સ્કૂલ એટલે દરેક વ્યક્તિની લાગણી અને ભાવનાનું એક અનોખું તીર્થ. જો કદાચ સ્કૂલને વાચા ફૂટે તો
અનેક વાતોનો, અનેક લાગણીઓનો
અને અનેક ભાવનાઓનો ખજાનો ખૂલે! અને જો કદાચ આવું ખરેખર બને તો જ્યારે પણ કોઇ સારી
સ્કૂલના આચાર્ય નિવૃત્ત થાય ત્યારે એ રૂમ રડે, ટેબલ અને ખુરશી પણ રડે અને એ રૂમની દીવાલો જે
અનંત વાતો અને ઘટનાઓની સાક્ષી છે એ તો ચોધાર આંસુએ રડી પડે એમ પણ બને !
આચાર્યશ્રીની સિગ્નેચરથી મઢાયેલું મસ્ટર તો રડી જ પડે. જ્યારે એક શિક્ષક નિવૃત્ત
થાય ત્યારે એ સ્કૂલના વર્ગખંડ, ચોક,
ડસ્ટર અને
બ્લેકબોર્ડ ચોધાર આંસુ વડે રડે એવુ પણ બને ! આ બધાની વચ્ચે એક રૂમ એવો પણ છે જે
ભાગ્યે જ રડે છે એના નસીબમાં જ્ઞાનનો અખૂટ ભંડાર છે. એ અનેક વાતોને અને અનેક
વિષયને સમાવીને બેઠો છે. છતાં એને દરરોજ કંઇક આપનાર જ્યારે નિવૃત્ત થાય ત્યારે એને
થતો ભાવ જાણે વિષાદ! હા, હું સ્કૂલના
પુસ્તકાલયની જ વાત કરું છું. જ્યારે આ ગ્રંથને સાચવનાર-માવજત કરનાર ગ્રંથપાલ
નિવૃત્ત થાય ત્યારે લાઇબ્રેરીની દીવાલને પણ ડૂસકું ભરાઇ આવે.અને ક્યાંક પુસ્તકો સ્થિતપ્રજ્ઞ
બનીને લાગણી અને ભાવનાને એક સામાન્ય માણસ કેમ જીરવતો હશે એ વેદનાને પામતા હશે ! હા, જ્યારે ગ્રંથપાલ
નિવૃત્ત થાયને ત્યારે પુસ્તકરૂપી બટાલીયનને તો આર્મી જનરલ રીટાયર્ડ થતા હોય એવો
ભાવ થતો હશે. અને એમાં પણ જ્યારે IPCL/Reliance School જેવી સ્કૂલમાં સત્તત 38 વર્ષ સુધી
ગ્રંથપાલ તરીકે ફરજ બજાવનાર સંજય પુરબિયા જેવા સર હોય ત્યારે તો એમની વિદાય જોઇને
લાઇબ્રેરીના પુસ્તકો તો રડી જ પડે ! આ પુસ્તકો આજે તેમને જાણે કહી રહ્યા હતા કે
“મને સદ્ભાગ્ય કે
શબ્દો મળ્યાં તારે નગર જવા (સંજય સર)
ચરણ લઇ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે.”
આમ જોવા જઇએ તો કોઇપણ સ્કૂલમાં સૌથી વધુ ઉપેક્ષા પામતું જો
કોઇ પદ હોય તો એ ગ્રંથપાલનું જ પદ હોય છે પરંતુ જ્યારે સંજ્ય પુરબિયા જેવા સર
ગ્રંથપાલ હોય ત્યારે એ ગ્રંથપાલ પાસે પોતાનું એક અલગ જ વર્તુળ હોય, વિદ્યાર્થીઓનો
પ્રેમ હોય, આદર હોય અને દરેક કામમાં એક નવી સોચ હોય, નવા વિચારોને પાંખ હોય. આમ જોવા જઇએ તો વિદ્યાર્થીને ખરા અર્થમાં અપડેટ
કરવાનું કામ ગ્રંથપાલ જ કરતો હોય છે,એ અર્થમાં પણ સંજય સર પુરેપુરા ખરા ઉતર્યા છે.
ક્યુરિયોસીટીથી ભરેલા અનેક વિદ્યાર્થીઓ પુસ્તકાલયમાં દાખલ
થાય અને એમાંનો એક ત્યાંના ગ્રંથપાલને કહે કે સર મને ફલાણા-ફલાણા વિષય પર ડીપમાં
જાણવું છે કે પછી મને આ એક પ્રશ્નનો ઉકેલ જોઇએ છે... અને ગ્રંથપાલ તરત જ એને લગતું
પુસ્તક એ વિદ્યાર્થીના હાથમાં મુકી દે એ ખરો ગ્રંથપાલ... સતત કંઇક નવું નવું જાણી
લાવે અને વિદ્યાર્થી વચ્ચે મજાથી વહેંચે એ ખરો ગ્રંથપાલ... અને સંજય સર આ બધામાં
ખરા ઉતરનારા સર છે. હું આ કહું છું એમાં જરાય કોઇ અતિશ્યોક્તિ નથી જ! એનું એક
ઉદાહરણ આપું તો કહીશ કે Reliance
Foundation School Academic committee એ જ્યારે પોતાની 14 સ્કૂલના
ગ્રંથપાલને ભેગા કરીને પોતાની વાત અને નવી રીત રજુ કરવાનું કહ્યું ત્યારે સંજય
સરના પ્રેઝન્ટેશન બાદ સ્ટેજ પર આવીને ત્યાંના મુખ્ય વ્યક્તિ એટલું બોલ્યા હતાં કે
અમારે 14 સંજયની જરૂર છે
અને આ મોડેલ બધી સ્કૂલમાં લાગુ પાડો. ત્યારે સંજય સરને Icon for librarianનું બિરૂદ અપાયું
હતું.
The
librarian isn’t clerk who happens to work in a library. A librarian is a data
hound, a Sherpa and a teacher. The librarian is the interface between reams of
data and the untrained but motivated us. સંજય સરે આ વાતને પોતાના 38 વર્ષના
કાર્યકાળમાં ખૂબ જ સરસ રીતે પ્રમાણી છે. પુસ્તકાલય તો સ્કૂલનું હ્રદય કહેવાય અને એ
અર્થમાં ગ્રંથપાલ એને ઑક્સિજન પુરુ પાડનાર મુખ્ય સ્ત્રોત કહેવાય. આજે જ્યારે સંજય
સર વિદાય લઇ રહ્યા છે ત્યારે ચોક્ક્સ કહેવાનું મન થાય કે લાઇબ્રેરીના પુસ્તકો એમના
સ્પર્શને મીસ કરશે તો સ્કૂલનો ઢોલ એમની અનેરી મજાની તાલની રીતને મીસ કરશે. હા, સંજય સર વગર
સ્કૂલની સંગીતની વાત કરવી ખરેખર અધૂરી જ ગણાય. જ્યારે એક ગ્રંથપાલ પોતે એક સારા
ગાયક અને એક સારા વાદક હોય ત્યારે એ તો સ્કૂલનું નવલખું ઘરેણું કહેવાય. જ્યારે
જાગૃતિ મેડમ રિડાયર્ડ થયા ત્યારે સ્કૂલને એક મજાનું વાજીંત્ર Cajon આપતા ગયા હતાં (Cajon નું સજેશન કલહંશ
સરે કર્યું હતું એ પણ એક વાત છે) અને એ Cajon પર સંજય સરને અનેક સમયે જોયાનું યાદ છે. સરની Cajon પર ફાવટ એવી છે
કે બસ સાંભળનાર અને ગાનાર બન્નેને મજા પડી જાય.
જ્યારે પણ સ્કૂલે જવાનું બન્યું છે ત્યારે એમને વિદ્યાર્થીઓ સાથે સંવાદ
કરતા કે કંઇક નવું પીરસતા જ જોયા છે. એ હંમેશાં વિદ્યાર્થીઓથી ઘેરાયેલા જુજ
શિક્ષકોમાંના એક છે. હ્યુમર એ એમની બીજી ઓળખ ગણાય. સંજય સર એટલે સ્કૂલ માટે અને
વિદ્યાર્થીઓ માટે multitalented and
multitasking personality એવું ચોક્ક્સ કહી શકાય. અને વિદ્યાર્થીઓ પાછળ પોતાના ખિસ્સામાંથી અનેક
સમયે હસતાં હસતાં રૂપિયા ખર્ચનારા આવા સરળ અને ઋષિતુલ્ય શિક્ષકની ખોટ આ સ્કૂલને
ચોક્ક્સ પડશે. છતાં સમય અને નિયમ એમના કામ કરે જ છે એ ન્યાયે સંજય સરને વિદાય આપવી
રહી જ. છેલ્લા તમારા જીવનની નવી ઇંનિગ માટે તમને અનેક શુભેચ્છાઓ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો