skip to main |
skip to sidebar
Happy Father's Day
વર્ષોથી કંઇ જ ફેરફાર કર્યા વગર પૃથ્વી સૂર્યની આસપાસ પોતાની ધરી પર ફર્યા જ કરે છે એવી જ રીતે સતત મારા જન્મથી તન-મન-ધનથી આગળ પાછળ રહેનાર અને સતત આંગળી પકડીને આ જગતનો પરિચય કરાવનાર અનોખી માટીનું વ્યક્તિત્વ એટલે પપ્પા. દરેકનું જીવન એક છત્રછાયા નીચે ભરપુર જીવાતું હોય છે અને એ છત્ર એટલે પિતારૂપી વડલો. જીવનમાં અનેક વિષોય ભણ્યો અને એમને માણ્યા પણ એટલા જ પણ આ પપ્પારૂપી વિષયની ફિલોસોફી ડગલેને પગલે બીજા બધા વિષય કરતા હંમેશા બે ગજ ચડતી અનુભવી. કેમેસ્ટ્રીમાં ભણતા કે આવર્તકોષ્ટકમાં રહેલ તત્વો સમુહ મુજબના અને આવર્ત મુજબના ગુણધર્મો ધરાવતા અને એ પ્રમાણે એમની લાક્ષણીકતા ઓળખી શકાતી. પણ કુટુંબરૂપી કોષ્ટક(ઘરમાં) રહેતા બધા જ સભ્યો પોતાની લાક્ષણિક અદામાં જ જીવે પણ એ બધી અદાઓને ચુપચાપ અનુરૂપ થઇને પ્રતિક્ષણ જીવી જતું પાત્ર મેં પપ્પાના રૂપે જોયું. જીવનના દરેક અધુરા દાખલાનું ગણિત પુરુ કરવાની ચાવી માત્ર ને માત્ર પપ્પા પાસે છે. કરેલી ભુલોનો જવાબ પપ્પા પાસેથી મળે છે એવું અનેક સમયે અનુભવ્યું. દુનિયાથી થાકીને આવીએ ત્યારે જે બાહો ફેલાવીને હાથમાં હાથ પરોવીને એમ કહે કે ચાલ ફરી નવી ઇનિંગ રમીએ એ પપ્પા. જ્યાં જીત અને હારના ગણિત ખોટા પડે અને માત્ર Care નું મંડાય એ જ પપ્પા. સમાજના દરેક નિયમોના બચાવનું મુખ્ય કેંન્દ્ર પપ્પા જ છે. પોતાના જ નાનકડા વિશ્વમાં રમ્યા કરતો બાપ પોતાનો દિકરો આખા વિશ્વમાં રમ્યા કરે અને ભમ્યા કરે એ જ સપના જોવે. જાણે એવું લાગે એના સપનાની બુક તો બંધ જ થઇ ગઇ. કંઇ જ બોલ્યા વગર મોઢા પરની રેખાઓને વાંચીને કોઇપણ ભાષાનો ઉપયોગ કર્યા વગર આખે આખું પ્રકરણ સમજી જાય એ પિતાની લાગણીની ભાષાને કોણ બીજુ વ્યક્ત કરી શકે ? ફિઝિક્સનો એક નિયમ હોય છે કે આઘાત અને પ્રત્યાઘાત સરખા મુલ્યના અને પરસ્પર વિરૂધ્ધ દિશામાં હોય છે. આવું ક્યાંક જીવનમાં બની જાય તો પણ આપણા પ્રત્યેનું આકર્ષણ તો એમના માટે એમનું એમ જ હોય અને એ પણ કોઇ પ્રત્યાઘાત વગર એ પપ્પા. ત્યાં બધું જ ચાલે, ત્યાં સુધી કે જીદને સાચી પાડવા માટેના ધમપછાડાથી લઇને હારની કહાની રડતા રડતા ખભે માથુ મુકીને કહી શકાય ત્યાં સુધી બધું જ. જન્મથી લઇને મૃત્યુ સુધી સતત આપણા શરીર રૂપી બાયોલોજીને ચુપચાપ ઓબ્ઝર્વ કર્યા કરે એ પપ્પા. જ્યાં બધા જ વિચારેલા ભૂગોળ સમય સાથે ખોટા પડે અને પ્રતિક્ષણ સાથે છે અહેસાસ અપાવે એ પપ્પા. આ એક જ સૂર્ય એવો છે જે જીવનમાં આપણા માટે સતત તપે છે છતાં તાપ તો એ પોતે ભોગવે અને આપણને સતત શાતા આપે છે. છેલ્લા એટલું કહીશ કે જીવનની પળે પળે તમારામાં એક નવા વૃક્ષને ઉછરતું જોવું છું અને એ જ રીતે મારામાં હું પ્રતિક્ષણ એક રૂપાંતરણને મહેસુસ કરું છું. આજે નહી તો કાલે જો આ જગત અજીતનું ડેરિવેશન કરશે તો છેલ્લે તો મનસુખ કાલરિયા જ નિકળશે એ પાકું.... Once again Happy Father’s Day Papa.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો