નવા વર્ષની પ્રભાતે
હું મારી જ સાથે છું....!
નવા વર્ષની પ્રભાતે હું મારી જ સાથે છું....!
નવા વર્ષની પ્રભાત છે અને થોડો નવો મિજાજ છે. હા, આજની સવાર તો હંમેશ જેવી જ છે. ક્યાંક એ જ પક્ષીઓનું વૃંદગાન છે. ક્યાંક દૂર મંદિરમાંથી આવતો એ આરતીનો અવાજ પણ એનો એ જ છે. સૂર્ય પણ એના નિત્યક્ર્મ મુજબ જ એના સમયે જ દેખા દેવાનો છે. કદાચ આંગણામાં આવીને આંટા મારી જતી એ બિલાડી કે ચણ નાખેલા દાણા ખાવા આવતું એ પક્ષી પણ એના નિત્યક્રમ મુજબ આવી જ જવાનું છે. ઘરના દરવાજા પાસે ક્યાંકથી આવી ચડતી ગાય પણ હંમેશ મુજબ આવીને ઉભી રહી જશે - એ જ આશમાં કે ક્યાંક ઘરમાંથી નિકળીને કોઇ મને રોટલી કે કંઇક આપશે ? તો આજની સવારમાં એવું તો શું કંઇક નવું હતું ? કંઇક થોડા પોઝિટીવ વાઇબ્સનો હાઉં હોય એવું લાગે છે. અને કોઇકે કહેલી વાત યાદ આવે છે કે....
”એય, મેરે કારવાં મુઝે મુડકર ન દેખ તું,
મેં આ રહાં હૂં પાઁવ સે કાંટે નિકાલ કે....”
એવો કંઇક મિજાજ છે. આ નવા વર્ષની ઉજવણી તો છેલ્લા છ દિવસથી ચાલુ જ હતી. હા, અગિયારસથી જ ! નાનેરાઓ ક્યાંક ફટકડા ફોડવામાં તો ક્યાંક પોતાના ભાઇ બહેન સાથે રજાઓની લુફ્ત લઇ રહ્યા હતાં. તો મોટેરા ઘર સજાવી રહ્યા હતાં, ક્યાંક આંગણામાં રંગોળી આકાર પામી રહી હતી તો ક્યાંક કોઇક સરસ્વતી કે લક્ષ્મીપૂજનની કે હજુ ગઇકાલે જ કરેલ ચોપડા પૂજનની તૈયારીમાં અનેક વ્યસ્ત હતાં. આ બધુ જ હજુ ગઇકાલે રાત્રે પુરુ થયું ! તો કોઇક પોતાને મળેલ આ રજાઓમાં ફેમિલી સાથે ફરવા નિકળી પડ્યું છે. જુઓને મારો દિકરો કંજ જ અત્યારે ઉટીની સફર પર છે. દર વર્ષે ફટાકડાના અવાજમાં થતા ઉત્તોરતર વધારાને હું મહેસુસ કરતો જાઉં છું અને એક જ પ્રશ્ન યાદ આવી જાય છે કે ઇકોનોમી જે હોય તે માર્કેટમાં પૈસો તો ફૂલ્લી આવ્યો છે. અને વિચાર આવે છે કે ન્યુઝ પેપરની ઇકોનોમીને સાચી ગણવી કે આ ફટાકડાનો અવાજ જે દમ બતાવી રહ્યા છે એને !
હા, ગઇકાલે અમાસ હતી. ચંદ્ર બિલકુલ ન હતો. અને આજે કારતકની સવાર છે. હિંદુ કેલેન્ડર મુજબ નવું વર્ષ ! એમ કહેવાય છે કે રામ ભગવાન આ જ દિવસે અયોધ્યામાં પાછા આવ્યા હતાં. હા, 14 વર્ષ પહેલા અમાસના દિવસે રામ વનવાસે નિક્ળ્યા હતાં એમ પણ તો ગણવું રહ્યું ને ! અને એ જ અમાસ 14 વર્ષ પછી અયોધ્યાવાસીઓ માટે કે સમગ્ર ભારતવર્ષ માટે આજ-દિન સુધી એક મહત્વનો પર્વ બની રહી.
ગઇકાલે રાત્રે ઘરે આવેલી ભાણી તૃષા ફટાકડા ફોડી રહી હતી અને એમાં કોઇક ટેટાનો અવાજ મોટો હતો તો કોઇકનો એકદમ નાનો હતો- તો દૂરથી આવતો કોઇક બોમ્બનો અવાજ ધમધમાટ કરી જનારો હતો. પણ જ્યારે એ રોકેટ કરી રહી હતી ત્યારે મનમાં વિચાર આવી ગયો કે ઉપર તરફ જતું રોકેટ તો ઉર્ધ્વરેતસ ગતિનો નિર્દેશ કરે છે. (આમ તો ઉર્ધ્વરેતસ શબ્દ વૃક્ષની ઉપર તરફ વધવાની વાત માટે વપરાતો હોય છે પણ મને એકદમ જ આ શબ્દ યાદ આવી ગયો.) અમાસની કાળી રાત્રે ઉપર તરફ જઇને જ્યારે એ જ રોકેટ પ્રકાશ ફેલાવે છે અને જે મજાનો નજારો રચાય છે ત્યારે અમાસની એ અંધારી રાત પણ પુનમના એ જાજરમાન પ્રકાશ કરતાં સોનેરી લાગી ઉઠે છે.
હા, હજુ સવારના 6 વાગ્યા છે. ભોભાંખળું થઇ ગયું છે. સૂરજ નારાયણ હજુ કોર કાઢે એને થોડી જ મિનિટોની વાર છે. પણ એ કોર કાઢે એ નયનરમ્ય દ્રશ્ય જોવા તો કોઇક પહાડી પ્રદેશમાં જવું પડે બાકી મારા ઘરની આગાશી એના માટે ઘણી નાની છે. હજુ આવું જ વિચારું છું ત્યાં કાને સાયકલ પર સવાર એક વ્યક્તિની બુમ સંભળાય છે અને એ બુમ આખા વર્ષ દરમ્યાન માત્ર ને માત્ર આ કારતકની સવારે જ આવી ઉઠે છે. હા, એ બુમ સબરસ લઇ લો સબરસ... એ જ હતી. હું મારા રૂમમાં લખવામાં વ્યસ્ત છું અને એ સબરસ વાળો સાયકલ પર સાદ દેતો દેતો મારાથી દૂર ને દૂર જઇ રહ્યો છે અને એની એ બૂમ સબરસ લઇ લો સબરસ .... નો અવાજ અવાજ ધીમો ને ધીમો થતો જ જાય છે અને જાણે અનંત બ્રહ્માંડમાં કોઇ અવાજ કરતો એસ્ટ્રોઇડ મારાથી દૂર જઇ રહ્યો હોય એવું જ કંઇક હું અનુભવું છું !
બસ હવે દરેક ઘર એક તૈયારીમાં જ હશે કોઇક ને મંદિરે જવું હશે, કોઇક ને કોઇક ઓળખીતા વડિલની ઘરે જવું હશે. કોઇક ને મોટા ભાઇ કે બહેનની ઘરે જવું હશે. મને તો આવું કરનારો પ્રત્યેક માણસ એક રીધમમાં જ લાગે છે. એક પોઝિટીવિટીથી ભરપુર માણસ લાગે છે. કારણ કે મળેલી રજા કે ફુરસતને એ કુટુંબ સાથે વહેંચી રહ્યો છે ત્યારે ક્યાંક એના હ્રદયના એક ખૂણામાં ઘરબાયેલું કામનું ટેન્સન કે કોઇક બીજી સામાજિક વાતને એ અતિક્રમી જતો હોય છે ત્યારે એ માણસ મને બુદ્ધ જ લાગી ઉઠતો હોય છે. બાકી મહાભિનિષ્ક્રમણ તો ક્યાંક ને ક્યાંક દરેકના જીવનમાં બનતું જ હોય છે. આવું વિચારું છે ને ત્યારે મને રમેશ આચાર્યની એક કવિતા યાદ આવી જાય છે કે ...
ફિલ્મો હું જોતો નથી એમ નથી
પણ
એમાં ઘટતી ઘટના
વહેલી કે મોડી મારા જીવનમાં
બની ગઇ હોય છે !
મિત્ર પીઠ પાછળ ખંજર હુલાવે
એમાં કશું નવું નથી
ગરીબીને કારણે જ
પ્રિયાએ સ્વિકાર ન કર્યો હોય
એવો હિરો એકલો જ નથી હોતો
શું બુદ્ધ એકલા એ જ મહાભિનિષ્ક્રમણ
કર્યુ છે ?
પત્નિ અને બાળકોને છોડી
મેં પણ કેટલીયવાર
મહાભિનિષ્ક્રમણ કર્યું જ છે
ફેર માત્ર એટલો જ
બુદ્ધ ખરેખર નિકળી શક્યા
જ્યારે હું ફળિયા સુધી પહોંચી
પેશાબ કરી ફરી પાછો સૂઇ ગયો છું.
પંખીઓના ટહુકા અને સબરસ લઇ લો ના અવાજથી શરૂ થયેલ દિવસ જાણે એક એવો સ્પાર્ક આપી જનારો હોય છે કે આ દિવસમાં રહેલો જુસ્સો આખું વર્ષ એમ જ અકબંધ રહેવાનો છે એવું સતત લાગી રહ્યું છે. દરેક માટે ઉજવણીની એક અલગ રીત હોય છે પણ નવા સપનાને આકાર આપી જુસ્સાને બુલંદ બનાવવાનો અભિગમ આ દિવસે જાણે બધા માટે સરખો જ હોય છે. મનમાં સકારત્મક ભાવની આખી એક વણઝાર હોય છે. સમયની મોકળાશ હોય છે અને ઘરના સભ્યોનો સહવાસ હોય છે. નવા અરમાનો હોય છે અને ક્યાંક એ મીઠી સવાર સાથે કોઇક સંકલ્પની પહેલ હોય છે.
સબરસ લઇ લો ની કોઇક બુમથી શરૂ થતો એ દિવસ ક્યાંક ઉત્સાહ અને હરખના અતિરેક સાથે જ્યારે પુરો થશે ને ત્યારે આજે રાત્રીના એ આકાશમાં ક્યાંક પાતળી કોર કાઢી ઉગેલો ચંદ્ર દેખા દેશે અને જાણે એ મને કહેતો હશે કે, જો ને ભાઇ, ગઇ કાલે હું ન હતો પણ આજે તો કંઇક લઇને આવ્યો છું એ કંઇક આવતા પંદર દિવસ સુધી સતત મારામાં વધશે અને પંદરમાં દિવસે હું પૂર્ણરીતે આવીશ અને એ દિવસ પાછો શરદના દિવસનો હશે એટલે હું તો અમી વર્ષા કરનારો બની રહીશ ! અને જાણે પાતળી કોર સાથે દેખા દેતો એ ચંદ્ર પોતાની વાત કરી મને કહે છે કે તું પણ કંઇક એવું કર ને કે આખું વર્ષ તું પણ બસ આમ જ - મારી જેમ જ- સતત ઉગ્યા જ કરે ....! ઉગ્યા જ કરે....! વિસ્તર્યા જ કરે..... ! વિસ્તર્યા જ કરે... ! ક્યાંય સુધી અનંત બ્રહ્માંડના એ અનંત છોર સુધી બસ તું વિસ્તર્યા જ કર.... ! વિસ્તર્યા જ કર... !
અને મને એની વાત સાચી લાગી ઉઠે છે અને મન પોકારી ઉઠે છે કે મારે પણ આમ જ ઉગવું છે અને વિસ્તરવું છે. સતત વધવું છે અને વિસ્તરવું છે. સબરસની એ બુમથી શરૂ થયેલ દિવસ્ અને પાતળી કોર સાથે આવેલ ચંદ્રની એ મુલાકત (વાત) સાથે મારો દિવસ પુરો થશે અને હું આખું વર્ષ આવી જ રીતે સતત વિસ્તરવા... પ્રતિક્ષણ વિસ્તરવા સતત મંડ્યો જ રહીશ એ જ મારા માટે નવું વર્ષ અને એ જ મારા માટે નવી ઇનિંગ....! અને છેલ્લે જતાં જતાં વર્ષો પહેલા શેખર સુમને કહેલો એક શૅર યાદ આવે છે કે
“ અબ કે બરસ ભી કિસ્સે બનેંગે કમાલ કે,
પિછલા બરસ ગયા હૈ કલેજા નિકલ કે...”
Happy New Year !!!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો