એ પણ એક સમય હતો- જમાનો હતો કે રાજા વિદેશ પ્રવાસે જતાં અને ત્યાં એમને જે
ગમી જતું એ પોતાના રાજ્યમાં એવું જ ઉભુ કરાવતાં અને પ્રજાને સુવિધાઓ પુરી પાડતાં !
આવા અનેક પ્રજા લક્ષી કામો એ સમયે થયા જ છે. આવી જ રીતે યુરોપ ફરી આવેલા રાજા
વાઘજી ઠાકોરને એ સમયે ફ્રાંસનું પેરિસ મનમાં વસી ગયેલું અને મોરબીને એવો જ ઓપ
આપવાની એમણે જાણે નેમ લીધી અને આજે પણ મોરબીની એ જુની ગલીઓમાં આંટો મારીએ તો
ક્યાંક એવી ગલી કે કોઇક વસ્તુનો ઓપ એ બાંધણી ચોક્ક્સ નજરે ચડી આવે જે પેરિસમાં એ
સમયે જોવા મળતી ! અને એના કારણે જ મોરબી સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું ! મહારાજાની
એ યુરોપ સફરમાં એમને ગમી ગયેલી – આકર્ષી ગયેલી એક વાત એટલે સસ્પેન્શન બ્રીજ !
ચોક્ક્સ પ્રકારના લાકડા – મજ્બૂત તાર અને થોડા જરૂરી સામાન મંગાવવામાં આવે છે અને આખરે 1887 માં મહારાજા વાઘજી ઠાકોરે મોરબીની
ધરોહરમાં એક યશકલ્ગી રૂપી પીછું ઉમેરતાં સશ્પેનશન બ્રીજનું નિર્માણ કર્યું અને એ
સસ્પેનશન બ્રીજ પ્રજાને અર્પણ કર્યો ! સરળ શૈલીમાં ગામઠી ભાષામાં એનું નામ પડી
ગ્યું જુલતો પુલ જે 1.25 મિટર પહોળો અને
233 મીટર લાંબો હતો. નાના હતાં ત્યારે વિશ્વની સાત અજાયબીઓના લિસ્ટમાં ક્યાંક બેબીલોનના
હેંગિગ ગાર્ડનનો ઉલ્લેખ આવતો પણ અમારે મન તો મોરબીનો આ પુલ જ જાણે બધું ! સમગ્ર ભારતમાં આવા જુલતા પુલ માત્ર બે જ જગ્યાએ
છે ઋષિકેશમાં રામ જુલા અને લક્ષમણ જુલાના રૂપે અને મોરબીમાં મચ્છુ નદીની ઉપર !
મચ્છુ નદી પર 50- 60 ફૂટ ઉંચાઇ ઉપરનો આ પુલ દરબારગઢ અને સામે કાંઠે આવેલ લખધિરજી
કોલોજને જોડનારો હતો. પહેલા તો આ પુલ રાજવી પરિવાર જ ઉપયોગમાં લેતા હતાં પરંતુ
પ્રજાલક્ષી નિર્ણય લઇને લોકો માટે પણ એ ખુલ્લો મુકાયો અને સમય જતાં એની જવાબદારી
મોરબી નગરપાલિકાને સોંપાઇ. સમય વિત્યો ટેકનોલોજીનો નવો યુગ આવ્યો – નવા પર્યટન
સ્થળો પણ અસ્તિત્વમાં આવ્યા અને 21મી સદીના પડઘમ પણ સમ્યા પણ 134 વર્ષ જુનો એ
જુલતો પુલ હજી ગઇકાલ સુધી લોક આકર્ષણના પર્યાય સમો રહ્યો. 2001માં ભુકંપ આવ્યો
ત્યારે તે થોડું નુકાશાન પામ્યો હતો અને સાવચેતીના પગલા રૂપે એને બંધ કરી દેવાયો
હતો. બાદમાં ઓરેવા ટ્રસ્ટને એના મેન્ટેન્નસની જવાબદારી અપાઇ હતી અને જીંદાલ કંપની
સાથે મળીને રીનોવેટ કરી ફરીથી એ પુલને
જનતા માટે ખુલ્લો મુકાયો ! અને 21મી સદીમાં પણ એ જુલતા પુલના ટીકીટના દર જનતા માટે
માત્ર 10 રૂપિયા તો બાળકો માટે 5 રૂપિયા
અને સ્કુલના બાળકો માટે તો માત્ર 2 રૂપિયા જ હતાં. પણ સમયની બલીહારી એવી કે થોડા જ
વર્ષોમાં ફરીથી એને બંધ કરી દેવાની નોબત આવી ! છેલ્લા કેટલાક વર્ષોથી બંધ પડેલો
પુલ છેલ્લા 7 મહિનામાં 2 કરોડના ખર્ચે રિપેરિંગ થયો અને બસ કારતકના પહેલા જ દિવસે
- નવા વર્ષે જનતા માટે ખુલ્લો મુકાયો માત્ર પાંચ દિવસ થયા અને છઠ્ઠા દિવસની સાંજે
સૂરજ આથમવાની તૈયારીમાં હતો ત્યારે એ મોરબીની શાન સમા જુલતા પુલ સામે કાળદેવાતાએ
ક્યાંક માથું ઉચ્ક્યું અને પુલ પર ઉભેલા અનેક મોરબીવાસીઓને મચ્છુના ખોળામાં એ પુલ
સાહીત સમાવતા ગ્યા ! હ્રદય વ્યથિત કરી મુકે એવા દ્રશ્યો સર્જાયા અનેકે ક્યાંક કોઇક
સ્વજન ખોયું તો કોઇકે મિત્ર તો કોઇકે ભાઇ તો કોઇકે બહેન તો કોઇકે પોતાનો લાડકવાયો
ખોયો ! પાડા પુલ પર ઉભા રહીને એ પુલ તરફ જોતા ત્યારે જાણે એમ લાગી ઉઠતું કે મા
મચ્છુ પોતાના માથા પર એક મુકુટ ધારણ કરીને ઉભી છે. પણ એ કાળમુખા દિવસે જાણે માં નો
એ મુકુટ છિનવી ગ્યો – મોરબીની આન – બાન અને શાન સમો એ પુલ તુટ્યો અને અનેક
કુટુંબના મનોરથ પણ ! સમગ્ર નગરમાં એક સન્નાટો હતો જો હતી તો માત્ર પ્રાર્થાનાઓ હતી.
છેલ્લા દશકમાં વિશ્વ સમક્ષ અલ્ગ જ અંદાજમાં ઉભરી આવેલું મોરબી તરત જ રાહત કાર્યમાં
જોડાયું અને શક્ય એટલાના જીવ બચાવાયા પળ ભરમાં બલ્ડ ડૉનેશન માટે પણ લાઇનો લગી શક્ય એવી મદદ સૌ કોઇ કરી રહ્યા હતાં. ક્યાંક
કન્તિભાઇ અમૃતિયા પોતે નદીમાં ઉભા રહીને બચાવ કાર્યમાં લાગી ચુક્યા હતાં તો ખુદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોરબીની મુલાકાતે આવી પહોંચ્યા ! ક્ષણનો ય વિલંબ કર્યા
વગર અનેક સંસ્થાઓ – સહયોગીઓએ સૌએ શક્ય એટલી મદદ કરવાની શરૂ કરી દીધી. માનવતા ફરીથી
જાણે બમણા જોશથી આળસ મરડીને બેઠી થઇ. રડાવી મુકતા – ધ્રુજાવી દેતા એ દૃશ્ય
મોરબીવાસીઓ ક્યારેય નહી જ ભુલી શકે પણ આ હકિકત ના બીજા છેડે મારી એ વાત પણ લાખી
રાખજો કે મોરબી કાળની આ થપાટને પચાવી જાશે
- કેવી રીતે ? તો જવાબ છે - માં
મચ્છુના ખોળામાં સુતેલા એ સૌને યાદ રાખી અંજલી આપી એમના કુટુંબીજનોને શક્ય એટલી
મદદ કરી એ સૌના હાથમાં હાથ આપી સાથે દોડી માનવતાના નવા શિખરો સર કરીશું ને ત્યારે
ક્યાંક કાળદેવતા પણ તાજુબ પામી અમને મોરબીવાસીઓની હિંમતને દાદ આપતા હશે ! આ હિંમત
અને જુસ્સો તો છે પણ અત્યારે તો અમારી પાસે પ્રાર્થના એ જ વિકલ્પ છે, અનેક પરિજનો
સ્વજનો અને મિત્રોની સદગતિ માટે પ્રાર્થના જ છે આશ્વાસનના શબ્દો ખુટી પડે છે અને
મન પોકારી ઉઠે છે
असतोमा सद्गमय ।
तमसोमा ज्योतिर् गमय ।
मृत्योर्मामृतं गमय ॥
ॐ शान्ति शान्ति शान्तिः ।।
========================
જુલતો પુલ મારા માટે પણ એક આકર્ષણ જ રહ્યો ! હું નાનો હતો
ત્યારે મને મનહરભાઇ સૌ પ્રથમ જુલતા પુલ પર લઇ ગયા હતાં, એકાદવાર ભદ્રેશભાઇ પણ નગરદરવાજાની
એ દુકાનેથી લઇ ગયા હતા એવું કંઇક યાદ છે, આ ઉપરાંત લગભગ 2008 – 10 ની વચ્ચે હું હિરલ અને
પપ્પા-મમ્મી મોરબી જતાં હતાં ત્યારે ગ્યા હતાં અને ત્યારનો ફોટો મેં વર્ષો સુધી FBના પ્રોફાઇલ પર રાખ્યો હતો. અને છેલ્લા 19 –
03- 2016 ના રોજ કવિ અનિલ જોશી, ખાચર સર અને દિલીપ સર સાથે જુલતા પુલની મુલાકાત
લીધી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો