બુધવાર, 23 જૂન, 2021
બગથળા સ્મૃતિ વિશેષ !!!!
રવિવાર, 20 જૂન, 2021
Father's Day Post by kanj
ગુરુવાર, 17 જૂન, 2021
દાસ્તાન-એ-મોરબી ...... Proud to be a Morbian !!!!
એમ કહેવાય છે કે કુદરત તમને એક હાથે પાડે છે તો એ બીજા હાથે ઉપાડે પણ છે. અને
સમયનું આ ચક્ર સતત ચાલ્યા જ કરતું હોય છે.
આવું ખાલી માનવ જીવનમાં જ બને છે એવું નથી ? આવું ક્યારેક કોઇક નગર સાથે પણ બની
જતું હોય છે. આજે મારે આવા જ એક સમય ચક્રની વાત કરવી છે. અને એ નગર- એ શહેરનું નામ એટલે મોરબી.
મોરબી એટલે મચ્છુના પશ્ચિમ કાંઠે વિકસેલું એક મજાનું નગર. આ પ્રદેશમાં રહેતા
માણસો એટલા તો સીધા કે મચ્છુના સામા કિનારાને પણ સાવ સાદું નામ આપી દીધું કે સામા
કાંઠો ! હા, તમારે જો નદીના સામેના કિનારા
બાજુ જવું છે અને કોઇ ને પુછો કે ક્યાં જવું છે તો સાવ સીધો જવાબ મળે કે સામા
કાંઠે ! અરે, એટલું જ નહી. આ નદી પર એક
મજાનો પુલ અને આ નગરના રાજાએ વિદેશથી એક પાડાનું મજાનું સ્ટેચ્યુ મંગાવ્યું અને એ
પુલ પર મુકાવ્યું અને પુલનું નામ પડી ગ્યું પાડા પુલ ! રાજા પેરિસમાં એક મજાનો
મોટો લોખંડનો ગેઇટ જોઇને આવે અને ચોકમાં એવો જ ગેઇટ બનાવડાવે અને એને લીલો કલર થાય
ને નામ પડી જાય ગ્રીન ચોક ! અરે, નગરની શરૂઆત થાય અને સ્થાપત્ય કલાનો એક અદભૂત
નમુનારૂપ મોટો દરવાજો આકાર પામે અને અહીંની સાવ સરળ પ્રજા એને ઓળખે નગરદરવાજાના
નામથી જ ! અરે, મચ્છુ નદીને પાર કરવા માટે અહીંના રાજાએ એક મજાનો ચાલીને પાર કરી
શકાય એવો એક સસ્પેંશન બ્રીજ બનાવ્યો અને સાવ સરળ લોકબોલીમાં એનું નામ પડી ગ્યું
ઝુલતો પૂલ ! પણ , આ ઝુલતા પૂલ અને પાડા
પૂલની નીચેથી જે મચ્છુ વહે છે ને એણે 1979 માં મહાકાળી બની રૌદ્ર સ્વરૂપ ધારણ
કર્યું તું ! અને આ નદી પરનો ડેમ તુટ્યો ! નગરની એન્ટ્રી સમા નગરદરવાજે 73 ફૂટ
સુધી પાણી ! જાણે સમગ્ર નગર પાણી – જ - પાણી ! દરેકે કોઇ ને કોઇ સ્વજન ખોયું- તો કોઇ પરિવારજન- તો કોઇ મિત્ર ! જાણે ઘર દીઠ દુ:ખના શૌલાબ
મંડાણા. પણ જાણે, આ વિનાશની પાછળ કુદરત કોઇ ચોક્ક્સ વિકાસના પગથિયા ચણી રહી હતી એ
ક્યાં કોઇ ને ખબર હતી. અને 80 ના આવનારા દશકમાં મોરબીએ નળિયા અને ધડિયાળના ઉધ્યોગ
થકી એક નવી જ ઓળખ ઉભી કરી. જાણે મોરબીની એક આગવી આઇડેંટીટી ઉભી થઇ !
અને બે દશકમાં મોરબીએ એક સીધી રેખામાં સરળ પણ નોંધનીય વિકાસ ચોક્ક્સ પણે કર્યો.
પરંતું 21 સદીના વધામણા સાથે ઉભેલા મોરબી સામે એક નવી જ આફત ફરીથી આવી અને વર્ષ
2001 માં ભૂકંપે – ધરતીકંપે ફરીથી મોરબીને ધમરોળ્યું. અનેક મકાનો ધરાશયી થયા.
મોરબીની સાન સમો નગરદરવાજા પણ જાણે ખંડિત થઇ ખર્યો. મોરબીની આસપાસના અનેક ગામ જાણે
ખંડેર બન્યા. અનેકના જીવ ગ્યા તો અનેક નોધારા બન્યા. અનેક પરિવારો ઘરવિહોણા બન્યા!
ગરીબ હોય કે ધનાવાન બધા જ કોઇકને કોઇક
રીતે હેરાન થયા. પણ માનવતા છડી પોકારી ઉઠી અને ન ધારેલા ન કલ્પેલા સમયમાં ગામ ના
ગામ બેઠા થયા. મદદ કરવા - પોતાના જ ભાઇ ભાડુંઓને ઉભા કરવા - એક બીજાનો સહારો બનાવા
જાણે સૌ લાગી પડ્યા અને સામેવાળાનું દુ:ખ પોતિકુ ગણી ખભે ખભો મિલાવી કુદરતની થપાટ
સામે માણસની હિંમતને જીતતી સાબિત કરી બતાવી. અને ફરીથી બે દશકને અંતે એક નવા વણાંક
સાથે મોરબીને પ્રગતિના પર્યાયરૂપે આર્શિવાદનો વરસાદ સિરામિક ઉદ્યોગના રૂપમાં
મળ્યો. નળિયાની જ્ગ્યા હવે ટાઇલ્સ ઇંડસ્ટ્રીસ લઇ રહી હતી. અને આ ટાઇલ્સ
ઇન્ડ્સ્ટ્રીસે સમય સાથે કદમથી કદમ મિલાવીને સતત અપડેટ રહીને એક દશકના અંત સુધીમાં
તો વિશ્વકક્ષાએ મોરબીને એક આગવી ઓળખ અપાવી અને મોરબી ખરા અર્થમાં સિરામિકનું હબ
બન્યું. અરે, આ બાબતમાં તો મોરબીએ ચીનને પણ વિશ્વકક્ષાએ હંફાવ્યું ! ટુંકમાં યુરોપ
હોય કે અમેરિકા ટાઇલ્સ માટે મોરબી ફરજીયાત બન્યુ. વિશ્વાકક્ષાએ ટાઇલ્સનું હબ બનેલ
આ મોરબી ડોમેસ્ટીક કક્ષાએ તો વટથી કહેતું થયું કે આજે ભારતના કોઇપણ ઘરમાં કાં
છત્તમાં નળિયા સ્વરૂપે કાં દિવાલ પર ઘડિયાળના સ્વરૂપે કાં તો જમીન પર કે દિવાલ પર
ટાઇલ્સના સ્વરૂપે મોરબી સતત શ્વાસી રહ્યું છે. અને આના માટે દરેક મોરબીવાસી ગર્વથી
કહી શકે કે Proud to be a Morbian !
પરંતુ 2001ના ધરતીકંપના બે દશક બાદ ફરીથી એક આફત આવી અને આ આફત એક અદ્રશ્ય
શત્રુ સામે હતી. ચાર દાયકા પહેલા પુરની થપાટ
ખાઇ ને ઉભેલો કે બે દાયકા પહેલા ખંડિત થઇ મરામ્મત પામેલો નગરદરવાજો આ વખતે તો એમ જ
અડિખમ ઉભો હતો પણ નગરજનો પર કાળો કેર બની કોરોના વાયરસે સન્નાટો બોલાવી દીધો. અને એને કારણે મોરબીની સાન
સમો નગરદરવાજો એક સન્નાટાને ખાળી રહ્યો હતો. કોઇની ય અવરજવર વગર એ એક જાણે
સમાધીસ્થ અવસ્થામાં સાધુતા ધારણ કરીને ઉભો હતો. સમગ્ર શહેર જાણે ખામોશ બની ગયું.
2020 ની પહેલી લહેરમાંથી તો સરળતાથી નિકળાયું પણ 2021 ની બીજી લહેરે અનેક લોકો
માથેથી જાણે છત્ર છીનવી લીધા. સન્નાટો પામેલા માનવ વિહોણા રસ્તા અને એ રસ્તા પર
દોડતી એમ્બ્યુલન્સના સાયરનના અવાજ અને લોકોથી ઉભરાતી હોસ્પિટલો જાણે હ્રદય કંપાવી
જવા અને આંખોમાં આંસુ લાવી જવા માટે પુરતા હતાં. ઉપરથી R T – PCR test કે રેપિડટેસ્ટ કે સીટીસ્કેન
માટે થતી દોડાદોડી અને ક્યાંક ખૂટી પડતા શ્વાસના ઠેક ઠેકાણે દ્રષ્યો જાણે જોનારને
વ્યથીત કરી મુકનારા હતાં. શહેર છોડીને બીજે સારવાર લેવા માટે પણ લોકોની અરજકતા ભરી
દોડ હતી. પણ જાણે એ કાળમુખો કોરોના કોઇ ને ય છોડવા તૈયાર જ ન હતો. અરે, સરળ
શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે જાણે દરેક ઘરમાં ક્યાંક શ્વાસ ખૂટ્યા હતા.
આંખોમાં આંસુ અને ફરિયાદ સાથે જૂજતા માણસનું એ ભયાવહ દ્રષ્ય હતું. ન કલ્પેલો અને ન
ધારેલો એ ભયાવહ સમય હતો. અરે, સન્ન્નાટાના પડઘમ વચ્ચે જાણે અફરાતફરીનો માહોલ હતો. ડાર્વિનના
ઉત્ક્રાંતિવાદ મુજબ અસ્તિત્વ માટેનો જીવન સંઘર્ષ જાણે મનુષ્ય પ્રતિક્ષણ લડીને જીવી
રહ્યો હતો. દરદીઓ માટે બેડ ખૂટ્યા ! ઇંજેકશનો ખૂટ્યા ! અરે, ઓકિસજન પણ
ખૂટ્યો ! પણ આ બધા વચ્ચે માનવતા
ક્યાંક આળસ મરડીને બેઠી થઇ – માણસાઇ જાગી. બંધુતા જાગી અને સમાજના આગેવાનો –
કુબેરપતિઓ ને થોડા વિઝનરીઓ સાથે મળ્યા અને એક મહામારીના ભયાવહ ભરડામાંથી મોરબીને બહાર
લાવવા કોઇ મદદની અપેક્ષા વિના જાતે જ પ્રયાસો શરૂ કર્યા. જાણે, હરીન્દ્ર દવેની કવિતા
જાણે આજે આજે પ્રત્યેક morbian ને આહવાન આપીને ઝગાડી રહી હતી.... કે
“આજે આથમેલા સૂર્યના સોગંદ
હું કાલે સૂર્ય બનીને ઊગીશ
પ્રચંડ જ્વાળા બનીને સળગીશ.
એક વિરાટ શૂન્યમાં
એકલવાયો આગળ વધીશ
પ્રખર મધ્યાહનથી રાતીચોળ
સાંજ સુધી
મારી એકલતા આ ક્ષિતિજે
ડૂબશે
ત્યારે કોઇક બીજી ક્ષિતિજ
પર એ
ઊગતી હશે.”
નવો સૂર્યોદય અને નવી ક્ષિતિજો સર કરવા અને ફરીથી એ જ પ્રગતિની રફતાર પકડવા
માટે ગણતરીની કલાકોમાં મોરબીના નરબંકાઓએ અથાક પ્રયત્નો થકી આખો ઓકિઝન પ્લાન્ટ ઉભો
કરી દીધો. અથાક પ્રયત્નોએ એવા તો રંગ જમાવ્યો કે હવે તો બીજા શહેરથી લોકો મોરબી
તરફ વળ્યા. ક્યાંક આ મહેનતે જ ઘરદીઠ નીકળતા આંસુઓના સૈલાબને રોકી દીધો. અને
ફરીથી થોડા જ દિવસોમાં બમણા વેગથી લડી લેવા એ જ રૂટીનમાં સૌ મોરબીવાસીઓ લાગી
પડ્યા. આ મહામારીમાં ઉભા થયેલ મોરબી માટે નવા દશકની દસ્તક પર હવે તો મને પુરો
વિશ્વાસ છે કે હવે, માત્ર ભારત જ નહી વિશ્વના ખૂણે ખૂણે એક અમીટ છાપ છોડી જવા
મોરબી ઉભુ થયું છે. હિંમત અને સાહસ કે રિસ્કટેઇકિંગ મિજાજથી ભરપૂર મોરબીની પ્રજા
એક અલગ જ પ્રકારનો ઇતિહાસ રચી જવા તૈયાર થઇ ચુકી છે.! આવનારી પ્રગતિના પગરવનો
થનગનાટ એ મચ્છુકાંઠાનું મોરબી ક્યાંક કરી રહ્યું
છે એ પાક્કી વાત છે. અને એ થનગનાટને આ તકને ક્યારે આ Morbians પકડી લે અને પોતીકી કરી લે એની જ રાહ છે ,અને ક્યાંક
એટલે જ અહિંની પ્રજા માટે સાહિત્યમાં કહેવાયું છે કે ......
મચ્છુનું પાણી પી ને પાણીદાર બનેલા પ્રત્યેક morabian માટે મને તો વિશ્વાસ છે કે આવનારો સમય આપણો છે જગતના ચારે ખૂણે
છવાઇ જવાનો છે દુનિયામાં ડંકો વગાડી દેવાનો છે. ક્દમથી કદમ મિલાવીને દુનિયા સર કરી
જવા હું તો તૈયાર જ છું જરૂર છે પ્રત્યેક Morbians સાથની !!!!! અને મને પાકો
વિશ્વાસ છે કે તમે સાથે છો જ ! અને આવતીકાલ આપણી છે ...... સાચું કહું - Proud to be a Morbian !!!! Jai Hind.