ગુરુવાર, 2 ઑગસ્ટ, 2018




શું એવું બની શકે કે એક શિક્ષક રિટાયર્ડ થાય ત્યારે એક સચોટ વ્યક્તિની આત્મકથા લખાય એવું કંઇક એટલું બધું એ  જીવી ચુક્યા હોય ?
શું એવું બની શકે કે એક શિક્ષકે શાળારૂપી વૃક્ષમાં એટ-એટલું તો સિંચન કર્યું હોય કે આજે એ જ શાળારૂપી વૃક્ષના પુષ્પ(વિધ્યાર્થી) દુનિયાના ચારે ખૂણે પોતાનું નામ રોશન કરતાં હોય અને એ પુષ્પો એટલું જ માન આજે પણ એમને આપતા  હોય ?શું એવું બની શકે  કે એક શિક્ષકના જેટલા સુંદર અક્ષર હોય એટલા જ સુંદર વિચારોથી એ પ્રતિક્ષણ ભરેલો હોય ?
શું એવું બની શકે કે એક શિક્ષક કાયમ પળેપળની ખબરોથી સતત અપડેટ રહેતો હોય ? શું એવું બની શકે કે એક જ શિક્ષક વકતૃત્વ સ્પર્ધા માટે એક જ વિષય પર 5 થી 6 છોકરાઓને ખૂબ જ સરસ નિબંધ લખીને આપે જેમાં એક પણ લાઇન રિપીટ ન થાતી હોય ?શું એવું બની શકે કે અંગ્રેજી ભણાવતા  એક શિક્ષકને સંગીતનું પણ એટલું જ જોરદાર પૅશન હોય ?શું એવું બની શકે કે અંગ્રેજી ભણાવતા એક શિક્ષકનું ડ્રોઇંગ પણ એટલું જ સરસ હોય ?
શું એવું બની શકે કે અંગ્રેજી ભણાવતો શિક્ષક ગુજરાતી વિશ્વસાહિત્યને ઘોળીને પી ગયો હોય ?
શું એવું બની શકે કે શાળાનો એક શિક્ષક એની ભરજુવાનીમાં Times of India માં રીપોર્ટિગ  કરી ચુક્યો હોય અને ગુજરાતના અગ્રણી એવા મેગેઝિન અને છાપાઓમાં એની કૉલમ આજે પણ  ચાલતી હોય કે અવારનવાર એના લેખ પ્રસિદ્ધ થતા હોય ?
શું એવું બની શકે કે શાળાના એક શિક્ષકને અનેક લેખકો અને કવિઓ સાથે એવો સંબંધ હોય કે ગમે ત્યાં જાવ ત્યારે બધા જ એમને સામેથી આવકારે અને એમાંના અનેક એમના ઘરે પણ આવી ચુક્યા હોય ?
શું એવું બની શકે કે એક શિક્ષકને હજારો કવિતાઓ-ગઝલો કે શૅર એના રચયિતાના નામ સાથે મોઢે હોય ? હા, તમે ઊંઘમાંથી ઉઠાડીને પણ પુછી શકો અને એક પણ શબ્દ આડોઅવળો થયા વગર બખૂબી રજુ કરી આપે...શું એવું બની શકે કે એક શિક્ષક રોજેરોજ  સાક્ષીભાવે આ જગતને જોતો હોય અને એ જ સાક્ષીભાવથી પોતાનું મુલ્યાંકન ક્યાંક સતત છેલ્લા 35 વર્ષ કરતાં વધારે વર્ષથી ડાયરીના પાનાઓ પર થાતું હોય ?
શું એવું બની શકે કે એક શિક્ષક પોતાના શહેરમાં થતા નાટકો-મુશાયરા-સંગીતસંધ્યાના કાર્યક્રમોમાં કે થિયેટરમાં રજુ થતી ફિલ્મોની ફ્રિકવન્ટલી મુલાકાત લેતો  હોય અને તરત જ એના લેખાજોખા ફેસબુક પર રજુ કરી દેવાતા  હોય ?
શું એવું બને કે એક શિક્ષક આખું વર્ષ ફેસબુક પર જેટલી પણ પોસ્ટ શૅર કરે એમાંથી ઓછામાં ઓછી 60 થી 70 પોસ્ટ તો એવી હોય કે જેમાં કૉમેન્ટ બોક્સમાં એક અલગ જ ચર્ચાઓનો દોર ચાલતો હોય ?
શું એવું બની શકે કે એક શિક્ષક 40 વર્ષની ઉંમરે પહોંચે એ પહેલા રાજ્યપાલના હસ્તે સન્માનિત થઇને એવૉર્ડ લઇ ચુક્યા હોય અને ત્યારે એના કામને બિરદાવવા રાજ્યપાલ ખુદ એમ કહે કે લોગ 40 કે બાદ સોચના શરૂ કરેતે હૈ ઔર ઇન્હોને સબ 40 સે પહેલે હી ખતમ કર દિયા... ?
એક માસ્તરને માસ્ટરના સ્તર પર લઇ જાય એવી તો હજી પણ અનેક વાતોથી શિક્ષણ જગતને પોતાની રીતે એકલે હાથે  સતત કંઇક આપ્યા જ કર્યુ હોય એ વાત માની શકાય ? આ બધા જ પ્રશ્નોનો જવાબ છે હા...  શિક્ષણ જગતના આ મલ્ટી ટેલેન્ટેડ  લિયો- નાર્દો-દ-વિન્ચીનું નામ એટલે દિલિપ મહેતા... આજે એમનો જન્મદિવસ... Happy Birthday Sir….

સરને હું છેલ્લા વીસેક વર્ષથી જાણતો અને  માણતો આવ્યો છું.  ક્યાંક દિલીપ સર એક વ્યક્તિ  તરીકે મને નિખાલસ લાગ્યા છે તો એના બીજા છેડા પર સત્યના એટલા જ આગ્રહી લાગ્યા છે. દિલીપ સર મને એક શિક્ષક તરીક સરળ લાગ્યા છે તો બીજી બાજુ પોતાના માટે  શિસ્તના એટલા જ આગ્રહી લાગ્યા  છે. દિલીપ સર મને એક વ્યક્તિ તરીકે સહજ લાગ્યા છે તો ક્યાંક જ્ઞાનનો અખૂટ ભંડાર લાગ્યા છે. દિલીપ સર મને ક્યાંક Aesthetic Sense અને  Creative value ના માણસ લાગ્યા છે તો ક્યાંક Romanticism ના માણસ લાગ્યા છે. દિલીપ સર પાસે મને અર્જુનની ઋજુતા જોવા મળી છે તો ક્યાંક લક્ષ્મણનો મન્યુ પણ જોવા મળ્યો છે. દિલીપ સર પાસે મને કેટલીય વાર વિદુરનિતી કે ચાણક્યની ચાલ પણ જોવા મળી છે તો સતત એમાં પણ  મને પારદર્શકતા જોવા મળી છે. દિલીપ સરને મેં જીવનમાં ક્યાંક આપદ-ધર્મ ન અપનાવવો પડે એ માટે સતત ધ્યાન રાખીને જીવતા જોયા છે  તો બીજા છેડે  લોકોની સમક્ષ આપદ-ધર્મ પર ખુબ જ સરસ લૅકચર આપતા જોયા છે. દિલીપ સરને મેં આધ્યાત્મિક શબ્દને ખૂબ જ સરસ રીતે પચાવતા અને મને શીખવતા જાણ્યા છે તો એનો  દેખાડો ન થાય એ  માટે પ્રતિક્ષણ વફાદાર રહેતા પણ મેં જોયા છે. શ્રી અરવિંદનું વાક્ય કે “One man’s  perfection can still save the world” મેં તેમને પ્રતિક્ષણ જીવતા જોયા છે એનો અનેરો આનંદ છે દિલીપ સર. દિલીપ સરમાં મેં ભરપુર killer Instinct જોયું છે અને છતાં Inner Instinct થી પણ એટલા જ વફાદાર જોયા છે. આવા અલગ જ Instinct વાળા અનેક માનસન્માન સાથે જીવેલ  નોખી માટીના એક ક્રિયેટીવ  શિક્ષક સ્કૂલમાં આજે પોતાની બર્થ ડે ઉજવીને 31 ઑગસ્ટ સુધી જવાબદારી નિભાવીને રિટાયર્ડ થશે ત્યારે શિક્ષણ જગત એક ખોટ અનુભવશે એ ચોક્ક્સ વાત છે.... પરંતુ સર હું તો તમારી પાસેથી પળે પળને માણતા શીખ્યો છું એટલે જો અને તો ના ગણિત નક્કામા લાગતા હોય છે માટે ફરીથી એ જ ખુશીમાં જુમી ઉઠીએ અને Once again Happy Birthday Sir. સાચું કહું તો મારા પહેલા પ્રશ્ન પર આવી જઇને કહેવાનું મન થાય કે વ્યક્તિ મીમાંશા કરીને એક જોરદાર આત્મકથા બની શકે એમ છે તો રીટાયર્ડ થયા પછી આ કામ કરજો જ સર  please….!


                                                                                                                Ajit Kalaria & Rajshree Kalaria


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો