સોમવાર, 8 ઑક્ટોબર, 2018

કિશોર ‘સાગર’ (તૈલી)

કિશોર ‘સાગર’ (તૈલી) એક એવું વ્યક્તિત્વ જે હવે આપણી વચ્ચે નથી. છતાં એ વાત તો ચોક્કસ છે કે નામ (કિશોર ‘સાગર’) ગઝલના ચાહકોને હંમેશા યાદ રહેશે જ.  મને યાદ છે ત્યાં સુધી એ વર્ષ હતું 2003-04 કે 2005-06  જ્યારે હું પહેલી વખત કિશોર સાગરને મળી રહ્યો હતો. મારી પહેલી મુલાકાત દિલીપ સરે એમના જ ઘરે ખાસ પ્રોગ્રામ કરવા આવેલા જનાબ  કિશોર ‘સાગર’ સાથે કરાવી હતી અને કહ્યું હતું કે આ અજીત છે એ પણ શૅર અને ગઝલનો ચાહક છે. જાણે આ વાક્ય જ એમને મન એક આનંદનો હિલોળા સમાન હતું...  અને તરત જ ઊભા થઇને પોતાની બેગમાંથી “રોશન હુઇ હૈ રાહ” ગઝલ સંગ્રહ કાઢીને મને આપ્યો અને કહ્યું કે લે આ વાંચજે તને મજા આવશે.  અને ભરૂચ આવે ત્યારે મને મળજે હું તને બીજો એક સંગ્રહ પણ આપીશ... પણ નિયતીની બલીહારી પણ એવી કે જ્યારે બીજી વખત એમના જ ઘરે આજથી બે વર્ષ પહેલા મળ્યો ત્યારે એમની બિમાર હાલત જોઇને ખરેખર આંખના ખૂણા ભીના થયા હતાં. કિશોર સાગર એક એવું વ્યક્તિત્વ હતું કે સુરેશ દલાલે ગુજરાતી સાહિત્યને આપેલ માઇલ્ટોન સમાન ‘બૃહત ગુજરાતી કાવ્યસ્મૃદ્ધિ’  (600 વર્ષની ગુજરાતી કવિતાની ઝલક- ઝાંખી)નામના વિશાળ કાવ્ય સંગ્રહમાં પણ એમની કવિતાનો સમાવેશ કર્યો છે તો પહેલા તો એમાં જ સમાવાયેલી ‘સરવાળો’નામની એમની ગઝલ...
અધૂરી રૈ ગયેલી કૈંક ઇચ્છાઓનો સરવાળો;
આ પીડા કૈં નથી છે વ્યર્થ સપનાંઓનો સરવાળો.

હતાં ફૂલો છતાં સુગંધ એને સાંપડે ક્યાંથી ?
કર્યા કરતો હતો એ ફક્ત કાંટાઓનો સરવાળો.

તને પણ લાગશે કે કંઇ મળ્યું સઘળું નિરર્થક છે,
રહીને ભાનમાં તું કર સફળતાઓનો સરવાળો.

સંબંધોના સમંદરને એ સાચવતા કિનારા છે,
નથી ઘરની દીવાલો માત્ર પથરાઓનો સરવાળો.

અમારી સપ્તરંગી જિંદગીનો સાર છે ‘સાગર’
ડહાપણ છે ઘટેલ કંઇક ઘટનાઓનો સરવાળો.

ક્યાંક ધારદાર તો ક્યાંક સહજ રીતે એવી તો ગઝલો લખી તો ક્યાંક એ જ ગઝલો ખૂબ જ સરસ રીતે સ્ટેઝ પરથી સૂર,તાલ, લય અને ચોક્ક્સ રાગમાં રજુ થઇ. એક ગુજરાતી માણસે ઉર્દૂમાં પણ ગઝલો લખીને ફતેહ કરી હોય તો એ નામ એટલે કિશોર ‘સાગર’.  એક શૅરમાં કિશોર સાગર કહે કે...
“સુનતા હૂં તેરે શહર મેં સય્યાદ નહીં હૈ      
તો ફિર ક્યું પરિન્દા કોઇ આઝાદ નહીં હૈ.”

(સય્યાદ = શિકારી)

તો બીજી એક ગઝલમાં કહે છે કે...
“ઉસકી અના કે ભારી પત્થર ટૂટને વાલે હૈ 
પ્યાર કે રસકે મીઠે ઝરને ફૂટને વાલે હૈ.”  

(અના = અહંકાર)

તો વળી ક્યાંક ખૂબ જ ઉંડાણની વાત જાણે સહજ જ કહી દેતા હોય એમ...
“મકસદ મેં જો ભી આદમી નાકામ હો ગયા
બાઝારે જિંદગી મેં વો ગુમનામ હો ગયા.”  

જનાબ કિશોર ‘સાગર’ એટલે એક એવું નામ કે જેણે ગઝલ શબ્દને બખૂબી જાણ્યો, માણ્યો અને પ્રમાણ્યો... કિશોર ‘સાગર’ માત્ર ઉર્દુ કે ગુજરાતીના ઉત્તમ કવિ જ  ન હતાં પરંતુ તેઓ સારા ગાયક અને કંપોઝર પણ હતા. તેઓએ પોતાની જ ગઝલોને સ્વરાંકન આપીને જનસમુહ સમક્ષ પ્રસ્તુત કરી અને એક ગાયક તરીકે પણ અત્યંત લોકચાહના પ્રાપ્ત કરી. “લફ્ઝો કી મહક” અને “મોસમ કી ખૂશ્બુ” એ એમના દ્વારા રેકોર્ડ થયેલ બે આલ્બમની ગઝલો આજે પણ એમના અસંખ્ય શ્રોતાઓના હ્દયમાં છે. “રોશન હુઇ હૈ રાહ” અને “તલાસ” એમના ઉર્દુ ગઝલ સંગ્રહ છે તો વલખાનો વિસ્તાર એ એમનો ગુજરાતી ગઝલ સંગ્રહ છે.   

છેલ્લે એના જ શબ્દોમાં એમને અંજલી આપીએ તો..
“આંસુઓં કે ફૂલ સે મુઝકો સજા કર લે ગયે
ગમ કી બસ્તી મેં મુઝે દુલ્હા બના કર લે ગયે.”

2 ટિપ્પણીઓ: