બુધવાર, 26 ઑગસ્ટ, 2020

 

ધીંગી ધરાના ધૂળધોયા ને સવા શતાબ્દીએ સલામ !!!!!

શતાબ્દિ વંદના....



આજથી બરાબર 125 વર્ષ પહેલા 28 ઑગસ્ટ 1896ના દિવસે સૌરાષ્ટ્રની ધરતીનો એક અનોખો પ્રદેશ કે જે  કંકુવરણી ભોમકા(ધરતી) તરીકે ઓળખાય છે અને જ્યાં માં ચામુંડાનું સ્થાનક છે એ ચોટીલાના પ્રદેશમાં એ જમાનાના અઘોર વાસ તરીકે ઓળખાતા પોલિસ મથકના  ઘરમાં એક પાણીદાર બેટડો જન્મે છે. એ બાળક યુવા અવસ્થાએ પહોંચે છે ત્યારે કહી શકાય કે વાંકડિયા વાળને માથે ફેંટો, એ જ કાઠિયાવાડી પહેરણ-ઘુંટણ સુધીનો લાંબો કુર્તો ને ઉપર કોટી, પગ ઉપર ધોતી ને તળિયે મોજડી પહેરતો જુવાન પોતાની સમજણને આધારે વાતું માંડે, કવિતા લખે, ગીતો લખે, સ્વતંત્રતા સંગ્રામનો એક અલગ જ હિસ્સો ગણી શકાય એવા અનેક કામ કરે, ગામના પાદર કે ઝાંપે કે ખેતરે બલિદાન આપી ચુપ થઇ ગયેલ પાળિયાવ ને કે ખાંભીઓને સીમાડાઓ તોડી આખા પ્રદેશમાં યુગો સુધી યાદ રહે એવી મજાની ઓળખ આપે.... એ નામ એટલે ઝવેરચંદ મેઘાણી. 

આ એક એવા સમયની વાત છે કે જેમાં એક તરફ અંગ્રેજ સલ્તનત અને એમની સાથે આપણામાંના  જ થોડું ભણેલા પણ એમના બની બેઠેલા માણસો વચ્ચે જીવન હતું, રજવાડા અને રાજના માણસો વચ્ચે જિંદગી જાણે ઝોલા ખાતી, સંબંધો અને વચનમાં અટવાતો માણસ આયખું એમ જ પુરૂ કરી નાખતો, રૂઢિચુસ્તતા અને અનેક બંધનોમાં માણસ એમ જ જીવન જીવતો, ક્યાંક દુષ્કાળ કે પુરથી પીડાતો એક આખો મોટો વર્ગ, તો વળી ક્યાંક  નાત- જાતના બંધનોથી  પિડતો આખો એક જનસમુદાય, પણ આ બધાની વચ્ચે  લાજ અને વેદના સાથે ક્યાંક આખું આયખું પુરું કરતી પ્રજા વચ્ચે નિપજેલા  અનેક અપવાદોને, અનેક પરાક્રમોને અને અનેક ગાથાઓને જીવતી રાખવાનું કામ જો કોઇએ કર્યું હોય તો એ મેઘાણી. એમની આ વાતોમાં ક્યાંક નેક, ટેક અને વચનથી બંધાયેલ માનવની ગાથા છે તો ક્યાંક પાણીદાર ઘોડા કે ગાયું કે ભેંસ કે સાવજની દરેક ડગલે ને પગલે વાતું છે. બલીદાન અને શૌર્ય છડી પોકારીને શબ્દે શબ્દે બોલે છે. શબ્દોમાં પ્રકૃતિની સોડમ છે ને ઊઠો જાગો અને લાગી પડોની એક હાકલ છે. રણનું મેદાન છે ને ગામનું સાવ નાનું ખોરડું પણ છે.  ગામડા ગામના સાવ સાદા દેખાઇ ઉઠતા માણસમાં ક્યાંક કોઇ ભગતની વાત છે તો ક્યાંક માથે બેડું અને કાંખમાં ગાગર લઇ રોજ હાલી આવતી બેન દીકરીઓની શૈર્ય ગાથા છે તો ક્યાંક એના ત્યાગ અને સમર્પણની મજાની વાતું છે. ત્રોફુ ત્રાફવાતીને બહારવટિયાના ભરપેટ વખણ કરી એના પર વિશ્વાસ રાખતી બેન-દીકરીયુંના બોલ કે બલિદાન આજે જો જીવે છે તો એ માત્ર ને માત્ર મેઘાણીના લોકસાહિત્યના કારણે.

