સોમવાર, 10 જૂન, 2019

Yuvraj Singh(11/06/19)




જેને જોઇને આપણને એમના જેવું જીવવાની કે એમના જેવું કંઇક કરી બતાવવાની તાલાવેલી જાગે ત્યારે એ વ્યક્તિ આપણા માટે એક રોલમોડેલ છે એમ ચોક્ક્સ સમજવું. હા, આજે કંઇ કેટલાયનો રોલ મોડૅલ એવા યુવરાજ સિંગે ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લેવાની વાત કહી ત્યારે એમ ચોક્ક્સ કહેવાનું મન થાય કે ક્રિકેટ જગતમાં એક લીજેન્ડના સન્યાસની વાત આવી છે અને આવવી જ જોઇએ, એમાં કંઇ ખોટું પણ નથી જ. એ પ્રત્યેક ખેલાડીનો પોતિકો નિર્ણય છે એનો અફસોસ નથી. પણ..... એ સ્ફુર્તિથી લાગતી કેચ માટેની ડાઇવ, એ સ્ફુર્તિથી બોલ પકડવા 
માટે થાતી ફિલ્ડિંગ કે એ જ સ્ફુર્તિથી સિક્સ મારવા માટે ઉંચકાતું એ બેટ હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ જગતમાં એક યાદ બનીને રહી જાશે. 6 બોલમાં મારેલી 6 સિક્સ મારો દિકરો કંજ youtubeમાં કેટલીય વખત જોઇ ચુક્યો હશે. અનેક લોકોની એ પ્રેરણા હશે. એક કલ્પના જેવી લાગતી વાત યુવીએ સાચી કરી બતાવી. પોતાના મિજાજથી ક્રિકેટ રમાય એ છેલ્લે સુધી એણે સાબિત કરી બતાવ્યું. જે હોય તે યુવી આપણો તો હીરો હતો જ અને રહેશે જ ! અરે એ જ્યારે ડાઇવ લાગાવીને સુપર્બ ફિલ્ડિંગ કરતો ત્યારે જોન્ટી રોડ્સ કરતા ચડી જાતો એવું લાગતું તો વળી એ ભારતનો જોન્ટી કહેવાતો. એક ક્રિકેટર Dashing અને Killer instinct થી ભરપુર હોય એનું એ પહેલું ઉદાહરણ યુવી છે. જીદ, પેશન અને ફેશનનો ભારતીય ક્રિકેટ જગતનો અલગ જ પર્યાય એટલે યુવરાજ. પોતાની ખરાબ તબીયતને ન ગણકારીને WORLD CUP ની છેલ્લી 3-4 મેચ રમીને દેશને 2011 નો WORLD CUP અપાવ્યો. અને પાછળથી કેન્સર જેવી બિમારી નીકળી અને એને પણ ક્રિકેટ ગ્રાઉન્ડ સમજીને ભરપુર માત આપી પાછો ફર્યો. પોતાની આખી અહીં સુધીની સફર The Test of my life બુક લખીને વર્ણવી. જે ખરેખર ખુબ જ સરસ રીતે લખાયેલી છે. આ બુક મારી અમુક પ્રિય બુક્સમાં સ્થાન ધરાવે છે. અને એક ચાહકની જેમ જ મારા collectionમાં છે જ. મજાની બીજી વાત કહું જ્યારે 2005-06 માં ટીમ શ્રીલંકા સામે રમવા વડોદરા આવી હતી ત્યારે આપણે ટ્યુશન ક્લાસ ચલાવતા અને સાંજે 7 વાગ્યાની આસપાસ દિપક સરનો ફોન આવ્યો કે અજીત આવી જા તાજમાં જવાની વ્યવસ્થા થઇ છે કદાચ કોઇ મળી જાય...? ભાઇ, આવો ફોન હોય અને રાહ ઓછી જોવાની હોય... આપણા LML STAR ને આદત મુજબ સીટ પર બેસીને જ કીક મારી અને સીધા જ પહોંચ્યા હોટલ તાજ પર. અને નસીબ સાથે હોય તો બીજુ શું જોઇએ ? ફોયરમાં થોડા આંટા માર્યા અને ટીમના ત્રણ ખેલાડીઓ આવ્યા. હાઇટેડ યુવરાજ દેખાયો અને આનંદ ઓ...હો....હો... આનંદની કોઇ સીમાનો પાર ન હતો. મોજ જ મોજ.... એમ કંઇ ઓછું ભુલાય જતાં જતાં રસ્તામાંથી મેં ડાયરી લઇ લીધી હતી. અને તરત જ જેવો યુવરાજ, આર.પી. સિંગ અને મુરલી કાર્તિક સાથે નજીક આવ્યો ડાયરી ખોલીને ઓટોગ્રાફ લઇ લીધો. Yes, બંદા પાસે યુવરાજનો ઓટોગ્રાફ છે. જે આજની સેલ્ફી સમજી લેવી. કારણ કે ત્યારે સેલ્ફીનો ઉદભવ ન હોતો થયો એટલે બાકી હોત જ...! જે હોય તે Yuvraj Singh ખરા અર્થમાં સિંહની જેમ જ રમ્યો અને જીવ્યો. હવે યુવરાજને જીવનની નવી પોતિકી ઇનિંગ માટે અઢળક શુભેચ્છઓ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો