મંગળવાર, 5 ઑક્ટોબર, 2021

માણસ અને શ્વાન અનંત જન્મોના સાથી.....!

માણસ અને શ્વાન અનંત જન્મોના સાથી.....!

 

 


काक चेष्टा, बको ध्यानं,स्वान निद्रा तथैव च ।
अल्पहारी, गृहत्यागी,विद्यार्थी पंच लक्षणं ॥

વિદ્યાર્થીને કેળવવા માટે કહેવામાં આવેલ આ પાંચ લક્ષણોમાં એક લક્ષણ શ્વાન જેવી નિદ્રાંનું પણ છે ! હા, એ જ શ્વાન કે જેને ક્યારેક આપણે કૂતરો કહીને ધુત્કારીને ભગાડી મુકીએ છીએ- કે ક્યારેક કોઇક દયાભાવ સાથે એ જ શ્વાન માટે ઘરમાંથી કંઇક ખાવાનું પણ આપીએ છીએ.

ટુંકમાં ગલીમાં રખડતો અને ક્યાંક સ્વિકાર પામતો, તો  ક્યાંક .... હટ્ટ ની બૂમ થી ધૂત્કારાતો શ્વાન આપણા માટે માત્ર કૂતરો બનીને રહી જાય છે. અને છતાં હડધૂત થાતો કૂતરો કાયમ ક્યાંકથી આંગણે એકાદ રોટલી કે કંઇક ખાવાની શોધમાં આવી જતો હોય છે. અને એને, હા ટીલીયો, કાળિયો કે ટાઇગર જેવા નામથી બોલાવાતા ગલીના અજાણ્યા શ્વાનને તમારી દાતારીની જો થોડી પણ મજા આવીને તો સમય આવ્યે વફાદારી બતાવી પ્રાણ ન્યોછાવર કરતાં પણ સહેજે અચકાશે નહી. બાકી ભલે ગલીમાંથી તમે રોજે રોજ નિકળતા હો છતાં તમારા બાઇક કે કારની પાછળ રાત્રીના અંધારા વચ્ચેના સન્નાટામાં તમારી પાછળ દમ લગાવીને દોડશે ! આપણી પાછળ દોડતો કે પોતાના વિસ્તારમાં આવી ચડેલ બીજા કોઇ અનજાન જીવને જોઇને સતત ભસતો કે સરહદ પર એક સૈનિકની જેમ રક્ષા કાજ પ્રાણ ન્યોછાવર કરનારો કે ઇન્વેસ્ટીગેટીંગ ટીમ સાથે રહીને પોતાની સતેજ ધ્રાણેન્દ્રિયથી પ્રતિક્ષણ મદદ કરનાર શ્વાનના પૂર્વજો  તો આપણને  ક્યાંક પાંચ પાંડવ સાથે સ્વર્ગારોહણની યાત્રા સુધી જાય છે તો ક્યાંક saluki પ્રજાતિના શ્વાન ના મૂળિયા ઇજિપ્તના પિરામિડ સુધી લઇ જાય છે. હા, પ્રજાતિના શ્વાનને મમીફાઇડ પણ કરાયો હતો એવો પુરાવો પણ મળેલ છે.  તો વળી આમની નજીકની ગણાતી મજાની બીજી એક પ્રજાતિ એટલે Afghan Hound, એમનો પરાપૂર્વનો ઇતિહાસ છેક 8000 વર્ષ પાછળ લઇ જાય છે. છતાં સૌથી પ્રાચીન પ્રજાતિના નામમાં તો મધ્ય આફ્રિકામાં જોવા મળતા Basenji અને જાપાનમાં જોવા મળતા Akita Inu નું જ નામ આવે. આજે દુનિયામાં Akita Inu ની બે મુખ્ય પ્રજાતિ છે એક જાપાનિઝ Akita Inu અને બીજી અમેરિકન Akita Inu.  અમેરિકન Akita Inu અમેરિકામાં આવ્યા એનો સંપૂર્ણ શ્રેય  Helen Keller ને જ જાય છે કારણ કે એમના થકી જ સૌ પ્રથમ બે  Akita Inu અમેરિકામાં પ્રવેશ પામ્યા અને આખો વંશવેલો ચાલ્યો. બધાની વચ્ચે એક વાત સ્વિકારવી રહી કે  ઐતિહાસિક આંકડા મુજબ જોવા જઇએ તો એમ કહેવાય છે કે આજથી 30 -32 હજાર વર્ષ પહેલા યુરોપિયન હંટરના રૂપમાં ફરી રહેલા માનવની સામે જ્યારે વરૂની એક પ્રજાતિ આવી ત્યારથી માણસ અને શ્વાનના સંબંધની એક શરૂઆત થઇ હતી. વરૂની પ્રજાતિમાંથી આવેલ શ્વાન સદીઓથી આપણા નિવાસની અને આપણી રક્ષા કરતાં રહ્યા છે તો આપણા ઘરના, ખેતરના કે ચોક્ક્સ સરોસામાન માટેના  ખરા રક્ષક સાબિત થયા છે. સદીઓથી શિકાર માટે માણસ શ્વાનનો સહારો લેતો આવ્યો છે અને એમને સતત પોતાના કામ માટે અલગ અલગ રીતે ટ્રેઇન કરતો રહ્યો છે.

હા, આપણે વાત કરતાં હતાં Akita Inu ની તો એક મજાની વાત યાદ આવે છે આ પ્રજાતિના શ્વાનની !!!!! લો ... સાંભળો......

 Hidesaburō Ueno નામના એક પ્રોફેસર Tokyo Imperial University ના ખેતીવાડી ખાતામાં ભણાવતા હતાં અને એક દિવસ પોતાના ટાઉન  Shibuyaમાં Hachikō નામના Akita Inu પ્રજાતિના એક શ્વાનને લેતા આવ્યા. પ્રોફેસર દરરોજ ભણાવવા જતા ત્યારે ટ્રેનમાં જતાં અને Hachikō એમની સાથે Shibuyaના રેલ્વે સ્ટેશન સુધી કાયમ આવતો અને સાંજે એમની સાથે પાછો ફરતો. આ નિત્યક્રમ સતત May 21, 1925 સુધી સતત ચાલ્યો. પણ, May 21, 1925 ના દિવસે કોલેજમાં ભણવતા ભણાવતા જ પ્રોફેસરનું મૃત્યુ થયું અને એ પાછા આવ્યા જ નહી. પરંતુ પછીના 9 વર્ષ 9 મહિના અને 15 દિવસ સુધી Hachikō જીવ્યો ત્યાં સુધી પોતાના માલિકને શોધવા એ અચુક સમયસર રેલ્વે સ્ટેશન પર આવી જતો અને ટ્રેનમાંથી ઉતરતા ચહેરાઓમાં પોતાના માલિકને ક્યાંક સતત શોધતો. આમાં કેટલાક એના ચાહક પણ બન્યા અને એના મૃત્યુબાદ એ જ સ્ટેશન પર Hachikō નું એક મજાનું સ્ટેચ્યુ મુકાયુ ! પણ આ સમય વચ્ચે પણ એક બીજી મજાની કહાની બની કે આ Hachikō ને રોજ આવતો અને જતો જોવા વાળી રેલ્વે સ્ટેશન પરની વ્યક્તિઓના લિસ્ટમાં પ્રોફેસરનો એક વિદ્યાર્થી પણ હતો અને એણે ઘર સુધી જઇને Hachikō ની કહાની જાણી અને એણે Akita breed પર સંશોધન ચલાવ્યુ તો જાણવા મળ્યું કે આ પ્રજાતિના માત્ર 30 જ પ્યોર Akita બચ્યા છે જેમાંનો એક Hachikō પણ હતો. અને એણે આખી સ્ટોરી મજાની રીતે પબ્લીસ કરી અને Hachikō રાતો રાત આખા જાપાનમાં પ્રખ્યાત થઇ ગયો. અને Hachikō નિષ્ઠાનો સમર્પણનો એક પર્યાય બની રહ્યો. આજે પણ એ રેલ્વે સ્ટેશન પર Hachikō નું એક મજાનું સ્મારક સચવાયેલું છે. આવા અનેક  Hachikō ની કહાની દુનિયાના અનેક ગામડા ગામમાં પણ મળી આવે તો ક્યાંક શહેરમાં તો ક્યાંક પોલિસ ખાતાના સાચા સમર્થક સમા આ શ્વાનની તો વાત જ શું કરવી. માણસ કરતાં શ્વાનની ધ્રાણેન્દ્રિયો લગભગ લાખ ગણી વધારે હોય છે. અને એટલે જ તો એ હંમેશા સર્ચ મિશનના મસિહા ગણાતા હોય છે.

 

અરે એ પણ યાદ છે ને કે 3 નવેમ્બર 1957  ના રોજ સ્પુટનિક 2 માં બેસીને જનારો પહેલો પૃથ્વી પરનો પ્રથમ સજીવ એ શ્વાન લાઇકા જ હતો. જે એક ટેરિયર બ્રિડનો હતો. માણસ જાતના સૌથી વફાદાર અને ઉપયોગી એવા આ જીવને આપણી હિંદુ પરંપરામાં ભગવાન દત્તાત્રેયનું એક સ્વરૂપ માનવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રોમાં ક્યાંક ચોક્ક્સ પણે કહેવાયું છે કે जीवेषु करुणा चापि मैत्री तेषु विधीयताम् । દરેક જીવ પ્રત્યે હંમેશા કરૂણાવાન અને મૈત્રીપૂર્ણ રહેવું. અને જ્યારે આપણા ગામડા ગામમાં શેરીમાં કોઇક કૂતરી વિંયાય અને શિરો બનાવીને ખવડાવાતો હોય છે ત્યારે જાણે સંસ્કૃતનું આ સુભાષિત જીવાતું હોય એની પ્રતિતિ થઇ ઉઠતી હોય છે. 

અરે, નવા વૈજ્ઞાનિક સંશોધન મુજબ તો એમ પણ તારણ આવ્યું છે કે જ્યારે તમે ઘરે આવો છો અને તમારા પાળેલા શ્વાનને જુઓ છો ત્યારે તમે  “feel-good vibes” સાહજીક પણે અનુભવો છો. આવું થવા પાછળનું મુખ્ય કારણ શરીરમાં “love hormone” - oxytocin ના એક્ટીવ થવા પાછળનું છે. જ્યારે આપણે આપણે શ્વાન સાથે સંપર્કમાં આવીએ છીએ ત્યારે આપણા શરીરમાં oxytocin નું પ્રમાણ વધી જાય છે અને આપણે “feel-good vibes” અનુભવીએ છીએ. અરે, આવા રિસર્ચનો આંકડો તો ત્યાં સુધી લઇ સાબિતી આપે છે કે શ્વાન સાથે દોસ્તી રાખનારા માલિકોનું બ્લડ પ્રેસર અને કોલેસ્ટ્રોલ લેવલ હંમેશા નોર્મલ રહે છે. તો બીજી બાજુ એક સ્ટેટિસ્ટિકલ ડેટા એમ પણ કહે છે કે શ્વાનને રાખનારા 54 % માલિકો ક્યાંક ફિઝિકલ એકટીવીટીને અનુસરનારા ફીટ વ્યક્તિ હોય છે. અરે, સ્ટેટિસ્ટિકલ ડેટા તો એ પણ બતાવે છે કે જો કોઇ બાળકને autism છે તો એનું કોઇ પાલતું પ્રાણી (શ્વાન ખાસ) સાથેનું રૂટીન એને એમાંથી બહાર લાવી શકે છે. University of Missouri in Columbia ના 2015 ના સર્વે મુજબ જો આવું બાળક ઘરે કોઇ શ્વાન સાથે રહે છે તો એની હકારાત્મક અસરનો ગ્રાફ ખુબ જ ઊંચો જોવાયો હતો. ટુંકમાં બિનશરતી અને અથાક પ્રેમના પર્યાય એવા શ્વાનની જો જીવનમાં કંપની હોય તો anxiety અને depression જેવી હરકતો જોજનો દૂર રહે છે.

આ વિશ્વમાં જુદી જુદી બ્રીડના કુલ કેટલા શ્વાન ???? તો જવાબ છે કે.... Fédération Cynologique Internationale (FCI) કે જેની પાસે સમગ્ર વિશ્વના જુદી જુદી બ્રીડના બધા જ શ્વાનનો રેકોર્ડ છે એના એ રેકોર્ડ મુજબ 339 જુદી જુદી શ્વાનની પ્રજાતિઓ છે. જેમાં એના કદના આધારે, કામના આધારે કે એના દેખાવના આધારે 10 અલગ – અલગ ભાગમાં વર્ગીકૃત કરી દેવાયા છે. અને એમાં પણ પાછા અનેક ભાગમાં એમને જુદી જુદી રીતે ઓળખવા પડે એટલું લાંબુ લિસ્ટ બને છે. પણ જો મુખ્ય 10 ભાગમાં વિભાજીત બ્રીડનો પરિચય મેળવીએ તો 1) Sheepdogs and Cattle Dogs 2) Pinscher and Schnauzer 3) Terriers 4) Dachshunds 5) Spitz and Primitive Types 6) Scenthounds and Related Breeds 7) Pointers and Setters 8) Retrievers, Flushing Dogs, Water Dogs 9) Companion and Toy Dogs 10) Sighthounds.

આ બધામાં કેટલાક કામણગારા હોય છે, તો કેટલાક આળસુ હોય છે. કેટલાક સહજતાથી કંઇક શીખી લેનારા હોય છે, તો કેટલાક હઠીલા હોય છે. કેટલાક ભસનારા હોય છે, તો કેટલાક સાવ શાંત હોય છે. કેટલાક દાંત બતાવી કરડી ખાનારા હોય છે, તો કેટલાક સતત આપણા ખોળામાં બેસવાના શોખીન હોય છે. કેટલાક નિયમ મુજબ જ વર્તન કરનારા હોય છે, તો કેટલાક મિજાજી હોય છે. કેટલાક આપણને મોટીવેટ કરનારા હોય છે, તો કેટલાકને જોઇને ભાગી જવાનું મન થાય એવા હોય છે. કેટલાકને વખાણો એટલે તરત જ રાજીપો વ્યક્ત કરનારા તો કેટલાક સુગ ચડેલા પણ ખરા ! કેટલાક કરડી ખાનારા હોય છે, તો કેટલાક અનેરા પ્રેમના પર્યાય સમા હોય છે. કેટલાક એકદમ પ્લેફૂલ હોય છે, તો કેટલાક સાચવ્યા પણ ન સચવાય એવા વસમા!!! કેટલાક એકદમ સુંદર કે જોવો ને રમાડવાનું કે લઇ જવાનું મન થાય એવા, તો કેટલાક ગંધાતા ગોબરા જેવા. કેટલાક સિંહ જેવા કદાવર હોય છે તો કેટલાક હાથની હથેળીમાં સમાઇ જાય એવા રમકડા જેવા !!!

જે હોય તે આ પ્રજાતિ ક્યાંક કોઇક એક્લવ્ય જેવાનો ભોગ બની છે તો ક્યાંક માણસ જાત માટે બોમ્બ સ્ક્વોર્ડના મસિહા સાબિત થઇ છે. આ બધાની વચ્ચે ક્યાંક આપણી સાથેનો એનો આનંદ રમતના સમયે એની આનંદિદતા- કંઇક નવું કરી લેવાની એની ઉત્સુકતા જાણે આપણા ઉદ્ધતાઇ ભર્યા વર્તન અને ખારાશને દૂર કરી દેવા માટે પૂરતાં હોય છે. શ્વાન પાસેથી માણસજાતે જો કોઇ સૌથી મોટી ગિફ્ટ મેળવી હોય તો હું એને એની માયાળુતા ગણીશ ! હા, જો એ તમારી સાથે સંપૂર્ણ રીતે ભળી ગયો અને તમને સમજી ગયો તો એમનાથી માયાળુ જીવ આ જગતમાં બીજો કોઇ મળવા મુશ્કેલ છે. ક્યાંક પોતે ખુશ થવા તો ક્યાંક સામેના પોતાના માલિકને ખુશ કરવા સતત તત્પર રહેતા શ્વાનની કહાની ક્યાંક હસ્કીના રૂપે તો ક્યાંક ટેરિયરના રૂપે તો ક્યાંક પગ કે હગના રૂપે તો ક્યાંક આલ્સિસિયનના રૂપે તો ક્યાંક તિબેટીયન માસ્ટિફના રૂપે તો ક્યાંક લેબ્રેડોરના રૂપે તો ક્યાંક કોઇક હાઉંન્ડના રૂપે તો ક્યાંક જર્મન શેફર્ડના રૂપે આ દુનિયાના કોઇકને કોઇક છેડે સતત પ્રતિક્ષણ આકાર પામતી રહેતી હોય છે અને અનંત વર્ષો સુધી એ એમ જ વિસ્તરતી જવાની !!!!