કલમના આ કસબી એ પોતાની દસ્તાને કલમથી  ઇતિહાસની એવી મજાની  વાતું આલેખી કે આખું ગુજરાત આજે સવાસો વર્ષે પણ મેઘાણી નામને માનપૂર્વક યાદ કરે છે. બસ્સો- ત્રણસો કે ચારસો વર્ષ પહેલાના ઇતિહાસની વાતું વાંચતાં એ જાણે આજે પણ નજર સમક્ષ આવીને ઊભી રહી જતી હોય અને આપણે એ પ્રદેશને કે એ સ્થળને કે એ પાત્રને અડીને આવી પહોંચ્યા હોય એવું વાંચ્યા કે માણ્યા પછી  લાગ્યાં કરે એવું ઉમદા સાહિત્ય પિરસ્યું. ધન્ય મેઘાણી ધન્ય !  

અનેક રીતે શબ્દોને પોંખનાર આ સરસ્વતી ઉપાસક ગદ્યના શબ્દને એવી રીતે રજુ કરે કે બાળમાનસ હોય કે જનસમુદાય એની વાત જાણે કાયમ માનસપટ્ટ પર અંકિત થઇ જાય તો પધ્યના શબ્દો હૈયે એવા તો કોતરાય જાય કે રોજ હોઠે આવીને  રમે !  માણ્યા પછી એકવાર તો મન પોકારી જ ઊઠે કે હે મેઘાણી તારા જેવો શબ્દોપાશક આ જગતમાં મળવો મુશ્કેલ !  

આજે આ મેઘાણી સાહિત્યમાં ક્યાં ક્યાં છે?  તો એક જ જવાબ છે કે ગામડા-ગામના લોકગીત થી માંડી લોકવાર્તાઓમાં સતત મેઘાણી ધબકે છે. કવિતાઓમાં કે શૌર્યની વાતોમાં મેઘાણી સતત ડોકાય છે.  સોરઠના સંતોની વાત હોય કે સિંહની વાત હોય મેઘાણી ક્યાંક ને ક્યાંકથી બોલી ઊઠે છે. માત્ર વાતો નથી મંડાતી એમના લેખનમાં અવીરત રીતે સત્યનો રણકાર તળપદી ભાષામાં સતત વહેતો રહ્યો છે અને હજુ નવી પેઢી એ માણી જ રહી છે. એમના જ શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે “ગામડા ગામની વાતોને એવી રીતે રજુ કરી કે એ વાતુ પાદર છોડી - બધા જ સીમાડાઓ તોડીને શહેરની ગલીઓમાં અને લોકહૈયામાં સ્થાન પામી.”  

ધર્મઝનૂનનાં વિષ નિતારતી વાતો આલેખે અને નવું જોમ પુરે એ મેઘાણી. એક પ્રદેશ કે પ્રજાની જીવન પ્રત્યેની, ધર્મ પ્રત્યેની કે મૃત્યુ પ્રત્યેની જે ફિલોસોફી હોય  એને બખુબી રજુ કરી આપી એ મેઘાણી !  જાતવંત લોહી-મિશ્ર કે વિર્યવંત કેટલીય જ્ઞાતિઓને કેટલીય જાતિઓને એના મૂળિયા સુધી લઇ જઇ એમના મજાના ઇતિહાસનું અમૃત પાન કરાવ્યું ને સાથે સાથે  એમના  અજોડ ઇતિહાસને લોકમાનસમાં કાયમ માટે કંડારી આપ્યો એ મેઘાણી.  આ જગતમાં DNAની શોધ તો 65-70 વર્ષ પહેલા થઇ, પણ કોઇ ખોરડાની કે કોઇ કોમની કે કોઇ જાતિ ની  ખાનાદાનની-ખુમારીની-શૌર્યની-બલીદાનની  કેટલીય વાતું એવી રીતે આલેખી કે જાણે સમગ્ર પ્રજાને એનો એક એક્ષ-રે એમના હાથમાં ધરી દીધો. અને એટલે જ કંઇ કેટલાય કુટુંબ માટે, લોક માટે, પ્રજા માટે મેઘાણીના લખાણ આજે પણ એક પ્રોમીસરી નોટ સમાન છે. નોબેલ પારિતોષિક સમાન છે.

મેઘાણીની શબ્દ સાધનાના ઊંડાણમાં ક્યાંક કોઇ કવિ પ્રગટ થતો દિસે તો ક્યાંક ઊચ્ચ કક્ષાનો મજાનો પત્રકાર દેખા દે ! એક કવિ, લેખક, વિવેચક, નવલકથાકાર, સંશોધક, સ્વતંત્રસેનાની, પત્રકાર, સમાજ સુધારક, વિચારક, અનુવાદક, વક્તા અને ગાયક એવા મેઘાણીને તમે એકેય ક્ષેત્રે સહેજેય ઓછા ન આંકી શકો.  અને છતાં નિરાભીમાન સાથે સાદાઇથી પોતાને ‘પહાડનું બાળક’  કહેવડાવે એવા આ મજાના મેઘાણી !  જ્યારે એક કવિ તરીકે મેઘાણીની વાત મંડાય ત્યારે ચોક્ક્સ કહેવું પડે કે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવાની સાથે સાથે અનેક ગીતો રચી લોકજુવાળમાં એક અલગ જ  ભાવના અને જોમ પેદા કરવામાં મેઘાણીનું અનેરૂ યોગદાન રહ્યું છે. એમની અનેક રચનામાં વેદના અને લાગણી નીતરતા શબ્દો દરેકને પોતિકા લાગે અને સાંભળનાર કે ગાનાર કે વાર્તાકારની આંખો ત્યારે પણ ભીની થાતી અને આજે પણ એવું બને જ છે. પછી ભલેને એ ધંધુકાની કોર્ટ કચેરીમાં ઉભરાયેલ માનવ મહેરામણ સાથે જજની પોતાની દાસ્તાન હોય કે કોઇ બીજી જ જનમેદની હોય કે આજના ડાયરાનું સ્ટેજ હોય ! એમની અનેક રચાનાઓમાં લોકોના ધડકતા દિલ ને નમ થઇ ઊઠતી આંખો જોવા મળે જ !

મેઘાણી એમની રચનાઓમાં આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ઉચ્ચસ્તરીય અનુવાદના લાગણીભીના રણકારથી કવિતા કે કોઇ વાતને પોંખીને રજુ કરવી એ મેઘાણીના જીવનની બીજી બાજુ. એ અનુવાદ પણ એટલો મજાનો થાય કે મૂળ કૃતિ કે રચના પણ વામણી લાગે પછી ભલે ને એ ‘રક્ત ટપકટી સો સો ઝોળી આવે’....એ  હોય કે બીજુ કાંઇ.....

છતાં આ બધાની વચ્ચે એક ઓફબીટ વાત કહું !   કોર્ટમાં ગાયેલું ‘છેલ્લી પ્રાર્થના’ ગીત હોય કે ઓરજીનલને પણ ભુલાવી દે એવો ભાવાનુંવાદ કરી રચેલું ‘કોઇનો લાડકવાયો’ ગીત હોય એ બન્ને સાથે ક્યાંક ને ક્યાંક જેલ શબ્દ જોડાયેલો છે.

આ જ  મેઘાણી પોતાના જીવાનમાં 12 વર્ષની ઉમરે પહેલી કવિતા લખે પણ છેક  1928માં 32 વર્ષની ઉંમરે પોતાનો પહેલો  કવિતા સંગ્રહ ‘ વેણીના ફૂલ’ આપે !  અને વેણીના ફૂલના પ્રથમ આવૃતિના સમાપન સમયે બેનીનો આ લાડકવાયો એના પોતિકા  મીજાજમાં કહે છે કે “ હું તમારે માટે નવા ડુંગરા ભમું છું. ને નવા ફૂલો વીણું છું.”  અને વળી ક્યારેક આ જ મેઘાણી નિરાભીમાન સાથે કહી શકે કે  “હું લોકજીવન અને લોકહ્રદયનો નમ્ર નિરીક્ષક છું.  હું તો લોકજીવનનો નિરીક્ષક અને ગાયક છું.” વાહ લોકજીવનના ગાયક તને કોટી કોટી પ્રણામ !  

12 માર્ચ 1930ના રોજ દાંડીકૂચ અને બરાબર 24 દિવસ પછી 6 એપ્રિલ એટલે મેઘાણીના ત્રીજા કાવ્ય સંગ્રહ (‘કિલ્લોલ’ બીજો કાવ્ય સંગ્રહ 1929) ‘સિંધુડા’ નો જન્મ. રાષ્ટ્રપ્રેમ જગાવી આપે અને યા હોમ કરીને સ્વતંત્રતાની લડાઇમાં ઝંપલાવવામાં મજબૂર કરી મુકે એવો અદભુત કાવ્યસંગ્રહ એટલે ‘સિંધુડો’.  ‘સિંધુડા’ ની તાકાત તો એવી કે સરકારને પણ રચયિતાને પકડવા માટે મજબુર બનાવી !  અને મુકદમો ચલાવી એ કાવ્યસંગ્રહ પર પ્રતિબંધ લગાવાયો. અને છતાંય જેલવાસ દરમ્યાન પણ પોતાનું કામ તો ચાલુ જ રાખે અને ત્યાં જ ‘Somebody’s Darling... કવિતાનો અનુવાદ થાય....  આમ મેઘાણી સતત કર્મશીલ રહે, અને આ કર્મશીલ નૌજવાન મેઘાણીને ન પ્રસિદ્ધિની ભૂખ કે ન કોઇ બીજી ખેવના બસ દેશ-પ્રદેશ કે વતન માટે- આઝાદી માટે લડવું અને કામ કરવું એ જ એક ધ્યેય. એ જ એક મકસદ ! અને એટલે જ એક ખુમારીથી ‘કોઇનો લાડકવાયો અને બીજા ગીતો’ પુસ્તકના નિવેદનમાં મેઘાણી લખી શકે કે “નૌજવાનો જે ગીતોને પોતાના કરી લલકારે, તે ગીતોના રચનારને બીજા કયા બીરદની તૃષ્ણા રહે ?” ધન્ય મેઘાણી તને ઘન્ય !

અરે ! મેઘાણીનો ખરો પ્રતાપ  તો એ છે કે એમના એક જ ગીત અને એના શબ્દોના જાદુએ બાપુને પણ રાષ્ટ્રીય શાયર કહેવા પર મજબુર કરી દિધા. તો બીજી બાજુ એમને માણ્યા પછી ટાગોરને પણ કહેવું પડ્યું કે મારે તો તમારા ગુજરાતને માણવા આવવું પડશે. વાહ બાપ વાહ !

હે... રાષ્ટ્રીય શાયર તને દિલથી વંદન !  

અરે !  આ જ મેઘાણી પોતાના જીવનના સાહિત્યિક પડાવના આરંભના આઠ વર્ષ અને જીવનના છેલ્લા આઠ વર્ષ(1922- 1930, 1939- 1947) જ્યારે લોકસાહિત્ય પાછળ ખર્ચે અને કસુંબલ રંગથી રંગાયેલ લોકસાહિત્ય ગુજરાતી ભાષા-સાહિત્યને આપે ત્યારે ગર્વથી કહી શકે કે “મારું ઇતર લેખન જરૂર ભલે ભૂંસાઇ જાઓ(ને ભૂંસાઇ જશે તો !) હું ફકત એકલો લોકસાહિત્યનું નામ લઇને ઊભો રહીશ.” અને આજે મેઘાણી નથી એને વર્ષોના વાણા વાયા છે, તોયે આજે એક નવા યુગમાં નવી સદીમાં એમનું લોકસાહિત્ય એક બોન્ડપેપેર સમાન છે. સાહિત્યના એક દસ્તાવેજ સમાન લેખાય છે. તો બીજી બાજુ એ પણ હકીકત છે કે એમનું ઇતર લખાણ એ પણ એક ઊંડા સંશોધનનો વિષય છે. એમનાં લખાણોમાં ક્યાંક વિનંતી કે વેદના છલકે છે, ક્યાંક યુદ્ધવિરામ તો ક્યાંક રણશિંગા ફૂંકવાની વાત છે, ક્યાંક સ્વતંત્રતાની લડતનો જોમ છલકે તો ક્યાંક જીવનસંધ્યાની તો ક્યાંક મૃત્યુની છાયા છલકતી દિશે છે... આ બધુ જ જાણે વાચકને પોતિકું લાગે, પોતાના જ જીવનની વાત લાગે... એવું મજાનું આલેખન. અને એ જમાનામાં આની એવી તો અસર થઇ કે મેઘાણીનું નામ પડે અને જનમેદની ઉમડતી. અને છતાં આ બધાની વચ્ચે નમ્ર રહી એમ કહે કે “લોકસાહિત્ય એ તો મહાસાગરને હોડકાથી ઉલેચવાનું કામ છે. અભણ બોલે ને ભણેલા સાંભળે, ગામડું બોલે ને નગર સાંભળે, હ્રદય બોલે ને બુદ્ધિ સાંભળે તેનું નામ લોકસાહિત્ય.” અને એટલે જ  આવા મલ્ટીટાસ્કીંગ અને મલ્ટીટેલેન્ટેડ પર્સનાલીને નવાજવા પિંગળશીભાઇ ક્યાંક લખે છે કે ...

ઘડીક ડેલીએ ઘડીક ડાયરે વનવગડે વિચરતો,
ઘડીક ડોશીમાં પાસે બેસી વ્રતકથાઓ સૂણતો,
ગીરતણા જંગલમાં રાતે ખડતલ આંટો ખાતો,
માલધારીઓને મનગમતો ગીત નેસમાં ગાતો.

વાહ મેઘાણી વાહ !

સાહિત્ય શબ્દને કેમ જીવાય, કેમ પચાવાય અને સાહિત્ય રસને કેમ પીવાય એ તો તે દરેક ડગલે સાબિત કર્યુ !

તો વળી,  સરદાર વલ્લભભાઇ પટેલે એમને ‘A voice full of courage’ નું બિરુદ આપીને નવાજ્યા છે.

અને આ બધાની વચ્ચે એક સાચી વાત કહું -એક હકીકત કહું કે કાળની થપાટે કે સમયાંતરે સાહિત્યમાં શબ્દો નવજીવન પામતાં રહેતા હોય છે. પણ કોઇ એક જ માણસના શબ્દો જાણે એક સદી જેટલા સમય સુધી સતત લોકમોઢે એના એ જ સ્વરૂપે રહ્યા હોય અને એક દાસ્તાવેજ બની જતાં હોય એવું ભાગ્યે જ ક્યાંક બનતું હોય છે. જાણે આખા પ્રદેશની પ્રજા માટે એ સાહિત્ય એક વેદ સમાન હોય, સમજણની કે ઇતિહાસની એક સીડી હોય, લોકજીભે કે લોકબોલીમાં એ આગવું મહત્વ ધરાવતા હોય એવી કમાલ જો કોઇએ કરી હોય, એવું નામ જો લેવું હોય તો માત્ર ને માત્ર  ઝવેરચંદ મેઘાણી એ એક જ નામ યાદ આવે.

 

