ઉપસ્થિત સૌને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ ......
મન હોય મેળાવડો હોય અને જ્યારે પોતિકાપણાની હૂંફ હોય ત્યારે જે મિલન થાય એનું નામ
સ્નેહમિલન બાકીના મેળાવાળા એ તો મેળા કહેવાય જેમાં માત્ર ને માત્ર મનોરંજન હોય
મનને હલકું કરી આનંદનો ઓછવ કરવાનો હોય એ મેળો કહેવાય પણ જ્યાં લાગણી હોય ભાવના હોય
અને ભાઇચારા સાથે સંસ્કૃતિની ધરોહર સાથે જે મિલન હોય એને ખરું સ્નેહમિલન કહેવાય
! અને આજે જ્યારે પર્થના આંગણે KPSWA ના બેનર નીચે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે આપણે
સૌ ભેગા થયા છીએ ત્યારે એ સ્નેહમિલન ખરા અર્થમાં એક નવો જ માઇલસ્ટોનને સર કરી
રહ્યું છે. અહિં ઉપસ્થિત સૌ પાટીદારોની કોમન વાત કઇ તો જવાબ છે કે પ્રત્યેક
પાટીદાર એના ડીએનએમાં સાહસીકતાનો ગુણ લઇને આવ્યો છે તો પ્રત્યેક પાટીદાર આસ્તિક છે
પોતાના કામ પ્રત્યે વફાદાર છે પોતાના કુટુંબ માટે સર્વસ્વ અર્પી દેવા તૈયાર છે.
આવા આપણે સૌ જ્યારે અત્યારે એક મિલનના ભાગ રૂપે ભેગા થયા છીએ ત્યારે સૌ પ્રથમ
શરૂઆત પ્રાર્થનાથી કરીએ ! કારણ કે .....
મનોજ ખંડેરિયાના શબ્દોમાં ....
રસમ અમારી જુદી ને રિવાજ સાવ નોખા,
અમારે મન તો બસ શબ્દો જ કંકુ ને ચોખા.
બસ તો એ પ્રાર્થના રૂપી શબ્દોથી ભગવાનના ચરણોમાં આપણે
અભિષેક કરીએ.
==============
ચાલો ફરીથી ઉજવણીમાં જોડાઇએ તો ..... સૌથી પહેલા એક સાદો
પ્રશ્ન કે ....
આ દિવાળી અને નવું વર્ષ વળી શું ? તો જવાબ છે કે ...
વર્ષના અંતની 24મી અગિયારસ આશો મહિનામાં આવે ને પ્રત્યેક
ઘરમાં શરૂ થાય એક નવો જ અસિતત્વનો ઉત્સવ ! આંગણાંમાં રંગોળી અને ટોડલે દિવડાની
ઝાકમઝાળ એટલે દિવાળીનો પર્વ ! નાનેરાથી લઇને મોટા સૌના મનોવિશ્વમાં જ્યાં આનંદને જ
સ્થાન હોય એ દિવાળી ! અંધારિયાના એ દિવસોમાં દિવડો જાણે સૌ માટે પ્રકાશનો પર્યાય
બની ઉઠતો હોય છે. અમાસની એ અંધારી રાત ક્યાંક સૌ માટે દિવડા થકી તો ક્યાંક
ફટાકડાના થકી પ્રકાશ, આનંદ અને હરખના અતિરેક સાથે ભરેલી હોય છે. એ અંધારી રાત પછી જે સબરસ લઇ લો સબરસના અવાજ
સાથે નવલી પ્રભાત આવે છે એ સૌ માટે ભરપુર ખુશી અને પોઝિટીવિટીથી ભરેલી હોય છે. એક
બીજાને મળવાનો અનેરો આનંદ હોય છે અને જ્યારે આવો મજાનો દિવસ પ્રત્યેકનો પતતો હોય
અને આકાશમાં અંધારૂ આકાર લેતું હોય ત્યારે એ આકાશમાં પાતળી કોર સાથે ઉગેલો એ ચંદ્ર
જાણે આપણને કહી રહ્યો હોય છે કે એ ભાઇ જો ને ગઇકાલે તો હું હતો જ નહી અને આજે તારી
સામે મારા અસ્તિત્વને થોડું ઉજાગર કરીને આવ્યો છું અને આવનારા 15 દિવસ સુધી હું સતત મારા
અસ્તિત્વને આમ જ વિસ્તારો જઇશ બસ તું પણ તારા આ નવા વર્ષે આમ જ રોજ પ્રતિ ક્ષણ આમ
જ વિસ્તરતો જા .. વિસ્તરતો જા અને તારા અસિતત્વને વધારતો જા ! સાલમુબારક ....
પ્રત્યેક માટે નવું વર્ષ આ સંદેશા સમાન હોય છે અને ત્યારે
અત્યારે આપણે સૌ જ્યારે નવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે ભેગા
થયા છીએ ત્યારે એક પતિ – એક બાપ નવા વર્ષને કેવા અંદાજમાં મુલવતો હોય છે તો એનો
જવાબ અંકિત ત્રિવેદીની એક રચનામાં છે કે ....
મારા સપના તારી આંખે સાચ્ચા પડતા જાય
એને નવું વર્ષ કહેવાય
હું કંઇ પણ ના બોલું તો પણ તરત તમને સમજાય
એને નવું વર્ષ કહેવાય...
ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું,
પકડાઇ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું ,
લાભ, શુભ ને ચોઘડિયા પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય....
જીવન એવું જીવશું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ,
વ્હાલ નીતરતા શ્વાસમાં ઘૂંટશુ ઇશ્વરનો અહેસાસ
ટૂંકમાં, તારી સાથે દિવસો ઉત્સવ થઇ ઉજવાય
એને નવું વર્ષ કહેવાય.....
આ નવો મિજાજ જાણે પ્રત્યેક પાટીદારના ઘરમાં હોય છે કારણ કે
એમ કહેવાય છે કે તહેવાર અને વહેવાર પાટીદારના જ ! પાટિદાર માટે પ્રત્યેક ઉત્સવ
જાણે અસિતત્વનો ઉત્સવ ! આયોજન અને અખિલાઇનો પર્યાય એટલે પાટીદાર !
પ્રભાવ અને વૈભવ ની વચ્ચે જીવતો પાટીદાર !
ખુદ્દારી, ખમીરી અને ખાનદાની સાથે જીવનભર જીવી જાણે એ પાટીદાર
!
કોઇપણ ક્ષેત્રમાં સત્તા, શાણપણ કે શતરંજ ના
પ્યાદા ગોઠવી શકે અને જીતની બાજી મારી શકે એ પાટીદાર !
અરસ્પરસ સ્નેહ અને ભાતૃભાવ થકી સતત પરિવારની કે મિત્રોની કે
સમાજની ચિંતા કરી એમને મદદરૂપ થવું એ જ જાણે પાટીદાર નો આગવૉ અંદાજ!
આટલું જ નહી - દાન
- ધર્મ અને કર્મનો મહિમા જેણે ખરા અર્થમાં આત્મસાત કર્યો હોય એવી જો કોઈ કોમ્યુનિટી
હોય તો ગર્વ થી કહી શકાય કે એ પાટીદાર!
ભારતમાં જ ગુજરાતની બહાર પગ મુકો એટલે તમને પાટીદાર ક્યાં મળે
તો છેલ્લા 200-400 વર્ષનો ઇતિહાસ બોલે છે કે
પ્રત્યેક નગરમાં જે પણ બેન્સોનો ધંધો કરનાર મળે એ મોટે ભાગે પાટીદાર જ નિકળે ! સમય
બદલાયો થોડા સમીકરણો બદલાય અને પ્રત્યેક ધંધામાં કે જોબમાં પાટીદારોનું વરચસ્વ સતત
વધતું જ રહ્યું ! અને પછી તો સિલિકોન વેલી
હોય કે સાઇબિરીયાનો પહાડી પ્રદેશ, સહારાનું રણ હોય કે સેસલ્સ આઇલેન્ડ હોય, નાસા હોય કે નાઈજીરીયા
નું જંગલ , ફિલ્મ ઇન્ડસ્ટીઝ હોય
કે ક્રિકેટનું મેદાન હોય,
મોટેલ હોય કે મરજીવારૂપિ
છલાંગ, બધે જ કોઇકને કોઈક
ને કોઈ પાટીદાર સતત વિશ્વના ખૂણે ખૂણે શ્વાસી રહ્યો છે. જે રણમાં પણ સરોવર બનાવવાનું
સપનું જોઈ શકે અને મંગળ પર કે ચંદ્ર પર જમીન લઈ પોતાની પત્ની કે બાળક ને રીજવી શકે
જેના સપના હિમાલય ને સર કરવાની પણ હોય અને પેસેફિકના ઊંડાણને માપવાની હોય એ
પાટીદાર !
અને એટલે જ કહેવું હોય તો ચોક્ક્સ કહી શકાય કે શુદ્ધમ બુદ્ધમ મહાપ્રજ્ઞામડિંતમ સણવંડિત એટલે કે શુદ્ધ, જાગૃત, મહાન બુદ્ધિથી સુશોભિત અને યુદ્ધના મેદાનમાં કુશળ છે પાટીદાર છે.
=================
જૂનું બધું યે નવું થાય, એ નવું વરસ કહેવાય
થવા જેઉં યે ઘણું થાય, એ નવું વરસ કહેવાય
દોડી દોડી હાંફી હાંફી
ભાગો જેની પાછળ
એ જ અચાનક આવી ઊભું
રહે આપણી આગળ
ઇચ્છો એવું બધું થાય એ નવું વરસ કહેવાય !
થવા જેવું ઘણું થાય એ નવું વરસ કહેવાય !
તારા વિના બધું જ જૂનું
એવું ગમતી વ્યક્તિને કહેજો
નવા વરસે થોડું તો થોડું
એની સાથે રહેજો
આખા જગમાં જેટલું સુખ હોય
બધું તમારું થાય...
થવા જેવું ઘણું થાય એ નવું વરસ કહેવાય !
નવા વરસે એ બધું જીવો
જે કદીયે જીવ્યા ન્હોતા
નવા વરસે એ બધું કહો
જે ક્દીયે બોલ્યા નહોતા
નવા વરસમાં સમય આપનો
નવો શરૂ થાય...
થવા જેવું ઘણું થાય એ નવું વરસ કહેવાય !
અજવાળાનો ડર લાગે તો
અંધારાને મળજો
એક નાનકડો દીપ પ્રગટાવી
સૂરજ સામે ધરજો
નવાવરસે જે પણ થાય એ બધું
મજાનું થાય....
થવા જેવું ઘણું થાય એ નવું વરસ કહેવાય !
પર્થના આંગણે જ્યારે આ KPSWA ના બેનર નીચે 5 મા વર્ષની મજાની ઉજવણી આકાર પામી છે ત્યારે થોડા ઇતિહાસ તરફ નજર નાખીએ તો ચોક્ક્સ કહેવાનું મન થાય કે જ્યારે 4 વર્ષ પહેલા આવા સ્નેહ મિલનની શરૂઆત કરી હતી ત્યારે માત્ર 87 વ્યક્તિઓ હતાં વર્ષો વર્ષ સંખ્યામાં ઉમેરો થતો ગયો અને આજે 250 ના નાવા માઇલ્સ્ટોનને ટચ કરી ચુક્યા છીએ
જે બતાવે છે કે વિદેશમાં રહેતા – પર્થમાં રહેતા પ્રત્યેક
પટેલના મનમાં હ્રદયમાં કે એના આખા કુટુંબનાં પ્રત્યેક શ્વાસમાં હજી ભારતીય
સંસ્કૃતિની ધરોહર એમ ને એમ સચવાઇને પડી છે. પર્થમાં પાટીદારો કેટલા તો આ હોલમાં
ભેગા થયેલા 250 જણા ! ના .... ! મને અત્યારે ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી એક વાત યાદ
આવે છે. ચાલો બક્ષીના જ શબ્દોમાં એ વાત તમને કહું .... ! એકવાર એક ઉત્સાહી પાટીદારને તુક્કો સૂઝ્યો કે
દુનિયાભરના પાટીદારોની વસ્તીગણતરી કરવી. એણે ધર્મજથી શરૂ કર્યું, ઉતરસંડા, પેટલાદ,
નડિયાદ, આણંદ, ઉમરેઠ... ઉપર મહેસાણા પછી કાઠિયાવાડ થઇને અરબી સમુદ્ર ઓળંગી
કમ્પાલા, મોમ્બાસા, ઝાંઝિબાર, એડિસ અબાબ પછી મોઝામ્બિક, ઝિમ્બાબ્વે, રહોડેશિયા,
દક્ષિણ આફિકા... આગળ ફરી એટલાંટિક મહાસાગર પાર કરી ન્યુયોર્ક, ફિલાડેલ્ફિયા,
શિકાગો , બોસ્ટન થઇને આખું અમેરિકા અને બીજે છેડે લોસ એનિજ્લિસ, સાન ફ્રાંન્સિસ્કો
... ઉપર કેનેડેમાં મોંટ્રિયલ, ક્વિબેક અને ત્યાંથી ઉત્તર ધ્રુવ ! ઉત્તર ધ્રુવ જઇને
એ થાકી ગયો. એને થયું કે જીવનભરનું કામ પુરૂ થયું – ઘણા પાટીદારો ગણાઇ ગયા ! ઉત્તર
ધ્રુવથી એ પાછો ફરી રહ્યો હતો ત્યારે એને એક બીજો પાટીદાર મળ્યો એ પણ પાટીદારની
ગણતરી કરવા દક્ષિણ ધ્રુવની પાસે આવેલા ન્યુઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી નિકળ્યો હતો.
દક્ષિણ ધ્રુવવાળાએ ઉત્તર ધ્રુવવાળાનું લિસ્ટ જોતા કહ્યું કે, આમા બાકીની અડધી
દુનિયાના પાટીદારો તો આવ્યા જ નથી ! અમારા ન્યુઝિલેન્ડ – ઓસ્ટ્રેલિયામાં જે
પાટીદાર વસાહતો છે એનું શું ? છેવટે બન્ને એકબીજાનું લિસ્ટ જોઇને બેહોશ થઇ ગ્યા
હતા. પાટીદારોની વસ્તી ગણતરી શકય જ નથી.
ચંદ્રકાન્ત બક્ષીની
આ વાત જો આપણા પર્થ માટે કરીએ તો આપણે સૌ ક્યાંક એક તાંતણે બંધાઇને આ ચાલ્સ રીલી
કોમ્યુનિટી સેન્ટરમાં ભેગા થયા છીએ એના વિચારનું બીજ આજથી 4 વર્ષ પહેલાં રમેશભાઇ
પનારાના મગજમાં આવ્યું હતું અને એ વિચાર ફણગો થઇને ફૂટ્યો અને એ ફણગો પ્રતિ વર્ષ
સતત વધતો જ રહે છે અને વિસ્તરતો જ રહે છે. અને હજુ એ અનેક નવા માઇલસ્ટોન સર કરશે જ
એમાં કોઇ બે મત નથી જ ! પણ અત્યારે એ રમેશભાઇ પનારા જે આપણી વચ્ચે છે એમને બે
શબ્દો કહેવા માટે સ્ટેજ પર આમંત્રીત કરું છું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો