
તિથલ એક આહ્લાદ્ક અનુભવ
દરિયાનું શાંત સ્વરુપ એટલે તિથલ. તિથલના કિનારા પર ચાલવાની ખુબ મજા આવી. અનંતતા તરફ મીટ માંડતા પણ અનંતતા ભાસે એવી જગ્યા એટલે દરિયાના એક કિનારા પરથી બીજા કિનારા પરની શોધ. સવાર સવારમાં બધા ફ્રેશ થવા પડયા છે, ત્યારે હું સ્વામિનારાયણ મંદિરથી દોઢેક કિમી દૂર નિક્ળી ગયો છું.દરિયામાં ભરતી ચાલુ છે. સોમનાથ અને દ્ર્વારકા જેવા મોજા ઉછ્ળતા નથી.પરંતુ ઘુટ્ણ ડુબે એટલા મોજા ઉછ્ળી રહ્યા છે. એક જગ્યા ગમી ગઇ છે. અને અડધો કલાકથી ઉભો છું. exact દરિયાના કિનારા પર. મેં બુટ પહેરેલા છે. તેથી દરિયાનું પાણી અડકે નહી તેની કાળજી રાખીને ઉભો છું. દરિયાને માણવાનું ખુબ જ ઓછું બનેલું છે. આજે તો દરિયાને મન ભરીને માણવો છે, એમ નક્કી કરેલું છે.
દરિયાને માણવાની શરુઆત ખુબ જ સરસ થઇ. એકલો કિનારે ઉભો છું. 13 થી 14 મોજા ઉછળતા આવે છે. અને પછી આવનારુ મોજુ તો એવું હોય કે મારે ચોક્ક્સ પણે બે ડગલા પાછા હટવું જ પડે. મજા આવી ગઇ! કોઇ ગણિત નહી કોઇ વિજ્ઞાન નહી. પરંતુ ખુબ જ મજા આવી ગઇ. દરેક 13 મા કે 14મા મોજા પછી આવનારુ મોજુ ચોક્ક્સ પણે મને બે ડગલા પાછા જવા માટે મજબુર કરતું રહ્યું. આ ઘટના મેં સતત અડધો કલાક સુધી માણ્યા કરી. ખુબ જ મજા આવી. પરંતુ આ મજાની પણ થોડી મર્યાદા હતી. જીગ્નેશ સરનો ફોન આવી ગયો. અજીત સર નાસ્તો તૈયાર છે, આવી જાવ. હવે તો પાછા ફર્યે જ છુટકો. સ્વામિનારાયણ મંદિરની દિવાલ કૂદીને એન્ટર થઇ ગયો. મજા આવી ગઇ. નાસ્તો કરી લીધો. પાછો એ જ જ્ગ્યાએ પહોંચી ગયો, એ જ સ્થળ એ જ જગ્યા. આ વખતે તેનાથી થોડો વધારે આગળ ગયો. અને એ જ જગ્યાએ એવી જ મજા ફરીથી માણી. હું કિનારે ચાલતો હોઉ ત્યારે સતત દરિયાને જ જોયા કરું છું. તેની અનંતતાને જ માણ્યા કરું છું. કદાચ હું પોતે દરિયામાં ગરકાવ થઇ ગયો હોઉ એવું લાગે છે. કિનારો ક્યાં છુટી ગયો છે તેની મને કશી જ ખબર નથી. મનોમન હું ઘણુ બોલી રહ્યો છું. અરે બોલી રહ્યો છું એવું કહેવાના બદલે દરિયા સાથે વાતો કરી રહ્યો છું એવું કહેવામાં કશી જ અતિશ્યોક્તિ નથી. કારણ કે કંઇક શરુઆત જ આવી થઇ છે કે
" હે દરિયા દેવ કેટલાય કવિઓની કલ્પનાઓએ તારા સુંદર સંગીતમય અવાજમાં કવિતાઓ લખી છે. તો કેટલાય લેખકોએ તારા કિનારા પર બેસીને સુંદર નવલકથાઓ લખી છે. પરંતુ મને તો ભાગ્યે જ તારા કિનારા પર આવવા મળ્યું છે. અને આજે મને મળેલા આ સદ્ભાગ્યે હું તારા કિનારા પર ઉભા ઉભા તારામાં તલ્લીન થઇ રહ્યો છું. મને ખુબ જ મજા આવે છે.હું આટલો તલ્લીન ક્યારેય નથી થયો. મને તો તારી લહેરો પણ સંગીતમય લાગે છે. તારી લહેરોનો અવાજ કોઇ સંગીતકારનો હાથ પિયાનોના કિ બોર્ડ પર ફરતો હોય તેના જેવો જ લાગે છે. અરે હા, હું આ બધુ અનુભવી રહ્યો છું તેનું કારણ મારા અને તારા વચ્ચે કોઇ હાજર નથી તે જ હોઇ શકે. ખરેખર એમ જ થાય છે કે કલાકો સુધી બેસીને તારા આ કિ બોર્ડ પરથી પેદા થતા ધ્વનિને નિરંતર સાંભળ્યા જ કરું.... સાંભળ્યા જ કરું.... સાંભળ્યા જ કરું.... સાંભળ્યા જ કરું...." પાછો જીગ્નેશ સરનો ફોન આવી ગયો. આપણે ક્શે બીજે જવાનું છે. હવે મારે પાછા ફરવું જ પડ્શે. પાછા ફરતા ફરતા પણ હું દરિયાને જ જોઇ રહ્યો છું. માટીમાં મારા બુટ થોડા ચોટી જાય છે. પણ દરિયાને માણવામાં બધું જ ભુલાઇ જાય છે. હું આ સંગીતની શોધમાં નિક્ળ્યો છું કે બીજા કશાની એની મને કશી જ ખબર નથી. પણ હા, એટલું ચોક્ક્સ કહીશ કે આ કિનારો છોડ્વાનું મન થતું નથી. પરંતુ મજ્બુરી છે.
પાછી એ જ છોકરાઓ પણ ન કરે એવી હરકત, દિવાલ કૂદીને સ્વામિનારાયણ મંદિરમાં એન્ટર થઇ ગયો. પરંતુ આ દિવાલ કૂદ્તા પહેલા એક મજાનો પ્રસંગ બની ગયો. ચાલતા ચાલતા આવવા નિકળ્યો ત્યારે મને રસ્તામાં પચાસેક વર્ષના માછીમાર કાકા મળી ગયા. હવે તો મનમાં નક્કી જ કરી લીધું હતું કે બસ જાય તો જવા દેવી પણ કાકા જવાબ આપતા રહે ત્યાં સુધી ખસીસ નહી. મારી વિસ્મયકારી શૈલમાં મેં પ્રેમથી કાકાને પુછી લીધુ કે
"કાકા આ ભરતી આવવાનો ચોક્કસ સમય હોય એનું કારણ શું? મને તરત જ જ્વાબ મળી ગયો. જેવી તિથિ એવો સમય ભાઇ. ભરતી આવ્યા કરે અને પછી ઓટ આવે. સવારમાં ચોક્કસ સમયે ભરતી આવે અને રાત્રે પાછી એ જ સમયે ઓટ આવે. સવારે અને રાત્રે ચોક્કસ સમયે ભરતી આવે , મજા આવી ગઇ! મેં બીજો સવાલ તરત જ કરી નાખ્યો. હવે કદાચ આખા દિવસમાં કશું જ ન બને તો પણ મારા માટે ઘણું બની ગયું હતું. કારણ કે આ જવાબને હું મારી સાહિત્યની ભાષામાં એવી રીતે વણી લઇશ કે લોકો સાંભળવા માટે મજ્બૂર થઇ જશે. જવાબ કંઇક એવો હતો કે રાવણે સજા રુપે હનુમાન નું પુછ્ડું સળગાવ્યું ત્યારે હનુમાને લંકા સળગાવી. અને હનુમાન પુછ્ડાની આગ ઓલવવા માટે દરિયાની નજીક ગયા ત્યાં તો દરિયા દેવ ઉંચા થઇ થઇને આગ ઓલવવા માટે આવ્યા. બસ ત્યારથી દરિયામાં સતત મોજા ઉછ્ળ્યા જ કરે છે. મળી ગયો મને તો જાણે મોટો ખજાનો મળી ગયો. હજુ કંઇક જાણવાનું રહી જતું એમ કાકાએ મને આગળ કહ્યું દિકરા દર 4 મહિને ભરતીનો સમય બદલાય. જો હોળીથી ચાલુ કરીએ તો ત્યારે 4 મહિના સુધી ભરતી દિવસે વધે એટલી રાત્રે ન વધે અને પછીના 4 મહિના રાત્રે વધે એટ્લી દિવસે ન વધે. અને આ ચક્ર સતત ચાલ્યા જ કરે.” જબ્બરનું વિજ્ઞાન મજા આવી ગઇ. બસ ઉપડવાની હતી. હું સમયસર પહોંચી ગયો. પરંતું આ શું ? બસ તો માત્ર મેઇન બીચ પર જઇને ઉભી રહી ગઇ. કંઇ ખાસ મજા આવી નહી. કારણ કે મને આવી ખબર હોત તો હું તો ચાલતો જ કિનારા પરથી અહીં આવી પહોંચ્યો હોત. પરંતુ દરિયાની ઇચ્છા કંઇક અલગ જ હશે. બસમાં બેઠા બેઠા પણ હું દરિયાને જ જોઇ રહ્યો હતો. અને મને દેખાઇ ગઇ zets ki. અરે હા, zets ki એટલે દરિયાના પાણી પર દોડતી super bike, motor bike, speed bike જે કહો તે.. આપણું તો કામ કાજ પુરું. બસ ઉભી રહી અને બારીમાંથી કૂદવાનું મન થઇ ગયું, પરંતુ મજબુરી હતી. કારણ કે જો હું કૂદૂ તો છોકરા કૂદે જ. મજબૂરી કા નામ મહાત્મા ગાંધી. ફટા ફ્ટ બસમાંથી ઉતર્યો અને સીધો જ zets ki વાળા પાસે પહોંચી ગયો. રસ્તો પહેલેથી જ બસમાં બેઠા બેઠા જોઇ લીધો હ્તો, એટલે સીધો એ જ રસ્તે ચાલ્યો. બધાથી જ અલગ. કોઇને કંઇ જ ખબર નહી. જીગ્નેશ સરે મને પુછ્યું પણ ખરું કઇ બાજુ. મેં માત્ર એટલું જ કહ્યું કે ચુપ ચાપ મારી સાથે ચાલ. મારી ઝડપ જોઇ ને કદાચ આવ્યો નહી. પાછ્ળ ફરીને જોઇ લીધું એકલો જ હતો. ઝડપ હજુ પણ વધારી અને zets ki વાળા સાથે ભાવ તાલ નક્કી કરાવી લીધા. અને પહેલી જ શરત ચલાવીશ તો હું જ. ok! હું પહોંચ્યો તેની પહેલા તો 75% છોકરા છોકરીઓ કિનારા પર પહોંચી ગયા હતા. કારણ કે ત્રણેય બસમાં છેલ્લી બસ અમારી હતી. શરત મુકીને zets ki વાળા સાથે zets ki પર Ajit Kalaria. મારી પાછળ ઉભેલા માણસે કહ્યું સર તાકાત હોય ત્યાં સુધી સીધું જ જવા દો. હું Ajit Kalaria અને આવી વાત પછી તો જોઇએ જ શું? એક થી દોઢ કિ.મિ. સીધું જ રમરમાવી. થોડું વળાવવાની ટ્રાય કરી તો ધીમું પડયું. પાછ્ળ ઉભેલા માણસે કહ્યું સર સાચી મજા માણવી હોય તો મને આપો. અને કમાન પાછ્ળ વાળા માણસના હાથમાં છે. અને zets ki એ 60-70 ડિગ્રી જેટલી નમી અને સુપર વણાંક લીધો. મજા આવી ગઇ. હું તો મારું CBZ ભુલી ગયો. અને zets ki એ દસ થી બાર વખત નમીને સુપર વણાંકો લીધા. Really what a Drifting ! zets ki કિનારાની નજીક પહોંચી અને હું પેલા માણસને કહું કે એક વાર હું જાતે Drifting કરું ત્યાં તો સામેથી ગીતા મેડમ, સોનલ મેડમ, મિનાક્ષી મેડમનો અવાજ આવી ગયો. અજીતસર નહી. બહાર આવો. આવું કંઇ કરાય જ નહી ને! છોકરાઓ ને પણ warning કોઇએ જવાનું નહી. મેં કહ્યું મેડમ લાઇફ જેકેટ પહેરેલું છે, કંઇ થાય જ નહી ને. પરંતુ સાંભળે તે બીજા. ok
વધારે ઝંઝ્ટ્માં પડવા કરતા પાછી મેં તો કિનારાની જ વાટ પકડી. પાછી નવી જ દિશા. સવારમાં હું બે વખત કિનારા પર ઉતર દિશામાં ચાલ્યો હતો. આ વખતે અત્યારે હું દક્ષિણ દિશામાં આગળ વધી રહ્યો છું. મારે તો દૂર દૂર કિનારા પર ચાલ્યા જવું હતું. હજુ પણ દૂરથી કિનારા પરની zets ki અને તેના અવાજો હું માણી રહ્યો છું. zets kiની સાચી મજા તો Drifting માં જ છે. ખરેખર લોકો આવે છે અને Drifting ની મજા માણે છે. દરિયાના ઉછળતા મોજા અને આવા ઉછ્ળતા મોજા પર ચાલતું એક 100% કૃત્રિમ યંત્ર જે આખું ફાયબર બોડીનું બનેલું છે. દરિયાના મોજા પર એક નવી જ સ્પીડ લઇને ઉછ્ળતું કૂદતું ચાલતું એક water motor bike અને પાછળ એક મોટો પાણીનો ફુવારો છોડતું યંત્ર એટલે વાઉ.... zets ki. કિનારે સહેલવા આવેલો માણસ એના પર બેસીને દરિયો સર કરવાનો આનંદ લેતો હોય અને ક્યારેક પાછ્ળ ઉભેલો માણસ સહેલાણીને Drifting કરાવતો હોય, એ અંદાજ, એ વિચાર જ નિરાળો છે. મનોમન એમ થાય છે કે દરિયાના મોજા આવા Driftingની મજા માણવા માટે તો નથી સર્જાયા ને! zets ki પર લખેલું યામાહા મારી નજર સામે આવી જતું હતું. મેં તો કિંમત પણ પુછી લીધી હતી. 7 લાખ રુપિયા. દરિયામાં હું ઘણે ઉંડે સુધી ગયો હતો. મારા વિચારો એ થોડો વણાંક લીધો. આટલે ઉંડે સુધી ગયો અને મને થોડી પણ બીક ન લાગી. માત્ર ને માત્ર મજા જ આવી. 0.1% જેટલા પણ મારા heartbeats ન વધ્યા. normal totally normal. બેસતા પહેલા પણ મને ખબર હતી કે આ એ જ દરિયો છે કે જે ઘણાને પોતાનામાં સમાવીને બેઠો છે. આ દરિયો શાંત લાગે છે. પરંતુ શોભિત દેસાઇનો એક શેર ભૂલવા જેવો નથી.
"અહીં દરિયો જે તમને ધીર અને ગંભીર લાગે છે.
એ ખોળામાં સમાવીને કેટલાય તોફાન બેઠો છે.” મને બીક કેમ ન લાગી, તેનું કારણ જાણવા મેં મારામાં જ ડૂબકી મારી તો મને એક જ જવાબ મળ્યો કે મેં જીવનમાં કંઇ ખોટું કર્યુ નથી, હું ખરાબ પણ નથી. તો દરિયો શું કરવા મારી સાથે ખોટું કરે કે ખરાબ વર્તે. વાહ... કુદરત તું કદાચ અહિંયા પણ ન્યાય કરતી હશે એવી મને ખબર ન હતી. અને કદાચ એટ્લે જ મને દરિયામાં જતા 0.00005% જેટલી પણ બીક ન લાગી હતી. અરે હા, હું દરિયાના કિનારા પર ચાલતા ચાલતા એટલો બધો આગળ આવી ગયો છું કે હવે વિધાર્થીઓનો ખૂબ જ ધીમો અવાજ આવે છે. અવાજ એટલો ઝીણો થઇ ગયો છે કે એ હવે મને ખલેલ નહી પહોંચાડી શકે. બસ હવે તો હું એકલો પાછો દરિયા સાથે વાતો કરી રહ્યો છું. ચાલતા ચાલતા ક્યાંક ચીકણી માટી આવે છે તો ક્યાંક પગમાં કચરો આવી જાય છે તો એવી ત્વારાથી પગ ઉપડી જાય છે કે ક્યાંય કરચલો ન હોય. સવારે હું કિનારે કિનારે ચાલતો હતો. કારણ કે બૂટ પહેરેલા હતા. અત્યારે બૂટ નથી અને પાણીમાં ચાલુ છું. કિનારા કરતા પાણીમાં ચાલવાની મજા જ કંઇક ઑર છે. દરેક જગ્યાએ ચાલતા ચાલતા હું મારા પગલા છોડતો જાઉં છું. મને ખુદને ખબર નથી કે આવનારી ભરતી આવનારું મોજુ મારા પગલાનું નામો નિશાન રહેવા દેશે કે નહી. પરંતુ એટલુ પાકું છે કે ઓટ આવશે અને પગલું નહી હોય. એની જગ્યાએ ચીકણી માટીમાં સુંદર ભાત ઉપસી આવશે.
આવનારું એકએક મોજુ નવી ક્રાંતિ લાવતું હોય એવો અહેસાસ થાય છે. અહીંના શાંત મોજાને જોઇને મને Discovery પર જોવા મળેલા મહા ભયાનક મોજા યાદ આવી જાય છે ત્યારે મને થાય છે કે એ મોજાના મનમાં તો એમ જ હશે ને કે હું જ સર્વસ્વ છું.હું જ છું. અને એ કિનારા પર અથડાઇને તૂટે છે ત્યારે લાગે છે કે એના એ જ અહંકારના ચૂરે ચૂરા બોલે છે. અરે આ બાબત પર મગજમાં બીજો વિચાર આવી ગયો.
"કદાચ દરિયાને તો એવું નહી હોય ને કે લાઉ ને લેવાય એટલો જમીનનો પ્રદેશ લઇ લઉ અને એ ભરતી રુપી મોજાના સ્વરુપમાં સતત સૈનિકો પેદા કરતો હશે. અને આ સૈનિકો રુપી મોજા કિનારે પહોંચતાની સાથે જ દમ તોડી દેતા હશે અને દરિયાનું અરમાન અધુરું રહી જતું હશે. ખરેખર , એક પછી એક આવતા મોજાઓ મને લાઇન બધ્ધ આગળ વધતા સૈનિકો જેવા જ લાગે છે. બે ત્રણ કે ચાર કલાકો સુધી સતત સૈનિકો ગુમાવનાર હવે દરિયો પીછે હ્ઠ કરતો હશે. અને એ સમય એટલે બીજો કોઇ નહી પરંતુ ઓટ નો સમય. પાછો એ જ દરિયો સૈનિકોનું જોમ વધારીને ઓટ પછી પાછો ચાલુ કરતો હશે ભરતીનો સીલસીલો અને આ ચક્ર સતત ચાલ્યા જ કરે....." ચાલતા ચાલતા કિનારા પર કે દરિયામાં કયાંક ગંદકી દેખાય છે ત્યારે આ સુંદર રમ્ય કુદરતને બગાડવાનો આ કુદરતની નાઝાયસ પેદાશ માનવીને શું અધિકાર છે? એ વાતે મન ભરાઇ આવે છે. શ્વાસ થંભી જાય છે. અને મન વ્યથિત થઇ ઉઠે છે. ધિક્કાર પેદા થાય છે આ માનવજાત માટે!
દૂર દરિયામાં એક વહાણ ઉભેલું દેખાય છે. મધદરિયે છે. અરે મારા મનમાંથી નિકળેલો શબ્દ મને પાછો લઇ જાય છે 'મધદરિયે'. અરે દરિયાનું તો કંઇ મધ્યબિંદુ હોય, મધ્યકેન્દ્ર હોય શક્ય જ નથી ને. આ શબ્દ તો કેટલીય નવલકથાઓમાં તો કેટલીય વાર્તામાં અને કેટલીય કવિતાઓમાં વપરાયો છે. એ તો કિનારા ઉભા રહ્યા પછી જ ખબર પડે કે મધદરિયે હોઇ શકે જ નહી. કદાચ એનો મતલબ એવો જ લઇ શકાય કે દૂર દરિયાની અંદર એક જ્ગ્યા. બસ એનાથી વધારે કશું જ નહી.
હું દરિયા કિનારા પરના પાણીમાં ચાલતો ચાલતો નિક્ળ્યો હતો ત્યાર નો એક સીધી રેખામાં ચાલી રહ્યો છું. સમરેખ રેખામાં એક કિરણની જેમ આગળ વધતા વધતા ભરતીના પાણી એટલા બધા વધી ગયા છે કે હવે મારા ઘૂટણ પણ ડૂબી જાય છે. હવે મને અહેસાસ થાય છે કે વધારે પાણી અને એમાં પણ પાછા ઉછળતા મોજા ચાલવું કેટલું અઘરું છે. પણ હું ચાલુ છું અને મારે ચાલવું જ છે. કારણ કે મારે દરિયાને માણવો છે. હવે ચાલવામાં ખૂબ જ બળ લગાવવું પડે છે કારણ કે પાણી ખૂબ જ વધી ગયા છે. અરે બળ આ તો વિજ્ઞાન છે, વિજ્ઞાનના શિક્ષકને વિજ્ઞાનના નિયમો યાદ આવે છે. પાણી વધ્યા છે આવનારી લહેરો મને હલાવી જાય છે.અને આગળ કિનારા પર જઇ શાંત થઇ જાય છે. ખરેખર શું કુદરત છે. મનોમન વંદન કરવાનું મન થઇ જાય છે. દૂર એક હોડીમાં ઉભા રહીને એક માછીમાર ને દરિયામાં જાળ ફેંકતા જોઉ છું ત્યારે પાછો અશોકપુરી ગોસ્વામીનો એક શેર યાદ આવી જાય છે.
"દરિયો હતો ખારવો હતો ને હું હતો,
એ ખુદા એ સમયે તને પડકારવો હતો.” હું જ્યાંથી ચાલતો ચાલતો જાઉં છું ત્યાંથી બાજુમાંથી એક વૃધ્ધ દંપતી મને પાછળ છોડીને આગળ નિકળી જાય છે.બન્ને એ હાથમાં જાળનો એક એક છેડો પકડેલો છે. અને જાળ માછલી પકડવા માટે પાણીમાં છે. બન્ને મારાથી આગળ નિકળી ગયા છે. હજુ તો હું એમ વિચારતો હતો કે હું ઘણુ બધુ ચાલી ચુક્યો છું. પરંતુ આમને તો મેં સવારમાં ઉતર દિશામાં જોયા હતા. બસ એમના વિચારોએ ચડી ગયો. બાઇના હાથમાં એક નાનકડું ટોપલા જેવું કશુંક હતું. કદાચ એમાં પકડેલી માછ્લીઓ પણ હોય. બસ એમના વિચારોમાં ખોવાઇ ગયો ત્યાં પાછો અંતરનો ક્યાસ કાઢયો તો ખબર પડી કે એ વૃધ્ધ દંપતિએ મારા કરતા તો ત્રણ ગણુ ચાલી નાખ્યું છે. અને મને એનો અંદાજ પણ નથી કે એ હજુ કેટલું વધારે ચાલશે. પરંતુ એક જ મકસદ છે માછલી પકડવી છે અને પેટયું રડવું છે.
આવા વિચારોમાં હતો ત્યાં મારી બાજુમાંથી બીજા બે માછીમારો પસાર થાય છે. એમના ખભા પર એક લાંબુ લાકડું છે. અને લાકડાને જાળ વિંટળાયેલી છે. મેં તેમને બૂમ પાડીને રોક્યા. અને પ્રેમથી ઉભા રાખ્યા. અને પુછ્યું આ કિનારા પર ક્યારથી છો ભાઇ? જવાબ મળ્યો જન્મ્થી જ. મેં બીજો પ્રશ્ન તરત જ કરી નાખ્યો ભાઇ દરિયાથી ક્યારેય બીક લાગી છે. અને મને મળેલા જવાબે મને આવાક જ કરી દીધો. જવાબ કંઇક આવો હતો. આ જ અમારા દેવ આ જ અમારા અન્નદાતા એનાથી વળી કેવું બીવાનું હોય. એની ઇચ્છા થશે તે દિ એ અમને એનામાં જ સમાવી લેશે. આજે અત્યારે મને ખબર નહી પણ ઝ્વેરચંદ મેઘાણી બનવાનું મન થતું હતું. અને મેં મારો ત્રીજો અને છેલ્લો પ્રશ્ન પુછી નાખ્યો. કારણ કે એમના ખભા પર લાકડું હતું અને લાકડાને જાળ વિંટળાયેલી હતી. તેનો વજન ઉંચકીને બન્ને દરિયામાં ઉભા હતા. મને દયા આવતી હતી. અને મારો ત્રીજો પ્રશ્ન તરત જ પડયો. ભાઇ તમે દિવસમાં કેટલું કમાવ છો. મને જવાબ મળ્યો આ દરિયા દેવ જેટલી માછલી આપે અને જેટલા ખરીદવાવાળા મળે તેના પર આધાર છે. આ અમારા દેવ કયારેય અમને ભૂખ્યા નથી સૂવા દેતા. છતા પણ આશરે કંઇક આંકડો કહો તો મજા આવે. જવાબ મળ્યો, ક્યારેક 20,30,40 અને ક્યારેક 50 કે 100 પણ મળે. બસ મારી રેંજ આવી ગઇ અને મેં ઉત્સાહમાં આવીને તરત જ કહી દીધું કે ભાઇ આજે આ માછ્લી પકડવી રહેવા દો. હું તમને તમારી આજની કમાણીના 100 રુ. આપી દઇશ. પણ બન્ને મને એમ કહીને ચાલવા લાગયા કે એ તો તમારે અમારી સાથે શાંતિથી બેસવું પડે અત્યારે નો ચાલે. અત્યારે ભરતી છે. અમારો સમય બગડે અમને નો પોસાય. અને હું બન્ને ને આગળ વધતા જોતો જ રહ્યો. મનો મન વિચારવા લાગ્યો કે શું મારા 100 રુ. ઓછા પડયા હશે? ના એવું તો નહી હોય. તો પછી શું પોતાની મહેનતના જ રુ. ગમતા હશે. હા, એવું હોઇ શકે. કે પછી શું એક પણ દિવસ દરિયાદેવને મળ્યા વગર ચાલતું નહિ હોય? હા, એવું હોઇ શકે. ગમે તેમ પણ એ બન્ને મારા કરતા પોતાના કામ પ્રત્યે વધારે વફાદાર નિકળ્યા. કદાચ હું આટલો વફાદાર રહી શકતો નથી. મનોમન મેં એમને સલામ આપી દીધી.
પાછો મારા મગજે નવો વણાંક લીધો. પૃથ્વી ઉત્પન્ન કરનારા પાંચ તત્વોમાંથી જ્યાં બે તત્વો સંપૂર્ણ ભળી ગયા હોય, એકાકાર થઇ ગયા હોય એવી હકીક્ત એટલે જ દરિયો. જ્યારે જળ અને વાયુ તત્વો ભેગા મળે ત્યારે દરિયો સર્જાતો હોય એવું મને લાગે છે. કારણ કે જળ તો નદી પણ સમાવીને બેઠી છે. એમાં ક્યાં મારે શોધવા ભરતી અને ઓટ! આ તો પવન અને જ્ળ રાશીનો વિપુલ જથ્થો ભેગા થઇને જ ભરતી પેદા કરે છે. એ જ પવન આ જ્ળ રશી પર દિશા બદલે એટલે શરુ થાય ઓટ નો શીલશીલો ! વાહ કુદરત ખરેખર અજાયબ છે. બપોરના 12 વાગ્યા છે. વડોદરા ભળકે બળતું હોય એવું લાગે અહીંયા તો કોઇ જ અસર નથી ખુબ જ મજા આવે છે.સેમલ અને જેનિશને ફોન કરીને બોલાવી લીધા. બન્ને અંદર ન હોતા આવતા. બોલાવ્યા. ખુબ મઝા આવી. દરિયાના પાણીમાં અડધા ઉભા રહીને માણતા શીખવ્યું. થોડી મજા આવી. પાછા ચાલતા ચાલતા મુખ્ય બીચ પર જવાનું નક્કી કર્યું. કારણ કે કે.જે. સર સીટી મારતા હોય એવો અવાજ સંભળાઇ રહ્યો હતો. પરંતુ પહોંચ્યા પછી ખબર પડી કે હું તો ઘણો વહેલો પાછો આવી ગયો છું. પરંતુ કંઇ નહી હશે.! ફરીથી મન ને આમ તેમ મનાવતો હતો. પરંતુ મન તો પાછું કિનારા પર પડેલી zets ki પર જ ચોંટી જતું હતું. એટલામાં જીગ્નેશ સર પાસે બેઠા બેઠા દાબેલી ખાતા હતા ત્યારે જાણ્યું કે પિનલ સરે છોકરાઓને zets ki પર જવાની છુટ આપી દિધી છે. પછી તો જોઇએ જ શું? આ બાબતમાં તો Ajit Kalaria છોકરાઓ કરતા પણ નાનો હતો. zets ki સુધી પહોંચતા પહેલા રસ્તામાં એક કેમેરા મેન મળ્યો. પુછ્યું કેટલા રુ. જ્વાબ મળ્યો 30 રુ. એક મિનિટમાં ફોટો. આ બાબતથી હું પરિચિત હતો. રાજ્શ્રી સાથે આવો જ ફોટો મેં હરસિધ્ધિની ટેકરી પર પડાવેલો હ્તો. કેમેરા મેન ને કહી દીધુ OK. zets ki પર વ્યવસ્થિત બેસીને ફોટો લઇ લીધો. પછી તરત જ zets ki વાળાને મળ્યો અને ડિલ કરી ફરીથી એક જોરદાર રાઉંડ OK.
અને ફરીથી zets ki પર Ajit Kalaria ખૂબ જ મજા આવી ગઇ. સીધુ જ accelarator દબાવીને જવા દીધુ. કોઇની બીક નહી. જિંદગીનો એક આહ્લાદ્ક અનુભવ! જાતે ટર્ન લેવાની ટ્રાય કરી પણ જોઇએ એવી મજા આવી નહી. પાછળથી હેન્ડ્લીંગ થયું અને મજા પડી ગઇ. દરિયામાં આખા વર્તુળાકાર માર્ગમાં zets ki 70 ડિગ્રી જેટલી નમી અને ઘૂઘવાતા ઉછળતા મોજા પર ફરીથી Drifting કર્યું. વાઉ..... .. ફરીથી Drifting ની મજા જ કંઇક ઑર છે. આ દરમ્યાન મારા બે ફોટા પણ કલિક થઇ ગયા હતા. પેલા માણસને રુ 200 પેમેન્ટ કરી દીધું. કિનારા પર પહોંચ્યા પછી પણ હજી હું પેલી zets ki ને જ જોઇ રહ્યો હતો. પેલો માણસ ફરી પાછો બીજા કોઇને લઇને ગયો. તેને હું સતત જોઇ રહ્યો હ્તો. અને મગજમાં એકદમ તરત જ કલિક થઇ ગયું કે આ તો ટર્ન લેવા માટે ઉભા થવું જ પડે. તો સરળતાથી નમાવીને ટર્ન લઇ શકાય. કારણ કે મને યાદ આવી ગયો ચંદનનો ગેમ ઝોન, ત્યાં હું આ જ ગેમ ઉભા ઉભા રમેલો છું. અને એ પણ અનેક extra bonous stage પાસ કરીને. બસ આટલું વિચાર્યું ત્યાં તો પાછળથી કેમેરામેને મને બોલાવ્યો અને કહ્યું સર તમારા ચાલુ રાઇડના બે ફોટા છે. કયો લઉં. મેં બન્ને ફોટા જોયા અને કહ્યું દોસ્ત બન્ને જોઇએ છે. કુલ 3 ફોટા લઇ રુ 90 ચુકવીને હું આગળ વધ્યો. જીગ્નેશ સર અને કે.જે. સર પાસે બેસવા ગયો કે તરત જ જીગ્નેશ સર બોલી ઉઠ્યા કે કાલરિયા તું માણે છે તિથલ ને બરાબર વાહ... વાહ....... પરંતુ હજુ પણ zets ki મગજમાંથી હટતી ન હતી. દસમા અને અગિયારમા ના છોકરા પાણીમાં રમી રહ્યા હતા. મને બોલાવી રહ્યા હતા. હું પાણીમાં ગયો પરંતુ તેઓ ઇચ્છતા હતા કે હું તેમની સાથે રમું. પરંતુ મારું મન તો રમવાની જગ્યાએ બીજે જ હતું. કંઇક અલગ જ વિચારોમાં. કંઇક પામવાના વિચારોમાં. છોકરાઓ એ બે ત્રણ વખત ફરીથી કહ્યું. પરંતુ મારી ના જ રહી. એક બે વખત મારી તરફ બોલ આવ્યો પણ ખરો મેં પાછો આપી દિધો. કંઇ ખાસ રસ રાખ્યો નહિ. એ જ સમયે ચાર પાંચ બીજા વિધાર્થીઓ પાણીમાં આવ્યા અને મારી સાથે ફોટો પોતાના cybershot માં કલિક કરી ગયા. મારે તો દરિયાને માણવો હતો. એટલે પાછો એમનાથી દૂર નીકળી ગયો. નજીકમાં જ છોકરા રમતા હતા. કમર સુધી ડૂબેલા શરીરે હું દરિયાને માણતો રહ્યો. ક્યાં સમય પસાર થાય છે તેની કંઇ જ ખબર ન રહી. બપોરના બે -અઢી વાગ્યે ચાલતો ચાલતો હું જમવાની જગ્યાએ પહોંચ્યો. જમવા બેઠા. મેં કપડા બદલી નાખ્યા હતા. કારણ કે zets ki જ્યારે વર્તુળાકાર માર્ગમાં Drifting કરતી હતી ત્યારે હું આખે આખો પલળી ગયો હતો. જ્મ્યા પછી 4 વાગ્યે બધાને જ્યાં જવું હોય ત્યાં જવાની છુટ આપવામાં આવી. બધા જ પાછા પેલા બીચ પર જવા નિકળ્યા. હું અને જીગ્નેશ સર , હું સવાર માં ગયો હતો તે જગ્યાએ એટલે કે ઉતર દિશામાં જવા નિકળ્યા. નિકળતા પહેલા મેં બિપીનને મારો મોબાઇલ ચાર્જ કરવા આપ્યો હતો. બિપીનને પણ અમારી સાથે આવવું હતું. એટલે મેં એને કહ્યું કે અમે વધારે દુર નહી પહોંચ્યા હોઇએ, ચાર્જીંગ પતે એટલે શાંતિથી મંદિરની દિવાલ કુદીને પથ્થરો ઉતરીને આવી જજે. કારણ કે સાત સાત ફૂટના બે પથ્થરોના થર અને પછી સાડા છ ફૂટ ઉંચી દિવાલ હતી. આ જ જગ્યાએથી સવારે હું બે વખત આવ્યો હ્તો. આવું સમજાવીને હું ને જીગ્નેશ સર આગળ ચાલ્યા. બન્ને વાતો કરતા કરતા સવારે હું આવ્યો હતો એ જ જગ્યાએ આવી પહોંચ્યા. થોડે દૂર એક સઢ વાળી હોડી જોઇ અમે બન્ને એમાં બેસવા ગયા તો તરત જ એમાંથી નાની જીવાતો ઉડવા લાગી અને અંદરથી માછલીની દુર્ગંધ આવતી હતી. કદાચ આ હોડી હમણાં જ કિનારે આવી હશે એવું લાગ્યું. તેનાથી થોડે દૂર બીજી હોડી હતી. એ કિનારાથી થોડી વધારે દૂર હતી. એટલે એમાં આવું નહી હોય એમ ધારીને ત્યાં ગયા અને અમે સાચા પડયા. એ જ હોડીમાં અમે થાક ખાવા માટે બેઠા. દરિયો સતત અંદર જઇ રહ્યો હ્તો. કારણ કે ઓટ શરુ થઇ ગઇ હતી. થોડીવાર પછી થોડું વધારે આગળ ચાલ્યા. પરંતુ હવે પગ થાકી ગયા હતા. દિવસમાં ઘણું ચાલ્યો હતો. જીગ્નેશ સરે પણ પાછા જવાની વાત કરી. OK અમે બન્ને થોડું ચાલ્યા ત્યાં સામે એક માછીમાર મળી ગયો. અમારે તમારી હોડીમાં બેસીને દરિયામાં જવું હોય તો? જવાબ મળ્યો આમાં નો જવાય, ત્યાં બીચ પર છે એમાં જાવ. આ તો ઉંધી પડી જાય તો તમને બચાવે કોણ! વાત વાત માં તેમણે કહ્યું, અહિંયા તો જિંદગીનું કંઇ જ નક્કી નહી. માણસ દરિયામાં જાય અને પાછો ન પણ આવે. કેટલીકવાર એની લાશ મળે પણ ખરી અને કેટલીકવાર ન પણ મળે. થોડી વાત થઇ પણ મગજ્માં ઘણું ઘણું ફરી ગયું એવું લાગ્યું. થોડું ચાલ્યા પછી જાણે કંઇક રહી જતું હોય એમ તરત જ જીગ્નેશ સરને એમ કહીને પાછો આવ્યો કે તું એક મિનિટ ઉભો રહે હું એક મિનિટમાં પાછો આવું છું. હું ફરીથી પેલા માછીમાર કાકા પાસે ગયો અને પુછ્યું કાકા તમારી પાસે કંઇક અલગ જ શંખ કે બીજી કોઇ દરિયાઇ વસ્તુ હોય તો વેચાતી આપશો. એમણે સરળતાથી જવાબ આપ્યો હમણા તો મારા પાસે છે નહી. ગામમાં બીજા કોઇ પાસે હોય તો તપાસ કરાવવી પડે. કોની પાસે હોય કંઇ નકકી નહી. OK Thank you કહી હું પાછો જીગ્નેશ સર પાસે આવ્યો. પરંતુ સામેથી ગૌરાંગ અને બિપીન દેખાયા. તેમની સાથે પાછો હું ઉતર દિશામાં ચાલ્યો. કારણ કે તેમની ઇચ્છા હજુ આગળ જવાની હતી. પરંતુ માંડ પા કિ.મિ.નું અંતર કાપ્યું હશે ત્યાં તો મારી બધી જ શક્તિ ખૂટી પડી હોય એવું લાગ્યું. અને મને થયું હવે પાછા ફરવું જ પડશે. કારણ કે હવે પગ ખૂબ જ થાકી ગયા છે. દિવસમાં હું ખુબ જ ચાલ્યો. પાછા ફર્યા. જ્યાં ઉતારો હતો ત્યાં કિનારે આવ્યા. કિનારે પિનલ સર થોડા છોકરાઓના ગ્રુપમાં બેઠા હતા. બિપિન અને ગૌરાંગ બીચ પર આગળ ચાલ્યા ગયા. પરંતુ પાંચ સાત મિનિટ બેઠા પછી પાછું જાણે કંઇક રહી જ્તું એવું લાગ્યા કરતું હતું. શું કરુ કંઇ ખબર પડતી ન હતી. પાછો અંદરથી અવાજ આવ્યો દોસ્ત આજ ને માણી લે ને ....
બિપિન અને ગૌરાંગની પાછળ હું પણ નિકળી પડ્યો. તેમની પાછ્ળ સીધી રેખામાં જ હું ચાલી રહ્યો હતો. દરિયો અમારાથી ઘણે દૂર જઇ ચુક્યો હતો. સૂર્ય હજી 30 ડિગ્રી ડૂબવાને દૂર હતો. નજારો ખૂબ જ સરસ થઇ રહ્યો હતો. પેલા બન્ને છોકરા અને મારા વચ્ચેનું અંતર સતત વધતું જ જતું હતું. કારણ કે હવે હું ખૂબ જ થાકી ગયો હતો. છતાં પણ કંઇક શીખવાની તમન્નાએ હું ચાલતો રહ્યો. અને ચાલતા ચાલતા સવારે દાબેલી ખાધી હતી તે જગ્યાએ લારી પર જીગ્નેશ સર ને મળ્યો. અને તરત જ બોલાઇ ગયું સર હવે તો ઓવર ખૂબ જ થાકી ગયો છું. તરત જ બેસીને બે દાબેલી ખાઇ ગયો. બધા જ હવે જમવાના સ્થળ પર પાછા જઇ રહ્યા હતા. હવે ચાલવાની તાકાત ન હતી. બસ જવાની છે કે નહી તની તપાસ કરાવી લીધી. ચાલતા જ જવાનું હતું.
હશે કદાચ આ દરિયો હજી કશુંક કહેવા માંગતો હશે એમ ધારીને ધીરે ધીરે ચાલવા માંડયું. હું અને સેમલ ચાલતા-ચાલતા, વાતો કરતા કરતા પાછા ફરતા હતા, ત્યાં દરિયાએ મને કહી દીધું કે હવે ફેમિલિ સાથે પાછો ક્યારે આવીશ. મેં તરત જ જવાબ આપી દીધો બને તેટલું જલ્દી. સાંજે પાછા જમવા બેઠા પેટ ભરીને ખાધું અને ઘણા બધાએ મને પુછી જોયું પગને વળી શું થયું છે? ચાલ કેમ બદલાઇ ગઇ છે? મારો એક જ જવાબ હતો. કે જે માણસ જિંદગીમાં ક્યારેય ન ચાલ્યો હોય એ એક જ દિવસમાં 10-12 કિ.મિ. કરતા વધારે ચાલે તો શું થાય તે જ થયું છે બીજુ કશું જ નહી.
રાત્રીના સાડા આઠ વાગ્યા હતા. બધા જ બસમાં ગોઠવાય ગયા હતા. બસ ઉપડી. છેલ્લી સલામ તિથલના દરિયાને હતી. હજુ અંધારામાં પણ હું એના ઉછળતા મોજા અને એના સંગીતમય અવાજ ને માણી રહ્યો હતો. મારી છેલ્લી નજર હજુ શોધી રહી હતી કે ક્યાંય zets kiતો દેખાતી નથી ને!!!!
Ajit Kalaria