સૌરાષ્ટ્રની વાત હોય,  જ્યાં ખાગ અને ત્યાગ પોતાના સ્વાર્થ માટે નહીં પણ પરોપકાર માટે ઉપયોગમાં લેવાયા હતાં ત્યાં ત્યાં મેઘાણીની કલમ બોલી છે, ક્યાંક ઓવારણા લેતી મા કે બેન દીકરીયુંની વાતો છે, તો ક્યાંક લગ્નની પહેલી રાતે જ યુદ્ધે ચડેલ વીર ની વાતો છે. ક્યાંક ગર્ભમાં રહેલા બાળની વાત છે તો ક્યાંક ગર્ભવતી માંની વાત છે. અને એ ઇતિહાસ આજે પણ એટલા જ ગર્વ સાથે યાદ કરાય છે. નાના વરણનો કોઇ માણા હોય પણ એની ખાનદાની મહેકતી હોય એની વાત હોય કે ઉજળિયાત કોમના કોઇ ભામાશાની વાત હોય કે કોઇની ખુમારીની વાત હોય, શૌર્ય કે બલીદાનની વાતનો ડાયરો જેણે હાટડીએ હાટડીએ જમાવ્યો એ મરદ મેઘાણી. તો આ મેઘાણીએ જ ગુજરાતમાં ‘માણસાઇના દીવા’ થકી અજવાળા પાથર્યા.  અને છતાં સહજતાથી કહે કે “મારી પ્રકૃતિમાં એક લાભદાયી તત્વ છે :  હું એક રસઘોયું શ્રોતા છું. સામાની વાતોને સાંભળ્યા જ કરવાનો સ્વાદિયો છું.” વાહ મેઘાણી વાહ ! એક રસઘોયા શ્રોતા બનીને જે સાંભળ્યું અને એને જે રીતે સાંકળ્યુંએ માટે તમે આજે પણ  યાદ છો જ અને એટલા જ પ્રસ્તુત છો !

પણ, દેશની આઝાદીને માત્ર 158 દિવસની જ વાર હતી એ દિવસ એટલે  9 માર્ચ 1947 અને તે દિ આ ગીતગાનારો, કથાયુ લખાનરો - 50 વર્ષ 6 મહિના અને 11 દિવસ લગી લાડકવાયો બની ડુંગરા ભમનારાના જીવનમાં કલમરૂપી શરીરમાંથી જાણે શાહી એકદમ જ સુકાઇ ગઇ, અને કલમ કાયમને માટે ખામોશ થઇ ગઇ. પણ જીવભર આ પાણીદાર માણસ દેશવાસીઓને  એક આલગ જ ખુમારી દેતો ગયો, દરેકના દિલમાં દેશદાઝ ઝગાડતો ગયો, લોક મોઢે પોતાના શબ્દો ગીત રૂપે દેતો ગયો,  સાહિત્યને નવા રૂપરંગ રંગતો દેતો ગયો, અનેકના ઇતિહાસને ઉજાગર કરતો ગયો. અને સંસ્કૃતિની ધરોહરને એવું તો પાણી પાયું કે જાણે આવનારી અનેક સદીઓ ઝવેરચંદ મેઘાણી એ નામ નહી જ ભુલે. પણ, ક્યાંક દેશની સંસ્કૃતિને જાળવવા સતત મથનારો ને હર પળે ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનારો, સાહિત્યને કલમના કસબી બની ઘુંટડે ઘુંટડે કસુંબલ રંગ પનારો,  ને પાળિયાને બોલતા કરનારો, મૂક બની ગયેલી ખાંભીઓને નવજીવન બક્ષનારો મેઘાણી આપણી વચ્ચે આજે  શહેર મધ્યે ચાર રસ્તે બાવલું બનીને કે ઓફિસ કે શાળામાં એક  ફ્રેમમાં જ રહી જાય એ કેમ કરીને ચાલે એને માટે છેલ્લે એટલું જ કહેવાનું કે અનેક વાતો વાંચી મોટી થતી આજની પેઢી સામે એકવાર તો સોરઠી બહારવટિયાની કે સોરઠી સંતોની કહાની વાંચો....!  નવી પેઢીનો એ જુવાન ચોક્ક્સ બોલી ઉઠશે કે આ તો આપણા ગામડા ગામના કોઇ મજાના માણસની વાત છે. મારે તો એની આ જગ્યાએ  જાવું છે ને ગામ જોવા જોવું છે. ગુજરાતી લોકસાહિત્યને અનેરી ઉંચાઇ બક્ષનારા ને ધીંગી ધરાના એ ધૂળધોયા ઝવેરચંદ મેઘાણીને કદાચ આ જ ખરી સલામી હશે ! આ જ ખરા અર્થમાં વંદન હશે ! હે મેઘાણી સવા સતાબ્દીએ તને સો સો સલામ !

-        અજીત કાલરિયા

M :  9979859475

 

 

 

 

 

 

 

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો