શુક્રવાર, 12 જૂન, 2020

ગુજરાત દ્વેષ, મોદી દ્વેષ અને અમિત દ્વેષની પીડ


મને બરાબર યાદ છે કે, આજે કોઇ ગુજરાત ગૌરવ દિવસ નથી, પણ ગુજરાતના ગૌરવને એના સાંસ્કૃતિક ગૌરવને યાદ કરવો પડે એવું કંઇક બની ગ્યું. આજે ટ્વિટર પર રામચન્દ્ર ગુહાએ ટ્વિટ કર્યુ કે British writer Phillip Spratt from 1939, wrote: “Gujarat, though economically advanced, is culturally a backward province… . Bengal in contrast is economically backward but culturally advanced”.
ત્યારે સ્વભાવિક રીતે એક ગુજરાતી તરીકે મને થયું કે લાવો જરા જે થોડું ઘણું યાદ છે એને જોઇ તો જોવું કે ક્યાં શ્રીમાન ગુહા ખોટા છે.
હા, એ જ પ્રદેશ કે જે 1960માં બોમ્બે પ્રોવિન્સથી છુટ્ટો પડ્યો અને એ પ્રદેશ ગુજરાત તરીકે ઓળખાયો. પણ આજે મારે એના સાંસ્કૃતિક વારસાની જ વાત કરવી છે. સૌથી પહેલા તો એ જ કહેવાનું કે મીઠી બોલી અને મીઠો આવકાર એ અમારી સંસ્કૃતિની પહેલી ઓળખ. આ ઓળખને રજુ કરતો ગુજરાતી અસ્મિતાનો દુહો એમ કે છે કે,
“ કાઠિયાવાડમાં કો’ક દિ, તું ભુલો પડ ભગવાન,
થા ને મારો મહેમાન, તો સ્વર્ગ ભુલાવું શામળા.”
પારસી પણ અમારે ત્યાં આવ્યા અને એવા તો ભળી ગ્યા કે જાણે દુધમાં સાકર ભળે !
ગામડા ગામનું નાનું ખોરડું હોય તોય આંગણે તુલસી તો પુજાય જ અને ઉંબરે રોજ સાથિયા થતા હોય એ અમારી સંસ્કૃતિ. સભ્યતા અને સંસ્કારને એવા તો જાળવનારા કે આખે આખા ગામની બેન-દિકરિયું અને માતાઓ કોઇપણ વ્રત કે પુજામાં સાથે જ હોય. પંચમહાલ હોય કે ડાંગ હોય કે સૌરાષ્ટ્રનો કોઇ ભાગ હોય નવલી નવરાત્રીએ અમે તો અમારી મોજમાં જ હોઇએ. માં ની અરાધના પણ તાલ સાથે કરનારા અમે મોજીલા ગુજરાતી ! આમ આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ પર ઉભેલી સંસ્કૃતિની અમારી પોતીકી ઓળખ એ જ અમારી પરંપરા અને એ જ અમારી ધરોહર !
રોજ ચોરે ચર્ચા થાય અને પછી એ ચર્ચા એક માધ્યમ બને ડાયરાનું ! તો બીજી બાજુ ગુજરાતની નાટકમંડળીઓની વાતનો ઇતિહાસ કંઇ નાનો નથી ??? રામલીલા કે ભવાઇ એ અમારી સંસ્કૃતિને પેઢી દર પેઢી નવા સ્વરૂપે એ જ સાંસ્કૃતિક પરંપરાનું સતત રસપાન કરાવ્યું છે. તો માણભટ્ટ અને આખ્યાયનકારોને હું કેમ કરીને ભુલું ! લોકવાર્તાકારોએ આ પ્રદેશના ઇતિહાસને પેઢી દર પેઢી પોતાના પૂર્વજોના બલિદાનને પ્રતિક્ષણ યાદ કરાવ્યો છે. ભજનમંડળીઓના ભજન હોય કે રોજ સવારે ગવાતા પ્રભાતિયા હોય એ સૂર સાંભળીને જો કોઇ (નોનગુજરાતી) હલી ન ઉઠે તો જ નવાઇ ! સવારમાં વલોણું વલોવાય ને ત્યારે પણ જાણે એના ઘમ્મર અવાજ સાથે માડીનું ગીત છલકાય એ ગુજરાત.... ક્યાંક ગંગાસતી તો ક્યાંક પાનબાઇના ભજનો આંખનો ખૂણો ભીનો કરી આપે તો ક્યાંક ઓછા શબ્દોમાં જીવનમર્મ બતાવી સંસ્કૃતિની ઓળખ કરાવનારા પ્રદેશે-પ્રદેશે અલગ રીતે લખાયેલા એ ભજન કે ગીતની તો વાત જ શી કરવી ??? એમાં પણ જો ક્યાંક તબલા, મંજિરા, ઝાંઝ, એકતારો કે દેશી સતાર ભળે એટલે જાણે સમય ક્યાંક ખરી પડે ! અમારા પ્રદેશના નાનકડા દુહા માટે તો એમ કહેવાય છે કે
“ દુહો દશમો વેદ, સમજે તેને સાલે,
વીયા તણની વેણ્ય, કુંવારી શું જાણે ?”
