બુધવાર, 26 ફેબ્રુઆરી, 2020

On Foundation Day of School






તમે સ્કૂલના કેમ્પસમાં પગ મુકો એટલે કંઇક અલગ જ અહેસાસ થાય. હા, છથી સાત સરકારી સ્કૂલોને ભેગી કરો એવું તો સ્કૂલનું મજાનું મોટું કેમ્પસ. આ મજાના સ્કૂલના કેમ્પસ પર ક્યાંક RCC અને આસ્ફાલ્ટ પથરાયેલા તો ક્યાંક ઘાંસ તો ક્યાંક માટી, તો વળી ક્યાંક બગીચામાં પથરાયેલી મજાની લૉન તો ક્યાંક રેતી. આમ, એક જ કેમ્પસ પર બધાનો સમન્વય અને એ પણ બધે જ પોતાની કોઇ આગવી ઓળખ સાથે ! તો વળી સ્કૂલના કેમ્પસમાં 75 કરતાં વધારે વૃક્ષોનો વૈભવ હતો. ક્યાંક નિલગીરીના વૃક્ષોની તો ક્યાંક આસોપાલવના વૃક્ષોની આખી હારમાળા હતી. ચાર મોટા આંબા તો વળી લીમડો, ઉમરડો, સોનમહોર અને કરણના ઝાડ પણ હતાં. એક લીલા બહેરાનું ઝાડ કે જેના થડનો વ્યાસ 3 ફૂટ કરતાં પણ વધારે હતો. અરે ! હા, ભાગ્યે જ ક્યાંક જોવા મળતું એલીફન્ટ ઇયર ટ્રી પણ આ સ્કૂલના કેમ્પસમાં હોય. તમે માની શકો કે કેમ્પસના એક ખૂણામાં મહોગનીનું ઝાડ પણ હોય. વિદ્યાર્થીઓના નસીબની મજા એ હતી કે આ મોટી સ્કૂલના કેમ્પસમાં શિક્ષકોના પ્રયત્નો થકી જ એક મજાની નર્સરી પણ આકાર પામી અને એની અંદર એક આર્ટીફિશિયલ તળાવને પણ આકાર અપાયો અને એમાં કમળ પણ ઉગાડ્યા હતાં. હા, આવો તો વૃક્ષ વૈભવ સ્કૂલના પ્રાંગણમાં જોવા મળે. આવા સુંદર કુદરતી સાનિધ્યમાં વિદ્યાર્થીઓની સાથે સાથે ત્યાં પક્ષીઓનો કલરવ પણ મજાનો રહેતો. ક્યારેક કળા કરતો મોર મળી આવે તો ક્યારેક ચકલી કે કબુતરનું ક્લાસ રૂમમાં આવી જવું તો ક્યારેક ચોમાસાના એ દિવસોમાં વાઇપરનું દેખાઇ ઉઠવું, તો ક્યાંકથી ધામણનું મળી આવવું એ તો જાણે એકદમ સામાન્ય વાત હતી.સ્કૂલના પશ્ચિમ છેડા પર એક મજાનો બગીચો જેમાં સવારની પાળી પુરી થાય અને બપોરની પાળી ચાલુ થાય એની વચ્ચેના સમયમાં વિદ્યાર્થીઓ પોતાના ગ્રુપમાં બેસીને વાતો કરતાં કે રમત રમતાં. આ બગીચામાં એક મજાનું મોટા સ્ટોનમાંથી બનાવેલું કોઇ કળીનું શિલ્પ હતું જે સ્કૂલની શોભા વધારનારું હતું.
સ્કૂલને પૂર્વ અને પશ્ચિમ દિશામાં એમ બે ગેટ. અને ત્યાંથી ચાલીને જાવ એટલે સ્કૂલના દરવાજા સુધી આસ્ફાલ્ટથી પથરાયેલો રોડ. પૂર્વ દિશાના ગેટ પરથી આવો અને એ રોડ પર ચાલો એટલે સ્કૂલના દરવાજાની સામે જ તમને મળે મજાનો સ્ટાફરૂમ.આ સ્ટાફરૂમ એટલે બે વિભાગમાં વહેંચાયેલ સ્કૂલનો બરાબર મધ્યભાગ.આ સ્ટાફરૂમમાં જ્યારે બે પાળીમાં સ્કૂલ ચાલતી ત્યારે 250 કરતાં વધારે શિક્ષકો રિશેષના સમયે વાતો કરતાં કે નાસ્તો કરતાં તમને જોવા મળે. અને ત્યાં જઇને રેન્ડમલી કોઇપણ એક શિક્ષકને મળવાનું અને થોડી વાતો કરવાની એટલે તમને અહેસાસ થઇ જાય કે વાહ બંદે મેં દમ તો હૈ ! એ દમ કેવો ???... તો કહેવું પડે કે...
એમાં કોઇ ભરપુર સેન્સ-ઓફ-હ્યુમરથી ભરેલ શિક્ષક મળી આવે, તો કોઇ સહજ અને સરળતાથી ભરેલ શિક્ષક મળી આવે એવું બને! કોઇ ગોલ્ડ મેડાલિસ્ટ મળી આવે તો કોઇ અનોખી હટકે ક્રિએટિવિટીનો બેતાજ બાદશાહ મળી આવે એવું પણ બને !
લોકસાહિત્યને રજુ કરવાની અનોખી આવડત હોય કે જેની નોંધ આખુ રાજ્ય લેતું હોય એવું મજાનું પ્રભાવશાળી વ્યક્તિત્વ કે જે એકાઉન્ટ ભણાવતા હોય એ મળી આવે એવું બની શકે, તો વળી જેનું સ્કૂલના દરેક ફંકશનમાં અનેરું યોગદાન હોય એવા એકાઉન્ટ ભણાવતા એકાદ મેડમ મળી આવે એવુ પણ બને !
અંગ્રેજી ભણાવનાર શિક્ષક પોતે એક અનોખા પત્રકાર અને પર્વતારોહક હોય કે જેમણે K2 સર કરેલ હોય એ ક્યાંક મળી જાય એમ પણ બને.તો ક્યાંક તમને ગુજરાતી કે બાયોલોજી ભણાવનારા એવા મેડમ પણ મળી આવે કે જે એક સારા કવિયત્રી હોય અને એમના કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત થઇ ચુક્યો હોય.
ગુજરાતી ભણાવતા એક એવા સર પણ મળે કે એ વ્યાકરણ તો એવું ભણાવે કે વર્ગમાં જ તમને બધું યાદ રહી જાય અને છંદ ગાતા-ગાતા ઘરે પહોંચો અને પાછા એ જ સર સરદાર પટેલ પર સારામાં સારું વ્યાખ્યાન આપે અને આખા ગુજરાતમાં નામના પણ મેળવી હોય. તો હિંદી ભણાવતા એકદમ સીધા લાગતા પાતળા મેડમમાં તમને અધ્યાત્મનો અનેરો રંગ છલકતો જોવા મળે એવું પણ બને. એસેમ્બલીમાં અનેક શિક્ષકો મજાની વાતો અને વાર્તા કહીને સૌના આકર્ષણનું કેન્દ્ર બનતા અને ફરીથી એ સર ક્યારે આવે એની આતુરતાથી રાહ જોવાતી હોય એમાંનું કોઇ મળે એમ પણ બને! ભાષા ભણાવતા સર હોય કે મેડમ બધાની પોતાની એક આગવી ઓળખ ક્યાંકને ક્યાંક જોવા મળે જ!
બીજાને અઘરા લાગતા નકશાઓને એકદમ સરળ રીતે સમજાવી બતાવે તો વળી વધારાનો સમય કાઢીને વિશ્વના બીજા અનેક દેશની આગવી ઓળખ પણ સમજાવી બતાવે અને સાથે સાથે કરન્ટ અફેરની ચર્ચા પણ કરે એવા સમાજવિદ્યાના બન્ને મેડમમાંથી એકાદ મળી આવે એવું પણ બને ! તો વળી કાફકાને વાંચી ચુક્યા હોય અને એમના પર એમનો પ્રભાવ હોય એવા ફિઝિક્સના સર મળી આવે એવું પણ બને !
મજાની નવી નવી કવિતા બોલનારા અને તમે એ કવિતાના લયમાં વહ્યા જ કરો કે પછી ઔરંગઝેબનો એવો તો એકપાત્રિય અભિનય કરે કે સામે બેઠેલા સૌ મંત્રમુગ્ધ થઇને જોયા જ કરે એવા અભિનયના રાજા અને કોઇપણ પ્રવાસનું રમત રમતમાં આયોજન કરી આપે એવા ગણિત વિષય ભણાવતા સર મળી આવે એવું પણ બને ! તો વળી ઇન્ડિયન ફિલ્મનો આખો એનસાઈલોપીડિયા કહી શકાય એવા ગણિત ભણાવતા સર ક્યાંક હાયર સેકન્ડરીમાંથી મળી આવે, તો ગણિતના ગમે-તેવા દાખલાની રકમ જોઇને જ જવાબ બોલી દે એવા કોઇ મહારથી શિક્ષક પણ મળી જાય એમ પણ બને !
મજાનું ઉચ્ચ કક્ષાનું પેઇન્ટીંગ કરતા હોય એવા અંગ્રેજી ભણાવતા સર મળી આવે એમ બને ! તો વળી જેમને આયુર્વેદનો આખો મોટો ખજાનો કહી શકાય અને જેમની પાસે મેડિકલ સાઇન્સનું ઇન્ટરનેશનલ કક્ષાનું નોલેજ હોય જેની નોંધ TOI પણ લીધી હોય એવા અંગ્રેજી ભણાવતા સર પણ મળી આવે એવું બને !
ક્યાંકથી આવીને દેખાઇ ઉઠતી ચકલી કે ચોમાસામાં ક્યાંકથી ચડી આવતા પશુ-પક્ષી કે જંતુ કે પછી વનસ્પતિ કે કોઇ ફૂલને બતાવીને મજાની ઉંડાણ પૂર્વકની સમજ આપી જાય એવા જીવનભર યાદ રહી જનારા બાયોલોજીના મેડમ મળી જાય એવું પણ બને ! તો વળી કોમર્સમાંથી એક મેડમ એવા પણ મળે કે જે એક સારા ગાયિકા હોય અને સારા કોરિયોગ્રાફરની ભુમિકા અનેક સમયે અદા કરી ચુક્યા હોય.
લાઇબ્રેરીના સરને મળો તો ખબર પડે કે અરે આ તો ઉચ્ચ કક્ષાના વાદક અને ગાયક છે તો વળી બાળકો માટે એક મજાના સ્ટોરી ટેલર પણ છે. તો વળી સંગીત હોય કે ચિત્ર હોય કે કલાની કોઇપણ વાત હોય મજાની ક્રિયેટીવીટી ક્યાંકને ક્યાંક સતત કોઇકનામાં છલકતી જોવા મળે જ ! રાજ્યના લલિતકલા એકેડેમીના અનેક સમયે વિજેતા બની સન્માન પામ્યા હોય અને એક અનેરા શિલ્પકાર,આર્ટિસ્ટ અને સ્ટેજક્રાફ્ટ ડિઝાઇનરની આવડતના બેતાજ બાદશાહ હોય એવા મજાના આર્ટના શિક્ષક મળી આવે એવું પણ બને ! તો વળી શાસ્ત્રીય સંગીત તો દરેક સંગીત શિક્ષક જાણતા હોય પણ તલત મહેમુદ થી લઇને રફી અને મેહમુદ થી લઇને જગજીત સુધીના કોઇના પણ ગીત ગાઇ શકે અને દરેકને અપીલ કરી શકે એવા ઉચ્ચ દરજાનાં સંગીત શિક્ષક મળી આવે એવું પણ બને. આ બધામાં વળી કોઇ ગીતાના ચાહક મળી આવે તો વળી કોઇ જનરલ નોલેજથી છલોછલ સર કે મેડમ મળી આવે એમ પણ બને ! બસ આ બધાનો યેનકેન પ્રકારેણ લાભ તો છેલ્લે વિદ્યાર્થીઓને જ મળતો. દરેક સર અને મેડમ લાગણી અને વાત્સલ્યથી ભરેલા અને એના થકી બધાને સતત ભીંજવનારા મુઠી ઉંચેરા માનવ. એક પછી એક દરેક વિદ્યાર્થીને કોઇને કોઇ રીતે પ્રમોટ કરવા દરેક શિક્ષક હંમેશા તૈયાર જ રહેતા. ટુંકમાં કહું તો દરેક શિક્ષક કોઇને કોઇ વધારાની ટેલેન્ટથી ભરેલા કારણ કે આ આખો સ્ટાફ પોતાના પેશનને જીવતું રાખનારો સ્ટાફ હતો. એ પેશનને બાળક વચ્ચે હોંશે હોંશે વહેંચતા એ એમની મજા હતી અને એ એમની મહાનતા હતી. જાણે મલ્ટીટાસ્કીંગ અને મલ્ટીટેલેન્ટીંગ શિક્ષકોની આખી એક વણજાર અહીંના વિદ્યાર્થીઓ માટે હતી એમ કહી શકાય. આનાથી પણ આગળ વધીને કહું તો કહીશ કે બીજી સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે કોમ્પિટીશન હોય પણ આ સ્કૂલની કહાની કંઇક અલગ જ કારણ કે વિદ્યાર્થીઓ વચ્ચે જઇને કોણ વધારે સારું ભણાવે એ શિક્ષકની હેલ્ધી કોમ્પિટીશન વિદ્યાર્થીઓ માણતા અને એમાં વિદ્યાર્થીઓ અઢળક પામતાં.
સ્ટાફરૂમની બીલકુલ બાજુમાં આચાર્યનો રૂમ. આજે પણ આ રૂમમાં પહોંચો તો એક સમયે જીતાયેલી અનેક ટ્રોફી અને સિલ્ડ સ્કૂલના ગર્વની સાક્ષી પુરતા નજરે ચડે. આ રૂમ પછી તરત જ શરૂ થાય વિદ્યાર્થી વિશ્વના રૂમની. હા, જેને ક્લાસ કહો, શાળાનો રૂમ કહો કે વર્ગખંડ કહો જે કહો તે ??? કેટલા વર્ગખંડ ??? એક – બે – ત્રણ ના....રે.... ના... બે મંજિલા ઇમારત અને બે વિભાગની આ સ્કૂલમાં કુલ 69 વર્ગખંડો. અરે આ પણ ઓછા પડે.... અને સ્કૂલના એકથી બાર ધોરણને બે પાળીમાં ચલાવવા પડે. કોઇપણ ધોરણમાં A થી F સુધીના વર્ગ હોય એ સામાન્ય બાબત અને દરેક ક્લાસમાં સરેરાશ 50 વિદ્યાર્થી હોય એ હિસાબે 300 વિદ્યાર્થીઓ એક જ ધોરણમાં હોય ! જે સામાન્ય રીતે એક સ્કૂલની કુલ સંખ્યાનો આંકડો થાય...આ હિસાબે એક સમયે સ્કૂલમાં કુલ 5000 કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણતા. ચારેબાજુ વર્ગખંડ અને વચ્ચે મજાની ખુલ્લી જગ્યા ! આ જગ્યામાં જ ઉભા રહીને પ્રાર્થના થાય અને અનેક સ્પર્ધાઓના આયોજન થાય. ક્યારેક રૂમની આગળની પરસાળમાં ઉભા રહીને જ વેદમંત્રની પ્રાથના થતી હોય એવું દ્રશ્ય પણ બનતું. તો એ એસેબ્લીમાં કોઇ સુવિચાર કે સમાચાર કે કંઇક રજુ કરવાની હંમેશાં અનેક વિદ્યાર્થીઓની તત્પરતા રહેતી. અને એસેમ્બલીના સમાપન સમયે જ્યારે રાષ્ટ્રગીત ગવાતું ત્યારે જાણે કંઇક અલગ જ ફિલિંગ દરેક વિદ્યાર્થી મહેસુસ કરતો, જાણે દેશદાઝ એમ જ દરેકમાં જાગી ઉઠતી એવું લાગતું અને એમાં પણ જ્યારે કોઇ રાષ્ટ્રગીત વખતે હલી ઉઠે અને એ જો કોઇ સર કે મેડમની નજરે ચડી જાય ત્યારે એને પડતો માર હંમેશાં ચર્ચાનો મુદ્દો બની ઉઠતો.... વાહ, દરેકના દિવસની શરૂઆત જ આવી કંઇક મજાથી થાતી.
લાઇબ્રેરીની તો વાત જ શું કરવી ? સ્કૂલની આ લાઇબ્રેરીમાં પાંત્રીસ જેટલા તો મેગેઝિનસ અને પાંચથી છ ન્યૂઝ પેપર આવે અને લગભગ દરેક લેખકના પુસ્તક મળી જ આવે. ભગવતગૌમંડલ, ગુજરાતી વિશ્વજ્ઞાન કોષ કે પ્રવિણસાગર પણ આ સ્કૂલની લાઇબ્રેરીમાંથી મળી જ આવે. ઝવેરચંદ મેઘાણીનું કોઇ પુસ્તક હોય કે હરકિશન મહેતાની કોઇ નોવેલ બધુ જ મળે એવી સમૃદ્ધ તો સ્કૂલની લાઇબ્રેરી.
ફિઝિક્સ-કેમેસ્ટ્રી અને બાયોલોજીના લેબરૂમની તો વાત જ શું કરવી ? એની સાચી વેલ્યુ તો જ્યારે બહારની સ્કૂલના વિદ્યાર્થી પ્રેક્ટ્રીક્લની પરીક્ષા આપવા માટે આવતા ત્યારે થાતી કારણ કે તેઓ તરત જ બોલી ઉઠતા કે “વાહ, પ્રેકટીક્લના ઇન્સ્ટ્રુમેન્ટ એકદમ લેટેસ્ટ છે એટલે એક્યુરેટ રીઝલ્ટ આવશે. ટેસ્ટટ્યુબ તો નવી જ મળે છે તો વળી પીપેટ પર આંકડા ચોખ્ખા વંચાય એટલી નવી છે. ઓહ બાયોલોજીની લેબમાં તો આટલા સ્પેસીમેન અમે પહેલી વખત જોયા અને એ પણ આટલા ક્લિયર દેખાઇ ઉઠે એવા !” આમ સ્કૂલની લેબનો પોતાનો વટ હતો. અને એની પાછળ સ્કૂલના ટીચરોની પારદર્શક અને ખંતીલી મહેનત કારણભુત રહેતી.
સ્કૂલની બહાર આવો એટલે તમને પરફેક્શન સાથે બનેલા બાસ્કેટબોલના એ બે મેદાન જોવા મળે અને બીલકુલ બાજુમાં વૉલીબોલનું ગ્રાઉન્ડ... આ ગ્રાઉન્ડની બરાબર બાજુમાં કલાનું એક આખું મજાનું બિલ્ડિંગ જેને કલામંદિર ચોક્ક્સ કહી શકાય. જેમાં ચિત્ર, સંગીત, સુથારીકામ કે દરજીકામના ક્લાસ લેવાતા. હા, ત્યાં એક ક્લાસ ઇલેક્ટ્રીક ઇન્સ્ટ્રુમેન્ટનો ક્લાસ પણ રહેતો. વિશાળ રૂમ અને એક એકથી ચડે એવા ક્રિએટીવ શિક્ષકો એ જાણે આ કલામંદિરની અનેરી ઓળખ! અને બિલકુલ આવી જ રીતે પી.ટી.ના પિરિયડમાં રમવા માટે પણ ભરપુર સુવિધા મળતી. બપોરની પાળીને શનિવારે સવારે સ્કૂલ હોય અને એમાં પાછો પહેલો પિરિયડ એમ.ડી.નો હોય અને એમાં છસ્સો સાતસો થી વધારે વિદ્યાર્થીઓ ઉંચાઇ પ્રમાણે લાઇન બનાવીને ઉભા હોય અને એમાં પણ શિયાળાની સવાર હોય અને ગ્રાઉન્ડ પર ડ્રમના આધારે સર કસરત કરાવતા હોય એ દ્રશ્ય પણ મજાનું બની રહેતું. આવું જ મજાનું એક દૃશ્ય જ્યારે સ્કૂલ છુટતી ત્યારે રચાતું, જ્યારે સ્કૂલ છૂટતી ત્યારે સ્કૂલમાંથી 2500 કરતાં વધારે વિદ્યાર્થીઓ છુટતા. અને બપોરની પાળીમાં પણ આટલી જ સંખ્યા રહેતી. શહેરના દરેક ખૂણે વિદ્યાર્થીને પહોંચાડવા માટે લગભગ ત્રીસ-પાંત્રીસ બસ આવતી... કેટલીક કંપનીની પોતાની બસ તો વળી કેટલીક પ્રાઇવેટ બસ... અરે એવું લાગે જાણે બસનો એક કાફલો ક્યાંક જવા ઉપડ્યો છે.
રમત-ગમત હોય કે બીજી કોઇ ઇતર પ્રવૃતિ હોય સ્કૂલ હંમેશા આગળ જ હોય અને એમાં શિક્ષકોનું અનેરૂ યોગદાન હોય જ ! આજથી પાંત્રીસ-ચાલીસ વર્ષ પહેલા આ સ્કૂલમાં સ્વિમિંગ કે ટેબલટેનિસ જેવી રમત-ગમતને પણ અવકાશ હતો એની પણ કોમ્પિટીશન થાતી. દર વર્ષે સ્કૂલના વાર્ષિક પ્રોગ્રામ ઓપન એઇર થિએટરમાં થાતા તો વળી અમુક સાંસ્કૃતિક કાર્યક્રમો કે બીજા આયોજનો કોમ્યુનિટી હોલમાં થાતા. આ બધામાં શિક્ષકોની સાથે સાથે પેરેન્ટસનું પણ એટલું જ ઇન્વોલમેન્ટ રહેતું. સાહિત્યના અનેક સત્રો થાતા તો વળી કલા માટે એક સમયે માટીમાંથી કંઇક ક્રિએટીવ કરી ક્રિએટિવિટીને વાચા આપવા માટે એક મોટો વર્કશોપ પણ આયોજન પામ્યો અને બાળકોની એ ક્રિએટિવિટીને તપાવીને ટેરાકોટા પણ ચડાવાયો અને પ્રદર્શનમાં પણ એ નમુના રજુ કરાયા હતા. તો વળી, દર વર્ષે યુવક મહોત્સવ જેવી સ્પર્ધામાં સ્કૂલમાંથી બસ ભરાય એટલા વિદ્યાર્થીઓ ભાગ લેવા જતા અને અનેક ઇનામો જીતીને આવતાં. આવો પ્રભાવ હતો આ મજાની સ્કૂલનો !
આ સ્કુલ એટલે IPCLની ગુજરાતી માધ્યમની મજાની મારી સ્કૂલ. હા, હું અહીં જ ભણ્યો અને અહીં જ ઘડાયો. હા, હું ચોક્ક્સ કહીશ કે મારા ઘડતરમાં મારી સ્કૂલ અને મને ભણાવનારા શિક્ષકોનો અમુલ્ય ફાળો રહ્યો. આજે આ સ્કૂલ તો છે પણ નામ બદલાઇ ચુક્યું છે આજે એ Reliance School કહેવાય છે. વિદ્યાર્થીઓ ખૂબ જ ઓછા છે પણ જ્યારે એના પ્રાંગણમાં જાવું છું ત્યારે રોમેરોમ જાગી ઉઠે છે. શૈશવના એ સ્મરણોમાં સરી પડું છું. અને પરિસરમાં પહોંચું છું તો ક્યાંક પ્રાર્થનાનો એ ધ્વનિ સંભળાઇ ઉઠ્યાનો ભાસ થાય છે. તો કોઇક નાના બાળકને જોવું છું ત્યારે એમાં ક્યાંક હું મારું જ બાળપણ શોધી લઉં છું. લાઇબ્રેરીમાં પગ મુકુ છું ત્યારે યાદ આવી જાય છે કે સફારી વાંચવા માટે કે અભિયાનના પહેલા પેજ પર કાન્તિ ભટ્ટનો તંત્રી લેખ વાંચવા કેવી દોટ લગાવતો. સવારના સાતથી સાંજના પાંચ સુધી સતત સ્કૂલ ધબકતી અને રોજ હજારો વિદ્યાર્થીઓ કંઇક પામતા. કોઇકને ચીડવવાનું તો કોઇક મિત્ર માટે સામેવાળા સાથે ફાઇટ કરી લેવાની એ મજા હતી, એ મસ્તી હતી અને ક્યાંક રોમેરોમમાં જે નિર્દોષતા હતી એને હું ક્યાંક શોધું છું. અને વિચારે ચડી જાઉં છું કે... મારી સાથે કે આગળ પાછળ ભણનારા મિત્રો ક્યાં છે એવું વિચારું છું ત્યારે યાદ આવે છે..... અરે સ્કૂલના એસ્લ્યુમિનસની તો વાત જ શું કરવી કોઇ મારી જેમ બીઝનેસમેન તો કોઇ પત્રકાર, કોઇ એક્ટિવીસ્ટ તો કોઇ ડૉકટર, કોઇ શિક્ષક તો કોઇ એન્જિન્યર, કોઇ ગવર્નમેન્ટમાં તો કોઇ ગુગલમાં, કોઇ પોતાની કંપનીના માલિક તો કોઇ કલાના ઉચ્ચ દરર્જાના કલાકાર, કોઇ મેનેજર તો કોઇ મિલિટ્રીમાં, કોઇ મિલિયોનેર તો કોઇ બિલિયોનેર, કોઇ આઇટીમાં તો કોઇ આઇઆઇટીમાં, કોઇ દેશમાં તો કોઇ વિદેશમાં સ્કૂલમાં જોયેલા સપનાને બધા આજે કોઇને કોઇ રીતે પુરા કરી રહ્યા છે. અને ગગનને ચારે-કોર પાંખ ફેલાવીને ઉડી રહ્યા છે. 2016માં ડૉ. તુષાર અને એની ટીમે જે નોસ્ટાલ્જિયા ઇવેન્ટ કરી ત્યારે અનેકને મળાયું તો અનેક ગુરૂજનોને મળ્યાનો આનંદ હતો. ત્યારે 800 કરતા વધારે વિદ્યાર્થીઓ અને અનેક ગુરૂજનો એ જ કેમ્પસ પર હતાં. અનેકની મહેનતનો સરવાળો અને અકલ્પનીય એ આયોજન હતું. પણ સાચું કહું આયોજન અને નવા વિચારોને વાચા આપવાની ગળથૂથી આ જ સ્કૂલે દરેક વિદ્યાર્થીને પાઇ હોય એવું લાગે છે. અને આજે સ્કૂલનો ફાઉન્ડેશન ડે છે. ત્યારે જીવનમાં ડગલે-ને-પગલે સતત કંઇક નવું શિખવી દરેક પળે જુસ્સો વધારી આપનાર ગુરૂજનો અને એ ધન્ય ધરાને એ કેમ્પસને દિલથી વંદન ! સ્કૂલનો આ વિચાર એક ફણગો થઇ ફૂટ્યો અને આજે એના ફળ જગતના ચારે ખૂણે ફેલાયા છે એનો અનેરો ગર્વ છે. છેલ્લે મનોજ ખંડેરિયાના શબ્દમાં સ્કૂલ અને સ્કૂલના શિક્ષકો માટે એટલું જ કહીશ કે...
“ મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યાં તારે નગર જવા,
ચરણ લઇ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે.”

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો