બુધવાર, 26 ઑગસ્ટ, 2020

Meghani Statue at Race Course Vadodara





દરેક શહેરમાં કોઇકને કોઇક ચૌરે કે કોઇ સરકારી કચેરીના પ્રાગંણમાં ક્યાંક કોઇકનું મજાનું બાવલું ઊભું હોય છે. શા માટે ? જવાબ છે. સતત દોડીને થાકેલો માણસ ક્યાંક એ મહામાનવને જોઇ એના વિચારોને પામી ફરીથી દોડતો થાય, તો વળી ત્યાંથી પસાર થતાં દરેકને ક્યાંક એ મહામાનવના આદર્શો કે સિદ્ધાંતો યાદ આવે અને આચરણમાં મુકાય, તો વળી કોઇક પૌત્ર દાદાજીની આંગળી પકડીને ચાલતો જાતો હતો કે પછી પોતાના પિતા સાથે ત્યાંથી પસાર થાય અને પોતાની જીજ્ઞાસા સંતોષવા પુછી બેસે કે આ બાવલું કોનું છે ? એ કોણ હતું ? અને એ દાદાજી કે પિતા  ઇતિહાસની તરજો પર ચડેલી ધૂળને ઉડાળીને મજાનો ઇતિહાસ માંડે અને નવી પેઢી એ નામને જાણે અને કદી ન ભુલે એ જ ઉદેશ્ય સાથે શહેરમાં ક્યાંકને ક્યાંક કોઇ મહામાનવના બાવલા મુકાતા હોય છે. પણ જ્યારે કોઇ નવી પેઢી સામે કોઇ એ બાવલાનો ઇતિહાસ માંડતું હશે ને ત્યારે ઘડિક તો એ બાવલામાં પણ પ્રાણ આવી જતાં હશે અને કોઇકનો મજાનો ઇતિહાસ સાંભળ્યા બાદ જ્યારે નાનો બાળ બોલી ઉઠતો હશે કે હું પણ આમના જેવો જ બનીશ કે આમના જેવું જ કોઇક મહાન કામ કરીશ ત્યારે તો કદાચ એ બાવલું આછું હસી પણ લેતો હશે. પણ આ બાવલા એમ જ થોડા મુકાઇ જતા હોય છે એના માટે તો કોઇક વિરલાના મનમાં એ વિચારનો ફણગો ફુટવો જોઇએ, અનેકનો સહકાર જોઇએ બવલાને કંડારનાર મજાનો કસબી જોઇએ અને શહેરના ઉપરી અધિકારીઓની જે તે જગ્યાએ મુકવા માટેની હા પણ જોઇએ. અને આજે આવી જ એક મજાની વાત માંડવી છે, કહાની છે વડોદરાની ! હા, એ જ સંસ્કારનગરી વડોદરાની ! છેલ્લા વિસેક વર્ષ કરતાં વધારે સમયથી વડોદરામાં જનજાગૃતિ અભિયાન ચલાવી અનેક મજાના આયોજન કરી શહેરીજનો અને યુવાનોને એક અલગ જ રાહ ચિંધી એ નામ એટલે મનહરભાઇ શાહ. 29/01/2007નો દિવસ હતો અને આવું જ એક કોઇ મજાનું આયોજન સાકાર થઇ રહ્યું હતું... એ પ્રસંગ હતો શહિદ ભગતસિંહના જીવન અને કાર્ય ઉપર તૈયાર કરવામાં આવેલ પ્રદર્શનનો... મંચ પર મનહરભાઇ હતાં અને અતિથી વિશેષ તરીકે સમાજીક કાર્યકર મૌલિન વૈષ્ણવ હતાં. મનહરભાઇએ પોતાના મનના વિચારને વાચા આપતાં કહ્યું કે આ સંસ્કારી નગરીમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીનું જો એક સ્ટેચ્યું હોય તો એને જોઇને આવનારી પેઢી કંઇક પ્રેરણા લેશે અને સંસ્કારીનગરીની ગરીમામાં વધારો થાશે. મનહરભાઇના મનોવિશ્વમાં ફણગો થઇ ફૂટેલ આ સુંદર વિચારને મૌલિનભાઇએ તરત જ સહર્ષ સ્વિકારી લીધો અને જાહેર કર્યું કે શક્ય એટલી ઝડપથી ઝવેરચંદ મેઘાણીજીની સુંદર પ્રતિમા યોગ્ય જગ્યાએ મુકાશે. અને પછી શરૂ થયા મનહરભાઇના અથાક પ્રયત્નો ! અને 15/08/2008 ના રોજ મોરારી બાપુના હસ્તે પ્રતિમાનું અનાવરણ થયું. હા, આ કાર્યમાં મૌલિનભાઇની સાથે સાથે રાઘવજીભાઇ રયાણીનો પણ એટલો જ સહકાર રહ્યો હતો. આમ, વડોદરાની બે સામાજીક કાર્યકર સંસ્થાઓ સૂરવાણી અને અ. કે વૈષ્ણવ ચે. ટ્રસ્ટના સહયોગથી વડોદરાના જાહેર માર્ગ પર રાષ્ટ્ર્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા સ્થાન પામી.  અને મજાની વાત તો એ કે આ પ્રતિમા વડોદરાના જ શિલ્પી કોલ્હાટકરે(જેમની ત્રણ પેઢીથી આ જ કામ કરાય છે)જ કંડારી છે. પ્રતિમા તો મુકાઇ પણ પછી શું ???? આ સંસ્કારીનગરી છે એ કંઇ ચુપ થોડી રહે....! મેઘાણીજીના જન્મદિવસે ત્યાં સુંદર આયોજનો થાય...  જોરૂભા ખાચર જેવા મર્મજ્ઞી મજાના દુહા-છંદ રજુ કરે અને મેઘાણીની વાતો માંડે ત્યારે અનેરો આનંદ છવાય અને સમગ્ર વાતાવરણ મેઘાણીમય બની રહે.  એમાં પાછા એક મેઘાણીપ્રેમી જીવ તપનભાઇ દાસગુપ્તા આંતરશાળાકીય નર્મદ - મેઘાણી ગ્રુપ સોંગ સ્પર્ધાનું આયોજન કરે અને નવી પેઢીના હૈયામાં મેઘાણીને જીવતા રાખે. એમાંય પાછું ગયા વર્ષે તો મેઘાણી ગરબાનું આયોજન કર્યું અને નવો વિક્રમ સર્જી નાખ્યો. અને આ વર્ષે તો આ બધાને સાથે મળીને જોરશોરથી મેઘાણીની 125મી જન્મજ્યંતિ ઉજવવાનું ઘેલું હતું, ઇન્તેજારી હતી. પણ કોરોનાના કહેર વચ્ચે એ આશા અધુરી રહી પણ જનજાગૃતિ અભિયાનાના પ્રણેતા મનહરભાઇની પ્રેરણા અને સાથથી જોરૂભા ખાચરે સરે શરૂ કરેલ 125 ઝવેરચંદ મેઘાણી વંદના વ્હોટસ એપ ગ્રુપમાં ઘણું જાણવા મળે છે અને એક અનેરી રીતે મેઘાણીજીને સાચી રીતે યાદ કરી વંદન કરાય છે એવું સતત લાગ્યા કરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો