આ પુસ્તકમાં આગળ વધાતાં જઇએ એમ ઇતિહાસની તરજો પરથી ધૂળ ઉડે છે અને સત્ય હક્કિકતો જાણે સામે આવીને ઉભી રહી જાય છે. ઇતિહાસમાં બનેલી ભુલો જાણે આળસમરડીને ફરીથી સામે આવે છે અને આપણને એ જ દાયકામાં પાછા ધકેલી દે એવી પ્રતિતી સતત થયા કરે એવું મજાનું પુસ્તક. આ બધામાં સતત એમ થાય કે જાણે ‘જો અને તો’ ના ગણિત તો વાહિયાત છે અને આ જ સત્ય કેમ ન સ્વિકારાયું ? આટલો મોટો અન્યાય તો કદી સહન કરાતો હશે ? પણ, અન્યાય પણ સહન થાય અને એ પણ મોઢા પરની રેખા બદલાયા વગર. અને છતાં દરેક શ્વાસ દેશહિતનું જ વિચારે એ સરદાર.
આટલો અન્યાય અને છતાં સરદાર દરેક પગલે ચૂપ રહે અને પોતાનું કામ કર્યે જાય ત્યારે ચોક્ક્સ કહેવાનું મન થાય કે ગાંધીની અહિંસા કરતાં સરદારની મૌન ધારી સહનશીલતા બે ગજ ચડનારી હતી. તો સરદારના અભય અને દંભમુકત જીવન સામે નહેરૂની પ્રતિભા સતત વમણી લાગે.
એ દરેક બાબત કે જ્યાં સરદાર પોતાના દરેક નિર્ણય પર અડગ રહ્યા અને હરપળ પોતાની દુરંદેશીથી દેશહિતનું જ વિચાર્યુ અને બળવો ન કરીને ચુપ જ રહ્યા જેવી અનેક હક્કિકતો જ્યારે સામે આવે ત્યારે આપોઆપ જ સરદારનું ક્દ સતત મોટું થતું લાગ્યા કરે. અને ત્યારે મનમાં જે ભાવ જાગે એ એવો તો છે કે “આ પુસ્તક સરદારના વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પણ ઉંચું હોય એવો ભાવ થયા વિના રહેતો નથી.”
ટુંકમાં કહું તો ક્યાંક ગીતાના માધ્યમથી તો ક્યાંક રામાયણ-મહાભારતના પાત્રો કે પ્રસંગનો ઉલ્લેખ કરીને સરદારને થયેલ અન્યાયનું પ્રક્ષાલન કરવાનો નિખાલસ પ્રયાસ એટલે સરદાર પટેલનું પુનરાગમન પુસ્તક. ગુણવંત શાહના અન્ય પુસ્તકોની જેમ જ આ પુસ્તક પણ અનેક મજાની ફુટનોટથી ભરેલું છે. તો આ પુસ્તક વાંચતા વાંચતા સતત સરદારમય રહી જવાય. આ પુસ્તક વાંચ્યા પછી કોઇનો પણ સરદાર પ્રેમ બમણો થશે જ એવી મને પુરી આશા છે.
ટુંકમાં સરદાર પટેલનું પુનરાગમ એટલે એક એવું મજાનું પુસ્તક કે જેમાં વાતો નવી છે એવું નથી પણ વાતોને જે રીતે વણી લઇને પૃથકકરણ કરાયું છે એ રીત મજાની છે આજના પરિપ્રેક્ષ્યમાં જે વાતો થઇ છે એ નવું ચિત્ર આપે છે. આ પુસ્તક માટે એટલું તો ચોક્ક્સ કહીશ કે સરદાર પર લખાયેલા અનેક પુસ્તકોમાં આ પુસ્તક પોતાની અલગ છાપ છોડી જનારૂ ચોક્ક્સ સાબિત થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો