બુધવાર, 26 ઑગસ્ટ, 2020

Happy Birthday my dear Teenager !




પ્રિય પુત્ર કંજ,

આજથી બરાબર બે વર્ષ પહેલા મૃગાંકભાઇએ spontaneously  તારા માટે કહેલી કવિતાના શબ્દો યાદ આવે છે કે... 

“ના કોઇ કપટ કે ના કોઇ પ્રપંચ,
એવો એક છોકરો એનું નામ કંજ.
સદાય હસ્તો રહે, ના કશીય વાતનો એને રંજ,
એવો એક છોકરો એનું નામ કંજ.”

મૃગાંકભાઇએ તારા માટે કહેલા આ શબ્દો  આજે પણ એટલા જ પ્રસ્તુત જણાય છે. કપટ કે પ્રપંચ જેવા અનેક દુર્ગુણોને તે તારા પર હાવી નથી જ થવા દીધા, પણ ઉલ્ટાનું હર ક્ષણ તું તો મોજ ને મસ્તીમાં સતત હસ્તો ને હસ્તો ! keep it up Kanj , keep it up. આમ જ જીવવાનું છે એ જ સાચી મજા છે.

લોકો કહે છે સમયને જતાં વાર નથી લાગતી, પણ મેં તારી સાથે સમયને વિતતા પ્રતિક્ષણ માણ્યો છે ને જાણ્યો છે. કંઇ કેટલીયવાર તો તારી સાથે હું મારા બાળપણમાં પહોંચી મજાની ક્ષણો માણીને આવ્યો છું. ને ક્યારેક તો તારામાં હું પોતે જ મોટો થાતો હોવું એવું પણ મહેસુસ કર્યું છે.

પણ આ બધાની વચ્ચે આજે તું જીવનના એક એવા વણાંક પર પહોંચ્યો છો કે જ્યાંથી તું તારા બાળપણના દિવસોની યાદોને સંકેલીને teenage માં પગ મુકવા જઇ રહ્યો છો. હા, આજે તું જીવનના તેરમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છો. જન્મદિવસની અઢળક શુભેછાઓ !

તને ખબર નહી હોય પણ 13 વર્ષ એટલે જીવનનો એક નવો જ માઇલસ્ટોન. બાળક મટી તરૂણ બનવા તરફ એક નવા જ પગરણ માંડવાનું મજાનું આ વર્ષ. મસ્તકલંદર ને મોજીલા યુવાઓની ફાંકડી દુનિયાના આ મજાના વર્ષો. એવો તો શું છે આ 13 નો કરીશ્મા????  ચાલ મારા teenager બચ્ચા તેરથી શરૂ થતા આ મજાની સફરની તને થોડી વાતો કહું ને થોડા Does ane Don’ts પણ કહું !

દિકરા તને ખબર જ છે કે તેરને અંગ્રેજીમાં thirteen કહે છે અને 13થી શરૂ કરી 19 સુધી બધે જ પાછળ teen લાગે છે. એટલે 13 થી 19 સુધીના બધા વર્ષો teenage તરીકે ઓળખાય છે. અને આ ઉંમરના યુવાઓ પોતાને teenager કહેવડાવે કે દુનિયા એમને teenager તરીકે ઓળખે!

બાળક teenage પર પહોંચે ત્યાં સુધીમાં તો એ ઘણું સમજતો થઇ ગયો હોય છે અને એની maturity સામે વાળાને દેખાવા લાગતી હોય છે. એ maturity જ વ્યક્તિનું ઘડતર કરતી હોય છે. અને પાછળ જતાં એ જ એની ઓળખ બનતી હોય છે. જે દરેક teenagerમાં ક્યાંકને ક્યાંક પડઘાતી હોય છે. અને દિવસે ને દિવસે એ ઘડતર મજબૂત બનતું જતું હોય છે. જે અમુક સમય બાદ ચોક્ક્સ આકાર પામતું છે જેમાં કોઇ પણ વ્યક્તિની વર્તણૂકથી માંડીને શોખ કે એના સપના પણ દેખાઇ ઊઠતા હોય છે. એક રીતે જોઇએ તો દરેક યુવાન જીવનમાં આ વર્ષોમાં જ ઘડાતો હોય છે અને જીવનમાં ઘણું શીખતો હોય છે. ખરા અર્થમાં સપના જોઇ એને પાંખો આપી મહેનત કરી વળગી પડવાના આ મજાના વર્ષો એટલે જ teenage. આમ teenage નો એક ચોક્ક્સ અને જબ્બર પ્રભાવ છે એ તો પાક્કું જ!

કંઇક કરી લેવાની, કંઇક સાબિત કરી આપવાની કે થનગનતા ઘોડાની જેમ ક્યાંક પોતાના વિચારોના પ્રદેશોમાં પહોંચી જવાની આ ઉંમરનો પડાવ એટલે teenage.  જીવનમાં શૈશવનો યાદગાર પડાવ એટલે પણ  teenage. આ પડાવમાં સ્કૂલમાં કરેલી ધમાલ પણ યાદ રહે છે તો ક્યાંક અનુભવો અને પ્રયોગોનું પોટલું !!! બધું જ જાણે કાયમને માટે માનસપટ પર અંકિત થઇ જાતું હોય છે. જે પછીથી ક્યારેક યાદ આવતાં મોટેથી હસી પડાય છે તો ક્યારેક મરક મરક હસી પણ લેવાય છે. કારણ કે teenage ના મસ્તીભરેલા દિવસોમાં છેલ્લે તો ક્યાંક નિખાલતા અને નિર્દોષતા છલકતી દીશે જ છે.  

જીવનના આ વર્ષો એટલે એક એવો પડાવ કે જ્યાં ઘણું ઘણું શીખાય છે અને કાયમ માટે જાણે આ પડાવમાં(teenage) જ રહી જવાનું મન થાય એવા મજાના આ વર્ષો છે. ખરું કહું તો આ એક ચમત્કારની ઉંમર છે. આ ઉંમરમાં જ અનેક આવડતો આકાર પામતી હોય છે. ટુંકમાં અનેક આશ્ચર્ય અને અનુભવ ની ઉંમરનો પડાવ એટલે જ teenage. આ ઉંમરમાં અનેક માન્યતાઓ ઘડાય છે તો અનેક યાદો જીવનભર સચવાય છે. ટુંકમાં કહું તો શારિરીક, માનસિક અને બૌધિક વિકાસની સાથે સાથે શૈક્ષણિક, કૌટુંબિક, સામાજીક અને અનેક જાતિય ફેરફારોમાંથી પસાર થઇને પોતાને ઘડવાના આ મજાના વર્ષો એટલે teenage. કારણ કે teenageમાં જ અનેક હોર્મોન્સ એક્ટિવ થતાં હોય છે. તો જીવનના દરેક મોડ પર પોતાના સંબંધોના સરોવર રચાતા હોય છે.

તો,  હવે તો  સમજ્યો ને આ teenage ની મજા અને મહત્વ !

આ બધાની સાથે શાણપણના પાઠ ભણી શાણું બનતા શીખવાનું  છે. અને સાથે સાથે  પ્રમાણિકતા અને નમ્રતાને પોતાના હાથા બનાવી જીવન પ્રત્યે વફાદાર રહેવાનું છે. તો વધારામાં એ પણ યાદ રાખજે કે આ ઉંમરમાં તું તારી જ લાગણીઓને બદલાતી અનુભવીશ તો ક્યાંક તું એ જ લાગણીઓને વાચા આપતા પણ શીખીશ અને આ બધાની વચ્ચે તને ક્યાંક ક્યાંક આ લાગણીઓ સાથે રમનારા પણ મળશે – એને વાપરનારા પણ મળશે. જે હોય તે આ બધામાંથી સતત કંઇક-ને-કંઇક શીખતું રહેવાનું છે.

એક વાત હંમેશા યાદ રાખજે આપણા વિચારો એ આપણા વર્તનનો પડઘો છે. આપણું વર્તન એ જ આપણી આદતો બનવાની છે. અને આપણી આદતો એ જ આપણા સંસ્કારની છાપ છે. આ સંસ્કારોને જાળવવાના છે. એ છાપ કાયમ જળવાયેલી રહે એને માટે પ્રતિક્ષણ જાગ્રત રહેવાનું છે. અને એને જાળવીને જ આગળ વધવાનું છે. જીવનના દરેક પહેલું ને અનેક શક્યતા ઉંડાણમાં જઇને જોજે – તપાસ જે !  અને પછી જ કંઇક નક્કી કરજે ! પછી ભલે ને એક પ્રયોગ સાબિત થાય એમાં પણ ઘણું શીખવા મળશે.

એક વાત ખાસ યાદ રાખજે જીવનભર તારા પોતાના પગ પર જ ચાલજે-ઉભો થાજે અને દોડજે !!!  કારણ કે કોઇના પણ સહારા વગર મળતી જીત લાંબાં ગાળે ખૂબ જ મીઠી લાગતી હોય છે. જે આપણને આત્મનિર્ભરતાનો ઘુંટડો પાઇને ગર્વાન્વિત કરતી હોય છે. અને આ વાત ખાસ યાદ રાખજે આ માત્ર શબ્દ નથી,  કારણ કે આજે દેશ પણ આત્મનિર્ભરતા તરફ જ આગળ વધી રહ્યો છે.

જીવનમાં બધું જ આપણી અનુકુળતાએ અને ઇચ્છાએ નથી જ બનતું ! એ માટે રાહ જોવી પડે છે. અને એક વણાંક આવે-સમય આવે ત્યાં સુધી ઘણું સહન કરવું પડતું હોય છે. ક્યાંક કોઇકના વિશ્વાસે રહેવું પડતું હોય છે તો કોઇ પર ભરોશો પણ મુકવો પડતો હોય છે.

લે... Ruby Mendale ની આ એક મજાની કવિતા યાદ રાખજે.

"IF I am I because I am I

And you are you

Because you are you

Then I am and you are

But if I am I

Because you are you

And you are you

Because I am I

Then I am not

And you are not."

આ બધાની વચ્ચે બીજી પણ એક વાત યાદ રાખજે teenageમાં તારી તર્કશક્તિ ખુબ જ વિકસશે તું એ તર્કશકિતનો દરેક ડગલે વારંવાર ઉપયોગ કરીશ, argument કરીશ પણ વડિલોનો આદર કરી પોતાની જાતને વફાદાર રહેવાનું સતત યાદ રાખજે.... અને સાથે સાથે એ પણ યાદ રાખજે કે જ્યારે લાગણી, ભાવના ને તર્ક એક જ જવાબમાં ભળે ને ત્યારે એ જવાબ આત્માનો અવાજ બની જતો હોય છે. અને હંમેશા અંતરાત્માના અવાજને અનુસરજે !

Teenage માં આવતો બીજો એક બદલાવ એટલે હંમેશા પોતાને ગમે એવું જ થાય એવી ઇચ્છાથી ભરેલું મન. બસ આ ઇચ્છાઓને જીતતા અવડ્યુ ને એટલે જીવતા આવડી ગયું એમ સમજી લે જે !  તો બીજી બાજુ થોડું પણ કંઇ નહી જ ચલાવી લેવાનું એવો attitude પણ ક્યાંક કોઇક છેડે આકાર પામશે ! હા, કદાચ આ બદલાવમાં જ ઘણા બાળકો મા-બાપની પકડમાંથી છટકી જતાં હોય છે. ક્યાંક જીવનમાં તેઓ ઘણા detach પણ થઇ જતા હોય છે. પણ તું જ્યારે પણ આવું કઇંક અનુભવે ત્યારે ખુલ્લા દિલે મારી સામે આવજે આપણે મજાનું ડિસ્કશન કરીશું... એ વાતના કે એ મુદ્દાના અનેક પરિમાણોને તરાશીસું  કે કોઇક નિયમ કે સિદ્ધાંતની ચર્ચા કરીશું !  અને છેલ્લે એક મજાના નિષ્કર્ષ પર આવીશું અને કોઇ મજાની ફિલોસોફીને પામીશું જે પણ થાશે એમાં કંઇક પામ્યાનો કે જાણ્યાનો એક પરિતોષ ચોક્ક્સ હશે. આવી થતી ચર્ચા એ જ તો જીવનનું ખરું અમૃત છે. એ તો જીવનમાં extra રન રૂપી ઇંધણ છે. અને છતાં જ્યારે પણ  થાકી જા... થોડો પણ હતાશ થઇ જા, ત્યારે હસતાં હસતાં મારી પાસે આવી જાજે, આપણે ક્યાંક બીજા છેડે નવી ઇનિંગ શરૂ કરીશું, કોઇ નવું મેદાન અને કોઇ નવી ટીમ સામે રમીશું અને ચોગ્ગા- છગ્ગા ફટકારીશું.... આ જ તો આપણો મીજાજ છે એ કાંઇ ઓછો છોડાય.... કારણ કે અનેક અશક્યતાઓના ઢગલા નીચે ક્યાંક એક શક્યતા છુપાઇને બેઠી છે. જ્યાં સુધી એ ન મળે ત્યાં સુધી અનેક અશક્યતાઓ સામે બસ મંડ્યા જ રહેવાનું છે ! એની સાથે બાથ ભીડ્યે જ રાખવાની છે ! છતાં એક વાત યાદ રાખજે કે જીંદગી એ કાંઇ સ્કોરબોર્ડ નથી કે રન ઉમેર્યે જ જાવ. અરે, ક્યારેક આઉટ પણ થવાય -તો ક્યારેક ડકમાં પણ જાવાય- તો ક્યારેક ઉપરા ઉપરી નર્વસ નાઇટીનો શિકાર પણ બનાય ! જે પણ થાય એ બધુ જ સ્વિકારવાનું અને.... દરેક ઇનિંગના અંતે  હરીન્દ્ર દવેની આ કવિતા યાદ રાખવાની કે.... 

“આજે આથમેલા સૂર્યના સોગંદ 
હું કાલે સૂર્ય બનીને ઊગીશ 
પ્રચંડ જ્વાળા બનીને સળગીશ. 
એક વિરાટ શૂન્યમાં 
એકલવાયો આગળ વધીશ
પ્રખર મધ્યાહનથી રાતીચોળ સાંજ સુધી 
મારી એકલતા આ ક્ષિતિજે ડૂબશે 
ત્યારે કોઇક બીજી ક્ષિતિજ પર એ 
ઊગતી હશે.”

 

કંજ, મારી એક વાત કાયમ યાદ રાખજે કે જીવનરૂપી પથ પર કંઇ કેટલીયવાર પડીશું, કેટલીય વાર છોલાઇશું તો કેટલીય વાર પગ પણ મચકોડાશું અને કેટલીયવાર તો હાડકા પણ ભાંગીશું એનાથી કયારેય ડરવાનું નહીં. એ જ રસ્તા પર ફરીથી ઉભા થાવાનું, ચોટેલી ધૂળને ખંખેરવાની અને એક ચમત્કાર થશે જ, એ આશા સાથે આગળ વધવાનું !  આવા અથાક પ્રયત્નો થકી જ એક દિવસ આપણા ધ્યેય પર પહોંચીશું જ ! માટે લગે રહો !!! ગમે તે ભોગે લગે રહો !!!

Teenage એટલે જીવનના એ વર્ષો કે જ્યાં તું સ્વતંત્રતા ઇચ્છીશ. દરેક વિચારને અમલમાં મુકવો હશે ને એ બધું જ પામવું હશે.-મેળવવું હશે.  એક પળ કે ક્ષણમાં જાણે બધુ જ પ્રાપ્ત કરી લેવા મન વલખા મારતું હશે અને રોમે રોમ એ કામ કરી લેવા ક્યાંક તત્પરતા બતાવશે. અનેક બાજુથી અથાક પ્રયત્નો પણ થાશે, અનેકમાં તું સફળ પણ થાઇશ અને અનેકમાં તું નિષ્ફળ પણ જઇશ. જે પણ થાય એની ચિંતા ન કરતો પણ, તું તારી મરજીથી જ દોડજે.... પામજે... અને જીતજે...

 

ઓ, મારા પ્રિય teenager છેલ્લે એટલું જ કહીશ કે  જ્યારે પણ સતત સફળતાની  હરણફાળ ભરતો હો ત્યારે કે અનેક નિષ્ફળતાઓથી ઘેરાઇ જા ત્યારે એ સમગ્ર સમય દરમ્યાન લાગણી, ભાવના, નમ્રતા, ધીરજ, સહનશીલતા,  જેવા ગુણો સતત જાળવી રાખજે કારણ કે જ્યારે પાછળથી સફળ થઇને કે કંઇક પામીને એક ઊંચાઇ પર બેઠો હોઇશ ને ત્યારે એ તને એક અલગ જ રીતે ગર્વાન્વિત કરશે... એ ફિલિંગ્સ શબ્દાતીત હોય છે. અને એનો આનંદ અનેરો હોય છે. એને પામજે ! teenage રૂપી જીવનના નવા પડાવને મજાથી તરાસ અને teenager હોવાનો ગર્વ લઇ મજાના કોઇ નવા ક્રિયેશનને આકાર આપજે ! ઉંમરના અલગ અલગ પડાવોમાંથી જ્યાં Curiosity, Adventure, excitement, zealous જેવા ગુણો બહાર આવવા સૌથી વધુ વલખા મારાતા હોય છે એવા teenage રૂપી પડાવ પર fully update થા અને એક મજાનો teenager બની જીવનને માણ.. જાણ... અને પિછાણ.....

-    મમ્મી-પપ્પા


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો