શુક્રવાર, 12 જૂન, 2020

ગુજરાત દ્વેષ, મોદી દ્વેષ અને અમિત દ્વેષની પીડ


મને બરાબર યાદ છે કે, આજે કોઇ ગુજરાત ગૌરવ દિવસ નથી, પણ ગુજરાતના ગૌરવને એના સાંસ્કૃતિક ગૌરવને યાદ કરવો પડે એવું કંઇક બની ગ્યું. આજે ટ્વિટર પર રામચન્દ્ર ગુહાએ ટ્વિટ કર્યુ કે British writer Phillip Spratt from 1939, wrote: “Gujarat, though economically advanced, is culturally a backward province… . Bengal in contrast is economically backward but culturally advanced”.
ત્યારે સ્વભાવિક રીતે એક ગુજરાતી તરીકે મને થયું કે લાવો જરા જે થોડું ઘણું યાદ છે એને જોઇ તો જોવું કે ક્યાં શ્રીમાન ગુહા ખોટા છે.
હા, એ જ પ્રદેશ કે જે 1960માં બોમ્બે પ્રોવિન્સથી છુટ્ટો પડ્યો અને એ પ્રદેશ ગુજરાત તરીકે ઓળખાયો. પણ આજે મારે એના સાંસ્કૃતિક વારસાની જ વાત કરવી છે. સૌથી પહેલા તો એ જ કહેવાનું કે મીઠી બોલી અને મીઠો આવકાર એ અમારી સંસ્કૃતિની પહેલી ઓળખ. આ ઓળખને રજુ કરતો ગુજરાતી અસ્મિતાનો દુહો એમ કે છે કે,
“ કાઠિયાવાડમાં કો’ક દિ, તું ભુલો પડ ભગવાન,
થા ને મારો મહેમાન, તો સ્વર્ગ ભુલાવું શામળા.”
પારસી પણ અમારે ત્યાં આવ્યા અને એવા તો ભળી ગ્યા કે જાણે દુધમાં સાકર ભળે !
ગામડા ગામનું નાનું ખોરડું હોય તોય આંગણે તુલસી તો પુજાય જ અને ઉંબરે રોજ સાથિયા થતા હોય એ અમારી સંસ્કૃતિ. સભ્યતા અને સંસ્કારને એવા તો જાળવનારા કે આખે આખા ગામની બેન-દિકરિયું અને માતાઓ કોઇપણ વ્રત કે પુજામાં સાથે જ હોય. પંચમહાલ હોય કે ડાંગ હોય કે સૌરાષ્ટ્રનો કોઇ ભાગ હોય નવલી નવરાત્રીએ અમે તો અમારી મોજમાં જ હોઇએ. માં ની અરાધના પણ તાલ સાથે કરનારા અમે મોજીલા ગુજરાતી ! આમ આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ પર ઉભેલી સંસ્કૃતિની અમારી પોતીકી ઓળખ એ જ અમારી પરંપરા અને એ જ અમારી ધરોહર !
રોજ ચોરે ચર્ચા થાય અને પછી એ ચર્ચા એક માધ્યમ બને ડાયરાનું ! તો બીજી બાજુ ગુજરાતની નાટકમંડળીઓની વાતનો ઇતિહાસ કંઇ નાનો નથી ??? રામલીલા કે ભવાઇ એ અમારી સંસ્કૃતિને પેઢી દર પેઢી નવા સ્વરૂપે એ જ સાંસ્કૃતિક પરંપરાનું સતત રસપાન કરાવ્યું છે. તો માણભટ્ટ અને આખ્યાયનકારોને હું કેમ કરીને ભુલું ! લોકવાર્તાકારોએ આ પ્રદેશના ઇતિહાસને પેઢી દર પેઢી પોતાના પૂર્વજોના બલિદાનને પ્રતિક્ષણ યાદ કરાવ્યો છે. ભજનમંડળીઓના ભજન હોય કે રોજ સવારે ગવાતા પ્રભાતિયા હોય એ સૂર સાંભળીને જો કોઇ (નોનગુજરાતી) હલી ન ઉઠે તો જ નવાઇ ! સવારમાં વલોણું વલોવાય ને ત્યારે પણ જાણે એના ઘમ્મર અવાજ સાથે માડીનું ગીત છલકાય એ ગુજરાત.... ક્યાંક ગંગાસતી તો ક્યાંક પાનબાઇના ભજનો આંખનો ખૂણો ભીનો કરી આપે તો ક્યાંક ઓછા શબ્દોમાં જીવનમર્મ બતાવી સંસ્કૃતિની ઓળખ કરાવનારા પ્રદેશે-પ્રદેશે અલગ રીતે લખાયેલા એ ભજન કે ગીતની તો વાત જ શી કરવી ??? એમાં પણ જો ક્યાંક તબલા, મંજિરા, ઝાંઝ, એકતારો કે દેશી સતાર ભળે એટલે જાણે સમય ક્યાંક ખરી પડે ! અમારા પ્રદેશના નાનકડા દુહા માટે તો એમ કહેવાય છે કે
“ દુહો દશમો વેદ, સમજે તેને સાલે,
વીયા તણની વેણ્ય, કુંવારી શું જાણે ?”
સાહેબ, આ અમારી સંસ્કૃતિની ઓળખ ઓછા શબ્દો અને શાનમાં ઘણું કહી જાય એ અમારા ગામડાગામના લોકમોઢે રમતા શાણપણના બોલ !
અરે ભાઇ, અમારી તુલના કોઇ જોડે થાય જ નહી ને ! કેમ ? તો જવાબ છે કે, અમે તો એ જ ઝરણા અને એ જ નદીનું પાણી પિનરા કે જ્યાં સિંહ પાણી પીતો હોય ! એટલે સિંહ જેવા મીજાજી ગુજરાતી સામે ખોટી ખોટી બાથ ભીડવી નહી ???વગર કામના ધોવાશો??? છતાં સમગ્ર વિશ્વમાં આદર અને અભિવ્યક્તિની અનોખી ઓળખ એટલે ગુજરાતની સંસ્કૃતિ. અમે એટલા સરળ કે અમારી સંસ્કૃતિની અનોખી ઓળખ એટલે અમારા પ્રદેશના મેળા અને અમારી ખુશી એટલે અમારા ઘરે લાપશીના આંધણ ! વર્ષો જુની ભાતીગળ સંસ્કૃતિની ઓળખરૂપ ચાકળા જેવા કામની ઓળખ તો અમારા ઘરની દિવાલો આજે પણ આપે છે. અમારે ત્યાં તો એવું ને કે, માણસ એના એ જ મળે પણ બાર ગાંવે બોલી જરૂર બદલાય છતાં, ગામે ગામ સદીઓથી પાળિયા-ને-પીરને પુજનારા અમે ગુજરાતી ! હા, આ જ અમારી સંસ્કૃતિની સાચી ઓળખ.
કચ્છી માણહ અને એ પ્રદેશની તો વાત જ શું કરવી? અમારા સાગરખેડૂ અને સાહસિકોની તો ગામે ગામ અનેરી ગાથા.
અરે, અમારે ત્યાં ગામે ગામ ઢોલીની પણ ઓળખ ને દરેક પ્રસંગે જુદા જ મિજાજથી થાનક ચડાવે એ એની આવડત ! ગરબાના તાલે જુમાવી શકે અને એ જ ઢોલી રણ મેદાનમાં ધડ જુદુ થાય તોય લડતો જાય એ ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતા...
જોગીદાસ ખુમાણ જેવા અનેક બારવટિયા બાર પ્રકારના નિયમ પાળીને લડનારા ! અને માન પામનારા ! અને જરૂર પડ્યે હિમાલયે જઇ હામગાડનારા ! આમ સંગ્રામ હોય કે સાહિત્ય અમે હંમેશા જુદા તરી આવનારા ! તો બીજી બાજુ આજે પણ પણ હાજી કાસમની વીજળી હોય કે હેમચંદ્રાચાર્ય બધાને યાદ રાખનારા અમે ગુજરાતી એ જ અમારી અસ્મિતા ! રણની લૂમાં, દુષ્કાળમાં કે બારે મેઘ ખાંગા થ્યા હોય તો પણ લડી લેવાની વર્ષોથી વારસામાં પ્રેરણા મળી છે એ અમારી સાંસ્કૃતિક ધરોહર... મિ. ગુહા તમને છેલ્લા ટાગોરનો એક પ્રસંગ જણાવી દઉં કે જ્યારે રવિન્દ્રનાથ ટાગોર અને અમારા મેઘાણી મળ્યા હતાં ત્યારે મેઘાણીએ જ્યારે કવિ કાગની સાથે મુલાકાત કરાવી અને જે રજુઆત કરી હતી એ સાંભળીને તો ટાગોર બોલી ઉઠ્યા હતાં કે અરે ગુજરાતમાં તો આટલું બધું છે મારે ફરીથી ગુજરાતને માણવા આવવું પડશે. પણ ટાગોરની કમનસીબી એ રહી કે એ ફરીથી ગુજરાત ન આવી શક્યા. પણ આજના આ ટ્રાવેલિંગ યુગમાં તો અમારા ગુજરાત ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝનો બ્રાન્ડ એમબેસેડર અમીતાભ બચ્ચન કહી કહીને થાકી ગ્યો કે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં ! પહેલા આવો માણો અને પછી કંઇક ટ્વિટ કરો તો વાત જામે !!!! અને આજથી 6 વર્ષ પહેલા સંસ્કૃતિની આવી ધરોહર લઇને જ મોદીએ જ્યારે પહેલી વખત સંસદમાં પગ મુકતા પહેલા માથુ ટેક્વ્યું હતું ત્યારે એ અમારી વર્ષો જુની સંસ્કૃતિની જ એક ઝલક હતી.... પણ તમારે તો પેટમાં દર્દ જુદુ છે ને વાતો કંઇક અલગ જ કરવી છે. આમ તો, તમે તો પોતે ઇતિહાસવિદ છો મારે આવું કંઇ યાદ ન જ કરાવવાનું હોય ! તમારે આવું કંઇક અમને પિરસીને ખુશ કરવાના હોય????
જય જય ગરવી ગુજરાત

રવિવાર, 7 જૂન, 2020

વિશ્વ પર્યાવરણ દિવસ

વિશ્વ પર્યાવરણ દિવસ
==========


આજે વિશ્વના ખૂણે ખૂણે એક ઝુંબેશ ઉપડશે અને એક દિવસના તાજપેશીની જેમ આસપાસના, ગામના પાદરના, ચોકના, સોસાયટીના, સિટિના કે મેટ્રો-સિટીના, દેશના હજારો એન્જિયોના અને રાજકારણીઓથી માંડીને અનેક ઓફિસર્સ કક્ષાના લોકો ગાઇ વગાડીને બાળકોની સામે અને દુનિયાની સામે મજાની પ્રવૃતિઓનો ડોળ કરશે, ફોટા અપલોડ કરશે, ઇન્ટરવ્યુમાં સુફિયાણી સલાહો દેશે, વાતો કરશે અને થોડી જ મિનિટોમાં પોતે કરેલી વાત કે પ્રવૃતિનું ઉલ્લંઘન કરતા નજરે ચડશે. કડવી પણ વાસ્તવિકતા એ જ છે કે પૃથ્વી પરનો સૌથી સમજુ અને બુદ્ધિશાળી જીવ માનવ જ સૃષ્ટિના નિકંદન માટે દરેક ડગલે જવાબદાર છે.
આપણે એક એવી દુનિયા બનાવી બેઠા છીએ કે જેમાં સિમેન્ટથી બંધાયેલી દિવાલ તરત મળી આવશે પણ વૃક્ષની હારમાળા જાણે ચિત્રોમાં જ રહી ગઇ. પ્રિય લેખક ગુણવંત શાહે વર્ષો પહેલાં લખેલ પુસ્તક બત્રીસે કોઠા દિવામાં વડોદરા માટે એક મજાનું ક્વોટ લખેલું કે જે એક સમયે સો ટકા સાચું હતું, અને કેટલેક અંશે આજે પણ છે જ ! “વડોદરા એટલે વડનું નગર તો ખરું જ પણ ખરા અર્થમાં વડોદરા એટલે આસોપાલવની નગરી.” અરે ! આજે પણ મને મારી સ્કુલ લાઇફના એ દિવસો યાદ છે કે જ્યારે સહયોગમાંથી ચાલીને (એકાદ કિમી) ઘરે આવતાં ત્યારે ભાગ્યે જ કોઇ ઘરની એવી કમ્પાઉન્ડ વોલ મળતી જેમાં આસોપાલવાની હારમાળા ન હોય ! અલકાપુરીનું પ્રત્યેક ઘર આસોપાલવની હારમાળાથી સજેલું જ રહેતું...આને આશોપાલવનો કે વડોદરાનો કોનો વૈભવ ગણવો? દરેક વૃક્ષનો પોતાનો એક પોતિકો વૈભવ હોય છે. પણ જ્યારે એક વૃક્ષ પડે છે ત્યારે માનવને થતી એની વેદના કેવી હોય એ જો એક કવિની નજરે જોવું હોય તો વર્ષો પહેલાનો રાજેશ રેડ્ડીનો એ શૅર યાદ કરવો પડે કે
“ યું તો આંધીયો મેં એક સજર ચલા ગયા,
લેકિન ન જાને કિતને પરિંદો કા ઘર ચલા ગયા.”
ચુંદડી કે સાડીની મન્નતથી બંધાઇને રહેતું કોઇ પુજનીય વૃક્ષ વર્ષો સુધી એમ જ કાળજી પામતું રહેશે, પણ બાજુમાં એ જ કુળનું બીજુ વૃક્ષ હશે તો એની કોઇ દરકાર નહી લેવાતી હોય. અરે, એનું અસ્તિત્વ ટકી રહ્યું હોય એ પણ એના નસીબ જ ગણવા પડે.આજે વટ સાવિત્રી નો દિવસ પણ છે અને ઘણી સ્ત્રીઓ આજે વડની પૂજા કરશે અને વડ ખરા અર્થમાં પૂજનીય બનશે ! પણ બાકીનાનું શું? વર્ષોથી માનવજાત કોઇને કોઇ કારણે સતત વૃક્ષોનું નિકંદન કાઢતી જ રહી છે. અને ચારેકોર સિમેન્ટના જંગલો ઉભા થતા જ જાય છે. આજે પણ જો કોઇ શહેરના નાકે ઉભેલા થોડા વૃક્ષનો વૈભવ જોવા મળે તો એનું આયુષ્ય કેટલું ? એટલું જ કે જ્યાં સુધી એ જગ્યા પર કોઇ ધનવાન બિલ્ડરની નજર ન પડે ! અને આજે નહી તો કાલે કોઇ બિલ્ડરની નજર એ જગ્યાને ચોક્ક્સ ભરખી જશે.
પોતાના ઘરની પ્લિંથ ઉંચી લેવા માટે ગમે તે ભોગે ક્યાંયથી પણ માટી મેળવી લેતા માણસને જોવું છું ત્યારે એક જ વિચાર આવે છે કે પૃથ્વીના દરેક ખૂણે સૌથી સામન્ય ગણાતી સૌથી મોટી અસામાન્ય વાત એટલે જમીનનું પ્રતિક્ષણ થાતું ધોવાણ અને ખનન ! આ વાત એ મનુષ્યને જરાય ખલેલ નહી પહોંચાડતી હોય !
લોકડાઉને હવા, પાણી અને વન્યજીવોને મોકળાશ આપી અને અનેક ફેરફારો દેખાયા, પણ અનલોકિંગે જાણે પાછા હતા ત્યાંને ત્યાં જ પહોંચી જવાનું આમંત્રણ આપી દીધું. યુરોપિય રાષ્ટ્રો આવનારા દસ-વિસ વર્ષમાં પોતાના દેશને કાર્બન ફ્રી કરવા માટેના પગલા ભરી રહ્યા છે અને આપણે તો પ્લાસ્ટિક મુક્ત થવામાં પણ હાંફી ગયા. જાહેરખબરો અને જાહેરાતો પાછળ એમ જ કરોડો વેડફીને હતા ત્યાં ને ત્યાં જ ઉભા રહ્યાં. એના કરતાં આટલા રૂપિયા ચોક્ક્સ રિસર્ચ પાછળ વાપરીને કંઇક નવું ચોક્ક્સ શોધી શકાયું હોત !
બાકી હું તો એ દિવસોની પ્રતિક્ષા કરું છું કે જ્યારે કોઇ પણ સમાજ કે દેશમાં પર્યાવરણની કાળજી રાખીને જીવાતું પ્રત્યેક પગલું જ ખરો સ્ટેટસ સિમ્બોલ ગણાતો હોય. અને એને અનુસરનારા એક અલગ જ માન-સન્નમાન મેળવતા હોય. એ જ સાચી જીત હશે અને એ જ સાચું જીવન હશે. બાકી આવી 5 જૂન તો દર વર્ષે આવશે અને બોલી વગાડીને તાયફાઓ થતા રહેશે.
આ બધાની વચ્ચે જે આખું વર્ષ ચોક્ક્સ મહેનત અને લગનથી વૃક્ષો માટે કે પર્યાવરણ માટે કંઇક ચુપચાપ કરી જાય છે અને એવા કેટલાક કે જે સતત આખું વર્ષ ચારેબાજુ પર્યાવરણ માટે કે એક વૃક્ષ ક્યાંક કપાઇ ન જાય એ માટે સતત સજાગ રહે છે અને ફાઇટ કરે છે એ જાગૃત નાગરીકોને જ ખરેખર આજનો દિવસ ઉજવવાનો હક્ક છે. એમને ખરા દિલથી Happy World Environment Day. બાકી તમ-તમારે તાયફાઓ ફટ્કાર્યે રાખો, હમ નહી સુધરેંગે !!!!!!
અને જો ખરા અર્થમાં દિવસને સાર્થક કરવો જ હોય તો કરો નાની પણ મક્કમ શરૂઆત જે આવતીકાલને અને ભવિષ્યને બદલવા સક્ષમ હોય. એ નાની શરૂઆત આવતી 5 જૂને ઘણી મોટી લાગશે. બોલો છે હિંમત !!!!!!

કોરોના એ યાદ અપાવ્યો માનવ અસ્થિઓનો ઇતિહાસ

કોરોના એ યાદ અપાવ્યો માનવ અસ્થિઓનો ઇતિહાસ
=================


ત્રીજી સદીની પરોઢે પહોંચેલા આ જગતમાં માણસાઇ જાગી છે. અમુક સફળતાઓ તો અમુક નિષ્ફળતાઓ છે. અને છતાં ક્યાંક સતત ઉપરાછાપરી મળતી નિષ્ફળતાઓમાં પણ ક્યાંક માણસાઇ બોલી ઉઠે છે. અપૂર્ણતાથી ભરેલી આ દુનિયામાં આમ જ બનવાનું ! ભગવાન ચોક્ક્સ કોઇ રસ્તો બતાવશે ! અનેક પડકારોની સામે રાત-દિવસ દુનિયાના કોઇને કોઇ ખૂણે કોઇક માણસજાતને ટકાવી રાખવા માટે સતત મથી રહ્યું છે. અને એના પરિણામ સ્વરૂપ આ દુનિયામાંથી અનેક આપત્તિઓ જડમૂળથી દૂર થઇ છે તો અનેકની સામે માણસજાતની લડાઇ ચાલુ છે.
આજે આ દુનિયામાં પહેલી વખત એવું બની રહ્યું છે કે ભુખમરાથી મરનાર લોકોની સંખ્યા વધુ ખાવાનું ખાઇને મરનારની સંખ્યા કરતા ઓછી છે. હા, લોકો મેદસ્વિતાથી વધુ મરે છે. ઘડપણનો મૃત્યુદર, ચેપી રોગના મૃત્યુદર કરતાં વધારે છે. આમ, અનેક રોગ સામેની જીત એ મનવજાતના ઇતિહાસમાં સૌથી મોટું વિરાટ કદમ ગણી શકાય. શબ્દોનો થોડો ફેરફાર છે, બાકી આખી આ વાત, આ સદીમાં જે મહાન પુસ્તકની ગણના થઇ રહી છે એમાંના એક પુસ્તક Homo Deus માં જ લખાયેલા શબ્દો છે.
લેખક Yuval Noah Harari પોતાના પુસ્તક Homo Deus માં આગળ લખે છે કે મનુષ્યજાતીનો ભુખમરા પછીનો જો કોઇ સૌથી મોટો શત્રુ હોય તો એ પ્લેગ અને ચેપી રોગ જ છે. લેખક સ્ટેટિસ્ટીકના વધુ આંકડા સાથે માહિતી આપતા કહે છે કે 1979 માં WHO એ વિશ્વને શીતળા મુક્ત જાહેર કર્યું પણ છેલ્લા મોટા ડેટા પ્રમાણે ઇ.સ. 1967માં 1.5 કરોડ લોકો શીતળાનો ભોગ બન્યા હતાં અને લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામ્યા હતાં. અને હવે આજે શીતળા મુક્ત દુનિયા છે. તો બીજી બાજુ બ્લેક ડેથમાં 7.5 થી 20 કરોડ લોકો એ જીવ ગુમાવ્યા હતા. જે યુરેશિયાની વસ્તીનો ચોથો ભાગ થાય. ઇંગ્લેન્ડમાં દર 10 લોકોએ 4 લોકો મરતા હતાં. જેમાં ફ્લોરેન્સ શહેરે 10 લાખમાંથી 50,000 લોકો ગુમાવ્યા હતાં. અને ભુતકાળમાં જ્યારે પણ આવું બનતું ત્યારે આવા આપદાના સમયમાં સત્તાધારીઓ પાસે માત્ર સામુહીક પ્રાથના જ સૌથી મોટું શસ્ત્ર રહેતું. તેઓ પાસે આ મહામારીને રોકવાના જરા પણ ઉપાય ન હોતા અને ભગવાનનો પ્રકોપ ઓછો થશે એટલે એની જાતે જ જશે એમ વિચારીને છોડી દેતાં. અરે એટલું જ નહી, આધુનિક યુગ સુધી આવા રોગ ને લોકો ખરાબ હવા, આસુરી શક્તિ અને ભગવાનનો પ્રકોપ ગણવતાં, પણ વાઇરસ કે બેક્ટેરીયાના અસ્તિત્વને સ્વિકારવા જરા પણ તૈયાર ન જ થતાં. લોકોને પરી કથાઓમાં પુરો વિશ્વાસ હતો પણ એક નાની માખી અને પાણીનું એક ખરાબ ટીપુ સર્વનાસ નોતરવા માટે પુરતા છે એ કોઇ માનવા તૈયાર ન હતાં. Yuval Noah Harari એ લખેલી આ વાત જાણ્યા બાદ એટલું તો ચોક્ક્સ કહી શકાય કે આજે વિશ્વમાં પ્રત્યેક ખૂણે વિચારો બદલયા છે. માનવતા મહેકી છે અને માનવજાત પર વિજ્ઞાન અને સંશોધનનો પ્રભાવ વધ્યો છે. જીનવ સરળ બન્યું છે અને જીવનમુલ્યો બદલાયા છે. કોઇપણ વાત માટે જરૂર પડ્યે બધા જ સાથે મળી કોઇ સોલ્યુસન શોધવા પ્રતિક્ષણ તૈયાર છે. અને આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના કે Covid-19 ના સંક્રમણમાંથી જે રીતે પસાર થઇ રહ્યુ છે ત્યારે આજે ગર્વ લેવા જેવી બાબત એ જ છે કે જાણે આખી દુનિયા એક સાથે કદમ મિલાવીને ચાલી રહી છે. અને એક જ વિચાર પર કેન્દ્રિત થઇ નાનામાં નાના માણસને બચાવી લેવા જે રીતે ધમપછાડા કરાય છે એ જ આજની સૌથી મોટી જીત છે. છતાં સમગ્ર દુનિયામાં મૃત્યુનો આંક વિચારતા કરી મુકી છે. પણ નાના બાળકથી માંડીને ઘરડાને બચાવી લેવા કે ક્યોર કરવા માટે જે જાનની બાજી લગાવી દેવાય છે એ નોંધનીય છે. અને આપણે સૌ આ ઘટનાના સાક્ષી છીએ એ જ સૌથી મોટા ગૌરવની વાત છે. આ બધાની વચ્ચે એક વાત તો સ્વિકારવી જ રહી કે આજે પૃથ્વી પર કોઇપણ દેશમાં એક જ શબ્દની ચર્ચા છે અને તે છે Corona કે Covid19- Pandemic. તો શું આ પૃથ્વી પહેલી વખત જ આવા Pandemic નો ભોગ બની કે પહેલા પણ આવું કશું બન્યું હતું. તો જવાબ છે હા, ઘણી વખત આવું બન્યું છે. અને શરૂઆત કરીએ આ Pandemic શબ્દને સમજવાથી. તો...
જ્યારે કોઇ એક રોગ કોઇ શહેર, પ્રદેશ કે દેશ પુરતો સિમિત હોય અને એના સંક્રમણનો દર ધારણા કરતા વધારે હોય ત્યારે WHO ની ગાઇડ લાઇન પ્રમાણે એને Epidemic કહેવામાં આવે છે. અને જ્યારે એ રોગ સરહદ ઓળંગીને વધુ દેશમાં ફેલાય ત્યારે એને Pandemic તરીક ઓળખવામાં આવે છે. આ અર્થમાં કોરોના Pandemic છે. આ જ્યારે લખી રહ્યો છું ત્યારે John Hopkins University ના ડેટા પ્રમાણે દુનિયામાં માત્ર North Korea અને Turkmenistan જેવા બે જ મોટા દેશ અને Kiribati, Marshll island, Micronesia, Nauru, Palau, Samoa, Solomon, Tonga, Tuvalu અને Vanuatu જેવા નાના ટાપુ જ કોરોનાના સંક્રમણથી બાકાત છે. આખી પૃથ્વીની સપાટી પર માંડ આટલા જ જમીની પ્રદેશ બચ્યા છે કે જ્યાં હજુ કોરોના વાઇરસ પહોંચ્યો નથી.
પૃથ્વીએ જોયેલો સૌ પ્રથમ Pandemic કયો? તો જવાબ ખૂબ જ પાછળ લઇ જાય છે. હા, વાત તો Epidemicની છે પણ ત્યાર માટે તો આને Pandemic જ ગણવો પડે કારણ કે આખું નગર અને આખી સંસ્કૃતિ પુરી થઇ હતી. તો માંડીને વાત કરું તો, પ્રાગઐતિહાસિક સમયના Epidemicની સૌથી પહેલી વાત કરીએ તો ઇ.સ. પૂર્વે 3000માં Circa નો કહેર હતો એમ માનવામાં આવે છે. ઉતરપૂર્વીય ચીનમાં પુરાતત્વવિભાગને એક આખું એવું ગામ મળી (Hamin Mangha Site)આવ્યું કે જેમાં આખું નગર Epidemicની એવી ઝપટમાં આવ્યું કે કોઇ કરતાં કોઇ જ બચ્યું નહી. આ Epidemicનો એવો કહેર હતો કે જે લોકો પહેલા મર્યા એને યોગ્ય રીતે દફનાવવા પણ કોઇ પાછળ જીવીત ન બચ્યું. હા, આવા રૂવાં ઉભા કરી દે એવા પુરાવા મળ્યા છે. અને છેલ્લે આખો પ્રદેશ બિનવાસાહતીય-બિનમાનવીય બન્યો. આવું જ ત્યાં નજીકમાં આવેલ Miaozigou site માં પણ બન્યું હતું. આમ Epidemic ની અસર આજથી 5000 વર્ષ પહેલા પણ હતી અને આજે પણ છે. પણ ફર્ક માત્ર એ જ છે કે હવે કોઇ Epidemic આખા પ્રદેશને ભરખી જાય એ લગભગ અશક્ય છે.
તો, આવું જ કંઇક ઇ.સ. પૂર્વે 430માં એથેન્સમાં બન્યું હતું. અને ત્યારે ત્યાં પ્લેગની અસર સતત પાંચ વર્ષ રહી હતી. આ સમય ઇતિહાસમાં Peloponnesian યુદ્ધના સમય તરીકે ઓળખાય છે. લિબિયા, ઇથોપિયા અને ઇજિપ્તને ભરડામાં લઇને આખરે આ Pandemic એથેન્સની દિવાલ તોડીને એથેન્સમાં પ્રવેશ્યો અને જેમાં લગભગ એક લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. જે ત્યારની બે તૃતિયાંશ વસ્તી બરાબરનો આંકડો કહેવાય. કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે ઇ.સ. પૂર્વે 404માં જ્યારે એથેન્સને સ્પાર્ટા સામે હથિયાર મુકી દેવા પડ્યા ત્યાં સુધી આ પ્લેગની અસર રહી હતી.
હવે, ઐતિહાસિક યુગમાં પ્રવેશીએ તો, ઇ.સ. 165 માં Antonine પ્લેગ ફેલાયો એના શરૂઆતના લક્ષણો શીતળા(smallpox) જેવા હતાં. જેનો સૌપ્રથમ ભોગ હુણો બન્યા હતાં એમ માનવામાં આવે છે. જેનો ચેપ જર્મનો સુધી પહોંચ્યો અને ત્યાંથી એ રોમનો સુધી આવ્યો. Parthia (હાલનું Khorasan in Iran) સામેની લડાઇમાંથી પાછા ફરેલા રોમન સૈનિકો આ પ્લેગ લેતા આવ્યા એમ પણ ઘણા ઇતિહાસકારો માને છે. લગભગ આ પ્લેગની અસર 15 વર્ષ સુધી રહી હતી. જેમાં લગભગ 50 લાખ લોકો મૃત્યુ પામ્યા હતાં. આ પ્લેગનો ભોગ બનવામાં ત્યારના રોમન સમ્રાટ Marcus Aurelius નું નામ પણ સામેલ હતું.
પ્લેગનો બીજો મોટો Pandemic એટલે ઇ.સ. 250નું વર્ષ. ટ્યુનિશિયાના કાર્થેજમાં બિશપ St. Cyprian ને સૌ પ્રથમ પ્લેગ થયો એટલે એના નામ પરથી જ પ્લેગ ને નામ આપી દેવાયું Cyprian પ્લેગ. અને ત્યારે આ બિશપે આ રોગને દુનિયાના અંત તરીકે ગણાવ્યો હતો એવા પુરાવા છે. તો પ્લેગના આ ભરડામાં રોમમાં રોજના 5000 લોકો મરતાં હતાં. આ પ્લેગ ઇથિયોપિયાથી શરૂ થયો અને ઉતર અફ્રિકામાં થઇને રોમમાં પ્રવેશ્યો હતો એવું મનાય છે. પરંતુ મજાની વાત એ છે કે આ પ્લેગ ફેલાયો હતો એના જે પુરાવા મળ્યા છે એ સાઇટ Luxor માં મળી આવી છે જેમાં એક સાથે દફનાવાયેલ અનેક મૃતકોના શરીરને lime ના પાતળા આવરણથી ઢાંકેલા છે. જે બતાવે છે કે એ સમયે પણ લોકો disinfectant પદ્ધતિને સારી રીતે જાણતાં હતાં. એની નજીકમાં જ લાઇમ બનાવવાની ત્રણ ફેકટરી પણ મળી આવી છે. આમ, ઇ.સ. 250 થી શરૂ થયેલ અને ઇ.સ. 271 સુધી ચાલેલ આ પ્લેગે આપણને disinfectant પદ્ધતિનો એક પુરાવો પુરો પાડ્યો. આવી રીત આજે કોરોનાના કહેર વચ્ચે આપણા માટે પણ એક અનિવાર્યતા બનીને સામે ઉભરી આવી છે. મૃત્યુ બાદ અનેક પ્રિકોશન વચ્ચે દફનવીધી કે અંતિમક્રિયા થાય છે. અરે એમ કહો કે જાણે આ સમયે થતી બધી જ રીતો બદલાઇ છે.
ત્યાર બાદ, ઇ.સ. 541માં ઇજિપ્તમાં Justinian પ્લેગે દેખા દીધી. જ્યાંથી એ પેલેસ્ટાઇન અને પછી Byzantine સામ્રાજ્યને ઘેરી વળ્યો. અને પછી Mediterranean પ્રદેશના દેશ એક પછી એક ઝપટમાં આવવા લાગ્યાં. અને બસ આ સમયથી જ Byzantine સામ્રાજ્યના પતનનો સમય શરૂ થયો હતો. અને એક વર્ષમાં દુનિયાની 10% વસ્તી નામશેષ થઇ. આ પ્લેગ સતત બે સદી સુધી સમયાંતરે દેખા દેવા લાગ્યો અને જેમાં 5 કરોડ લોકો મૃત્યુ પામ્યા જે લગભગ દુનિયાની 26 % વસ્તી બરાબર કહેવાય. આ પ્લેગથી જ દુનિયામાં Bubonic પ્લેગની શરૂઆત થઇ એમ માનવામાં આવે છે. આ Bubonic પ્લેગ એટલે શું? તો જવાબ છે કે કોઇ પ્રકારનો ચોક્ક્સ રોગ કે જેના બેકટેરિયાનો ફેલાવો માખી જેવા માધ્યમ થકી થતો હોય અને ચોક્ક્સ લક્ષણો સાથે દેખાઇ આવે.
આ બધાની વચ્ચે આ દુનિયાએ એક એવો સમયગાળો પણ જોયો કે જેમાં યુરોપ પશ્ચિમ પર વિજયકૂચ આદરે છે. હા, યુરોપિયન પ્રજા અમેરિકા તરફ આવી રહી હતી અને સાથે સાથે વહાણમાં અનેક બીમારીઓ પણ લાવી રહી હતી. હા, અત્યાર સુધી દુનિયાના સંપર્કમાં ન આવેલ અમેરિકા એકદમ જ અલગ રીતે કચડાવવા તૈયાર જ હતું. યુરોપિય પ્રજાની સૌથી મોટી ભેટ શીતળા અને પ્લેગ એ અહીંની પ્રજાને હતી. અને ઇ.સ. 1520માં તો આખું Aztec Empire શીતળાના પ્રકોપ નીચે આવી ગયું અને સામે હતી એક આખી સ્પેનીશ આર્મી, પરિણામ સ્વરૂપ એક આખી સંસ્કૃતિ નામશેષ થઇ. આવી જ રીતે સ્પેનિસ પ્રજાએ Incan પ્રજાને અને એના આખા સામ્રાજ્યને પુરું કર્યું. આમ આ Aztec અને Inca બન્ને સમ્રાજ્યોની પ્રજા એકબાજુ રોગથી સંક્રમીત અને બીજી બાજુ યુરોપિયન પ્રજા સામેની લડાઇ બન્ને મોરચે ન ફાવી શકી અને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવામાં સદંતર નિષ્ફળ ગઇ. તો જે કંઇ થોડું બચ્યું હતું એના માટે કુદરત નવા હથિયાર સાથે તૈયાર જ હતી અને ટાઇફોડની સાથે તાવ આવે એ Enteric fever તરીકે ઓળખાય એ રોગે માજા મુકી. ઇ.સ. 1545 –1548 સુધી સતત મેક્સિકો અને મધ્ય અમેરિકાના પ્રદેશને Cocoliztli મહામારીએ ભરડામાં લીધું અને પાછો આ સમય, આ પ્રદેશ માટે દુષ્કાળનો કપરો સમય હતો. આ બધાની વચ્ચે દોઢ કરોડ લોકો મૃત્યુના મુખમાં ધકેલાયા. આમ 16મી સદીમાં ઉતર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડના મૂળ વતનીઓનું નિકંદન કાઢવામાં જેટલો ફાળો યુરોપિયન પ્રજાનો હતો એના કરતાં વધારે તો ત્યારના Pandemic નો હતો. જાણે કુદરત જ મૂળ અમેરિકન પ્રજાને પુરી કરવા પર ઉતરી આવી હોય એવું લાગ્યું.
પરિસ્થિતિ બદલાઇ અને કુદરતનું ચક્ર થોડું અવળું ફર્યું અને ખરાબ સમય આ વખતે યુરોપનો હતો. એક epidemic કે જેણે લંડનને પુરેપુરું હલાવી નાખ્યું. અમેરિકા ખંડમાં થયેલા અત્યાચારનો બદલો હવે લંડન ચુકવવાનું હોય એમ કુદરત ઇ.સ. 1665માં લંડન પર પોતાનો પ્રકોપ વરસાવી રહી હતી. અને The great plague of London એ એપ્રિલ 1665માં ભર ઉનાળે પોતાની માયા પાથરવાની શરૂ કરી અને ધડાધડ પ્લેગ ફેલાવવા લાગ્યો. આ પ્લેગની એક વર્ષની માયાજાળમાં લંડનમાં મૃત્યુદર 1 લાખને પાર હતો જે લંડનની વસ્તીના 15% થી 20% નો આંક હતો. લોકો કુતરા અને બિલાડીઓને કતલખાનામાં કાપે એમ મારીને ફેંકવા લાગ્યા જાણે પ્લેગના સાચા વાહકો એ જ હોય એમ તેઓ માનતા હતાં અને થેમ્સના કિનારા પર જાણે એમના મૃતદેહોઓ ઢગલો રોજે રોજ મોટોને મોટો થતો જતો હતો. પણ આ જાણે અંત ન હોય એમ 2 Sep 1666 ના રોજ લંડન આગની ઝપટમાં આવ્યું અને ચાર દિવસ ચાલેલી આ આગે શહેરના મોટાભાગને રાખ બનાવી દીધું. પણ અજાયબી જેવી વાત એ બની કે The great London fire માં ચાર શહેરોના 7 મોટા દરવાજા, 89 ચર્ચ અને 13,200 ઘર બળીને ખાક થયા હતાં પણ માત્ર 6 માણસોએ જ જીવ ગુમાવ્યો હતો. જાણે કુદરત પણ નક્કી કરીને બદલો લેતી હતી કે લોકોને તો પ્લેગથી જ મારવા, આગથી નહી. આગ તો સર્વસ્વ છીનવી લેવા આવી હતી. બોલો છે ને નવાઇ, આજનું લંડન જોઇને કોઇ કલ્પના કરી શકે કે આજથી 354 વર્ષ પહેલા લંડનની આવી હાલત હતી.
આજકાલ quarantine શબ્દ ખાસ કાને પડે છે અને બધા જ એનો મતલબ પણ સમજતાં થયા છે. તો આજથી 300 વર્ષ પહેલા કોઇ જહાજને Pandemic ના ભય હેઠળ quarantine કર્યું હોય એવું તમે વિચારી શકો ? જવાબ હા, છે અને ઇ.સ. 1720માં ફ્રાંસના Marseille બંદરે Grand-Saint-Antonie નામનું વહાણ પૂર્વીય Mediterranean પ્રદેશમાંથી વસ્તુઓ લઇને આવે અને પ્લેગના લક્ષણો ખલાસીઓમાં દેખાય અને એ જહાજને quarantine કરવામાં આવે અને છતાં પ્લેગ માખી જેવા માધ્યમ થકી શહેરોમાં પ્રવેશે અને ત્રણ વર્ષના સમયગાળામાં લગભગ 1 લાખ લોકો એનો ભોગ બને ! અને એમ કહેવાય છે કે ત્યારે Marseille ની 30% વસ્તીને પ્લેગ ભરખી ગયો હતો. આમ 300 વર્ષ પહેલા માત્ર થોડું કાચું પડાયું અને પ્લેગને અટકાવવામાં સફળ ન થવાયું. પણ એક પ્રકારની જાગૃકતા હતી એ વાત તો સ્વિકારવી જ રહી. આ વાત પરથી જ મને બીજી એક વાત યાદ આવે છે કે Dawn of the Planet of the Apes મુવીમાં શરૂઆતના સીનમાં જ્યારે કાર જંગલમાંથી શહેર તરફ પાછી આવે છે ત્યારે જે ચેકપોસ્ટ પરથી અંદર જાય છે ત્યાં પણ મોટા અક્ષરે લખેલું હોય છે zone 9 quarantine check point. અને ખરેખર એ જ સાચી રીત છે, આવા સંક્રમણને ટાળવા માટે ચેકપોઇન્ટની જ જરૂર હોય છે. આવા કપરા સંક્રમણના સમયમાં સજાગ ચેકપોઇન્ટ જ કોઇ શહેરને બચાવી શકે એમ હોય છે. Pandemic ના સમયમાં ચેક પોસ્ટ પર શરતચૂક બિલકુલ પોસાય નહી. તો ક્યાંક દરેકે પોતના ઘરની કંપાઉન્ડ વોલને જ બોર્ડર બનાવી લેવાની જરૂર હોય છે. આટલું સમજનાર Pandemic માં જીતી જતાં હોય છે. આપણે વાત કરતાં હતાં quarantine કરેલા shipની તો કરોનાના આ સમયમાં આવું કંઇ બન્યું ? તો જવાબ છે હા, The Cruise Ship Diamond Princess ને ફેબ્રુઆરી 2020માં Yokohama પર રોકીને તમામને quarantine કરાયા હતાં, તો કેલિફોર્નિયામાં પણ The Grand Prince Cruise અને જર્મનીમાં પણ Ship Mein Schiff 3 Cruise ના સભ્યોને આ કોરોના સમયમાં quarantine કરાયા હતાં આ બધા Cruiseમાંથી 800 કરતાં વધારે કોરોના કેસ નિકળ્યા હતાં. અને 10ના મૃત્યુ થયા હતાં. એક અંદાજ મુજબ અત્યારના સમયમાં દર વર્ષે ઓછામાં ઓછા 3 કરોડ લોકો 272 Cruise Ship થકી વિશ્વમાં ભ્રમણ કરતાં હોય છે.
આજે લગભગ બધે જ મંદિરો અને ચર્ચ બંધ ભાસે છે. ભુતકાળમાં આવું બનેલું ? તો જવાબ છે હા, ઇ.સ. 1770 થી શરૂ થયેલા રશિયન પ્લેગે મોસ્કોને તહસનહસ કરી નાખ્યું હતું. આવા સમયમાં પહેલી વખત એવું બન્યું કે Quarantine કરેલા નાગરીકો હિંસા પર ઉતરી આવ્યા અને આખા શહેરમાં દંગા ભડકી ઉઠ્યા. Ambrosius નમનો આર્કબિશપ લોકોને પ્રાથના કરવા ભેગા ન થવા સમજાવતો અને આદેશ આપતો, પણ લોકો સમજવા તૈયાર ન હતાં અને એનું ખૂન કરી દેવાયું હતું. આજે જ્યારે કોરોનાના સમયમાં મંદિરો અને ચર્ચને બંધ જોવું છું, લોકોને સ્વયંમભૂ શિષ્ત પાળતા જોવું છું ત્યારે એમ થાય છે કે 250 વર્ષ પહેલા Ambrosius આપેલું બલીદાન ઓળે નથી ગયું. છેલ્લા 250 વર્ષમાં માનવજાત કેટલા સમજણના પગથિયા ચડી છે એનો આનાથી મોટો પુરાવો બીજો તો શું હોય શકે? આ રશિયન પ્લેગમાં પણ 1 લાખ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતાં.
છેલ્લા 200 વર્ષનો પ્રથમ કોલેરા Pandemic એટલે ઇ.સ. 1817નો સમય. આ મહામારી રશિયાથી શરૂ થઇ અને ત્યાં લગભગ 10 લાખ લોકો મૃત્યુ પામ્યા. ખોરાક અને પાણીથી ફેલાતો આ રોગ બ્રિટીશ સૈનિકો સુધી પહોંચ્યો અને એમના દ્વારા સ્પેન, આફ્રિકા, ઇન્ડોનેશિયા, ચીન, જાપાન, ઇટલી, જર્મની અને અમેરિકા પણ પહોંચ્યો અને આ બધે લગભગ 1.5 લાખ લોકો મૃત્યુ પામ્યા, જ્યારે બીજી બાજુ ભારતમાં લગભગ 10 લાખ લોકો મૃત્યુ પામ્યા હતાં. યાદ કરાવી દઉં કે, ઇ.સ. 1885માં કોલેરાની રસી શોધાઇ, છતાં એ સંપૂર્ણ નાબૂદ નથી જ થયો. દર વર્ષે આજના સમયમાં પણ દુનિયામાં કોલેરાના સવા લાખ થી ચાર લાખ જેટલા કેસ આવે છે અને 20,000 થી 1,50,000 લોકો દરે વર્ષે વિશ્વમાં કોલેરાથી જ મૃત્યુ પામે છે.
ઇ.સ. 1889માં આ દુનિયામાં રશિયન ફ્લૂ આવ્યો જે સાઇબિરીયા અને કઝખસ્તાનથી શરૂ થયો અને મોસ્કોથી ફિનલેન્ડ અને પોલેન્ડ સુધી પહોંચ્યો. અને પછી સમગ્ર યુરોપમાં ફેલાયો અને થોડા જ સમયમાં અમેરિકા પણ પહોંચ્યો. એશિયાથી યુરોપ અને સમગ્ર યુરોપથી અમેરિકા સુધી ફેલાવો થવા માટે આ ફ્લૂને માત્ર 5 અઠવાડિયા જ લાગ્યા હતાં. અને ઇ.સ. 1890 ના અંત સુધીમાં વિશ્વમાં 10 લાખથી વધુ લોકો મૃત્યુ પામી ચુક્યા હતાં. આજથી માત્ર 120 વર્ષ પહેલા કોઇ મહામારી ફેલાવવા માટે માત્ર 5 અઠવાડિયા જ લાગતા હોય તો આજે તો આપણે વિશ્વને મુઠી જેવડું નાનું બનાવી ચુક્યા છીએ તો કોરોનાને ફેલાતા કેટલો ઓછો સમય લાગ્યો હોય એ જરા વિચારી જુઓ.
અત્યાર સુધી આ વિશ્વએ ન હતું જોયું એવું કંઇક સામે આવવાનું હતું. મૃત્યુનું તાંડવ સર્જાવવાનું હતું એવું એ વર્ષ હતું. હજુ પ્રથમ વિશ્વયુદ્ધની અંતિમ ઘડીને 10 મહિનાની વાર હતી અને સ્પેનના મેડરીડથી એક ફ્લૂ શરૂ થાય છે અને નામ અપાય છે સ્પેનિશ ફ્લૂ. ક્યાંક એવી પણ વાત છે કે આ ફ્લૂ સ્પેનથી શરૂ ન હોતો થયો પણ સ્પેન પ્રથમ વિશ્વયુદ્ધમાં કોઇ તરફથી લડ્યુ નહી એટલે એને બદનામ કરવા બીજા યુરોપિય રાષ્ટ્રોએ એક ચાલ ચાલી. માત્ર બે વર્ષમાં વિશ્વમાં 1 અબજ લોકો એના સંક્રમણનો ભોગ બને (કુલ વસ્તીનો ત્રીજો ભાગ) અને 10 કરોડ લોકો મૃત્યુના મુખમાં ધકેલાય. ભારતમાંથી 1.5 કરોડ લોકો એટલે કે કુલ વસ્તીના 5% લોકો મૃત્યુ પામ્યા હતાં. ત્યારે કોંગોની તાંબાની ખાણમાં કામ કરતાં દર પાંચ મજૂરમાંથી એક મજૂર મર્યો હતો. હા, આ કંપારી છુટાવી દે એવો આંકડો માત્ર 100 વર્ષ પહેલાનો જ છે. .આજે 100 વર્ષ પછી આવેલ કોરોનાનો કહેર આવો પ્રકોપ નહી જ પાથરી શકે. કારણ કે આજે મેડિકલ ક્ષેત્રે ઘણી મોટી હરણફાળ ભરાઇ છે. દરેક ક્ષેત્રમાં અનેક નવી ટેકનોલોજી છે અને બધી જ બાજુ મોટો આશાવાદ છે. એ પણ નોંધી રાખવા જેવું જ છે કે ઇ.સ. 1918 માં જ પુરા થયેલા પ્રથમ વિશ્વ યુદ્ધમાં કુલ 4 વર્ષમાં 4 કરોડ લોકો મરે અને એ જ વર્ષમાં શરૂ થયેલ ફ્લૂથી માત્ર બે વર્ષમાં 10 કરોડ લોકો મરે !!! એ બતાવે છે કે વાઇરસ માણસજાત માટે શસ્ત્ર કરતાં પણ વધારે ઘાતક સાબિત થયો. પણ હવે આ 100 વર્ષમાં વિશ્વ બદલાયું છે. શસ્ત્રો ઘાતક છે અને ટુંક સમયમાં વાઇરસનું નામોનિશાન નહી રહે.
ત્યાર બાદ, હોંગકોંગમાં 1957માં એશિયન ફ્લૂ આવે અને પછી એ ચાઇનામાં પ્રસરે અને ત્યાંથી અમેરિકા અને ઇંગલેન્ડ પણ પહોંચે, અને માત્ર 6 મહિનામાં 14 હજાર લોકો મૃત્યુના મુખમાં ધકેલાય અને ઇ.સ. 1958ના અંત સુધીમાં મૃત્યુ આંક 11 લાખને પર કરી જાય અને અમેરિકા એકલામાં 1,16,000 લોકો મૃત્યુ પામે.
1981 થી વિશ્વ AIDSના ભરડામાં આવે પણ આજ સુધી AIDSથી મરનારાની સંખ્યા 5 લાખે માંડ પહોંચી છે. SARS, H1N1 Swine Flu (જેમાં મૃત્યુઆંક 1,50,000 હતો), Ebola, Zika Virus જેવા Pandemic આપણે છેલ્લા 20 વર્ષમાં જોયાં અને એ બધાના સંક્રમણ પર આપણે રોક લગાવવામાં સફળ રહ્યા. પણ આ કોરોના અત્યારે થોડો બેકાબુ છે. ટેકનોલોજી અને સુવિધાઓના પ્રભાવ વચ્ચે દેખાતા મૃત્યુના આંકડા થોડા હેરાન ચોક્ક્સ કરે છે. પણ દુનિયાના ખૂણે ખૂણે અનેક રિસર્ચ સેન્ટરોમાં અનેક માનવ મસીહા એની રસી માટે દિવસ રાત એક કરી રહ્યા છે. એટલે આજે નહી તો કાલે કોઇ ચોક્ક્સ એક સૉલ્યુસન તો મળશે જ ! 1918માં ટકાવારીની દ્રષ્ટિએ જે ખુવારી વિશ્વએ જોઇ હતી એ તો આ સદીમાં વિશ્વ નહી જ જોવે એ પક્કું જ છે. આમ, આ પૃથ્વી પર ટકી રહેલા સેપિયન્સે અનેક Pandemic અને Epidemic માંથી પોતાની જાતને બહાર કાઢી છે અને હજુ પણ સતત ઉત્ક્રાંતિના જુદા જુદા તબબકામાંથી પસાર થઈને ટકી જ રહેશે. બાકી અત્યારે તો એક વાર્તાના શબ્દો જ યાદ આવે છે કે દોસ્ત, યે ભી બીત જાયેગા..... અને નવો મજાનો સૂર્યોદય આખા વિશ્વ પર પથરાશે. કોરોના શબ્દ ઇતિહાસ બની જાય એની જ રાહ જોવાની.
- અજીત કાલરિયા