સાહેબ, આ અમારી સંસ્કૃતિની ઓળખ ઓછા શબ્દો અને શાનમાં ઘણું કહી જાય એ અમારા ગામડાગામના લોકમોઢે રમતા શાણપણના બોલ !
અરે ભાઇ, અમારી તુલના કોઇ જોડે થાય જ નહી ને ! કેમ ? તો જવાબ છે કે, અમે તો એ જ ઝરણા અને એ જ નદીનું પાણી પિનરા કે જ્યાં સિંહ પાણી પીતો હોય ! એટલે સિંહ જેવા મીજાજી ગુજરાતી સામે ખોટી ખોટી બાથ ભીડવી નહી ???વગર કામના ધોવાશો??? છતાં સમગ્ર વિશ્વમાં આદર અને અભિવ્યક્તિની અનોખી ઓળખ એટલે ગુજરાતની સંસ્કૃતિ. અમે એટલા સરળ કે અમારી સંસ્કૃતિની અનોખી ઓળખ એટલે અમારા પ્રદેશના મેળા અને અમારી ખુશી એટલે અમારા ઘરે લાપશીના આંધણ ! વર્ષો જુની ભાતીગળ સંસ્કૃતિની ઓળખરૂપ ચાકળા જેવા કામની ઓળખ તો અમારા ઘરની દિવાલો આજે પણ આપે છે. અમારે ત્યાં તો એવું ને કે, માણસ એના એ જ મળે પણ બાર ગાંવે બોલી જરૂર બદલાય છતાં, ગામે ગામ સદીઓથી પાળિયા-ને-પીરને પુજનારા અમે ગુજરાતી ! હા, આ જ અમારી સંસ્કૃતિની સાચી ઓળખ.
કચ્છી માણહ અને એ પ્રદેશની તો વાત જ શું કરવી? અમારા સાગરખેડૂ અને સાહસિકોની તો ગામે ગામ અનેરી ગાથા.
અરે, અમારે ત્યાં ગામે ગામ ઢોલીની પણ ઓળખ ને દરેક પ્રસંગે જુદા જ મિજાજથી થાનક ચડાવે એ એની આવડત ! ગરબાના તાલે જુમાવી શકે અને એ જ ઢોલી રણ મેદાનમાં ધડ જુદુ થાય તોય લડતો જાય એ ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતા...
જોગીદાસ ખુમાણ જેવા અનેક બારવટિયા બાર પ્રકારના નિયમ પાળીને લડનારા ! અને માન પામનારા ! અને જરૂર પડ્યે હિમાલયે જઇ હામગાડનારા ! આમ સંગ્રામ હોય કે સાહિત્ય અમે હંમેશા જુદા તરી આવનારા ! તો બીજી બાજુ આજે પણ પણ હાજી કાસમની વીજળી હોય કે હેમચંદ્રાચાર્ય બધાને યાદ રાખનારા અમે ગુજરાતી એ જ અમારી અસ્મિતા ! રણની લૂમાં, દુષ્કાળમાં કે બારે મેઘ ખાંગા થ્યા હોય તો પણ લડી લેવાની વર્ષોથી વારસામાં પ્રેરણા મળી છે એ અમારી સાંસ્કૃતિક ધરોહર... મિ. ગુહા તમને છેલ્લા ટાગોરનો એક પ્રસંગ જણાવી દઉં કે જ્યારે રવિન્દ્રનાથ ટાગોર અને અમારા મેઘાણી મળ્યા હતાં ત્યારે મેઘાણીએ જ્યારે કવિ કાગની સાથે મુલાકાત કરાવી અને જે રજુઆત કરી હતી એ સાંભળીને તો ટાગોર બોલી ઉઠ્યા હતાં કે અરે ગુજરાતમાં તો આટલું બધું છે મારે ફરીથી ગુજરાતને માણવા આવવું પડશે. પણ ટાગોરની કમનસીબી એ રહી કે એ ફરીથી ગુજરાત ન આવી શક્યા. પણ આજના આ ટ્રાવેલિંગ યુગમાં તો અમારા ગુજરાત ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝનો બ્રાન્ડ એમબેસેડર અમીતાભ બચ્ચન કહી કહીને થાકી ગ્યો કે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં ! પહેલા આવો માણો અને પછી કંઇક ટ્વિટ કરો તો વાત જામે !!!! અને આજથી 6 વર્ષ પહેલા સંસ્કૃતિની આવી ધરોહર લઇને જ મોદીએ જ્યારે પહેલી વખત સંસદમાં પગ મુકતા પહેલા માથુ ટેક્વ્યું હતું ત્યારે એ અમારી વર્ષો જુની સંસ્કૃતિની જ એક ઝલક હતી.... પણ તમારે તો પેટમાં દર્દ જુદુ છે ને વાતો કંઇક અલગ જ કરવી છે. આમ તો, તમે તો પોતે ઇતિહાસવિદ છો મારે આવું કંઇ યાદ ન જ કરાવવાનું હોય ! તમારે આવું કંઇક અમને પિરસીને ખુશ કરવાના હોય????
જય જય ગરવી ગુજરાત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો