લેખનની પણ તસ્બી(માળા) હોય અને એને પણ જ્યારે મિત્રોનો સાથ મળે ત્યારે જે પ્રાપ્ત થાય એ અનોખો વિચાર વૈભવ હોય અને આવો મજાનો વિચાર વૈભવ વહેંચવાનું કામ મારી લેખન તસ્બીના પુસ્તક થકી ઇબ્રાહિમભાઇએ ખુબ જ સરસ રીતે કર્યું છે.
આ પુસ્તકમાં ધર્મની સહજ ચર્ચા છે. તો જીવનમાં મળેલા અનુભવોનું મજાનું વિશ્લેષણ છે. દરેક વાત ખુબ જ માર્મિક્તાથી સહજ રીતે રજુ થઇ છે. તો દરેક પાને એવું લાગે કે જાણે આ વાત તો મારા કુટુંબમાં કે જીવનના કોઇ વણાંક પર મેં ક્યાંક માણેલી કે સાંભળેલી. ટુંકમાં કહું તો દરેક વાત આપણને પોતીકી લાગે.
આ પુસ્તકમાં ધર્મની વાતો છે તો ધર્મ સાથે સંકળાયેલ વિજ્ઞાન પણ બોલે છે તો જીવનરૂપી ઇતિહાસમાં માણેલ હક્કિતોનું વર્ણન છે તો પોતાના વતનની કહાની છે તો હલકી ફિલૉસોફીમાં જીવનની કહાની બોલે છે. તો અપભ્રંસ પામેલા શબ્દો પોતાની કહાની બોલે છે તો અતીતના સ્મરણો બોલે છે. તો ક્યાંક દુવા તો ક્યાંક દવા બોલે છે. તો ક્યાંક નિયમ તો ક્યાંક નિર્ણય બોલે છે. અને આ બધાથી ઉપર દરેક તસ્બીના અંતે જ્યારે એમના જ મિત્રોની ટિપ્પણી બોલે ત્યારે એમ લાગે કે વાહ આ તો મજાની વાત થઇ ગઇ. હા, દરેક લેખ પર મિત્રો થકી રજુ થયેલા વિચારો બોલે છે. અને વાંચતા વાંચતા પુસ્તક ક્યારે પુરુ થઇ જાય એનું ધ્યાન પણ ન રહે અને એમ થયા કરે કે હજુ વધારે હોત તો મજા આવે.
ટુંકમાં એકી બેઠકે વાંચી જવું ગમે એવું મજાનું પુસ્તક.
નોંધ : મને એક સમયે વિચાર આવ્યો હતો કે Facebook પર અનેક લોકો ખુબ જ સરસ પોસ્ટ મુકતા હોય છે. આવી ખુબ જ સરસ પોસ્ટનું સંકલન કરીને 200-250 પોસ્ટ ભેગી કરીને એક મજાનું પુસ્તક બને એમ છે જેમાં વિષય વૈવિધ્ય સાથે સાથે લખાણના લયનું વૈવિધ્ય પણ માણવા મળે જે એક અભ્યાસનો વિષય બને એમ છે. આવી જ કંઇક વાત બની ઇબ્રાહિમ ત્રવાડીના પુસ્તક મારી લેખન તસ્બીમાં કારણ કે ઇબ્રાહિમભાઇના મિત્ર અશોકભાઇ અને અતુલભાઇએ તસ્બી રચવાનું કહ્યું અને આ 33 તસ્બી એવી સરસ રીતે રજુ થઇ કે બસ પુસ્તક બને એવો જ વિકલ્પ રહ્યો. ટુંકમાં Facebook પર ઇબ્રાહિમભાઇની વૉલ પર લખાયેલ પોસ્ટનું comments સાથે રજુ થતું પુસ્તક એટલે મારી લેખન તસ્બી. શરૂઆતમાં પારસે મને યાદ કરાવ્યું હતું કે અજીતભાઇ આપણે આ પુસ્તક ચોક્ક્સ વાંચીશું અને પછી જ્યારે અતુલ રાવે વાત ગુજરાત પર માહિતી શેર કરી ત્યારે તો ન જ રહેવાયું અને આ પુસ્તક વાંચી લીધું.