાન્ય માણસને
પણ Pandemic, Epidemic, outbreak, transmission, Lockdown, Social distancing, Sanitizer, PPE
kit, fogging, isolation, Quarantine જેવા અઢળક
અંગ્રેજી શબ્દો બોલતા અને સમજતાં કર્યા અને તમે કહો છો કશો ફાયદો થયો નથી એવું હું
કેમ કરીને માની લઉં ?
આ દેશના બે મહાન ધર્મગ્રંથ આધારિત સિરિયલ રામાયણ અને
મહાભારત જોવામાં તમે અનુક્રમે એક વર્ષ અને દોઢ વર્ષ જેટલો સમય લીધો હતો એ બન્ને
સિરિયલ નવી પેઢીએ તમે જે માધ્યમ થકી જોયેલ એ દુરદર્શન ચેનલ પર જ દોઢ મહિનામાં જોઇ નાખી અને તમે કહો છો કશો
ફાયદો થયો નથી એવું હું કેમ કરીને માની લઉં ?
આ આખા સમય દરમ્યાન રૂપિયો સતત જીવનમાં ગૌણ બની રહ્યો. અને
અકળાયેલા-અકળાયેલા પણ થોડા એકલા રહેતા શીખી જવાયું એ કંઇ ઓછું છે. અને તમે કહો છો
કશો ફાયદો થયો નથી એવું હું કેમ કરીને માની લઉં ?
બોલો છે ને, આના સિવાય પણ ઘણા કારણ આપી શકાય માત્ર એટલું જ
વિચારવાનું કે પ્રત્યેક ક્ષણ મને કંઇક શીખવી રહી છે. અને હું આવનારા અવરોધને
અતિક્રમી જવા પ્રતિક્ષણ તૈયાર જ છું. બાકી,
યાદ રાખજો આજે સમગ્ર દુનિયામાં નવા રેકોર્ડ બનવાના બંધ થઇ ગયા છે. 2020નું આ વર્ષ
જ્યારે અડધી મઝલ કાપવાની નજીક છે ત્યારે
લિમ્કા બુક ઓફ રેકોર્ડસ કે ગિનિસ બુક ઓફ રેકોર્ડસના પાના સાવા કોરા ગયા છે.
એને 2020ના બાકી રહેલા સમયમાં બમણા વેગથી ભરવાનો જુસ્સો જાળવીને સતત આગળ વધાવાનું
છે. એ કામ આપણે જ કરવાનું છે. હા, બિલકુલ નવા રેકોર્ડ બનાવવાના જ છે.
એ પણ ભુલવા જેવું નથી કે, આવી બીજા પ્રકારની મહામારી ભુતકાળમાં પણ આવી
હતી અને આપણે એમાંથી પણ સાંગોપાંગ બહાર આવ્યા હતાં. પણ એમાં અને અત્યારે આપણે
જોયેલા આ સમયમાં મુખ્ય ફર્ક શું ? તો એક જ જવાબ છે. ક્યાંક અવૅરનેશ વધી છે, ક્યાંક
ટ્રીટમેન્ટના માધ્યમો બદલાયા છે, ક્યાંક વૈચારીક પરિસ્થિતી બદલાઇ છે. અને બધા જ સાથે છે(આખી
દુનિયા) એવો ક્યાંક માહોલ છે. બસ આ જ તો મોટી જીત છે. પરિસ્થિતીને અનુકુળ થઇને કેમ
વર્તવું અને કેમ જીવવું એનો આ અનોખો સમય હતો. અને એમાં ઘણું શીખ્યા અને બીજાને પણ
શીખવ્યું. હજુ પણ શીખતા રહેવાનું છે. પરિસ્થિતીને અનુરૂપ થવાનું છે. નવા નિયમોને
અનુસરવાનું છે. યોગદાન આપવાનું છે અને ફરજ
નિભાવવાની છે.
સાચું કહું, આખા ઘરને દિવાળીએ sanitize કરવાવાળી આ પ્રજા
પોતાને, પોતાના ટેબલને, ઓફિસને કે
વ્હિકલને સતત એક જાતની અવેરનેશ સાથે પ્રતિક્ષણ
sanitize કરતી જોવું છું
ત્યારે અનેરૂ માન ઉપજે છે અને એ જ સાચી રીત છે. એ જ આપણી ફરજ છે અને એ જ નવા
નિયમમાં નો એક નિયમ છે. ડૉ. કલામની એક વાત યાદ આવે છે કે “you cannot change your future, but you can change your
habits, and surely your habits will change your future.” બસ આદત બદલવાની
ઘડી છે. જીત આપણી જ છે.
બાકી આપણે તો ઉત્સવપ્રિય પ્રજા. કોરોના જતો રહેશે પણ
કોરોનાનું બનેલું ગીત, કોરોનાનો ગરબો
કંઇ ઓછા જતાં રહેવાના ! ગણેશોત્સવ આવશે, કંઇ કેટલાય મંડપ કોરાના થીમ સાથે ગણેશને
લાવશે. અરે હજુ તો દિવાળી પર એની રંગોળી
બનાવીશું, કોઇક કંપની
કોરોના જેવો ફટાકડો બનાવશે અને આપણે એનો ધડાકો પણ કરીશું. તો કોઇક કોરોનાના આકારની
પતંગ પણ બનાવશે અને ચગાવશે.... બસ એ નવા દિવસોમાં થોડું બીજુ પણ નવું હશે, હા, થોડા નવા નિયમો
અને થોડી સેલ્ફ અવેરનેસ એને અનુસરીને કોરોનાના સંક્રમણને સંક્રમી જવાનું છે. બોલો
છો ને તૈયાર નવા જોશ અને નવા ઉમંગ સાથે. બાકી સબ તો દેખા જાયેગા... આપણે ગુજરાતી
કોઇથી ન ડરનારા અને સતત લડનારા.
-
અજીત કાલરિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો